Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: અમેરિકા-ઈરાન યુદ્ધ પર મહાબ્રેક!:107 દિવસ બાદ ટ્રમ્પને ચીન ઘૂંટણીયે લાવ્યું? તેલ-ગેસ ક્યારે સસ્તું થશે? તમારા ખિસ્સાના 5 ફાયદાનું ગણિત અને નેતન્યાહુના પતનનું એનાલિસિસ

    8 hours ago

    ઈસ્લામિક દેશોમાં છેલ્લા 3 મહિનાથી ભયાનક આગ લાગેલી છે એ હવે ઓલાઈ શકે એમ છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમેરિકા અને ઈરાન યુદ્ધ પૂરું થવાના આરે આવ્યું છે. યાદ હોય તો 28 ફેબ્રુઆરીના અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને ઓપરેશન એપિક ફ્યૂરી અને ઓપરેશન રોરિંગ લાયન ચલાવીને ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. જેમાં ખામૈનીનો ખાત્મો થયો અને હોર્મુઝ બંધ થવાના કારણે આપણા ખિસ્સા સુધી યુદ્ધના ભડકાની ચિનગારી પહોંચી. દુનિયાને એવું લાગી રહ્યું હતું કે હવે આ મામલો દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ બાજુ લઈ જશે. પણ 107 દિવસ પછી યુદ્ધ રોકાવાની જાહેરાત થઈ જેની ફાઈનલ ચર્ચા આવનાર શુક્રવારે શરૂ થશે, જો બધુ ઠીક રહ્યું તો યુદ્ધ રોકાઈ જશે. પણ તેનાથી આપણને શું ફાયદો અને કેટલા સમય પછી ફાયદો થવાનો છે? આ બધાની આજે વાત કરવી છે અને સમજવું છે કે શું ચીને યુદ્ધ રોકવા માટે આડકતરી રીતે અમેરિકાને ધમકી આપી હતી? નમસ્કાર... આપણને સીધો સવાલ એ થાય કે દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકાએ અચાનક પીછેહઠ કેમ કરી? શું અમેરિકા ઈરાનથી ડરી ગયું છે? શું અચાનક તેમને શાંતિનો પાઠ સમજાઈ ગયો? ના, એવું બિલકુલ નથી. અમેરિકાને સપનું આવ્યું અને યુદ્ધ રોકી નાખ્યું એવું પણ નથી. આમાં બે વાતો સામે આવી રહી છે એક કે અમેરિકા સામે ચીને મોરચો માંડ્યો અને બીજું કે અમેરિકાના બંધારણે ટ્રમ્પને પટકીને ભોંય ભેગા કર્યાં. અમેરિકાના બંધારણમાં એક બહુ મજબૂત ચેક-એન્ડ-બેલેન્સ સિસ્ટમ છે. ત્યાં દેશના રાષ્ટ્રપતિ પાસે પોતાની મરજીથી લાંબુ યુદ્ધ લડવાની સત્તા નથી. યુદ્ધ કરવાની નિયમસર સત્તા માત્ર અમેરિકન સંસદ એટલે કે કોંગ્રેસના હાથમાં જ છે. વોર પાવર્સ એક્ટ: ટ્રમ્પના બંધાયેલા હાથ અહીં એક કાયદો વચ્ચે આવ્યો, જેનું નામ છે વોર પાવર્સ એક્ટ 1973. આ કાયદાનો નિયમ બહુ જ કડક છે. અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી લીધા વગર 60 દિવસથી વધારે સમય સુધી સૈન્ય સંઘર્ષ કે યુદ્ધ ચાલુ રાખી જ ન શકે. આ જ્ઞાન અમેરિકાને ત્યારે આવ્યું જ્યારે વિયેતનામે અમેરિકાને બહુ નુકસાન પહોંચાડ્યું. પણ અત્યારની વાત કરીએ તો ઈરાન સામેના યુદ્ધમાં આ 60 દિવસની ડેડલાઈન 1 મે, 2026ના જ પૂરી થઈ ગઈ હતી. જેના લીધે યુદ્ધ ચાલુ રાખવાના ટ્રમ્પના બધા જ કાનૂની ઓપ્શન્સ પૂરા થઈ ગયા હતા. અત્યાર સુધી સીઝફાયર સમયે ટ્રમ્પ વારંવાર એવી વાતો કરતા હતા કે યુદ્ધ તો પૂરું થઈ ગયું છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હતી. દરિયામાં નાકાબંધી અને હવાઈ હુમલાઓ રોકાયા નહોતા. રિપબ્લિકન સાંસદ બ્રાયન ફિટ્ઝપેટ્રિકે તો મીડિયા સામે ચોખ્ખું કહી દીધું કે, "તમારી પાસે બે જ રસ્તા છે: કાં તો કાયદાનું પાલન કરો અથવા કાયદો બદલો. તમે કાયદાનું ઉલ્લંઘન કરી શકો નહીં". આમ, કાયદાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથ બાંધી દીધા. ચૂંટણીનો ડર અને સાંસદોનો બળવો બીજું સૌથી મોટું કારણ અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ હતી. નવેમ્બર 2026માં ત્યાં મિડ ટર્મની ચૂંટણી આવવાની છે. યુદ્ધ ખેંચાવાના કારણે અમેરિકામાં ક્રૂડ અને ગેસના ભાવો વધી ગયા છે. જેના કારણે સામાન્ય અમેરિકન માણસના ખિસ્સા ખાલી થવા લાગ્યા. 4 જૂન, 2026ના રોજ અમેરિકન સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક મોટો ખેલ પડી ગયો. યુદ્ધ રોકવા માટે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જે 215 વિરુદ્ધ 208 મતોથી પાસ થઈ ગયો. ટૂંકમાં ટ્રમ્પ યુદ્ધ હવે લંબાવી નહીં શકે. વિચારવા જેવી વાત એ છે કે ટ્રમ્પની પાર્ટીના 4 થી 6 સભ્યોએ વિપક્ષ સાથે મતદાન કર્યું! કોંગ્રેસમેન જ્હોન લાર્સને ચોખ્ખું કહ્યું કે આ ગેરકાયદેસર યુદ્ધ પરિવારોના પાકીટ પર ડાકો પાડી રહ્યું છે. આમ, સત્તા ગુમાવવાનો ડર અને આર્થિક નુકસાને અમેરિકાને યુદ્ધવિરામ કરવા મજબૂર કરી દીધું. શું ચીને અમેરિકાને સીધી સૈન્ય ધમકી આપી યુદ્ધ રોકાવ્યું? આપણે બધા વિચારીએ છીએ કે યુદ્ધ અચાનક કેમ રોકાઈ ગયું? ચાલો હવે આખી જીઓપોલિટિક્સમાં ચીનની એન્ટ્રી અને તેના રોલને બારીકાઈથી સમજીએ. આપણને સામાન્ય રીતે એવો પ્રશ્ન થાય કે શું ચીને ખરેખર કોઈ મોટી અને સીધેસીધી લશ્કરી ધમકી અમેરિકાને આપી દીધી હતી? જે ડેટા અને રાજદ્વારી માહિતી આપણી પાસે છે, તે કહી જાય છે કે ચીને એવી કોઈ સીધી સૈન્ય કાર્યવાહીની ચેતવણી નહોતી આપી. પણ તેમણે એક એવો ગજબનો ડિપ્લોમેટિક માસ્ટરસ્ટ્રોક માર્યો કે અમેરિકા ખરેખર ભીંસમાં આવી ગયું. ચીને પોતાની બુદ્ધિ વાપરીને અને ધીરજથી વર્લ્ડ લેવલે ઈકોનોમિક અને ડિપ્લોમેટિક પ્રેશર ઊભું કર્યું. જે પણ ચીને કોઈ સંત મહાત્મા બનીને નહોતું કર્યું, તેમાં ચીનની મોટી ગરજ છૂપાયેલી હતી. વાત જાણે એમ છે કે ચીનની વિશાળ અર્થવ્યવસ્થા ચલાવવા માટે તેમને ઈરાનના તેલ-ગેસની જરૂર છે. પોતાની કુલ ક્રૂડ ઓઈલની જરૂરિયાતનું 13 ટકા જેટલું તેલ ચીન માત્ર ઈરાન પાસેથી, અને તે પણ ઘણા સારા ડિસ્કાઉન્ટ ભાવે ખરીદે છે. આ સિવાય, વર્ષ 2021માં ચીન અને ઈરાન વચ્ચે 25 વર્ષ માટેનો એક બહુ મોટો સહકાર કરાર થયો હતો, જેમાં ચીને 400 બિલિયન ડોલર જેટલી મોટી રકમનું રોકાણ ઈરાનમાં કરેલું છે. જો આ અમેરિકા-ઈરાન યુદ્ધ વધારે લાંબુ ચાલે, તો દુનિયાની આખી સપ્લાય ચેઈન ખોરવાય અને સાથે જ ચીનની પોતાની એનર્જી સિક્યોરિટી પણ જોખમમાં મુકાઈ જાય. આ સંકટનો સામનો કરવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પડદા પાછળની રમતો શરૂ કરી દીધી. તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને UAEના ટોચના નેતાઓ સાથે સીધી વાતચીત ચાલુ કરી. તેમણે પોતાની માંગ મૂકી કે દુનિયાના વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટ ગમે તેમ કરીને ખુલ્લી રાખવી જ પડશે. આ વાત સીધી ગલ્ફ દેશોના આર્થિક હિતો સાથે જોડાયેલી હતી. ચીને પોતાના ગ્લોબલ સિક્યોરિટી ઈનિશિએટિવ પ્રોજેક્ટથી આખા મિડલ ઈસ્ટમાં પોતાની જાતને એક શાંતિ દૂત તરીકે ઊભી કરી દીધી. ચીને એવી પરિસ્થિતિ ઊભી કરી કે જો અમેરિકા હવે યુદ્ધ નહીં રોકે, તો આવનારી આખી વૈશ્વિક મંદીનું કલંક સીધું અમેરિકાની આક્રમક નીતિઓના માથે જ આવશે. આ અદ્રશ્ય દબાણ સામે ઝૂક્યા વિના અમેરિકા પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. શું ઈરાનને ખરેખર એક પરમાણુ દેશ તરીકે સ્વીકારી લેવાયું? હવે વાત કરીએ આ શાંતિ કરારની સૌથી ગૂંચવાયેલી અને વિવાદાસ્પદ બાબત વિશે, જે છે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. શરૂઆતમાં અમેરિકાની અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક જ જીદ હતી કે ઈરાનના તમામ ન્યૂક્લિયર પ્રોગ્રામને મૂળમાંથી જ નષ્ટ કરી નાખવા. એટલું જ નહીં, તેમનો આગ્રહ હતો કે ઈરાન પાસે જે હાઈલી એનરિચ્ડ યુરેનિયમ એટલે કે અત્યંત સંવર્ધિત યુરેનિયમનો ભયજનક જથ્થો છે, તે તમામ જથ્થો દેશની બહાર કોઈ અન્ય જગ્યાએ કાઢી લેવો. પણ, હકિકતમાં અત્યારે પિક્ચર સાવ બદલાઈ ગયું છે. ઔપચારિક રીતે ભલે અમેરિકા હજુ ઈરાનને પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ એટલે કે ન્યૂક્લિયર પાવર તરીકે સત્તાવાર માન્યતા ન આપે, પણ કરારના ડ્રાફ્ટ મુજબ તેમણે બહુ મોટી બાંધછોડ માનવી પડી છે. ઈરાને અત્યારે માત્ર એવી ખાતરી આપી છે કે તે કોઈ પરમાણુ શસ્ત્રો નહીં બનાવે. તેના બદલામાં અમેરિકાએ એવું સ્વીકાર્યું છે કે ઈરાન પોતાનો વર્તમાન પરમાણુ કાર્યક્રમ જે સ્થિતિમાં છે ત્યાં જ જાળવી રાખશે, એટલે કે તેને ફ્રીઝ કરશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘાતક યુરેનિયમને દેશની બહાર મોકલવાને બદલે ઈરાન પોતાના જ દેશની અંદર તેને ડાયલ્યૂટ કરી શકશે. આનો સીધો અર્થ એ થાય કે ટ્રમ્પ પ્રશાસન પોતાની જૂની જક્કી માંગણીઓ ભૂલી ગયું છે અથવા ભૂલવી પડી એવું કહીએ તો પણ ચાલે. અમેરિકાએ ઈરાનને હવે એક થ્રેશોલ્ડ ન્યૂક્લિયર સ્ટેટ તરીકે સ્વીકારવું પડશે. આ જ એક મોટું કારણ છે કે અત્યારે ઈઝરાયલના નેતાઓ અને ખુદ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ઘણા સભ્યો આ શાંતિ કરારનો સખત અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બંને દેશોની પોતાની જીદ શું છે? તમને એવો સવાલ થાય કે અમેરિકા અને ઈરાન વચ્ચે શું ડિલ થઈ છે? તો વાત એમ છે કે 14 જૂનના રોજ જે ઐતિહાસિક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી થઈ છે, તેમાં કેટલીક ખૂબ જ કડક અને મહત્વની શરતો નક્કી કરવામાં આવી છે. આ શરતોનો આવનાર 60 દિવસના તકનીકી સમયગાળામાં અમલ કરવાનો છે. જે નીચે મુજબની છે. સ્વિટ્ઝરલેન્ડમાં 19 જૂને યુદ્ધ રોકવા બેઠક આરંભિક સમજૂતીઓ તો થઈ ગઈ છે, પણ હવે આવનારી શુક્રવાર એટલે કે 19 જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડના સુંદર શહેર જીનિવામાં આ ઐતિહાસિક કરાર પર સત્તાવાર અને ઔપચારિક હસ્તાક્ષર થવાના છે. હવે સવાલ એ ઊભો થાય છે કે દુનિયામાં આટલા બધા દેશો છે તો પછી આ મોટા કામ માટે સ્વિટ્ઝરલેન્ડ જ કેમ? ઈન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આ શહેરને પસંદ કરવું તેની પાછળ ઘણા કારણો છે. વાત છે 1980 ના દાયકાની. જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ વધી અને વાતચીતના સંબંધો સાવ તૂટી ગયા, ત્યારથી સ્વિટ્ઝરલેન્ડ ઈરાનની અંદર અમેરિકા માટે પ્રોટેક્ટિંગ પાવર તરીકે કામ કરે છે. બે દેશો વચ્ચે કોઈ સીધો સંપર્ક ન હોય ત્યારે અમેરિકાના તમામ સત્તાવાર સંદેશાઓ અને સંચાર કાર્ય સ્વિસ એમ્બેસીના માધ્યમથી જ કરવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડ દુનિયાભરમાં પોતાની તટસ્થતા માટે જાણીતું છે. તે ક્યારેય કોઈનો પક્ષ લેતું નથી. આ જ કારણે બંને વિરોધી દેશોને તેના પર મધ્યસ્થી તરીકે પૂરો ભરોસો છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કરતા પહેલા અમેરિકાએ સ્વિટ્ઝરલેન્ડને કોઈ આગોતરી જાણ કરી નહોતી. હવે આ સંધિના કારણે ફરીથી ડિપ્લોમેટિક સંબંધોને પાટા પર લાવવાનો મોટો પ્રયાસ થઈ રહ્યો છે. 19 જૂનની ઔપચારિક બેઠક બાદ બંને દેશો વચ્ચે 60 દિવસની ટેકનિકલ વાટાઘાટો શરૂ થશે, જેમાં ફસાયેલા જહાજો અને આર્થિક નુકસાનના લાંબા ગાળાના ઉકેલો પર માથાપચ્ચી કરવામાં આવશે. પશ્ચિમી દેશો ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટ કાયમ માટે ટોલ-ફ્રી રહે અને તેમાં રહેલી દરિયાઈ સુરંગો તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે. આ મામલો હજુ પણ ગરમાગરમ ચર્ચાઓ માંગે છે. મિડલ ઈસ્ટમાં અમેરિકાની પીછેહઠ અને નવો પાવર ગેમ આ યુદ્ધે મિડલ ઈસ્ટ એટલે કે પશ્ચિમ એશિયાનું આખું જીઓગ્રાફિકલ અને પોલિટિકલ પિક્ચર ધરમૂળમાંથી બદલી નાખ્યું છે. દાયકાઓથી પેટ્રો ડોલર સમજૂતીના કારણે સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ જેવા દેશો પોતાની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે અમેરિકા પર આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. તેમને લાગતું કે અમેરિકાની સિક્યોરિટી ગેરંટી છે, એટલે કોઈ તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. પણ આ સંઘર્ષમાં આખો ભ્રમ તૂટી ગયો. જ્યારે ઈરાને સાઉદી અને યુએઈ પર મિસાઈલો છોડી, ત્યારે અમેરિકાની કરોડો ડોલરની પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ્સ સાવ નિષ્ફળ ગઈ. ઈરાનના સસ્તા પણ ખતરનાક ડ્રોન સામે અમેરિકન ટેકનોલોજી પાણીમાં બેસી ગઈ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એકલા યુએઈ પર 3 હજારથી વધારે ડ્રોન અને મિસાઈલ હુમલા થયા હતા! ગલ્ફ દેશો હવે બરાબર સમજી ગયા છે કે અમેરિકા જરાય ભરોસાપાત્ર ભાગીદાર નથી. તે પોતાના સ્થાનિક રાજકારણ ખાતર ગમે ત્યારે આખા પ્રદેશને આગમાં હોમી શકે છે. રશિયા અને ચીનનો પડદા પાછળનો મોટો ખેલ અમેરિકાની આ નબળાઈનો પૂરેપૂરો ફાયદો ચીન અને રશિયાએ ઉઠાવ્યો છે. રશિયાએ યુદ્ધમાં કોઈ સીધી એન્ટ્રી ન લીધી, પણ ઈરાનને અત્યંત ગુપ્ત રીતે અમેરિકન જહાજોના લોકેશન માટે સેટેલાઈટ ઈમેજ પૂરી પાડી. એટલું જ નહીં, આ યુદ્ધના લીધે દુનિયામાં ક્રૂડ ઓઈલ મોંઘુ થયું, જેનાથી રશિયાને ઘરે બેઠા 161 બિલિયન ડોલરની વધારાની ઐતિહાસિક કમાણી થઈ ગઈ! આ ફંડ હવે તે યુક્રેન સામેના યુદ્ધમાં વાપરશે. બીજી બાજુ, ચીને કોઈ લશ્કરી હથિયારો આપવાને બદલે આર્થિક અને રાજદ્વારી સુરક્ષા ગેરંટી આપી. ચીન હવે બધા પક્ષોને પોતાની સાથે જોડીને એક નવું મલ્ટીપોલર સુરક્ષા માળખું ઊભું કરી રહ્યું છે, જેનાથી અમેરિકાનો પાવર ઘટી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ: દુનિયાની નસ ઈરાનના હાથમાં ફેબ્રુઆરી મહિનાથી ઈરાને દુનિયાનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો હતો. સમુદ્રમાં સેંકડો જહાજો મહિનાઓથી ફસાયેલા હતા. હવે આ સમજૂતી થતાં આ માર્ગ 60 દિવસ માટે કોઈ પણ ટોલ વસૂલ્યા વિના ખોલવામાં આવ્યો છે. દરિયામાંથી ખતરનાક માઈન્સ હટાવવા યુકે અને ફ્રાન્સ મદદ કરશે. પણ ઈરાને એક નવી સંસ્થા પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી બનાવીને દુનિયાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આ જળમાર્ગ પર તેમનો જ કંટ્રોલ રહેશે. ભારત અને આપણા ગુજરાત માટે શું ખુશખબર? આપણા માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે ભારત પોતાની ક્રૂડ અને એલએનજીની મોટાભાગની જરૂરિયાતો માટે ગલ્ફ દેશો પર નિર્ભર છે. ત્રણ મહિનાથી કતારમાં ફસાયેલું ભારતની પેટ્રોનેટ કંપનીનું એક વિશાળ જહાજ હવે સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરીને આપણા ગુજરાતના દહેજ ટર્મિનલ તરફ પ્રયાણ કરી ચૂક્યું છે. ચાલો જોઈએ આ યુદ્ધ રોકાવાથી ભારતને શું સીધા ફાયદા થશે: વિશ્વની અર્થવ્યવસ્થાને મળ્યું નવું જીવતદાન જો આપણે દુનિયાના નજરિયાથી જોઈએ તો, હજારો નિર્દોષ જીવો બચી ગયા છે. જે વૈશ્વિક અર્થવ્યવસ્થા સપ્લાય ચેઈન તૂટવાથી મંદી તરફ ધકેલાઈ રહી હતી, તેને એક નવું જીવતદાન મળ્યું છે. પરંતુ, આ યુદ્ધવિરામ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે એક બહુ મોટી વ્યૂહાત્મક હાર સમાન છે. ઈરાન જેવા દેશના પ્રોક્સી જૂથોને આજે એવો મેસેજ મળી ગયો છે કે દુનિયાનો ટ્રેડ રૂટ બંધ કરીને વિશ્વની મહાસત્તાઓને પણ ઘૂંટણિયે પાડી શકાય છે. આજે યુરોપના માંડ 10 ટકા લોકો એવું માનતા હશે કે અમેરિકા તેમને મુશ્કેલીના સમયે સાથ આપશે. દુનિયા અને ભારતના બજારોમાં જબરદસ્ત તેજી જ્યાં એક બાજુ દુનિયાના નકશા પર ભૌગોલિક રાજનીતિ સાવ બદલાઈ રહી છે, ત્યાં બીજી બાજુ શેરબજારમાં સામાન્ય રોકાણકારોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. યુદ્ધવિરામના અને ક્રૂડ ઓઈલ સસ્તું થવાના સમાચાર માર્કેટ માટે અમૃત સમાન સાબિત થયા છે. સમાચાર આવતા જ દુનિયાભરના શેરબજારોમાં એક ઐતિહાસિક રિસ્ક-ઓન રેલી જોવા મળી. લોકોના મનમાંથી યુદ્ધનો જે ડર હતો તે નીકળી ગયો અને બજારો નવી ઊંચાઈએ પહોંચી ગયા. આપણે 12જૂન શુક્રવારની વાત કરીએ તો, અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના હકારાત્મક નિવેદનો અને SpaceXના ઐતિહાસિક IPOના કારણે માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. અમેરિકાનો ડાઉ જોન્સ 0.70 ટકા વધી ગયો. આ જોઈને આપણા ભારતીય બજારો ક્યાં પાછળ રહેવાના હતા? શુક્રવારે ભારતના બધા 23 સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા. એલ એન્ડ ટી, બજાજ ફાઇનાન્સ અને ઇન્ડિગો જેવી દિગ્ગજ કંપનીઓએ રોકાણકારોને તગડી કમાણી કરાવી. શુક્રવારે સેન્સેક્સ 1695 પોઇન્ટ વધીને 75,527 પર બંધ થયો અને નિફ્ટી 461 પોઇન્ટ ઉછળીને 23,622 પર પહોંચ્યો હતો. હવે રવિવારે યુદ્ધ રોકાવાની ઔપચારિક જાહેરાત થઈ ગઈ, એટલે આજે તો બજાર ખુલતા જ મોટો ધમાકો થયો. ભારતીય બજારો ખૂબ જ શક્તિશાળી ગેપ-અપ ઓપનિંગ સાથે ખુલ્યા. યુદ્ધ રોકાશે તો ઈઝરાયલને કેટલું મોટું નુકસાન? આ યુદ્ધ રોકાઈ ગયું તે ભલે આખી દુનિયા અને ભારત માટે સારી વાત હોય, પણ ઈઝરાયલ માટે આ સમાચાર સાવ ખરાબ છે. ભૌગોલિક અને વ્યૂહાત્મક રીતે ઈઝરાયલ હારી ગયું હોય તેવો માહોલ છે. ઈઝરાયલનો મેઈન ટાર્ગેટ શું હતો? તેઓ ઈચ્છતા હતા કે ઈરાનનું પરમાણુ માળખું અને લેબેનોનમાં છુપાયેલા હિઝબોલ્લાહના સંગઠનને જડમૂળથી ખતમ કરી નાખવા. પણ થયું એવું કે અમેરિકાએ પોતાની મરજી ચલાવી. અમેરિકાએ ઈરાનની માંગણી સામે ઝૂકીને લેબેનોનમાં પણ લડાઈ રોકવાની શરત સ્વીકારી લીધી. આનો સીધો મતલબ એ છે કે ઈઝરાયલની ઉત્તર સરહદ પર ખતરો હજુ એમનો એમ જ ઊભો છે. ઈરાનની હથિયાર અને ડ્રોન બનાવવાની ફેક્ટરીઓ સાવ ખતમ નથી થઈ. તે થોડા સમયમાં ફરી બેઠી થઈ જશે. ઈઝરાયલના લોકો અત્યારે ભારે ગુસ્સામાં છે. સર્વે બતાવે છે કે 61 ટકા લોકો માને છે કે લાંબા ગાળાની શાંતિ મળ્યા વિના જ તેમને પરાણે હથિયારો મૂકી દેવા પડ્યા. યુદ્ધ રોકાશે તો નેતન્યાહુ જેલ ભેગા થશે? ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે આ યુદ્ધનો અંત તેમના રાજકીય પતનની શરૂઆત બની શકે છે. ઑક્ટોબર 7, 2023ના હમાસના હુમલા પછી તેમની એક શક્તિશાળી નેતા તરીકેની ઈમેજ સાવ તૂટી ગઈ હતી. તેઓ ઈરાન સામે મોટા પાયે જીતીને ફરીથી હીરો બનવા માંગતા હતા. પણ અમેરિકન દબાણ સામે ઝૂકી જવાથી તેમના પોતાના જમણેરી મતદારો ખૂબ જ નારાજ થઈ ગયા છે. લોકોને લાગે છે કે નેતન્યાહુ હવે દેશનું રક્ષણ કે લીડરશીપ કરી શકે તેમ નથી. વિપક્ષના નેતા નફતાલી બેનેટે તો ચોખ્ખું કહી દીધું કે નેતન્યાહુએ દેશનું સાર્વભૌમત્વ ગુમાવી દીધું છે. બીજી બાજુ, યુદ્ધ ચાલતું હતું એટલે નેતન્યાહુ પર ચાલતા ભ્રષ્ટાચારના મોટા કેસો ધીમા પડી ગયા હતા. હવે યુદ્ધ અટકતા ત્યાંની કોર્ટ અને જનતા ફરીથી ચર્ચા જગાવશે. સામાન્ય જનતા યુદ્ધ લડી રહી હતી, જ્યારે અલ્ટ્રા-ઓર્થોડોક્સ સમુદાયને લશ્કરી સેવામાંથી છૂટ આપવામાં આવી, તેનાથી લોકો ભારે રોષમાં છે. 61 ટકા ઈઝરાયલીઓ એવું માને છે કે નેતન્યાહુએ હવે આવતી ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે ઊભા જ ન રહેવું જોઈએ. નેતન્યાહુ જાય તો ઈઝરાયલને કોણ સંભાળશે? જો ઈઝરાયલમાં નજીકના ભવિષ્યમાં એટલે કે ઑક્ટોબર કે ડિસેમ્બર 2026માં ચૂંટણી થાય, તો નેતન્યાહુની સરકાર ગઈ જ સમજો. ઈઝરાયલની સંસદમાં કુલ 120 સીટો હોય છે, અને સરકાર બનાવવા માટે 61 સીટોની બહુમતી જોઈએ. અત્યારના લેટેસ્ટ પોલિંગ ડેટા મુજબ નેતન્યાહુની પાર્ટી લિકુડ ખાલી 22-24 સીટો પર જ સમેટાઈ જશે. આંકડાઓની રમત સમજીએ તો, પ્રો-નેતન્યાહુ ગઠબંધનને માંડ 48 થી 51 બેઠકો મળી શકે. જ્યારે તેની સામે વિપક્ષી ગઠબંધનને 59 થી 62 બેઠકો મળવાનો અંદાજ છે. નફતાલી બેનેટની પાર્ટી ટુગેધર 21 બેઠકો અને ગાદી આઇઝનકોટની પાર્ટી યશર 19થી 21 બેઠકો લાવી શકે છે. આ બહુ ઐતિહાસિક વાત છે કારણ કે પહેલીવાર આરબ પાર્ટીઓના ટેકા વગર જ વિપક્ષી યહૂદી પાર્ટીઓ બહુમતી પાર કરી જશે. વડાપ્રધાન પદ માટે પણ લોકો નેતન્યાહુ કરતા ભૂતપૂર્વ લશ્કરી વડા ગાદી આઇઝનકોટને વધુ પસંદ કરી રહ્યા છે. વિપક્ષના 53 ટકા મતદારો ઈચ્છે છે કે બેનેટ અને આઇઝનકોટ ભેગા થઈને લડે. જો આ બંને દિગ્ગજો એક થઈ ગયા, તો ઈઝરાયલના રાજકારણમાં નેતન્યાહુ યુગનો કાયમી અંત આવી જશે. અને છેલ્લે… આ યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટે પાકિસ્તાન કુદ્યું હતું. અત્યારે પણ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મુનીરનો મહિમા ગાતા થાકતા નથી. પણ એક વાત અહીં બરોબર સમજવી પડશે કે આ યુદ્ધ રોકવા માટેનો શાંતિ કરાર જીનીવામાં થવાનો છે પાકિસ્તાનમાં નહીં. અને બીજું કે ટ્રમ્પે મુનીરનું નામ લેવાનું બંધ કરી દીધું છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    TMC Split: ममता के बागियों और अखिलेश पर क्यों भड़के ओवैसी? Owaisi on TMC Rebels | TMC Merger | NCPI
    Next Article
    જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલનો સરેઆમ ભંગ:3 મંત્રીઓ, 2 ધારાસભ્યો સામે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને પક્ષના નેતાને સ્ટેજને બદલે નીચે બેસવું પડ્યું, નારાજ થઈ બહાર નીકળ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment