Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: પેટ્રોલ-ડીઝલની પારાયણ:ક્રૂડ ઓઈલ રોકીને દુનિયા ઠપ કરી દેવાનો ઈરાનનો ગેમપ્લાન; ભારતમાં વાહનોનાં પૈડાં થંભી જશે કે દોડતાં રહેશે?

    11 hours ago

    યુદ્ધ ખતમ ક્યારે થશે તે નક્કી નથી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો ક્યારે ખોલશે તે નક્કી નથી. અમેરિકા અને ઈરાન બંને વટે ચડ્યા છે. પેટ્રોલ-ડીઝલ જેમાંથી બને છે તે ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટમાંથી ભારત આવતું હતું, પણ હમણાં તે બંધ છે. ભારતે ક્રૂડ ઓઈલ માટે બીજા ઓપ્શન ચાલુ કરી દીધા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં જ કહી દીધું કે ભારતની જરૂરિયાતનું 45% ક્રૂડ ઓઈલ હોર્મુઝ સ્ટ્રેટથી આવતું હતું તે બંધ છે. હવે ભારત બીજા દરિયાઈ રસ્તેથી ઓઈલ મગાવવા લાગ્યું છે. તે 70% જેટલું આવે છે. મતલબ 100% ઓઈલ ભારતને મળતું નથી. સરકાર ગમે તેટલી ધરપત આપે, મનના એક ખૂણે ભય તો રહે જ કે આજે નહિ તો કાલે, પેટ્રોલ-ડીઝલની અછત થશે તો? કુદરતની ભેટ ક્રૂડ ઓઈલના સંશોધનથી લઈ દુનિયામાં અત્યારે શું સ્થિતિ છે, આજે ક્રૂડ ઓઈલનું A to Z એનાલિસિસ કરીએ... નમસ્કાર, કમ સે કમ થોડા દિવસ તો ભારતમાં ચિંતા નથી કે પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ જશે. ભારત માટે ક્રૂડ ઓઈલની અત્યારે એટલી ચિંતા નથી. કારણ કે રશિયન ઓઈલના લાખો બેરલ શિપમાં ભારત આસપાસ દરિયામાં હાજર છે. તેમાં દોઢ કરોડ બેરલ છે. બીજા 70 લાખ બેરલ સિંગાપોર નજીક છે જે એક અઠવાડિયામાં ભારત પહોંચશે. ભારત પાસે પોતાનું રિઝર્વ ઓઈલ છે. તકલીફ ત્યારે ઊભી થશે જ્યારે યુદ્ધ લાંબુ ચાલશે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના નામથી ઈરાની મીડિયાએ કહી દીધું કે, હમણાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે. આમ તો ઈરાનનો પ્લાન યુદ્ધ વધારવા કરતાં દુનિયાને આર્થિક નુકસાન પહોંચાડવાનો છે એટલે મિડલ ઈસ્ટના દેશોમાં હુમલા કરે છે. ઓઈલ પ્રોડક્શન અને એક્સપોર્ટ અટકાવી દીધાં છે. ઈરાન ક્રૂડ ઓઈલના ભાવ વધારીને અમેરિકાને દઝાડવા માગે છે. ઈરાન ચેતવણી આપી ચૂક્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવ એક બેરલના 200 ડોલર થઈ જશે. ઈરાન અમેરિકાને પાઠ ભણાવવાના મૂડમાં છે પણ આ બે બળિયા વચ્ચે દુનિયા પિસાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ સંસદમાં શું કહ્યું? ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં માહિતી આપી કે ભારત હાલમાં જે ક્રૂડ ઓઇલ સપ્લાય મેળવી રહ્યું છે તે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતા ક્રૂડ ઓઇલ કરતાં પણ વધારે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. યુદ્ધ પહેલાં ભારતની જરૂરિયાતનું 45% ક્રૂડ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતું હતું. રિફાઇનરીઓ હાલમાં હાઈકેપેસિટી યુટિલાઈઝેશન પર કામ કરે છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ATF (એવિએશન ટર્બાઈન ફ્યૂલ)ની કોઈ અછત નથી. નોન-હોર્મુઝ રૂટથી ક્રૂડ ઓઈલની આયાત યુદ્ધ પહેલાં 55% હતી. જે હવે 70% થઈ રહી છે. 2007 સુધી ભારત 27 દેશો પાસેથી ઓઈલ ખરીદતું હતું. હવે 40 દેશો પાસેથી ઓઈલ ખરીદે છે. ભારતમાં સ્થિતિ શું છે? ભારત 40 દેશોમાંથી ઓઈલ આયાત કરે છે. જેમાં અમેરિકા પણ સામેલ છે. આ સિવાય ટેન્ક ફોર્મ હોય છે જે રિફાઈનરીઓમાં હોય છે, કોમર્શિયલ હોય છે. આ બધાની ગણતરી કરો તો ભારત પાસે 50 દિવસનું ઓઈલ રિઝર્વ છે. પણ બધી ટેન્કો સંપૂર્ણ ખાલી ન કરી શકીએ તો એ હિસાબે 40 દિવસનું જ ઓઈલ છે. બારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગ્લોર અને પાદુરમાં રિઝર્વ ઓઈલનો જથ્થો છે. અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છતાં દુનિયા ઈરાન પાસેથી ઓઈલ કેમ ખરીદે છે? દુનિયાનો શક્તિશાળી દેશ અમેરિકા વર્ષોથી એ પ્રયાસો કરે છે કે દુનિયાનો કોઈપણ દેશ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદે. આના માટે અમેરિકાએ કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા છે. સવાલ એ છે કે અમેરિકાના પ્રતિબંધો છતાં દુનિયાભરમાં ઈરાનના ઓઈલની ભારે ડિમાન્ડ કેમ છે? ઈરાનના ક્રૂડ ઓઈલમાં એવી તે શું ખાસ બાબત છે કે દુનિયા એ ખરીદવા તલપાપડ હોય છે. ઈરાન રોજના લગભગ 35 લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. પશ્ચિમી દેશોના અનેક પ્રતિબંધો છતાં ઈરાનના ઓઈલની ડિમાન્ડ છે. આની પાછળ કોઈ રાજનીતિ નથી પણ ઈરાનના ક્રૂડ ઓઈલની ક્વોલિટી છે. ઈરાન બે પ્રકારના ક્રૂડ ઓઈલ વેચે છે. ઈરાનનું ક્રૂડ ઓઈલ માત્ર ક્વોલિટીમાં જ નહીં. કિંમતમાં પણ આગળ છે. બ્રેન્ટ ક્રૂડ નામનું ઓઈલ પ્રિમિયમ ઓઈલ માર્કેટમાં મળે છે. તેની તુલનામાં 3થી 9 ડોલરના મોટા ડિસ્કાઉન્ટ સાથે ઈરાની ઓઈલ મળે છે. ઈરાનને એક બેરલ જમીનમાંથી ઓઈલ કાઢવામાં માત્ર 10 ડોલરનો ખર્ચ થાય છે. ઓછી કિંમતે વેચવા છતાં ઈરાનને બહુ તગડો ફાયદો થાય છે. જે દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદે છે તેની તો ચાંદી જ ચાંદી છે. અમેરિકાની નજર ચૂકવીને ચીન ઈરાન પાસેથી ઓઈલ ખરીદે છે કોઈ દેશ ઈરાન પાસેથી ઢગલાબંધ ઓઈલ ખરીદે તે અમેરિકાને પસંદ નથી. પણ અમેરિકાનું માથું ભાંગે એવો દેશ ચીન છે. ચીન વર્ષોથી ઈરાન પાસેથી ઢગલાબંધ ઓઈલ ખરીદે છે. અલબત્ત, ઈરાનના ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદાર દેશ જ ચીન છે. 2024માં ઈરાને ઓઈલમાંથી જે કમાણી કરી તેના 90 ટકા રકમ એકલા ચીનમાંથી આવી. ચીને લગભગ 3200 કરોડ રૂપિયાનું ઈરાની ઓઈલ ખરીદ્યું. ચીનના શીડોંગ પ્રાંતમાં ટીપોટ નામની નાની રિફાઈનરી છે. જે માત્ર ભારે ઓઈલ જ મગાવે છે. આ ઓઈલ અમેરિકાની નજરમાંથી બચીને ચીન પહોંચે છે કેવી રીતે? આના માટે શેડો ફ્લિટ કામ કરે છે. ફ્લિટ એટલે માલવાહક જહાજ. સમુદ્રની વચ્ચોવચ્ચ ઓઈલ લઈ જતા શિપના ઝંડા બદલી નખાય છે. એટલે ઝંડા જોઈને અમેરિકાની એજન્સીઓ માની બેસે છે કે આ કોઈ બીજા દેશની શિપ છે. ત્યારે ચીનનો ઝંડો ઉતારી લેવામાં આવે છે. પેમેન્ટ પણ સિક્રેટ નેટવર્ક મારફત ઈરાન પહોંચે છે. રિફાઈનરી ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે ભારે ઓઈલને હળવું કરવું સહેલું અને ફાયદાકારક બની ગયું છે. જે ચીન સહેલાઈથી કરી જાણે છે. આગળ રિઝર્વ ઓઈલના ગણિતની વાત કરીશું, પણ દુનિયામાં સૌથી વધારે રિઝર્વ ઓઈલ ચીન પાસે જ છે. દુનિયામાં ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરવામાં ભારત ત્રીજા નંબરે આજે દુનિયાભરમાં રોજનું 15 અબજ લીટર ક્રૂડ ઓઈલ કાઢવામાં આવે છે. જ્યાં સુધી પ્લાન્કટન રહેશે ત્યાં સુધી પેટ્રોલિયમ માટેના જરૂરી તત્વો મળી રહેશે. તેને બનવામાં લાખો વર્ષોનો સમય લાગે છે. શું ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન જ બને છે? ના. ક્રૂડ ઓઈલ આપણી આસપાસની દરેક પ્રોડક્ટમાં મોજૂદ છે. મીણ, લુબ્રીકેન્ટ, સિલિકોન, રસ્તા બનાવવા ડામર, પ્લાસ્ટિક, કેટલાક કપડાં બનાવવા ઓઈલનો ઉપયોગ થાય છે. આનાથી જ સ્કૂટરથી લઈ વિમાન સુધીના વાહનો ચાલી શકે છે. જે દેશ કાચા ઓઈલનું ઉત્પાદન કરે છે તે સૌથી અમીર દેશ બની જાય છે. કારણ કે ઈકોનોમીને તાકાત આપનારું મહત્વનું પરિબળ ક્રૂડ ઓઈલ છે. ઓઈલનો ઉપયોગ તાકાતના હથિયાર માટે થતો આવ્યો છે અને તેના માટે યુદ્ધો પણ થયા છે. 1973માં ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે 3 અઠવાડિયાં સુધી યુદ્ધ થયું. તેને યોમ કી પુર યુદ્ધ કહે છે. એ સમયના ઓઈલ પ્રોડક્શન સંગઠન ઓપેકે (POEC) એ દેશોને ઓઈલ વેંચવા પર રોક લગાવી દીધી, જે ઈઝરાયલનું સમર્થન કરતા હતા. એના કારણે ઓઈલમાં 300 ટકાનો ભાવ વધારો થઈ ગયો ને દુનિયામાં મંદીનો માહોલ આવી ગયો. દુનિયામાં જેટલું ઓઈલ ઉત્પાદન થાય છે તેના 20 ટકા સૌથી વધારે અમેરિકા ઉપયોગ કરે છે. એ પછી 13 ટકા સાથે ચીન અને 4.5 ટકા સાથે ત્રીજા નંબરે ભારત ઓઈલનો સૌથી વધુ ઉપયોગ કરનારો દેશ છે. જમીનમાં કેવી રીતે તૈયાર થાય છે ક્રૂડ ઓઈલ... ક્રૂડ ઓઈલ એકદમ બારીક સમુદ્રી જીવો અને છોડમાંથી બને છે. જેને પ્લન્કટન (plankton) કહે છે. આજે જે પેટ્રોલિયમ જમીનમાંથી કાઢીએ છીએ તે આ જ નાનાં જીવોમાંથી લાખો વર્ષની પ્રક્રિયા પછી બને છે. જેમ પ્લન્કટન મરે છે તેમ તે સમુદ્રનાં તળિયે પહોંચી જાય છે. કારણ કે બહુ ઊંડાઈએ ઓક્સિજન હોતો નથી એટલે તે છૂટા પડવાના બદલે તળિયાંની માટી અને રેતી જેવા કાંપમાં ભળી જાય છે. આ પ્લન્કટન સમુદ્રના કણો સાથે ભળે છે એટલે ગાઢ અને ચીકણાં બની જાય છે. અહીંથી જ શરૂ થાય છે પેટ્રોલિયમ તૈયાર થવાની પ્રક્રિયા. 10 હજારથી લઈ 10 લાખ વર્ષ દરમિયાન કાંપનું એક પછી એક લેયર જમા થતું રહે છે. તે લેયર સેંકડો મીટર ઊંચું થઈ જાય છે. આના કારણે સૌથી નીચેના જે લેયર છે તેનું વજન પણ વધે છે અને તાપમાન વધવા લાગે છે. જ્યારે નીચેનું તાપમાન 80 ડિગ્રી થાય છે ત્યારે તળિયાનું મોટું પડ તૂટીને ધીમે ધીમે નાના ટુકડાઓમાં વહેંચાવા લાગે છે. તેને ક્રેકિંગ કહે છે. તે તૂટેલા ભાગો બારીક બનીને લચીલા થઈ જાય છે અને કાળા, જાડા, ચીકણાં પ્રવાહીમાં બદલાઈ જાય છે. આ જ છે ક્રૂડ ઓઈલ. વધારે દબાણના કારણે ઓઈલ આ તૂટેલા પડમાંથી ઉપર તરફ આવવા લાગે છે પણ તે સપાટી પર નથી આવતું. જમીનની અંદર માટીની સપાટીએ ચોંટી જાય છે. આ રીતે થઈ ક્રૂડ ઓઈલની શોધ... વર્ષ હતું 1858નું. અમેરિકાના પેન્સિલવેનિયાની ડાર્ટમાઉથ કોલેજના પ્રોફેસર જ્યોર્જ બિસેલને ખબર પડી કે પેન્સિલવેનિયાના કેટલાક ગામડાંમાં જમીનમાંથી તરલ-ચીકણો પદાર્થ નીકળે છે. તે સંશોધન માટે ગયા. તેમને જમીનમાંથી નીકળતા કાળા પરપોટા દેખાયા. તેમણે આ તરલ પદાર્થના સેમ્પલ લીધા અને કોલેજમાં પાછા આવ્યા. તેમણે દિવસો સુધી આ ચીકણા પદાર્થનું રિસર્ચ કર્યું ને એ સાબિત કરી બતાવ્યું કે આ તરલ પદાર્થમાં બલ્બ ચાલુ કરવાની ક્ષમતા છે. બિસેલને એટલી તો ખબર પડી ગઈ કે પેન્સિલવેનિયાના આસપાસના ગામડાંમાં જમીન નીચે એવો પદાર્થ છે કે તેનાથી એનર્જી મળે તેમ છે. તેને ખાતરી થઈ ગઈ કે અહીં કૂવો ખોદવામાં આવશે તો ઓઈલ જેવો પદાર્થ નીકળશે જેનાથી લાઈટ થઈ શકશે. હવે તેને એક એવા માણસની શોધ હતી જે આ પ્રકારનું ખોદકામ કરી આપે. તેને એક માણસ મળ્યો. નામ હતું એડવિન ડ્રેક. એડવિન ડ્રેક કંડક્ટર હતા, હોટેલમાં ક્લાર્કની નોકરી કરી ચૂક્યા હતા. તે ભણેલા નહોતા પણ ગણેલા હતા. પ્રોફેસર બિસેલે તેને પોતાનો પ્લાન બતાવ્યો તો ખોદકામ કરીને ઓઈલ કાઢવા તૈયાર થઈ ગયા. એડવિન ડ્રેકે પેન્સિલવેનિયામાંથી વિલિયમ સ્મીથ નામના માણસને કામ પર રાખ્યો. રોજના અઢી ડોલર આપવાનું નક્કી થયું. તેને જમીનમાં ડ્રીલિંગનો બહોળો અનુભવ હતો. સૌથી પહેલાં ટાઈટસવિલે વિસ્તારમાં મેટલના પાઈપ મૂકીને ડ્રિલિંગ શરૂ કર્યુ. એ વખતે લોકો ડ્રેકની મશ્કરી કરતા હતા કે મહેનત રહેવા દે. જમીનની નીચે પાણી જ હોય, ઓઈલ ન હોય. વર્ષ આવ્યું 1959નું. તારીખ હતી 27 ઓગસ્ટ, શનિવાર. બપોરના સમયે ડ્રિલિંગ 80 ફૂટ થઈ ચૂક્યું હતું. ફુવારા રૂપે ઓઈલ નીકળ્યું. પહેલાંના સમયમાં તો બીજું કાંઈ હતું નહીં એટલે સાથે રાખેલા બેરલમાં તે ભરી દીધું. બેરલની આ પરંપરા આજે ય ચાલુ છે. જ્યાંથી ઓઈલ નીકળ્યું કે જમીન ટાઈટસવિલે શહેરથી 11 કિમી દૂર હતી. અહીં શહેર વસી ગયું જેને પિટહોલ સિટી કહેવાયું. પિટહોલ સિટીમાં જ્યારે ઓઈલની શોધ થઈ ત્યારે ત્યાં અનેક કિલોમીટરના વિસ્તારોમાં 50 લોકો પણ નહોતા રહેતા. પણ ઓઈલની શોધ થતાં જ પિટહોલ સિટીમાં એક જ વર્ષમાં 10 હજાર લોકો વસી ગયા. 50 હોટેલ ખુલી ગઈ. પોસ્ટ ઓફિસ બની ગઈ, બે ટેલિગ્રામ સેન્ટર ઊભા થઈ ગયા. ઓઈલના કારણે એ લોકો અમીર તો બની ગયા પણ બીજી કોઈ સુવિધા પિટહોલમાં ઊભી થઈ શકી નહીં એટલે વર્ષભરમાં જ તેની ચમક ફીકી પડી ગઈ. ઓઈલના કારણે પિટહોલની અર્થવ્યવસ્થા જોર પકડી ન શકી પણ ઓઈલ માટે માણસોની તરસ વધતી ગઈ. ક્રૂડ ઓઈલ દુનિયા માટે બની ગયું બ્લેક ગોલ્ડ બધાને ખબર પડી ગઈ હતી કે આ માત્ર ઓઈલ નથી કાળું સોનું છે. એટલે ઓઈલમાંથી અલગ અલગ પદાર્થ બનાવાની રિફાઈનરી શરૂ થઈ. પેન્સિલવેનિયા સિવાય અમેરિકામાં અલાસ્કા, ઓહાયો અને ટેક્સાસ જેવા રાજ્યોમાં મોટામોટા ઓઈલના કૂવા મળ્યા. અમેરિકા દુનિયાનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ બની ગયો. પછી તો દરેક દેશને મધલાળ પડવા લાગી કે ક્યાંક આપણી જમીનમાં તો ક્રૂડ ઓઈલ નથી ને? બધા શોધ કરવા લાગ્યા. આ બધા વચ્ચે સવાલ એ થાય કે મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઈલ કેવી રીતે શોધાયું? હકીકતે બ્રિટીશરોનું ધ્યાન ગયું તે મિડલ ઈસ્ટના પર્શિયાની જમીનમાં ભરપૂર ઓઈલ ભંડાર છે. એ સમયનું પર્શિયા એ જ આજનું ઈરાન. પહેલા વિશ્વ યુદ્ધ પછી ક્રૂડ ઓઈલ એનર્જીનો મોટો સોર્સ બનીને ઊભરી આવ્યું. મિડલ ઈસ્ટમાં મોટાપાયે ઓઈલ છે, તે અંગ્રેજોને ખબર હતી એટલે તેણે મિડલ ઈસ્ટના દેશોમાં કંટ્રોલ જમાવ્યો. સમય જતાં પર્શિયાનું નામ ઈરાન થઈ ગયું અને અહીં ઓઈલના વધારે કૂવા ખોદાયા. 1950માં ઈરાનમાં બનેલી સરકારે ઓઈલના કૂવા પર કંટ્રોલ લઈ લીધો. મિડલ ઈસ્ટમાં જો કોઈ દેશની જમીનની નીચે સૌથી વધારે ક્રૂડ ઓઈલ હોય તો એ સાઉદી અરેબિયા છે. 1973માં પહેલીવાર ક્રૂડ ઓઈલમાં મંદી આવી 1973માં કેટલાક અરબ દેશોએ કેટલાક સમૃદ્ધ દેશોને ઓઈલના વેચાણ પર પ્રતબિંધ લગાવી દીધો હતો. ત્યારે એક બેરલનો ભાવ 3 ડોલરથી વધીને 12 ડોલર થઈ ગયો હતો. એ પછી દુનિયાની ઈકોનોમી ધીમી પડી ગઈ. 1978, 1990 અને 2001માં ઓઈલના ભાવ વધતાં અમેરિકામાં મંદી આવી ગઈ હતી. 2008માં ક્રૂડ ઓઈલના એટલા ભાવ વધ્યા કે વિશ્વભરમાં મંદી આવી ગઈ હતી. જોકે ત્યારે ઓળિયો ઘોળિયો બેન્કો પર નાખી દેવાયો હતો. ઓઈલની દ્રષ્ટિએ ઘણા દેશોએ સારાં પગલાં લીધા. સાઉદી અરબ ધરતી પર સૌથી અમીર દેશોમાંનો એક છે, કારણ કે તેની પાસે સૌથી મોટો ઓઈલ ભંડાર છે. સાઉદીની સરકારી ઓઈલ કંપની અરામકો તો એપલ, ગુગલ કે એમેઝોન કરતાં ય મોટી છે. આ જ અરામકો કંપની પર હમણાં ઈરાને બે ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાકથી લઈને ઈરાન, વેનેઝુએલાથી લઈને નાઈજિરિયા સુધીના ઓઈલ સમૃદ્ધ દેશો આ જ કારણોસર આગળ વધ્યા. ઘણા દેશોએ ઓઈલ પર એકાધિકાર કરવાની કોશિશ કરી છે. ઓઈલ હવે બેટરીની જગ્યાએ ઉપયોગમાં લેવાતું આવે છે. 1 લીટર પેટ્રોલમાં એટલી જ ઊર્જા હોય છે જેટલી 60 કિલો બેટરીમાં. અત્યાર સુધીમાં દુનિયામાં 5 વાર રિઝર્વ ઓઈલનો ઉપયોગ કરવો પડ્યો પૃથ્વી પર રોજ લગભગ 10 કરોડ બેરલ ઓઈલનો ઉપયોગ થાય છે. ધરતી પરની કુલ એનર્જીના ખપતનો 30 ટકા હિસ્સો પેટ્રોલિયમથી આવે છે. યુદ્ધ કરવા માટે પણ ઓઈલની જરૂર પડે છે. વિશ્વમાં 1973માં ઓઈલ સંકટ આવ્યું હતું. તેના 1 વર્ષ પછી 1974માં IEAની સ્થાપના થઈ. IEA એટલે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી. તેનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં છે. આ એજન્સી દુનિયામાં ઓઈલ સપ્લાય સારી રીતે રહે તેની ભૂમિકા નિભાવે છે. ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા પણ IEAનું સદસ્ય છે. દરેક સદસ્ય દેશોએ તેના 90 દિવસની આયાત બરાબર ઓઈલ જમા કરવાનું હોય છે. સંકટ સમયે આ જ રિઝર્વ ઓઈલનો ઉપયોગ થાય છે. રિઝર્વ કોટામાંથી ઓઈલ રિલિઝ કરવા માટે IEA બજારની સ્થિતિનું આકલન કરે છે. આ પહેલાં પાંચવાર એવું થઈ ચૂક્યું છે કે રિઝર્વ ઓઈલનો ઉપયોગ કરવો પડ્યો. રિઝર્વ ઓઈલ આ સમયે ઉપયોગ કરવો પડ્યો IEAના સદસ્ય દેશો મળીને 120 કરોડ બેરલ સાર્વજનિક કટોકટી માટે રાખે છે. અત્યારે બ્રિટને કહ્યું છે કે તે 7 કરોડ 60 લાખ રિઝર્વ બેરલમાંથી 1 કરોડ 30 લાખ રિઝર્વ બેરલ આપશે. જર્મની અને ઈટલીએ પણ 12-12 ટકા રિઝર્વ ઓઈલ કાઢવાની વાત કરી છે. સવાલ એ છે કે જે દેશ IEAના સદસ્ય નથી તે શું કરશે? આમાં મુખ્ય ઓઈલ ઉત્પાદક મિડલ ઈસ્ટના દેશો પણ આવી જાય. તે પણ સદસ્ય નથી. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીને તેના ઉદ્યોગોને સૂચના આપી દીધી કે ઓઈલમાંથી ડીઝલ અને ગેસોલિન બનાવવાનું બંધ કરો. તેની નિકાસ બંધ કરો. ચીન પાસે પણ પોતાનો 100 કરોડ બેરલ ઓઈલનો મોટો ભંડાર છે. દરિયામાંથી જહાજોના જહાજો 115 દિવસ સુધી આવે ત્યારે 100 કરોડ બેરલ થાય. ભારતમાં તો સ્થિતિ સારી છે, બીજા દેશોમાં ઓઈલની કટોકટી છે ઓઈલના ભાવ વધી જતાં ઘણા દેશોમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનમાં પેટ્રોલના એક લીટરના 350 રૂપિયા થઈ ગયા છે. ત્યાં કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની સૂચના આપી છે. સાઉથ કોરિયા પેટ્રોલ-ડીઝલમાં પ્રાઈઝ કેપ લાવવાની તૈયારી કરી રહ્યું છે. જાપાન ક્રૂડ ઓઈલનો રિઝર્વ જથ્થો વાપરવાની તૈયારીમાં છે. થાઈલેન્ડમાં ઓઈલના અભાવે વીજ કટોકટી ઊભી થઈ છે. લોકોને લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. મ્યાંમારમાં ઓઈલની એટલી તકલીફ ઊભી થઈ છે કે ત્યાં ડ્રાઈવિંગ કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે. છેલ્લે, 1960માં વેનેઝુએલાના પેટ્રોલિયમ મંત્રી જુઆન પાબ્લો અલ ફોન્ઝોએ કહ્યું હતું કે ક્રૂડ ઓઈલ એ શૌતાનનું મળમૂત્ર છે અને આપણે તેમાં ડૂબી રહ્યા છીએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    India LPG Gas Cylinder Shortage, Petrol Prices Live Updates: Brent crude breaches $100-mark; India pushes kerosene, coal amid cooking gas crisis
    Next Article
    કાર ચાલકે બે મહિલાઓને કચડી, એકનું મોત, CCTV:બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું, એક મહિલા પર વ્હિલ ફળી વળતાં સેકન્ડોમાં જ મોત, રાજુલા પોલીસ સ્ટેશન સામે અકસ્માત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment