Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: હિન્દુ-મુસ્લિમ રાજનીતિની 'એક્સપાયરી ડેટ' પૂરી?:આ 7 વાતોથી સરકારના ટાંટિયા ધ્રુજ્યા, મણિપુરથી મોરબી સુધી રોષ, 12 વર્ષ બાદ જનતા જંગે ચઢી

    1 day ago

    2014માં મોંઘવારી અને ભ્રષ્ટાચારે દિલ્હીની એક મજબૂત સરકારને ઉખાડી ફેંકી હતી. આજે, 2026માં 12 વર્ષથી અજેય મનાતી મોદી સરકાર અચાનક 7 અલગ-અલગ મોરચે ભરાઈ ગઈ છે. શું દિલ્હીની ગાદી પર ફરી 2014 જેવું જ જોખમ તોળાઈ રહ્યું છે? આવો સમજીએ કે આ બધું કેમ થઈ રહ્યું છે અને સામાન્ય ગુજરાતી તરીકે તમને આનાથી શું ફેર પડશે. નમસ્કાર... તમે મોરબીના કોઈ ખેડૂત હોવ કે પછી અમદાવાદમાં સરકારી નોકરીની તૈયારી કરતો યુવાન, આ રાજકીય ગરમાવો સીધો તમારી જિંદગી સાથે જોડાયેલો છે. ખતરો એ છે કે જો સિસ્ટમ નહીં સુધરે તો તમારું ભવિષ્ય અને આજીવિકા અંધકારમય છે, પણ તક એ છે કે જનતા હવે ધાર્મિક અને ભાવનાત્મક મુદ્દાઓથી ઉપર ઊઠીને પોતાના હકની વાત ખુલ્લી રીતે કરતી થઈ ગઈ છે. આજે આપણે જે સાત મુદ્દા પર વાત કરીશું તે પણ ફટાફટ નોંધી લઈએ. દેશમાં આજે જે કંઈ પણ ચાલી રહ્યું છે તેના પર વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીનું ઓબ્ઝર્વેશન છે કે, આ વાત આજે સોળ આની સાચી સાબિત થઈ રહી છે. અત્યાર સુધી સરકારને લાગતું હતું કે મોદીની 'ટેફલોન ઈમેજ' અને રાષ્ટ્રવાદ, ધર્મ અને જાતિના સહારે બધું જ પાર પડી જશે, પણ હવે લોકો રસ્તા પર ઉતરીને સીધો હિસાબ માંગી રહ્યા છે. આપણે આજે જે સાત મુદ્દાઓની એક પછી એક વાત કરીશું તે મુદ્દાઓ કયા છે પહેલા તે જાણી લો. ચાલો, સૌથી પહેલા એ મોરચાની વાત કરીએ જેણે દિલ્હીની ઊંઘ હરામ કરી દીધી છે. નોકરી નહીં તો મત નહીં: CJP અને યુવાનોનો આક્રોશ વિચારો, તમારા ઘરનો કોઈ દીકરો કે દીકરી 2 વર્ષ સુધી રૂમમાં પુરાઈને રાત-દિવસ પરીક્ષાની તૈયારી કરે, અને પરીક્ષાના દિવસે જ ખબર પડે કે પેપર તો પહેલાથી વેચાઈ ગયું છે! આ પીડા દેશના 7.5 કરોડ યુવાનોએ સહન કરી છે. NEET અને UGC-NETમાં થયેલા મોટા પાયાના છબરડાઓ વચ્ચે મે 2026માં એક વિચિત્ર ઘટના બની. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે બેરોજગાર યુવાનો માટે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંતે કટાક્ષમાં કોક્રોચ એટલે કે વંદા કહી દીધું. બસ, આ એક શબ્દે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. અભિજીત દીપક નામના યુવાને કંટાળીને કોકરોચ જનતા પાર્ટી વિદેશની ધરતી પરથી શરૂઆત કરી અને જોતજોતામાં 2.2 કરોડ યુવાનો ઓનલાઈન આ ચળવળ સાથે જોડાઈ ગયા. આ કોઈ રાજકીય પાર્ટી નથી, આ એક યુવાનોના ગુંગળામણનો જ્વાળામુખી છે. તેમની માંગ એકદમ સ્પષ્ટ છે: શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને પરીક્ષા સિસ્ટમ પારદર્શી થાય. 20 જુલાઈએ સંસદ સત્ર શરૂ થતા જ હજારો યુવાનો દિલ્હીના રસ્તાઓ પર ઉતરી આવ્યા. સરકારે તેમની વાત સાંભળવાને બદલે શું કર્યું? ધરણા સ્થળ તોડી પાડ્યું, ઈન્ટરનેટ બંધ કરાવ્યું, ટિયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. છતાં ભીડ ન વિખેરાઈ ત્યારે આખરે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ યુવા નેતાઓ સાથે ટેબલ પર બેસવું પડ્યું. આ ઘટના સાબિત કરે છે કે જ્યારે યુવાન રસ્તા પર ઉતરે છે, ત્યારે મોટા-મોટા અહમ તૂટી જાય છે. ખેડૂતો સાથે તૂટેલો સંવાદ: શંભુ બોર્ડર પર ટેન્શન બીજો મોટો ફટકો પંજાબ અને હરિયાણા બોર્ડર પરથી પડ્યો છે. ફેબ્રુઆરી 2024થી શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન હજુ શાંત નથી પડ્યું. ખેડૂતોની મૂળ માંગ છે કે તમામ પાક પર મિનિમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે MSPનો પાકો કાયદો બને. અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડિલથી પણ ખેડૂતોને વાંધો છે. સરકાર સાથે 4 વખત મીટિંગ થઈ, પણ સરકારે માત્ર 3 પાક પર 5 વર્ષ માટે જ MSP આપવાની વાત કરી. ખેડૂતોએ આને આંખમાં ધૂળ નાખવા સમાન ગણાવીને ફગાવી દીધી. જે અન્નદાતા આખા દેશનું પેટ ભરે છે, તેમને દિલ્હી આવતા રોકવા હાઇવે પર બેરિકેડિંગ કરવામાં આવી, દિલ્લી સુધીના રસ્તાઓ રોકવા ખીલા ઠોકવામાં આવ્યા. આજના લેટેસ્ટ સમાચાર એ છે કે પંજાબના ખેડૂતોનો દિલ્હી તરફનો કૂચ હરિયાણા પોલીસે રોકી દીધો છે. શું લોકશાહીમાં સંવાદનો રસ્તો આમ જ બંધ કરી દેવાય? પણ સરકારની મુશ્કેલી માત્ર દિલ્હીની બોર્ડર પૂરતી સીમિત નથી. હવે વાત કરીએ એવા મોરચાની જ્યાં સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને જ્યાં સામાન્ય માણસની આસ્થા સાથે જોડાયેલા સવાલો ઊભા થયા છે. મણિપુર: સળગતું રાજ્ય અને સિસ્ટમની નિષ્ફળતા વિચારો કે તમારા જ દેશના એક હિસ્સામાં છેલ્લા 20 મહિનાથી બે પડોશી સમુદાયો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા હોય અને સરકાર તેમને શાંત ન કરી શકે! મણિપુરમાં મે 2023થી મૈતેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે જે હિંસા શરૂ થઈ તે હજુ પૂરેપૂરી શાંત નથી થઈ. આ માત્ર બે જૂથોની લડાઈ નથી, આ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી વ્યવસ્થાની નિષ્ફળતાનો પુરાવો બની ગઈ છે. પહેલાના મુખ્યમંત્રી પર પક્ષપાતના ગંભીર આરોપો લાગ્યા, તેમના કથિત ઓડિયો પણ વાયરલ થયા. છેવટે તેમણે ફેબ્રુઆરી 2025માં રાજીનામું આપવું પડ્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું. નવા મુખ્યમંત્રી આવ્યા છતાં હજુ લોકોના મનમાં ડર છે. સરકારે નાના પોલીસ અધિકારીઓને અમર્યાદિત સત્તાઓ આપી દીધી છે, જેનાથી સામાન્ય લોકો વધુ હેરાન થઈ રહ્યા છે. જ્યારે સંવેદનશીલ સરહદી રાજ્યમાં રાજકીય ફાયદા માટે નિર્ણયો લેવાય, ત્યારે આગ ઓલવવી અઘરી બની જાય છે. મણિપુર આજની તારીખે પણ સળગી રહ્યું છે. રામ મંદિર: આસ્થાના નામે પારદર્શિતાનો સવાલ હવે વાત કરીએ એક એવા મુદ્દાની જે કરોડો લોકોની ભાવના સાથે જોડાયેલો છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયું, પણ હવે સવાલ એ ઊભો થયો છે કે સામાન્ય માણસે પોતાના ખિસ્સામાંથી જે દાન આપ્યું હતું તેનો પાક્કો હિસાબ ક્યાં છે? મંદિરના ટ્રસ્ટ પર દાનના નાણાંમાંથી ગેરરીતિના આરોપો લાગ્યા, યુપી સરકારે તપાસ માટે ટીમ બનાવી અને કેટલાકની ધરપકડ પણ થઈ. વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. ખુદ નિર્મોહી અખાડાના સાધુઓએ જ સવાલ ઉઠાવ્યો કે આ ટ્રસ્ટ કોઈ 'પ્રાઈવેટ કંપની' ની જેમ કામ કરી રહ્યું છે, તેનું ઓડિટ થવું જોઈએ. શરૂઆતમાં તો સરકારે એવું પણ કહ્યું કે આ ટ્રસ્ટ RTI (માહિતી અધિકાર) હેઠળ આવતું જ નથી! પણ જ્યારે લોકોનો આક્રોશ વધ્યો, ત્યારે દબાણવશ ટ્રસ્ટે દર મહિને પોતાનો ઓડિટ રિપોર્ટ ઓનલાઈન મૂકવાનું શરૂ કર્યું છે. આ એક હકારાત્મક બાબત છે જે સાબિત કરે છે કે ધર્મના નામે હવે કોઈને અંધારામાં ન રાખી શકાય, જનતા જાગૃત થઈ ગઈ છે. હોમ-ગ્રાઉન્ડ પર પડકાર: ગુજરાતમાં અદાણીનો વિરોધ દિલ્હી અને અયોધ્યા પછી હવે વાત કરીએ વડાપ્રધાનના પોતાના ગઢ એટલે કે ગુજરાતની. જ્યાં ભાજપ વર્ષોથી સૌથી વધુ મજબૂત છે, ત્યાં મોરબીમાં ખેડૂતો અદાણી પાવરની ટ્રાન્સમિશન લાઈનોનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની ફરિયાદ સીધી છે: કંપની તેમની ફળદ્રુપ જમીન લઈ રહી છે અને તેમને પોતાની આજીવિકા છીનવાઈ જવાનો ડર છે. વિકાસ જરૂરી છે, પણ ખેડૂતની રોજીરોટીના ભોગે થતો વિકાસ સ્થાનિક લોકોને મંજૂર નથી. ગુજરાત જેવા રાજ્યમાં કોર્પોરેટ કંપની સામે ખેડૂતોનો આ ખુલ્લો વિરોધ એ વાતનો ઈશારો છે કે 'વિકાસ' ના નામે જમીન સ્તરના રોષને હવે હળવાશથી લઈ શકાશે નહીં. અત્યાર સુધી આપણે દિલ્હી, પંજાબ, મણિપુર અને ગુજરાતના ખેડૂતોના વિરોધની વાત કરી. પણ જો તમને એમ હોય કે "હું તો નોકરી કે ધંધો કરું છું, મારે આ આંદોલનોથી શું?" તો હવે તમારા ખિસ્સા પર સીધી અસર કરતા મુદ્દાની વાત કરીએ. E-20 પેટ્રોલ અને ઘટેલી માઈલેજ પેટ્રોલ પંપ પર જાવ ત્યારે ક્યારેય વિચાર્યું છે કે અચાનક તમારી ગાડીની માઈલેજ કેમ ઘટી ગઈ છે? સરકારે દેશભરમાં E-20 પેટ્રોલ ફરજિયાત કરી દીધું છે. સાવ સીધી ભાષામાં સમજીએ તો, આ પેટ્રોલમાં 20% ઇથેનોલ એટલે કે શેરડી કે મકાઈમાંથી બનતું બળતણ મિક્સ હોય છે. સરકારનો દાવો છે કે આનાથી પર્યાવરણ બચશે અને ક્રૂડ ઓઇલની આયાત ઘટશે. પણ નુકસાન કોને છે? તમને અને મને. સરકારે સંસદમાં સ્વીકાર્યું છે કે જૂની ગાડીઓમાં આ પેટ્રોલ નાખવાથી 3% થી 5% માઈલેજ ઘટે છે. જ્યારે રસ્તા પરના મિકેનિક્સ કહે છે કે માઈલેજ 30% સુધી ઘટી શકે છે! બીજી મોટી સમસ્યા એ છે કે ઇથેનોલ ભેજ ખેંચે છે. જો તમારી ગાડી લાંબો સમય ઊભી રહે, તો એન્જિન અને રબરના પાર્ટ્સમાં કાટ લાગી શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ઇથેનોલ સસ્તું છે, તો પેટ્રોલના ભાવ કેમ નથી ઘટ્યા? મોંઘવારીમાં પીસાતા મધ્યમ વર્ગ માટે આ ખિસ્સા પર માર્યા વગરની લૂંટ સમાન છે. મધ્ય પ્રદેશના CMનો જમીન વિવાદ હવે વાત કરીએ શાસકોની પવિત્ર છબીની. ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવ પર અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ડિસેમ્બર 2023માં તેઓ સત્તા પર આવ્યા પછી તેમના પરિવારે ઉજ્જૈનમાં 45 કરોડ રૂપિયાની 168 એકર જમીન ખરીદી છે. વિવાદ એટલા માટે મોટો છે કારણ કે આ જમીન એવા વિસ્તારમાં છે જ્યાં 2028ના કુંભ મેળા માટે સરકાર નવા રસ્તાઓ અને વિકાસની યોજનાઓ લાવવાની છે. સરકાર ભલે બચાવ કરતી હોય કે આ બધો તેમનો જૂનો બિઝનેસ છે, પણ વિપક્ષ સીધો જ આને મહાકાલની જમીનની લૂંટ ગણાવી રહ્યો છે. જ્યારે ટોચના નેતૃત્વ પર જ આવા આંગળા ચિંધાય, ત્યારે "અમે કોઈ ભ્રષ્ટાચાર ચલાવી નહીં લઈએ" તેવી વાતો પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઊઠી જાય છે. 2029નો રસ્તો: સત્તાનો અહમ કે જનતા સાથે સંવાદ? આ 7 અલગ-અલગ ઘટનાઓ કોઈ છૂટાછવાયા બનાવો નથી. આ તમામ કડીઓ એક જ દિશામાં ઈશારો કરે છે: સરકારની ટેફલોન ઈમેજ પર હવે મોટા ડાઘ પડી રહ્યા છે. આ મામલે વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીનું કહેવું છે કે, જ્યારે સરકાર માત્ર પોતાની વાત સંભળાવવા પર જ ઉતરી આવે અને જનતાનો અવાજ સાંભળવાનું બંધ કરી દે, ત્યારે સત્તાનો પાયો હલબલી જાય છે. દિલ્હીના રસ્તાઓ પર દેખાયેલી ભીડ એ લોકશાહીની જ શક્તિ છે. બેરિકેડ્સ બાંધીને, ઇન્ટરનેટ બંધ કરીને કે ડ્રોનથી ટિયર ગેસ છોડીને કોઈ સરકાર કાયમ માટે અવાજ દબાવી ન શકે. 2014માં યુપીએ સરકારે જનતાનો અવાજ નહોતો સાંભળ્યો, પરિણામે તેમને સત્તા ગુમાવવી પડી. આજે વર્તમાન સરકાર પાસે હજુ સમય છે કે તેઓ અહમ બાજુ પર મૂકીને લોકો વચ્ચે જઈને સંવાદ કરે. હવે સવાલ તમારા માટે છે: શું તમને લાગે છે કે સરકાર હજુ પણ સમયસર જાગીને આ એલાર્મિંગ બેલ સાંભળી લેશે? કે પછી 2029ની ચૂંટણીમાં 2014ના ઇતિહાસનું જ પુનરાવર્તન થશે? આ સવાલ તમારે પોતાની જાતને પૂછવાનો રહેશે. અને છેલ્લે… આપણે જેટલા પણ સાત મુદ્દાઓની વાત કરી તેમાં તમને ધર્મ, રાષ્ટ્રવાદ, જાતિ, આરક્ષણ જેવા સરકારના ડિફેન્સ શિલ્ડ રહેલા મુદ્દાઓ નહીં દેખાય. જોવા મળશે માત્ર દેશના કોર ઈશ્યુઝ જેવા કે બેરોજગારી, મોંઘવારી, ખેતી, અને ભ્રષ્ટાચાર. અત્યાર સુધી વેન વે કોમ્યુનિકેશનથી કામ ચાલી ગયું હતું પણ આવનાર સમયમાં હવે લોકોની વાત-પીડા, અસહમતિ વગેરે સાંભળીને ટુ વે કોમ્યુનિકેશનના અલિગઢી તાળા તોડીને બંધ દરવાજા ખોલવા પડશે? સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ધરણા પર બેઠેલા રાહુલને પોલીસ ઉપાડીને લઈ ગઈ, VIDEO:PM આવાસ બહાર પ્રદર્શનમાં સામેલ પ્રિયંકા-અખિલેશ પણ અટકાયતમાં; શિક્ષણ મંત્રી પ્રધાનને હટાવવાની માગ
    Next Article
    વલસાડમાં ડૂબી જતાં એકનું મોત:145 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાંસદામાં 5 ઇંચ; માંગરોળ-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment