Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: પેટ્રોલ-ડીઝલ ને ગેસ માટે ફરી લાઇનો લાગી શકે:બીજો રૂટ પણ બંધ કરી દેવાની ઇરાનની ધમકી, 20 મિનિટમાં ટ્રમ્પે 18 ફાંકા માર્યા, હોર્મુઝ ખોલવા 35 દેશ મેદાને

    1 day ago

    શું માત્ર બે સાંકડા દરિયાઈ રસ્તા આખી પૃથ્વીને આદિમાનવના જમાના ભેગી કરી શકે? એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં ખાલી સૂરજ જ નથી તપી રહ્યો, તેની સાથે દુનિયાના અર્થતંત્રની ધમની પણ દાઝી છે. ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરીને દુનિયાને વિનાશના ઉંબરે ઉભી રાખી દીધી છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ મુજબ હોર્મુઝ સ્ટ્રેઇટમાં બે હજારથી વધુ જહાજ ફસાયેલા છે. એવામાં ઈરાને દુનિયાની સપ્લાય ચેઈન ઠપ કરવા અને દુનિયા અમેરિકાને સદબુદ્ધિના પાઠ ભણાવે એવી ધારણાથી બાબ અલ મંદેબ નામનાં જલડમરુને બ્લોક કરવાની ધમકી આપી છે. આ બાજુ ટ્રમ્પે હવાબાજી કરીને 18 જેટલા દાવાઓ કર્યા, જેનો તથ્ય સાથે ક્યાંય મેળ ખાતો નથી. વળી યુદ્ધ લાંબું ખેંચાશે એવી શેખી કરતાં દુનિયાભરના સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. બળબળતા ઉનાળામાં ઓઇલના ઉકાળા વચ્ચે બ્રિટન અને ફ્રાન્સની આગેવાનીમાં 35 દેશો પણ સામે આવ્યા છે. આ દેશોનું કહેવું છે કે, હોર્મુઝ ખોલાવીને રહીશું. આજે વાત કરીએ ત્રીજા વિશ્વના દરવાજે ઉભેલા યુદ્ધની. નમસ્કાર... કોરોનામાં દુનિયાને હેલ્થની નવી-નવી જાણકારીઓ અને ટર્મિનોલોજી મળી. બસ એમ જ યુદ્ધના સવા મહિનામાં વિશ્વને ઘણી જીઓગ્રાફિકલ માહિતીઓ પણ મળી. જેના કારણે આપણે જાણી શક્યા કે મિડલ ઈસ્ટ ઈસ્લામિક દેશોમાંથી હોર્મુઝ નામનો એક જળમાર્ગ પસાર થાય છે જ્યાંથી દુનિયાનું 20-22 ટકા તેલ-ગેસ એટલે કે અંદાજે 21 મિલિયન બેરલ તેલ આપણા ઘર કે ગાડીઓ સુધી પહોંચે છે. હોર્મુઝ ખોલવું મારી પ્રોબ્લમ નથીઃ ટ્રમ્પ ઈરાને હોર્મુઝ બ્લોક કર્યો તેના કારણે તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. સપ્લાય ચેઈન ઠપ્પ થવા આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ તો શરૂ કરી દીધું પણ હોર્મુઝ ખોલાવવાની વાત આવી ત્યારે હાથ ઉંચા કરી દીધા અને દુનિયાને કહી દીધું આ અમારો પ્રોબ્લમ નથી. એવામાં ઈરાને વધુ એક ધમકી આપી છે તે છે બાબ અલ મંદેબના જલડમરુને બ્લોક કરવાની. સૌથી પહેલા તો આ શું છે તે સમજીએ… બાબ અલ મંદેબ ગુજરાતથી લગભગ 2300 કિલોમીટર દૂર આવેલો લાલ સમુદ્ર અને એડનની ખાડી વચ્ચે આવેલો 29 કિલોમીટર પહોળો સમુદ્રી રસ્તો છે. યમન, જીબુટી અને એરિટ્રિયા જેવા દેશ વચ્ચેથી પસાર થતા આ જલડમરુથી રોજ જહાજોમાં 6-9 લાખ બેરલ તેલ પસાર થાય છે. જો ઈરાન આને બ્લોક કરે તો દુનિયાની 12-15 ટકા સપ્લાય અટકતા યુરોપ અને એશિયાને ભારે નુકસાન થાય. હોર્મુઝ બાદ હવે આ જળમાર્ગ બ્લોકેજની ધમકી હોર્મુઝથી ગુજરાત પહોંચતા જહાજને 2 દિવસનો સમય લાગે છે જ્યારે બાબ અલ મંદેબથી પહોંચતા 4 દિવસથી વધુનો સમય લાગી જાય છે.પણ આપણે ધ્યાન એ વાત પર દેવું જોઈએ કે ઈરાને જ્યારે હોર્મુઝ બ્લોક કર્યું ત્યારે સાઉદી અરેબિયાએ પોતાની પાઈપલાઈનથી તેલને રેડસીના યાનબુ બંદર ડાયવર્ટ કર્યુ હતું. પણ ઈરાનના પ્રોક્સી ગ્રુપ હુથીએ હવે તેની નસ દબાવવા બાબ અલ-મંદેબને બ્લોક કરવાની ધમકી આપી છે. હુથી ગ્રુપ્સ અહીં મિસાઈલના હુમલાઓ કરે છે. ઈરાન આવું એટલા માટે કરે છે કારણ કે દુનિયા હેરાન થાય અને અમેરિકાને મેણા-ટોણાં મારીને યુદ્ધ રોકાવી દે. હવે ઈરાને ધમકી આપી છે કે તે લાલ સમુદ્રને પણ બ્લોક કરાવી દેશે. ધમકી મળતા જ રેડ સીમાં 48 ટકા જેટલો ટ્રાફિક ઘટી ગયો છે. હવે એપ્રિલના શરૂઆતથી જ જહાજો કેપ ઓફ ગુડઓપનો ફેરો કરીને પોતાના દેશો સુધી પહોંચી રહ્યા છે. જલડમરું ગજવવા હુથીના લોન્ચર્સનો ટાર્ગેટ લૉક ઈન્ટરનેશનલ મીડિયાથી એવા સમાચારો સામે આવ્યા છે કે બાબ અલ મંદેબ જલડમરુ પર કન્ટ્રોલ લેવા માટે ઈરાનના પ્રોક્સી જૂથે યમનના જબલ રાસ જેવા ઉંચા પહાડી વિસ્તારો પર મિસાઈલ લોન્ચર્સ ગોઠવ્યા છે. એટલે તે નજર રાખી શકે અને જો અહીં કોઈ આવે તો તેમના પર મિસાઈલના મારા ચલાવી શકે. ફરી પેટ્રોલ પંપ પર નોટબંધી જેવી લાઈન? આપણી વાત કરીએ તો ભારતની મોટા ભાગની તેલની સપ્લાય હોર્મુઝ અને બાબ અલ-મંદેબ જલડમરુંથી આવે છે. જો આ બંને બ્લોક થઈ જાય તો ભારતમાં ફરી પેટ્રોલ પંપ પર કિલોમીટરોની લાંબી લાઈન ફરી જોવા મળી શકે. અધૂરામાં પૂરું ખાતરમાં પણ તંગી જોવા મળી શકે. અને જો ખાતર બંધ થાય તો થોડા સમય પછી અનાજના પણ ફાંફાં પડી શકે. બાબ અલ-મંદેબ આર્થિક ત્સુનામી લાવશે? ડેલ્ફ્ટ યુનિવર્સિટીનો એક અભ્યાસ છે જે મુજબ બાબ અલ-મંદેબની નાકેબંધીથી વર્ષે 58 બિલિયન ડોલરના વેપારનું નુકસાન થઈ શકે તેમ છે. આ આવી ઈકોનોમિક ત્સુનામી છે જે અનેક વિકસિત દેશોને વિકાસશિલમાં ફેરવી દેશે અને વિકાશશિલને કંગાળ દેશોમાં. જૂઠ બોલો, જોર સે બોલો, બારબાર બોલો પણ આ બધુ થાય તેના પહેલા ગઈકાલે ટ્રમ્પે વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાં સાંજે યુદ્ધ મામલે એક સ્પીચ આપી. જેમાં તેણે ઈરાનની સત્તા પલટાવવાના, મોંઘવારી ખતમ કરવાના, ઈમ્પોર્ટ રિપોર્ટ અને ઓબામા મામલે અમુક મોટા દાવાઓ કર્યા હતા. પણ આપણે બધા જાણીએ છીએ કે આપણી કોંગ્રેસનો જુઠ બોલો ઔર જોર સે બોલોનો નારો ટ્રમ્પ પર બરોબરનો બંધ બેસે છે. આપણે ટ્રમ્પની વાત અને ઓફિશિયલ સોર્સથી તે વાતમાં કેટલી સચ્ચાઈ છે તેનું એનાલિસિસ કરવું છે. દાવોઃ સત્તા પલટો લક્ષ્ય નહોતું ફેક્ટ ચેકઃ તો ખામૈની સહિત લીડર્સનો ખાત્મો શા કેમ? દાવોઃ ઈરાને 45 હજાર પ્રદર્શનકારી માર્યાં ફેક્ટચેકઃ વેરિફાઈડ 7,007; મીડિયા રિપોર્ટ્સમાં 20-30 હજાર મોત દાવોઃ અમારે હોર્મુઝથી લેવાદેવા નથી ફેક્ટચેકઃ બ્લોક બાદ અમેરિકામાં તેલ 50%, ક્રૂડ 7%, પેટ્રોલિયમમાં 2%નો વદારો દાવોઃ 18 ટ્રિલિયન ડોલરનું રોકાણ આવ્યું ફેક્ટચેકઃ વ્હાઈટ હાઉસ મુજબ માત્ર $10.5 ટ્રિલિયન દાવોઃ ઓબામાએ ઈરાનને 1.7 બિલિયન ડોલર આપ્યા ફેક્ટચેકઃ અમેરિકાએ વ્યાજ સાથે ઈરાનના જ રૂપિયા પાછા આપ્યા હતાં દાવોઃ છેલ્લા ક્વાર્ટરમાં મોંઘવારી 1.6થી 1.7% ફેક્ટ ચેકઃ ફેબ્રુઆરી '26માં મોંઘવારી 2.46% દાવોઃ 2-3 અઠવાડિયામાં યુદ્ધ પૂરું થશે ફેક્ટચેકઃ ડિફેન્સ એક્સપર્ટ્સ મુજબ લગભગ અશક્ય US સાથે કોઈ સિક્રેટ મીટિંગ નહીંઃ ઈરાન ટ્રમ્પની ગઈકાલની સ્પીચના દાવાઓને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સખત રીતે નકારી કાઢ્યો છે. કારણ કે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન યુદ્ધ રોકવાની વાતચીત કરવા માટે માટે ભીખ માંગી રહ્યું છે. અરાઘચીએ ત્યાં સુધી કહ્યું છે કે અમેરિકા સાથે ઈરાનની કોઈ પણ પ્રકારની સિક્રેટ મીટિંગ્સ નથી ચાલી રહી ટ્રમ્પે આ કહ્યું ને શેરમાર્કેટ ઉંધેમાથે પણ સૌથી મહત્વની વાત અહીં ટ્રમ્પના ભાષણ પહેલાના અને પછીના દુનિયાની શેર માર્કેટના આંકડા રહ્યા. ટ્રમ્પનું ભાષણ શરૂ થયું ત્યારે બધુ ઠીકઠાક ચાલતું હતું પણ જેવું ભાષણ આગળ વધતું ગયું શેરબજારમાં વિચિત્ર હિલચાલ જોવા મળી. જેવી ટ્રમ્પે એવી વાત કહી કે યુદ્ધ હજુ 2-3 અઠવાડિયા ચાલી શકે અને હુમલાઓ ચાલુ રાખવાની વાત કરી તો શેરબજાર કડડ ભુસ્સ થઈને નીચે આવી ગયું. ટ્રમ્પે શેરમાર્કેટમાં લોહીની નદીઓ વહાવી ગઈકાલનું ભાષણ ટ્રમ્પનું પત્યું અને આજે સવારે એશિયન શેર બજારમાં લોહીની નદીઓ વહી હોય એવી હાલત થઈ. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 4.7% નો ભયંકર ઘટાડો થયો હતો. ઈન્વેસ્ટર્સમાં ચિંતા એ વાતની છે કે હોર્મુઝ ક્યારે ખુલશે તેની કોઈ ટાઈમલાઈન ટ્રમ્પ પાસે નથી. ગોલ્ડમેન સેશના એક્સપર્ટ્સનું કહેવું છે કે, જ્યાં સુધી જહાજોની અવરજવર પહેલા જેવી નહીં થાય, ત્યાં સુધી બજારમાં વોલેટિલિટી જળવાઈ રહેશે. હોર્મુઝ મામલે ટ્રમ્પે હાથ ખંખેર્યા સૌથી વિવાદાસ્પદ મુદ્દો એ હતો કે ટ્રમ્પે હોર્મુઝની જવાબદારી માથે લેવાની જગ્યાએ હાથ ઉંચા કરી દીધા છે અને કહ્યું, "અમેરિકાને હોર્મુઝની જરૂર નથી, તે અમારો પ્રશ્ન નથી." આ નિવેદને સાથી દેશો ખાસ કરીને જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન દેશોમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાની આ આઈસોલેશનિસ્ટ નીતિએ જ બ્રિટન અને ફ્રાન્સને નવું ગઠબંધન બનાવવા માટે મજબૂર કર્યા છે. ટ્રમ્પની નવી વેનેઝુએલા ઓઈલ ગેમ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેનેઝુએલા પાસેથી 80 મિલિયન બેરલ તેલ મળ્યું છે. આ વાત સાચી હોઈ શકે છે કારણ કે હોર્મુઝ બંધ થવાને કારણે અમેરિકાએ દક્ષિણ અમેરિકન દેશો સાથેના સંબંધો સુધારવા પડ્યા છે. પણ, રશિયન તેલ પર ભારત અને ચીનની નિર્ભરતા વધવી એ અમેરિકા માટે ભવિષ્યમાં ડિપ્લોમેટિક પડકાર બની શકે છે. હોર્મુઝ ખોલવા બ્રિટન-ફ્રાન્સ ચાંચિયા બનશે જ્યારે અમેરિકાએ અલગતાવાદી નીતિ અપનાવીને હોર્મુઝની સુરક્ષાની જવાબદારી દુનિયાના બીજા દેશો પર છોડી દીધી, ત્યારે વિશ્વના અર્થતંત્રને બચાવવા માટે બ્રિટન અને ફ્રાન્સ આગળ આવ્યું છે. 19 માર્ચ, 2026ના રોજ જાહેર થયેલું આ 35 દેશોનું ગઠબંધન આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નૌકાદળ ગઠબંધન સાબિત થઈ શકે છે. લંડન ગઠબંધન: હોર્મુઝ ખોલવા 35 દેશો એકસાથે આ ગઠબંધન નાટો એટલે કે NATOના માળખાની બહાર કામ કરી રહ્યું છે, જે તેને વધુ ઇલાસ્ટિક બનાવે છે. તેનો ઉદ્દેશ્ય ફ્રિડમ ઓફ નેવિગેશન ફરી ચાલુ કરવાનો છે. લંડન ગઠબંધનના દેશ અને તેમની જવાબદારીની વાત કરીએ તો લંડન ગઠબંધનને 3 પાર્ટનો એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેથી તે ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવી શકે. 3 સ્ટેપમાં હોર્મુઝ ખોલવાનો પ્લાન જો આ થયું તો હોર્મુઝ સાવ બંધ થશે! બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આને કોઈલેશન ઑફ ધ વિલિંગ કહ્યું છે. જોકે, પડકાર એ છે કે ઈરાને ચેતવણી આપી છે કે જો ગઠબંધન ક્યાંય આડું આવશે તો તે હોર્મુઝને સાવ પૂરી રીતે બંધ કરી દેશે. યુદ્ધના કારણે ઓઈલ, ખાતર, ગેસ બધું જોખમમાં! હોર્મુઝ અને બાબ અલ-મંદેબ પર જો પૂરી રીતે બ્લોકેજ કરવામાં આવે તો જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. જો આવું થાય તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એટલે કે IEA એ તેને ઇતિહાસનું સૌથી મોટું ઓઇલ સપ્લાય ડિસપ્શન ગણાવ્યું છે. કારણ કે દુનિયાના અંદાજે 30 ટકાથી વધુ ખાતરની સપ્લાય હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંદેબના જળડમરૂંથી જ નીકળે છે. જો તે બંધ થાય તો ભારત કે આફ્રિકા જેવા એગ્રિકલ્ચરલ કન્ટ્રીઝમાં ખાતરના ભાવમાં અતિભારે ઉછાળો જોવા મળી શકે છે. બીજી બાજુ કતારથી યુરોપ જતો LNG ગેસનો જથ્થો પણ અટકી પડે તેવા અંદાજા છે. જો આવું થાય તો આવતા શિયાળામાં યુરોપમાં ઉર્જાની ભારે અછત સર્જાઈ શકે છે. હોર્મુઝ ખોલવા ફ્રાન્સના લડાકુ વિમાનો તૈયાર? ફ્રાન્સે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે ખાલી એરક્રાફ્ટ જ નહીં પણ તેની સાથે આઠ એડવાન્સ કોમ્બેટ જેટ પણ તૈયાર કરી દીધા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું માનવું છે કે આ મિશનને યુનાઈટેડ નેશન્સ હેઠળ લાવવું જોઈએ જેથી ડિફેન્સ કાર્યવાહી ઓફેન્સમાં ન ફેરવાય જાય. આ યાદીમાં બાલ્ટિક દેશો અને સ્કેન્ડિનેવિયન દેશોને શામેલ થવા પર પણ વાત મૂકવામાં આવી છે. યુદ્ધમાં આ જલડમરું તાંડવ મચાવશે ડેલ્ફ્ટ યુનિવર્સિટીની સ્ટડીને આ વાત સાથે જોડીએ તો બાબ અલ-મંદેબની નાકેબંધીથી રોજનું કરોડો ડોલરનું નુકસાન થઈ શકે છે. જહાજોને આફ્રિકા ફરીને જવું પડતું હોવાથી દરિયાઈ નૂર દરોમાં 400% નો વધારો થઈ શકે તેમ છે. પ્રોડક્શન ખર્ચામાં 10% થી 15%નો વધારો થઈ શકે અને જો એવું થાય તો મોંઘવારીનો નવો યુગ દુનિયા સામે આવી શકે છે. ટ્રમ્પના ખેલે દુનિયાનું BP વધાર્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાને યુદ્ધના કારણે આંચ નથી આવી પણ ગ્લોબલ લેવલે જીઓપોલિટિક્સમાં એક વેક્યુમ જરૂર ઉભું થયું છે. આ વાતને તો ટ્રમ્પ પણ નકારી નહીં શકે. યુદ્ધ નાના વેપારીઓ માટે મૃત્યુઘંટ ટ્રમ્પના ભાષણ પછી અને ઈરાનની ધમકીને ધ્યાને લઈને બાબ અલ-મંદેબમાં પર કન્ટેનર 2 હજારથી 4 હજાર વધારાનો સરચાર્જ વસૂલવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે મેરિટાઈમ વીમા દરોમાં 200 ટકા સુધીનો વધારો પણ જોવા મળ્યો છે. નાના એક્સપોર્ટર્સ માટે આટલો મોટો મારો સહન કરવો મોત સમાન બની ગયો છે. અને છેલ્લે… રાષ્ટ્રપતિ તરીકેના બીજા ટર્મમાં ટ્રમ્પે જે ઓહાપો મચાવ્યો છે તેનાથી દુનિયા હવે ભલીભાંતિ તેને ઓળખી ગઈ છે. આગ તો લગાવી દીધી છે પણ હવે તે ગમે ત્યારે મેં દિવાસળી મેં નથી મૂકી કહીને નીકળી જશે. અને લગભગ એટલે જ પાકિસ્તાન, ચીન, યુએઈ અને લંડન કોઈલેશન બાદ રશિયા યુદ્ધ મામલે મેદાને આવ્યું છે. શું થશે તે જોવાનું રહેશે કારણ કે જે સુપ્રીમ લીડરના સલાહકાર સાથે પાકિસ્તાન યુદ્ધ રોકવા ચર્ચા કરતું હતું તેમના પર હુમલો થયો છે. રશિયા જેમની સાથે વાત કરશે તેમની સાથે શું થશે તે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ-સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    રેડક્રોસ મોડાસા દ્વારા હેલ્થ કેર કોર્સના વિદ્યાર્થીઓને સાધનો અપાયા:ગુજરાત સરકારના સહયોગથી 6 માસનો વિનામૂલ્યે કોર્સ શરૂ
    Next Article
    KKR vs SRH LIVE Updates, IPL 2026: 4,6,6,4 - Travis Head Takes Down Kolkata Knight Riders Star, Nears Fifty For Sunrisers Hyderabad

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment