Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: જજ સાહેબના બંગલે કરોડોનો ખેલ!:"હા! અમારામાં પણ ભ્રષ્ટાચાર", જજ કોઈ પવિત્ર ગાય નથી કહી મદ્રાસ હાઈકોર્ટનો ચીટલો, ભાસ્કરને પૂર્વ CJIના બેબાક ખુલાસા

    1 day ago

    14 માર્ચ, 2025ની એ કાળી રાત. દિલ્હીના હાઈ-પ્રોફાઈલ 30 તુઘલક ક્રેસન્ટ બંગલામાં અચાનક જોરદાર આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડના સાયરનના અવાજથી આખો VIP વિસ્તાર ધણધણી ઉઠે છે. પરસેવે રેબઝેબ અધિકારીઓ જ્યારે ભારે જહેમત બાદ આગ બુઝાવીને અંદરના એક સિક્રેટ રૂમમાં એન્ટ્રી મારી, ત્યારે તેમની આંખો ફાટી જાય છે. જમીન પર 500-500 રૂપિયાની નોટોના સળગેલા અને અડધા બળેલા મોટા ઢગલા પડ્યા હતા! આ કોઈ અંડરવર્લ્ડ ડોનનો અડ્ડો નહોતો, આ તો દિલ્હી હાઈકોર્ટના એક સિટિંગ જજનું સરકારી ઘર હતું. પણ અસલી ખેલ તો હવે શરૂ થયો. પોલીસ ત્યાંથી પીઠ ફેરવે છે અને રાતોરાત બચેલી કરોડોની રોકડ સિક્રેટલી ગાયબ થઈ જાય છે! અહીં ષડયંત્રની એવી ગંધ આવે છે જેણે દેશની આખી સિસ્ટમને હચમચાવી દીધી. જ્યારે કાયદાના રક્ષકો જ ભક્ષક બની જાય અને ન્યાયના મંદિરમાં જ કાળા નાણાંની હોળી સળગે, ત્યારે સામાન્ય માણસ કોની પાસે જાય? આજે આપણે વાત કરવી છે ન્યાયતંત્રની એ પવિત્ર ગાય વિશે, જેના નામે ચાલતો ભ્રષ્ટાચાર હવે ઉઘાડો પડી ગયો છે. ચાલો ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો કાળો ખેલ સમજીએ નમસ્કાર.... આપણા દેશમાં જ્યારે કોઈ સામાન્ય માણસ ચારે બાજુથી નિરાશ થઈ જાય, પોલીસ સાંભળે નહીં અને નેતાઓ ધ્યાન ન આપે, ત્યારે તે છેલ્લે કોર્ટના દરવાજા ખખડાવે છે. દાયકાઓથી આપણા સમાજમાં જજને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. આપણે એવું માની લીધું છે કે જજ સાહેબથી કોઈ ભૂલ થઈ જ ન શકે. જો તમે કોર્ટ કે જજની થોડી પણ ટીકા કરો, તો તરત જ તમને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટની અવમાનનાનો ડર બતાવવામાં આવે છે. પણ શું આજના સમયમાં આ વાત 100 ટકા સાચી છે? સવાલ એટલા માટે કારણ કે મદ્રાસ હાઈકોર્ટે હમણા એક એવો ચુકાદો આપ્યો છે, જેણે આખી સિસ્ટમને અરીસો બતાવી દીધો છે. જજ કોઈ પવિત્ર ગાય નથીઃ મદ્રાસ હાઈકોર્ટ આખી વાત શરૂ થાય છે મે 2026માં રિલીઝ થયેલી એક તમિલ ફિલ્મ કરૂપ્પુથી. અભિનેતા સૂર્યા જેણે અગાઉ ન્યાયતંત્રની તાકાત દેખાડતી જય ભીમ મૂવી બનાવી હતી તે અને આરજે બાલાજીની આ ફિલ્મમાં ન્યાયતંત્રની અંદર ચાલતા ભ્રષ્ટાચારને વાર્તાથી સમજાવવામાં આવી છે. ફિલ્મમાં સેવન વેલ્સ કોર્ટ નામની એક કાલ્પનિક કોર્ટ અને તેના એક ભ્રષ્ટ જજને બતાવવામાં આવ્યા છે. ચેન્નઈના આર.એસ. તમિલવેંડન નામના એક ભાઈએ આ ફિલ્મને રોકવા માટે અને ડાયરેક્ટરને જેલમાં મોકલવા હાઈકોર્ટમાં કેસ કરી દીધો. તેમની દલીલ હતી કે આનાથી કોર્ટની બદનામી થાય છે. પણ મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણનની બેંચે જે જવાબ આપ્યો, તે ચોંકાવી દે તેવો પણ છે અને જાણવા જેવો પણ છે. હાઈકોર્ટે જ ન્યાયતંત્રને રોકડું પરખાવ્યું "ન્યાય કોઈ બંધ ઓરડામાં છુપાવીને રાખવાની વસ્તુ નથી" કોર્ટે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે, "ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે, એ વાત કોઈ નકારી શકે તેમ નથી. પહેલા પણ ભ્રષ્ટ જજ હતા અને આજે પણ છે." જસ્ટિસ સ્વામીનાથને પોતાના ચુકાદામાં લખ્યું કે, "ન્યાયાધીશોને Holy Cows માનવાની હવે કોઈ જરૂર નથી." પવિત્ર ગાય એટલે એવી વસ્તુ જેના પર કોઈ સવાલ જ ન કરી શકે. કોર્ટે કહ્યું કે ન્યાય કોઈ બંધ ઓરડામાં છુપાવીને રાખવાની વસ્તુ નથી. જનતાને પૂરો હક છે કે તે કોર્ટના કામકાજની તપાસ કરે અને સાચી ટીકા પણ કરે. દેશની એક મોટી અદાલત ખુલ્લા મને સ્વીકારી રહી છે કે અમારામાં પણ ખામીઓ છે, આ લોકશાહીની બહુ મોટી તાકાત છે. ભ્રષ્ટાચારની કડવી વાસ્તવિકતા અને પૂર્વ CJI હવે તમારા મનમાં સવાલ થાય કે શું ખરેખર સિસ્ટમમાં આટલો મોટો ભ્રષ્ટાચાર છે? આનો જવાબ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ CJI બી.આર. ગવઈએ આપ્યો છે. હાલમાં જ અમને એટલે કે દિવ્ય ભાસ્કરને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં તેમને જ્યારે ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે બહુ જ બેબાક રીતે સત્ય સ્વીકાર્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે એ બહુ દુઃખની વાત છે કે આજે કોઈ પણ સંસ્થા ભ્રષ્ટાચારથી બાકાત નથી. જજ સાહેબોએ આ વાતો સમજવાની જરૂર છે જોકે, તેમણે એવો દાવો પણ કર્યો કે બીજા ક્ષેત્રોની સરખામણીમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હજુ પણ ઓછો છે. જસ્ટિસ ગવઈની આ વાત કહી જાય છે કે હવે દેશની સર્વોચ્ચ અદાલત પણ પોતાની ખામીઓ સુધારવા માટે તૈયાર છે. પણ જ્યારે આપણે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના કથિત કેશ કૌભાંડ વિશે સાંભળીએ છીએ, ત્યારે આ દાવાઓ પોકળ લાગવા માંડે છે. એક જજના ઘરમાંથી સળગેલા કરોડો રૂપિયા મળે, તો સામાન્ય માણસનો વિશ્વાસ ક્યાં જાય? આની પાછળની આખી ગેમ શું હતી? રાતના અંધારામાં સળગતી જજની લાખોની નોટો જસ્ટિસ યશવંત વર્માના સરકારી ઘરના એક સિક્રેટ સ્ટોરરૂમમાં જમીન પર 500-500 રૂપિયાની અડધી સળગેલી અને પૂરી સળગેલી નોટોના મોટા મોટા ઢગલા પડ્યા હતા. તમે જ વિચારો, એક હાઈકોર્ટના જજના ઘરમાં આટલી બધી કથિત બેનામી અને કથિત કાળી કમાણીની રોકડ રકમ ક્યાંથી આવી? આ બધું જોઈને પોલીસ પણ ચોંકી ગઈ અને આ સમાચાર વાયુવેગે આખા દેશમાં ફેલાઈ ગયા. સુપ્રીમ કોર્ટની એક્શન અને તપાસના ખુલાસા મામલો આખા ન્યાયતંત્રની આબરૂનો હતો. એટલે દેશના તત્કાલીન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ તરત જ એક્શન લીધા. 22 માર્ચ, 2025ના દિવસે તેમણે ત્રણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની એક ઈન-હાઉસ કમિટી એટલે કે ઈન્ટરનલ ઈન્વેસ્ટિગેશન કમિટી બનાવી દીધી. આ સમિતિએ જે તપાસ કરી તેના રિઝલ્ટ આંચકો આપે તેવા હતા. સમિતિના રિપોર્ટના ચોંકાવનારા મુખ્ય ખુલાસાઓ: પોતાનો બચાવ કરતા જસ્ટિસ વર્માએ એમ કહ્યું કે આ તો તેમને ફસાવવાનું એક મોટું ષડયંત્ર છે. તેમણે એવી દલીલ કરી કે તે રૂમમાં તો કોઈ પણ નોકર આસાનીથી આવી જઈ શકે છે. પણ સુપ્રીમ કોર્ટની સમિતિએ તેમની આ બધી જ ગોળ ગોળ વાતોને ફગાવી દીધી. આખરે ચીફ જસ્ટિસે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની આકરી ભલામણ કરી દીધી. મહાભિયોગની ગૂંચવણ અને આપણો ઇતિહાસ હવે સામાન્ય માણસને સવાલ થાય કે કોઈ જજ ચોરીમાં પકડાય તો સીધી જેલ કેમ નથી થતી? આપણા બંધારણમાં જજને હટાવવા માટે સંસદમાં મહાભિયોગ અંગ્રેજીમાં ઈમ્પિચમેન્ટ નામની એક લાંબી અને અઘરી પ્રોસેસ થાય છે. આ પ્રોસેસ જજની સ્વતંત્રતા જાળવવા માટે બનાવાઈ હતી, પણ ઘણીવાર આ જ કાયદો ભ્રષ્ટ જજ માટે મજબૂત ઢાલ બની જાય છે. કેટલાક ચર્ચિત મહાભિયોગ કિસ્સાઓ: આ બધા દાખલાઓ સાબિત કરે છે કે જ્યારે હાઈ લેવલે ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે તેને સાબિત કરવો અને સજા અપાવવી કેટલી મુશ્કેલ બની જાય છે. એક સામાન્ય માણસ માટે ન્યાય અલગ અને સત્તા પર બેઠેલા માટે અલગ, આવું કેમ? શું આ અનુચ્છેદ 14નું ઉલ્લંઘન નથી? આ એક મોટો સવાલ છે. પૈસાનો ભ્રષ્ટાચાર જ નહીં, સામાજિક ગુનાઓ પણ ખરા હમણાં જ દેશભરમાં એક કેસ ચર્ચાનો વિષય બનેલો છે, 33 વર્ષના મોડલ ત્વિષા શર્માના શંકાસ્પદ મોતનો કેસ. આ કેસમાં દહેજ માટે જે ત્રાસ આપવામાં આવ્યો, જેમાં મેઈન આરોપી બીજું કોઈ નહીં પણ એક નિવૃત્ત મહિલા જજ ગિરિબાલા સિંહ છે. એક જજ, જેણે પોતાની જિંદગીમાં અનેક લોકોને દહેજના કેસમાં સજાઓ સંભળાવી હશે, તે જ પોતાના ઘરમાં આવું કાવતરું રચે તે સિસ્ટમની સૌથી મોટી નિષ્ફળતા છે. ન્યાયાધીશ સાસુ અને દહેજનું કાવતરું વિચારો, એક શિક્ષિત દીકરી, જેણે MBA કર્યું હોય, મિસ પૂણેનો ખિતાબ જીત્યો હોય, તેના લગ્ન ભોપાલના એક વકીલ સાથે થાય છે. આ દીકરીનું નામ ત્વિષા શર્મા. અને તેના સાસુ કોણ? સાસુ પોતે ભોપાલના રિટાયર્ડ જિલ્લા જજ ગિરિબાલા સિંહ! લગ્નના માત્ર પાંચ જ મહિનામાં, 12 મે 2026ના રોજ ત્વિષાની લાશ ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળે છે. આ કોઈ સામાન્ય આપઘાત નહોતો, આ એક સમજી વિચારેલું કાવતરું હતું. કાયદાના જાણકારોએ જ પુરાવા નષ્ટ કર્યા દીકરીના પરિવારે સીધો આરોપ લગાવ્યો કે રિટાયર્ડ જજ સાસુએ જ દહેજ માટે આ બધું કરાવ્યું છે. શરૂઆતમાં તો કાયદાની ઓળખાણ વાપરીને સાસુને આગોતરા જામીન પણ મળી ગયા. પણ જ્યારે મામલો CBI પાસે ગયો, ત્યારે અસલી ખેલ બહાર આવ્યો. હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે જામીન મળ્યા પછી પણ પૂર્વ જજ તપાસમાં સહકાર નથી આપતા. વોટ્સએપ ચેટ્સ પરથી ત્રાસ આપ્યાની વાત સાબિત થઈ ગઈ. આખરે હાઈકોર્ટે જામીન રદ કર્યા અને CBIએ એક પૂર્વ જજની ધરપકડ કરવી પડી. જ્યારે ન્યાય આપવાવાળા જ હત્યારા બને, તો સામાન્ય માણસ કોના ભરોસે જીવે? દીપિકા નાગરનો કેસ અને સિસ્ટમની મજાક આવો જ એક બીજો કિસ્સો ગ્રેટર નોઈડાનો છે. 24 વર્ષની દીપિકા નાગરના લગ્નમાં પરિવારે એક કરોડ રૂપિયા પાણીની જેમ વાપર્યા. મોંઘી ગાડી આપી, સોનું આપ્યું. છતાં છોકરાવાળાઓને વધુ રૂપિયા અને ફોર્ચ્યુનર ગાડી જોઈતી હતી. મે 2026માં દીપિકાની લાશ મળી. સાસરિયાંએ વાર્તા ઘડી કાઢી કે તે અગાસી પરથી અકસ્માતે પડી ગઈ છે. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાસરિયાં પક્ષની ક્રૂરતા ખુલ્લી પડી ગઈ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલેલી ક્રૂરતાની વાતો આપણા દેશમાં સાસરિયાં હંમેશા આવા કેસને આપઘાતમાં ખપાવી કાઢવાની ટ્રાય કરે છે, એટલે દહેજ મૃત્યુના કડક કાયદાથી બચી શકાય. વકીલો કાયદાની આ જ છટકબારીનો ફાયદો ઉઠાવે છે. એક બાજુ કોર્ટમાં આવા ગંભીર કેસોના ઢગલા પડ્યા છે, અને બીજી બાજુ કોઈ શાહરૂખ ખાન કે દીપિકા પાદુકોણ સામે હ્યુન્ડાઈ ગાડી બગડવાની બેબુનિયાદ ફરિયાદ કરે, તો લગભગ તે કોર્ટનો કિંમતી સમય ત્યાં બરબાદ થાય છે. 'કોકરોચ જનતા પાર્ટી'નો ડિજિટલ આક્રોશ અદાલતો માત્ર ચુકાદાઓથી જ નહીં, પણ ચાલુ કોર્ટમાં જજ સાહેબો જે વાતો બોલે છે તેનાથી પણ ચર્ચામાં રહે છે. હમણાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના એક નિવેદને આખા દેશના યુવાનોમાં ભડકો કરી દીધો. નકલી ડિગ્રીવાળા કેસની સુનાવણી વખતે જજ સાહેબે ગુસ્સામાં એક એવી વાત કહી દીધી, જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. સીજેઆઈની વિવાદિત ટિપ્પણી અને યુવાનોનો રોષ વિચારો, સર્વોચ્ચ ન્યાયાધીશ યુવાનોને વંદા કહે? જોકે પાછળથી તેમણે ખુલાસો કર્યો, પણ ત્યાં સુધીમાં તો દેશમાં બેરોજગારી અને NEET પેપર લીકનો ગુસ્સો ફાટી નીકળ્યો. આજના ઈન્ટરનેટ વાળા જેન-ઝી યુવાનોએ આ અપમાનને પોતાનું હથિયાર બનાવી લીધું. અભિજીત દિપકે નામના વ્યક્તિએ ઈન્ટરનેટ પર કોકરોચ જનતા પાર્ટી નામે એક આંદોલન શરૂ કરી દીધું. તેમની ટેગલાઈન હતી: આળસુ અને બેરોજગારોનો અવાજ! થોડા જ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ લોકો જોડાઈ ગયા. યુવાનો વંદાના કપડાં પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા. સરકાર એટલી ગભરાઈ ગઈ કે તાત્કાલિક આંદોલનનું ટ્વિટર એકાઉન્ટ અને વેબસાઈટ બ્લોક કરાવી દીધી. પૂર્વ CJI ગવઈએ જજોનો બચાવ કરતા કહ્યું કે જજ પણ માણસ છે, ભૂલથી આવું બોલાઈ જાય. જો જજ પણ માણસ છે અને તેમનાથી ભૂલ થઈ શકે છે, તો પછી તેમને પવિત્ર ગાય શા માટે માનવા? તેમને પણ ટીકા સહન કરવાની આદત પાડવી જ પડશે. અને આજના યુવાનો કટાક્ષ અને મીમ્સથી સત્તાનો અહંકાર તોડતા શીખી ગયા છે. ન્યાયતંત્રની આઝાદી અને જજોના રાજકીય પદો લોકશાહીનો એક બહુ મોટો સિદ્ધાંત છે સત્તાની વહેંચણી એટલે કે સેપરેશન ઓફ પાવર. એનો સીધો મતલબ એ છે કે સરકાર અને અદાલતોએ એકબીજાથી સાવ અલગ રહીને, સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ. પણ ભારતના 46મા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કિસ્સો આ થિયરી પર સૌથી મોટો એટેક સાબિત થયો. જસ્ટિસ ગોગોઈના કાર્યકાળમાં અયોધ્યા રામ જન્મભૂમિ, રાફેલ વિમાન સોદો અને સબરીમાલા જેવા દેશના ખૂબ જ સેન્સેટિવ કેસોના ચુકાદા આવ્યા હતા. આમાંના મોટાભાગના ચુકાદાઓ સીધી કે આડકતરી રીતે સરકારની તરફેણમાં હતા. નવાઈની વાત તો એ છે કે તેઓ નિવૃત્ત થયા તેના માત્ર ચાર જ મહિનામાં, રાષ્ટ્રપતિએ તેમને સીધા જ રાજ્યસભાના સાંસદ બનાવી દીધા! કાયદાકીય નિષ્ણાતો અને વિપક્ષોએ આનો ભારે વિરોધ કર્યો. સવાલ એ ઉઠ્યો કે શું આ પદ પેલા મહત્ત્વના ચુકાદાઓના બદલામાં મળેલું ઈનામ હતું? નિવૃત્તિ પછીના સરકારી પદોથી થતા ગંભીર નુકસાન: જ્યારે કોઈ જજને ખબર હોય કે રિટાયર થયા પછી મને સરકાર કોઈ સારું પદ આપવાની છે, તો તે સરકાર વિરુદ્ધ ચુકાદો આપવાની હિંમત ક્યારેય નહીં કરી શકે. પૂર્વ CJI બી.આર. ગવઈનો દાખલો એક બાજુ એવા જજ છે જે નિવૃત્તિ પછી તરત રાજકારણમાં જાય છે, તો બીજી બાજુ પૂર્વ CJI બી.આર. ગવઈ જેવા જજ પણ છે. દિવ્ય ભાસ્કરના ઈન્ટરવ્યુમાં તેમણે બહુ ચોખ્ખી રીતે કહ્યું કે જ્યારે મેં 2019માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે નિવૃત્તિ પછી હું સરકાર પાસેથી કોઈ પદ નહીં લઉં. જસ્ટિસ ગવઈ માને છે કે જો સરકાર પાસેથી કોઈ અપેક્ષા જ ન હોય, તો કામ કરતી વખતે મન પર કોઈ જાતનું દબાણ રહેતું નથી. તેઓ ડો. આંબેડકરના બંધારણને માને છે અને મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા તમામ ધર્મોનું સમાન સન્માન કરે છે. આ એક સાચા ન્યાયાધીશની અને સ્વતંત્ર અદાલતની નિશાની છે. અદાલતોની પથ્થરદિલી: દીપિકા સિંહનો કિસ્સો ઘણીવાર અદાલતો કાયદાને એવો તો જડ રીતે પકડી રાખે છે કે ન્યાયનો મૂળ હેતુ જ મરી જાય છે. દીપિકા સિંહ વિરુદ્ધ CATનો કિસ્સો આનું મોટું ઉદાહરણ છે. ચંદીગઢમાં કામ કરતી નર્સ દીપિકાએ એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા જેના પહેલાથી બે બાળકો હતા. જ્યારે દીપિકાએ પોતાના સગા બાળકને જન્મ આપ્યો, ત્યારે વિભાગે તેને મેટરનિટી લીવ આપવાની ના પાડી દીધી. દલીલ એ હતી કે તમારા પતિના તો પહેલાથી બે બાળકો છે! નીચલી અદાલતોએ પણ વિભાગની હા માં હા મિલાવીને દીપિકાની અરજી ફગાવી દીધી. છેવટે 2022માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને નીચલી કોર્ટોને ઝાટકી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવાર માત્ર લોહીના સંબંધોથી નથી બનતો, તેમાં દત્તક લીધેલા કે બીજા લગ્નથી બનેલા પરિવારો પણ સામેલ છે. જ્યારે નીચલી અદાલતો સંવેદના વગર મશીનની જેમ કામ કરે, ત્યારે સામાન્ય માણસને સુપ્રીમ કોર્ટ સુધી લાંબી લડાઈ લડવી પડે છે. સિસ્ટમમાં તાત્કાલિક કયા 5 સુધારાની જરૂર છે? ભારતીય ન્યાયતંત્ર આજે એક બહુ જ નાજુક અને ઐતિહાસિક વળાંક પર ઊભું છે. મદ્રાસ હાઈકોર્ટે કરૂપ્પુ ફિલ્મના કેસમાં ન્યાયતંત્રને અરીસો બતાવીને બહુ મોટું કામ કર્યું છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મળેલી સળગેલી રોકડ, રિટાયર્ડ જજ ગિરિબાલા સિંહ પર દહેજ હત્યાનો સંગીન આરોપ અને જસ્ટિસ ગોગોઈનું સત્તાના ગલિયારામાં જવું આ બધું જ સાબિત કરે છે કે સિસ્ટમમાં પણ ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે. અદાલતોએ જનતાની ટીકાઓ સહન કરતા શીખવું પડશે. બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટી જેવો યુવાનોનો ડિજિટલ વિરોધ એ વાતની લાલબત્તી છે કે જો અદાલતો સમય સાથે નહીં બદલાય અને પોતાનો અહંકાર નહીં છોડે, તો આવનારી પેઢી તેમના પરથી સન્માન ગુમાવી દેશે. જજ સાહેબો કોઈ પવિત્ર ગાય નથી. તેમણે પણ સ્વીકારવું પડશે કે તેઓ માણસ છે અને તેમનાથી પણ ભૂલ થઈ શકે છે. સાચો ન્યાય બંધ ઓરડામાં કે કન્ટેમ્પ્ટના ડરમાં નથી, પણ ટ્રાન્સપરન્સી અને રિસ્પોન્સિબિલિટીમાં રહેલો છે. ત્યારે જ ન્યાયતંત્ર સાચા અર્થમાં સામાન્ય માણસ માટે આશાનું કિરણ બની રહેશે. અને છેલ્લે... આપણે જે ફિલ્મ અને ન્યાયતંત્રની વાત કરી તેના ચુકાદાને એક લેવલ ઉપર લઈ જઈ મદ્રાસ હાઈકોર્ટે રામાયણનો એક કિસ્સો કહ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, ભગવાન રામે એકવાર તીર છોડ્યું, જે નિશાન પર પહોંચ્યું અને છેલ્લે પડ્યું ત્યારે એક દેડકાને લાગી ગયું. દેડકાને પૂછવામાં આવ્યું કે તમે મદદ માટે પોતાનો એવાજ કેમ ન ઉઠાવ્યો. ત્યારે તેણે જવાબ આપ્યો કે જ્યારે બીજા મને તકલીફ આપે છે ત્યારે હું તમારું નામ એટલે કે હે... રામ... હે.... રામ... બોલું છું. પણ જ્યારે તમે જ તકલીફનું કારણ બની જાવ ત્યારે હું કોને યાદ કરું? સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોને ચોથા ક્વાર્ટરમાં ₹2,536 કરોડનું નુકસાન થયું:ગયા વર્ષે ₹3,068 કરોડનો નફો થયો હતો, મોંઘા ઇંધણથી કંપનીનું નુકસાન વધ્યું
    Next Article
    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચનામાં ધારાસભ્ય મકવાણાનો મહત્વનો ફાળો:નવનિયુક્ત પદાધિકારીઓએ મુલાકાત કરી, શહેર વિકાસની ચર્ચા થઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment