Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: એક કોડ અને ખેલ ખતમ:1,800 કરોડનું સૌથી મોંઘું ડ્રોન રહસ્યમય રીતે ગુમ, અમેરિકાએ નાકાબંધી શરૂ કરતા હોર્મુઝમાં હાહાકાર, ઇરાને આપી લાસ્ટ વોર્નિંગ

    11 hours ago

    9 એપ્રિલનો એ દિવસ હતો. ફારસની ખાડીમાં 52 હજાર ફૂટની ઊંચાઇએ અમેરિકાનું સૌથી મોંઘું ડ્રોન ઊડતું હતું. અચાનક બે કોડ આવ્યા. પહેલો હતો 7400-એટલે કે, કમ્યુનિકેશન લિંક લોસનો. અને બીજો હતો 7,700-એટલે કે જનરલ ઇમર્જન્સીનો. બીજો કોડ આવતાં જ ગ્રાઉન્ડ સ્ટેશનમાં હાજર અધિકારીઓના જીવ પડિકે બંધાંઇ ગયા. બીજી જ મિનિટે વ્હાઇટ હાઉસમાં પણ દોડધામ થવા લાગી. દુનિયાની સૌથી શક્તિશાળી સેનાનું ગૌરવ ગણાતું હતું MQ-4C Triton ડ્રોન. 1850 કરોડનું ડ્રોન 10 મિનિટમાં 10 હજાર ફૂટ સુધી નીચે આવ્યું ને પછી ગાયબ થઈ ગયું. યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીનો આ સૌથી મોટો ફટકો હતો. આ ડ્રોનને ગુમ કરવું એ ઇરાનનાં ગજાં બહારની વાત છે. તો શું આની પાછળ ચીન કે રશિયા છે? બીજી બાજું પાકિસ્તાનમાં 21 કલાક ચર્ચા કર્યા પછી પણ યુદ્ધ રોકવાની વાટાઘાટો ફેલ ગઈ છે. એટલું જ નહીં અમેરિકાએ ઈરાનના દરિયામાં નાકાબંધી કરીને યુદ્ધનું રણશિંગુ ફૂંક્યું છે. શું આ ત્રીજા વિશ્વ યુદ્ધનું ટ્રેલર છે? અને કેવી રીતે ચીન કે રશિયા અમેરિકા સામે યુદ્ધ લડવામાં ઈરાનની મદદ કરી રહ્યું છે? આજે આખી વાતનું પોસ્ટમોર્ટમ કરીશું. નમસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બે બાજુથી ઘેરાયા છે. એકબાજુ તેમને ઈરાનને રોકવાનું છે અને બીજી બાજુ તેમને ચીન સામે આર્થિક મોરચો ખોલી રાખવાને છે. એવામાં ટ્રમ્પે ધમકી આપી છે કે જો ચીન ઈરાનને મદદ કરતા પકડાઈ જશે તો તે ચીની માલ પર 50 ટકાનો ટેરિફ લગાવી દેશે. પણ ચીન જાણે છે કે જો તે અત્યારે પાછું હટી જશે તો દુનિયામાં તેનું વર્ષોથી બનેલું ડોમિનેન્સ ઘટી જશે. યુદ્ધનો વળાંક હોર્મુઝના દરિયામાં નહીં આકાશમાં એવામાં આજે અમેરિકાએ ઈરાનના દરિયા કિનારે નાકાબંદીની જાહેરાત કરી છે. ત્યારે આજે સાંજે સાડા સાત વાગ્યા નજીક અમેરિકા ઈરાનના દરિયાઈ રસ્તા સીલ કરવા મથામણ શરુ કરશે. પણ યુદ્ધમાં વળાંક આ વખતે હોર્મુઝ સ્ટ્રેટ પર નહીં પણ ઈરાનના આકાશમાં આવ્યો. ઈરાનનાં આકાશમાં અમેરિકાનું ડ્રોન ગાયબ અમેરિકન નેવીનું સૌથી એડવાન્સ અને મોંઘુદાટ MQ-4C Triton નામનું સર્વેલેન્સ ડ્રોન ગાયબ થઈ ગયું છે. સામાન્ય રીતે કોઈ વિમાન 32 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતું હોય છે પણ આ ડ્રોન 50 હજાર ફૂટ ઉપર પણ જાદુઈ રીતે ઉડી શકે છે. આટલી ઉંચાઈ પરથી પણ તે જમીન પરની પળપળની માહિતી પર બાજ નજર રાખી શકે છે. જે ડ્રોનની આપણે વાત કરવી છે તે હમણા થોડા વર્ષો પહેલા જ એટલે કે વર્ષ 2018માં જ અમેરિકાની નેવીમાં શામેલ થયું હતું. રિપોર્ટ્સ કહે છે કે ત્યારથી અત્યાર સુધી ક્યારેય જમીન પર આવ્યું નથી અને તેમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લમ પણ નથી આવી. અમેરિકી ડ્રોન ધડામ દઈને નીચે પટકાયું પણ ઈરાનના આકાશમાં જે થયું તેણે અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ્સની ઉંઘ હરામ કરી દીધી છે. થયું કંઈક એવું કે આ ડ્રોનનો 7700 નંબરનો ઈમરજન્સી કોડ દેખાયો. આ કોડ ત્યારે દેખાય જ્યારે ડ્રોનમાં કોઈ પ્રોબ્લમ આવે કે કન્ટ્રોલ ન રહે. 52 હજાર ફૂટની ઉંચાઈથી આ ડ્રોન ધડામ દઈને 10 હજાર ફૂટની ઉંચાઈ પર પટકાયું અને રડારમાંથી ગાયબ થઈ ગયું છે. આ વિમાન 24 કલાક 7 દિવસ હવામાં રહી શકે છે અને 7,400 નોટિકલ માઈલના વિશાળ વિસ્તારમાં નજર રાખી શકે છે પણ ક્યાં ગાયબ થયું તેનો કોઈ અત્તોપત્તો નથી. ડ્રોન તોડી પાડવાનું કામ રશિયાનું કે ચીનનું? ડ્રોન ગાયબ થવાથી અમેરિકાનો 1 હજાર 850 કરોડ રૂપિયાનો બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ રકમ એટલે અમેરિકાના સૌથી એડવાન્સ ગણાતા ફાઈટર જેટ F-35 કરતાં પણ બે ગણી થાય. આ ડ્રોન બનાવવા અમેરિકાએ દાયકાઓની મહેનત કરી હતી અને રિસર્ચ માટે અબજો-કરોડો ડોલર ખર્ચ્યા હતા. પણ સવાલ એ ઉઠે કે ગોળી ચલાવ્યા વગર આ વિમાન કેવી રીતે ઈરાનના આકાશમાંથી ગાયબ થઈ ગયું? અમેરિકાને આ રશિયા કે ચીનનું કામ લાગે છે કારણ કે ઈરાન પાસે તો આવી ટેક્નોલોજી જ નથી કે તે કરી શકે. જામિંગ ટેક્નોલોજીથી ગાયબ અમેરિકન શક્તિ અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે આ ડ્રોનને કોઈ પાવરફુલ મિસાઈલથી પણ તોડવામાં નથી આવ્યું કારણ કે જો એવું થયું હોય તો અમેરિકાને ગરમીના સિગ્નલથી ખબર પડી ગઈ હોત. કહેવાય છે કે જામિંગ ટેક્નોલોજીથી ગ્રાઉન્ડ કન્ટ્રોલ તોડીને અમેરિકાના હાઈફાઈ ડ્રોનનો ખેલ પાડી દેવામાં આવ્યો છે. જો આ વિમાન કે તેનો કાટમાળ ઈરાનને મળી જાય તો તે રિવર્સ એન્જિનિયરિંગ કરીને ડ્રોનને સમજીને ફરી ડ્રોન બનાવી શકે છે. પણ અગાઉ વાત કરી તેમ ઈરાન એટલું એડવાન્સ છે જ નહીં કે તે આવું કરી શકે. માટે એવા રિપોર્ટ્સ છે કે ઈરાન આ ડ્રોનને સમજવા માટે ચીનને મોકલી શકે છે જેથી ચીન અમેરિકન ટેક્નોલોજીને સમજી શકે. અને જો ખરેખર આવું થઈ જાય તો અમેરિકાની વર્ષોની મહેનત પાણીમાં મળી જાય તેવી પૂરી શક્યતા છે. શું ચીન ઈરાનને મદદ કરી રહ્યું છે? કૂલ મળીને આ બધી જ વાત કરવાનો મતબલ એ છે કે ચીન ઈરાનને યુદ્ધ લડવામાં મદદ કરી રહ્યું છે તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. જે મુજબ ચીન ઈરાનને અમેરિકાના વિમાનો અને જહાજોની રિયલ ટાઈમ લોકેશન ઈરાનને શેર કરી રહ્યું છે, જેથી ઈરાન અમેરિકા પર પળપળની નજર રાખી શકે. આ અમેરિકાના લશ્કરી દબદબાને ચીનની ખુલ્લી ચેલેન્જ છે. મિડલ ઈસ્ટમાં ચીનની ડિપ્લોમેટિક ગેમ આપણે સૌ જાણીએ છીએ કે ચીન મિડલ ઈસ્ટમાં દાયકાઓ સુધી એક વેપારી અને ગ્રાહક તરીકે પોતાને ઓળખાવતું રહ્યું પણ તેનો મતબલ તો કંઈક બીજો જ હતો. આજે ચીને પોતાની સ્ટ્રેટેજીને બિઝનેસ ફર્સ્ટથી ડિપ્લોમસી ફર્સ પર લાવી દીધી છે. જ્યારે ઈરાન યુદ્ધમાં અમેરિકા સૈનિકો-વિમાનો અને જહાજો ગોઠવવામાં જોતરાયેલું હતું ત્યારે ચીન મિડલ ઈસ્ટ દેશો સાથે સંબંધો વધારીને પડદા પાછળ મોટા ખેલ પાડી રહ્યું હતું. મધ્યસ્થીની ચીની માઈન્ડ ગેમ થોડા જ પાછળ જઈએ તો મોટો ધડાકો ત્યારે થયો જ્યારે 2023માં ચીને સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે દુશ્મનીને દોસ્તીમાં ફેરવી. અમેરિકા માટે આ ઝટકો હતો કારણ કે તેમનું માનવું હતું કે મિડલ ઈસ્ટની શાંતિ તેમનો ઠેકો હતી પણ બેજિંગ મેથડે તેમની ગેમ અને દબબદા પર પાણી ફેરવી દીધું. અમેરિકા જ્યારે હથિયારો અને હુમલાઓ કરીને વાત મનાવે છે ત્યારે ચીને માત્ર વાતચીતથી દુશ્મનોને એક ટેબલ પર લાવી દીધા. આજના સમયમાં તેહરાન-બેઈજિંગ-રિયાધ હોટલાઈન વોશિંગ્ટન માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. પેટ્રો ડોલરના સામ્રાજ્યને ચીનનો પડકાર અત્યારના સમયમાં અમેરિકા માટે ચીન તરફથી મોટો ફટકો એ પણ છે કે તેમની પેટ્રો ડોલર સિસ્ટમને ચીને પેટ્રો યુઆન સિસ્ટમથી મોટો ફટકો માર્યો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાથી ચીન ઈરાન પાસેથી પોતાની યુઆન કરન્સીમાં જ ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે. એક્સપર્ટસ કહે છે કે અમેરિકાની ફાઈનાન્શિયલ દેખરેખ અને સ્વિફ્ટ સિસ્ટમથી બચવા ચીને આ ખેલ પાડ્યો છે. જાણીને ચોંકી જશો કે ઈરાન જેટલું પણ તેલ વેચે છે તેમાંથી 90 ટકા તેલ તો ખાલી ચીન જ લઈ જાય છે. અને એ પણ ડોલરમાં નહીં, યુઆનમાં. જે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે ત્યાંથી જહાજો છોડાવવા જે ફી કે ટોલ ભરવો પડે છે તે પણ યુઆન કે ક્રિપ્ટો કરન્સીમાં ઈરાન ઉઘરાવી રહ્યું છે તેવા રિપોર્ટ છે. ચીન અને ઈરાનની દોસ્તીની દાસ્તાન ચીન અને ઈરાનની દોસ્તીની વાત કરીએ તો 2021માં બંને દેશ માટે 25 વર્ષની અતૂટ દોસ્તી માટે કરાર થયો છે. ચીને ઈરાનમાં 400 અબજ ડોલરના રોકાણની જુબાની આપી હતી. જેમાં ચીન ઈરાનમાં પોર્ટ્સ, રેલવે અને 5G ટેકનોલોજીનો વિકાસ કરવાનું હતું. આ દોસ્તી એટલી પાક્કી છે કે અમેરિકા ઈરાનને ઘૂંટણિયે લાવવા માગે તો પણ ચીનની હાજરી તેમને આવું કરતા રોકી દે છે. ઈઝરાયલ સાથે પણ ચીને સંબંધો રાખ્યા અને ચીન આપણે વિચારીએ છીએ તેનાથી પણ સ્માર્ટ છે. ચીનની ઈરાન સાથે દોસ્તી પણ છે અને ઈઝરાયલ સાથે ધંધાના સંબંધો પણ. ઈઝરાયલના હાઈફા પોર્ટ પર ચીનનો દબદબો આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ પણ પોતાની જમીન પર ચીનની હાજરીથી પરેશાન છે. ઈઝરાયલના સમાજમાં જે ફાટા છે ચીન તેનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. કારણ કે ચીને ઈઝરાયલ અને લેબનોન વચ્ચે પણ મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ઈઝરાયલ અમેરિકાનું પાક્કું દોસ્ત છે પણ તેમાં પણ ચીને સેંધ પાડી છે. મૌન મોઢાનું માસ્ટર મેજીક 2023નું ગાઝા યુદ્ધ હોય, હમાસ હોય કે ઈરાન હોય કોઈ પણ વાત પર ચીને શાબ્દિક ટિપ્પણી નથી કરી. કહેવાય છે કે આ મૌન પાછળ ચીનની સીધી ગણતરી પોતાને ગ્લોબલ સાઉથના નેતા તરીકે ચીતરવાની છે. ચીને પોતાને પેલેસ્ટિનિયન મુક્તિના સપોર્ટર તરીકે રજૂ કરીને આરબ અને મુસ્લીમ દેશોમાં પોતાની પોપ્યુલારિટી વધારી છે. બીટવીન ધ લાઈન સમજીએ તો તે અમેરિકાને યુદ્ધખોર અને પોતાને વેપારી કે શાંતિદૂત તરીકે પોટ્રેઈટ કરવામાં સક્સેસફૂલ રહ્યું છે. ચીન બરોબર જાણે છે કે ટ્રમ્પના કારણે આખી દુનિયા પરેશાન છે જેનો તેમને ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. ચીની ડ્રોનના 80% પુરજા ચીની અત્યારના જમાનામાં પાયદળ કરતા માહિતી મહત્વની છે. માટે જ ચીને ઈરાનને પોતાની બેઈડોઉ સેલેટાઈલ નેવિગેશન સિસ્ટમની એક્સેસ આપી છે. જેના કારણે ઈરાની મિસાઈલ્સ અને ડ્રોન અમેરિકાના જહાજોની પર્ફેક્ટ લોકેશન જાણી શકે. ઈરાનનું શાહેદ નામનું એડવાન્સ ડ્રોન છે તેમાં પણ સેમિકન્ડક્ટર કે સેન્સર જેવા 80 ટકાથી વધુ પાર્ટ્સ ચીની જ છે. રિપોર્ટ્સ કહે છે કે ચીને ઈરાનને એવા રડાર આપ્યા છે જે કોઈ પણ સિગ્નલ છોડ્યા વગર અમેરિકન જહાજોને ટ્રેક કરી શકે છે. એટલે જ રડારને પકડવા અમેરિકા માટે લગભગ મિશન ઈમ્પોસિબલ જેવા છે. અફવા હોય કે હકિકત પણ એક વાત એવી પણ ફેલાઈ રહી છે કે યુદ્ધ લડવા માટે ચીને ઈરાનમાં 5 હજાર જેટલા ચીની એક્સપર્ટ્સ મોકલી આપ્યા છે જે ઈરાનને મદદ કરી રહ્યા છે. ચીન-રશિયા અને ઈરાનની ત્રિપુટી આજની પોલોરાઈઝ્ડ દુનિયામાં એકબાજુ અમેરિકા અને ઈઝરાયલ છે જ્યારે બીજી બાજુ ચીન રશિયા અને ઈરાનની ત્રીપુટી. જે માત્ર કાગળ પર નહીં પણ જમીન પર પણ જોવા મળે છે. ચીને ઈરાનને SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને BRICS સામેલ કરીને તેને આંતરાષ્ટ્રીય મંચ પર કાયદેસરની ઓળખ અને સિક્યોરિટી આપી છે. રશિયા ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ આપે છે અને ટેક્નોલોજી અને નાણા ચીન પૂરા પાડે છે. આ ત્રણેય દેશોની નૌસેનાએ ગલ્ફ અને ઓમાનમાં કેટલી'ય વાર યુદ્ધાભ્યાસ કર્યો છે જે સીધો જ અમેરિકાની નાકાબંધીને પડકાર છે. વીટો વોટથી ચીનની ઈરાનને મદદ આવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકા બીજા દેશની મદદથી ઈરાન સામે કોઈ લશ્કરી પ્રસ્તાવ લાવે છે ત્યારે ચીન તેને વીટો પાવરનો ઉપયોગ કરીને ઈરાનને બચાવી લે છે. 7 એપ્રિલ 2026ના ચીન અને રશિયાએ જ હોર્મુઝની ખાડીમાં બળજબરી કરાવવા સામે વીટો વાપર્યો હતો. જો આ લશ્કરી કાર્યવાહી થઈ હોત તો ઈરાનના હાથમાં હોર્મુઝની સ્ટ્રેટ આજના દિવસમાં ન હોત. તો હવે સવાલ એ થાય છે કે શું અમેરિકા ગોળી વગરના યુદ્ધ અને લશ્કરી શક્તિથી ઈરાનને પાડી દેશે? આ પ્રશ્નનો જવાબ આવનારા સમયમાં જ ખબર પડશે. 21 કલાક પાકિસ્તાનમાં મીટિંગ, પણ પાણી ફર્યું પણ વાત પાકિસ્તાનની પણ કરવી પડે કારણ કે હમણા જ મોટા ઉપાડે ત્યાં યુદ્ધ બંધ કરવા મીટિંગ થઈ હતી. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને ઈરાનની સંસદના અધ્યક્ષ ઘાલીબાફ વચ્ચે 21 કલાક લાંબી મીટિંગ ચાલી. દુનિયાને એવું હતું કે પાકિસ્તાન યુદ્ધ રોકાવી દેશે પણ મંત્રણા ફેલ ગઈ. ઈરાને તેના યુરેનિયમના જથ્થાને સોંપી દેવાની અમેરિકાની માગને ફગાવી દીધી. ઈરાનનું કહેવું છે કે ન્યૂક્લિયર કાર્યક્રમ તેમનો અધિકાર છે. સામેની બાજુ અમેરિકાનું માનવું છે કે જો યુરેનિયમનો જથ્થો ઈરાન પાસે રહેશે તો તે ગમે ત્યારે અણુબોમ્બ બનાવી લેશે. છેલ્લે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલા ટ્રમ્પના માણસોને ઘરે ખાલી હાથ પાછા ફરવું પડ્યું. લેબનોનમાં 2 હજારથી વધુ માસૂમોનાં મોત મીટિંગમાં એક વાત લેબનોનને લઈને પણ હતી. ઈઝરાયલી સેનાએ કહ્યું કે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રહેશે. દક્ષિણ લેબનોનમાં તેના જ કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયાના સમાચારો વહી રહ્યા છે. મારૂબ જેવા શહેરો પર થયેલા હુમલાઓએ સાબિત કર્યું છે કે ઈઝરાયલ કોઈ પણ કિંમતે નમતું જોખવા તૈયાર નથી. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ મોસાદના ચીફ તરીકે મેજર જનરલ રોમન ગોફમેનને મૂકીને ચોખ્ખો મેસેજ આપી દીધો છે કે હવે તે વધુ જોરથી આક્રમણો કરશે. લોઈડ્સ લિસ્ટના રિપોર્ટમાં ધડાકો આ પરિસ્થિતિઓ વચ્ચે દુનિયાના સૌથી જૂના શિપિંગ ન્યૂઝ આઉટલેટ લોઈડ્સ લિસ્ટના રિપોર્ટે ધડાકો કર્યો કે હોર્મુઝની સ્ટ્રેટમાં અત્યારે જહાજોની અવરજવર લગભગ ઝીરો થઈ ગઈ છે. કેપ્ટન્સ અને શિપિંગ કંપનીઓ અમેરિકાની નાકાબંધી અને ઈરાનની ચેતવણીથી ડરી ગયા છે. કારણ કે ઈરાને ધમકી આપી છે કે જો કોઈ પણ જહાજ અહીંથી નીકળશે તો તેને દરિયામાં ડૂબાડી દેવામાં આવશે. આ બધા વચ્ચે ઈરાનમાં લગભગ 50 લોકોની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જેમના પર અમેરિકા અને ઈઝરાયલને સિક્રેટ ઈન્ફોર્મેશન શેર કરવાનો આરોપ છે. જો અમેરિકા આજે જાહેરાત કરી છે તે મુજબની નાકાબંધીમાં સફળ થાય છે, તો ઇરાન તૂટી જશે. પણ જો ઇરાન કોઈ અમેરિકન જહાજને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું, તો દુનિયા એક પાયમાલ કરનારા યુદ્ધ તરફ ધકેલાઈ જશે. અને છેલ્લે... જ્યારે એડવાન્સ ડ્રોન પણ અમેરિકાના સૈન્ય દબદબાને બચાવી શક્યું નથી, ત્યારે ટ્રમ્પે એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાને મસીહા કે ઈસુ ગણાવી રહ્યા છે. ઈરાન સામે જ્યારે કોઈ પ્રેશર કે ધમકીની રણનીતિ કામ નથી આવી રહી, ત્યારે ધર્મ અને ચમત્કારોનો આ સહારો લેવો એ કદાચ મીડ ટર્મ ઈલેક્શન પહેલાનો છેલ્લો દાવ હોઈ શકે. આ માત્ર એક ફોટો નથી, પણ અમેરિકન લોકશાહીની ઉંડી અશાંતિનો અરીસો છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ઈશાન-ક્લાસેને રાજસ્થાનના બોલર્સની ધોલાઈ કરી:SRHના કેપ્ટને માત્ર 30 બોલમાં છગ્ગો ફટકારીને ફિફ્ટી ફટકારી, બન્ને વચ્ચે 60+ રનની ભાગીદારી
    Next Article
    ફોર્મ પરત ખેંચવાની તક પહેલા કોંગ્રેસના 65 ઉમેદવારો નજરકેદ:સુરત-રાજકોટમાં કોંગ્રેસનું 'મિશન અજ્ઞાત', કુંભાણી જેવો ખેલ ન પડે તે માટે ગુપ્ત સ્થળે ખસેડાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment