Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: હોર્મુઝની હઠાગ્રહ ને ટ્રમ્પને યુરોપિયન ચમાટ:EU નવું નાટો બનાવશે? ઈરાન-અમેરિકાની નાકાબંધી વચ્ચે યુરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે; પેટ્રોલ ભડકે બળી શકે

    1 week ago

    ટ્રમ્પની મનમાની, ધમકીઓ અને તરંગી મિજાજના કારણે અમેરિકાની યુરોપ સાથેની 80 વર્ષ જૂની દોસ્તી પર લાલ લીટો લાગી ગયો છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે બંને દેશોએ તેલ-ગેસની ગ્લોબલ સપ્લાય રોકવા નાકાબંદી કરીને જહાજોના થપ્પા લગાવી દીધા છે. એક વાત સીધી અને સિમ્પલ છે કે અમેરિકા પોતાનો પાવર દેખાડવા લડે છે પણ યુદ્ધમાં યુરોપ માટે હવે અસ્તિત્વનો સવાલ આવી ગયો છે. કારણ કે અમેરિકા એનર્જીમાં આત્મનિર્ભર છે, યુરોપને તો બધુ બીજા દેશો પાસેથી મગાવવું પડે છે. એવામાં ટ્રમ્પ નાટોને કાગળનો વાઘ કહે ને ગ્રીનલેન્ડ ઝૂંટવી લેવાની વાત કરે તો યુરોપનો ભરોસો ડગે એ સ્વાભાવિક છે. માટે હવે યુરોપને પોતાના મોટાભાઈથી મોં ફેરવીને પોતાનું નેટો બનાવવાના અખતરા કર્યા છે જેથી તે પોતાની રક્ષા જાતે કરી શકે ને કોઈની ગરજે ન જીવે. આપણે પણ આ જાણવું જરૂરી છે કારણ કે હોર્મુઝમાં ભારતીય જહાજો મધદરિયે ઝોલા ખાઈ રહ્યા છે. વાત કરીએ યુદ્ધ અને યુરોપના નવા નાટોની... નમસ્કાર... આજની તારીખે અમેરિકા અને ઈરાને હોર્મુઝના દરિયા વિસ્તારમાં જહાજો ગોઠવીને નાકાબંધી કરી છે. આ ઘટનાએ તેલના ભાવ પણ ભડકાવ્યા છે અને યુરોપને સદબુદ્ધિ પણ આપી છે. યુરોપે અગાઉ અમેરિકાને બીટવીન ધ લાઈન્સ ચોખ્ખું પરખાવી દીધું છે કે બસ હવે તમારી જોહુકમી નહીં ચલાવી લેવાય. અમેં અમારું ઘર એટલે કે નવું નાટો જાતે વસાવીશું. આવું કેમ થયું તે જાણવું અને સમજવું બહું જરૂરી છે કારણ કે અમેરિકા એનર્જી એટલે કે તેલ-ગેસ બીજા દેશોને વેચે છે. સામેની બાજુ યુરોપને બીજા દેશો પાસેથી રૂપિયા આપીને ઊર્જા લેવી પડે છે. હોર્મુઝમાં હઠાગ્રહઃ અમેરિકા-ઈરાન સામસામે યુદ્ધની લેટેસ્ટ ઈન્ફોર્મેશનની વાત કરીએ તો યુએસના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમના એડમિરલ બ્રાડ કૂપરે કન્ફર્મ કર્યું છે કે હોર્મુઝ નાકાબંધીના ઓપરેશનમાં 10 હજારથી વધુ સૈનિકો અને 15 હજારથી વધુ એડવાન્સ લડાકુ જહાજો હોર્મુઝ માટે તૈયાર છે. અમેરિકાના આ હઠાગ્રહ પાછળ માત્ર ઈરાન સાથેનો વિવાદ નથી, પણ ચીનને આર્થિક રીતે પાયમાલ કરવાની એક મોટી ગ્લોબલ ગેમ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કારાકાસ એટલે કે વેનેઝુએલાથી લઈને હોર્મુઝ અને મલાક્કાના જલડમરું સુધી એક એવી જાળ બિછાવી રહ્યું છે જે ચીનનો તેલ પુરવઠો ગૂંગળાવી નાખે. અમેરિકા આ મુખ્ય દરિયાઈ માર્ગો પર કન્ટ્રોલ કરીને ચીનની આર્થિક કરોડરજ્જુ તોડવા માંગે છે. હોર્મુઝમાં હિલચાલ ને મરશિયા સમાન શાંતિ પણ ચીન કરતાં યુરોપ માટે આ સ્થિતિ વધુ ભયાનક છે, કારણ કે અમેરિકાની આ ચાઈના સ્ટ્રેટેજીમાં યુરોપના પોતાના બિઝનેસ ઈન્ટ્રેસ્ટ અને એનર્જી સિક્યોરિટી હોમાઈ રહ્યા છે. આ જ કારણ છે કે યુરોપ હવે અમેરિકાના આ ગ્લોબલ એનર્જી વોરનો હિસ્સો બનવાને બદલે અલગ રસ્તા પર નીકળી પડ્યું છે. જે વિસ્તારમાંથી એક સમયે રોજ અનેક જહાજ નીકળતા હતા તે હોર્મુઝમાં આજની તારીખે મરશિયા ગવાય એવી શાંતિ છે. અમુક જહાજો જેની હિલચાલની જાણકારીઓ સામે આવી છે તેની વાત કરીએ તો... ચીની જહાજની પકડમ-પકડી રિચ સ્ટારી નામનું મિથેનોલ ભરેલું ટેન્કર અમેરિકાની નાકાબંધી તોડીને હોર્મુઝ જવાની ટ્રાય કરતું હતું પણ પકડાઈ જતાં તેને વિસ્તાર છોડવો પડ્યો છે. એલિસિયા નામનું મસમોટું જહાજ 2 મિલિયન બેરલ તેલ લોડ કરવા ઈરાક બાજુ જવાનું હતું પણ પહોંચ્યું કે નહીં તેની કોઈ માહિતી નથી. વિયેતનામ માટે તેલ લઈ જતું એગિઓસ ફેનૌરિયોસ નામના ટેન્કરને પણ હોર્મુઝમાં ન જવા દેવાયું. ગઈકાલે અમેરિકન જહાજોએ અનેક ઈરાની જહાજોને ચાબહાર પાસેથી જતા રોકી દીધા હતા. દુનિયા અમેરિકાને યુદ્ધ કરતા રોકે તે માટે ઈરાને હોર્મુઝ પર કબજો જમાવ્યો જેથી ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઈન અટકે પણ હવે ગેમ બદલાઈ ગઈ છે. અમેરિકાએ પણ હોર્મુઝ બહાર બ્લોકેજ કર્યું છે અને ઈરાનથી આવતા જહાજોને રોકે છે. એટલે હવે ઈરાન પણ બરોબરનું ભીંસમાં આવ્યું છે. જો નાકાબંધીનો અહમ લાંબો ચાલશે તો ઈરાન કોઈને પણ તેલ નહીં વેચી શકે અને બની શકે કે સૌથી ખરાબ પરિસ્થિતિને ધ્યાને લઈએ તો પાયમાલ પણ થઈ શકે. ટ્રમ્પને હોર્મુઝ ખોલવામાં મદદની યુરોપની ‘ના’ આ બધી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે યુરોપ દાયકાઓથી અમેરિકાના દરેક સૈન્ય અભિયાનો પડખે નાના ભાઈની જેમ ઉભું હોય છે પણ હોર્મુઝ ડબલ બ્લોકેજમાં તે અમેરિકા સાથે નથી. લેટેસ્ટ ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ ફ્રાન્સ, જર્મની અને યુકેએ અમેરિકાના બ્લોકેજમાં જોડાવાની ના પાડી દીધી છે. આના ત્રણ કારણો છે. અમેરિકા આજે તેલ અને કેસના નેટ એક્સપોર્ટર દેશમાનું એક છે. એટલે કે જો હોર્મુઝ બંધ થાય તો અમેરિકાને ડોલરમાં ફાયદો થઈ શકે છે કારણ કે તેલના ભાવ વધશે. પણ યુરોપ તેની 70 ટકા એનર્જીની જરૂરિયાત ઈમ્પોર્ટ કરે છે. એટલે બીજા દેશ પાસેથી ખરીદીને લે છે. યુરોપ માટે હોર્મુઝ બંધ થવું એટલે ફેક્ટરીઓ પર તાળા લાગવા. અમેરિકા ઈરાનમાં સત્તા પલટવા મથે છે પણ યુરોપને ખાલી ધંધા અને શાંતિમાં જ રસ છે. ત્રીજો મોટો મુદ્દો છે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલિસી. ટ્રમ્પે નાટોમાંથી હટી જવાની ધમકી અને નાટોને કાગળનો વાઘ કર્યો છે ત્યારથી યુરોપને અમેરિકા પર સોઈની અણિ જેટલો પણ ભરોસો નથી રહ્યો. યુરોપને બનવું પડશે આત્મનિર્ભર અત્યાર સુધી તો અમેરિકા યુરોપનું સિક્યોરિટી ગાર્ડ હતું પણ હવે તે રિસાઈને બેઠું છે. માટે હવે યુરોપ પાસે રસ્તો છે પોતાની સુરક્ષા જાતે જ કરવી. હાલ યુરોપિયન દેશો અમેરિકાની મદદ વગર હોર્મુઝમાં પોતાના જહાજો કઢાવવા માટે મથામણા કરી રહ્યાં છે. હોર્મુઝના કારણે યુરોપને પડેલા ફટકાની વાત કરીએ તો... બ્રેન્ટ ક્રુડ, જેટ ફ્યૂઅલ, નેચરલ ગેસ અને યુરિયા ખાતરના ભાવ આસમાને પહોંચતા ભીંસમાં છે. યુરોપમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ, એરલાઈન, ઈન્ડસ્ટ્રી, ખેતી અને ખોરાક વગેરે બધી જ વસ્તુઓમાં મોંઘવારીનો માર પડવા લાગ્યો છે. યુરોપિયન દેશોએ પાણીની જેમ પૈસા વેર્યાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલાનું કહેવું છે કે છેલ્લા 44 દિવસમાં યુરોપે એનર્જી માટે 22 અબજ યુરો ચૂકવ્યા છે. આ બોજો ખૂબ જ મોટો છે માટે યુરોપે હવે અમેરિકા વગર એકલા હાથે પોતાનો રસ્તો શોધવાનો છે. નાટોમાં તિરાડ પણ હોર્મુઝના કારણે નથી પડી, તેની પાછળ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ છે જે આપણે બધા જ જાણીએ છીએ. ટ્રમ્પે ડેનમાર્કને ગ્રીનલેન્ડ આપી દેવા ધમકાવ્યું તો યુરોપ વિચારમાં પડી ગયું હતું કે અમેરિકા દોસ્ત છે કે દુશ્મન? આવી પરિસ્થિતિમાં પાછળ જોવું મુશ્કેલ છે માટે યુરોપને હવે આગળ વધવાનો જ ઓપ્શન બચ્યો છે. માટે મોટાભાઈ સામે નાના ભાઈએ બાંયો ચઢાવીને બગાવત કરી છે. નાટોની નર્વસ સિસ્ટમ પર કુહાડી આ દાવો આપણે નથી કરી રહ્યા પણ વોલ સ્ટ્રીટ જર્નલનું કહેવું છે કે યુરોપિયન દેશો હવે નાટોની અંદર જ એક એવું સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છે જે નાટો જેવું જ છે પણ તેમાં કર્તાધર્તા યુરોપ છે. અત્યાર સુધી નાટોની નર્વસ સિસ્ટમ એટલે કે ઈન્ટેલિજન્સ, લોજિસ્ટિક્સ વગેરે અમેરિકા સંભાળતું હતું પણ તેણે ઉંચા હાથ કરી દેતા યુરોપની સેનામાં બ્રેન ડેડ થયું છે. ભૂલ સમજતા યુરોપે હવે પોતાની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ડેવલોપ કરવાનું શરૂ કર્યું છે. આ સિસ્ટમમાં ત્રણ મહત્વની વાત છે. 1) મિલિટરી પ્લાનિંગ એન્ડ કન્ડક્ટ કેપેબિલિટી 2) રેપિડ ડિપ્લોયમેન્ટ કેપેબિલિટી 3) સેટેલાઈટ અને ઈન્ટેલિજન્સ ઓટોનોમી સુરક્ષા માટે જાત મહેનત જિંદાબાદ MPCC યુરોપિયન યુનિયનના ઓપરેશન હેડક્વાર્ટર તરીકે બનાવવાનું છે. આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આ સેન્ટરમાં 2,500 જેટલા સૈનિકો માટે મિશન અને પ્લાનિંગ આપવા તૈયાર કરી દેવાશે. RDC પ્લાનિંગમાં યુરોપ 5 હજાર સૈનિકોની એક ટુકડી બનાવી રહ્યું છે જે ક્વિક રિસ્પોન્સ આપી શકે. નોટ કરવા જેવી વાત અહીં એ છે કે આ અમેરિકાની પરમિશન વગર નિર્ણય લેશે અને ગમે ત્યાં તહેનાત કરી શકાશે. ત્રીજો પાર્ટ રશિયા-અમેરિકા કે ઈરાન જેવા દેશો પર નજર રાખવા જાસૂસી નેટવર્ક તૈયાર કરશે. આવું શક્ય બનાવવા માટે યુરોપ હવે પોતાનું સેટેલાઈટ નેટવર્ક બનાવવા માટે પણ ફંડ મેળવી રહ્યું છે જેથી તે ડિજિટલ જમાનામાં આંધળું ન બની જાય. ડિફેન્સ માટે યુરોપનો અધધ ખર્ચો લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ આંકડાઓ કહે છે કે યુરોપિયન દેશોએ પોતાના ડિફેન્સ બજેટમાં એટલો વધારો કર્યો છે જેટલો બીજા વર્લ્ડ વોર પછી ક્યારેય યુરોપે નથી કર્યો. 2025માં યુરોપિયન યુનિયનનું કૂલ ડિફેન્સ બજેટ 381 અબજ યુરોએ પહોંચ્યું હતું જે વર્ષ 2020ની કમ્પેરિઝનમાં 63 ટકા વધુ છે. જર્મનીએ GDPના 3.2 ટકા, ફ્રાન્સે 2.25 ટકા, પોલેન્ડે 4.48 ટકા, નેધરલેન્ડે 2.2 ટકા જેટલો ખર્ચો કર્યો છે. જોવા જેવી વાત તો એ છે કે પોલેન્ડ અને જર્મની અત્યારે યુરોપની નવી મિલિટરી મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેના બજેટનો મોટો ભાગ રશિયા સામેના ખતરાને જોતા ખર્ચવા અને વધારવામાં આવી રહ્યો છે. યુરોપ સામે સૌથી મોટો ખતરો રશિયાની 3,460 ટેન્ક્સ સામે પોતાની શક્તિ વધારવાનો છે. 2026ના લેટેસ્ટ ડેટા કહે છે કે યુરોપિયન દેશોએ પોતાની ટેન્ક ખરીદવાની કેપેસિટીમાં પણ ધરખમ વધારો અને સુધારો કર્યો છે. ડિફેન્સમાં યુરોપ દુનિયામાં કેટલા નંબરે? તુર્કી પાસે 2,381, ગ્રીસ પાસે 1,385, પોલેન્ડ પાસે 897 અને જર્મની પાસે 313 જેટલા ટેકન્સ આજની તારીખે હાજર છે. પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે યુરોપ પાસે મિલિટરી સાધનોનું ફ્રેગમેન્ટેશન ઘણું વધારે છે. અમેરિકા પાસે જેટલી વેરાયટી છે તેના કરતા યુરોપ પાસે ચાર ગણી વધુ ડિફેન્સ ડાયવર્સિટી છે. જે યુદ્ધ સમયે યુરોપના દુશ્મન દેશોના શ્વાસ અધ્ધર કરી શકે તેમ છે. એટલે યુરોપ હવે યુરોપિયન ડિફેન્સ મેકેનિઝમથી હથિયારોના સ્ટાન્ડર્ડીઝેશન પર ભાર મૂકી રહ્યું છે. યુરોપ માથેથી અમેરિકાની ન્યૂક્લિયર છત્રી છૂટી ન્યૂક્લિયર શક્તિની વાત કરીએ તો અત્યાર સુધી યુરોપ અમેરિકાની ન્યૂક્લિયર અમ્બ્રેલા નીચે મોજથી રહેતું હતું પણ ટ્રમ્પની વિદેશ નીતિઓના કારણે આજે પરિસ્થિતિઓ બદલાઈ છે. ટ્રમ્પના તરંગી સ્વભાવના કારણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાના ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ પૂરા યુરોપ માટે કરવા હામી ભરી દીધી છે. આ મામલે જર્મની અને ફ્રાન્સ વચ્ચે પણ સિક્રેટ મિટિંગ્સ તેજ થઈ છે. જો આ સફળ થઈ જાય તો યુરોપ પોતાની ન્યૂક્લિયર સિક્યોરિટીમાં પણ અમેરિકા પર નિર્ભર નહીં રહે. જો કે આ યુરોપ માટે અગ્નિપથ છે. હોર્મુઝમાં યુરોપ ઓફેન્સિવ નહીં ડિફેન્સિવ જોકે યુરોપિયન નેતાઓએ એક વાત દુનિયા સામે મૂકી છે કે તેમની હોર્મુઝ એક્શન અમેરિકા જેવી આક્રામક નહીં પણ ડિફેન્સિવ હશે. આના ઉપરથી બીટવીન ધ લાઈન્સ સમજી શકાય કે અમેરિકા ઈરાનના બંદરોને બ્લોક કરી રહ્યું છે ત્યારે યુરોપ એવો રસ્તો શોધી રહ્યું છે જેમાં તે ન્યૂટ્રલ ગ્રાઉન્ડ પર રહીને પોતાના તેલના ટેન્કર્સ હોર્મુઝ વિસ્તારમાંથી કોઈ પણ નુકસાન થયા વગર લઈ આવે. રિપોર્ટ્સ મુજબ આ મિશન માટે ઓપરેશન એસ્પાઈડ્સના મોડલને ફોલો કરવામાં આવશે જેમાં યુરોપિયન જહાજો અમેરિકન કમાન્ડ નીચે કામ કરવાના બદલે પોતાના ઈન્ડિપેન્ડેન્ટ કમાન્ડ નીચે રહેશે. આનું કારણ એટલું જ છે કે જો યુરોપ અમેરિકા સાથે જોડાય તો ઈરાની મિસાઈલ્સનો ટાર્ગેટ યુરોપિયન જહાજો પણ બની શકે. એટલે યુરોપને હવે મેક યુરોપ ગ્રેટ અગેઈન સિવાય કોઈ છૂટકો જ નથી ભલે પછી તેમાં 10 વર્ષ પણ લાગી જાય. પેક્સ અમેરિકાનું પડીકું વળ્યું એક શબ્દ છે પેક્સ અમેરિકાના... જેનો મતલબ છે બીજા વિશ્વ યુદ્ધ પછીના 80 વર્ષ સુધી દુનિયા અમેરિકાના એકલા હાથ નીચે કે સત્તામાં રહી. પણ હોર્મુઝની હઠાગ્રહે આ યુગનો પણ ખાત્મો બોલાવી દીધો છે. આજે દુનિયા અમેરિકા, યુરોપ, રશિયા-ચીન વગેરે ધરીઓમાં વહેંચાઈ ગઈ છે. રશિયા સામે સેકન્ડ વર્લ્ડ વોર પછી નાટો બન્યું હતું તે નબળું પડ્યું છે અને રશિયાને મોઢું ખોલતા પતાસું મળી ગયું છે. જો અમેરિકા યુરોપમાંથી પોતાના હજારો સૈનિકોને પણ પાછા બોલાવી લે તો રશિયન એગ્રેશન યુક્રેન જેવા દેશો પર બની શકે કે આવે નહીં અને રશિયા-યુક્રેન યુદ્ધ પણ ન થયું હોત. ખેર, જે રીતે પોલેન્ડ અને જર્મની પોતાનું ડિફેન્સ વધારી રહ્યું છે તે જોતા રશિયા માટે આ રસ્તો પણ સાવ એટલો સહેલો નથી. નવા નાટો માટે બધા યુરોપિયન દેશો મંડાશે? કારણ કે તેમના જોશ સામે હકિકતમાં પહાડ જેવા પડકારો સામે ઉભા છે. યુરોપ પાસે મિલિટરી સેટેલાઈટ અને હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની કમી છે. જે ઉભું કરતા તેમને દાયકાઓ લાગી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે યુરોપ 27 દેશોનો એક સંઘ છે. બધાના નિર્ણયો એકસરખા નથી હોતા. હંગેરી જેવા દેશો પણ છે જે રશિયા તરફી વલણ ધરાવે છે. રિપોર્ટ્સ મુજબ યુરોપિયન દેશો આવનાર સમયમાં પોતાની જીડીપીના 4 ટકા જેટલું ડિફેન્સ બજેટ ફાળવશે. જો આવું કરવામાં આવે તો શિક્ષણ કે હેલ્થ જેવા બજેટમાં જે તે દેશને કાપ મૂકવો પડી શકે છે. આવું કરવા પર નાગરિકો પણ રિસાઈ શકે છે. જો કે અમેરિકાને નાટોમાંથી બહાર નીકળવું હોય તો તેમને પોતાની સેનેટમાં બે તૃત્યાંશની બહુમતિ જોઈએ, પણ જો ટ્રમ્પ માત્ર સૈનિકો પાછા ખેંચી લે તો કાગળ પર નાટો હોવા છતાં તેની કોઈ કિંમત જ નહીં રહે. ચીન અને યુરોપ બનશે જય-વીરુ બીજી બાજુ ચીનને મોકો મળી ગયો છે કે હોર્મુઝની નાકાબંધીના કારણે અમેરિકાને બેજવાબદાર ગણાવી શકે. ચીને યુરોપને પણ એવો અહેસાસ અપાવવાનું શરૂ કરી દીધું છે કે અમેરિકા નહીં અમેં તમારી બાજુ છીએ અને એટલા માટે જ આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ચીનમાં યુરોપના નેતાઓએ વિદેશ યાત્રાનો મારો ચલાવ્યો હતો. ઈરાનના યુદ્ધે અને ખાસ તો ટ્રમ્પે યુરોપને ચીન નજીક લાવીને ઉભું કરી દીધું છે. પણ આપણા માટે આ ડિપ્લોમેટિક લેસન પણ છે, કારણ કે આજની તારીખે પણ હોર્મુઝ વિસ્તારમાં આપણા જહાજો ફસાયેલા છે. જો આવું ને આવું ચાલતું રહેશે તો ક્રુડ ઓઈલના ભાવ વધતા જશે અને તેનાથી ભારતને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. આપણી વિદેશનીતિ મલ્ટી એલાઈન્ટમેન્ટ છે. અત્યારે આપણી સામે ચેલેન્જ એ છે કે અમેરિકાના નાકાબંધીના નિર્ણયનો ટેકો આપવો કે યુરોપને બરોબર ઠેરવવું? આ પરિસ્થિતિમાં ભારતીય નૌકાદળ હવે અરબ સાગરમાં વધુ એક્ટિવ થયું છે. અને છેલ્લે… ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનની થિયરી કહે છે કે માણસના પૂર્વજો ચિમ્પાન્ઝી હતી. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જેમ માણસોમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેમ યુગાન્ડાના જંગલોમાં ચિમ્પાન્ઝીઓમાં પણ લગભગ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી ભયાનક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આઈરની એ છે કે ચિમ્પાન્ઝી વોરથી એક્સપર્ટ્સ એ મૂળ શોધી રહ્યા છે કે માણસોમાં કેવી રીતે યુદ્ધની શરૂઆત થઈ હતી. તે ચિમ્પાન્ઝીમાંથી માણસ બનવાની વાત છે પણ અત્યારે પણ એ જ માણસો એકબીજા પર મિસાઈલ્સના મારા ચલાવી રહ્યા છે. સોમવારથી શુક્રવાર, રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પમાર)
    Click here to Read More
    Previous Article
    લખનઉ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ પડી!:ફૂલ ટૉસ બોલ પર માર્કરમ કેચ આઉટ, પાવરપ્લે પર RCBના બોલર્સની પકડ
    Next Article
    ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપનું ‘ઓપરેશન’:રાજકોટનાં વોર્ડ 13, 15, 16 અને 18માં અપક્ષ તેમજ 'આપ'નાં ઉમેદવારોએ 6 ફોર્મ પરત ખેંચ્યા, ભાજપને ટેકો આપવાની કરી જાહેરાત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment