Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: રામ મંદિરમાં ચોરી, મોદી એક્શનમાં:અલગ-અલગ ત્રણ રીતે સિસ્ટેમેટિક ખેલ પડ્યો, RSS-VHPની વર્ચસ્વની લડાઇ સામે સવાલ, માસ્ટર માઇન્ડ કોણ? 50 કર્મચારી રડારમાં

    9 hours ago

    "લોકો માનતા હતા કે રામ મંદિરની સ્થાપનાથી ભારતમાં સુવર્ણ યુગ આવશે, પરંતુ અહીં તો ચારેબાજુ ચોર છે." આ શબ્દો છે શ્રી રામ મંદિર વિસ્તારના 45 વર્ષના લોકલ વિક્રમ તિવારીના. જ્યારે તે રામ મંદિરમાં ચાલતા ગોટાળાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે પહેલા તો તેમની મજાક ઉડાવી અને પછી તેમને એમ કહીને ભગાડી દીધા કે તપાસ ચાલુ છે ચિંતા ન કરો. પણ સવાલ થાય કે ફરિયાદ કર્યા વગર જ કેવી રીતે પોલીસે તપાસ ચાલુ કરી દીધી? એડિટર્સ વ્યૂમાં આજે જે વાત કરવાના છીએ તે કરોડો લોકોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ સાથે સીધી જોડાયેલી છે. ભારતમાં અત્યારે શ્રી રામ મંદિરના દાનમાં આવેલા કરોડો રૂપિયાની રકમમાં કથિત ચોરી થઈ કે વહિવટમાં ગરબડ થઈ? આ સવાલ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ પણ છે કે મંદિરનું દાન મોટું કે મતનું દાન મોટું? સાથે જ એ પણ જાણવું છે કે ગેરરીતિના આક્ષેપો તો વર્ષોથી લાગી રહ્યા છે તો અત્યારે જ કેમ આ મુદ્દો નેશનલ લેવલે ચર્ચામાં આવી ગયો? શું આના લીધે આવનાર વર્ષે યૂપીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં ભાજપ કે RSSને મોટો ઝટકો લાગવાનો છે? નમસ્કાર... અયોધ્યાનું શ્રી રામ જન્મભૂમિ મંદિર માત્ર ઈંટો અને પથ્થરોથી બનેલી કોઈ સામાન્ય ઈમારત નથી. તે ભારતના કરોડો લોકોની લાગણીઓનું, 500 વર્ષના લાંબા ઐતિહાસિક સંઘર્ષનું અને અનેક પેઢીઓના બલિદાનનું જીવતું સિમ્બોલ છે. દાયકાઓ સુધી કોર્ટના દરવાજા ખખડાવ્યા પછી, છેલ્લે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટનું એ હિસ્ટોરિકલ જજમેન્ટ આવ્યું જેણે હિન્દુ પક્ષને આ વિવાદિત જમીન સોંપી. આટલા વર્ષોની રાહ જોયા પછી લોકોના હૈયાં હરખાઈ ઉઠ્યા હતા. ભારત સરકારે પણ સત્વરે પગલાં લઈને ફેબ્રુઆરી 2020માં મંદિર સ્થાપવા અને તેના મેનેજમેન્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવ્યું. પછી, 22 જાન્યુઆરી 2024નો એ સુવર્ણ દિવસ આવ્યો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અબજો રૂપિયાનું દાન અને મેનેજમેન્ટનો મોટો પડકાર પ્રાણ પ્રતિષ્ઠા પછી તો જાણે અયોધ્યામાં ભક્તિનો મહેરામણ ઉમટી પડ્યો. લોકોની આસ્થા એટલી બધી પ્રબળ હતી કે માત્ર થોડા જ મહિનાઓમાં 15 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કર્યા. એક સામાન્ય મજૂરથી લઈને દેશના મોટા ઉદ્યોગપતિઓએ ખુલ્લા હાથે દાન આપ્યું. આ નાણાકીય આંકડાઓ એટલા વિશાળ છે કે કોઈ પણ સામાન્ય વહીવટી તંત્રને ચક્કર આવી જાય. જ્યારે આટલી મોટી માત્રામાં રોકડ રકમ આવતી હોય, ત્યારે તેની જાળવણી કરવી એ બહુ મોટી જવાબદારી બની જાય છે. લોકોએ પોતાના પરસેવાની કમાણી ભગવાનના ચરણે ધરી હતી, એ વિશ્વાસ સાથે કે આ પૈસા સારા કામમાં વપરાશે. પણ કમનસીબે, આ વિશ્વાસ પર બહુ જલ્દી એક મોટો પ્રહાર થવાનો હતો. જૂન 2026: જ્યારે આસ્થા પર સૌથી મોટો આઘાત લાગ્યો બધું એકદમ સરસ મજાનું ચાલી રહ્યું છે એવો દેશનો ભ્રમ જૂન 2026ના પહેલા અઠવાડિયામાં તૂટી ગયો. અયોધ્યાની શેરીઓમાં અચાનક એવી વાતો વહેતી થઈ કે રામ મંદિરમાં જે દાન આવે છે, તેમાં મોટા પાયે ચોરી થઈ રહી છે. શરૂઆતમાં આ વાતો દબાયેલા અવાજે થતી હતી, પણ 7 જૂન 2026ના રોજ આ ચિનગારીએ રાષ્ટ્રીય સ્તરે ભડકાનું સ્વરૂપ લીધું. અખિલેશ યાદવનો ધડાકો અને શંકાના વાદળો સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે સીધો આરોપ લગાવ્યો કે રામ મંદિરમાં ભક્તો દ્વારા અપાયેલા અંદાજે ₹200 કરોડ રૂપિયા ગુમ થઈ ગયા છે. આ આરોપ કોઈ નાનો સૂનો નહોતો. આ ધડાકા પછી આખા દેશમાં ખળભળાટ મચી ગયો. ટ્રસ્ટ માટે આ અત્યંત શરમજનક સ્થિતિ હતી. ભારે દબાણ વચ્ચે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તરત જ બચાવમાં નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓની હાજરીમાં નિયમિત ઓડિટ થાય છે અને કોઈ જ ચોરી થઈ નથી. પણ, દેશની જનતા અને વિપક્ષો આ ગોળ-ગોળ જવાબથી સંતુષ્ટ નહોતા. લોકો સમજી ગયા હતા કે આ માત્ર અફવા નથી. ટૂંક સમયમાં જ મંદિરના નાના કર્મચારીઓની વધેલી સંપત્તિ અને એક અંદરના જ વ્યક્તિના ખુલાસાઓએ સાબિત કરી દીધું કે દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. આ ચોરી કઈ રીતે થઈ અને સિસ્ટમમાં ક્યાં છીંડા હતા, તેનું ઊંડું ગણિત હવે બહાર આવવાનું હતું. કૌભાંડનું નેટવર્ક: આખરે ચોરી કઈ રીતે થઈ? જ્યારે અબજો રૂપિયા રોકડા આવતા હોય, ત્યારે તેની ગણતરી માટે બહુ મજબૂત અને ટ્રાન્સપેરેન્ટ સિસ્ટમ હોવી જોઈએ, જે અહીં નહોતી. રામ મંદિરમાં મુખ્ય ગર્ભગૃહ અને દર્શન માર્ગ પર લગભગ ચાર ડઝન જેટલી દાન પેટીઓ મૂકવામાં આવી છે. દિવસના અંતે આ બધી પેટીઓમાંથી રોજબરોજ રોકડ ભેગી કરીને મંદિર પરિસરમાં જ આવેલા એક અત્યંત ગુપ્ત અને સુરક્ષિત રૂમમાં લઈ જવામાં આવતી હતી. આ રૂમમાં બહારના કોઈ પણ માણસ કે દર્શનાર્થીને જવાની સદંતર મનાઈ હતી. રોકડ ગણવા 50 લોકોની ખાસ ફોજ દાન ગણવા અને બેન્કમાં વ્યવસ્થિત રીતે જમા કરાવવા માટે કુલ 50 લોકોની એક ટીમ બનાવવામાં આવી હતી. આ સ્ટાફના ત્રણ પાર્ટ હતા, જેથી એકબીજા પર નજર રાખી શકાય: હવે તમે જ વિચારો, જે સામાન્ય માણસનો પગાર માંડ પંદર-વીસ હજાર રૂપિયા હોય, અને તેના હાથમાં દરરોજ લાખો રૂપિયાની થપ્પીઓ આવતી હોય, તો તેની દાનત બગડવી બહુ જ સામાન્ય વાત છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલા બધા મોટા અધિકારીઓ અને બેન્કના પ્રતિનિધિઓ હોવા છતાં આ લોકો રોકડ રકમ બહાર કઈ રીતે લઈ ગયા? અહીં જ આ કૌભાંડની ખરી સિસ્ટમ અને કામ કરવાની રીત સમજવા જેવી છે. ચોરી કરવા અપનાવેલી ત્રણ ખતરનાક રીતો આ કોઈ સામાન્ય ખિસ્સા કાતરુનું કામ નહોતું. આખું કાવતરું બહુ જ ઊંડા પ્લાનિંગથી ઘડવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અને અંદરના લોકોએ આપેલી માહિતી ખરેખર ચોંકાવનારી છે. ચોરી મુખ્યત્વે આ ત્રણ રીતે કરવામાં આવતી હતી: રોકડ ગણ્યા પછી ચોપડે કંઈક અલગ જ રકમ લખાતી હતી. એક વાર તો ચેકિંગ દરમિયાન બોક્સમાં સંતાડેલા લાખો રૂપિયા મળી આવ્યા હતા. સૌથી ખતરનાક વાત તો એ છે કે ઇલેક્ટ્રોનિક પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો. તિજોરી રૂમમાં જાણી જોઈને બગડેલા કેમેરા લગાવ્યા અને પાછલા સાત થી આઠ મહિનાના CCTV ફૂટેજ સિસ્ટમમાંથી સાવ ડીલીટ કરી નાખ્યા. આ ચોખ્ખું કહી જાય છે કે ઉપર બેઠેલા મોટા માથાઓની રહેમ નજર અને મદદ વગર આટલું મોટું ષડયંત્ર શક્ય જ નહોતું. વ્હિસલ બ્લોઅરનો ધડાકો: ભાંડો કોણે ફોડ્યો? કોઈ પણ પાપ બહુ લાંબો સમય છુપાયેલું રહેતું નથી. આ પૂરા કૌભાંડનો ભાંડો ફોડનાર વ્યક્તિ હતા મંદિરના પૂર્વ ચીફ એકાઉન્ટ ઓફિસર મહિપાલ સિંહ. તેમને અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેમના બહોળા અનુભવના આધારે રાજસ્થાનના કોટાથી ખાસ અયોધ્યા બોલાવવામાં આવ્યા હતા. 2021થી 2023 સુધી તેમણે મંદિરમાં એકાઉન્ટનું કામ બહુ જ ઝીણવટથી જોયું હતું. મહિપાલ સિંહે બહુ મોટો અને સનસનીખેજ ખુલાસો કર્યો કે આ ભ્રષ્ટાચાર કોઈ એક-બે દિવસની ઘટના નથી. આ ચોરી વર્ષ 2021થી જ બહુ સિસ્ટમેટિક રીતે ચાલી રહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે બેન્કના માણસો અને ટ્રસ્ટના લોકો અંદરોઅંદર પૂરેપૂરા મળેલા હતા. જ્યારે મહિપાલ સિંહે આ ગેરરીતિઓ પકડી પાડી, ત્યારે તેમણે સીધી જ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ગોપાલ રાવને મૌખિક તેમજ લેખિતમાં ચેતવણી આપી હતી. સાચું બોલનારને જ નોકરીમાંથી કાઢી મુકાયા પણ અહીં વહીવટી સિસ્ટમ કેટલી હદે સડેલી હતી તેનો જીવતો જાગતો પુરાવો હવે મળે છે. ટ્રસ્ટે કોઈ આંતરિક તપાસ કરવાને બદલે, બીજે જ દિવસે મહિપાલ સિંહને એકાઉન્ટ ઇન્ચાર્જના પદ પરથી જ હાંકી કાઢ્યા! મહિપાલ સિંહનો દાવો છે કે કિંમતી ઘરેણાંની કોઈ લેખિત નોંધ રખાતી નહોતી, માત્ર ફોટા પાડીને સીધા ચંપત રાયને મોકલી દેવાતા. દાનના પૈસા ક્યાં સચવાય છે તેની ચોક્કસ જાણકારી માત્ર ચંપત રાય અને તેમના ખાસ ડ્રાઈવર ટિન્નુને જ હતી. વાઉચર્સ પર મહિપાલ સિંહ જેવાની સહી લીધા વિના જ બેન્ક પ્રક્રિયાઓ બારોબાર પૂરી કરી દેવાતી હતી. RSS અને VHP વચ્ચે સત્તાનો મોટો ખેલ? આ કૌભાંડ પબ્લિકમાં જાહેર થવા પાછળનું એક બીજું બહુ મોટું કારણ રાષ્ટ્રવાદી સંગઠનો વચ્ચેની આંતરિક ખેંચતાણ પણ હોઈ શકે છે. વર્તમાનમાં રામ મંદિર ટ્રસ્ટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ખાસ કરીને ચંપત રાયનો જબરો દબદબો છે. જ્યારે RSSના કોઈ વરિષ્ઠ નેતાએ અંદર ખાને તપાસ કરાવી, ત્યારે તેમને ખબર પડી કે મોટા પાયે ગોટાળા ચાલી રહ્યા છે. એવી ખબર પડી કે લગભગ ટ્રસ્ટના જ ત્રણ લોકો મોટા પાયે પૈસા ખાઈ રહ્યા છે અને તેમને ટ્રસ્ટના કોઈ મેમ્બરનો છૂપો ટેકો છે. બસ, આ જ મુદ્દો પકડીને RSSને હવે VHP અને ટ્રસ્ટના વર્તમાન સંચાલકોને જવાબદાર ઠેરવીને ઘેરવાની પૂરી તક મળી ગઈ છે. એટલે કે આ દાન ચોરી માત્ર આર્થિક ગુનો નથી, પણ બે મોટા સંગઠનો વચ્ચે વર્ચસ્વ અને સત્તાની લડાઈનું પણ સીધું પરિણામ હોઈ છે. રાતોરાત કરોડપતિ બનેલા સાધારણ કર્મચારીઓ આ આખો ખેલ ત્યારે પકડાયો જ્યારે સામાન્ય 15-20 હજારના પગારદાર કર્મચારીઓની લાઈફસ્ટાઈલ રાતોરાત જાદુઈ રીતે બદલાઈ ગઈ. જે લોકો અગાઉ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને સાયકલ કે ભાડાના મકાનમાં રહેતા હતા, તે અચાનક મોટી લક્ઝરી ગાડીઓમાં ફરવા લાગ્યા. પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા જ્યારે પૂછપરછ શરૂ થઈ અને તેમના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે જે આર્થિક વિગતો અને કાળા નાણાનો પર્દાફાશ થયો તે કોઈના પણ હોશ ઉડાવી દે તેવો હતો. કાયદાકીય તપાસમાં અત્યારે 50 જેટલા લોકો રડાર પર છે. ચાલો આ જંગી કૌભાંડના મુખ્ય શકમંદો પર એક વિગતવાર નજર કરીએ… અત્યાર સુધીમાં પોલીસે મિલ્કીપુર અને મીનાપુર ઠાકુરન ફગૌલી જેવા વિસ્તારોમાં દરોડા પાડીને લગભગ 3 કરોડ રૂપિયા રોકડા, લક્ઝરી કાર અને આઈફોન જપ્ત કર્યા છે. પણ આપણે સમાચાર, ઘટનાઓ અને ડેટાનું બારીકાઈથી એનાલિસિસ કરીએ તો સમજાય કે કથિત 200 કરોડના આક્ષેપ સામે આ જપ્તી માત્ર 1 ટકો જ હોઈ શકે છે! બાકીના 99 ટકા પૈસા ક્યાં ગયા તે હજુ મોટો સવાલ છે. યોગીથી PMO સુધીની સિસ્ટમ દોડતી થઈ જ્યારે અંદરના જ માણસો પાસેથી કાળું નાણું પકડાવા લાગ્યું અને લોકોનો રોષ ફાટી નીકળ્યો, ત્યારે સરકાર પર ભારે રાજકીય દબાણ ઊભું થયું. જેના લીધે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તરત જ 13 જૂન 2026ના રોજ એક હાઈ લેવલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો કડક આદેશ આપ્યો. આ ટીમમાં કોઈ સામાન્ય પોલીસ અધિકારીઓ નથી, પણ વહીવટીતંત્રના મોટા માથાઓ છે. લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંત તેના મુખ્ય અધ્યક્ષ છે. તેમની સાથે પૂર્વ CBI અને ઇન્ટરપોલના અનુભવી અધિકારી કિરણ એસ. અને નાણાકીય ગોટાળા પકડવામાં માહેર એવા નાણા વિભાગના વિશેષ સચિવ નીલ રતનને સામેલ કરાયા છે. તેમને 7 દિવસમાં પ્રાથમિક અને 15 દિવસમાં અંતિમ રિપોર્ટ આપવા કડક સૂચના અપાઈ છે. આ મામલો દેશભરમાં એટલો ગંભીર બની ગયો છે કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ તાત્કાલિક દખલ કરીને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. વડાપ્રધાનના આદેશથી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને રૂબરૂ અયોધ્યા દોડાવવામાં આવ્યા છે, જેમણે ખાતરી આપી છે કે ગુનાહિત પાસાઓ અને ભવિષ્યના સુધારા બંને દિશામાં કડક તપાસ થશે. FIR વિનાની તપાસ: સિસ્ટમની કાયદાકીય મજાક? આટલી મોટી સરકારી તપાસ પૂરજોશમાં ચાલી રહી છે, ઠેર ઠેર દરોડા પડે છે, અનેક લોકોની અટકાયત અને ધરપકડો થાય છે, તેમ છતાં કાયદાકીય દ્રષ્ટિએ અહીં એક બહુ મોટી અને ચોંકાવનારી ખામી જોવા મળી રહી છે. અત્યાર સુધી આટલા મોટા કૌભાંડમાં કોઈ પોલીસ ફરિયાદ એટલે કે FIR દાખલ થઈ જ નથી! અયોધ્યાના 45 વર્ષના લોકલ વ્યક્તિ વિક્રમ તિવારીએ જ્યારે પોલીસ મથકે જઈને પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમની વાતને હળવાશથી લીધી અને એમ કહીને કાઢી મુક્યા કે આ કેસમાં તો તપાસ પહેલેથી જ ચાલુ છે. પણ કાનૂની નિષ્ણાતો અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અરવિંદ જૈન સ્પષ્ટપણે કહે છે કે FIR નોંધ્યા વગર કોઈ પણ આરોપી સામે ફોજદારી કેસ ચલાવવો અને તેમને કાયદાકીય સજા અપાવવી અશક્ય છે. વિક્રમ તિવારીએ બહુ સાચી અને હૃદયસ્પર્શી વાત કહી કે લોકોએ તો રામરાજ્યની આશા રાખી હતી, પણ અહીં તો ચારેબાજુ ચોર લોકો સિસ્ટમ ચલાવી રહ્યા છે. મામલો હવે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહોંચ્યો સરકાર અને ટ્રસ્ટની આ ધીમી, FIR વિનાની અને ગોળ-ગોળ તપાસથી હવે દેશના લોકો અને કાયદાના રક્ષકો સખત નારાજ છે. તેથી જ આ આખો મામલો લોકલ એડમિનિસ્ટ્રેશનના હાથમાંથી નીકળીને દેશની મોટી અદાલતોમાં પહોંચી ગયો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે મૌખિક રજૂઆતને બદલે લેખિતમાં આખી નોટ સબમિટ કરવા જણાવ્યું છે અને હાલમાં જામીન સંબંધિત કેસોને પ્રાથમિકતા આપવાનો સંકેત આપ્યો છે. આ બધી બાબતો એ તરફ ઈશારો કરે છે કે ટ્રસ્ટનું વહીવટી માળખું સાવ ભાંગી પડ્યું છે અને હવે માત્ર અદાલત જ સાચો ન્યાય આપી શકે તેમ છે. આર્થિક ગુનાઓ તો થયા જ છે, પણ આ મુદ્દાએ દેશના રાજકારણમાં અને હિન્દુત્વ સંગઠનોમાં કેવો મોટો આંતરિક ભૂકંપ લાવ્યો છે તે સમજવું હવે અત્યંત રોચક છે. યૂપી ઈલેક્શન પહેલા જ રામ મંદિર વિવાદ! જ્યારે ધાર્મિક સંસ્થાઓ આટલા મોટા ભ્રષ્ટાચારમાં ફસાય છે, ત્યારે તેની સૌથી મોટી અસર સીધી દેશના રાજકારણ પર પડે છે. વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ હવે નજીક છે, ત્યારે આ કૌભાંડે શાસક પક્ષ માટે એક બહુ મોટી અને અણધારી રાજકીય કટોકટી ઊભી કરી દીધી છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે અયોધ્યાના કૌભાંડને ભાજપ સરકારની સૌથી મોટી વહીવટી નિષ્ફળતા સાથે જોડી દીધું છે. તેમણે બહુ મોટો રાજકીય કટાક્ષ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ભાજપનું શાસન ભ્રષ્ટ છે, યુપીમાં વિકાસ માટે IIT બનવી જોઈએ, પરંતુ અત્યારે માત્ર ગોટાળા છુપાવવા SIT બની રહી છે.” બીજી બાજુ કોંગ્રેસી નેતાઓ, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર સીધા પ્રહારો શરૂ કરી દીધા છે. યુથ કોંગ્રેસના નેતા શરદ શુક્લાએ તો અયોધ્યામાં રાતોરાત મોટા બેનરો લગાવીને સ્કંદ પુરાણના શ્લોકો ટાંકીને ચેતવણી આપી કે, "ભગવાન રામની સંપત્તિ ચોરનારાઓને ક્યારેય નર્કમાં પણ જગ્યા નહીં મળે." જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિપક્ષ તો ઠીક, ખુદ ભાજપ અને હિન્દુત્વ સંગઠનોના દિગ્ગજ નેતાઓએ હવે ટ્રસ્ટ સામે ખુલ્લો બળવો પોકાર્યો છે. જેમના પર પહેલવાન દીકરીઓના રેપના આરોપો થયા હતા તે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે પત્રકારો સામે જે કહ્યું તે બહુ જ ગંભીર અને ભયાનક છે. તેમણે ડરતા-ડરતા કહ્યું કે, "હું અત્યંત નબળો માણસ છું. જો હું સાચું બોલીશ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ કારણ કે આ કૌભાંડ પાછળ બહુ શક્તિશાળી લોકોનો હાથ છે." વિચારો, જો એક દિગ્ગજ નેતા આટલો ડરતો હોય, તો આ ચોરીના તાર ક્યાં સુધી જોડાયેલા હશે? સંતોનો રોષ અને અગાઉના મોટા કૌભાંડો રાજનેતાઓ ઉપરાંત ધાર્મિક જગતમાં પણ આ કૌભાંડે ભારે હલચલ મચાવી દીધી છે. સાધુ-સંતો હવે ખૂલીને મેદાનમાં આવ્યા છે. મહંત કમલ નયન દાસે સરકારી તપાસ પર જ સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે, “અગાઉ જે લોકો સાઇકલ કે રિક્ષા પર ફરતા હતા, તેઓ આજે મોટી લક્ઝરી ગાડીઓ અને બંગલાઓમાં રહી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ શું નિષ્પક્ષ તપાસ કરશે? સાચી તપાસ તો માત્ર ભગવાન જ કરશે.” બદ્રીનાથના જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ ટ્રસ્ટ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, "ચંપત શબ્દનો અર્થ જ થાય છે વસ્તુ લઈને ભાગી જવું. તેમણે સ્પષ્ટ દાવો કર્યો કે મંદિરમાં શિલાન્યાસ સમયથી જ બહુ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે." ભૂતકાળ પર નજર કરીએ તો, જૂન 2021માં પણ ટ્રસ્ટ આવા જ એક ગંભીર જમીન ખરીદી કૌભાંડમાં ફસાયું હતું. બાગ બિજૈસી ગામમાં જે જમીન સુલતાન અંસારીએ માત્ર 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી, તે જમીન દસ્તાવેજ નોંધાયાની માત્ર 5 જ મિનિટ પછી ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અંદાજે 18.5 કરોડ રૂપિયામાં ટ્રસ્ટના નામે ખરીદી લીધી હતી! એક સામાન્ય જમીનની કિંમતમાં માત્ર પાંચ જ મિનિટમાં 9 ગણો અનએક્સપેક્ટેડ ઉછાળો એ વાત સાબિત કરે છે કે ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોમાં શરૂઆતથી જ બહુ મોટી ખામીઓ અને ભ્રષ્ટાચાર રહેલો છે. રામ મંદિર ટ્રસ્ટને આ મંદિરોથી શીખવાની જરૂર! અહીં આપણા સૌના મનમાં એક મોટો સવાલ એ થાય કે આટલા વિશાળ મંદિરનું મેનેજમેન્ટ ખરેખર કેવી રીતે કરવું જોઈએ? ભારતનાં જ અન્ય મંદિરોના ઉત્તમ મોડલ આપણી નજર સામે મોજૂદ છે. સાંવલિયા સેઠ મંદિરમાં એક મહિનામાં 51 કરોડનું રોકડ દાન, બે ક્વિન્ટલ ચાંદી અને એક કિલો સોનું આવવા છતાં, સરકારી દેખરેખને કારણે આજ દિન સુધી એક રૂપિયાની પણ ચોરીનો કિસ્સો સામે નથી આવ્યો. રામ મંદિરમાં પણ અબજો રૂપિયાનું દાન આવતું હોવાથી, આવી જ કડક સરકારી દેખરેખવાળી સિસ્ટમની સૌથી વધુ અને તાતી જરૂરિયાત છે. આખી વાતનો સાર એવો છે કે રામ મંદિર એ માત્ર કોઈ ટ્રસ્ટની ખાનગી જાગીર નથી. તે ભારતના કરોડો હિન્દુઓની આસ્થા, શ્રદ્ધા અને સામાજિક ગૌરવનું સૌથી મોટું સિમ્બોલ છે. આ કથિત 200 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ કહી જાય છે કે ટ્રસ્ટની ઈન્ટરનલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ પૂરી રીતે સડી ગઈ છે અને ફેલ થઈ છે. હવે ટ્રસ્ટના ઈન્ટરનલ ઓડિટ પર દેશ ક્યારેય ભરોસો કરી શકે તેમ નથી. એટલે, હવે દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા ઈન્ડિપેન્ડેન્ટ ઓડિટ કરાવવું અથવા CBI પાસે કડક તપાસ કરાવવી બિલકુલ જરૂરી બની ગઈ છે. આ કૌભાંડથી રાષ્ટ્રવાદી સંગઠનો વચ્ચેની એકતા પણ તૂટી રહી છે, જેનું નુકસાન 2027ની કે 2029ની ચૂંટણીમાં ભોગવવું પડી શકે છે. હવે યોગ્ય સમય આવી ગયો છે કે ભારત સરકાર નવો કડક કાયદો બનાવીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ અથવા માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની જેમ રામ મંદિર માટે પણ એક ઓટોનોમસ અને ટ્રાન્સપેરેન્ટ શ્રાઈન બોર્ડ બનાવે. જે બોર્ડમાં મોટા જજ અને સિવિલ સર્વન્ટ્સનો સીધો કન્ટ્રોલ અને નજર હોય. જો સમયસર અને કડક પગલાં નહીં લેવાય, તો ધર્મ અને શ્રદ્ધાના નામે થતી આ લૂંટ ક્યારેય અટકશે નહીં. અને છેલ્લે... કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારના મંત્રીમંડળમાં એક મંત્રી છે જેમનું નામ છે પ્રિયાંક ખરગે. તે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગેના દીકરા પણ છે. તેમણે RSSના 100 વર્ષ પૂરા થવા પર તેમને અભિનંદન આપ્યા છે. ખાલી આટલું જ નહીં ખુલ્લા પત્રમાં સંઘને રજિસ્ટ્રેશન કરાવી લેવા સલાહ આપી છે. સળગતા 8 સવાલો સાથે તમણે ફંડિંગ અને ટેક્સની ટ્રાન્સપરન્સી રાખવા અને RSSના સરસંઘચાલકને બીટવીન્સ ધ લાઈન બંધારણથી મોટું ન બનવા સલાહ આપી દીધી છે. હવે RSS જવાબ આપશે કે નહીં ગણકારે તે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    TMC Split: Mahua Moitra ने खोले Yusuf Pathan के राज! Owaisi का क्यों आया नाम? TMC Rebels Merger
    Next Article
    ગોદલી ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ:ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે લાભાર્થીઓને યોજનાઓના લાભોનું વિતરણ કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment