Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોદીએ શબ્દો બદલ્યા-સરકાર ધ્રૂજી:સત્તાનો ડર હવે ખતમ, સોશિયલ મીડિયાનાં હથિયારે મજબૂત નેતૃત્વના પાયા હચમચાવ્યા, Gen-Z આંદોલનનાં પાંચ લર્નિંગ

    2 दिन पहले

    26 દિવસના અનશન પછી સ્વસ્થ થયેલા સોનમ વાંગચૂક મેદાંતા હોસ્પિટલમાંથી સીધા મહાત્મા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા. તેમણે ત્યાંથી એવું કહ્યું કે, બાપુનો અહિંસાનો માર્ગ આજે પણ પ્રાસંગિક છે. લોકશાહી ત્યારે જ મજબૂત બને છે જ્યારે સરકાર લોકોનો અવાજ સાંભળે છે અને વાતચીતથી બધી સમસ્યાઓનું નિરાકરણ આવે છે. જેન ઝી આંદોલન નેપાળમાં થયું, શ્રીલંકામાં થયું ત્યારે ભારતના નેતાઓ ગર્વથી વાતો કરતા હતા કે આપણે ત્યાં આવું ન થાય. પણ નેતાઓ ખોટા પડ્યા. ભારતમાં પણ જેન ઝી આંદોલન થયું. એવું થયું કે સરકારે મંત્રીનું રાજીનામું લેવું પડ્યું. કારણ કે અત્યારની કેન્દ્ર સરકાર ટેકાથી ઊભેલી સરકાર છે એટલે પાયા વધારે હચમચી ગયા હતા. જેન ઝીના આંદોલને એક મેસેજ આપી દીધો કે- હવે સત્તાનો ડર ખતમ થઈ ગયો છે. આ આંદોલનમાંથી 5 લર્નિંગ સમજવાં જેવા છે. નમસ્કાર, સરકારે જો સંવાદ કરી લીધો હોત તો આ નોબત ન આવત. મોદી સરકાર હંમેશાં સંવાદથી અંતર રાખે છે. બીજું, સત્તાપક્ષ ગાંધીજીની નિશાનીઓ ભૂંસી શકે છે પણ ગાંધી વિચારધારા ક્યારેય ભૂંસી નહીં શકે. આ બધા વચ્ચે મેઈનસ્ટ્રીમ મીડિયા હાંસિયામાં ધકેલાઈ ગયું એટલે લોકશાહીના ચોથા સ્તંભની જગ્યા હવે સોશિયલ મીડિયા લઈ રહ્યું છે. 1. સંવાદ જ મુખ્ય રસ્તો - સંઘે પણ સલાહ આપવી પડી જો છેલ્લાં કેટલાંક વર્ષોમાં દક્ષિણ એશિયામાં કોઈ એક શબ્દ બહુ ગાજ્યો હોય, તો એ છેઃ જેન ઝી... આ એક એવી પેઢી છે, જેણે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા ઉથલાવી દીધી. છેલ્લા ચાર મહિનાથી ભારતીય રાજકારણમાં પણ જેન ઝી ચર્ચાનો વિષય બની. નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ભારતમાં જેન ઝીએ આંદોલન છેડી દીધું હતું. કોક્રોચ જનતા પાર્ટી (CJP)ની આગેવાની હેઠળ શરૂ થયેલા જેન ઝી આંદોલને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું. આ આંદોલન સીજેપી ચલાવી રહી હોવાથી વિરોધ પક્ષોએ શરૂઆતમાં તેનાથી અંતર જાળવ્યું. પણ છેલ્લા એક અઠવાડિયામાં આ જેન ઝી આંદોલને એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે, વિવિધ વિરોધ પક્ષો પણ તેની સાથે જોડાયા. આ આંદોલને આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું. 12 વર્ષોથી મોદી સરકારે મક્કમ સરકાર હોવાની છાપ ઊભી કરી હતી. રાજનાથસિંહ સહિતના મંત્રીઓ અગાઉ કહી ચૂક્યા છે કે- "આ NDA છે. UPA નથી. અમારી સરકારમાં કોઈ રાજીનામાં થતાં નથી." પણ ભારતની જેન ઝીનું એવું આક્રમણ થયું કે મોદી સરકારે પીછેહઠ કરવી પડી. 12 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મોદી સરકારના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આનો સીધો મતલબ એ થયો કે મોદી સરકાર ભલભલા સામે શિંગડા ભરાવી શકે છે અને જેન ઝી સામે પણ શિંગડા ભરાવાની કોશિશ થઈ. મોદી સરકાર માટે કઠણાઈ એ થઈ કે જે શિંગડાંના જોરે સરકાર નાચતી હતી એ જ શિંગડાં જેન ઝીએ પકડીને મરડી નાખ્યા. આવું થયું કેમ? આવું બે કારણોથી થયું. પહેલું, મોદી સરકારે જેન ઝી આંદોલનને શરૂઆતમાં હળવાશથી લીધું. બીજું, યુથ સાથે સંવાદ કર્યો નહીં. માર માર્યો, લાઠીચાર્જ કર્યો, પોલીસ અને સેના ઉતારી. દંડા માર્યા. પકડી પકડીને જેલમાં પૂરી દીધા. બિહારના સિવાનમાં તો હદ એ થઈ કે એક પોલીસ જવાને આંદોલન કરી રહેલા સ્ટુડન્ટ્સ પર AK 47થી ફાયરિંગ કર્યું. એક બાજુ સુપ્રીમ કોર્ટમાં પોલીસના અત્યાચારની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમે કહ્યું કે પ્રદર્શન કરે તેના પર લાકડીઓ ચલાવવાની શું જરૂર? સુપ્રીમ લાકડીઓ ઉગામવાની ના પાડે છે ને બિહાર પોલીસ AK 47નો ઉપયોગ કરે છે. અભાવ માત્ર સંવાદનો હતો. સંઘના વડા મોહન ભાગવતે પણ દિલ્હીમાં કહ્યું હતું કે, આજની નવી પેઢી ઘણા પ્રશ્નો પૂછે છે. નવી પેઢીને આદેશ ન આપો. તેની સાથે વાતચીત કરો. યુથને દરેક વસ્તુ પાછળનો તર્ક સમજાવવો. સંવાદ કરીને જ તેમને સાચી દિશા બતાવી શકાય છે. આપણે મનસ્વી રીતે કામ ન કરી શકીએ. આપણે આપણી શક્તિના માલિક નથી. લર્નિંગ : જેન ઝીના આંદોલન આટલું વિકરાળરૂપ ન લીધું હોત જો પહેલેથી તેની સાથે સંવાદ થયો હોત. 2. જેન ઝીએ મહાત્મા ગાંધીની વિચારધારા જીવંત રાખી જેન ઝીની વિચારધારા તદ્દન અલગ છે. જેન ઝી એટલે 18થી 26 વર્ષ સુધીની યંગ જનરેશન. જેમ ઘરમાં મમ્મી-પપ્પા વાત ન માને અને બાળક ગુસ્સામાં બેડરૂમનો દરવાજો પછાડે એવું થયું. દેશનાં માબાપ પાસે બાળકોએ જવાબ માગ્યો. જવાબ નહોતો મળતો એટલે આક્રમક બન્યા. દિલ્હીમાં આંદોલન દરમિયાન જેન ઝીનો અલગ મૂડ દેખાયો. જે પેઢીને માત્ર ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને સ્નેપચેટ ફિલ્ટર્સ પૂરતી સીમિત માની હતી એ પોતાની ભાષામાં, પોતાના સ્માર્ટફોન અને મીમ્સના હથિયારથી સત્તાને સવાલ કરી રહી છે. જેને આપણે આખો દિવસ ફોનમાં માથું ઘાલીને બેસી રહેવા બદલ મહેણાં મારતા હતા તે યુવાનો સાધારાણ નથી એવું છેલ્લાં થોડાંક અઠવાડિયાંઓમાં સાબિત કરી આપ્યું. આખા આંદોલનમાં જેન ઝીની ફ્લેવર પણ જૂદી જૂદી જોવા મળી. કોઈ ગાંધીજી, સરદાર પટેલ કે ડો. આંબેડકરની તસવીરો ઊંચી કરીને એવું બતાવવા માગતા હતા કે અમે ભલે જેન ઝી રહ્યાં, પણ અમે ગાંધી વિચારધારા સાથે છીએ. કેટલાક જેન ઝી જાહેરમાં ગાળાગાળી કરતા સાંભળવા મળ્યાં. પણ સૌથી સારી વાત એ રહી કે યુથમાં આજે પણ ગાંધી વિચારધારા જીવંત છે. એક, યુથને દંડા પડતા હતા. વાળ ખેંચીને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડાતા હતા પણ એક પણ યુવાને પોલીસ કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો નથી. ગાંધીજીના આંદોલનો અહિંસક જ હતાં. ગાંધીજી માનતા હતા કે, દેશના યુવાનો સમાજમાંથી જાતિવાદ, સાંપ્રદાયિકતા અને અસમાનતા જેવા દુષણોને નાબૂદ કરવા માટેના મુખ્ય એજન્ટ છે. વર્ષો પછી ગાંધીજીની વાત સાચી પડી રહી છે. લર્નિંગ : લગે રહો મુન્નાભાઈ ફિલ્મથી યુથને એક શબ્દ મળ્યો હતો- ગાંધીગીરી. યુવાનોએ આંદોલનમાં ગાંધીગીરી કરી બતાવી. 3. સત્તાનો ડર ખતમ થયો - આ પેઢી કોઇથી ડરતી નથી અત્યાર સુધીની આ સૌથી વધુ ડાયનેમિક પેઢી છે. તેમની પાસે પોતાના તર્ક છે અને તેમની પાસે બધી જ બાબતોના જવાબ છે. ઇન્ફર્મેશનનો ઓવરફ્લો હોવાથી તેમની સામે જો તમે થોડાક ઓછું જાણતા હો એવું તેમને લાગ્યું તો તેઓ તમને રિસ્પેક્ટ નહીં આપે. આજે ટીચરો સામે બહુ જ મોટો પડકાર છે જેન-ઝીને ભણવામાં રસ પડે એ રીતે ભણાવતા રહેવાનો. તેમને લેક્ચર્સ કે રીડિંગ ફોર્મેટમાં ભણવું જ નથી. તેઓ કોઈ પણ કમેન્ટ કરતાં અચકાતા નથી, ડરતા નથી. આજની પેઢી ટેકલ થઈ શકે તેવી નથી. દિલ્હીમાં આદોલન દરમિયાન છોકરીઓ પણ એવી ગાળો બોલતી હતી કે સાંભળવામાં પણ શરમ આવે. આનો સીધો મતલબ એ થયો કે, અત્યાર સુધી સરકાર વિશે ઘસાતું બોલો કે સોશિયલ મીડિયામાં સત્તા વિરોધી એક વાક્ય લખો તો પણ 'પરચો' મળી જતો. ED, ઈન્કમટેક્સ કે પોલીસ કોઈપણના ઘરે પહોંચી જાય તેવા અનેક દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ. પણ જેન ઝી કોઈનાથી ડરતી નથી. બેફામ બોલે છે, બેફામ લખે છે ને કોઈ તેને દબાવવાનો પ્રયાસ કરે તો સ્પ્રીંગની જેમ ડબલ ઊછળે છે. કોઈ ચોક્કસ વર્ગ ભલે સત્તાના ડરમાં જીવતો હોય પણ જેન ઝીમાં સત્તાનો ડર ખતમ થઈ ગયો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેન ઝીની જીદ્દ અલગ પ્રકારની છે. તે સાચાને સાચું કહેવામાં ને ખોટાને ખોટું કહેવામાં માને છે. જેન ઝી વિરોધ પ્રદર્શનો માત્ર આકરાં સૂત્રોચ્ચારો, પોસ્ટરો, ગીતો, નૃત્ય અને તડકો કે વરસાદ હોય તો પણ અડગ રહેવાની હિંમત પૂરતાં સીમિત નહોતાં. તેનાથી આગળ વધીને, લાંબા સમય સુધી ટકી રહેવા માટે મુશ્કેલ હોય, તેવી ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ ધરાવતી જગ્યાએ ડિલીવરી એપ્સના ઉપયોગે સંસાધનો કામે લગાડવાનો નવો માર્ગ પૂરો પાડ્યો. અત્યાર સુધીની સિસ્ટમ અને આપણે બધા જ એક ચહેરો કે નેતા જોવા ટેવાયેલા હતા, પણ આ જેન-ઝીએ આખો નિયમ બદલી નાખ્યો છે. આ આંદોલને સાબિત કર્યું છે કે આ પેઢીને કોઈ એક ચહેરા કે નેતાની જરૂર નથી. આ જનરેશન પોતે જ પોતાની નેતા છે. તેઓ તાત્કાલિક રીએક્શન આપી દે છે. જેન ઝી જ હવે ડરનો માહોલ બનાવી રહી છે. વડા પ્રધાન પણ 'મિત્રોં' ને બદલે 'ફ્રેન્ડ્સ' બોલતા થઈ ગયા. લર્નિંગ : થોમસ કાર્લાઈલનું ક્વોટ યાદ આવે છે- જ્યારે સૂરજ અસ્ત થવામાં હોય ત્યારે વેંતિયાઓના પડછાયા પણ મોટા દેખાય છે. 4. સેલિબ્રિટીઝનું પાણી મપાયું, હવે જેન ઝી જ સેલિબ્રિટી ઘણા પોલિટિશિયન, ફિલ્મ સેલિબ્રિટીઝ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝે શરૂઆતના અઠવાડિયાંમાં આંદોલન વિશે એક શબ્દ પણ લખ્યો નહીં. TMC નેતા અભિષેક બેનર્જી અને કોમેડિયન મુનવ્વર ફારૂકીએ કહ્યું કે, સેલિબ્રિટીઝ મૌન કેમ છે? તેમણે યુથ માટે અવાજ ઉઠાવવો જોઈએ. એ પછી ધીમે ધીમે બોલિવુડે આળસ મરડી ને એક પછી એક ટ્વિટ આવવા લાગ્યા. કોઈએ ખુલીને જેન ઝીને ટેકો આપ્યો તો કોઈએ 'નરો વા, કુંજરો વા' કહી દીધું. શરૂઆત સલમાન ખાન અને આલિયા ભટ્ટે કરી. પછી એક પછી એક ટ્વિટ થવા લાગ્યા પણ મોટા ભાગના સેલિબ્રિટીઝ વિવાદથી દૂર રહીને જ વાત કરતા હતા. આ આખા ઘટનાક્રમમાં સેલિબ્રિટીઝનું પાણી મપાઈ ગયું. વાતવાતમાં લાંબા લચ્ચક ટ્વિટ કરતા સેલિબ્રિટીઝ આટલા મોટા આંદોલનમાં એક મહિનો ચૂપ રહ્યા. તમાશો જોતા રહ્યા. જે સેલિબ્રિટીઓએ ટ્વિટ કરવાનું શરૂ કર્યું તે બઘા 'અંધભક્તો'ની હટફેટમાં ચડી ગયા. સોશિયલ મીડિયા પર બે વોર એકસાથે ચાલતી હતી. એક તરફ સેલિબ્રિટીઝ પોતાની વાત મૂકવા અચકાતી હતી પણ આનાથી જેન ઝીને કોઈ ફેર પડ્યો નહીં. અંતે સરકાર ઝૂકી ને જેન ઝી જ અસલી સેલિબ્રિટી બની ગઈ. યંગ જનરેશન પાસે તેમનો બહુ સ્ટ્રોન્ગ ઓપિનિયન છે અને તમારી વાત માત્ર તમે કહી દીધું એટલે તેઓ નહીં માને. તમારે તેમને તર્ક આપવો પડશે. તેઓ કેરિંગ અને ઇમોશનલ છે. જરાક તમે કંઈક બોલી જાઓ તો તેમને વધુ અસર થઈ જતી હોય છે. તેમને અત્યારની આધેડ પેઢી કરતાં ઓછો સંઘર્ષ જોવો પડ્યો છે અને સામે તેમને એક્સપોઝર અને એજ્યુકેશન વધુ મળ્યું છે એટલે સ્વાભાવિક રી‍તે થોડોક ફરક તો રહેવાનો જ. ભારતમાં 90 કરોડથી વધુ લોકો યુવા છે જેમાં અડધોઅડધ જેન-ઝી છે. જો આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને યોગ્ય દિશા નહીં મળે તો એ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર બની જશે. ઇન્ટરનેટના ઓવર-એક્સપોઝરને કારણે જેન ઝી કેટલીક વાર પોતાની સેન્સિબિલિટી ખોઈ દે છે. દેશ માટે શું સારું છે અને શું ખરાબ છે એ સમજવામાં તેઓ ઘણી વાર ઉતાવળ કરી બેસે છે, બહુ જલદી જજ કરી બેસે છે. એટલે જ જો તેમને કન્સ્ટ્રક્ટિવ કામ નહીં અપાય તો તે ખતરનાક સાબિત થશે. લર્નિંગ : યુથે સેલિબ્રિટીઝને શાનમાં સમજાવી દીધું કે હવે 70 MMના પડદાની જરૂર નથી. નાનકડી રીલ્સ જ કાફી છે. 5. મેઇનસ્ટ્રીમ મીડિયા સાઇડમાં, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર જ મીડિયા ઇન્સ્ટાગ્રામ કદાચ જેન ઝી માટે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ આંદોલનેની સૌથી ઘેરી અસર પણ આ પ્લેટફોર્મ પર જ જોવા મળી છે. છેલ્લા એક અઠવાડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જંતર-મંતર પરની રીલ્સનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ઇન્સ્ટાગ્રામના મોટાભાગના યુઝર્સે વિરોધ પ્રદર્શનને લગતી રીલ્સ પર જ ધ્યાન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં ગુરુવારે અને પછી શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરવી પડી. સીધો અર્થ એ કે મેઈનસ્ટ્રીમ મીડિયા હાંસિયામાં ધકેલાઈ ગયું. તમે જંતર-મંતર પર આંદોલનના વીડિયો અને રીલ્સ જોશો તો ખ્યાલ આવશે કે ટીવી ચેનલોના પત્રકારો, કેમેરામેન નહીં દેખાય પણ ઈન્ફ્લુએન્સર્સનો રાફડો ફાડ્યો હતો. એ લોકો જ રીલ્સ પોસ્ટ કરીકરીને આંદોલનને વેગ આપતા રહ્યા. યુથને રોલ મોડેલની જરૂર છે. રીલ્સ મોડેલની નહીં. આ પેઢીએ પોતાની એનર્જીનો દેશના અર્થતંત્ર અને સાચા એજ્યુકેશન સુધારા પાછળ ઉપયોગ કરવો પડશે. ભાજપ એક એવો પક્ષ રહ્યો છે, જે 2013થી વડા પ્રધાન મોદી વડા પ્રધાન બન્યા, તેના પહેલાંથી જ તેના પ્રચારની રણનીતિ માટે સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતો આવ્યો છે. હવે આ જ સોશિયલ મીડિયા ભાજપ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. જો તમે સોશિયલ મીડિયા પર આખો દિવસ એકતરફી વાતો જ કર્યા કરો, તો એક દિવસ એવો આવશે, જ્યારે પાણી માથા પરથી વહેવા માંડશે અને અહીં પણ આ જ થયું છે. આ આંદોલનમાં વિદ્યાર્થીઓએ ઇન્સ્ટાગ્રામ પર મોદી સરકારને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. તેનો અર્થ એ કે, સરકાર વિદ્યાર્થીઓથી ડરી ગઈ હતી. તે સોશિયલ મીડિયા પર રોજેરોજ આવતી ફીડથી પણ ડરી ગઈ હતી. જેન ઝીએ સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને સરકારને ઘૂંટણિયે પાડી દીધી. લર્નિંગ : જેન ઝીના આંદોલને રીયલ જર્નાલિઝમની ધરી બદલી નાખી છે. સોશિયલ મીડિયા પર જ જેન ઝીએ પોતાનું મીડિયા એમ્પાયર ઊભું કરી દીધું છે. છેલ્લે, સપ્ટેમ્બર 1956માં તેલંગાણાના મહેબૂબ નગરમાં રેલ અકસ્માતમાં 112નાં મોત થયાં. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી રેલમંત્રી હતા. તેમણે નૈતિક જવાબદારી સ્વિકારી પંડિત જવાહરલાલ નહેરૂને રાજીનામું મોકલ્યું. પંડિતજીએ સ્વિકાર્યું નહીં. તેના બે મહિના પછી નવેમ્બર 1956માં તમિલનાડુના અરિયાપુરમાં ફરી ટ્રેન અકસ્માત થયો. તેમાં 140નાં મોત થયાં. લાલ બહાદુર શાસ્ત્રીએ જવાહરલાલને રૂબરૂ મળીને રાજીનામું આપ્યું. રેલ મંત્રી તરીકે 7 ડિસેમ્બર 1956એ મંત્રી પદ છોડી દીધું. એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીએ નૈતિક જવાબદારી સ્વિકારીને સામેથી રાજીનામું આપી દીધું હતું. દુ:ખની વાત એ છે કે નેતાઓની ચેમ્બરમાં શાસ્ત્રીજીના ફોટા હોય છે પણ તેમાંથી પ્રેરણા લેતા નથી. આજના નેતાઓ જનતાને જવાબ ન આપે તો જનતા જ પદ છીનવી લે છે. જેન ઝી આંદોલન તેનું જ ઉદાહરણ છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    ભારતે યુક્રેનના રાજદૂતને સમન્સ પાઠવ્યું:ભારતીય ક્રૂ મેમ્બરનાં મોત પર જવાબ માંગ્યો, બ્લેક સીમાં જહાજ પર થયેલા હુમલાનો મામલો
    Next Article
    6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદ:પાકિસ્તાની આરોપીઓ દ્વારા 300 કિલો જેટલું હિરોઈન ભારતમાં સ્મગલિંગ કરીને, પૈસા આતંકવાદી પ્રવૃતિઓમાં વાપરવાનો આક્ષેપ હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment