Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: PK ફેક્ટરે ગેમ પલટી:મતદારોનો મૂડ સ્વિંગ થવાનાં ત્રણ કારણ, શહેરી વોટર પણ ભાજપથી દૂર થઇ રહ્યાં છે? બિહારની એક જીતે મોદી અને સંઘને ચેતવ્યા

    7 hours ago

    જે માણસે 2014માં ‘અબ કી બાર મોદી સરકાર’નો નારો ઘરે-ઘરે પહોંચાડ્યો, આજે એ જ માણસે ભાજપના 30 વર્ષ જૂના અજેય કિલ્લાના કાંગરા ખેરવી નાખ્યા છે. માત્ર એક બેઠકની હારથી દિલ્હીમાં સરકાર અને નાગપુરમાં સંઘ કેમ ટેન્શનમાં છે? અને સૌથી મોટો સવાલ, આ રાજકીય ભૂકંપ બિહારનો છે તો તમારી સાથે પણ કેવી રીતે જોડાયેલો છે? ચાલો, આ આખી પોલિટિકલ ગેમને બધાં પાસાંઓના પાયા સુધી પહોંચીને ડીકોડ કરીએ. નમસ્કાર.... એક જમાનો હતો જ્યારે પ્રશાંત કિશોર એટલે કે, PK પડદા પાછળ રહીને નેતાઓને ખુરશી સુધી પહોંચાડતા. નરેન્દ્ર મોદીથી લઈને નીતિશ કુમાર અને મમતા બેનર્જી સુધીના દિગ્ગજોની જીત પાછળ PKનું જ ભેજું હતું. પણ ઓગસ્ટ 2026માં ખેલ આખો બદલાઈ ગયો. બિહારની બાંકીપુર બેઠક કે જ્યાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન સતત જીતતા આવ્યા હતા, જે વિસ્તાર 30 વર્ષથી ભાજપનો ગઢ હતો, ત્યાં પ્રશાંત કિશોરની નવી નક્કોર જન સુરાજ પાર્ટીએ પેટા ચૂંટણીમાં ભાજપને ધૂળ ચટાડી દીધી. જો કે અગાઉ જન સુરાજ પાર્ટી ત્યાં 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગઈ હતી. ભાજપ માટે આ માત્ર એક ચૂંટણીની હાર નથી, પણ સત્તાધીશો માટે વાગેલું એક બહુ મોટું એલાર્મ છે. આ આંકડાઓ જોઈને એક સવાલ થાય કે આ એલાર્મ કેમ વાગ્યો? કારણ કે વોટરનો મૂડ હવે બદલાઈ રહ્યો છે. પોલિટિકલ સાયકોલોજી પ્રમાણે, વોટરનો ગુસ્સો હંમેશા ત્રણ સ્ટેજમાં બહાર આવે છે. આ સમજી લેશો એટલે આખું રાજકારણ સમજાઈ જશે: પહેલું સ્ટેજ: વોટર જ્યારે સરકારથી નારાજ થાય, ત્યારે તે કંટાળીને ઘરે બેસી રહે છે, મત આપવા જ નથી જતો. બીજું સ્ટેજ: ગુસ્સો થોડો વધે એટલે તે મતદાન મથકે જાય ખરો, પણ કોઈને મત આપવાને બદલે સિસ્ટમ પર ભડાશ કાઢવા NOTA દબાવી દે છે. ત્રીજું અને ખતરનાક સ્ટેજ: અહીં વોટર નક્કી કરીને જ જાય છે કે જે સત્તામાં છે તેને પાઠ ભણાવવો જ છે. તે સીધો વિપક્ષ અથવા સૌથી મજબૂત હરીફ ઉમેદવારને મત આપે છે. બાંકીપુરમાં આ જ ત્રીજું સ્ટેજ જોવા મળ્યું. લોકોએ ભાજપને હરાવવા માટે સીધો પ્રશાંત કિશોર પર કળશ ઢોળ્યો. હવે સૌથી મહત્વનો સવાલ: "બિહારની એક સીટ હાર્યા એમાં આપણે શું?" તો ભાઈ, વાત એકલા બિહારની નથી, આ સીધી તમારા અને મારા ખિસ્સાની વાત છે. કલ્પના કરો કે ગુજરાતના કોઈ સામાન્ય ઘરના યુવાને દિવસ-રાત એક કરીને GPSC કે તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હોય અને પરીક્ષાના દિવસે જ ખબર પડે કે પેપર ફૂટી ગયું. અથવા અમદાવાદ કે સુરતના એવા મિડલ ક્લાસ માણસનો વિચાર કરો, જેણે દીકરીના લગ્ન માટે કે કોઈ સારા કામ માટે પોતાની વર્ષોની બચતથી લીધેલું મકાન વેચવા કાઢ્યું હોય અને સરકાર ઇન્ડેક્સેશનનો લાભ છીનવીને પ્રોપર્ટી પર મોટો ટેક્સ ઝીંકી દે. જ્યારે આવી નીતિઓ આવે છે, ત્યારે સામાન્ય માણસ પોતાને છેતરાયેલો મહેસૂસ કરે છે. બાંકીપુર એ વાતનું લાઈવ પ્રૂફ છે કે જ્યારે સામાન્ય માણસની નોકરી, કરિયર કે બચત પર સીધો ઘા વાગે છે, ત્યારે તે દાયકાઓ જૂની પાર્ટીના ઐતિહાસિક ગઢને પણ ઉખાડી ફેંકે છે. સરકાર માટે આ મોટામાં મોટો ખતરો છે, પણ આમાં સામાન્ય જનતા માટે એક તક પણ છુપાયેલી છે. જો શાસકો જનતાનો આ ગુસ્સો સમજી જશે, તો પોલિસીઓ બદલાશે અને તમારી નોકરીઓ તથા ટેક્સના પૈસા સુરક્ષિત રહેશે. પણ જો નેતાઓ અહંકારમાં જ રહેશે તો શું થશે? આ સવાલનો જવાબ તમારે તમારી જાતને પૂછવાનો રહેશે. હવે આવીએ હજુ એક મહત્વના મુદ્દા પર. દિલ્હીમાં યુવાનોએ ભેગા મળીને જે કોકરોચ જનતા પાર્ટી આંદોલન ઊભું કર્યું અને તેને લઈને ખુદ ભાજપ-RSS વચ્ચે જે તિરાડ પડી છે, તે સમજશો તો તમને સિસ્ટમની અંદરનો સડો બરાબર સમજાઈ જશે... CJP કોઈ રાજકીય પાર્ટીનું આંદોલન નહોતું. એ ગુસ્સો હતો દેશના એવા યુવાનોનો, જેમણે પોતાની જવાની ચોપડાઓમાં વાંચી-વાંચીને કાઢી નાખી હોય. જરા કલ્પના કરો ગુજરાતના કોઈ નાના ગામડાના કે મિડલ ક્લાસ પરિવારના એક વિદ્યાર્થીની. એના બાપે પોતાની જિંદગીભરની સેવિંગ વાપરીને, અથવા તો બેંકમાંથી લોન લઈને તેને ડોક્ટર કે સરકારી અધિકારી બનવા માટે કોચિંગ ક્લાસમાં મૂક્યો હોય. એ દીકરો કે દીકરી રાતના ઉજાગરા કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપે. પણ પરીક્ષાના દિવસે ખબર પડે કે પેપર તો પહેલાથી જ પૈસાવાળાઓ પાસે પહોંચી ગયું હતું! સિસ્ટમની આનાથી મોટી મજાક શું હોઈ શકે? આવા લાખો બેરોજગાર અને પેપરલીકનો શિકાર બનેલા યુવાનોને જ્યારે સિસ્ટમ વંદા કે પરોપજીવી કહીને અપમાનિત કરે, ત્યારે ભડકો થવો સ્વાભાવિક છે. દિલ્હીના જંતર મંતર પર 36 દિવસ સુધી વંદાના મહોરા પહેરીને યુવાનોએ એવું જબરદસ્ત આંદોલન કર્યું કે છેવટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડ્યું. મોદી સરકારના 12 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાના સીધા રોષ સામે કોઈ મોટા મંત્રીએ ખુરશી છોડવી પડી. તક: આ ઘટનામાં આપણા માટે એક બહુ મોટી આશા છુપાયેલી છે. આ આંદોલને સાબિત કરી દીધું કે જો ભારતના યુવાનો ધર્મ, જ્ઞાતિ અને રાજકારણના વાડાઓમાંથી બહાર નીકળીને રોજગાર અને પારદર્શિતા માટે એકસાથે ઊભા રહે, તો ગમે તેવી પાવરફુલ સરકારને પણ ઝૂકવું જ પડે છે. સમસ્યાઃ સમસ્યા એ છે કે સરકારમાં બેઠેલા કેટલાક નેતાઓને હજુ આ જમીની હકીકત સમજાતી નથી. જુલાઈ 2024ના બજેટનો મામલો યાદ કરો. મિડલ ક્લાસ માણસ પ્રોપર્ટી ખરીદે કે વેચે ત્યારે ટેક્સમાં રાહત માટે ઇન્ડેક્સેશન નામનો કાનૂની લાભ મળતો હતો, જે સરકારે કાઢી નાખ્યો. આ અઘરા શબ્દને સીધી રીતે સમજીએ તો, સામાન્ય માણસની બચત પર સરકારે મોટી કાતર ચલાવી. લોકો સોશિયલ મીડિયા પર પોતાની પીડા ઠાલવી રહ્યા હતા, ત્યારે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ લોકોની મજાક ઉડાવતા લખ્યું કે, “આજે રાત્રે બધા ઇન્ડેક્સેશન સ્પેશિયાલિસ્ટ બની ગયા છે.” સામાન્ય માણસ જ્યારે પોતાના ખિસ્સામાંથી ટેક્સ ભરે અને નેતાઓ એની મજાક ઉડાવે, ત્યારે વોટરનું લોહી ઉકળે છે. આ અહંકાર જોઈને ખુદ ભાજપની માતૃસંસ્થા RSના પીઢ નેતા રતન શારદાથી રહેવાયું નહીં. તેમણે જાહેરમાં માલવિયાને ખખડાવ્યા અને સાફ શબ્દોમાં કહ્યું કે જનતાના ડરનો જવાબ આપો, તેમને ટ્રોલ કરીને અપમાનિત ન કરો. RSSનું આ નિવેદન બતાવે છે કે એ.સી. રૂમોમાં બેઠેલા નેતાઓ જમીન પરની હકીકતથી કેટલા કપાઈ ગયા છે. ભાજપના કેટલાક નેતાઓમાં આવેલો આ ખોટો અહંકાર જ પાર્ટીને અંદરથી ખાઈ રહ્યો છે. ચૂંટણી જીતવા હવે હિંદુ-મુસ્લીમ નહીં શિક્ષાની વાત? બાંકીપુરમાં પ્રશાંત કિશોરની જીત હોય, દિલ્હીમાં પેપરલીક સામે યુવાનોનો ગુસ્સો હોય કે પછી RSSની જાહેરમાં નારાજગી... આ બધું એક જ દિશામાં ઈશારો કરે છે. ભારતીય મતદાર, ખાસ કરીને યુવા અને મિડલ ક્લાસ હવે જાગી ગયો છે. જો નેતાઓ એમ માનતા હોય કે પાકિસ્તાન, રાષ્ટ્રવાદ કે હિંદુ-મુસ્લીમના ભૂતકાળના નારાઓ લગાવીને ચૂંટણીઓ જીતાતી રહેશે, તો તેઓ મોટા ભ્રમમાં છે. લોકો ગવર્નન્સ, નોકરીઓ અને આર્થિક સુરક્ષા માંગે છે. જો ભાજપ અને સંઘ આ અવાજ નહીં સાંભળે, તો પ્રશાંત કિશોર જેવા ડેટાના ખેલાડીઓ રાજકારણમાં નવી સ્પેસ બનાવી લેશે. 30 વર્ષ જૂનો કિલ્લો પડવો એ તો માત્ર ટ્રેલર છે. અને છેલ્લે... સંઘના એક આજીવન સભ્ય અને પીઢ લેખક છે રતન શારદા. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 400 પારના સપનાં 240 પર પટકાયા ત્યારે ચાબખા માર્યા હતા. તેમણે ભાજપને અરીસો બતાવીને કહ્યું હતું કે તમે પોતાને રાજા અને સંઘના કાર્યકર્તાઓને ગામડિયા સમજવાની ભૂલ કરી તેનું પરિણામ ચૂંટણીમાં દેખાયું. 2029ની ચૂંટણી પહેલા કોણ કોને ક્યારે અને કેટલા ચાબખા મારશે એ હવે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Modi govt spent Rs 910 crore on print ads in 5 years; Times of India biggest beneficiary
    Next Article
    ભુજમાં PCPNDT કાયદાના અમલ માટે મહત્વની બેઠક:સોનોગ્રાફી સેન્ટરોની નિયમિત ચકાસણી પર ભાર મુકાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment