Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોદીની નવી ચેતવણી:'દુનિયા માટે વિનાશક દાયકો, ગરીબોની સ્થિતિ વિકટ બની શકે', ત્રણ ફટકા અને આર્થિક આંધીનું સટિક એનાલિસિસ

    1 सप्ताह पहले

    જે મિડલ ઈસ્ટના આકાશમાં બારૂદની ગંધ છવાયેલી છે ત્યાંથી હજારો કિલોમીટર દૂર નેધરલેન્ડ આવેલું છે. પ્રધાનમંત્રી અત્યારે વિદેશ પ્રવાસ છે અને ધ હેગ શહેરમાંથી તેમણે એક એવી વાત કરી દીધી છે જે દુનિયાને હચમચાવી નાખી છે. તેમણે કહ્યું છે કે આ આફતનો દાયકો છે. બીટવીન ધ લાઈન આને સમજીએ તો મોંઘવારી અને ગરીબી વધી રહી છે અને હજુ પણ વધશે. ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે. આ બધા પાછળ ટ્રમ્પ કેવી રીતે જવાબદાર છે આપણા ખિસ્સા 2030 સુધીમાં કેવી રીતે અને કેટલા ખાલી થશે તે બધાના મનમાં એક સવાલ છે. માટે આજે દુનિયામાં આવનાર વધુ મોટી ઈકોનોમીક સુનામીની વાત, રહસ્યો અને ગ્રાઉન્ડ રિયાલિટી સમજીયે. નમસ્કાર... હવે સવાલ એ થાય કે આખી દુનિયા અચાનક આટલી બધી મુશ્કેલીમાં કેમ આવી ગઈ? તો પીએમ મોદીની સ્પીચ મુજબ એના પાછળ 3 મોટા આંચકા જવાબદાર છે, જેને આપણે ક્રોનોલોજી મુજબ સમજીએ. પહેલો ફટકો કોરોના મહામારીનો હતો, જેણે આખી દુનિયાના ધંધા-રોજગાર ઠપ્પ કરી દીધા અને માલસામાનની હેરફેર તોડી નાખી. બીજો આંચકો પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો છે. અને ત્રીજો સૌથી ખતરનાક આંચકો છે ગ્લોબલ એનર્જી ક્રાઈસિસ ટૂંકમાં પેટ્રોલ-ડીઝલ ન મળવું. વાત એમ છે કે ઇરાન પર થયેલા હુમલા પછી તેણે હોર્મુઝના જલડમરું એટલે કે તેલ સપ્લાય માટેના સૌથી મેઈન દરિયાઈ પટ્ટીમાં નાકાબંધી કરી દીધી છે. દુનિયાનો આશરે 20-22 ટકા તેલનો વેપાર આ સાંકડા દરિયાવાળા રસ્તા પરથી થાય છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પણ માન્યું છે કે આ ઇતિહાસનું સૌથી મોટું ઊર્જા સંકટ છે. આપણો ભારત દેશ પોતાની જરૂરિયાતનું 89 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે અને તેનો મોટો ભાગ આ જ હોર્મુઝ માર્ગ પરથી આવતો હતો. એટલે જો ત્યાં કંઈ પણ ગરબડ થાય, તો તેની સીધી આડઅસર આપણા દેશના અર્થતંત્ર પર પડવાની જ છે. દેશભક્તિ અને કઠોર કરકસરની અપીલ આવા ભયાનક ઈન્ટરનેશનલ આંચકાઓ સામે દેશને બચાવવા માટે સરકારે સ્થાનિક સ્તરે પણ કમર કસી લીધી છે. નેધરલેન્ડ પ્રવાસ પર જતા પહેલા હૈદરાબાદમાં આપેલા એક પ્રવચનમાં વડાપ્રધાને દેશના નાગરિકોને સ્વેચ્છાએ કઠોર કરકસરના પગલાં અપનાવવા માટે ખુલ્લી અપીલ કરી હતી. ભાજપે આ કરકસરને એક પ્રકારની દેશભક્તિનું કાર્ય ગણાવ્યું છે. પીએમની અપીલનો સીધો અર્થ એ છે કે આપણે આપણું વિદેશી હૂંડિયામણ બચાવવું પડશે જેથી ચૂકવણીના સંતુલનમાં દેશ પર કોઈ આફત ન આવે. શું કરકસરથી લાંબા ગાળે ફેર પડશે? જેમાં નાગરિકોને ઇંધણ બચાવવા માટે બને ત્યાં સુધી જાહેર પરિવહન કે કારપૂલિંગનો ઉપયોગ કરવા, શક્ય હોય ત્યાં ઘરેથી કામ એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવા, સોનાની આયાતી ખરીદી ટાળવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસો મર્યાદિત કરવા જણાવાયું છે. આ અપીલની સાથે જ સરકારે બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો ઝીંકો વધારો કર્યો છે, જેનાથી દિલ્હીમાં પેટ્રોલ 97.77 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય દૂધ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલમાં 10-17 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, જે સામાન્ય માણસની કમર તોડી નાખશે. ટ્રમ્પની તરંગી નીતિઓએ દુનિયા ધુણાવી હવે આપણે જરા દુનિયાના બીજા છેડે નજર કરીએ, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ એક બહુ મોટો આર્થિક આંચકો આપ્યો છે. ટ્રમ્પે પોતાની અમેરિકા ફર્સ્ટ એટલે કે સૌથી પહેલા અમેરિકા, પછી આખી દુનિયાની જીદ પકડીને આખી દુનિયામાંથી આવતા માલ પર ભારે ટેક્સ ઝીંકી દીધો છે, જેને આપણે પ્રોટેક્ટિવ ટેરિફ કહીએ છીએ. તેમણે 2 એપ્રિલ 2025ના દિવસને મુક્તિ દિવસ જાહેર કરીને તમામ વિદેશી આયાત પર 10%નો ટેક્સ લગાવી દીધો. એટલું જ નહીં, પણ ચીન પર તો વધારાનો 34% ટેક્સ નાખીને કુલ બોજ 54% જેટલો તોતિંગ કરી દીધો છે. એશિયાના બીજા નિકાસકાર દેશોને પણ 20% થી 46% સુધીની દંડનીય જકાત વેઠવી પડી રહી છે. અમેરિકા-ચીનના ટેરિફ વોરે દુનિયા ધુણાવી હવે જ્યારે અમેરિકા આટલો મોટો ટેક્સ નાખે, ત્યારે સામેવાળો દેશ કંઈ શાંત બેસે ખરો? ચીન અને યુરોપિયન યુનિયને પણ સામો પ્રહાર કરીને અમેરિકાના માલ પર 125% સુધીનો જવાબી ટેક્સ ઠોકી દીધો. આને કારણે આખી દુનિયામાં એક ભયાનક ટ્રેડ વોર એટલે કે વેપાર યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેણે વૈશ્વિક માલસામાનની હેરફેરની વ્યવસ્થાને સાવ વેરવિખેર કરી નાખી છે. ઉપરથી ટ્રમ્પે ઈરાન સામે ઈઝરાયલ સાથે મળીને યુદ્ધ છેડી દીધું. દુનિયામાં સપ્લાઈ ચેઈન ખોરવાઈ અને જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થઈ. તમને એમ થતું હશે કે અમેરિકા અને ચીન લડે એમાં આપણને શું ફરક પડે? પણ, આ ટેક્સ વાસ્તવમાં એક એવો અદ્રશ્ય કર છે જે છેલ્લે તો ગ્રાહકના ખિસ્સામાંથી જ વસૂલવામાં આવે છે. આ ટેક્સ યુદ્ધના લીધે સ્માર્ટફોન, કમ્પ્યુટર, કપડાં અને ગાડીઓના સ્પેરપાર્ટ્સ જેવી તમામ જીવનજરૂરી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ મોંઘી થઈ ગઈ છે. મોંઘવારી વધતી જ જશે તો મિડલ ક્લાસ શું કરશે? અમેરિકાના અર્થતંત્રમાં લોકોનો ખરીદી પાછળનો ખર્ચ આશરે 70% હિસ્સો ધરાવે છે. હવે જ્યારે વસ્તુઓ જ મોંઘી થઈ જાય ત્યારે લોકોની ખરીદશક્તિ તૂટી જાય છે અને બજારમાં નવો માલ વેચાતો બંધ થઈ જાય છે. ટેક્સ ફાઉન્ડેશનના ડેટા અનુસાર, ટ્રમ્પની આ વિદેશ નીતિના કારણે અમેરિકામાં જ લગભગ 7,40,00 નોકરીઓનું મોટું નુકસાન થયું છે. ભલે સ્ટીલ જેવા એકાદ-બે ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારી વધી હોય, પણ આયાતી સ્પેરપાર્ટ્સ પર ચાલતી મોટી ફેક્ટરીઓમાં ભારે મંદી આવી ગઈ છે અને કંપનીઓ મોટા પાયે છટણી કરવા મજબૂર બની છે, જેનાથી વૈશ્વિક બજાર સંકોચાઈ રહ્યું છે. પેન વ્હાર્ટન બજેટ મોડેલના આંકડાકીય એનાલિસિસ પરથી એક બહુ ગમે નહીં એવી કડવી રિયાલિટી સામે આવી છે. જો આ ટેરિફનો પૂરેપૂરો બોજ ગ્રાહકો પર નાખવામાં આવે, તો 2054 સુધીના લાંબા ગાળે દેશના જીડીપીમાં 5.1% થી લઈને 6.3% સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. તેની સાથે જ કંપનીઓ નવું મૂડી રોકાણ કરવાનું ઘટાડી દેશે, જેથી મૂડી સ્ટોકમાં પણ 12.2% સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. એટલું જ નહીં, કંપનીઓનો નફો ઘટવાના કારણે લોકોના સરેરાશ વેતનમાં પણ આશરે 4% થી 6% નો ઘટાડો થવાનો અંદાજ છે. આનો સીધો મતલબ એ છે કે એક મિડલ ક્લાસના સામાન્ય અમેરિકન પરિવારને પોતાના જીવનકાળ દરમિયાન અંદાજે 22 હજાર ડોલરનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ લાંબા ગાળાના આંકડાકીય અંદાજો સાબિત કરે છે કે આવા રક્ષણાત્મક વ્યાપારિક અવરોધો સામાન્ય કોર્પોરેટ ટેક્સના વધારા કરતાં પણ અર્થતંત્રને બમણું નુકસાન પહોંચાડે છે અને બજારનું આખું માળખું ખોરવી નાખે છે. ટ્રમ્પના નિવેદનો અને બઘવાતું દુનિયાનું માર્કેટ ટ્રમ્પની આર્થિક નીતિઓ જેટલી ખતરનાક છે, એટલા જ અણધાર્યા તેમના સોશિયલ મીડિયા પરના નિવેદનો છે. તેઓ અચાનક આવીને કોઈ પણ દેશને આર્થિક ધમકી આપી દે છે, જેના કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. તેમની ટેરિફ જાહેરાતના ગણતરીના દિવસોમાં જ અમેરિકાના મુખ્ય શેરબજાર એસએન્ડપી 500માં લગભગ 10% નો ભયાનક કડાકો બોલાયો હતો, જેનાથી રોકાણકારોની આશરે 5 ટ્રિલિયન ડોલરની માર્કેટ મૂડી એક ઝાટકે સાફ થઈ ગઈ. શેરબજારનો ડર માપતો વોલેટિલિટી ઇન્ડેક્સ અચાનક ઉછળીને 50ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો હતો. બજારની અનિશ્ચિતતા દર્શાવતો 'ટ્રેડ પોલિસી અન્સેર્ટેન્ટી' (TPU) ઇન્ડેક્સ જે કોરોના મહામારીમાં 500 પર હતો, તે વધીને 725ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો. આ સિવાય ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું છે તેના કારણે દુનિયાભરની સપ્લાઈ ચેઈન ઠપ્પ થઈ ગઈ છે. ડરના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવ પણ વધીને પ્રતિ બેરલ 110 ડોલરની આસપાસ પહોંચી ગયા છે. યુએસ બોન્ડ યીલ્ડ 4.6% ને પાર થઈ જતાં દુનિયાભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદરો ઊંચા રાખવા મજબૂર બની છે, જેની સીધી નકારાત્મક અસર સામાન્ય માણસના ધંધા અને રોજગાર પર પડી રહી છે. ઉપરથી યુદ્ધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ પર પોસ્ટ કરે છે તેના કારણે પણ રોકાણકારોને કરોડોનો ફટકો પડ્યો છે. કમાણી-પગાર ત્યાં ને ત્યાં પણ ખર્ચો બમણો વધ્યો હવે આપણે એ સમજવું પડશે કે આ આંતરરાષ્ટ્રીય મોંઘવારી આપણી રોજિંદી જિંદગી અને ખિસ્સા પર કેવો ભયાનક ઘા મારે છે. મોંઘવારી એક એવો પક્ષપાતી રાક્ષસ છે જે સમાજના જુદા જુદા વર્ગોને સાવ અલગ રીતે હેરાન કરે છે. આપણા જેવા સામાન્ય મધ્યમ વર્ગના માણસો પોતાની મહેનતની બચત ક્યાં રાખે છે? કાં તો ઘરમાં રોકડા રાખશે અથવા બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવશે. પણ જ્યારે બજારમાં સિસ્ટમિક ઈન્ફ્લેશન અચાનક વધી જાય, ત્યારે બેંકમાં પડેલા એ પૈસાની ખરીદશક્તિ આપોઆપ ઓગળવા લાગે છે. કમાણી અને પગાર એટલા જ રહે છે પણ દૂધ, શાકભાજી અને અનાજનો ખર્ચ બમણો થઈ જાય છે. જેના લીધો, લોકોએ પોતાની સામાન્ય લાઈફ સ્ટાઈલ જાળવવા માટે પણ ભવિષ્યની બચતો વાપરવી પડે છે. તેની સામે ધનિક લોકો પોતાની સંપત્તિને શેરબજાર, સોનું કે મોંઘી જમીનોમાં રોકીને બચાવી લે છે. મધ્યમ વર્ગ માર્કેટમાંથી ગાયબ? પણ ઊભા રહો, આ આર્થિક તોફાનમાંથી અમીરો પણ આખેઆખા બચી શકતા નથી. જ્યારે મોંઘવારી કાબૂ બહાર જાય ત્યારે દુનિયાની સેન્ટ્રલ બેંકો વ્યાજદરો ખૂબ વધારી દે છે. વ્યાજ વધવાના કારણે બજારમાં નવી લોન મોંઘી થાય છે અને શેરબજાર તૂટી પડે છે, જેનાથી અમીરોની કાગળ પર રહેલી કરોડોની સંપત્તિ ધોવાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ મોંઘવારીના કારણે લક્ઝરી બજારમાં એક અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેને આપણે છૂપી ગરીબી કહી શકીએ. મોંઘવારીના લીધે લક્ઝરી બ્રાન્ડ્સે ભાવ એટલા વધારી દીધા કે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગના ખરીદદારો આ માર્કેટમાંથી સાવ ગાયબ થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2025ના ભારતીય બજારના સત્તાવાર આંકડા આ વાતની સાક્ષી પૂરે છે: આ આંકડા સાબિત કરે છે કે બજારમાં ભારે ધ્રુવીકરણ થયું છે. જે બ્રાન્ડ્સ મધ્યમ વર્ગના ભરોસે ચાલતી હતી તે મંદીમાં છે, જ્યારે માત્ર અત્યંત ધનિકોના સહારે ચાલતી હર્મેસ જેવી બ્રાન્ડ્સ હજુ પણ કમાણી કરી રહી છે. સામાન્ય માણસે પોતાની મોંઘી ગાડીઓ કે વિદેશ પ્રવાસના પ્લાન કેન્સલ કરવા પડ્યા છે, જેને અર્થશાસ્ત્રમાં સાપેક્ષ ગરીબીનો અહેસાસ કહેવાય છે. ટ્રમ્પના નિર્ણયોના કારણે UNના ગરીબી ઘટાડવાના દાવાઓ ફેલ હવે આપણે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNના એ મોટા દાવા અને સપનાની વાત કરીએ જેને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ-1 કહેવામાં આવે છે. આ યોજના અંતર્ગત દુનિયાના તમામ દેશોએ નક્કી કર્યું હતું કે વર્ષ 2030 સુધીમાં પૃથ્વી પરથી અત્યંત ગરીબીને જડમૂળથી નાબૂદ કરી દેવી છે. પરંતુ હમણાના ગ્લોબલ આંચકાઓએ આ આશા પર પાણી ફેરવી દીધું છે અને આ લક્ષ્યાંક હવે સાવ અશક્ય લાગી રહ્યો છે. જૂન 2025માં વર્લ્ડ બેંકે મોંઘવારીના નવા ડેટાના આધારે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાના માપદંડો જ બદલી નાખ્યા છે. અગાઉ રોજની 2.15 ડોલરથી ઓછી કમાણી કરનાર વ્યક્તિ અત્યંત ગરીબ ગણાતી હતી, જે મર્યાદા હવે વધારીને દૈનિક 3 ડોલર (2021 PPP મુજબ) કરવામાં આવી છે. 2030 સુધી દુનિયાની 9 ટકા વસ્તી ગરીબ? આ નવી ગરીબી રેખાના કારણે વર્ષ 2025ના સત્તાવાર અહેવાલ મુજબ દુનિયામાં અંદાજિત 80.8 કરોડ લોકો અત્યંત ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. જો વૈશ્વિક બજારની આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો 2030 સુધીમાં દુનિયાની આશરે 8.9 ટકા વસ્તી ગરીબીના ખપ્પરમાં હોમાયેલી રહેશે. વર્લ્ડ બેંકના અંદાજ મુજબ 2030માં પણ 57.4 કરોડ લોકો અત્યંત ગરીબ રહેશે અને 59 કરોડ લોકો કુપોષણનો ભોગ બનેલા હશે. ઓક્સફેમનો રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે દુનિયાના ટોચના 1% અમીરો પાસે બાકીની 95% વસ્તી કરતાં પણ વધુ સંપત્તિ છે. આ વૈશ્વિક નિષ્ફળતા અને ગરીબી વધવા પાછળ મુખ્ય ચાર માળખાકીય પરિબળો જવાબદાર છે: ટૂંકમાં કહીએ તો, દુનિયામાં યુદ્ધોના કારણે આયાતી મોંઘવારી વધી છે. ક્લાઇમેટ ચેન્જના લીધે પૂર અને દુષ્કાળ આવવાથી ગ્લોબલ સાઉથના 88.7 કરોડ ગરીબ લોકો સીધા પ્રભાવિત થયા છે. વળી, અમેરિકા જેવા મોટા દેશોએ વ્યાજદરો ઊંચા રાખતા ગરીબ દેશો પોતાના નાગરિકોના કલ્યાણ પાછળ બજેટ વાપરવાના બદલે માત્ર વિદેશી દેવાનું વ્યાજ ચૂકવવામાં જ બરબાદ થઈ રહ્યા છે, જેના લીધે વૈશ્વિક સ્તરે બહુપરિમાણીય ગરીબીની તીવ્રતા દિન-પ્રતિદિન વધુ ઘાતક અને ચિંતાજનક બની રહી છે. ગરીબીની ગણતરીનું ગણિત હવે આપણે આપણા દેશની વાત કરીએ. ભારતમાં પહેલાં ગરીબી કેવી રીતે મપાતી? કોઈ માણસ મહિનામાં કેટલા રૂપિયા ખર્ચે છે, બસ એના પરથી નક્કી થતું. પણ નીતિ આયોગે આ જૂની અને અધૂરી રીતને બાજુ પર મૂકીને એક નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે, જેને નેશનલ MPI કહેવાય છે. આ ઇન્ડેક્સ એવું માને છે કે ગરીબી માત્ર પૈસાની અછત નથી, પણ સારું શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવનધોરણ ન મળવું તે પણ ગરીબી છે. આમાં મુખ્ય ત્રણ મોટા પાસાં હેઠળ 12 મહત્વના સૂચકાંકો તપાસવામાં આવે છે, જેમ કે ઘરમાં કોઈ કુપોષિત છે કે નહીં, બાળક શાળાએ જાય છે કે નહીં, ઘરમાં રાંધણ ગેસ, વીજળી, શૌચાલય, પીવાનું ચોખ્ખું પાણી અને બેંક ખાતું છે કે નહીં. જો કોઈ પરિવાર આ બધી સગવડોમાંથી ત્રીજા ભાગની એટલે કે 33.33% સુવિધાઓ ન હોય હોય, તો તેને સત્તાવાર રીતે ગરીબ ગણવામાં આવે છે. સરકાર ગરીબી માપવા માટે કોઈ અઘરા દાખલા નથી ગણતી, પણ સાદી ભાષામાં બે વાતો જોવે છે: છેલ્લે, આ બંને વાતોને ભેગી કરીને એક પાકું માપ કાઢવામાં આવે છે. આનાથી સરકારને પાકી ખબર પડી જાય છે કે કયા ગામ કે જિલ્લાના લોકો સૌથી વધુ લાચાર છે, જેથી ત્યાં સીધી જ જરૂરી સરકારી યોજનાઓ અને મદદ પહોંચાડી શકાય. 13 કરોડ ગરીબો ઘટાડ્યા તો 81 કરોડને અનાજ કેમ? હવે અહીં એક એવો મોટો પ્રશ્ન ઊભો થાય છે, જે આપણા જેવા દરેક સામાન્ય નાગરિકને વિચારતા કરી મૂકે. મે 2026ના વર્તમાન સત્તાવાર આંકડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલો એવું કહે છે કે ભારતમાં અત્યંત ગરીબીનો દર ઐતિહાસિક સ્તરે ઘટીને 5 ટકાથી પણ નીચે આવી ગયો છે. નીતિ આયોગ પણ બહુ ગર્વથી કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં 13.5 કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે. તો પછી સવાલ એ છે કે જો દેશમાં ગરીબી ખરેખર સિંગલ ડિજિટમાં આવી ગઈ હોય, તો પછી કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના 81.35 કરોડ લોકોને હજુ પણ કેમ દર મહિને મફત અનાજ પૂરું પાડી રહી છે? આ યોજના પાછળ સરકાર આપણા ટેક્સના પૈસામાંથી આશરે 11.80 લાખ કરોડ રૂપિયાની જંગી ફૂડ સબસિડીનો ખર્ચ કરી રહી છે. અમીરો પણ રાશનકાર્ડ સાથે લાઈનમાં? આ વિરોધાભાસ પાછળનું સાચું કારણ એ છે કે જે કરોડો લોકો સરકારી ચોપડે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તેઓ રાતોરાત અમીર કે આત્મનિર્ભર નથી થઈ ગયા. તેઓ ગરીબીની લાઈનથી જસ્ટ થોડાક જ ઉપર આવ્યા છે. તેમની આજીવિકા હજુ પણ એટલી નાજુક છે કે જો આ મફત અનાજ આપવાનું બંધ કરવામાં આવે, તો આખી વસ્તી પાછી ભયાનક ભૂખમરા અને ગરીબીના ચક્રવ્યૂહમાં ધકેલાઈ જાય. બીજી બાજુ, આમાં આપણી વહીવટી ખામીઓ પણ મોટી છે. મફત અનાજ મેળવતા લાભાર્થીઓની યાદીમાં ગંભીર ભ્રષ્ટાચાર હોઈ શકે. દેશના ટોચના 10 ટકા સૌથી અમીર પરિવારોમાંથી પણ લગભગ લાખો લોકો ખોટી રીતે BPL કાર્ડ બનાવીને આ મફત રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે, કારણ કે સરકાર પાસે લોકોની સાચી આવક માપવાની કોઈ વ્યવસ્થા જ નથી. મોંઘી ગાડીઓ વેચાઈ, સસ્તી તો પડી રહી! આપણું ભારતીય અર્થતંત્ર અત્યારે K-Shaped રિકવરી મોડેલમાંથી પસાર થઈ રહ્યું છે, જે સમાજમાં વધતું જતું આર્થિક ધ્રુવીકરણ દર્શાવે છે. આનો સાદો અર્થ એ કે અંગ્રેજી અક્ષર Kની જેમ દેશનો એક નાનો ધનિક વર્ગ બહુ ઝડપથી ઉપર જઈ રહ્યો છે, જ્યારે દેશનો મોટો મધ્યમ અને ગરીબ વર્ગ સતત નીચે તરફ ધકેલાઈ રહ્યો છે. તમે K નો ઉપરનો છેડો જુઓ, તો વર્ષ 2025માં ભારતના મોટા શહેરોમાં 6 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રીમિયમ અને લક્ઝરી ઘરો વેચાઈ ગયા. ઓટોમોબાઈલ બજારમાં નાની સસ્તી કારો કોઈ પૂછતું નથી, પણ ટાટા નેક્સોન અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી મોંઘી અને લક્ઝરી એસયુવી ગાડીઓ લાખોની સંખ્યામાં રેકોર્ડતોડ વેચાઈ રહી છે. શેરબજાર આસમાને છે અને અમીરો પોતાની સંપત્તિ ત્યાં રોકીને વધુ ને વધુ માલદાર બની રહ્યા છે. પરંતુ Kના નીચેના છેડા તરફ નજર કરશો તો આર્થિક મંદીનું વરવું ચિત્ર દેખાશે. મધ્યમ વર્ગની નાની નાની ખુશીઓ જેવી કે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની નાની એન્ટ્રી લેવલ કારનું વેચાણ જુઓ. એક દાયકા પહેલાં નાણાકીય વર્ષ 2016માં આવી નાની કારોનું વેચાણ 9,34,538 યુનિટ હતું, જે નાણાકીય વર્ષ 2025માં ઘટીને માત્ર 25,402 યુનિટ રહી ગયું છે! સામાન્ય માણસ જે વાપરે છે તે ટુ-વ્હીલર અને બાઇકના વેચાણ આંકડા હજુ પણ 2014ના સ્તરે જ અટવાયેલા છે. અમીર વધુ અમીર, ગરીબ વધુ ગરીબ આ જ સાબિતી છે કે મોંઘવારીના કારણે મધ્યમ વર્ગ અને ગ્રામીણ વિસ્તારના લોકોની ખરીદશક્તિ સાવ ખતમ થઈ ગઈ છે. જો આ પરિસ્થિતિ 2030 સુધી ચાલુ રહેશે, તો સૌથી મોટો આર્થિક માર મધ્યમ વર્ગ પર જ પડશે, કારણ કે તેઓ ગરીબી રેખાની ઉપર હોવાથી કોઈ સરકારી મફત યોજનાનો લાભ નથી મેળવી શકતા અને મોંઘવારી તેમની આખી જિંદગીની જમાપુંજી ખાઈ જાય છે. મે 2026ની આ ભયાનક આર્થિક અસ્થિરતા અને ફુગાવા સામે લડવા માટે સરકારે માત્ર કાગળ પરના આંકડા સુધારવાના બદલે જમીની સ્તરે તાત્કાલિક કઠોર અને વ્યવહારુ નીતિગત નિર્ણયો લેવા જ પડશે. માત્ર મફતની લહાણીઓ આપવાથી દેશ લાંબો સમય ટકી શકશે નહીં. આપણે કટોકટીના ધોરણે નીચે મુજબના પગલાં ભરવા પડશે: આ તમામ લોકશાહી સરકારો માટે એક બહુ મોટો વેક-અપ કોલ એટલે કે ચેતવણીનો એલાર્મ બેલ છે. જો અર્થતંત્રના આ બંને છેડા વચ્ચેની સંપત્તિના તફાવતને દૂર કરવા માટે તાત્કાલિક માળખાકીય સુધારાઓ નહીં કરવામાં આવે, તો 2030 સુધીમાં આખી દુનિયા અને આપણો દેશ એક ગંભીર નાગરિક અસંતોષ અને અરાજકતાનો ભોગ બનશે. સંયુક્ત રાષ્ટ્ર અને વર્લ્ડ બેંકના અહેવાલો સ્પષ્ટ કહે છે કે આર્થિક અસમાનતા સીધી રીતે ગુનાખોરી અને હિંસાને જન્મ આપે છે. જ્યારે યુવા વસ્તી પાસે રોજગારી અને સામાજિક પ્રગતિની કોઈ તક નથી રહેતી, ત્યારે ચોરી, લૂંટફાટ, સાયબર ફ્રોડ અને હિંસક ગેંગ્સનો પ્રભાવ બહુ ઝડપથી વધે છે. માત્ર 5 કિલો મફત અનાજ આપીને જનતાના આક્રોશના જ્વાળામુખીને લાંબો સમય દબાવી શકાશે નહીં. સરકારોએ જાગવું પડશે અને કે-શેપ્ડ અસમાનતાને નાબૂદ કરવા આર્થિક નીતિઓની દિશા બદલવી પડશે, નહીં તો 2030 સુધીમાં આ આર્થિક અસંતોષ એક ભયાનક સામાજિક તોફાનમાં બદલાઈ જશે. અને છેલ્લે... વેનેઝુએલા, ગ્રીનલેન્ડ અને ઈરાન બાદ હવે શું ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યૂબા પર છે? આ મુદ્દો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે હવાનામાં CIA વડાના સિક્રેટ વિમાનની એન્ટ્રી અને તેલ નાકાબંધીથી અમેરિકી હુમલાની આશંકા ચરમસીમાએ છે. ઘોર અંધારપટ વચ્ચે ક્યૂબાના સામાન્ય નાગરિકો બળદો વડે સોવિયેત એન્ટી-એરક્રાફ્ટ ગન ખેંચી ગુરિલ્લા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. શું ટ્રમ્પની વેપારી નજર આ ટાપુને નવું રણમેદાન બનાવશે? સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે જોતા રહો 'એડિટર્સ વ્યૂ'. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ‘I proudly declare — India is now Naxal-free’: Amit Shah in Bastar on first visit after his March 31 deadline
    Next Article
    આવી દેખાશે દેશની પહેલી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન:રેલવે મંત્રાલયે ગેટ પર તસવીર લગાવી; આ વર્ષે સુરત-બિલિમોરા વચ્ચે દોડવાની અપેક્ષા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment