Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View : બંગાળમાં SIRનું બ્રહ્માસ્ત્ર ચાલી ગયું:'નકલી' મતદારો ગાયબ થયા ને મમતાએ ગઢ ગુમાવ્યો; દીદીનો નવો ધડાકો, હું રાજીનામું નહીં આપું; બંગાળમાં હવે શું?

    13 hours ago

    બંગાળના પરિણામોથી અકળાયેલાં મમતા બેનર્જી આજે એવું બોલ્યાં કે, અમે હાર્યા નથી. અમને હરાવવામાં આવ્યા છે. ભાજપે SIRના નામે અમારી 100 સીટ લૂંટી લીધી. હું રાજીનામું આપવાની નથી. SIRના કારણે મમતા હજુ પણ ભડકેલાં છે. બંગાળ ચૂંટણી જીતવા ભાજપ પાસે SIR નામનું બ્રહ્માસ્ત્ર હતું. SIR એટલે સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝન. મૃત, નકલી કે સ્થળાંતર થયેલા મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવાં. ભાજપે બંગાળમાં SIR પર દિવસ-રાત કામ કર્યું. બીજી તરફ મમતા બંગાળમાં નેરેટિવ સેટ કરવામાં પડ્યાં હતાં કે ભાજપ SIRથી તમારા અધિકારો છીનવી લેશે. તેને વોટ ન આપતા. આના માટે મમતાએ આંદોલનો કર્યા, દિલ્હી સુધી ગયાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ લાવવાની વાત કરી... બધી તાકાત અજમાવી જોઈ પણ મમતાના કહેવાતા નકલી બાંગ્લાદેશી વોટર્સના નામ કપાઈ ગયા. ભાજપને તેના બ્રહ્માસ્ત્રએ જીત અપાવી. આખરે બંગાળમાં SIR કેવી રીતે કામ કરી ગયું, SIRનો ડર કેમ ન ચાલ્યો, આજે તેની વાત કરીએ... નમસ્કાર, 28 ઓક્ટોબર 2025થી પશ્ચિમ બંગાળ સહિત દેશના 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા શરૂ થઈ હતી. 1 નવેમ્બરથી બંગાળમાં મતદારોની ચકાસણી શરૂ થઈ. બંગાળમાં 80 હજાર BLO, 8 હજાર સુપરવાઈઝર, 3 હજાર આસિસ્ટન્ટ ઈલેક્શન ઓફિસર કામે લાગી ગયા. કોઈના સ્ટ્રેસથી મોત થયા ને કોઈએ કામના દબાણમાં આત્મહત્યા કરી લીધી. એકલા બંગાળમાં જ SIR પ્રક્રિયાના કારણે 39 મોત થયાં. મમતાએ આને જ મુદ્દો બનાવી દીધો. મમતાએ ત્યારે મુર્શિદાબાદની રેલીમાં કહ્યું હતું કે, SIRના બહાને BJP પશ્ચિમ બંગાળમાં ડિટેન્શન કૅમ્પ ખોલવા માંગે છે. હું આવું થવા નહીં દઉં. પહેલા એ જાણો ચૂંટણી પહેલા મમતાએ SIRનો કેવી રીતે વિરોધ કર્યો હતો? ચૂંટણીની જાહેરાતના 2 દિવસ પહેલા 13 માર્ચે TMCની આગેવાની હેઠળ વિપક્ષે સંસદમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી. આઝાદી પછી આવું પહેલીવાર થયું કે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ લાવવાની માગ થઈ હોય. TMCએ 10 પાનાની આ નોટિસમાં જ્ઞાનેશ કુમારને CECના પદ પરથી હટાવવા માટે 7 કારણો આપ્યા. મમતાએ આરોપ લગાવ્યો કે SIRના નામે ભાજપ પશ્ચિમ બંગાળના સામાન્ય લોકોના વોટ કાપીને ચૂંટણી જીતવા માગે છે. ભાજપે જવાબ આપ્યો કે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા મતદાર યાદીમાંથી નકલી મતદારોને હટાવવા માટે જરૂરી છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં 'રોહિંગ્યા ઘૂસણખોરો' છે જેમને મમતા સરકાર સપોર્ટ આપે છે. SIR વિરૂદ્ધ નેરેટિવ સેટ કરવા મમતા દિલ્હી સુધી ગયાં. સુપ્રીમ કોર્ટમાં પોતે લડ્યાં. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફાઈનલ મતદાર યાદીની તારીખ 28 ફેબ્રુઆરી 2026 નક્કી થઈ. 28 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી પહેલી ફાઈનલ મતદાર યાદીમાં 64 લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા હતા. મમતા બેનર્જી દિલ્હી જઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પણ મળ્યાં. તે પોતાની સાથે એવા 5 મતદારોને લઈ ગયા હતા, જેમને SIR હેઠળ મતદાર યાદીમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મમતાએ બંગાળમાં રસ્તાઓ પર બેનરો સાથે રેલી કાઢી, SIR વિરુદ્ધ સભાઓ ગજવી. બંગાળમાં SIR પછી શું થયું? SIRમાં મતો કપાયા, તેની સામે મત ગણતરીનું ગણિત બંગાળના 147 મતવિસ્તારોમાંથી 25,000 થી વધુ નામો ડિલીટ કરવામાં આવ્યા હતા. આમાંથી મોટો હિસ્સો ભાજપને ગયો. પાર્ટીએ આ 147 બેઠકોમાંથી 95 બેઠકો જીતી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે લગભગ અડધી, 51 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ફક્ત એક જ જીતી હતી. 15,000 થી 25,000 ની વચ્ચે કાઢી નાખવામાં આવેલી 67 બેઠકો પર ભાજપ ફરીથી વિજેતા તરીકે ઉભરી આવ્યો. આમાંથી ભાજપે 47 બેઠકો જીતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 19 બેઠકો અને કોંગ્રેસે 1 બેઠક જીતી. 5,000-15,000ની વચ્ચેની 62 બેઠકોમાંથી ભાજપે 50 જીતી અને બાકીની તૃણમૂલ કોંગ્રેસે જીતી. 5,000થી ઓછી બેઠકો ધરાવતી બધી 13 બેઠકો ભાજપે જીતી. હવે આ ગ્રાફિક્સથી બંગાળમાં SIRનું ગણિત સમજો... SIRમાં 47 લાખ મતદારો ડિલીટ થવાનો ફાયદો BJPને SIRમાં કુલ 91 લાખ નામ કપાયા છે. આમાં 47 લાખ મૃત લોકોના છે. જો આને આધાર બનાવીને ગણિત સમજીએ તો આ વખતે BJPને 208 સીટ સાથે બહુમતી મળી છે. જ્યારે TMC 82 સીટોમાં સમેટાઈ ગઈ. પશ્ચિમ બંગાળના મતદારોમાં SIRનો ડર TMCની તરફેણમાં ગયો નહીં. હકીકતમાં ગ્રાઉન્ડ પર એવી અફવા ફેલાઈ હતી કે વોટર લિસ્ટમાંથી નામ કપાયા બાદ નાગરિકતા પણ જઈ શકે છે. જેમના નામ વોટર લિસ્ટમાં બચી ગયા તેમણે આ જ ડરથી કોઈપણ કિંમતે 100% વોટ નાખવાની કોશિશ કરી. આ બમ્પર વોટિંગનો ફાયદો ભાજપને મળ્યો. પોલિટિકલ એનાલિસ્ટ દેબાંજન બેનર્જીએ BJPની જીતનું ગણિત સમજાવ્યું. તેમના મતે, 'છેલ્લી બે ચૂંટણીઓમાં TMCને આશરે 2.86 કરોડ અને BJPને 2.26 કરોડ વોટ મળ્યા હતા. એટલે કે TMC લગભગ 60 લાખ વોટથી આગળ હતી. હવે SIR માં આશરે 47 લાખ મૃત લોકોના નામ લિસ્ટમાંથી હટી ગયા. માનવામાં આવે છે કે આમાંથી મોટાભાગના TMCના સમર્થકો હતા. મૃત વોટરના નામે પણ TMCને મત મળી જતા હતા. આ વખતે મૃત વોટર નીકળી ગયા એટલે ભાજપને સીધો ફાયદો થયો. અસલી ખેલ એ બેઠકો પર થયો જ્યાં બહુ ઓછા માર્જિનથી જીત-હાર થાય છે. 2021 વિધાનસભા ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો 30 બેઠકો પર 1000થી ઓછા વોટથી જીત-હાર નક્કી થઈ હતી. જ્યારે 50 બેઠકો પર બે થી પાંચ હજાર વોટનું અંતર હતું. 100 બેઠકો પર વોટનું અંતર 5 હજારથી 10 હજારની વચ્ચે હતું. 47 લાખ વોટ ઓછા થતાં જ બેઠકોના પરિણામો પલટાઈ ગયું ને ભાજપને સીધી 150 સીટનો ફાયદો થયો. ભાજપે SIR સાથે ઘૂસણખોર શબ્દ જોડી દીધો ને લોકોમાં ભય ઊભો થયો બંગાળમાં SIRમાં વધારે નામ ગ્રામીણ વિસ્તારોમાં કપાયા. આ અંગે પોલિટિકલ એનાલિસ્ટ ડૉ. સિબાજી પ્રતીમ બસુ કહે છે, 'વોટર લિસ્ટમાંથી નામ કપાવા પર ચૂંટણી પંચે માત્ર એટલું જ કહ્યું હતું કે મામલો માત્ર SIR સાથે જોડાયેલો છે. BJPએ આને ઘૂસણખોર શબ્દ સાથે જોડી દીધો. આનાથી લોકોના મનમાં નાગરિકતા જવાનો ડર છે. બાંગ્લાદેશી કહીને દેશની બહાર કરી દેવામાં આવશે. એવો ડર પણ હતો કે તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ છીનવાઈ જશે. પછી તેઓ બંગાળની બહાર જઈને કેવી રીતે કામ કરશે. સીનિયર જર્નાલિસ્ટ સુમન ભટ્ટાચાર્ય પણ માને છે, SIRના લીધેથી વોટ ટકાવારી છેલ્લી વખત કરતાં વધી છે. તેનો ફાયદો ભાજપને મળ્યો છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં SIRએ બાજી પલટી નાખી SIR પ્રક્રિયા દરમિયાન મોટાભાગના ડુપ્લીકેટ કે નકલી નામ મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી કપાયા. મુર્શિદાબાદ જિલ્લામાં 4.55 લાખથી વધુ નામ કાઢી નાખવામાં આવ્યા. ઉત્તર 24 પરગણામાંથી 3.25 લાખ અને માલદામાંથી 2.40 લાખ વોટર્સના નામ હટાવી દેવામાં આવ્યા. 2021માં મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસે 22 માંથી 20 બેઠકો જીતી હતી. આ વખતે તે ઘટીને ફક્ત 9 થઈ ગઈ. એ જ બતાવે છે કે SIRના કારણે લઘુમતી મતોનું મોટાપાયે વિભાજન થયું છે. ઉત્તર 24 પરગણામાં પણ આ જ વલણ જોવા મળ્યું. 2021માં આ જિલ્લાની 33 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસે 28 બેઠકો જીતી હતી. જે આ વખતે ઘટીને ફક્ત 8 થઈ ગઈ. 2021માં માલદાની 12 બેઠકોમાંથી TMCએ 8 જીતી હતી. આ વખતે 6 જ જીતી છે. બાકીની ભાજપે જીતી હતી. મમતા બેનર્જીએ કહ્યું, હું રાજીનામું નહીં આપું; હવે શું થશે? ચૂંટણીમાં જંગી હાર બાદ મમતા બેનર્જી અકળાયાં છે. મમતા સત્તા વગર રહી શકે નહીં. તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે ભાજપે SIR લાવીને અમારી 100 બેઠકો લૂંટી લીધી છે. હવે અમારી લડાઈ ભાજપ સાથે નહીં પણ ચૂંટણી પંચ સાથે છે.અમે હાર્યા નથી. અમને હરાવવામાં આવ્યાં છે. આ લોકશાહીની હત્યા છે. મત ગણતરી ચાલતી હતી ત્યારે મને જવા ન દીધી, મને લાતો મારવામાં આવી... હું રાજીનામું આપવાની નથી. છેલ્લે વાત SIRની જ તો એક રસપ્રદ કિસ્સો બન્યો છે. વાત એમ છે કે બંગાળમાં SIRમાં મોહતાબ શેખનું નામ મતદાર યાદીમાંથી ટેકનિકલ કારણોથી નીકળી ગયું. મોહતાબ શેખ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના હતા. તેમણે પોતે ભારતીય નાગરિક છે તેવા તમામ પુરાવા ભેગા કર્યા ને પહોંચી ગયા સુપ્રીમ કોર્ટ. CJIએ એપેલેટ ટ્રિબ્યુનલમાં તપાસ કરવા આદેશ આપ્યો. એપેલેટ ટ્રિબ્યુનલે પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ તપાસ્યા ને માન્ય મતદાર જાહેર કર્યા. 27 લાખ મતદારોએ સુપ્રીમમાં અરજી કરી છે તેમાંથી આ પહેલો કેસ હતો જેની અરજી મંજૂર થઈ. મજાની વાત એ છે કે મોહતાબ શેખનું નામ મતદાર યાદીમાં દાખલ થયું. ફરક્કા સીટ પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા ને ભાજપના ઉમેદવાર સુધીર ચૌધરીને 8 હજાર મતોથી હરાવીને જીતી ગયા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    દાવો- અમેરિકી વિમાન કતારના એરસ્પેસમાંથી લાપત્તા:ઈમરજન્સી સિગ્નલ આપીને રડારમાંથી ગાયબ થયું; ઈરાની એજન્સીએ કહ્યું- આમાં અમારો વાંક નથી
    Next Article
    હળવદ યાર્ડ પાસે અકસ્માત સર્જતા કારમાલિકનો ભાંડો ફૂટ્યો:બેંકના રિકવરી એજન્ટથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવી, કાર ચાલકની બે અર્ટિકા સાથે ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment