Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: 12 વર્ષમાં પહેલીવાર મોદી ભયભીત:24 કલાકમાં સમયનું ચક્ર ફરી ગયું, યુવાઓ પર બર્બરતા વરસાવી સરકાર મોટી ભૂલ કરી ગઇ, સડકથી સંસદ સુધી સંગ્રામ

    10 hours ago

    વર્ષ 2014 યાદ કરો. જે યુવાનોએ નરેન્દ્ર મોદીને યુથ આઇકોન માનીને દિલ્હીની ગાદી પર બેસાડ્યા હતા, આજે બરાબર 12 વર્ષ પછી એ જ યુવાનો દિલ્હીના રસ્તાઓ પર લોહીલુહાણ કેમ છે? આ કોઈ સામાન્ય રાજકીય વિરોધ નથી. આ એક એવો જ્વાળામુખી છે જે આવનારી 2029ની લોકસભા ચૂંટણીના ગણિતને મૂળમાંથી હચમચાવવાની તાકાત રાખે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વાપરેલો એક અપમાનજનક શબ્દ વંદો એટલે કે કોક્રોચ કેવી રીતે સરકાર માટે સૌથી મોટો ખતરો બની ગયો છે? લોકોએ જેને અજાણતા અઢળક ગાળો ભાંડી તે ગાંધીજીને ફોલો કરીને રસ્તા પર ઉતરવું પડ્યું ચાલો આખી ગેમ સમજીએ. નમસ્કાર... આંખ ઉઘાડનારી આ ઐતિહાસિક ઘટનાની શરૂઆત 15 મે 2026ના રોજ થઈ. મુદ્દો હતો દેશમાં ફેલાયેલી વ્યાપક બેરોજગારી અને શિક્ષણ સિસ્ટમની, ખાસ કરીને NEET જેવી પરીક્ષાઓની નિષ્ફળતાનો. પણ આ ઉકળતા લાવાને વિસ્ફોટક સ્વરૂપ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટ ઓફ ઈન્ડિયાની કોમેન્ટે આપ્યું. દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક સુનાવણીમાં દેશના બેરોજગાર યુવાનો અને હક માંગતા એક્ટિવિસ્ટ્સ માટે વંદા અને સમાજના પરોપજીવી એટલે કે કોક્રોચ અને પેરાસાઈટ જેવા અત્યંત કડવા શબ્દો વાપર્યા. ઇતિહાસના પાના ફેરવીએ તો એક ઈન્ટ્રેસ્ટિંગ વાત સામે આવે છે. 1954માં ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ પરોપજીવી શબ્દ વાપર્યો હતો. પણ તેમનું નિશાન ગરીબોનું લોહી ચૂસતા જમીનદારો અને કેટલાક રજવાડાં હતાં. આજે 70 વર્ષ પછી, એ જ શબ્દ દેશના સૌથી પીડિત અને મહેનતુ યુવા વર્ગ માટે વપરાયો. આ એક શબ્દ યુવાનોના સ્વમાન પર સીધો પ્રહાર હતો, જેણે સિસ્ટમની સંવેદનહીનતા આખા દેશ સામે ઉઘાડી પાડી દીધી. તમારે આનાથી શું લેવાદેવા? હવે તમને થશે કે દિલ્હીમાં બેઠેલા જજ કે આંદોલનકારીઓથી ગુજરાતમાં બેઠેલા સામાન્ય માણસને કે મને શું ફેર પડે? મારે શું? ફેર પડે છે. આ માત્ર દિલ્હીની વાત નથી. ગાંધીનગર, રાજકોટ કે અમદાવાદમાં નાની રૂમ ભાડે રાખીને સરકારી નોકરીની તૈયારી કરતો યુવાન જ્યારે પેપર લીક થવાના સમાચાર સાંભળે છે, ત્યારે આખી સિસ્ટમ પરથી તેનો ભરોસો ઉઠી જાય છે. આંદોલન ભલે દિલ્હીમાં થઈ રહ્યું હોય, પણ તેની સીધી અસર તમારા અને મારા ઘર પર છે. દેશમાં આજે 40% ગ્રેજ્યુએટ યુવાનો બેરોજગાર છે. તમારા લાખો રૂપિયાના ખર્ચે ભણેલા સંતાનો પાસે ડીગ્રી છે પણ નોકરી નથી. અહીં ખતરો એ છે કે જો આ એજ્યુકેશન સિસ્ટમ નહીં સુધરે તો આપણી આવનારી આખી પેઢી ડિપ્રેશનમાં ધકેલાઈ જશે. પણ આમાં એક તક પણ છુપાયેલી છે. જો આ યુવા આંદોલન સફળ રહેશે, તો સરકાર મજબૂર થશે સિસ્ટમ સાફ કરવા માટે. પેપર ફોડનારા માફિયાઓનો સફાયો થશે અને તમારા બાળકને તેની મહેનતનું સાચું ફળ મળશે. આ અપમાનના ઘા સહન કરીને બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને યુવા સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકેએ એક મોટો ખેલ પાડી દીધો. 16 મે 2026ના રોજ તેણે ઓનલાઈન કોક્રોચ જનતા પાર્ટી એટલે કે CJPનું લોન્ચિંગ કરી દીધું. શરૂઆત એક મજાક અને સોશિયલ મીડિયા મીમ તરીકે થઈ હતી. પણ યુવાનોનો ગુસ્સો એટલો બધો હતો કે માત્ર એક જ અઠવાડિયામાં આ CJPના ઇન્સ્ટાગ્રામ પર 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ આંકડો કોઈ નાનોસૂનો નથી. ભાજપ અને કોંગ્રેસ જેવી સદીઓ અને અડધી સદી દાયકાઓ જૂની રાષ્ટ્રીય પાર્ટીઓના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ આ એક રાતમાં બનેલી વંદા પાર્ટી સામે વામણા સાબિત થયા. આજના ડિજિટલ યુગમાં ક્રાંતિ લાવવા માટે કોઈ મોટી ઓફિસો કે સંગઠનની જરૂર નથી, સાચો મુદ્દો અને એક સ્માર્ટફોન પૂરતો છે. પણ ખરી રમત તો હવે શરૂ થવાની હતી. ડિજિટલ દુનિયાનો આ ગુસ્સો જ્યારે 20 જુલાઈએ દિલ્હીના રસ્તાઓ પર ઉતર્યો, ત્યારે દિલ્હી પોલીસે જે કર્યું તે રૂંવાડા ઊભા કરી દે તેવું હતું. અને બરાબર એ જ સમયે છેલ્લા 12 વર્ષથી શીતનિંદ્રામાં શાંત બેઠેલી કોંગ્રેસને એક મોટું બ્રહ્માસ્ત્ર મળી ગયું. દિલ્હીના રસ્તાઓ પર રક્તપાત ડિજિટલ દુનિયામાં મીમ્સ બનાવીને લાખો ફોલોઅર્સ ભેગા કરવા એક વાત છે, અને રસ્તા પર ઉતરીને લોઢાના દંડા ખાવા એ બિલકુલ બીજી વાત છે. 20 જુલાઈ 2026ના રોજ આ યુવાનોએ સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર આવીને સીધી સરકારની આંખમાં આંખ નાખવાનું નક્કી કર્યું. માંગ એકદમ સીધી અને સ્પષ્ટ હતી: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું અને NEET પેપર લીકમાં ન્યાય. આ માટે જંતર-મંતરથી ચલો સંસદ માર્ચનું એલાન થયું. પણ દિલ્હી પોલીસે જે કર્યું તે કોઈ ફિલ્મી વિલનને પણ શરમાવે તેવું હતું. સેન્ટ્રલ દિલ્હીના કનોટ પ્લેસ અને જનપથ આસપાસના તમામ મેટ્રો સ્ટેશનોના દરવાજા બંધ કરી દેવાયા. માહિતી બહાર ન જાય તે માટે ઈન્ટરનેટ સેવાઓ કાપી નાખવામાં આવી. હાથમાં પુસ્તકો અને રાષ્ટ્રધ્વજ લઈને શાંતિથી આગળ વધતા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસે આંસુગેસના ગોળા છોડ્યા. ઇતિહાસમાં ભાગ્યે જ ક્યારેય બન્યું હશે કે પોતાના જ દેશના વિદ્યાર્થીઓ પર શોક બેટન્સ એટલે કે કરંટ લાગતી ઇલેક્ટ્રિક લાકડીઓ અને કથિત રીતે પેલેટ ગન વપરાઈ હોય! 12 વર્ષની રાજકીય નિંદ્રામાંથી જાગી કોંગ્રેસ આ જનઆક્રોશ અને પોલીસના અત્યાચારને જોઈને રાજકીય ગલિયારાઓમાં મોટો ખળભળાટ મચી ગયો. વર્ષ 2014માં સત્તા ગુમાવ્યા પછી છેક 2026 સુધી, આ 12 વર્ષોમાં કોંગ્રેસ એક એવી પાર્ટી બની ગઈ હતી જે માત્ર એર-કન્ડિશન્ડ રૂમમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરતી હતી. રસ્તા પર ઉતરીને લાકડીઓ ખાવાની તેમની કોઈ જ નીતિ નહોતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને બાદ કરવામાં આવે તો આવું કહી શકાય. પણ આ કોક્રોચ આંદોલનમાં તેમને પોતાની રાજકીય સંજીવની જડીબુટ્ટી દેખાઈ ગઈ. 21 જુલાઈએ અચાનક વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સીધા જ વડાપ્રધાનના નિવાસસ્થાન એટલે કે 7, લોક કલ્યાણ માર્ગ બહાર ધરણા પર બેસી ગયા. વડાપ્રધાન માફી માંગે તેવી માંગ કરી અને પોલીસ સામે અટકાયત વહોરી. આમ આદમી પાર્ટીના નેતાઓએ તરત જ આરોપ લગાવ્યો કે આ કોંગ્રેસનું પોલિટિકલ હાઈજેક છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચોખ્ખું કહ્યું કે એક મહિનાથી જંતર-મંતર પર સોનમ વાંગચુક અને બેરોજગાર યુવાનો બેઠા હતા, ત્યારે સરકાર કે કોંગ્રેસ કોઈ વાત કરવા નહોતું આવ્યું. પણ રાહુલ ગાંધીના પ્રદર્શનના એક કલાકમાં જ સરકારના મંત્રીઓ વાટાઘાટો માટે દોડતા થઈ ગયા. આ તો ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે. 2029 માટે વિપક્ષનો સચોટ માસ્ટરસ્ટ્રોક શું ખરેખર આ હાઈજેક છે? હા, ચોખ્ખી રીતે છે. પણ રાજકારણમાં આને જ અસલી ટાઈમિંગ કહેવાય. કોંગ્રેસનું ગણિત અત્યારે એકદમ ક્લિયર છે. તેમને સારી રીતે ખબર પડી ગઈ છે કે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાથી ભારતમાં ચૂંટણીઓ નથી જીતાતી. 40% બેરોજગાર ગ્રેજ્યુએટ યુવાનોનો જે ભયાનક લાવા અત્યારે ઉકળી રહ્યો છે, તેને જો 2029ની લોકસભા ચૂંટણી સુધી ધીકતો રાખવો હોય, તો યુવાનો સાથે રસ્તા પર દંડા ખાવા જ પડશે. કોંગ્રેસ એ સાબિત કરવા માંગે છે કે અમે તમારી પીડામાં તમારી સાથે છીએ. ભાજપ માટે આ બહુ મોટી ખતરાની ઘંટી છે. દિલ્હીમાં લાઠીઓ ખાનારો આ એ જ યુવાન છે, જે ભાજપની સૌથી મજબૂત કોર વોટબેંક મનાય છે. આ કોઈ વિપક્ષના કાર્યકરો નહોતા, આ મિડલ ક્લાસ અને આકાંક્ષી હિન્દુ યુવાનો છે જે આજે સરકાર સામે બળવો કરી રહ્યા છે. જે શાસકોને યુવાનોએ દિલ્હીની ગાદી પર બેસાડ્યા, આજે તે જ શાસકો આ યુવાનોના સીધા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર નથી. વિદેશી મીડિયાનો તમાચો શું તમને લાગે છે કે દિલ્હીના રસ્તાઓ પર લાકડીઓ ખાતો આ યુવાન માત્ર દેશનો આંતરિક મુદ્દો બનીને રહી ગયો છે? જરાય નહીં. આખી દુનિયાની નજર અત્યારે ભારતના રસ્તાઓ પર વહી રહેલા લોહી પર છે. જે વડાપ્રધાન વિદેશોમાં જઈને ભારતને મધર ઓફ ડેમોક્રેસી એટલે કે લોકશાહીની જનની ગણાવે છે, તે જ લોકશાહીના દિલ્હીમાં આજે કેવા ધજાગરા ઉડી રહ્યા છે, તેનું એનાલિસિસ આંતરરાષ્ટ્રીય મીડિયાએ એવી રીતે કર્યું છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો. આપણું મેઈન સ્ટ્રીમ રાષ્ટ્રીય મીડિયા ભલે આખી ઘટનાને છુપાવવાનો કે સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કરે, પણ વિદેશી અખબારોએ આ આંદોલનને મોદી સરકાર સામેનો સૌથી મોટો અને જોખમી પડકાર ગણાવ્યો છે. ફરી યાદ આવ્યા અહિંસક ગાંધી? હવે આ આખી ઘટનાનું સૌથી મોટું બિગર પિક્ચર જુઓ. છેલ્લા એક દાયકામાં આપણા દેશમાં સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના અહિંસક માર્ગની રોજેરોજ મજાક ઉડાવવામાં આવી. તેમને નબળા અને ડરપોક ચીતરવામાં આવ્યા અને એવું નેરેટિવ સેટ કરાયું કે નવા ભારતને આક્રમકતાની જરૂર છે, અહિંસાની નહીં. પણ 20 જુલાઈના આ યુવા આંદોલને એક જ ઝાટકે સાબિત કરી દીધું કે સત્તા ગમે તેટલી શક્તિશાળી, દમનકારી કે અહંકારી કેમ ન હોય... જ્યારે સિસ્ટમ તમારી વાત સાંભળવાની ના પાડી દે, ત્યારે તમારે રસ્તા પર ઉતરીને અહિંસક ગાંધી જ બનવું પડે છે. વિરોધ પક્ષ હોય કે સામાન્ય જનતા, સરકાર પર દબાણ લાવવાનો આ જ એકમાત્ર રસ્તો વધ્યો છે. વિચારો, જ્યારે અંગ્રેજોની બ્રિટિશ સરકાર હતી, ત્યારે ગાંધીજી અસહકારનું આંદોલન કે દાંડી કૂચ કરતા. ત્યારે પણ બ્રિટિશ પોલીસ નિર્દોષ અને અહિંસક સત્યાગ્રહીઓ પર અત્યંત અમાનવીય લાઠીચાર્જ કરતી. છતાં, સત્યાગ્રહીઓ વળતો પ્રહાર નહોતા કરતા અને શાંતિથી માર ખાતા. આજે 2026માં પણ દિલ્હીના રસ્તાઓ પર બરાબર એવું જ દ્રશ્ય જોવા મળ્યું. નિર્દોષ વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ અને પુસ્તકો લઈને શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા, અને દેશની જ પોલીસે તેમના પર અશ્રુવાયુ અને લાઠીઓનો વરસાદ કર્યો. બ્રિટિશ શાસન પણ શરૂઆતમાં એવા જ અહંકારમાં રાચતું હતું કે અમે પોલીસના દંડાના જોરે આ જનતાના અવાજને કચડી નાખીશું. આજે વર્તમાન વ્યવસ્થા અને સરકારનો અહંકાર પણ એવો જ છે. સંસદના બંને ગૃહો સંપૂર્ણપણે ખોરવાયેલા છે. વિપક્ષ NEET અને પોલીસ અત્યાચાર પર ચર્ચા માંગે છે, પણ સરકાર સીધો જવાબ આપવા તૈયાર નથી. 1930નો અંગ્રેજ અહંકાર અને 2029નો ખતરો ઇતિહાસની એક બહુ સુંદર પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે કે તે હંમેશા પોતાનું પુનરાવર્તન ચોક્કસ કરે છે. યાદ કરો 31 જાન્યુઆરી 1930નો એ ક્રાંતિકારી દિવસ. મહાત્મા ગાંધીએ તત્કાલીન બ્રિટિશ વાઈસરોય લોર્ડ ઈરવિનને એક અત્યંત મહત્વપૂર્ણ પત્ર લખ્યો હતો. આ ઐતિહાસિક પત્રમાં તેમણે મીઠા પરનો કર નાબૂદ કરવા અને રાજકીય કેદીઓને છોડી મૂકવા સહિતની 11 સ્પષ્ટ માંગણીઓ લેખિતમાં મૂકી હતી. સાથે બ્રિટિશરોને ચેતવણી પણ આપી હતી કે જો આ માંગ નહીં સ્વીકારાય તો દેશવ્યાપી સવિનય કાનૂન ભંગની ચળવળ થશે. પણ સત્તાનો નશો કેવો હોય છે? બ્રિટિશ સરકારે પોતાના અહંકારમાં આ લેખિત પત્રને કચરાપેટીમાં નાખી દીધો અને ગાંધીજીને ગંભીરતાથી ન લીધા. પરિણામ શું આવ્યું? ઐતિહાસિક દાંડી કૂચ થઈ. લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. અંગ્રેજ પોલીસે નિર્દોષ સત્યાગ્રહીઓ પર ભયાનક લાઠીચાર્જ કર્યો. પણ આંદોલન એટલું પ્રચંડ હતું કે બ્રિટિશ સત્તાએ અંતે ઝૂકવું જ પડ્યું. વાઈસરોય ઈરવિને ગાંધીજીને બરાબરીના સ્તરે ટેબલ પર બેસાડીને ગાંધી-ઈરવિન કરાર પર સહી કરવી પડી. સત્તા ગમે તેટલી મોટી કે તાકાતવર હોય, રસ્તા પર ઉતરેલી જનતા સામે તેને નમવું જ પડે છે. આજે 2026માં દિલ્હીમાં બરાબર આ જ ઘટના ફરી બની છે. CJPના યુવાનો અને સોનમ વાંગચુકે શિક્ષણ મંત્રીના રાજીનામા માટે લેખિત આવેદનપત્ર આપ્યું. આજના શાસકોએ પણ શરૂઆતમાં અંગ્રેજો જેવો જ અહંકાર દેખાડ્યો. માંગણીઓ ન સ્વીકારી અને દિલ્હીના રસ્તાઓ પર શાંતિપૂર્ણ કૂચ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર દંડા વરસાવ્યા. પણ જનતાનો આક્રોશ અને વિદેશી મીડિયાની ફટકાર જોઇને બ્રિટિશ વાઈસરોયની જેમ જ આજે સરકારના કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે યુવાનો સાથે વાટાઘાટોના ટેબલ પર આવવાની ફરજ પડી છે. ફરક માત્ર એટલો છે કે આજે સામે અંગ્રેજો નથી, આપણા જ ચૂંટેલા નેતાઓ છે. હવે વાત કરીએ આપણા ફાયદાની. આ આખા રાજકીય અને રાષ્ટ્રીય ખેલમાં ગુજરાત કે ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે? જો કેન્દ્ર સરકાર આ યુવા આંદોલનને તાકાતથી દબાવવાનો પ્રયાસ કરશે, તો દેશમાં મોટી અશાંતિ ફેલાશે. આવનાર રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળશે. જ્યારે દેશમાં રાજકીય અસ્થિરતા આવે, ત્યારે તેની સીધી અસર શેરબજાર, વિદેશી રોકાણ, સ્થાનિક વેપાર અને સામાન્ય માણસની રોજગારી પર પડે છે. આ એક બહુ મોટો આર્થિક અને સામાજિક ખતરો છે. પણ આ ખતરાની સામે એક શાનદાર તક પણ ઉભી છે. જો આ કોક્રોચ આંદોલન સફળ જશે, તો વર્ષોથી સડી ગયેલી શિક્ષણ સિસ્ટમ સાફ થશે. પેપર ફોડનારા મોટા માથાઓ સીધા જેલમાં જશે. ગુજરાતના કોઈપણ નાના ગામડાના સામાન્ય ખેડૂત કે મધ્યમ વર્ગના પરિવારનો દીકરો જ્યારે સરકારી નોકરીની પરીક્ષા આપશે, ત્યારે તેને ખાતરી હશે કે તેની મહેનત હવે ચોરાઈ નહીં જાય. સિસ્ટમમાં નૈતિક જવાબદેહી નક્કી થશે અને શાસકો જનતાથી ડરતા શીખશે. 2014 અને 2019માં જે ભારતીય જનતા પાર્ટીએ યુવા મતોના જોરે દિલ્હી સર કરી હતી, આજે બરાબર 12 વર્ષ બાદ એ જ યુવા વોટબેંકનો પાયો ખિસકી રહ્યો છે. CJPનો આ વિરોધ હવે માત્ર NEET પરીક્ષા પૂરતો મર્યાદિત નથી રહ્યો. તે ભારતની સમગ્ર શાસન વ્યવસ્થા સામેનો ખુલ્લો બળવો બની ગયો છે. રાજકીય ગણિત એકદમ સ્પષ્ટ છે. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના ભાવનાત્મક મુદ્દાઓ ખાલી પેટ અને બેરોજગાર હાથ સામે બહુ લાંબો સમય ટકી શકતા નથી. જો યુવાનોનો આ ગુસ્સો શાંત ન થયો, તો 2029ની લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષ માટે અબ કી બારનું સપનું સંપૂર્ણપણે વિખેરાઈ જશે. આ આંદોલને આજે આખા દેશને એક બહુ મોટો અને ઐતિહાસિક પાઠ ભણાવ્યો છે. જે ગાંધીને છેલ્લા દસ વર્ષથી સોશિયલ મીડિયા પર ગાળો ભાંડીને નબળા ચિતરવામાં આવ્યા, આજે એ જ સિસ્ટમ સામે લડવા માટે યુવાનો અને કોંગ્રેસ બંનેએ ગાંધીજીના સત્યાગ્રહનો માર્ગ અપનાવવો પડ્યો છે. લોકશાહીમાં ગાંધી બનવું એ કોઈ મજબૂરી કે વિકલ્પ નથી, પણ અહંકારી શાસકોને ઝુકાવવાની એકમાત્ર તાકાત છે. અને છેલ્લે... ઇતિહાસ હંમેશા પોતાનું પુનરાવર્તન કરે છે. 1930 માં મહાત્મા ગાંધીએ લોર્ડ ઈરવિનને પત્ર લખીને 11 માંગણીઓ કરી હતી. ત્યારે પણ અંગ્રેજોએ અહંકારમાં લાઠીઓ વરસાવી હતી, પણ અંતે ઝૂકીને ગાંધી-ઈરવિન કરાર કરવો પડ્યો હતો. આજે 2026માં જ્યારે સોનમ વાંગચુક અને અભિજીત દીપકેએ NEETના ન્યાય માટે માંગણીઓ મૂકી, ત્યારે આજના શાસકોએ પણ દિલ્હીના રસ્તાઓ પર યુવાનો પર દંડા જ વરસાવ્યા. પણ જનતાનો આક્રોશ જોઇને જેમ બ્રિટિશ વાઈસરોયે વાટાઘાટો કરવી પડી હતી, બરાબર એમ જ આજે સરકારના મંત્રીઓએ આ યુવાનો સાથે ટેબલ પર બેસવાની ફરજ પડી છે. ફરક માત્ર એટલો છે કે સામે અંગ્રેજો નથી, પણ આપણા જ ચૂંટેલા શાસકો છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    આમિર ખાને અશ્નીર ગ્રોવરની બાયોપિક સાથે છેડો ફાડ્યો:સર્જનાત્મક મતભેદો પછી પ્રોજેક્ટ છોડ્યો, શ્રદ્ધા કપૂર નવા યંગ એક્ટર સાથે ફિલ્મ બનાવશે
    Next Article
    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો:અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા આદેશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment