Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: વાંગચુક બીજા અન્ના હજારે કેમ ના બની શક્યા?:સાત કારણોથી બન્ને આંદોલનોની સરખામણી ખોટી, મોદીએ ઇન્દિરા ગાંધી જેવું ડેરિંગ ના કરવાનું ગણિત સમજો

    1 day ago

    સંસદનું સત્ર ભલે અંદર શરૂ થયું હોય, પણ અસલી ઘમાસાણ દિલ્હીના રસ્તાઓ પર છે. 22 લાખ વિદ્યાર્થીઓ, 14 આત્મહત્યા અને એક વંદાથી શરૂ થયેલી કહાનીએ દેશને એવી એજ્યુકેશનલ ઈમર્જન્સી શરૂ કરી છે, જે સરકારની ઊંઘ હરામ કરી રહી છે. વાત કરીએ દિલ્લીના જંતર મંતર પર શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ચાલી રહેલા આંદોલનની. સાથે જ જાણીશું કે સોનમ વાંગચૂકની ભૂખહડતાળને અન્ના હજારે સાથે જોડવું કેટલું યોગ્ય? નમસ્કાર.... મે 2026. NEET-UGનું પેપર ફૂટ્યું. આ માત્ર એક પરીક્ષા રદ થવાની ઘટના નહોતી, પણ સિસ્ટમ પરના વિશ્વાસની હત્યા હતી. કલ્પના કરો ગુજરાત કે યુપીના કોઈ સામાન્ય ગામડાના પિતાની, જેણે પેટે પાટા બાંધીને દીકરાને ડોક્ટર બનવા કોચિંગ ક્લાસમાં મોકલ્યો હોય, અને ખબર પડે કે પેપર તો લાખો રૂપિયામાં વેચાઈ ગયું છે! તેમના પર કેવી વીતે? આ નિરાશાએ 14 યુવાનોના જીવ લીધા. પણ આ વખતે હતાશાએ હથિયાર હેઠા ન મૂક્યા, તેણે એક નવો જ રસ્તો પકડ્યો. બન્યું એવું કે સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી ચાલી રહી હતી. તેવામાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે બેરોજગાર યુવાનોને કથિત રીતે કોક્રોચ શબ્દનો પ્રયોગ કર્યો. સામાન્ય રીતે આવા અપમાન લોકો ગળી જતા હોય છે. પણ આજના ઇન્ટરનેટ યુગના યુવાનોએ પર્સનલી લઈને આ અપમાનને જ પોતાનું હથિયાર બનાવી લીધું. રાતોરાત કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો. આ કોઈ સામાન્ય રાજકીય પક્ષ નહોતો. AI ટૂલ્સની મદદથી બનેલો મેનિફેસ્ટો અને આળસુ અને બેરોજગારોનો અવાજ જેવી કટાક્ષવાળી ટેગલાઈને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી. માત્ર 5 દિવસમાં 10 મિલિયન ફોલોઅર્સ! જે શાસક પક્ષ ભાજપના સત્તાવાર એકાઉન્ટ કરતાં પણ વધુ હતા. અહીં દેશ માટે એક મોટો ખતરો અને એક તક બંને છુપાયેલા છે. ખતરો એ છે કે દેશનો યુવાન વ્યવસ્થાથી પૂરી રીતે મોહભંગ થઈ ચૂક્યો છે. જ્યારે તક એ છે કે આ યુવા પેઢી હિંસા કે તોડફોડ કરવાને બદલે ડિજિટલ વ્યંગ અને ગાંધીવાદી રસ્તે પોતાનો હક માંગી રહી છે. જ્યારે ઈનોવેટર બન્યા 'માનદ વંદો' ઇન્ટરનેટ પૂરતો સીમિત આ ગુસ્સો જમીન પર ત્યારે ઉતર્યો જ્યારે દેશના પ્રખ્યાત ઈનોવેટર અને પર્યાવરણવાદી સોનમ વાંગચૂક તેમાં જોડાયા. વાંગચૂકે યુવાનોના આ કટાક્ષને વધાવતા કહ્યું, "હું બેરોજગાર તો નથી, પણ માનદ વંદો જરૂર છું." 28 જૂને જંતર-મંતર પર શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે તેમણે અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા. વાંગચૂકના આવવાથી આંદોલનનું વજન અચાનક વધી ગયું. ઓનલાઈન વ્યંગ હવે ઓફલાઈન સત્યાગ્રહ બની ગયો. ઉપવાસના 19મા દિવસ સુધીમાં વાંગચૂકનું વજન 9 કિલો ઘટી ગયું, બ્લડ સુગર ભયજનક સ્તરે પહોંચી ગયું. છતાં તેમનું મનોબળ અતૂટ હતું. પણ સામે છેડે સરકારનો અહંકાર અને અસુરક્ષા અહીંથી જ છતા થવા લાગ્યા. વાતચીતનો રસ્તો કાઢવાને બદલે ઉપવાસના 21મા દિવસે દિલ્હી પોલીસે જંતર-મંતર પર છાવણીમાં ઘૂસીને જે રીતે વાંગચૂકને બળજબરીથી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા, તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હોસ્પિટલનો હાઈવોલ્ટેજ ડ્રામા હવે આપણે વાત કરીએ કે કેવી રીતે વાંગચૂકના જોડાવાથી એક ઓનલાઈન આંદોલન રસ્તા પર ઉતરી આવ્યું. પણ, પોલીસની આ બળજબરી ખાલી એક કાનૂની પગલું નહોતું, તે સત્તાની અસુરક્ષાનો સૌથી મોટો પુરાવો હતો. પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ એકદમ સચોટ શબ્દોમાં કહ્યું છે કે, "સોનમ વાંગચૂક આજે ભારતના અંતરાત્માનો અવાજ છે." જરા ઇતિહાસના પાના ફેરવી જુઓ. 2011માં જ્યારે અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચરમસીમાએ હતું, ત્યારે તત્કાલીન UPA સરકારે વાતચીતનો સેતુ બાંધ્યો હતો. ખુદ વડાપ્રધાને સંવાદ માટે મંત્રીઓ મોકલ્યા હતા. પણ આજે? આજે શાંતિપૂર્ણ ઉપવાસ કરી રહેલા 60 વર્ષના એક ગાંધીવાદી વિચારક સાથે વાત કરવાને બદલે સીધો પોલીસ બળનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુહાના મતે, આ સરકારની તાકાત નથી, પણ ઈનસેન્સિટિવિટી એટલે કે અસંવેદનશીલતા અને અંદરખાને રહેલો ભય છે. વાંગચૂકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ જ્યારે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને આ કાર્યવાહીને ગેરકાયદેસર અટકાયત ગણાવી, ત્યારે સિસ્ટમનો અહંકાર આખા દેશ સામે ખુલ્લો પડી ગયો. સરકાર માટે હવે આ કાયદો અને વ્યવસ્થાનો નહીં, પણ ઈગોનો સવાલ બની ગયો છે. અન્ના હજારે અને વાંગચૂક: આ સરખામણી કેમ ખોટી? હવે એક બહુ મોટો વર્ગ આ આંદોલનને નવા અન્ના આંદોલન તરીકે જોઈ રહ્યો છે. પણ આ સરખામણી જ ભૂલભરેલી છે. ન્યૂરો સાઈકિયાટ્રિસ્ટ કૃષ્ણમૂર્તિએ રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોની 4 M's એટલે કે મેસેન્જર, મેસેજ, મિકેનિક્સ અને મિશનરીઝ થિયરી અહીં સમજવા જેવી છે. અન્ના પાસે એક આખી પ્રોપર સિસ્ટમ હતી, તેમની પાછળ એક મોટો રાજકીય વિપક્ષ અને મજબૂત ચહેરાઓ ઊભા હતા. જ્યારે વાંગચૂકની સ્થિતિ સાવ ઊંધી છે. અહીં CJP આંદોલન પહેલાં ઊભું થયું અને વાંગચૂક તેમાં પાછળથી પોતાની નૈતિક સત્તા લઈને જોડાયા. વાંગચૂકની પાછળ કોઈ જ રાજકીય પીઠબળ નથી, તેઓ એકલા હાથે લાખો બેરોજગાર યુવાનો માટે લડી રહ્યા છે. અન્ના આંદોલન એક કાળજીપૂર્વક પ્લાન કરેલો ઇવેન્ટ હતો, જ્યારે આ આંદોલન સિસ્ટમથી કંટાળેલા યુવાનોનો સ્વયંભૂ જ્વાળામુખી છે. જ્યારે આઈટી સેલના તમામ હથિયારો બૂઠાં સાબિત થયા આંદોલનને તોડવા માટેનો સૌથી મોટો ખેલ જંતર-મંતર પર નહીં, પણ પડદા પાછળ ઇન્ટરનેટ પર ખેલાઈ રહ્યો હતો. શાસક પક્ષના આઈટી સેલે વાંગચૂક અને CJPનું ચરિત્ર હનન કરવાના તમામ હથિયારો અજમાવી લીધા. શરૂઆતમાં અફવા ઉડાવી કે આંદોલનનું ફંડિંગ પાકિસ્તાનથી આવે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામના ડેટાએ સાબિત કર્યું કે 94% ફોલોઅર્સ ભારતીય છે, ત્યારે નવો દાવ ફેંકાયો - 'આ તો જ્યોર્જ સોરોસની ગેંગ છે'. એ પણ ન ચાલ્યું તો વાંગચૂકને સીધા 'ચીની એજન્ટ' અને 'દેશવિરોધી' ગણાવી દીધા. સીજેપી કે જંતર-મંતરમાં ગમે તે થાય! મારે શું? અહીં સવાલ એ થાય કે, સામાન્ય ગુજરાતી નાગરિક માટે આનો અર્થ શું? ગુજરાતના લાખો યુવાનો કે જેઓ તલાટી, ક્લાર્ક કે GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ તૈયારી કરે છે, તેઓ વર્ષોથી પેપર લીકના દર્દને ભોગવી રહ્યા છે. જ્યારે દર્દ જમીની અને તમારું પોતાનું હોય, ત્યારે વોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન કામ નથી લાગતું. સંસદના દરવાજે યુવાનોનો અવાજ: 20 જુલાઈનો ટકરાવ હવે વાત કરીએ આજની 20 જુલાઈની. એક બાજુ આજે દેશની સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, તો બીજી તરફ નવી દિલ્હીના રસ્તાઓ પર હજારો યુવાનો ઉમટી પડ્યા છે. CJPની ચલો સંસદ માર્ચને ડામવા માટે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSSની નવી કલમ 163 લગાવી દીધી છે. સંસદ અને જંતર-મંતર ફરતે થ્રી ટીયર સુરક્ષાનો લોખંડી ઘેરો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે, છતાં યુવાનો વિખેરાયા નથી. બીજી બાજુ, હોસ્પિટલના બિછાનેથી વાંગચૂકે આજના દિવસને દેશની બીજી સ્વાતંત્ર્ય ચળવળ ગણાવીને યુવાનોમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. એક ચિંગારી જે દેશભરમાં દાવાનળ બની સરકારની ગણતરી હતી કે વાંગચૂકને હોસ્પિટલમાં શિફ્ટ કરવાથી આંદોલન પડી ભાંગશે. પણ ઊલટું થયું. આ આક્રોશ દિલ્હીની સીમાઓ લાંઘીને દેશભરમાં ફેલાઈ ચૂક્યો છે. આસામના ગુવાહાટીમાં નકુલ અને ગૌરવ નામના વિદ્યાર્થીઓએ વાંગચૂકના વિશાળ ભીંતચિત્રો બનાવ્યા, તો પોલીસે પબ્લિક પ્રોપર્ટીના નુકસાનના નામે તેમની અટકાયત કરી લીધી. મુંબઈના આઝાદ મેદાનમાં પ્રચંડ દેખાવો થઈ રહ્યા છે. કર્ણાટક અને પશ્ચિમ બંગાળની શાંતિનિકેતન યુનિવર્સિટીમાં પણ યુવાનો રસ્તા પર છે. હવે જાણો નેતાઓએ કે વિપક્ષે વાંગચૂક મામલે શું નિવેદનો આપ્યા હતા. વાંગચૂક ભલે હોસ્પિટલમાં કેદ હોય, પણ આંદોલનની કમાન હવે સીધી યુવા પેઢીના હાથમાં આવી ગઈ છે. તેમની ગેરહાજરીમાં પત્ની ગીતાંજલિ અને CJPના 30 વર્ષીય સ્થાપક અભિજીત દીપકે આંદોલનનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું છે. અભિજીતે પણ પોતાના અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કરી દીધા છે. સિસ્ટમ જે વંદાને કચડવા માંગતી હતી, તે હવે હજારોની સંખ્યામાં રસ્તા પર છે અને પોતાના હક માંગી રહ્યા છે. આખી વાતનો નીચોડ એ છે કે આ કોઈ એક પેપર લીક, એક પરીક્ષા કે માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની લડાઈ રહી જ નથી. આ દેશમાં ક્રાઈસીસ ઓફ ટ્રસ્ટનો સૌથી મોટો પુરાવો છે. જ્યારે દેશની સિસ્ટમ લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે, હજારો ખર્ચ્યા પછી નોકરીઓ ન મળે અને સામે કોઈ જવાબ આપવા વાળું ન હોય, ત્યારે લોકશાહીમાં હિંસાને બદલે કટાક્ષ અને સત્યાગ્રહનો માર્ગ અપનાવવો એ આ યુવા પેઢીની સૌથી મોટી જીત છે. રામચંદ્ર ગુહાના શબ્દો યાદ રાખજો... આજે એક સવાલ દેશની જનતાએ અને સરકારે પોતાની જાતને પૂછવાનો છે: શું આપણે એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં યુવાનોએ ભણવા માટે નહીં, પણ માત્ર ન્યાય માંગવા માટે રસ્તા પર લાઠીઓ ખાવી પડે? જો હા, તો આ શૈક્ષણિક ઈમરજન્સી દેશને કઈ ભયંકર દિશામાં લઈ જશે? અને છેલ્લે... તમને જાણીને નવાઈ લાગશે કે 1984માં ભારતના તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ લેહની મુલાકાત લઈને સોનમ વાંગચૂકના પિતા સોનમ વાંગ્યાલના ઉપવાસ છોડાવવા જાતે પ્રયાસ કર્યો હતો. સામેની બાજુ અત્યારની સરકારે વાંગચૂકનો ઉપવાસ છોડાવવાનો તો દૂર વાંગચૂક સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ નથી કર્યો. આવું એટલા માટે કારણ કે સરકારના મંત્રી મંડળમાં કોઈ રાજીનામા નથી પડતા કારણ કે જો એવું થાય તો સરકારથી ભૂલ થઈ ગઈ છે તેવું સિદ્ધ થાય જે હાલની સરકાર બિલકુલ નથી ઈચ્છતી કે નહીં ક્યારેય ઈચ્છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    શિક્ષણમાં પારદર્શિતા માટે ભુજમાં જાહેર પ્રદર્શન:સમાન તક અને ન્યાયની માંગ સાથે યુવાનો જોડાયા
    Next Article
    Donald Trump Sparks Awkward World Cup Podium Moment, FIFA Chief Intervenes

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment