Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: યુદ્ધ અમેરિકાનું, ખર્ચ આરબ દેશોનો:ટ્રમ્પની ફોર્મ્યુલાથી ખાડી દેશો ટેન્શનમાં, એક સેકન્ડમાં 9 લાખનો ધૂમાડો

    2 days ago

    ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની મિસાઈલો મધ્ય પૂર્વમાં વરસે છે, જેની અસર આખી દુનિયામાં સહિત પાડોશી દેશ નેપાળમાં પણ થઈ! ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તમામ અપડેટની તો વાત કરીશું જ પણ અબુ ધાબીમાં નેપાળી યુવાનના મોતે મા સીતાના દેશમાં સન્નાટો મચાવ્યો છે તેની પણ વાત કરીશું. વિચારો, 35 વર્ષનો એક રૈપર અને એન્જિનિયર દેશના પ્રધાનમંત્રી ગયા છે. જેણે સોશિયલ મીડિયા બેન કરનારા દિગ્ગજોને જેન-ઝી એટલે કે યુવાનોના પાવરથી પત્તાની જેમ પાડી દીધા! કેપી શર્મા ઓલીની ધરપકડના આદેશ આપી દીધા અને તેમના જેવા નવા અને યુવા નેતા ફરી નેપાળમાં પેદા ન થાય તેના માટે સ્ટુડન્ટ પોલિટિક્સ પર પણ બેન લગાવી દીધો છે. માત્ર આટલું જ નહીં નેપાળમાં બનેલી નવી સરકાર દુનિયાની સૌથી યુવાન સરકાર બની ગઈ છે. 15 મંત્રીઓમાંથી 14ની ઉંમર 50 વર્ષથી ઓછી છે અને એવરેજ ઉંમર 38 વર્ષ છે. એટલા માટે આપણે એ જાણવું ફરજિયાત બની જાય કે આપણા પાડોશી દેશમાં શું ચાલી રહ્યું છે? નેપાળનું નવું અને ગરમ લોહી ભારત ચીન સાથે કેવા સંબંધો રાખશે? વિગતે વાત કરીએ. નમસ્કાર.... ઈઝરાયલ-ઈરાન યુદ્ધના 32માં દિવસે પણ જંગ ચાલુ છે! અમેરિકા અને ઈઝરાયલે પાવર ગ્રીડ સિસ્ટમ પર હુમલાઓ કરીને તહેરાનને અંધારામાં ધકેલી દીધું છે, જ્યારે ઈરાનના ઈસ્ફહાનમાં બંકર બસ્ટર બોમ્બે તબાહી મચાવી છે. સામે પક્ષે લેબનોન હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલને જાનહાનિ થઈ છે અને હિઝબુલ્લાહના ડ્રોન ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પર ગાજી રહ્યા છે. હોર્મુઝથી નહીં નીકળે અમેરિકન કે ઈઝરાયલી જહાજો આ બધા વચ્ચે ઈરાને હવે દરિયામાં પણ મોરચો ખોલ્યો છે; દુબઈ બંદર પરના ઓઈલ ટેન્કર પર હુમલો અને પાર્લામેટમાં નક્કી થયા મુજબ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટેક્સ વસૂલવાનો પ્લાન છે. હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજોને ઈરાન નહીં નીકળવા દે તેવો પણ પ્લાન છે. બીજા બાજુ ટ્રમ્પે ઈરાનને તેલના કુવા રાખ કરી દેવાની ધમકી આપી છે, તો નેતન્યાહુ ઈરાન સરકાર ઉથલાવવાની અને યુદ્ધ અડધું પૂરું થઈ ગયું છે તેવી વાતો કરી રહ્યા છે. આ મહાયુદ્ધ વચ્ચે ઈરાનના સતત હુમલાઓના કારણે સાઉદી, કતાર અને જોર્ડન પણ જેદ્દાહમાં એકઠા થઈને ઈરાન સામે લાલ આંખ કરી રહ્યા છે. ઇઝરાયલના ખભે બંદૂક રાખી અમેરિકાએ ઇરાનને તબાહ કરી દીધું છે. હવે આ જ અમેરિકા આરબ દેશોને પણ બરબાદ કરવા જઈ રહ્યું છે. હા, જગત જમાદાર ટ્રમ્પ આ યુદ્ધનો સંપૂર્ણ ખર્ચ આરબ દેશો પાસેથી વસૂલવાનો કારસો ઘડી રહ્યા છે. યુદ્ધમાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે? વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇચ્છા છે કે, યુદ્ધના ખર્ચમાં આરબ દેશો યોગદાન આપે. કારણ કે, 1990-91નાં યુદ્ધમાં કુવૈત અને સાઉદી અરેબિયાએ જ અમેરિકાનાં યુદ્ધનો ખર્ચ ઉઠાવ્યો હતો. 32 દિવસનાં યુદ્ધમાં અમેરિકાના 35 અબજ ડોલર ખર્ચાઇ ગયા છે.એક્સપર્ટનું માનીએ તો આ યુદ્ધનો કુલ ખર્ચ 200 અબજ ડોલર થઈ શકે છે. યુદ્ધમાં દર સેકન્ડે 9 લાખ રૂપિયા સ્વાહા રોયટર્સના રિપોર્ટ મુજબ યુદ્ધમાં અમેરિકાના પ્રતિ સેકન્ડ 10,300 ડોલર એટલે કે, 9.08 લાખ રૂપિયા વેડફાઈ રહ્યા છે. જે ટેક્સપેયર્સ પર સીધો 2.63 લાખ કરોડનો બોજ છે. યુદ્ધનો ખર્ચ ક્યાં અને કેટલો? હવે એ સમજીએ કે, રોજનો આટલો ખર્ચ ક્યાં થાય છે? હથિયારો અને મિસાઇલો પાછળ 320, એરફોર્સ ઓપરેશનમાં 245, નેવી ઓપરેશનમાં 155, મિસાઇલ ડિફેન્સ સીસ્ટમમાં 95, સાયબર ઓપરેશનમાં 45 અને લોજિસ્ટિક્સ પાછળ 30 મિલિયન ડોલર ખર્ચાઇ રહ્યા છે. યુદ્ધનો ખર્ચ આરબ દેશોને ઉઠાવવો પડશે? જો અમેરિકા આવું કરે તો આરબ દેશોની હાલત પડ્યા પર પાટાં સમાન થશે. રણ કે, ઇરાનના હુમલાઓથી સાઉદી, UAE અને બહેરીનની રિફાઇરીઓ ઠપ છે. ડેટા સેન્ટર્સને પણ નિશાન બનાવ્યાં છે. પર્યટન અને એવિયેશન સેક્ટરમાં 40 અબજ ડોલરનું નુકસાન થયું છે. એમાં જો વધારાના 200 અબજ ડોલરનું બિલ થોપવામાં આવશે તો આરબ દેશોની સ્થિતિ વિકટ બની શકે છે. લાખો નેપાળીઓ મિડલ ઈસ્ટમાં ફસાયાં જેમ ભારતના લાખો લોકો મિડલ ઈસ્ટમાં કામ કરે છે કે રહે છે તે રીતે નેપાળમાં પણ એવું જ કંઈક છે. અંદાજે 19થી 25 લાખ નેપાળીઓ મીડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયા છે. અબુ ધાબી એરપોર્ટ પર 29 વર્ષના નેપાળી વ્યક્તિનું મોત થયું છે અને 15 જેટલા નેપાળી ઘાયલ થયા છે. સરકાર પર 5 હજાર લોકોને સહી સલામત નેપાળ લાવવાની જવાબદારી છે. મિડલ ઈસ્ટમાં બોમ્બ ને નેપાળમાં ધડાકો બોમ્બ અને મિસાઈલ ભલે ઈઝરાયલ-ઈરાન સહિત મિડલ ઈસ્ટમાં ફૂટી રહ્યા છે પણ તેનો ધમાકો નેપાળમાં બીજી રીતે જોવા મળ્યો. 27 માર્ચ 2026નો એટલે કે ઠીક ચાર દિવસ પહેલા નેપાળની રાજધાની કાઠમાંડુના શીતલ નિવાસમાં બાલેન્દ્ર શાહ ઊર્ફે બાલેને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપતા લખ્યું કે, "હું ભારત-નેપાળની મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું." સોશિયલ મીડિયા પર બેન અને યુવાનો ભડક્યાં પણ નેપાળમાં આટલો મોટો ઝટકો રાતોરાત નથી આવ્યો. તેની પાછળ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં નેપાળમાં આવેલી જેનઝી એટલે કે જનરેશન ઝેડ યુવા ક્રાંતિ જવાબદાર છે. થયું કંઈક એવું હતું કે નેપાળના પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ યુટ્યૂબ અને ટિકટોક જેવી 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂક્યો, અને યુવાનોના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. નેતાના સંતાનોને મોજ ને નેપાળી યુવા બેરોજગાર ડિસ્કોર્ડ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી યુવાનોએ જૂના નેતાઓ અને તેમના દીકરા-દીકરીઓની લગ્ઝુરિયસ લાઈફને પડકારી. નેપાળના યુવાનો બેરોજગાર બની રહ્યા હતા અને નેતાઓના ભ્રષ્ટાચારના જોરે તેમના દીકરા-દીકરીઓ વિદેશમાં ફરી રહ્યા હતા કે મોજમજા કરી રહ્યા હતા. નેપાળના યુવાનોથી આ સહન ન થયું. નેપાળમાં દુનિયાની સૌથી યુવાન સરકાર! વિરોધ ચાલુ થયો અને બાલેન શાહે કાઠમાંડુ મેયર પદેથી રાજીનામુ આપીને નેશનલ પોલિટિક્સમાં કૂદકો માર્યો. આ મહિને નવી નેશનલ ચૂંટણીઓ થઈ અને બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એટલે કે RSPએ 275 બેઠકોમાંથી 182 બેઠકો જીતી લીધી. નેપાળની ચૂંટણીએ દુનિયાનું ધ્યાન ત્યારે ખેંચ્યું જ્યારે નેપાળની સરકાર માટે મંત્રીઓના નામની જાહેરાતો થઈ. વિશ્વભરના રાજકીય વિશ્લેષકો ચોંક્યા કારણ કે આ લગભગ દુનિયાની સૌથી યુવાન સરકાર છે. બધુ સમજીએ તે પહેલા બાલેન શાહને જાણી લઈએ બાલેન શાહ એક પરિચય બાલેનઃ મધેશી સમુદાયના પહેલા વડાપ્રધાન જે સમાજમાંથી બાલેન આવે છે તેની વાત કરીએ તો મધેશી સમુદાય નેપાળના દક્ષિણમાં આવેલા તેરાઈ વિસ્તારનો છે. બાલેનનો સમુદાય વર્ષોથી મુખ્ય પ્રવાહથી વંચિત રહ્યો છે પણ બાલેને આ સીમાઓને તોડી નાખી છે. પણ એક સવાલ થાય કે લોકોએ બાલેનને કેમ પસંદ કર્યા? તો તેમણે મેયર પદે કરેલા કામોનો ટ્રેક રેકોર્ડ જોવો પડે બાલેનની કામગીરીને 7 મુદ્દાથી સમજો ભારતમાં ભણતર અને ટેક્નોલોજીનો સંગમ યુવા છે અને ભારતની દિગ્ગજ ઈજનેર સંસ્થામાંથી ભણ્યા છે તો સીધી વાત છે ટેક્નોલોજી સાથે પ્રેમ હોય જ. જેને તેણે પોતાની રાજનીતિમાં ઉતારી. લોકો સાથે વન ટુ વન બેઠકો અને સોશિયલ મીડિયા ગ્રુપ્સથી પોતાની પોલિટિકલ ઈમેજ બનાવી. બાલેને પોતાની રાજનીતિને એક પ્રોજેક્ટ તરીકે લોકો સામે મૂકી જે લોકોને ગમી. લોકોએ વિચારધારા કરતા રસ્તા પર થતા વિઝિબલ વિકાસ પર ભરોસો કર્યો અને બાલેનની રાજકીય ગાડીએ રોકેટ સ્પીડ પકડી. હવે આપણે એ મુદ્દાની વાત કરીએ જેણે ભારત કે ચીનમાં જ નહીં પણ દુનિયામાં ચર્ચા જગાવી છે. કારણ કે નેપાળની સરકારે દુનિયા સામે કંઈક એવું કરી બતાવ્યું છે જે અત્યાર સુધી લગભગ થયું નહીં હોય. સામાન્ય રીતે નેતાઓની ઉંમર ખૂબ મોટી હોય છે પણ નેપાળમાં એવું નથી. નેપાળના મહિલા મંત્રી માત્ર 29 વર્ષનાં બાલેન શાહની કેબિનેટમાં 15 મંત્રીઓ છે, જેની સરેરાશ ઉંમર 38.21 વર્ષ છે. 10 એટલે કે 66 ટકા મંત્રીની 40 વર્ષથી ઓછી છે. માત્ર 1 જ મંત્રીની ઉંમર 50 વર્ષથી મોટી છે. મહિલા મંત્રીઓ 5 એટલે કે 33 ટકા છે. નેપાળના ઈતિહાસમાં મહિલાઓને લગભગ આટલું માન ક્યારેય નહીં મળ્યું હોય. દુનિયાના નેતાઓની સરેરાશ ઉંમર કેટલી? તેની સામે દુનિયાની વાત કરીએ તો 1970માં દુનિયાના નેતાઓની સરેરાશ ઉંમર 55 હતી જે હવે 62 વર્ષ છે. લોકતાંત્રિક દેશોમાં 59 છે જ્યારે સરમુખત્યારશાહી દેશોમાં 68 વર્ષ છે. ટૂંકમાં નેપાળની સરેરાશ 38 વર્ષની સરકાર દુનિયા માટે એક કેસ સ્ટડી બની ગઈ છે. હવે નેપાળી મંત્રાલયના અમુક નેતાઓની પણ વાત કરીએ જેણે તો 30 પણ પાર નથી કર્યા. સસ્મિતા પોખરેલઃ 29 વર્ષના શિક્ષણ મંત્રી શિક્ષણ, વિજ્ઞાન અને રમતગમતના મંત્રી સસ્મિત પોખરેલની ઉંમર 29 વર્ષ જ છે. તે કેબિનેટના સૌથી યુવાન મંત્રી છે અને સરકારના પ્રવક્તા પણ છે. અમેરિકામાં અભ્યાસ કર્યો, પોખરેલમાં મેયર અને બાલેન શાહના સલાહકાર પણ રહી ચૂક્યા છે. 30-30 વર્ષના નેપાળી મહિલા મંત્રીઓ કાયદો, ન્યાય વિભાગના મંત્રી સોવિતા ગૌતમ માત્ર 30 વર્ષના જ છે. પત્રકાર અને વકીલ તરીકે ઈમેજ બનાવી 2023માં યંગ વર્લ્ડ પોલિટિશિયન ઓફ ધ યરનો ખિતાબ જીત્યો. મહિલા અને બાળક વિભાગના મંત્રી સીતા બાદીની ઉંમર 30 છે. હાંસિયામાં ધકેલાયેલી બાદી સમુદાયના પહેલા મંત્રી છે. સૌથી વધુ ઉંમર એટલે કે 51 વર્ષ નાણામંત્રી સ્વર્ણિમ વાગ્લેની છે. તેઓ વર્લ્ડ ફેમસ ઈકોનોમિસ્ટ અને UNDP ના પૂર્વ સલાહકાર પણ રહી ચૂક્યા છે. યુવા નેતાઓની વાત અધિકારીઓ સાંભળશે ખરાં? આવી પરિસ્થિતિમાં એક સવાલ થાય કે મંત્રીઓ હજુ સાવ યુવાન છે અને રાજકીય લેવલે કામ કરવાના અનુભવ વગરના છે તો શું તેઓ અનુભવી બ્યૂરોક્રેટ્સ એટલે કે બાબુઓ પાસે કામ કરાવી શકશે? જ્યારે 30 વર્ષના મંત્રી 50-60 વર્ષના અનુભવી સચિવો પાસે કામ કરાવે તો બની શકે કે મતભેદો થઈ શકે જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ બાલેન સરકાર આ મામલે કામ કરી રહી છે. હાલ તો બાલેન સરકારે વહીવટી તંત્રને રાજનીતિથી ફ્રી કરવાનું કામ શરૂ કરી દીધું છે. શિક્ષણ અને રમતગમત જેવા મંત્રાલયના વિભાગોમાંથી કામ વગરના બાબુઓને બીજે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. મંત્રીઓને પણ પોતાના વિષય મુજબ મંત્રાલયો અપાયા છે જેથી બાબુઓ તેમને ગોટે ન ચઢાવી શકે. ઉપરથી બધા મંત્રીઓને એક ઈન્ડિપેન્ડેન્ટ ટીમ અપાઈ છે જે સરકારી કામકાજ અને ડેટા પર ધ્યાન રાખી શકે. સોશિયલ મીડિયાના જોરે સરકાર પાડી અને બનાવી હવે આપણે સમજીએ કે બાલેન શાહે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ચૂંટણી કેવી રીતે જીતી? તો પહેલા તો તેમણે મીડિયા કે ન્યૂઝ પેપરને બદલે પોડકાસ્ટ અને નાના વીડિયો બનાવીને યુથ સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કર્યું. ડિસ્કોર્ડ અને સ્નેપચેડ જેવી એપથી વર્ચ્યુઅલ વોર રૂમ બનાવ્યો. જાણીને નવાઈ લાગશે પણ અહીંથી જ નક્કી થયું કે કયો ઉમેદવાર કઈ બેઠક લડશે. આ સિવાય ઈમોશનલ કનેક્શન માટે નેતાઓના દીકરા-દીકરીઓની લગ્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ અને સામાન્ય બેરોજગાર નેપાળીનું કમ્પેરિઝન આપ્યું જેણે યુવાનોમાં ગુસ્સાનો જ્વાળામુખી તરીકે કામ કર્યું. લોકોએ નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓના દાયકા જૂના રાજને પાયામાંથી હલાવી નાખ્યું. અહીં એક વાત એ પણ જોવી જોઈએ કે બાલેન શાહની પાર્ટીએ એઆઈનો ઉપયોગ કરીને લોકોને પોતાની ભાષામાં વ્યક્તિગત મેસેજ મોકલ્યા હતા. અને આ બધુ થયું જેન-ઝી આંદોલન પછી. માટે આપણે આ આંદોલન વિશે પણ જાણવું પડે અને સમજવું પડે કે દુનિયાના કેટલા દેશોમાં યુવાનોના જેનઝી આંદોલનો થયા છે અને તેમણે સરકારોના સિંહાસન હલાવ્યા છે. જેનઝી આંદોલન અને તેની અસરો બાલેન શાહ નેપાળના પ્રધાનમંત્રી બની ભલે ગયા પણ તેમના ઘરઆંગણે ઘણા એવા કામો છે જે તેમને કરવા જ પડશે. આપણે નેપાળના 10 મોટા પડકારોની વાત કરીએ તો નેપાળ હવે ભારત-ચીન વચ્ચે બેલેન્સ રાખશે? આમાં સૌથી મોટો અને મહત્વના મુદ્દામાંનો એક છે ભારત અને ચીન વચ્ચે સંતુલન બનાવવું. હાલ નેપાળ ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ છે. એટલે કે એક નાનો વિસ્તાર છે. જેમાંથી તેમને વિકસિત બનવું પડશે અને વિશ્વમાં અલગ છાપ છોડવી પડશે. બીજું કે ભારત કે ચીનમાંથી કોઈ એકની પડખે રહેવાની આઈડિયોલોજીની જગ્યાએ પોતાની જરૂર મુજબ બંને દેશ સાથે વ્યવહારવાદના પ્રેક્ટિકલ સંબંધો બનાવવા પડશે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે નેપાળના યુવા નેતાઓ પાસે વિદેશ નીતિનો અનુભવ નથી માટે તે એકડો જ ઘૂંટશે. માટે આ ભારત માટે સારી તક છે કે પાડોશી દેશ સાથે સારા સંબંધો બનાવી રાખે. PM બન્યા અને 24 કલાકમાં પૂર્વ PMને જેલભેગા કર્યા હવે આપણે નેપાળની એવી બે ઘટનાઓની વાત કરીએ જે આજકાલની રાજનીતિમાં બધે જોવા મળી રહી છે. જી હાં નેપાળના વિપક્ષનું માનીએ તો આ છે નફરતની પોલિટિક્સ. કારણ કે આ જ બાલેન શાહે પ્રધાનમંત્રી બનતાની સાથે 24 કલાકમાં જ પોતાના વિરોધમાં અને નેપાળના પ્રધાનમંત્રી રહી ચૂકેલા કેપી શર્મા ઓલીની ધરપકડ કરાવી લીધી છે. તેમના પર આરોપ છે કે જેનઝી પ્રોટેસ્ટમાં તેમણે જવાબદારીમાં લાપરવાહી રાખી હતી, જેના કારણે 77 લોકોના મોત થઈ ગયા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઓલીની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પણ ઝપેટામાં લીધા છે. કહેવાય છે કે 10 વર્ષની જેલ તો પાક્કી જ છે. સ્કૂલ-યુનિવર્સિટીમાં નો સ્ટુડન્ટ પોલિટિક્સઃ નેપાળી PM માત્ર આટલું જ નહીં બીજો સૌથી મહત્વનો નિર્ણય લીધો તે છે કે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પાર્ટી બેઝ્ડ સ્ટુડન્ટ પોલિટિક્સ નહીં ચાલે. એટલે કે આપણે જેમ ભાજપની ABVP કે કોંગ્રેસની NSUI જેવી રાજકીય વિદ્યાર્થી પાંખો છે તેવી સ્ટુડન્ટ પોલિટિકલ વિંગ નેપાળમાં કામ કરી શકશે નહીં. 60 દિવસમાં બધી વિંગ્સે કેમ્પસ ખાલી કરવું પડશે, જેની જગ્યાએ બાલેન સરકાર 90 દિવસમાં સ્ટુડન્ટ કાઉન્સિલ જેવા નોન પોલિટિકલ પ્લેટફોર્મ શરૂ કરશે. નેપાળ પ્રગતિના પંથે કે લોકશાહીનો ડાઘ બીજી બાજુ આ જ મામલે બાલેન સરકારનો નવો વિચાર એ છે કે શિક્ષકો, પ્રોફેસર્સ કે સરકારી અધિકારીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કે યુનિયન્સ વગેરેમાં જોડાઈ નહીં શકે. જો કે આ બધા પર મિક્સ્ડ ઓપિનિયન છે કારણ કે ઘણા આને એન્ટી ડેમોક્રેટિક નિર્ણય કહે છે અને ઘણાનું કહેવું છે કે આનાથી દેશમાં સારી અસર પડશે. અને છેલ્લે... બાલેન શાહ ભારત માટે એક ઉદાહરણ છે કે એન્જિનિયર, ડોક્ટર, પત્રકાર કે રૈપર પણ રાજકારણમાં સફળ થઈ શકે છે અને દેશના પ્રધાનમંત્રી બની શકે છે. બીજું કે ભારતના નેતાઓ માટે નેપાળની ઘટના એક રેડ સિગ્નલ પણ છે કે યુવાનોને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે તે સરકારો પણ પલટી શકવાની ક્ષમતા રાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે PBKS vs GT:ગુજરાતે પહેલી વિકેટ ગુમાવી, સાઈ સુદર્શન 13 રન બનાવી આઉટ; યાન્સેને કેચ કરાવ્યો
    Next Article
    ભરૂચમાં 40થી વધુ લૂના કેસ નોંધાયા:ગરમીનો પારો ઊંચો, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment