Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોદી પછી સત્તાનાં સિંહાસને કોણ?:અમિત શાહનો ગેમ પ્લાન NDA 2.0, સંઘ કોને સપોર્ટ કરશે? ભાજપના હિડન એજન્ડા અને વિપક્ષના સફાયાનું ગણિત સમજો

    18 hours ago

    દસ દિવસ પહેલાં TMCના 28માંથી 20 લોકસભા સાંસદો NCPI (નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા) નામની અજાણી પાર્ટીમાં જોડાઈ ગયા. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 9માંથી 6 લોકસભા સાંસદોએ પણ બળવો કર્યો. આ પહેલા 24 એપ્રિલે આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ પણ બળવો કર્યો હતો. આ બધા બળવાખોરો BJP અથવા NDAમાં જોડાઈ રહ્યા છે. આખરે ભાજપ પ્રાદેશિક પાર્ટીઓને કેમ તોડે છે? વધારે ને વધારે સાંસદો કેમ લાવે છે? ઘણા એવું માને છે કે આ બધું એટલે થાય છે કે સંસદમાં સીમાંકન બિલ પસાર કરાવવા થાય છે. એક મિનિટ માટે માની લઈએ કે એવું જ હશે, પણ હકીકતે આવનારા 5 વર્ષમાં NDA-2 ઊભી કરવાનો ખેલ ચાલી રહ્યો છે. નમસ્કાર, 2026 અડધું વિતી ગયું. 2027 અને 2028 એમ બે વર્ષ આડા છે. 2029માં લોકસભાની ચૂંટણી આવે ત્યારે દેશના વડાપ્રધાન પદનો ચહેરો નરેન્દ્ર મોદી હશે પણ સવાલ એ છે કે મોદી પછી કોણ? અમિત શાહ? આ ચર્ચાનું કનેક્શન અત્યારના ઓપરેશન ટાઈગર અને ઓપરેશન લોટસ સાથે સીધું જોડાય છે. અત્યારે TMC, શિવસેનામાં જે થઈ રહ્યું છે ને આવનારા સમયમાં DMKમાં થઈ શકે છે, તે NDAના નવા સાથી પક્ષો ઊભા કરવાના પ્લાનનો ભાગ છે. અમિત શાહના નામ માટે સંઘ સહમત થશે? ભાજપમાં નરેન્દ્ર મોદીના વારસદાર કોણ હોઈ શકે અને તેમાં સંઘની ભૂમિકા શું હશે? આ સવાલ ઘણાના મનમાં અત્યારથી ઊભો થયો છે. કારણ કે 2029માં ચૂંટણી આવશે ત્યારે નરેન્દ્ર મોદી 79 વર્ષના હશે. બની શકે કે તે PMની ગાદી અમિત શાહને આપે. પણ નરેન્દ્ર મોદીનું નામ જ્યારે વડાપ્રધાન પદ માટે જાહેર થયું ત્યારે સંઘે સપોર્ટ આપ્યો હતો, હવે સવાલ એ છે કે અમિત શાહના નામ માટે સંઘ સહમત થશે? કારણ કે રાજકીય વિશ્લેષકો માને છે કે સંઘનો ઝૂકાવ દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથ તરફ વધારે રહ્યો છે. દિલ્હીમાં ભાજપને સત્તા મેળવવા માટે સંઘની ભૂમિકા મહત્ત્વની છે. ભાજપ નબળો પડે છે ત્યારે પક્ષમાં સંઘની ભૂમિકા વધી જાય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણને અનેક રાજકીય પંડિતો અને ઘટનાક્રમોએ વેગ આપ્યો છે ત્યારે આ સવાલ વધારે મહત્ત્વનો બની જાય છે. ભાજપમાં ઉંમરનાં બહાને સિનિયરો સાઈડ લાઈન નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ટોચના અનેક નેતાઓને સંસદીય બોર્ડ કે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. બન્ને નેતાઓને માર્ગદર્શકમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અડવાણી ત્યારે 86 વર્ષના અને જોશી 80 વર્ષના હતા. જૂન, 2016માં મધ્ય પ્રદેશ કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે 75 વર્ષ પાર કરી ગયેલા બાબુલાલ ગૌર તથા સરતાજ સિંહે પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એવી જ રીતે 80 વર્ષ વટાવી ગયેલાં લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનને પણ કોઈ જવાબદારી આપવામાં આવી નહોતી. હિમાચલના દિગ્ગજ નેતા શાંતા કુમાર પણ એવી રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. મોદી જ્યારે 75 વર્ષના થયા ત્યારે ઉંમરનો મુદ્દો ચર્ચાએ ચડ્યો હતો. જોકે ત્યારે સંઘના વડા મોહન ભાગવતે એવું કહીને ચર્ચા ઠારી દીધી હતી કે, 75 વર્ષની ઉંમર નિવૃત્તિ માટે કોઈ અડચણ નથી. અમિત શાહે પણ કહેલું કે, 75 વર્ષની વય પાર કરી જાય તેવા નેતાઓને ચૂંટણી લડવાની પરવાનગી ન આપવાનો કોઈ નિયમ કે પરંપરા પક્ષમાં નથી. કર્ણાટકના યેદિયુરપ્પા આ મામલામાં એક ઉદાહરણ હતા. 80 વર્ષ પાર કર્યા છતાં પણ તેઓ રાજ્યમાં ભાજપનું વડપણ સંભાળતા હતા. પણ લોકસભાની 2019ની ચૂંટણીમાં 91 વર્ષના લાલકૃષ્ણ અડવાણી અને 86 વર્ષના મુરલી મનોહર જોશીને ભાજપે ટિકિટ આપી નહોતી. અલબત, ભૂતકાળમાં કલરાજ મિશ્ર, નજમા હેપતુલ્લા અને જીતનરામ માંઝી 75 વર્ષની વય પાર કર્યા પછી પણ મોદી કેબિનેટમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. જીતન રામ માંઝી ભાજપના નથી, પરંતુ તેમનો પક્ષ સત્તાધારી ગઠબંધનનો હિસ્સો છે. સંઘ અને મોદી; આ કેમિસ્ટ્રી કેવી ચાલી? "તેઓ ભલે આકાશ જેટલી ઊંચી છલાંગ મારી લે, પણ આવવું તો તેમણે ધરતી પર જ પડશે." આ વાક્ય સંઘના બીજા સરસંઘચાલક માધવરાવ ગોલવલકરે એ સ્વયંસેવકો માટે કહી હતી, જેઓ નવગઠિત રાજકીય પક્ષ જનસંઘમાં જોડાયા હતા. જનસંઘના સ્થાને ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ 1980ના એપ્રિલમાં થયું હતું. ગોલવલકરના આ નિવેદનને અનેક દાયકા વીતી ચૂક્યા છે, પરંતુ સંઘના તેના નેતાઓને "આકાશમાંથી ધરતી પર" લાવવાનાં અનેક ઉદાહરણ ભૂતકાળમાં રજૂ કરી ચૂક્યો છે. બલરાજ મધોક, જસવંત સિંહ, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આવાં જ કેટલાંક ઉદાહરણ છે. કહેવાય છે કે આવા મોટા નેતા બોજ બની જાય ત્યારે તેમને નીચે લાવવામાં સંઘ વિલંબ કરતો નથી. સંઘનું સૌથી મહત્ત્વનું કામ મતદારો વચ્ચે ભાજપની તરફેણમાં મંતવ્ય અને માહોલ બનાવવાનું હોય છે. આ એ સંઘ જ હતો, જેની સહમતી વડે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદની રેસમાં 2013માં મોખરે પહોંચી શક્યા હતા. પછી એવું તે શું થયું કે સંઘ પ્રમુખનાં નિવેદનોમાં કેટલાક લોકોને નરેન્દ્ર મોદી માટે સંકેતો દેખાવા લાગ્યા અને બન્ને વચ્ચે અંતર હોવાની અટકળોએ વેગ પકડ્યો? સંઘે ભાજપને 2014 કે 2019ની ચૂંટણીમાં મદદ કરી હતી તેવી મદદ 2024માં કેમ કરી નહીં? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મે, 2024માં ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં કહ્યું હતું, "શરૂઆતમાં અમે થોડા અક્ષમ હશું. ત્યારે RSSની જરૂર પડતી હતી. આજે અમારો વિસ્તાર થયો છે. સક્ષમ છીએ એટલે ભાજપ જાતે પોતાને ચલાવે છે. અમારે સંઘની જરૂર નથી." નડ્ડાના આ નિવેદનથી સંઘમાં બહુ નારાજગી જોવા મળી હતી. સંઘના વડા મોહન ભાગવતે કેટલીક વાર મોદીનું નામ લીધા વગર સંભળાવી દીધું છે પણ એનો અર્થ એવો નથી કે સંઘને મોદી પસંદ નથી. જેમ વડીલો ઠપકો આપે, તેવો ઠપકો સંઘ ભાજપના નેતાઓને આપે છે. મોદી જનસંઘી છે પણ હવે ભાજપ અને સંઘની નીતિમાં અંતર ચોક્કસ દેખાય છે. અગાઉ જે હાથ પાછળ હતો તે હવે હટતો દેખાઈ રહ્યો છે. સંઘ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર ટીકા કરી રહ્યો છે. પણ સંઘ અને નરેન્દ્ર મોદી વચ્ચે બધું બરાબર નથી, એવું માની લેવું પણ સાચું નથી. 2024માં ચૂંટણી પ્રચાર દરમિયાન 10 વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદી નાગપુરમાં રાત રોકાયા હતા. સંઘ અમિત શાહને વડાપ્રધાન બનવા સમર્થન આપશે? એવું કહેવાય છે કે અત્યારે TMCમાં જે થઈ રહ્યું છે, શિવસેનામાં જે થઈ રહ્યું છે, તે અમિત શાહ કરાવી રહ્યા છે. અમિત શાહની ચાણક્ય નીતિ જહજાહેર છે અને ભલભલાનો ખેલ પાડી દેવામાં શાહનો જોટો ન જડે. પણ માત્ર એક,બે બિલ પસાર કરાવવા માટે ઓપરેશન ટાઈગર કે ઓપરેશન લોટસ થાય, એ માનવું પણ ભૂલ ભરેલું છે. નક્કી આની પાછળ આવનારા 4- 5 વર્ષની સ્ટ્રેટેજી છે. ભાજપ ઈચ્છે છે કે દરેક રાજ્યોમાંથી પ્રાદેશિક પક્ષોનો સફાયો થઈ જાય. આની શરૂઆત થઈ ગઈ છે. માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હરિફાઈ રહે. કોંગ્રેસ એક રીતે નબળી પાર્ટી બની ગઈ છે પણ તેણે પોતાનો મજબૂત કરવા નાના પક્ષોને પોતાનામાં સામેલ કરવાનું શરૂ કર્યું છે. ખેર, કોંગ્રેસની વાત અત્યારે નથી કરવી પણ અમિત શાહ જે કરી રહ્યા છે તે આવનારા સમયમાં ભાજપ માટે 'નવા પિલર' તૈયાર કરી રહ્યા છે. માનો કે 2029માં વડાપ્રધાન પદે મોદી નહીં હોય ને નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ હાથ ઊંચા કરી દેશે કે અમે તો મોદીને જ ટેકો આપીએ છીએ. તો ભાજપને ટેકો આપવા માટે કોઈ સાથી પક્ષો નહીં હોય. આવા સમયે અત્યારે જે નવા પ્રાદેશિક પક્ષોનું નિર્માણ થઈ રહ્યું છે તે મજબૂત બની ગયા હશે. જેમ કે મહારાષ્ટ્રમાં શિંદેની શિવસેના, બંગાળમાં NCPI. તમિલનાડુમાં DMK. અમિત શાહ ભાજપના ભવિષ્યનો તખ્તો તો ઘડી રહ્યા છે પણ સો મણનો સવાલ એ છે કે શું ભાજપ અમિત શાહને વડાપ્રધાન બનવા માટે સમર્થન આપશે? જવાબ લગબગ ના છે. કારણ કે સંઘ ઈચ્છે છે કે રાષ્ટ્રીય સ્તરે મોદી પછી યોગી અથવા ફડણવીસ ચહેરો બને. નીતિન ગડકરીને 2009માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના હોય, યોગીને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવાના હોય કે પછી જૂન 2005માં મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા પછી અડવાણી પાસેથી ભાજપ અધ્યક્ષનું પદ છીનવવાનું હોય. ભાજપ સંબંધી નિર્ણયોના પાછળ કાયમ સંઘનો હાથ રહ્યો છે. અમિત શાહ અને યોગીની કેમિસ્ટ્રી કેવી છે? અલાહાબાદ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. પંકજ કુમારે મીડિયાને કહ્યું હતું, "અમિત શાહ યોગી આદિત્યનાથને હટાવવાની તક શોધી રહ્યા છે. તેમને યોગ્ય તક મળતી નથી. અમિત શાહ સારી મેનેજમેન્ટ કેપેસિટી ધરાવતા હશે, પણ લોકોની નજરમાં તેઓ યોગ્ય સાબિત થતા નથી. ભાજપ જે મતદારો પાસે જાય છે ત્યાં નરેન્દ્ર મોદી પછી યોગી આદિત્યનાથ જ છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, બીજાં રાજ્યોમાં પણ આવું છે. યોગીની અપીલ અમિત શાહ કરતાં વધારે અસર કરે છે. આ વાતની યોગીને પણ ખબર છે. ભાજપના બીજા નેતાઓ પણ જાણે છે." યોગી આદિત્યનાથનો સમાવેશ ભાજપના સ્ટાર પ્રચારકોમાં થાય છે. નાથ સંપ્રદાયના મહત્ત્વના ગોરખધામ મઠના મહંત હોવાને કારણે પણ યોગી દેશના અલગ-અલગ હિસ્સાઓમાં લોકપ્રિય છે. પોલિટિકલ જાણકારો તો ત્યાં સુધી કહે છે કે, સંઘ યોગીની સાથે છે. નંબર-2 તરીકે ઇચ્છે છે. પણ યોગી હટી જાય તો લડાઈ ખતમ થઈ જશે, પરંતુ સંઘ એટલી મજબૂત રીતે યોગીની સાથે છે કે તેમનું હટવું મુશ્કેલ છે." વરિષ્ઠ વહીવટી અધિકારીઓ બાબતે ખેંચતાણ, ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ મીટરની રેસમાં અદાણીનું હોવું અને તેનું ટેન્ડર રદ્દ થવું અને હવે રામ મંદિરના ચઢાવાનું પ્રકરણ. આ બધી એવી ઘટનાઓ છે, જે યોગી અને મોદી સરકાર વચ્ચે અંતર હોવાનો ઈશારો કરે છે. વરિષ્ઠ પત્રકાર મોહન ચતુર્વેદી કહે છે, “અત્યારે જે નામો છે તેમાં યોગી અને શાહના નામ આવે છે. યોગી હિન્દુત્વનો ચહેરો છે, જ્યારે નરેન્દ્ર મોદીની યોજનાઓના અમલમાં અમિત શાહની ભૂમિકા મહત્વની રહી છે.” ટૂંકમાં, મોદીની નજીક અમિત શાહ છે. ગુજરાતના વખતથી. પણ તેની કેમિસ્ટ્રી અમિત શાહ સાથે ખાસ નથી એવું જાણકારો માને છે. ભાજપના સંગઠનમાં અમિત શાહની પકડ મજબૂત છે. અમિત શાહ માને છે કે સંગઠનમાં વધુને વધુ લોકો તેમના જ થઈ જાય, જેથી કાલે જરૂર પડે તો પક્ષમાં વધુ લોકો અમિત શાહની તરફેણમાં બોલે. વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે મીડિયાને કહ્યું કે, "યોગી આદિત્યનાથ સંગઠનમાંથી ઉપર આવેલી વ્યક્તિ નથી. તેમનો ભાજપમાં હસ્તક્ષેપ કે કોઈ ભૂમિકા રહી નથી. સંગઠનમાં જે પદાધિકારીઓ છે, તેઓ યોગીને સ્વીકારી શકતા નથી." સંઘને યોગી કેમ વધારે પસંદ છે? યોગી આદિત્યનાથ પાછળની સંઘની ભૂમિકા બાબતે અતુલ ચંદ્રા અને શરત પ્રધાને તેમના પુસ્તકમાં વિગતવાર લખ્યું છે. પોતાના પુસ્તક ‘યોગી આદિત્યનાથ’માં તેમણે લખ્યું છે, "હિંદુત્વનો પ્રખર અને મજબૂત અવાજ હોવાને કારણે યોગી આદિત્યનાથને સંઘના વડા મોહન ભાગવતના આશિર્વાદ મળેલા છે." પુસ્તકમાં જણાવ્યા મુજબ, "ઉત્તર પ્રદેશમાં આઈઆઈટી ગ્રેજ્યુએટ નેતા મનોજ સિન્હાથી બહેતર રાજકીય દાવ ભગવાધારી મહંત યોગી આદિત્યનાથ પર હશે, એ વાત ભાગવતે જ 2017માં નરેન્દ્ર મોદીને ગળે ઉતારી હતી. તેનાથી પક્ષનો હિંદુત્વ એજન્ડા ઉત્તર પ્રદેશમાં સ્પષ્ટ થઈ શકશે." ઉત્તર પ્રદેશ અને ભારતના હિન્દુ રાષ્ટ્ર હોવા કે બનાવવા બાબતે યોગી નિવેદનો કરતા રહે છે. નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ કે અમિત શાહ નહીં, તો ત્રીજું કોણ? વરિષ્ઠ પત્રકાર રાકેશ મોહન ચતુર્વેદી કહે છે, એક નીતિન ગડકરી છે અને બીજા રાજનાથ સિંહ છે. બન્ને અગાઉ પાર્ટીના અધ્યક્ષ હતા. રાજનાથ નરેન્દ્ર મોદીની વયના છે. ગડકરી ઉંમરમાં થોડા નાના ખરા અને સંઘ સાથે તેમને સારો સંબંધ પણ છે. એટલે સંભાવના વધી જાય છે." અત્યારે ભલે અલગ અલગ નામ સામે આવે પણ સંઘ મરાઠી માનુસ દેવેન્દ્ર ફડણવીસના નામ પર પણ કળશ ઢોળી શકે. કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપને પગભર કરવામાં ફડણવીસનો મોટો ફાળો છે. રાષ્ટ્રીય સ્તરે લોકો તેને ઓળખે છે. હજુ 56 વર્ષના જ છે. તેમની સામે લાંબી પોલિટિકલ કેરિયર છે. સંઘનો ઝુકાવ તેમના તરફ પણ ખરો. એટલે અમિત શાહનો NDA-2 ગેમ પ્લાન સંઘ સફળ થવા દેશે કે નહીં, કે સમય જ કહેશે. અને છેલ્લે... કોકરોચ જનતા પાર્ટી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ-માગ કરે છે પણ અત્યાર સુધી તે મૌન હતા. હવે ધર્મેન્દ્ર પ્રધાનને રહીરહીને વાણી ફૂટી છે. તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કોકરોચ જનતા પાર્ટી 'આતંકવાદીઓ'ની બી ટીમ છે અને રાહુલ ગાંધી સ્ટુડન્ટ્સને ભડકાવી રહ્યા છે. રાજનીતિમાં દરેકને પોતાનો હાથ ઉપર રાખવો છે. આ એનું ઉદાહરણ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી/સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    આંબાચોક વિસ્તારમાં મહેંદી મુબારક (ફળ વિધિ) યોજાઈ:ઈમામ હુસૈન અલયહિસ્સલામના ભત્રીજાની યાદમાં મહેંદી મુબારક
    Next Article
    नरक का गड्ढा है भारत? ट्रंप के पोस्ट पर क्यों चुप रह गया भारत? डंका बजाने की नीति कहाँ चली गई?

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment