Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: એકઝાટકે ટ્રમ્પની હવા નીકળી:'પ્રોજેક્ટ ફ્રીડમ'નું 48 કલાકમાં ફિંડલું, ચીન-રશિયાએ ગેમ પલટાવી, યુદ્ધની ડાર્ક રિયાલિટી અને અમેરિકાના આથમતા સૂરજની કહાની

    1 week ago

    6 મે 2026. બેઇજિંગ, ચીન. સવારના લગભગ 11 વાગ્યા હતા. ચીનના ગ્રેટ હોલમાં પિન-ડ્રોપ સાયલન્સ હતું પણ ડિપ્લોમેટિક ગરમાવો એવો હતો કે એસી પણ ટૂંકા પડે. દુનિયાને લાગતું હતું કે ઈરાન સામેનું યુદ્ધ અમેરિકા જીતી ગયું, પણ અસલી ખેલ તો ચીનના આ રૂમની અંદર ખેલાઈ રહ્યો હતો. કલ્પના કરો, હોર્મુઝની અંધારી દરિયાઈ પટ્ટીમાં અમેરિકન નેવીના અધિકારીઓ ઉનાળાની ગરમીમાં પરસેવે રેબઝેબ હતા, કારણ કે જે પ્રોજેક્ટ ફ્રીડમનો ટ્રમ્પે મોટા ઉપાડે ડંકો વગાડ્યો હતો, તેની હવા ઈરાની મોસ્ક્યુટો ફ્લીટ અને પહાડોમાં છુપાયેલી મિસાઈલ સીટીઝે કાઢી નાખી હતી. પડદા પાછળની વાત એ છે કે ચીનમાં આ કોઈ સામાન્ય પીસ મીટિંગ નહોતી, પણ અમેરિકાની મજબૂરી અને ચીનનો સુરક્ષા વીમો હતો. વોશિંગ્ટન યુદ્ધથી હાથ ખંખેરવા જે દરવાજો શોધી રહ્યું હતું, કારણ કે તેનો રસ્તો હવે બેજિંગના સેટેલાઈટ નેટવર્કમાંથી પસાર થયો. આજે આપણે એ ડાર્ક રિયાલિટીનું એનાલિસિસ કરીશું કે કેવી રીતે ઈરાન-ઈઝરાયલ યુદ્ધે અમેરિકાની વર્લ્ડ પોલીસની વર્દી ઉતરાવી દીધી અને સત્તાનું કેન્દ્ર વોશિંગ્ટનથી ખસીને કેવી રીતે બેજિંગ બની રહ્યું છે. નમસ્કાર... જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૬માં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા, ત્યારે વોશિંગ્ટનને એવી આશા હતી કે તેહરાન ઘૂંટણિયે પડી જશે. પણ, ઈરાને જે રીતે લુક ટુ ધ ઈસ્ટની પોલિસી અપનાવી તેણે પશ્ચિમના દેશો અને અમેરિકાને ચોંકાવી દીધા. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું એપ્રિલ અને મેનું ડિપ્લોમેટિક કેમ્પેઈન આ બદલાતા જીઓપોલિટિકલ સોગઠાંનું જીવતું ઉદાહરણ છે. જ્યારે ઈરાન મદદ માટે રશિયા પહોંચ્યું 27 એપ્રિલ 2026ના રોજ સેન્ટ પીટર્સબર્ગમાં વ્લાદિમીર પુતિન અને અરાઘચી વચ્ચે થયેલી બેઠક માત્ર એક મુલાકાત નહોતી, પણ એક નવી ડિફેન્સ એક્સિસની જાહેરાત હતી. 2025ની રશિયન-ઈરાની સંધિના અમલથી રશિયાએ દુનિયાને મેસેજ આપી દીધો કે તે ઈરાન પરના કોઈપણ બીન યુએન કે પશ્ચિમી પ્રતિબંધોને સ્વીકારશે નહીં. રશિયા માટે ઈરાનનો સાથ ખૂબ જ મહત્વનો છે કારણ કે તે યુક્રેનથી પશ્ચિમનું ધ્યાન હટાવવા માંગે છે. રશિયા ભલે લશ્કરી ઉકેલ કરતા ડિપ્લોમેટિક સમાધાનમાં વધુ રસ રાખે, પણ તેણે ઈરાનને જે રાજકીય છત્રછાયા પૂરી પાડી છે, તેણે અમેરિકાના મેક્સિમમ પ્રેશરની હવા કાઢી નાખી છે. ચીન ઈરાનનો સુરક્ષા વીમો મે 2026માં અરાઘચી જ્યારે બેજિંગ પહોંચ્યા, ત્યારે વાત માત્ર વેપારની નહોતી, પણ સુરક્ષા વીમાની હતી. 2021ના 25 વર્ષના કોમ્પ્રિહેન્સિવ કોઓપરેશન એગ્રીમેન્ટને ચીને હવે મિલિટરી અને સ્ટ્રેટેજીક લેવલે અમલમાં મૂકી શકે છે. અમેરિકાની મનાહી છતાં ઈરાનના તેલ નિકાસનો 90% હિસ્સો ખરીદીને ચીને ઈરાનના અર્થતંત્રને જીવનદાન આપ્યું છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાનની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે. આનો અર્થ એ થયો કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરે છે, તો તે પરોક્ષ રીતે ચીનના ઉર્જા હિતો પર હુમલો ગણાશે. જો કે સામી છાતીએ ચીને કોઈ ચેસના ખેલ ન ખેલ્યાં, પાછલા બારેથી ઘણી મદદ કરી હોવાની વાતો આપણે ઘણી સાંભળી છે. ટ્રમ્પના 'પ્રોજેક્ટ ફ્રીડમ'નું સૂરસુરિયું 4 મે 2026એ ડોનાલ્ડ ટ્રમ્પે મોટા ઉપાડે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરાવ્યો. જેનો આશય હતો કે ઈરાન પાસેની હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન નેવીની તાકાતને શો-ઓફ કરવી. આ સિવાય અમેરિકાને હોર્મુઝના જલડમરુંમાં ઈરાની નાકાબંધી તોડીને તેલના જહાજોને ફ્રી કરવાની પણ પ્લાનિંગ હતી. પણ, આ પ્રોજેક્ટ ટ્રમ્પની ધારણા મુજબ સક્સેસફુલ ન રહ્યો અને 48 કલાકમાં માત્ર 2 જહાજો ઈરાનની નાકાબંધીમાંથી છોડાવીને ફિંડલું વળી ગયો. એક રીતે બીટવીન્સ ધ લાઈન્સ આનાથી સાબિત થયું કે અમેરિકાની વર્લ્ડ પોલીસની છબી અને લાકડી હવે નબળી પડી છે. ટ્રમ્પનું ઓપરેશન કેમ ફેલ જવાના ચોક્કસ કારણ છે. મિસાઈલ સિટીઝ: ઈરાને હોર્મુઝની આસપાસની ટેકરીઓમાં જમીન અંદર મિસાઈલ શહેરો બનાવ્યા છે તેવા સમાચારો છે. અહીંથી 800 થી હજાર જેટલા એન્ટી-શિપ ક્રુઝ મિસાઈલ્સ ગમે ત્યારે અમેરિકન નેવી જહાજોને નિશાન બનાવી શકે તેવી અમેરિકાને અંદરખાને માહિતી મળી. ઈરાની મોસ્કિટો ફ્લીટ: ઈરાની નાની અને ઝડપી બોટ્સે હોર્મુઝ જેવા સાંકડા વિસ્તારમાં મસમોટા અમેરિકન વિમાનવાહક જહાજો માટે નરક જેવી સ્થિતિ સર્જી છે. ઈરાનની સમુદ્રી સુરંગો: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં હજારોની સંખ્યામાં બિછાવેલી સુરંગોને સાફ કરવી એ અમેરિકા માટે સમય અને જાનમાલનું મોટું જોખમ હતું. જ્યારે યુએસ સેન્ટ્રલ કમાન્ડે 2 જહાજોને પસાર કરીને વિજયનો દાવો કર્યો, ત્યારે દુનિયા જોઈ રહી હતી કે હારીને પણ પોતાની પીઠ થાબડવાનું તો કોઈ અમેરિકા પાસેથી શીખે. યુએઈના ફુજૈરાહ બંદર પર ઈરાની મિસાઈલ હુમલાએ અમેરિકાના મિડલ ઈસ્ટ સાથી દેશોને પણ ડરાવી દીધા. આ બધુ જ ભેગું થયું અને આખરે ટ્રમ્પને આ પ્રોજેક્ટ કેન્સલ કરવો પડ્યો. યુદ્ધથી કંટાળી છટકવાનો પ્રયાસ? અમેરિકાએ હવે ઓફિશિયલી રીતે જાહેરાતો કરી છે કે ઈરાન સાથેનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. વ્હાઈટ હાઉસ તેને વાટાઘાટોમાં મોટી પ્રગતિ ગણાવી રહ્યું છે, પણ એક્સપર્ટ્સ તેને એક્ઝિટ ડોરની સ્ટ્રેટેજી તરીકે જોઈ રહ્યા છે. સાવ સાદી રીતે સમજીએ તો આ કોઈ જીત નથી, પણ મોંઘા યુદ્ધમાંથી હાથ ખંખેરવાનો રસ્તો છે. યુદ્ધથી હટવાની "ક્રોનોલોજી સમજીએ" ટ્રમ્પ સરકાર ઈરાન સામે બાથ ભીડીને બરોબર સમજી ગઈ છે કે લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ અમેરિકન અર્થતંત્રને ડૂબાડી શકે છે. ઉપરથી આ જ વર્ષે થોડા મહિનાઓ બાદ અમેરિકામાં મીડ ટર્મ ઈલેક્શન્સ છે. ઈરાને તેની ન્યૂક્લિયર કેપેસિટીને પૂરી રીતે છોડી નથી, છતાં અમેરિકા યુદ્ધવિરામની વાતો કરી રહ્યું છે. જો કે યુદ્ધ શરૂ થયું ત્યારે કહ્યું હતું કે ઈરાનના તમામ ન્યૂક્લિયર હથિયારોને રાખમાં નહીં મીલાવીએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ. જ્યારે કોઈ દેશ તેની શરતો પૂરી કરાવ્યા વગર રણમેદાન છોડે છે, ત્યારે તે વિજય નથી હોતો, પણ રણછોડ હોય છે. ટ્રમ્પના તરંગી સ્વભાવ અને બેફામ નિવેદનોના કારણે ઈરાન હવે અમેરિકા પર બિલકુલ ભરોસો કરવા તૈયાર નથી. 2018માં પરમાણુ કરારમાંથી બહાર નીકળ્યા પછી વોશિંગ્ટનની વિશ્વસનીયતા તેહરાન માટે ઝીરો થઈ ગઈ છે. આ શૂન્યાવકાશમાં ચીને ગેરંટર બનીને એન્ટ્રી મારી છે. ચીને ઈરાનને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં સામેલ કરીને આર્થિક અને તકનીકી સુરક્ષા પૂરી પાડી છે તેવા પણ પશ્ચિમે ઘણીવાર આક્ષેપો કર્યા છે. ચીન-ઈરાન સંબંધોના આ નવા તબક્કામાં ન્યૂક્લિયર સિક્યોરિટી અંબ્રેલા અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવી બાબતો પર કામ થઈ રહ્યું છે. ચીન ઈરાનને તેના મિસાઈલ કાર્યક્રમને એડવાન્સ બનાવવામાં મદદ કરી રહ્યું છે, પણ બદલામાં મિડલ ઈસ્ટમાં તેના વિસ્તારમાં શાંતિની ખાતરી ઈરાન પાસેથી માંગી રહ્યું છે. આ સોદો ઈરાન માટે માત્ર રિયાલનો જ નથી, પણ અસ્તિત્વની લડાઈમાં મળેલો એક મોટો ટેકો પણ છે. ટ્રમ્પની યુદ્ધ વિરામની વાત નેતન્યાહુ અને મોસાદ માનશે? જ્યારે ચીન ઈરાન માટે સુરક્ષા ગેરંટર બને છે, ત્યારે તે તેહરાન માટે લાઈફલાઈન હોઈ શકે છે, પc ઈઝરાયેલ માટે તે એક્ઝિસ્ટન્શિયલ થ્રેટ એટલે કે અસ્તિત્વનું જોખમ છે. નેતન્યાહુ સરકારે ચીન અને ઈરાનના આ ગઠબંધનને 'ગ્રેટ વોલ ઓફ એનસર્કલમેન્ટ'ગણાવ્યું છે. ઈઝરાયેલની સૌથી મોટી ચિંતા એ છે કે જો ઈરાન ચીનના સુરક્ષા છત્ર હેઠળ આવી જાય, તો ઈરાની પરમાણુ મથકો પર હુમલો કરવો આંતરરાષ્ટ્રીય સ્તરે અશક્ય બની જશે. મોસાદની નવી સ્ટ્રેટેજી 'ઘોસ્ટ ઓપરેશન્સ' અમેરિકા યુદ્ધના ખર્ચાના કારણે ધીમે-ધીમે યુદ્ધથી પાછળ હટી રહ્યું છે ત્યારે મોસાદના વડા ડેવિડ બાર્નિયાએ આ મહિનાની શરૂઆતમાં ચોખ્ખી ચેતવણી આપી હતી કે ઈઝરાયલ કોઈપણ વિદેશી ધ્વજ કે સુરક્ષા ગેરંટીથી બંધાયેલું નથી. મોસાદ હવે તેની વ્યૂહરચના બદલી રહ્યું છે. જ્યારે સીધો સૈન્ય હુમલો ચીન સાથેના સંઘર્ષનું જોખમ વધારે છે, ત્યારે મોસાદ 'ઘોસ્ટ ઓપરેશન્સ' વળ્યું છે, જેની વિગતે વાત કરીએ તો... સાયબર સેબોટેજ: સ્ટક્સનેટના આધુનિક વર્ઝનથી ઈરાની મિસાઈલ કંટ્રોલ સિસ્ટમને ઠપ્પ કરવી. ડિજિટલ આઈસોલેશન: ઈરાનને ચીનના બેઈડુ સેટેલાઈટ નેટવર્ક સાથે જોડતી ફાઈબર-ઓપ્ટિક લાઈનો પર છૂપા હુમલા. ટાર્ગેટેડ એક્શન: તેહરાન અને બેજિંગ વચ્ચેના ટેકનિકલ કોલેબોરેસનને તોડવા માટે સ્પાયલ લેવલે અસ્થિરતા પેદા કરવી. આરબ હવે અમેરિકા નહીં પણ ચીન બાજુ? પશ્ચિમ એશિયામાં અમેરિકા માટે સૌથી મોટો આંચકો તેના પરંપરાગત સાથી દેશો સાઉદી અરેબિયા અને યુએઈ તરફથી મળ્યો છે. 2026ના યુદ્ધ દરમિયાન જ્યારે પ્રોજેક્ટ ફ્રીડમ નિષ્ફળ રહ્યો, ત્યારે રિયાધ અને અબુ ધાબીએ સમજી લીધું કે અમેરિકાનું ઓઈલ-ફોર-સિક્યોરિટીનું કાર્ડ હવે કાગળનો વાઘ બની ગયું છે. સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને આ સ્થિતિને 'ડિપ્લોમેટિક નાઈટમેર' ગણાવી હતી. શા માટે આરબ દેશો બેજિંગ તરફ વળી શકે? ભરોસાપાત્ર મધ્યસ્થ: ચીને 2023માં સાઉદી-ઈરાન સંબંધો સુધાર્યા હતા, જે છાપ 2026માં વધુ મજબૂત થઈ છે. ચીન હસ્તક્ષેપ કર્યા વગર આર્થિક સ્થિરતાની ખાતરી આપે છે. પેટ્રોયુઆનનો ઉદય: સાઉદી અરેબિયા હવે તેલનો વેપાર ડોલરને બદલે યુઆનમાં કરવા માટે ખૂબ જ સિરિયસ છે, જે અમેરિકન ડોલરના વર્ચસ્વના અંતની શરૂઆત હોઈ શકે છે. સિક્યોરિટીનું ડાયવર્સિફિકેશનઃ આરબ દેશો હવે માત્ર અમેરિકન હથિયારો પર નિર્ભર રહેવાને બદલે ચીની ડ્રોન ટેકનોલોજી અને રશિયન એન્ટી-મિસાઈલ સિસ્ટમ્સમાં રોકાણ કરી રહ્યા છે. આ બધામાં ભારત ક્યાં ઉભું છે? ભારત માટે ઈરાન અને ચીનનું વધતું નજીકપણું એક સિરિયસ સ્ટ્રેટેજીક ફટકો છે. ભારત દુનિયાનો એવો દેશ છે જે કોઈ બાજુ નમતો નથી અને બધા સાથે સારા સંબંધો રાખે છે. ભારતના ઈઝરાયલ સાથે પણ સારા સંબંધો છે અને ઈરાન સાથે પણ સારા સંબંધો છે. જો ઈરાન પૂરી રીતે ચીન બાજુ થઈ જાય તો ભારતની ઊર્જા સુરક્ષા અને મિડલ ઈસ્ટ કનેક્ટિવિટીમાં થોડું જોખમ પણ ઉભું થઈ શકે તેમ છે. ભારતની આત્મનિર્ભર સ્ટ્રેટેજી ભારતે હવે બેલેન્સિંગ એક્ટ છોડીને પોતાની ઈન્ડિપેન્ડેન્ટ સ્ટ્રેટેજીના બનાવવી પડશે. ટ્રમ્પના અવારનવાર ભારત વિરોધી સ્ટેટમેન્ટ્સે નવી દિલ્હીને એ વિચારવા મજબૂર કર્યું છે કે ટ્રમ્પના સમયમાં અમેરિકા પર વધુ પડતો વિશ્વાસ રાખવો ઘરમાં સાંપ પાળવા જેવું છે. દુનિયામાં રશિયન અને ચીની વેપન્સનો દબદબો 2026ના યુદ્ધે સાબિત કર્યું કે પશ્ચિમી શસ્ત્રો સામે પૂર્વીય ટેકનોલોજી હવે બરાબરીની ટક્કર આપી રહી છે. ઈરાને બંધ બારણે રશિયા અને ચીન પાસેથી મેળવેલા હથિયારોએ અમેરિકન પ્રોજેક્ટ ફ્રીડમને ફેલ કરી દીધો છે. ઈન્ટરનેશનલ અહેવાલો મુજબ જોઈએ કે રશિયા અને ચીને ઈરાનને કેવા હથિયારો આપ્યા હોઈ શકે? રશિયન 9K336 વર્બાઃ રશિયાનું આ એક એવું હથિયાર છે જેનાથી ખભે રાખીને મિસાઈલ છોડી શકાય છે. તે આકાશમાં ઉડતા અમેરિકાના ડ્રોન અને હેલિકોપ્ટરને ફટાકડાની જેમ ફોડી શકે છે. ચીની CM-302 / YJ-12: આ ચીની મિસાઈલ દરિયાઈ શિકારી જેવી છે. તે એટલી સ્પીડમાં અને પાક્કા નિશાન સાથે ત્રાટકે છે કે મોટા યુદ્ધજહાજોને પણ ડરવું પડે છે. ચીનની બેઈડુ સેટેલાઈટ ઈન્ટીગ્રેશન: ચીને ઈરાનને પોતાનું આકાશી GPS આપી દીધું છે. આનાથી ઈરાનની મિસાઈલો હવે બિલકુલ પાક્કા નિશાને જ પડે છે. અમેરિકા ગમે તેટલી કોશિશ કરે કે સિગ્નલ તોડવાની તરકીબ અજમાવે, તો પણ તે આ મિસાઈલોનો રસ્તો ભટકાવી શકતું નથી. 'એક્ઝિટ' એ 'વિક્ટ્રી' નથી: અમેરિકા યુદ્ધ હાર્યું? અમેરિકા ભલે ઈરાન યુદ્ધમાંથી નીકળવાની ઘટનાને વિજય તરીકે રજૂ કરે, પણ ઈતિહાસ તેને એક હાર તરીકે જ નોંધશે. અફઘાનિસ્તાન પછી ઈરાનમાં પણ અમેરિકા તેના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. વોશિંગ્ટનથી બેજિંગ બાજુ ખસતું દુનિયાનું પાવર હાઉસ વોશિંગ્ટન ભલે પોતાની પીછેહઠને ડિપ્લોમેટિક વિક્ટ્રી ગણાવતું હોય, પણ બેજિંગ અને તેહરાન વચ્ચે જે ખાઈ પૂરાઈ રહી છે, તે આવનારા દાયકાઓ સુધી અમેરિકા માટે માથાનો દુખાવો બનવાની છે. તેમાં આજનો દિવસ યુદ્ધનો સૌથી ખાસ દિવસ છે. આજે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે જે બંધ બારણે બેઠક થઈ, તેની વિગતો જે હવે ધીરે ધીરે બહાર આવી રહી છે, તે ચોંકાવનારી છે. આ બેઠકમાં માત્ર તેલ કે શસ્ત્રોની વાત નહોતી, પણ પરમેનન્ટ એસ્કોર્ટ પ્રોટોકોલની પણ વાતો સામે આવી છે. જો આ સાચું હોય તો આ પ્રોટોકોલ મુજબ, ચીની નેવીના જહાજો હવે કાયમી ધોરણે હોર્મુઝના જલડમરુંમાં ઈરાની તેલ ટેન્કરોને સુરક્ષા આપશે. જો આવું થઈ જાય અને અમેરિકા હવે ઈરાની ટેન્કરને રોકવાનો પ્રયાસ કરે, તો તેને ચીની નેવીના જહાજોનો સામનો કરવો પડશે. આ એક એવી મજબૂરી છે જે અમેરિકાને સીધા યુદ્ધમાંથી મહાયુદ્ધ બાજુ ધકેલી શકે છે, જે ટ્રમ્પ કે તેની સરકાર ક્યારેય ઈચ્છશે નહીં. ઈરાને સ્ટ્રેટેજીકલી ચીની કર્મચારીઓ અને એન્જિનિયરોને તેના સેન્સેટિવ દરિયાકાંઠાના વિસ્તારોમાં BRI પ્રોજેક્ટ્સ હેઠળ તૈનાત કર્યા છે. આ એક હ્યુમન શીલ્ડ છે, જેનો અર્થ એ કે જો ઈઝરાયેલ કે અમેરિકા હુમલો કરે અને તેમાં ચીની નાગરિકોને નુકસાન કે મોત થાય, તો બેજિંગ પાસે યુદ્ધમાં ઉતરવાનું કાયદેસરનું બહાનું મળી જશે. ચીને ઈરાનને જે સુરક્ષા આપી છે તે ખાલી દરિયા પૂરતી જ સિમિત નથી, પણ આકાશ અને સાયબર સ્પેસ સુધી પણ ફેલાયેલી છે. જેને એક્સપર્ટ્સ સિલિકોન શીલ્ડ કહી રહ્યા છે. ઈરાનને ચીનના બેઈડુ સેટેલાઈટ નેટવર્કની મિલિટરી-ગ્રેડ એક્સેસ મળવી એ ગેમ-ચેન્જર સાબિત થયું છે. 1) નેવિગેશનલ ઓટોનોમી: અત્યાર સુધી ઈરાન GPS પર નિર્ભર હતું, જેને અમેરિકા ગમે ત્યારે જામ કરી શકતું હતું. હવે બેઈડુના કારણે ઈરાની મિસાઈલો કોઈપણ અવરોધ વગર પિન-પોઈન્ટ ચોકસાઈથી હુમલો કરી શકે છે. 2) ડિજિટલ સર્વેલન્સ: ચીની કંપનીઓ જેવી કે હુવેઈ અને અલીબાબા દ્વારા ઈરાનને અતિ એડવાન્સ સર્વેલન્સ ટેકનોલોજી પૂરી પાડવામાં આવી છે. આ ટેકનોલોજી ઈરાનને તેના આંતરિક શાસન સામે થતા પ્રદર્શનોને રોકવામાં અને સાયબર હુમલાઓ સામે રક્ષણ મેળવવામાં મદદ કરી રહી છે. 3) ચિપ સપ્લાય: અમેરિકન પ્રતિબંધો છતાં, ચીને ઈરાનને મિસાઈલ અને ડ્રોન માટે જરૂરી હાઈ-એન્ડ સેમિકન્ડક્ટર્સ પૂરા પાડ્યા છે, જેના કારણે ઈરાનનો મિસાઈલ પ્રોગ્રામ યુદ્ધ દરમિયાન પણ અટક્યો નથી. ઈરાનનું આંતરિક રાજકારણ: આ સંઘર્ષની એક બીજી બાજુ જે બહુ ઓછી ચર્ચાઈ છે, તે છે ઈરાનનું આંતરિક રાજકારણ. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ વચ્ચે સત્તાની ખેંચતાણ ચરમસીમાએ છે તેવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. અબ્બાસ અરાઘચી, જેમને IRGCનો ટેકો છે, તેઓ સીધા જ ચીન અને રશિયા સાથે સોદાબાજી કરી રહ્યા છે, ઘણીવાર સરકારને પણ અંધારામાં રાખીને. ગ્લોબલ સાઉથ પર પ્રભાવ: દક્ષિણ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો જોઈ રહ્યા છે કે કેવી રીતે એક મધ્યમ તાકાત ધરાવતા ઈરાને અમેરિકન નેવીને હોર્મુઝમાં રોકી રાખ્યું. આનાથી અમેરિકાની અજેય હોવાની છબી ખરડાઈ છે. જ્યારે વિશ્વ પોલીસ અમેરિકા તેની પોતાની શરતો મનાવવામાં નિષ્ફળ જાય, ત્યારે તે અન્ય પ્રાદેશિક શક્તિઓને પોતાની મનમાની કરવા માટે પ્રોત્સાહન આપે છે. 2026ના ઈરાન સંઘર્ષનો નિષ્કર્ષ એ છે કે વિશ્વ હવે ઓફિશિયલી મલ્ટીપોલર બની ગયું છે. વોશિંગ્ટન હજુ પણ સૌથી મોટી લશ્કરી શક્તિ છે, પણ તે હવે દુનિયાના દરેક ખૂણે પોતાની મરજી ચલાવી શકે તેમ નથી. ચીન જે રીતે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપક અને સુરક્ષા ગેરંટર તરીકે ઉભરી આવ્યું છે, તે અમેરિકાના પતનનું પ્રથમ મોટું સિમ્બોલ છે. અને છેલ્લે... આજે બેજિંગમાં ઈરાન અને ચીનના વિદેશમંત્રીની થયેલી બેઠકના ઠીક એક અઠવાડિયા પછી ટ્રમ્પ પોતે ચીન જઈ રહ્યા છે. એ દિવસે કાં તો શેરબજાર ગગન ચૂંબશે અથવા તો તળિયે બેસી જશે. કારણ કે હવે દુનિયા ઓફિશિયલી મલ્ટીપોલર બની ગઈ છે, જ્યાં સત્તાનું પલ્લું વોશિંગ્ટનથી ખસીને બેજિંગ તરફ ઝુકવા જઈ રહ્યું છે. સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઈરાન યુદ્ધ 24 કલાકમાં સમાપ્ત થઈ શકે છે:ટ્રમ્પ બોલ્યા- તેહરાન પરમાણુ હથિયારો ન રાખવા તૈયાર, ઈરાને કહ્યું- હજુ નિર્ણય થયો નથી
    Next Article
    જિલ્લા કોંગ્રેસ પ્રમુખની SPને રજૂઆત:રાપર-ભચાઉમાં હર્ષ સંઘવીનો કાયદો લાગુ પડતો નથી ?

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment