Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: બ્રાન્ડ મોદીની કેટલી અસર:ભાજપ અને સંઘ માટે આ ટ્રેન્ડ ખતરનાક, જેન-ઝી 2029ની ચૂંટણીનું પરિણામ બદલશે? હાઈકમાન્ડની ઊંઘ ઉડાવતું એનાલિસિસ

    12 hours ago

    જો આજે, નરેન્દ્ર મોદીનું નામ ભારતીય જનતા પાર્ટીમાંથી હટાવી લેવામાં આવે તો શું ભાજપ સત્તામાં રહી શકે ખરો? 2024માં 240 સીટ લાવનાર ભાજપ શું ખરેખર મોદી વિના 180ના આંકડે પહોંચી શકે? આ સવાલ સાંભળીને ચોક્કસ તમે ચોંકી જ ગયા હશો. એટલે જ આપણે એવા મુદ્દા પર વાત કરવી છે જે કદાચ ભાજપ હાઈકમાન્ડ અને RSS બંનેની ઊંઘ ઉડાડી શકે છે. આજે ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, પણ એની પાછળ એક જ ચહેરો અને એક જ વોટ ગેરંટર છે, બ્રાન્ડ મોદી. શરૂઆતમાં જે બંને સવાલ પૂછ્યા ચાલો તેના વિસ્તારથી જવાબ મેળવીએ. નમસ્કાર... ભાજપ આજે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, પણ હાલ પૂરતી તો તેની લાઈફલાઈન માત્ર એક જ ચહેરો છે. ગઈ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને નેશનલ લેવલે 36.56% વોટ મળ્યા. પણ જરા વિચારો, આ 100% વોટબેંકમાંથી કેટલા લોકોએ સ્થાનિક સાંસદ કે ભાજપના સિમ્બોલને બદલે માત્ર ને માત્ર મોદીને જોઈને વોટ આપ્યો હશે? આંખો પહોળી કરી દે તેવા આંકડા જુઓ. મોદી ન હોય તો ભાજપનું શું થાય? CSDS-લોકનીતિનો સત્તાવાર ડેટા કહે છે કે 2024માં ભાજપના 25% મતદાતાઓએ ચોખ્ખું કહ્યું કે જો વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ન હોત, તો તેમણે બીજે ક્યાંક વોટ આપ્યો હોત! એટલે કે દેશના કુલ વોટ શેરમાંથી સીધા 9.14% વોટ માત્ર ને માત્ર બ્રાન્ડ મોદીના નામે પડ્યા છે. જો આ 9 ટકા વોટ ભાજપની ઝોળીમાંથી કાઢી લેવામાં આવે, તો પાર્ટીનો વોટ શેર 27%ની આસપાસ ધડામ દઈને પટકાય અને સીટો લગભગ 200ની અંદર સમેટાઈ જાય. વિધાનસભામાં લોકલ, લોકસભામાં મોદી આ મોદી પ્રીમિયમ કેવી રીતે કામ કરે છે તે સમજવા દિલ્હી અને ઓડિશાનું ઉદાહરણ બેસ્ટ છે. આજના મતદાતાની સાયકોલોજી સમજો. વિધાનસભા હોય ત્યારે લોકો સ્થાનિક કામ જોઈને કેજરીવાલ કે નવીન પટનાયકને ખોબલે ખોબલે વોટ આપે છે. પણ લોકસભા આવે એટલે એ જ જનતા સીધી મોદીને શોધે છે. ગ્રાફિક્સમાં જુઓ અને સમજો કે વર્ગ મુજબ ભાજપ અને કોંગ્રેસનો કયો મતદાર છે. શું આપણે અમેરિકન મોડલ અપનાવી રહ્યા છીએ? આને આપણા ગુજરાત કે અમદાવાદના કોઈ સામાન્ય નોકરિયાત કે વેપારીના ઉદાહરણથી સમજીએ. કોર્પોરેશન કે વિધાનસભાની ચૂંટણી વખતે એ સામાન્ય માણસ પોતાના વિસ્તારના તૂટેલા રસ્તા, ટેક્સ કે ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું વિચારી શકે છે. પણ જ્યારે લોકસભાનું બટન દબાવવાનો વારો આવે છે, ત્યારે તેના મગજમાં તેનો લોકલ લેવલનો ધારાસભ્ય નહીં, પરંતુ સીધી દેશની સુરક્ષા, રામ મંદિર અને મોદી આવી જાય છે. આ કહી જાય છે કે ભાજપે ભારતીય ચૂંટણીઓને સ્થાનિકને બદલે અમેરિકા જેવી પ્રમુખશાહી એટલે કે પ્રેસિડેન્શિયલ સ્ટાઈલ બનાવી દીધી છે. ભાજપને કઈ કેટેગરીના મતદારો સૌથી વધુ મત આપે છે અને આ દાયકામાં કેટલા વોટ વધ્યા તે પણ સમજો સિક્કાની બીજી બાજુ એ છે કે આ ટ્રેન્ડ ભાજપ માટે એક મોટી તક તો છે, પણ ભવિષ્યનો સૌથી મોટો ખતરો પણ છે. સત્તાનું એ હદે સેન્ટ્રલાઈઝેશન થઈ ગયું છે કે લોકલ લેવલના નેતાઓનું વજન ઘટી ગયું છે. તો પછી અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ બધું જોયા પછી પણ મોદી સામે સીધો ટકરાવ કેમ નથી કરતો? તો એનો જવાબ ગઈ લોકસભા ચૂંટણીમાં આપણે જોઈ ચૂક્યા છીએ. ગયા વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું એક નિવેદન બહુ ચર્ચામાં રહ્યું હતું. નડ્ડાએ કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામોમાં જ્યારે ભાજપ 303થી ઘટીને 240 પર અટક્યું, ત્યારે સંઘના મુખપત્રએ પક્ષના અહંકારની આકરી ટીકા પણ કરી. દિલ્હીના પાવર કોરિડોરમાં અવારનવાર ચર્ચા થાય છે કે સત્તાનું આટલું કેન્દ્રીયકરણ થઈ ગયું છે, છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ હાઈકમાન્ડ વચ્ચે કોઈ ખુલ્લો બળવો કે ટકરાવ કેમ નથી થતો? સંઘ માટે ભાજપ અને ભાજપ માટે સંઘ મજબૂરી-જરૂરિયાત જવાબ બહુ સીધો છે: બંનેના ટાર્ગેટ એક જ હતાં અને અમુક છે જેમ કે, કલમ 370 નાબૂદ કરવી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવું અને સમાન નાગરિક ધારો લાગુ કરવો... આ સંઘના 100 વર્ષ જૂના સપના હતા. દાયકાઓથી જે કામ માત્ર કાગળ પર હતું, તેને મોદી સરકારે પોતાના જોરે કાયદામાં ફેરવી બતાવ્યું. લગભગ સંઘ બહુ જ પ્રેક્ટિકલ ઓર્ગેનાઈઝેશન છે. તેને ખબર છે કે તેમની હિન્દુ રાષ્ટ્રની વિચારધારા કે નવી શિક્ષણ નીતિને ગ્રાઉન્ડ પર ઉતારવા માટે સરકારી સત્તા બહુ જ જરૂરી છે. સામી બાજુ, મોદીનો ચહેરો ગમે તેટલો વિશાળ હોય, પણ ચૂંટણીના દિવસે ગુજરાત હોય કે યુપી, લાખો લોકોને ઘરની બહાર કાઢીને બૂથ સુધી પહોંચાડવા માટે સંઘના ડિસિપ્લિન્ડ પન્ના પ્રમુખો અને વિશાળ નેટવર્કની જરૂર ભાજપને પડે જ છે. આ એક સિમ્બાયોટિક એટલે કે પરસ્પર નિર્ભરતાવાળા સંબંધો છે, જ્યાં અસ્તિત્વ ટકાવવા બંને એકબીજા માટે મજબૂરી પણ છે અને જરૂરિયાત પણ. ગુજરાતમાં કેટલા જેન-ઝી? આ તો થઈ ભાજપની પરંપરાગત વોટબેંક અને સંગઠનની વાત. પણ, ભાજપ અને દેશની સત્તાનું ભવિષ્ય હવે એક નવા જ અને સૌથી મોટા વોટર ક્લાસના હાથમાં છે, જેન-ઝી. આજે દેશમાં 50 કરોડથી વધુ લોકો આ નવી પેઢીના છે. આપણા ગુજરાતની જ વાત કરીએ, તો લગભગ 7.40 કરોડની વસ્તીમાં 1.84 કરોડ લોકો જેન-ઝી છે. એટલે કે રાજ્યનો દર ચોથો મતદાર આ ડિજિટલ પેઢીનો છે. આ એ પેઢી છે જે લાંબા રાજકીય ભાષણો સાંભળીને નહિ, પણ 60 સેકન્ડની ઈન્સ્ટા રીલ જોઈને પોતાનું મંતવ્ય, મત કે ઓપિનિયન બનાવે છે. જો આવનારા સમયમાં રોજગારી કે મોંઘવારીનો મુદ્દો આ પેઢીને સીધો સ્પર્શશે, તો સત્તાના સમીકરણો રાતોરાત બદલાઈ શકે છે. મોદી હવે મોબાઈલથી કેમ વીડિયો બનાવે છે? પીએમ મોદી આ યુવા સાયકોલોજી બરાબર પકડી ચૂક્યા છે. જુલાઈ 2026માં જ્યારે સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને યુવાનોમાં ભારે રોષ હતો, ત્યારે મોદી સરકારે પરંપરાગત રીતે કોઈ લાંબી પ્રેસ કોન્ફરન્સ કરવાને બદલે એક અલગ જ રસ્તો અપનાવ્યો. વડાપ્રધાને રાત્રે સ્માર્ટફોનથી ફ્રન્ટ કેમેરામાં એક સેલ્ફી વીડિયો શૂટ કરીને મૂક્યો. જરા વિચારો, અમદાવાદ કે રાજકોટની કોઈ કોલેજમાં ભણતો 20 વર્ષનો છોકરો કે છોકરી જ્યારે રાત્રે ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો હોય, અને દેશનો વડાપ્રધાન સીધો તેની આંખમાં આંખ નાખીને જેન-ઝીને ફ્રેન્ડ્ઝ...કહીને વાત કરે, ત્યારે એક અલગ જ પર્સનલ કનેક્શન ઊભું થાય છે. આ જ કારણસર એ વીડિયોને 24 કલાકમાં 30 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા. મોદી પોતે તો આ ડિજિટલ અવતારમાં ઢળી ગયા છે, પણ સવાલ એ છે કે શું અમિત શાહ કે યોગી આદિત્યનાથ જેવા બીજી હરોળના નેતાઓ આ જેન-ઝી કનેક્ટ જાળવી શકશે? સપ્ટેમ્બર 2025માં મોદીજ 75 વર્ષના થઈ ગયા છે, તો શું અડવાણીજીની જેમ તેમને પણ માર્ગદર્શક મંડળમાં મોકલવામાં આવ્યા? કે પછી સંઘ મોદી માટે કોઈ અપવાદ બન્યા? તેનો જવાબ કંઈક એવો છે કે, ભાજપનો દાયકાઓ જૂનો અલિખિત નિયમ કહે છે કે 75 વર્ષ પછી નેતાએ સીધા માર્ગદર્શક મંડળમાં જવાનું. તો શું લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની જેમ મોદીજી પણ વનવાસ ભોગવશે? જવાબ છે - બિલકુલ ના. કારણ કે ખુદ RSSના વડા મોહન ભાગવતે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે સંઘમાં નિવૃત્તિની કોઈ ઉંમર હોતી જ નથી. તેમણે તો એવું પણ કહી દીધું હતું કે સંઘનો આવો કોઈ નિયમ જ નથી. મતલબ સાફ છે... આપણે જોઈ જ રહ્યા છીએ કે દિલ્હીમાં મોદી અપવાદ ચાલુ જ રહ્યો. પણ, રાજકારણમાં પડદા પાછળ જે રંધાઈ રહ્યું હોય તે ક્યારેય સીધું દેખાતું નથી. 2024માં 303થી સીટો ઘટીને 240 પર આવી જતાં RSS સમજી ગયું છે કે હવે માત્ર એક જ વ્યક્તિના મેજિક પર ભાજપનું ભવિષ્ય છોડી શકાય તેમ નથી. મોદી પછી હવે કોણ? આ જ કારણ છે કે ભાજપમાં ધીમે-ધીમે ઉત્તરાધિકારનો પાયો નંખાઈ રહ્યો હોવો જોઈએ. અમિત શાહનું સંગઠન કૌશલ્ય, યોગી આદિત્યનાથનો આક્રમક હિન્દુત્વનો ચહેરો, નીતિન ગડકરીની વિપક્ષમાં પણ સ્વીકૃતિ અને શિવરાજસિંહ ચૌહાણ અને દેવેન્દ્ર ફડણવીસનો જમીની અનુભવ... આ પાંચ નેતાઓની બીજી હરોળને હવે કલેક્ટિવ લીડરશીપ બાજુ વાળવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે એવી વાતોનો રાજકીય ગલિયારોમાં ગરમાવો છે. મોદી ભાજપનું વર્તમાન છે, પણ આરએસએસ ભવિષ્યનો ચહેરો ક્યારે અને કઈ રીતે પ્રોજેક્ટ કરશે તે જોવું અત્યંત રસપ્રદ રહેશે. બ્રાન્ડ મોદીએ ભાજપને એવા શિખર પર પહોંચાડ્યું છે જ્યાંથી નીચે ઉતરવું ખતરનાક છે અને હજુ ઉપર જવાની જગ્યા બચી નથી. સંઘ અને સરકાર વચ્ચેનું સંતુલન હવે 2029ના રસ્તા નક્કી કરશે. પણ મોટો સવાલ એ છે કે તમને શું લાગે છે? મોદી પછી ભાજપનું સુકાન કોણ સંભાળી શકે? અમિત શાહ, યોગી કે પછી કોઈ નવો જ ચહેરો? આ સવાલનો જવાબ તમારા પરિવાર કે ફ્રેન્ડ્ઝ સર્કલમાં પૂછજો જરૂર. અને છેલ્લે... હવે ભવિષ્યની વાત છોડીને સીધી અત્યારની સત્તાની વાત કરીએ. આજે સંસદના ચોમાસુ સત્રનું ત્રીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. ભારે હોબાળા વચ્ચે મોદી સરકારે બે બિલ તો પાસ કરાવી લીધા, પણ અસલી ખેલ હવે બાકી છે. સરકાર પાસે માત્ર 9 દિવસ બચ્યા છે અને તેમાં તેમણે પરિસિમન બિલ એટલે કે સંસદની સીટો વધારવાનો મુદ્દો અને મહિલા અનામત બિલ લાવવાના છે. આ બંને બિલ કોઈ સામાન્ય કાયદા નથી, પણ બંધારણીય ફેરફારો છે. આ માટે બે-તૃત્યાંશ બહુમતી જોઈએ. ગઠબંધનના ટેકે ચાલતી સરકાર માટે આ બિલ પાસ કરાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે. શું સરકાર આ જોખમ લેશે? કે પછી બિલ પડતા મૂકવા પડશે? જો આ બિલ પાસ નહીં થાય તો વિપક્ષના હાથમાં એક મોટો મુદ્દો આવી જશે. આપણા જેવા સામાન્ય માણસોના પ્રતિનિધિત્વ પર આ બિલની સીધી અસર પડવાની છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Editor's View: મોદી વિના ભાજપનું શું થાત?:ભાજપ-સંઘ વચ્ચે સાયલન્ટ વોર? જેન-ઝી બદલશે 2029 લોકસભાનું પરિણામ? હાઈકમાન્ડની ઊંઘ ઉડાવતું એનાલિસિસ
    Next Article
    માળીયા હાટીના દીપડો પાંજરે પુરાયો:​માળીયા હાટીનામાં પાંચ દિવસથી દહેશત મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો: સ્થાનિકો અને વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment