Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ટ્રમ્પ સામે મહાવિદ્રોહ:90 લાખ લોકો રસ્તા પર ઊતરતા અમેરિકા હલબલી ગયું, 3,300 શહેરમાં અરાજકતા, લૉકડાઉન જેવી સ્થિતિ વચ્ચે હાલત બેકાબૂ

    12 hours ago

    યુદ્ધ પહેલા એક સમયે ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું હતું કે ધર્મશાહી સામે વિરોધ કે બળવો કરે પણ યુદ્ધ બાદ ઈરાનીઓએ તો વિરોધ પ્રદર્શનો ન કર્યા પણ લાખો અમેરિકન્સે ટ્રમ્પ સામે જરૂર કરી દીધા છે. જીહાં 28 માર્ચથી ટ્રમ્પ સામે અમેરિકામાં એક જનજુવાળ શરૂ થયો છે જેમાં અત્યાર સુધીમાં આવેલા લેટેસ્ટ ડેટા કહે છે કે 90 લાખ જેટલા લોકો રસ્તા પર ઉતરી ગયા છે. આ આંદોલનનું નામ છે નો કિંગ્સ આંદોલન. ડોનાલ્ડ ટ્રમ્પે એવું તો શું કર્યું કે અમેરિકાની જનતાના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અને તેનાથી આવનાર મીડ ટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પને કેટલું નુકસાન થઈ શકે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર... નો કિંગ્સ પ્રોટેસ્ટમાં અમેરિકાના 50 જેટલા રાજ્યોમાં અંદાજે 3200-3300 જેટલી જગ્યાઓ પર વિરોધ થયો. પણ એક સવાલ થાય કે આ આંદોલનનું નામ નો કિંગ્સ પ્રોટેસ્ટ કેમ છે? તો તેની પાછળ જવાબદાર છે અમેરિકાનું બંધારણ. અમેરિકામાં લોકશાહી છે રાજાશાહી નથી. લોકો નેતાઓને ચૂંટે છે પેઢી દર પેઢી રાજાઓ નથી બનતા અને રાજાઓ કહે તેમ દેશ ચાલે એવું પણ નથી. ડોનાલ્ડ ટ્રમ્પના તરંગી નિર્ણયો જ લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે જ લોકો હેરાન થઈને કહી રહ્યા છે કે તમે રાજા નથી રાષ્ટ્રપતિ છો, તમારી હદમાં રહો. ખેર અહીં એક નંબર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે અમુક લોકો આ આંદોલનને નો કિંગ્સ સિવાય 50-50-1 આંદોલન પણ કહી રહ્યા છે. જેનો મતલબ છે અમેરિકાના તમામ 50 રાજ્યોમાં તમામ 50 જગ્યાઓ પર એક જ ઉદ્દેશ્ય સાથે આંદોલન થાય. અહીં આંદોલન કરનાર લોકોનું કહેવું છે કે ટ્રમ્પ સંસદને પૂછ્યા વગર નિર્ણયો લઈ રહ્યા છે. આવું તો રાજાઓ કરતા હોય છે અને અમેરિકામાં રાજા નહીં રાષ્ટ્રપતિ મેઈન હોય છે. માટે આપણે હવે એ સમજવું પણ જરૂરી બની જાય કે કયા એવા પાંચ કારણો છે જેના કારણે 90 લાખથી વધુ લોકો ખાલી 2 જ દિવસમાં આટલું મોટું આંદોલન કરી રહ્યા છે. નો કિંગ્સ પ્રોટેસ્ટના પાંચ પાયા લેવા-દેવા વગરનું ઈરાન યુદ્ધ સંસદ-ન્યાય વ્યવસ્થા બાયપાસ કરવી પોલીસની ગોળીએ નાગરિક મોત વિદેશીઓને અમેરિકામાંથી હાંકી કાઢ્યા દુનિયા અમેરિકાની દુશ્મન બની વિરોધ કરનારા લોકોનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યાય વ્યવસ્થા અને સંસદને સિરિયસલી નથી લેતા અને રાજાની જેમ પોતાને નિયમોથી ઉપર સમજે છે. ઈરાન સાથેનું યુદ્ધ ઈઝરાયલનું હતું છતાં નેતન્યાહુની ઉશ્કેરણી અને ખુશામદીના કારણે લેવા-દેવા વગર અમેરિકાને જંગમાં ઉતારી દીધું. જેના કારણે તેલ અને ગેસના ભાવ ખૂબ જ વધી ગયા છે અને લોકો પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. સૌથી મોટો ટર્નિંગ પોઈ્ટ ત્યારે આવ્યો જ્યારે સેન્ટ પોલ મિનેસોટામાં ફેડરલ એજન્ટે ઈમિગ્રેશન ક્રેકડાઉન સમયે રેની ગુડ અને એલેક્સ પ્રેટી નામના અમેરિકન્સ પર ગોળી ચલાવી અને તેમના વગર કારણે મોત થઈ ગયા. આંદોલનકારીઓનું માનવું છે કે ઓપરેશન મેટ્રો સર્જમાં જે હત્યાઓ થઈ તેમાં સુરક્ષાની જવાબદારી ફેડરલ એજન્ટ્સની હતી. માટે પ્રદર્શનકારીઓ ફેડરલ એજન્ટ્સને અર્બન મિલિટરી કહી રહ્યા છે. વિરોધમાં ટ્રમ્પને ICE એજન્ટ કહેવાના પણ નારા લાગી રહ્યા છે. કારણ કે તેમણે ઓપરેશન ક્લીન સ્વીપ કરીને હજારો લોકોને અમેરિકામાંથી રાતોરાત કાઢીને પોત-પોતાના દેશભેગા કરી દીધા હતા. આ સમયે અમેરિકન્સના ઘરે-ઘરે જઈને ઓપરેશન્સ કર્યા હતા અને તેનાથી લોકો હેરાન થયા હતા. ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા બીજા દેશના લોકોનો દેશ નિકાલ કરવા માટે ટ્રમ્પે ઓપરેશન ક્લિન સ્વિપ ચલાવ્યું હતું. જે ICE દ્વારા ચલાવવામાં આવ્યું હતું. એટલે જ આંદોલનકારીઓ ICE નામના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પના પહેલા ટર્મમાં તેણે ચીન સાથે ટેરિફ વોર કરી હતી અને હાલમાં પણ અનેક દેશો પર અમેરિકન ફર્સ્ટ નીતિના નામે ટેરિફનો વરસાદ કર્યો જેના કારણે યુરોપ સહિત મિત્ર દેશો પણ ધીમે ધીમે અમેરિકાથી દૂર થઈ ગયા. અમેરિકાને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાનના મીનાબમાં એક ગર્લ્સ સ્કૂલ પર બોમ્બમારો કર્યો. આ હુમલામાં નિર્દોષ 170 બાળકીઓના મોત થયા. નિર્દોષોનું લોહી વહેતા અમેરિકા સહિત આખી દુનિયામાં આ પગલા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. આના પર વિરોધમાં એવા નારા બોલવામાં આવી રહ્યા છે કે ઈઝરાયેલી રાજાઓના ઈશારે અમેરિકાની લોકશાહી પર દબદબો બનાવવામાં આવી રહ્યો છે. હવે વાત લોકશાહીની કરીએ જેનો મતલબ ડોનાલ્ડ ટ્રમ્પને ખબર છે પણ તેમને આ શબ્દથી પડી કંઈ નથી. જાણીને નવાઈ લાગશે કે થોડા દાયકાઓમાં અમેરિકામાં થયેલા ટોપ 5 મોટા જનજુવાળ કે આંદોલનમાં ચાર ટ્રમ્પના સમયગાળામાં થયા છે. 1986માં હેન્ડ્સ અક્રોસ અમેરિકા આંદોલનમાં 50 લાખ લોકો ભૂખમરો અને ગરીબી મામલે રસ્તા પર ઉતર્યા હતા 2020-23ના જ્યોર્જ ફ્લોઈડ પ્રોટેસ્ટમાં 1.5થી 2.5 કરોડ લોકો પોલીસ ક્રૂરતા અને નસલીય ભેદભાવ સામે રસ્તા પર ઉતર્યા 2025માં નો કિંગ્સના પહેલા આંદોલનમાં 50 લાખ લોકો ટ્રમ્પનું ઉદ્ઘાટન અને પ્રારંભિક નિર્ણયોના કારણે મોરચો માંડ્યો ફરી વર્ષ 2025માં નો કિંગ્સ પાર્ટ ટુ આંદોલનમાં 60-70 લાખ લોકોએ ઇમિગ્રેશન નીતિઓ અને લોકશાહી મામલે વિરોધ કર્યો હવે નો કિંગ્સ 3.0 આંદોલનમાં 90 લાખથી વધુ લોકોએ ઈરાન યુદ્ધ, કારોબારી અતિરેક, ICE હિંસાના કારણે ધરણા કર્યા છે. આપણે એ પણ જાણવું જોઈએ કે 1970માં અમેરિકામાં અર્થ ડે આંદોલનમાં 20 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા પણ તે રાજકારણના લીધે નહીં પણ પર્યાવરણ વિષય પર આંદોલન હતું. નો કિંગ્સ 3.0માં મિનેસોટાનું સેન્ટ પોલ આંદોલનનું કેન્દ્ર બિંદુ છે. વોશિંગ્ટડન ડીસીમાં તો એટલી ભીડ જામી કે લેવલ ફોરનું લોકડાઉન લગાવવું પડ્યું. લોસ એન્જલસ અને ન્યૂયોર્કમાં પણ રસ્તાઓ જામ થઈ ગયા હતા. હવે વાત કરીએ કે ટ્ર્મ્પ સરકાર સામેના આંદોલનમાં વ્હાઈટ હાઉસે શું કહ્યું. જાણીને નવાઈ લાગશે કે 90 લાખથી વધુ લોકો એટલે કે લગભગ આખા અમદાવાદ શહેરમાં જેટલા લોકો હશે તેટલા લોકોએ વિરોધ કર્યો પણ ટ્રમ્પના પેટનું પાણી ન હલ્યું. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેલ જેક્સને કહ્યું કે આ ટ્રમ્પ ડીરેન્જમેન્ટ થેરાપી સેશન્સ છે, ફાર લેફ્ટિસ્ટ નેટવર્કે આંદોલનમાં ફંડીંગ કર્યું છે, લોકોનો કોઈ ટેકો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તો આ આંદોલનને જોક કહી દીધું. તેમણે કહ્યું કે તે લોકો મને રાજા કહે છે પણ હું આ દેશને મહાન બનાવવા માટે રાત-દિવસ સખત મહેનત કરું છું. ટ્રમ્પ સરકારે તો દુનિયામાં ફજેતી ન થાય તેના માટે આંદોલનને કચડવા AI જનરેડેટ વીડિયો પણ ફેલાવ્યા. પણ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આંદોલનો થાય તો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા રસ્તા પર ઉતરે છે. આ આંદોલનને દબાવવા પણ ટ્રમ્પે પોલીસનો ભરમાર ઉપયોગ કર્યો. લોસ એન્જલ પોલીસ ડિપાર્ટમેન્ટે ટેક્ટિકલ અલર્ટ જાહેર કર્યા. ડેનવરમાં આંદોલનોને ગેરકાયદેસર ગણાવી દેવાયા. પોલીસે લોકોને રોકવા ટીયર ગેસ, સ્મોક બોમ્બ, ફ્લેશ બેગ્સ અને રબરની ખોટી ગોળીઓ પણ વરસાવી. આંદોલન રોકવા પોલીસે LAમાં 75થી વધુ લોકોની ધરપકડ કરી હતી. કેલિફોર્નિયા અને વોશિંગ્ટન ડીસીના ગવર્નરોની મરજી વગર ટ્રમ્પે ત્યાં નેશનલ ગાર્ડ્સ ઉતારી દીધા છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે લાખો લોકો રસ્તા પર ઉતરે છે તો તે ભીડને સંભાળવી કે મેનેજ કરવી અઘરી થઈ જાય છે. નાનું એવું પણ છમકલું થાય તો ભીડ હિંસા કરી બેસે તેનો પણ ખતરો હોય છે. આવું ન થાય તેના માટે આંદોલનકારીઓ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. વેબસાઈટ્સથી 3 હજારથી વધુ જગ્યાઓ પર થતી રેલીઓને સ્વયંસેવકોથી મેનેજ કરાય છે. સરકાર ઈન્ટરનેટ બંધ કરે તો મેશ નેટવર્કની પણ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર છે. મેસેજ પકડી ન શકાય કે સરકાર વાંચી ન શકે તેના માટે સિગ્નલ કે બ્લૂ સ્કાય જેવી એપ્સ પણ યુઝ કરવામાં આવી રહી છે. લોકો ટ્રમ્પના મોટા ફુગ્ગા ફુલાવને રેલી કરી રહ્યા છે જેમાં ટ્રમ્પ બાળક છે અને બંધારણનું પુસ્તક ઉંધું છે. ICEની જગ્યાએ LICE લખીને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની ઠેકડી કરવામાં આવી રહી છે. માત્ર અમેરિકામાં જ નહીં પણ દુનિયાના અનેક ભાગોમાં પણ અમેરિકન્સ વિરોધ કરી રહ્યા છે. જ્યારે આવું બધું થાય એટલે એક સવાલ ઉઠે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકાના લોકોને જ પસંદ નથી આવી કે શું? કારણ કે ચૂંટણી સમયે તો ટ્રમ્પે લોકોને યુદ્ધો રોકવાની વાતો કરી હતી. પણ આજે સામાન્ય અમેરિકન નાગરિકોના ટેક્સના રૂપિયેથી જ ઈઝરાયલના ઈરાન યુદ્ધને ફંડ કરવામાં આવી રહ્યું છે. ઈરાન સામે યુદ્ધ ઈઝરાયલનું પણ રૂપિયા અમેરિકાના નાગરિકોના ટેક્સના વપરાઈ રહ્યા છે. આ લોકોથી સહન નથી થઈ રહ્યું કારણ કે અમેરિકામાં મોંઘવારી વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે આપણે શરૂઆતમાં જે નંબરની વાત કરી હતી તે 50501ને વિગતે જાણીએ. આ કોઈલેશન એટલે કે ગઠબંધન નો કિંગ્સ આંદોલનનું ભેજું છે. જાન્યુઆરી 2025માં જે વિરોધો થયા તેમાં સામાન્ય લોકોને કેમ ભેળવવામાં આવે તે પ્લાનિંગ આ નંબરના ગઠબંધે જ કરી હતી. આ નેટવર્કમાં ઇન્ડિવિઝિબલ, મૂવઓન, લેબર યુનિયન અને ACLU જેવા લોકલ સપોર્ટરના પાવરફુલ ગ્રુપ્સ છે. અહીં પણ ઈરાનની મોઝેઈક સિસ્ટમની જેમ જ કામ થાય છે એટલે કે કોઈ એક શહેરનો મેઈન આંદોલનકારી નેતા જો પકડાઈ જાય તો આંદોલન બંધ ન થઈ શકે. હાર્વર્ડના રિસર્ચર એરિકા ચેનોવેથનું કહેવું છે કે જો દેશની વસ્તીના 3.5 ટકા લોકો સતત અને અહિંસક રીતે કોઈ આંદોલનમાં ભાગ લે તો તે સરકારને બદલવા અથવા નીતિઓના પાયા હલાવવા માટે પૂરતું હોય છે. અમેરિકાની વસ્તી અંદાજે 34 કરોડ છે. ગ્રાઉન્ડ પર અંદાજે 90 લાખ લોકો વિરોધ કરી રહ્યા છે, આ 3.5 ટકાની નજીક છે. માટે ટ્રમ્પ સરકાર માટે 50501 મૂવમેન્ટ ખતરાની ઘંટડી છે. પણ એક સવાલ થાય કે લાખો લોકો રસ્તા પર ઉતરે તેના કરતાં તો ટ્રમ્પ પર મહાભિયોગ લગાવીને પણ રાષ્ટ્રપતિ પદેથી હટાવી શકાય ને? તો હવે આપણે જાણીએ કે ઈમ્પિચમેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ ચલાવવા માટે અમેરિકાના બંધારણમાં શું પ્રોસેસ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિને હટાવવા માટે બે રસ્તા છે. પહેલો છે મહાભિયોગ ચલાવીને. જ્યારે રાષ્ટ્રપતિ દેશદ્રોહ, લાંચ કે બીજા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તો ઈમ્પીચમેન્ટથી તેમને હટાવી શકાય. જેના માટે નીચલા ગૃહ એટલે કે હાઉસમાં સામાન્ય બહુમતિથી રાષ્ટ્રપતિ પર ચાર્જશીટ પસાર થાય છે. જે ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં જાય છે. અહીં કોર્ટની જેમ ટ્રાયલ ચાલે છે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટની નજર હેઠળ થાય છે. જો 67 ટકા સભ્યો રાષ્ટ્રપતિને દોષિત કહી દે તો તેમને હટાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં એન્ડ્રુ જોનસન, બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ થયો છે પણ કોઈને હટાવી શકાયા નથી. જો ફરી ટ્રમ્પ પર ઈમ્પીચમેન્ટ થાય તો તેઓ અમેરિકાના એવા રાષ્ટ્રપતિ બની જશે જેના પર ત્રણ-ત્રણવાર મહાભિયોગ લાગ્યો કહેવાશે. બીજો રસ્તો છે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ટમેન્ટ એક્ટ. આનો ઉપયોગ ત્યારે કરી શકાય જ્યારે રાષ્ટ્રપતિ શારીરિક કે માનસિક રીતે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય. આ કેસમાં ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ લેખિતમાં સંસદને કહે છે કે રાષ્ટ્રપતિ પોતાની ફરજ બજાવી શકે તેમ નથી. આવું થાય તો ઉપરાષ્ટ્રપતિ એક્ટિંગ પ્રેસિડેન્ટ બની જાય છે. પણ રાષ્ટ્રપતિ પાસે હક હોય છે કે તે વિરોધ કરી શકે. જો આવું થાય તો મામલો સંસદમાં જાય. સંસદે 21 દિવસમાં વોટિંગ કરવું પડે. જો 66 ટકા મત મળે તો રાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકાય છે. પણ આવું હાલમાં થઈ શકે તેમ નથી કારણ કે વિરોધ પક્ષ પાસે હાઉસ એટલે કે નીચલી સંસદ અને સેનેટ એટલે કે ઉપલી સંસદમાં બહુમતિ જ નથી કે ટ્રમ્પને હટાવી શકે. તો હવે વાત કરવી પડે આવનાર ચૂંટણીની કે તેમાં ટ્રમ્પની પાર્ટીના નેતાઓ ઓછા જીતે ને ટ્રમ્પને ફરી હટાવવા ટ્રાય કરી શકાય. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં આ વર્ષે મીડ ડર્મ ઈલેક્શન આવવાનું છે. નો કિંગ્સ આંદોલનની અસર જો ઈલેક્શનમાં દેખાય તો ટ્રમ્પને આ આંદોલન ભારે પડી શકે તેમ છે. ઈન્ડિવિઝિબલ અને 50501 ગઠબંધનો નવા લાખો મતદારોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. તેમની ખાસ નજર પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને એરિઝોનામાં છે. કારણ કે અહીં મીડ ટર્મ ઈલેક્શનની રસાકસી ટાઈટ જોવા મળી રહી છે. રોઈટર્સ અને ઈપ્સોસ પોલનું કહેવું છે કે ટ્રમ્પનું નવું એપ્રુવલ રેટિંગ ઘટીને 36 ટકા પર આવી ગયું છે. જે તેમના રાષ્ટ્રપતિ પદના સેકન્ડ ટર્મમાં સૌથી ઓછું છે. ટ્રમ્પ રિપબ્લિકન પક્ષમાંથી આવે છે, ઈડાહો અને ઉટાહ રાજ્યો રિપબ્લિકન્સના ગઢ છે. છતાં આ બંને રાજ્યોમાં વિરોધ પ્રદર્શનની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ કન્ઝર્વેટિવ્સ ઈરાન સાથેના કારણ વગરના યુદ્ધથી નારાજ છે. જે ટ્રમ્પના નો વોર એજેન્ડાની એકદમ વિરુદ્ધ છે. અને છેલ્લે,... ઈરાન સાથે જંગ છેડીને હવે યુદ્ધ રોકવું કેમ તે મામલે ટ્રમ્પ મુંજાયા છે. એવામાં હવે નિવેદન આપ્યું છે કે વેનેઝુએલા બાદ હવે ક્યૂબાનો વારો છે. આવા નિવેદનોથી દુનિયાનું ધ્યાન ભટકાવી શકશે કે નહીં એ તો હવે સમય જ જણાવશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈની ખૂબ જ ખરાબ શરૂઆત:સંજુ સેમસન, કેપ્ટન ઋતુરાજ પછી આયુષ મ્હાત્રે પણ આઉટ; નાન્દ્રે બર્ગર અને જોફ્રા આર્ચરે વિકેટ લીધી
    Next Article
    અમિત શાહે કહ્યું- જે હથિયાર ઉઠાવશે, તેમણે કિંમત ચૂકવવી પડશે:વામપંથીઓએ ભોળા આદિવાસીઓને અંધારામાં રાખ્યા, હવે બસ્તરથી લાલ આતંક લગભગ ખતમ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment