Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: નિજ્જરને લોરેન્સે ટપકાવ્યો:FBI અને કેનેડાની પોલીસનો ધડાકો, અમદાવાદની સાબરમતી જેલમાંથી ખેલ પાડ્યો, ભારત વિરોધી ટ્રૂડો ભોંઠા પડ્યા

    7 hours ago

    18 સપ્ટેમ્બર 2023નો એ દિવસ. કેનેડાની સંસદમાં પિન-ડ્રોપ સાયલન્સ અને પરસેવે રેબઝેબ કેટલાક અધિકારીઓની નજર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ એક એવો બ્લાસ્ટ કર્યો, જેણે ભારત-કેનેડાના દાયકાઓ જૂના સંબંધોમાં આગ લગાવી દીધી. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે, એવો સનસનીખેજ આરોપ મૂકવામાં આવ્યો. ત્યારે જસ્ટિન ટ્રુડોએ ભરી સંસદમાં કહ્યું હતું કે, ટ્રુડોના એ જુઠ્ઠાણા સામે ત્યારે તો માત્ર ષડયંત્રની ગંધ આવતી હતી, પણ અસલી ખેલ તો હવે શરૂ થયો છે! પડદા પાછળની વાત એ છે કે, પોતાની લઘુમતી સરકારની ખુરશી બચાવવા માટે ટ્રુડોએ જે જૂઠાણું ચલાવ્યું હતું, તેના ચીંથરા હવે ખુદ કેનેડા પોલીસ અને અમેરિકન એજન્સી FBIના જોઈન્ટ ઓપરેશન હાર્ડબોલએ ઉડાડી દીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યામાં ભારતનો કોઈ જ હાથ નથી. તો પછી સવાલ એ છે કે જો ભારતે નિજ્જરને નથી માર્યો, તો કોણે માર્યો? આજે આપણે વાત કરીશું એ ઇન્ટરનેશનલ ગેંગવોરની, જેમાં નિજ્જરની હત્યા પાછળ અમદાવાદની સાબરમતી જેલના અંડા સેલમાં બેઠેલા 33 વર્ષીય લોરેન્સ બિશ્નોઈનું ટ્રાન્સનેશનલ નેટવર્ક કઈ રીતે જવાબદાર છે! ચાલો સમજીએ આખો મામલો. નમસ્કાર... અમેરિકાની એજન્સી FBI અને કેનેડિયન પોલીસના સાથે મળીને કરેલા ઓપરેશન હાર્ડબોલમાં બહુ મોટો ધડાકો થયો છે. કેનેડા પોલીસના જ ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે જાહેરમાં કેમેરા સામે આવીને ચોખ્ખું કહી દીધું છે કે, આ હત્યાકાંડમાં ભારત સરકારને સાંકળતી કોઈ જ કડી કે પુરાવો ઉપલબ્ધ નથી. આ તો પ્યોર આંતરરાષ્ટ્રીય ગેંગવોરનું જ પરિણામ છે. ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને મારે શું? હવે તમે વિચારતા હશો કે ભાઈ, કેનેડામાં કોણ મર્યું અને અમેરિકા કોને પકડે છે, એમાં મારે શું? શું આનાથી મારા ઘરનું કરિયાણું સસ્તું થઈ જશે? મારું પેટ્રોલ સસ્તું થશે? ના, પણ આની સીધી અસર આપણા દેશ અને તેની સિક્યોરિટી પર પડે છે. ચાલો એક ઉદાહરણથી આખી વાત સમજીએ. ધારો કે મહેસાણા, નડિયાદ કે અમદાવાદના કોઈ સામાન્ય ખેડૂત કે વેપારીનો દીકરો લાખો રૂપિયાની ભારે વ્યાજવાળી લોન લઈને કેનેડા ભણવા જવાની તૈયારી કરી રહ્યો છે. અચાનક બે દેશો વચ્ચેનો ડખો થાય અને તેના વિઝા અટકી જાય તો શું હાલત થાય? વિઝાના નિયમો અચાનક કડક થઈ જાય, ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોંઘીદાટ થઈ જાય અને ત્યાં એકલા રહેતા આપણા ગુજરાતી ભાઈ-બહેનોની સુરક્ષા જોખમાય, ત્યારે સામાન્ય માણસને સમજાય છે કે આ મુદ્દો માત્ર બે દેશોની સરકારોનો નથી, તમારા અને મારા ઘરનો પણ છે. ઇન્ટરનેશનલ પોલિટિક્સ સીધું તમારા ડાઇનિંગ ટેબલ અને બેંક એકાઉન્ટ સુધી પહોંચે છે. આપણા દેશના લાખો યુવાનોનું ભવિષ્ય અને પંજાબ-ગુજરાતથી થતો કરોડોનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર આ એક ખોટા નિવેદનને કારણે દાવ પર લાગી ગયો હતો. સંકટમાં છુપાયેલી એક મોટી તક પણ ચિંતા ન કરો, આ ષડયંત્રના પર્દાફાશથી આપણા માટે એક બહુ મોટી તક પણ ઊભી થઈ છે. ટ્રુડોનું જૂઠાણું પકડાઈ જતાં હવે કેનેડામાં તેમની આંતરરાષ્ટ્રીય ફજેતી લગભગ નક્કી છે. તેમની સરકારે તો ભારત સાથે સંબંધો બગાડી નાખ્યા પણ હવે નવી ચૂંટાયેલી માર્ક કાર્નેની આગેવાની હેઠળ, કેનેડા સરકાર ભારત સાથે બગડેલા સંબંધો સુધારવાની કવાયત શરૂ કરી ચૂકી છે. આનો સીધો અને મોટો ફાયદો એ થશે કે આપણા વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને વેપારીઓ માટે કેનેડાના દરવાજા ફરીથી એક પોઝિટિવ રીતે અને સુરક્ષિત માહોલમાં ખુલશે. ટ્રુડોની સરકારમાં વર્લ્ડ મંચ પર ભારતની જે ઇમેજ ખરડાવવાનો પ્રયાસ થયો હતો, તે હવે ડબલ તાકાતથી ક્લીન અને પાવરફુલ બનીને સામે આવી છે. પ્લમ્બરથી લઈને આતંકી સુધીની સફર તો પછી સવાલ એ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે, જો ભારતે નિજ્જરને નથી માર્યો, તો તેને આખરે માર્યો કોણે? અને શા માટે? આ ડબલ મર્ડર મિસ્ટ્રી જેવું સસ્પેન્સ સમજવા માટે નિજ્જર કોણ હતો તે જાણવું ખૂબ જ જરૂરી છે. 1990ના દાયકામાં પંજાબના જલંધરથી પેટિયું રળવા માટે કેનેડા ગયેલો એક સાવ સામાન્ય પ્લમ્બર ધીમે ધીમે ખાલિસ્તાની વિચારધારાના રવાડે ચડી ગયો હતો. સમય જતાં એ માણસ એટલો ખતરનાક બની ગયો કે તે ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સીધો વડો જ બની બેઠો. શીખ ફોર જસ્ટિસ જેવા સંગઠનોમાં તે સક્રિય હતો. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISIના ઇશારે તે પંજાબમાં ફંડિંગ અને ટાર્ગેટ કિલિંગનું એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો. તેના ખતરનાક ઇરાદાઓ જોઇને ભારત સરકારે 2020માં જ તેને ઓફિશિયલી આતંકી જાહેર કરી દીધો હતો. એટલું જ નહીં, દુનિયાભરની પોલીસને એલર્ટ કરતી ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પણ તેના નામની કઢાવી હતી. છતાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે પોતાની સ્થાનિક વોટબેંકની લાલચમાં તેને છાવર્યો અને પ્રોટેક્શન આપ્યું. પણ 18 જૂન 2023ના રોજ કેનેડાની ધરતી પર એક ગુરુદ્વારાની બહાર જ તેની ગોળીઓથી વીંધીને કરપીણ હત્યા કરી દેવામાં આવી. જ્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થઈ ત્યારે ખબર પડી કે ખાલિસ્તાનીઓનું આ ષડયંત્રકારી નેટવર્ક ભારતના જ એક અત્યંત ખતરનાક ક્રાઈમ સિન્ડિકેટ સાથે ટકરાયું હતું. હવે આ ક્રાઈમ સિન્ડિકેટ કોનું હતું? સાબરમતી જેલમાંથી દુનિયાભરમાં આ ગેંગ કઈ રીતે ઓપરેટ થાય છે? અને તેનું પંજાબ કનેક્શન શું છે? આ તમામ રહસ્યમય પડદાઓ પણ આપણે ઉઠાવીએ અંડા સેલથી ચાલતું ઇન્ટરનેશનલ ઓપરેશન! તમે ક્યારેય વિચાર્યું છે કે જેલમાં બંધ કોઈ કેદી દુનિયાના ચાર અલગ-અલગ દેશોમાં પોતાની ગેંગ ચલાવી શકે? ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલનો હાઈ-સિક્યોરિટી અંડા સેલ. આ એ જગ્યા છે જ્યાં ખૂંખાર અપરાધીઓને રાખવામાં આવે છે. જ્યાં પરિંદુ પણ પર ના મારી શકે અને સૂર્યનો સીધો પ્રકાશ પણ માંડ પહોંચે. પણ અમેરિકા અને કેનેડા પોલીસના ઓપરેશનના રિપોર્ટ મુજબ આ જ અંધારા સેલમાં બેઠા બેઠા 33 વર્ષનો લોરેન્સ બિશ્નોઈ એક એવું ગુનાહિત સામ્રાજ્ય ચલાવે છે, જે કોઈ અત્યાધુનિક હોલીવુડ થ્રિલર ફિલ્મને પણ સીધી ટક્કર મારે. અમેરિકાની FBIના ઓફિશિયલ રિપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ મુજબ, લોરેન્સની શરૂઆત પંજાબમાં એક સામાન્ય વિદ્યાર્થી નેતા તરીકે થઈ હતી. પણ પછી તેણે સોશિયલ મીડિયાનો બહુ જ સ્માર્ટલી સહારો લીધો. તેણે પોતાની જાતને એક રાષ્ટ્રવાદી અને દેશભક્ત ડોન તરીકે પ્રોજેક્ટ કરી. યુવાનોના મગજ સાથે રમત રમી. આજે પરિસ્થિતિ એ છે કે, આ શખ્સનું નેટવર્ક ભારતના 6 મોટા રાજ્યો અને અમેરિકા, કેનેડા, યુરોપ અને UAE એમ ચાર મોટા દેશોમાં બેરોકટોક ફેલાયેલું છે. તેની પાસે 700થી વધુ શૂટર્સની એક આખી ફોજ છે. હવે અહી એક સમજવા જેવી વાત છે, જે ઘણા લોકો મિસ કરી દે છે. લોરેન્સ ગેંગના આ 700 શૂટર્સ કોણ છે? શું આ કોઈ પ્રોફેશનલ ક્રિમિનલ છે? બિલકુલ નહીં. આમાંના મોટાભાગના સગીર વયના અથવા સાવ ગરીબ ઘરના યુવાનો છે. ઇન્સ્ટાગ્રામ પર હથિયારોના સ્ટેટસ, વિડીયો અને ગન કલ્ચર જોઈને આકર્ષાયેલા 17 કે 18 વર્ષના અબૂધ છોકરાઓ. થોડા રૂપિયાની લાલચમાં અને ભ્રમિત થઈને તેઓ કોઈની પણ સોપારી કિલિંગ માટે તૈયાર થઈ જાય છે. એક આખી પેઢી બરબાદ થઈ રહી છે. ખાલિસ્તાની આતંકી અને દેશી ગેંગસ્ટરનું ખતરનાક નેક્સસ હવે તમારા મનમાં એક સ્વાભાવિક સવાલ થાય કે હરદીપ સિંહ નિજ્જર જેવા ખાલિસ્તાની આતંકીને લોરેન્સ બિશ્નોઈ જેવા દેશી ગેંગસ્ટર સાથે શું લેવાદેવા? બંનેની વિચારધારા તો સાવ અલગ છે. તો પછી કનેક્શન શું? આ બંને વચ્ચે એક સિમ્બાયોટિક નેક્સસ ગોઠવાઈ ગયું હતું. સીધી અને સાદી રીતે સમજીએ તો આ એક મોતની બાર્ટર સિસ્ટમ એટલે કે સાટા પદ્ધતિ હતી. કેનેડા કે અમેરિકામાં સુરક્ષિત રીતે બેઠેલા ખાલિસ્તાની આતંકીઓ પાસે પૈસાની કોઈ જ કમી નથી. તેઓ ડ્રગ્સની હેરાફેરી કરે, હવાલાનું મોટું નેટવર્ક ચલાવે, ખંડણી ઉઘરાવે અને વિદેશી હથિયારો મોટા પાયે ખરીદે. પણ તેમને ભારતમાં પોતાના દુશ્મનોને મારવા માટે માણસો જોઈએ. સામે પક્ષે, NIAના રિપોર્ટ્સ મુજબ લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટર પાસે 700 શૂટર્સની ફ્રી ફોજ છે, પણ તેમને પોતાના ઓપરેશન ચલાવવા મોટા હથિયાર અને વિદેશી ફંડિંગ જોઈએ. બસ, આ બંને સિન્ડિકેટ એકબીજાની જરૂરિયાત પૂરી કરવા લાગ્યા. ખાલિસ્તાનીઓ ફંડ અને હથિયાર આપે, બિશ્નોઈ શૂટર્સ પૂરા પાડે! નિજ્જરની હત્યાનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ? અમેરિકાની FBIની ચાર્જશીટમાં ઓફિશિયલી એક બહુ મોટો અને હિસ્ટોરિકલ ખુલાસો થયો છે. તેમાં ચોખ્ખું લખ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો સીધો આદેશ લોરેન્સ બિશ્નોઈ અને કેનેડા-અમેરિકામાં બેઠેલા તેના રાઈટ હેન્ડ ગોલ્ડી બરાડે જ આપ્યો હતો. આમાં કોઈ ભારત સરકારની ગુપ્તચર એજન્સીનો હાથ નહોતો! કારણ કે નિજ્જરની ગેંગ અને બિશ્નોઈની ગેંગ વચ્ચે પંજાબ અને કેનેડામાં ડ્રગ્સ અને ખંડણીના કરોડો રૂપિયાને લઈને સીધી લોહિયાળ ટક્કર ચાલી રહી હતી. અમેરિકા અને કેનેડા પોલીસના જોઈન્ટ ઓપરેશન મુજબ આ એક પ્યોર ઇન્ટરનેશનલ ગેંગવોર હતો. પણ વાત અહી જ અટકતી નથી. જ્યારે આ બે દેશી ગેંગોની પારકી લડાઈ અમેરિકાના શાંત રસ્તાઓ સુધી પહોંચી ગઈ, ત્યારે અમેરિકા સફાળું જાગી ગયું. અમેરિકામાં અને કેનેડામાં વર્ષોથી શાંતિથી રહેતા સામાન્ય ભારતીય અને ગુજરાતી વેપારીઓને અચાનક વોટ્સએપ પર લાખો ડોલરની ખંડણી માટે ધમકીભર્યા કોલ આવવા લાગ્યા. એક સામાન્ય પરિવાર, જે મહેનત કરીને ડોલર કમાતો હોય, તેને અચાનક કહેવામાં આવે કે "પચાસ હજાર ડોલર મોકલ નહીં તો તારા દીકરાને ઉઠાવી લઈશું". આવા ડરના માહોલના કારણે FBIની ઊંઘ હરામ થઈ ગઈ. ઓપરેશન હાર્ડબોલ: FBIનો 24 કલાકનો ખૌફનાક શિકાર! જ્યારે અમેરિકાની શાંત સડકો પર ગેંગવોરની ગોળીઓ ગુંજવા લાગી અને અમેરિકન નાગરિકોને વોટ્સએપ પર ખંડણીના કોલ આવવા લાગ્યા, ત્યારે અમેરિકાની ટોચની સુરક્ષા એજન્સી FBI સમજી ગઈ કે આ કોઈ સામાન્ય ક્રાઇમ નથી. પોતાના નાગરિકોને બચાવવા અમેરિકાના ન્યાય વિભાગ, FBI, ડ્રગ્સ કંટ્રોલ DEA અને કેનેડિયન પોલીસે ભેગા મળીને એક મેગા ઓપરેશન લોન્ચ કર્યું. નામ આપ્યું... ઓપરેશન હાર્ડબોલ. આ ઓપરેશનનું લેવલ એવું હતું કે એકસાથે અમેરિકા, કેનેડા અને યુરોપમાં 150થી વધુ સ્થળોએ સપાટો બોલાવવામાં આવ્યો. માત્ર ગણતરીના કલાકોમાં 3 મોટા ઇન્ટરનેશનલ ક્રાઇમ સિન્ડિકેટ પર સર્જિકલ સ્ટ્રાઇક થઈ. આ માત્ર એક ગેંગ વિરુદ્ધનું ઓપરેશન નહોતું, આખેઆખું ઇકોસિસ્ટમ તોડી પાડવાનો પ્લાન હતો. આ ઓપરેશનમાં કુલ 37 લોકો સામે ચાર્જશીટ થઈ અને 24ની ધરપકડ કરવામાં આવી. તમને જાણીને નવાઈ લાગશે કે આ દરોડામાં 1000 કિલો કોકેઈન, લાખોની રોકડ અને અત્યાધુનિક હથિયારોનો જંગી જથ્થો પકડાયો. અમેરિકાએ આ મામલાને કેટલી ગંભીરતાથી લીધો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ તમામ આરોપીઓ પર અમેરિકાના સૌથી કડક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કાયદા RICO એટલે કે રેકેટિયર ઇન્ફ્લુએન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઇઝેશન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આ અમેરિકાનો એ જ કાયદો છે જેમાં એકવાર ગુનેગાર ફસાય એટલે તેને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. 8 મોટા ખુલાસા: ભ્રષ્ટ પોલીસથી લઈને મેક્સિકન કાર્ટેલ સુધી! ઓપરેશન હાર્ડબોલની ચાર્જશીટ વાંચીને ભલભલાના હોશ ઊડી જાય. આ તપાસમાં 8 એવા ચોંકાવનારા ખુલાસા થયા છે જેણે આખી દુનિયાની સુરક્ષા એજન્સીઓને વિચારતી કરી દીધી છે: આટલા મોટા પાયે આ સિન્ડિકેટ ફેલાયેલું હતું! ગોલ્ડી બરાડ પર તો અમેરિકાએ 50,000 ડોલરનું ઇનામ પણ જાહેર કરી દીધું છે. શું ગેંગસ્ટર્સ હવે અમેરિકાની ફેડરલ જેલમાં જશે? અમેરિકાની એફબીઆઈ હવે ફૂલ મૂડમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓએ ચોખ્ખું કહી દીધું છે કે તેઓ ભારતની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને ભ્રષ્ટ પંજાબ પોલીસ અધિકારી ગુરિન્દરજીત સિંહ નાગરાનું અમેરિકા પ્રત્યાર્પણ કરાવવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરશે. આ ગેંગસ્ટર્સ માટે આનાથી ખરાબ કોઈ સમાચાર હોઈ જ ન શકે. ભારતમાં તો તેઓ જેલની સિસ્ટમ, ભ્રષ્ટ તંત્ર અને મોબાઈલ ફોનનો દુરુપયોગ કરીને પોતાનો વેપાર ચલાવી લેતા હતા. પણ એકવાર તેઓ અમેરિકાની ફેડરલ જેલમાં ગયા, એટલે ગેમ ઓવર! ત્યાં કોઈ મોબાઈલ નહીં મળે, કોઈ વકીલ મારફતે કોડવર્ડની ચિઠ્ઠીઓ પાસ નહીં થાય અને RICO કાયદા હેઠળ ટ્રાયલ ચાલશે એટલે સીધી 10 વર્ષથી લઈને આજીવન કેદ. સીધી વાત છે, અમેરિકાના કબજામાં ગયા પછી તેઓ ફરી ક્યારેય કોઈ ગુજરાતી કે ભારતીય વેપારીને ખંડણી માટે ધમકીનો કોલ કરી શકશે નહીં. અહીં એક બહુ જ કડવી વાસ્તવિકતા અને આઈરની છુપાયેલી છે. આપણે આખી દુનિયામાં એવો ડંકો વગાડીએ છીએ કે ભારત વિશ્વગુરુ બની રહ્યું છે, આપણે આખી દુનિયાને સોફ્ટવેર એન્જિનિયર્સ, ડોક્ટર્સ અને CEO એક્સપોર્ટ કરીએ છીએ. પણ અમેરિકાની ચાર્જશીટે ભારતની સિસ્ટમ પર એક બહુ મોટો તમાચો માર્યો છે. FBIના ખુલાસા મુજબ, ભારત હવે હાર્ડકોર ગુનેગારો અને સસ્તા શૂટર્સ સપ્લાય કરતો દેશ બની ગયો છે! વિચાર કરો, કેટલી મોટી શરમજનક વાત છે કે અમેરિકા જેવા દેશે ભારત પાસે એક ગેંગસ્ટરની કસ્ટડી માંગવી પડે છે, કારણ કે આપણી સિસ્ટમ તેને જેલમાં બેઠા-બેઠા રોકી શકતી નથી. અમેરિકાએ આખી દુનિયા સામે આપણી જેલ અને ન્યાય વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ટાર્ગેટ અમેરિકા, પણ ફાયદો ભારતનો! હવે આ આખી સિન્ડિકેટની પોલ ખૂલ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે, અમેરિકાએ અચાનક આટલો મોટો રસ કેમ લીધો? અને આની ભારત પર શું અસર પડશે? આ આખી ગેમ એક બહુ જટિલ ડિપ્લોમેટિક ટ્રાયએન્ગલમાં રમાઈ રહી છે. વોશિંગ્ટન, ઓટાવા અને નવી દિલ્હી. અમેરિકાની ન્યાય વ્યવસ્થા અત્યંત સ્માર્ટ છે. એક તરફ તેમને પોતાના દેશની અંદર વધી રહેલા ગેંગવોર અને મેક્સિકન ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ટ્રાફિકિંગથી પોતાની પ્રજાને બચાવવી હતી. પણ બીજી બાજુ, અમેરિકા ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનને કાબૂમાં રાખવા માટે પોતાના સૌથી મોટા અને શક્તિશાળી ભાગીદાર એવા ભારતને નારાજ કરવાનું જોખમ લઈ શકે તેમ નહોતું. એટલે જ, FBIની વિગતવાર ચાર્જશીટમાં નિજ્જર હત્યાકાંડ માટે સીધી રીતે ગેંગસ્ટર્સને અને ઈન્ટરનલ ગેંગવોરને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ભારત સરકાર કે ભારતીય એજન્સીઓ પર કોઈ સીધો આક્ષેપ કરવાનું ખૂબ જ સિફતપૂર્વક ટાળવામાં આવ્યું છે. આ ભારતની વિદેશ નીતિ અને ડિપ્લોમસીની બહુ મોટી જીત છે! ભારત વર્ષોથી આંતરરાષ્ટ્રીય મંચો પર બૂમો પાડીને કહેતું હતું કે "કેનેડાની ધરતી પર જે ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર્સ ફાલી-ફૂલી રહ્યા છે, તે આતંકવાદ છે, તેમાં અમારો કોઈ હાથ નથી." પણ ત્યારે કેનેડાની સરકારે વોટબેંકના ચક્કરમાં વાત માની નહોતી. આજે અમેરિકાની FBIએ એ જ વાત પર મહોર મારી દીધી છે. સામાન્ય નાગરિકની જિંદગીમાં આનાથી શું ફેર પડે? તમે આ વાંચી રહ્યા હશો ત્યારે તમારા મગજમાં એક વિચાર આવશે કે નિજ્જર મર્યો અને લોરેન્સની ગેંગ અમેરિકામાં પકડાઈ, એમાં મારું શું? આનાથી મારા ઘરના રેશનિંગ કે મારા હપ્તા પર શું અસર પડશે? અસર ચોક્કસ પડશે... ઈન્ટરનેશનલ લેવલે જિયોપોલિટિક્સ ક્યારેય સામાન્ય માણસથી અલગ નથી હોતું. જ્યારે કેનેડા સાથેના સંબંધો બગડ્યા હતા, ત્યારે સૌથી પહેલો માર આપણા સ્ટુડન્ટ્સ અને વેપારીઓ પર પડ્યો હતો. આપણા યુવાનોના વિઝા રિજેક્ટ થવા લાગ્યા હતા અને બંને દેશો વચ્ચેનો અબજો રૂપિયાનો વેપાર, જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે, તે ખોરવાઈ ગયો હતો. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એ સાબિત થઈ ગયું છે કે આ આખી બબાલ કેનેડાની ઈન્ટરનલ ગુનાખોરી અને ગેંગવોરનું પરિણામ હતી, ત્યારે ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે. કેનેડાના માર્ક કાર્નેની નવી સરકાર હવે ભારત સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા મજબૂર છે. આનો સીધો ફાયદો આપણા યુવાનોના કરિયર, વિઝા પ્રોસેસ, અને એક્સપોર્ટ કરતા આપણા વેપારીઓને થશે. એક સુરક્ષિત આંતરરાષ્ટ્રીય વાતાવરણ હંમેશા ડોમેસ્ટિક અર્થતંત્રને ફાયદો કરાવે છે. આ મુદ્દાનો બીજો છોર થોડો કડવો છે પણ આપણો છે એટલે સાંભળવો તો પડશે… જ્યારે અમેરિકાની એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડીમાં લેવા માટે દબાણ કરશે, ત્યારે ભારતીય એજન્સીઓ અને સરકાર માટે એક ધર્મસંકટ ઊભું થશે. શું ભારત સરકાર બિશ્નોઈને અમેરિકાને સોંપશે? કે પછી કોઈ મોટા રાજનેતાઓના નામ ખુલવાના ડરે તેને કાનૂની દાવપેચમાં બચાવવામાં આવશે? કારણ કે આટલો મોટો ક્રાઈમ એક્સપોર્ટનો બિઝનેસ સિસ્ટમમાં બેઠેલા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલીભગત વિના શક્ય જ નથી. જો બિશ્નોઈ અમેરિકા જશે, તો ત્યાંના કડક કાયદાઓ સામે તે પોપટની જેમ બોલશે, અને જો એવું થયું તો ભારતના ઘણા સફેદપોશ નેતાઓ અને અધિકારીઓના તપેલા ચડી જશે અને છેલ્લે... જે નતું થવું જોઈતું હતું તે છેલ્લે થઈને જ રહ્યું... આટલા સમયથી ઠરીને ઠીકરું થયેલું યુદ્ધ હવે જ્વાળામુખીની જેમ ફરી ફાટી નીકળ્યું છે. અમેરિકાએ ગઈકાલ રાતે ફરીથી ઈરાનના 90 ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી. યુદ્ધ રોકવાની વાતો વચ્ચે બંને દેશનું કહેવું છે કે અમને એકબીજા પર ભરોસો નથી. માંડ સ્ટેબલ થયેલું પેટ્રોલ-ડીઝલ, ગેસ, શેર માર્કેટ, સોનું-ચાંદી બધું ફરીથી ભડકે બળી શકે એવા અંદાજા લગાવાઈ રહ્યા છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Awful and Awesome Ep 411: Mai Vaapas Aunga and Project Hail Mary
    Next Article
    દહેગામવાસીઓને જળબંબાકાર અને ગટરની સમસ્યામાંથી મુક્તિ:કલેક્ટર દ્વારા આધુનિક સીવેજ પ્લાન્ટ અને વરસાદી લાઇન નાખવા ઔડાને 8320 ચોરસ મીટર જમીન ફળવાઇ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment