Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ઇરાન યુદ્ધથી 16 દેશમાં હાહાકાર:મોંઘવારી અને ભૂખમરાનો અજગર ભરડો, ફર્ટિલાઇઝરથી ફ્યૂઅલ સુધી દુનિયાને ભયાનક અસર, ગલ્ફમાં 90 લાખ ભારતીયો પર સંકટ

    2 days ago

    આપણે ત્યાં જે 900 કે હજાર રૂપિયાનો ગેસનો બાટલો મળતો હતો તે હવે 4 કે 5 હજાર રૂપિયા આપીને પણ લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે 16 એવા દેશો કે વિસ્તારો સામે આવ્યા છે જે કાં તો ભૂખમરાના આરે છે અથવા ભૂખમરાના ભરડામાં ભેરવાઈ ગયા છે. 28 ફેબ્રુઆરી 2026ના શરૂ થયેલું ઈઝરાયલ-અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ખાલી સરહદોની લડાઈ નથી રહી પણ સીધી આપણી થાળી સુધી પહોંચી ગઈ છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજો રોકાયા છે, જેના લીધે પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા, ખાતર જેવી વસ્તુઓ મોંઘી થઈ અને સુદાન, યમન કે હૈતી જેવા દેશોમાં ગરીબનો રોટલો મોંઘો થયો. યુનાઈટેડ નેશન્સના ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ મુજબ દુનિયાના 16 દેશ કે વિસ્તાર ભૂખમરાના ટાઈમ બોમ્બ પર બેઠા છે. અહીં બંદૂકની ગોળી કરતાં ભૂખનો ગોળો વધુ ખતરનાક સાબિત થયો છે. ટૂંકમાં આ યુદ્ધ મિસાઈલ્સનું નહીં પણ મોંઘવારીનું યુદ્ધ બની ગયું છે. આજે આપણે ભૂખમરાના અજગરે કેવી રીતે દુનિયાનો ભરડો લીધો તેની વાત કરીએ... નમસ્કાર... ઈઝરાયલ ઈરાન યુદ્ધના ગમે તે પરિણામો આવે પણ તેના બાય પ્રોડક્ટમાં ભૂખમરો જરૂર દુનિયા સામે આવ્યો છે. હોર્મુઝની સ્ટ્રેટ: માત્ર તેલ જ નહીં, રોટલાનો માર્ગ યુદ્ધમાં ઘેરાયેલા ઈરાનની બાજુમાં આવેલી 33 કિલોમીટર પહોળી હોર્મુઝની સ્ટ્રેટ માત્ર તેલનો રસ્તો નથી પણ કેલેરી એટલે કે કોળિયાનો પણ રસ્તો છે. યુદ્ધના કારણે ખાલી ક્રુડ ઓઈલના ભાવ જ નથી વધ્યા પણ વિશ્વના ખાતરના વેપારનો 34 ટકા હિસ્સો પણ જોખમમાં મૂકાયો છે. કુદરતી ગેસ મોંઘો, ખાતરની સપ્લાય ચેઈન તૂટી જે ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે તે ગલ્ફ વિસ્તાર વિશ્વના નાઈટ્રોજન બેઝ્ડ ખાતરનું હબ છે. કારણ કે આ દેશોમાં કુદરતી ગેસમાંથી યુરિયા બનાવવાની પ્રોસેસ એકદમ સસ્તી પડે છે. યુદ્ધના કારણે દુનિયાની સપ્લાય ચેઈન બખેડાતા યુરિયાના ભાવમાં એક જ અઠવાડિયામાં 20-30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેની અસર સુદાન, નાઈજીરિયા અને ઈથોપિયાના ખેડૂતોને પડી છે. આવનાર વાવણીમાં ત્યાંના ખેડૂતો ખાતર નહીં ખરીદી શકે. જેના કારણે આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં વિશ્વના પાક પ્રોડક્શનમાં 40 ટકા ઘટાડો થઈ શકે તેવા ભણકારા છે. ભૂખમરાના 16 હોટસ્પોટ્સ હવે આપણે યુદ્ધના કારણે જે દેશો ભૂખમરામાં ધકેલાઈ ગયા છે કે તેના આરે છે તેની વાત કરીએ... ક્રુડ ઓઈલનો અનાજ પર છૂપો ટેક્સ પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રુડના 120-140 ડોલર સુધી પહોંચેલા ભાવ ખાલી પેટ્રોલ ડીઝલની વાત નથી પણ અનાજના દાણાને લાગતો હિડન ટેક્સ બની ગયા છે. યમન અને દક્ષિણ સુદાન જેવા દેશો આજે પણ ડીઝલ પંપથી ખેતી કરે છે, એટલે ત્યાં પાકને પાણી પાવું સોના કરતાં ઘડામણ મોંઘા જેવું થઈ ગયું છે. WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને જે અનાજ મોકલવું છે તેનો ખર્ચો ત્રણ ગણો વધી ગયો છે. ટૂંકમાં ત્રીજા ભાગના લોકોને ખાવાનું નથી પહોંચી રહ્યું. ટૂંકમાં યુદ્ધની મિસાઈલની અસર હૈતી દેશના રસોડામાં પણ પડી રહી છે. યુદ્ધના લીધે લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડન વોરઝોન બની ગયું છે. અહીંથી આવતા જહાજો ડરે છે એટલે ભાડું અને વીમો બંનેના ભાવ વધ્યા છે. લોકો સુધી પહોંચતા ચોખા અને ઘઉંની કિંમતો 100-200 ટકા વધી ગઈ છે. યુદ્ધ દુષ્કાળ લાવ્યો! અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશો જે પહેલેથી જ સંઘર્ષના કારણે ભેરવાયેલા છે તેમના માટે આ યુદ્ધ ખાલી ખિસ્સા સમાન બની ગયું છે. જો યુદ્ધ લાંબો સમય ચાલુ રહે તો આ દેશો અને વિસ્તારોમાં દુષ્કાળ પણ આવી શકે છે. ડીઝલ મોંઘું, ખેતી મુશ્કેલ આ બધુ સમજવા માટે તેલ અને અનાજ વચ્ચેનું રિલેશન સમજવું જરૂરી છે. અર્થશાસ્ત્રના પુસ્તકો એવું કહે છે કે જો તેલના ભાવમાં 10 ટકા વધારો થાય તો અનાજના ભાવમાં 15-20 ટકાનો ઉછાળો થાય છે. જે મુજબ પેટ્રોલ-ડીઝલ કે ગેસના ભાવમાં 60 ટકા વધારો થાય તો અનાજનો દાણો એટલો મોંઘો થાય કે ગરીબ દેશની જનતા તેને ખરીદી જ ન શકે. વિશ્વના સૌથી મોટા નાઈટ્રોજન ગ્રાહકોમાંના નાઈજીરિયામાં અત્યારે 7 મિલિયન ટન અનાજની તંગી ઉભી થઈ છે. કારણ કે તેમની પાસે ખાતર જ નથી. ત્યાંના ખેડૂતોને ખેતી કરવા કરતા ન કરવામાં વધુ ફાયદો છે. હવે આપણે એક પછી એક વિસ્તારોને જાણીએ કે ક્યાં સુધી વધુ અસર થઈ છે. અન્નના એક દાણા માટે પણ વલખાં પેલેસ્ટાઈનમાં (ગાઝા પટ્ટી) 2025 પૂરું થયું ત્યારે જ દુષ્કાળની જાહેરાત થઈ ગઈ હતી અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધે બળતામાં ઘી હોમ્યું. 6 લાખ 41 હજાર લોકો અત્યારે અન્નના એક દાણા માટે વલખાં મારી રહ્યા છે. ગાઝાની 70 ટકા ખેતીવાળી જમીન પહેલા જ નાશ પામી છે. જે બાકી છે ત્યાં ડીઝલ નથી. સુદાન હાલ વિશ્વના સૌથી મોટા માઈગ્રેશન અને હ્યુમેનિટેરિયન ક્રાઈસિસનો સામનો કરી રહ્યું છે. અઢી કરોડ લોકોને તાત્કાલિક ગલ્ફ દેશોના યુરિયાની જરૂર છે. સુદાનની ગેઝીરા જેવી ખેતીની સ્કિમ પણ ખતરામાં છે. બંદરથી દેશમાં અનાજ પહોંચાડવા માટે ટ્રકનું ભાડું 140 ટકા વધી ગયું છે જેના કારણે લોજિસ્ટિક્સની કમર તૂટી ગઈ છે. જે અનાજ ગોદામોમાં છે તે લોકો સુધી પહોંચાડવાના પણ ફાંફાં છે. હોર્મુઝ બંધ અને યમનને તમાચો યમનની વાત કરીએ તો તે તેની 90 ટકા જરૂરિયાતો વિદેશથી વસ્તુઓ ખરીદીને પૂરી પાડે છે. રેડ સીનું યુદ્ધ અને હોર્મુઝની નાકાબંદી હોવાના કારણે યમનને બેવડો માર પડ્યો છે. જહાજોના ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં 700 ટકાનો વધારો થયો છે. યમની ચલણ રિયાલ 30 ટકા તૂટી પડ્યો છે. બજારમાં અનાજ છે પણ લોકો ખરીદી શકે એવા હાલમાં નથી. ટૂંકમાં આર્થિક દુષ્કાળ. ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે તેની આસપાસના દેશોમાંથી લોકો વિદેશ જવા માંડ્યા છે. UNનું ફંડ યુદ્ધમાં ને લોકોના પેટ ભૂખ્યાં હવે આપણે ક્રુડ ઓઈલની કિંમતમાં થતા વધારાને ભૂખ સાથે જોડીએ. આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોમાં ખેતીમાં વપરાતા પંપ ડીઝલથી ચાલે છે. ક્રુડના ભાવ વધતા ખેડૂતો જમીનમાંથી પાણી નથી ખેંચી શકતા અને પાક ઉભો-ઉભો જ સૂકાઈ જાય છે. અર્થશાસ્ત્રીઓનું ગણિત છે કે તેલના ભાવમાં દર 1 ડોલરનો વધારો સુદાન કે હૈતી જેવા દેશના પરિવારના ખાવાના ખર્ચમાં 1-2 ટકાનો વધારો કરે છે. ખાલી આસપાસના નહીં પણ હૈતી અને માલી જેવા યુદ્ધથી હજારો કિલોમીટર દૂર આવેલા દેશોમાં પણ અસર દેખાઈ છે. હૈતીમાં કોઈ રિફાઈનરી નથી, એટલે ક્રુડ ઓઈલની જગ્યાએ સીધું પેટ્રોલ-ડીઝલ જ ખરીદવું પડે છે. કાળાબજારમાં ગેસોલીન પ્રતિ ગેલન 22 ડોલરે વેચાઈ રહ્યું છે. જેના કારણે ગામડાઓ સુધી અનાજ નથી પહોંચી રહ્યું. ખેતરમાં અનાજ સડી રહ્યું છે અને લોકો ભૂખે મરી રહ્યા છે. માલી દેશની વાત કરીએ તો અમેરિકા અને યુરોપ જેવા મોટા અને દાન આપનાર દેશો ફંડ સીધું યુદ્ધની સારવારમાં વાપરી રહ્યા છે એટલે માલીને મળતી ખાવાની સહાયમાં 40 ટકાનો ઘટાડો થઈ ગયો છે. નાઈજીરિયા-ઈથોપિયામાં ખાતરના ફાંફાં નાઈજીરિયા અને ઈથોપિયામાં અત્યારે ખાતરના ફાંફાં છે. ગલ્ફ દેશોનું નાઈટ્રોજનવાળું ખાતર આવવાનું બંધ થતા એગ્રિકલ્ચરલ ઈકોનોમીમાં મોટું ગાબડું પડ્યું છે. એક જ અઠવાડિયામાં યુરિયાનો ભાવ 20 ટકા વધી ગયો હતો. અંદાજે લણણીમાં 7 મિલિયન ટન અનાજની ઘટ થવાની સંભાવના છે. ભૂખમરાના 16 હોટસ્પોટમાંથી 9 દેશો તો એવા છે જ્યાં યુદ્ધની મિસાઈલ નથી પડી તો પણ આર્થિક મોજાના મારાએ તેમને અપંગ બનાવી દીધા છે. ઈરાની રિયાલે અફઘાની કરન્સીની નનામી કાઢી ઈરાનના પાડોશી દેશ અફઘાનિસ્તાને ભૂખનો નવો અધ્યાય લખ્યો છે. કારણ કે યુદ્ધના કારણે માર્ચના પહેલા બે અઠવાડિયામાં જ ઈરાની રિયાલની કિંમત ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનનું રિયાલ હવાલા વૈપાર તેના કારણે ખતરામાં છે. ઈરાનના રિયાલના કારણે અફઘાનિસ્તાનની કરન્સી મરવા પડી છે. માર્ચ મહિનામાં 1 લાખ જેટલા અફઘાની મજૂરો ઈરાન છોડીને ઘરે નોકરી ધંધા વગરના બેઠા છે. તાલિબાન સરકાર પાસે આટલી મોટી જનસંખ્યાને ખવડાવવા અનાજ નથી. નાઈજીરિયાની વાત કરીએ તો આફ્રિકાનું મોટું અર્થતંત્ર હોવા છતાં ખાતરના કારણે ઘૂંટણિયે છે. હોર્મુઝ બ્લોકેજના કારણે કતાર અને સાઉદી અરેબિયાથી નાઈજીરિયા આવતો યુરિયાનો જથ્થો શૂન્ય થઈ ગયો છે. એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે નાઈજીરિયામાં 7 મિલિયન ટન અનાજની ઘટ પડી શકે છે. ત્યાંનું નાઈરા ચલણ પણ 25 ટકા જેટલું તૂટી ગયું છે. આફ્રિકામાં આફત, ખાણકામમાં મંદી ને લાખો બેરોજગાર હવે આફ્રિકાના સોમાલિયા, કેન્યા અને ઈથોપિયાની પણ વાત કરીએ. જે વેપારી જહાજો સોમાલિયા કે કેન્યા બાજુ આવે છે તેને હવે કેપ ઓફ ગુડ હોપનો લાબો ફેરો કરવો પડી રહ્યો છે. જેના કારણે એક જહાજમાં અંદાજે 5 લાખ ડોલરનો વધારાનો ખર્ચો થઈ રહ્યો છે. શીપિંગના વીમામાં 700 ટકાનો વધારો થયો છે. જેનો બોજ ફૂડ ઈન્ફ્લેશન તરીકે પડ્યો છે. કોંગોની ઈકોનોમી માઈનિંગ પર ટકેલી છે. ક્રુડ ઓઈલ મોંઘું થતા ખાણકામમાં મંદી આવી છે જેના કારણે લાખો લોકો બેરોજગાર થયા છે અને તેલ અને લોટ માટે તરસી ગયા છે. તેલ અને અનાજનું જીવલેણ વિષચક્ર માર્ચ મહિનામાં પેટ્રોલ, ગેસ, ડીઝલ અને ખાતર એમ બધામાં 30-60 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગરીબ દેશોમાં તેલના ભાવ વધારા કરતા અનાજનો ભાવ વધારો વધુ થઈ રહ્યો છે. બાંગ્લાદેશથી મ્યાનમારઃ મૌન મૃત્યુદંડની ભયાનક રિયાલિટી બાંગ્લાદેશના રોહિંગ્યા મુસલમાન કેમ્પમાં રાશન ઘટાડીને 800 કેલરીથી પણ ઓછું કરી દીધું છે. બીજી બાજુ ડીઝલના ભાવ વધતા મ્યાનમારમાં ખેડૂતો મશીનવાળી ખેતીની જગ્યાએ જૂની ખેતી તરફ વળ્યા છે. જેની વાત તો દુનિયા અત્યારે કરી પણ નથી રહ્યું. ઉપરથી યુનાઈટેડ નેશન્સ જેવી સંસ્થાઓ યુદ્ધના કારણે જે લોકો ઘાયલ થાય છે તેના પર પોતાના રૂપિયા વાપરી રહ્યા છે. એટલે જે ભૂખ્યા છે તેમને મૌન મૃત્યુદંડ મળી રહ્યો છે. સીરિયામાં અનાજ કોઠારો ખાલી થયા! સીરિયા ઈરાન-ઈઝરાયલથી નજીક આવેલું છે એટલે યુદ્ધના લોહીના છાંટા તેમના દેશ પર પણ પડ્યા છે. ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સિસ્ટમ પૂરી રીતે પડી ભાંગી છે. ઈઝરાયલના ઈરાની મથકો પરના હુમલાઓએ સીરિયાના સપ્લાય રૂટનું ગળું ટૂંપી દીધું છે. સરકારી અનાજ ભંડારો પણ ખાલી થવાના આરે પહોંચ્યા છે અને નવો માલ ક્યારે આવશે તેનો કોઈને ખ્યાલ નથી. અને છેલ્લે... જ્યારે દુનિયા ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના મિસાઈલ ધડાકા જોવામાં વ્યસ્ત છે, ત્યારે લેબનોનની સરહદો શાંતિથી ભૂંસાઈ રહી છે. 700 મૃત્યુ અને 20% ખાલી થયેલી જમીન શું માત્ર સુરક્ષા માટેનો બફર ઝોન છે કે પછી ગ્રેટર ઈઝરાયલનું મૌન નિર્માણ? ઇતિહાસના સૌથી મોટા નકશા ઘણીવાર સૌથી મોટા યુદ્ધોની આડમાં જ બદલાતા હોય છે. વિચારજો, આપણી નજર મિસાઈલ પર છે, પણ લક્ષ્ય ક્યાંક બીજું તો નથી ને? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ભારતે જપ્ત કરેલા 3 ટેન્કર છોડવાની ઈરાને માગ કરી:દુબઈ એરપોર્ટ પર વિદેશી એરલાઈન્સના પ્રવેશ પર પ્રતિબંધ, ડ્રોન હુમલા બાદ UAEનો નિર્ણય
    Next Article
    ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી:સુરેન્દ્રનગરના ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment