Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: દુનિયામાં પહેલીવાર ડીઝલમાં ભેળસેળનો ખેલ:ઈથેનોલથી પાણી-પર્યાવરણને નુકસાન? ટ્રક-બસ દોડશે કે દબાશે? ખાટી છાસથી ગાડીઓ દોડાવવાનો પ્લાન

    3 days ago

    જ્યારે પણ તમે તમારી ગાડી કે બાઈક લઈને પેટ્રોલ પંપ પર જાવ છો, ત્યારે તમે એક વાત ચોક્કસ ધ્યાને લીધી હશે. હવે આપણને એકદમ સાદું કે જૂના જમાનાનું પેટ્રોલ નથી મળતું, પણ તેમાં કંઈક નવું મિક્સ કરેલું હોય છે. આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. કારણ કે આખી વાત આપણા બધાની રોજબરોજની ઝીંદગી સાથે સીધી રીતે જોડાયેલી છે. આજે આપણે સમજીશું પેટ્રોલ અને ડીઝલની દુનિયામાં થતા આ ભેળસેળના નવા અને મોટા પ્રોજેક્ટ વિશે. નમસ્કાર... તમે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આપણો દેશ આટલું બધું પેટ્રોલ અને ડીઝલ રોજ ક્યાંથી લાવે છે? હકિકત એ છે કે આપણે આપણી રોજીંદી જરૂરિયાતનું 85 ટકા જેટલું કાચું તેલ જેને આપણે ક્રૂડ ઓઈલ કહીએ છીએ તેને બહારના દેશોમાંથી મોંઘા ભાવે મગાવીએ છીએ. આનો સીધો અને સાદો અર્થ એ છે કે આપણો હજારો કરોડ રૂપિયાનો જંગી ખર્ચ બીજા દેશોમાં ચાલ્યો જાય છે. આ સિવાય, આટલું બધું તેલ બળવાથી શહેરોમાં જે ભયંકર પ્રદૂષણ થાય છે તે પણ આપણા શ્વાસ માટે એક મોટો અને જીવલેણ પ્રશ્ન છે. સરકારે હવે નક્કી કર્યું છે કે વર્ષ 2070 સુધીમાં આપણે દેશને પૂરી રીતે નેટ-ઝીરો કાર્બનવાળો બનાવવો છે. એટલે કે, આપણો દેશ જેટલો કાર્બન ધુમાડાના રૂપે હવામાં છોડશે, તેટલો જ પાછો ખેંચી લેશે. આ મસમોટો ટારગેટ પૂરો કરવા માટે જૈવિક ઈંધણ અથવા જેને આપણે બાયોફ્યુઅલ કહીએ છીએ, તે એક સંજીવની બુટ્ટી સમાન છે. હવે એક બીજો બહુ મોટો અને ચોંકાવનારો આંકડો સમજો. આપણા દેશમાં પેટ્રોલ કરતા ડીઝલનો વપરાશ અનેકગણો, લગભગ બમણો છે. આપણે દર વર્ષે આશરે 91.4 મિલિયન ટન જેટલું ડીઝલ આપણા ટ્રક, ટ્રેક્ટર અને મશીનોમાં વાપરી નાખીએ છીએ. 91.4 મિલિયન ટન ડીઝલ એટલે કિલોમીટરો સુધીની લાંબની નદી વહી શકે એટલું ડીઝલ. આટલો બધો જંગી વપરાશ હોવાથી હવે આખી દુનિયામાં પહેલી વાર ભારતમાં ડીઝલમાં પણ નવું ઈંધણ ભેળવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ડીઝલમાં આઈસોબ્યુટેનોલ નામનું નવું તત્વ ભેળવવામાં આવશે. આ બધું સાંભળવામાં કદાચ તમને થોડું વૈજ્ઞાનિક લાગે, પણ આજે આપણે એકદમ દેશી અને આપણી બોલચાલની ભાષામાં આખી વાત સમજવાની છે. પેટ્રોલમાં ઈથેનોલ: શું અને કેટલા પ્રકારનું? ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ ઈથેનોલની. આખરે આ ઈથેનોલ એટલે શું છે? સાવ સાદી ભાષામાં સમજીએ તો આ એક પ્રકારનો આલ્કોહોલ એટલે કે દારુ જ છે. પણ આ આપણે પીવાનો દારુ નહીં પણ આપણી ગાડીઓને ચાલવા માટે પીવાનો દારું કહી શકાય! આ ઈથેનોલ બને છે શેમાંથી તેની વાત કરીએ તો તે આપણા ખેતરોમાં પાકતી વસ્તુઓમાંથી બને છે. ખાસ કરીને શેરડીનો ગોળ, મકાઈ, ચોખા કે બગડી ગયેલું અનાજ આમાં વપરાય છે. નીતિ આયોગનો એક બહુ મોટો રિપોર્ટ છે, જે કહે છે કે ભારતમાં ઈથેનોલની માંગ જબરદસ્ત વધવાની છે. વર્ષ 2019-20માં આપણે 173 કરોડ લીટર ઈથેનોલ વાપરતા હતા. હવે અંદાજ એવો છે કે 2025-26 સુધીમાં આ આંકડો સીધો વધીને 1016 કરોડ લીટર થઈ જશે. વિચારો, આ કેટલી મોટી છલાંગ આપણે મારવા જઈ રહ્યા છીએ! હવે બજારમાં મળતા પેટ્રોલના અલગ અલગ પ્રકારો વિશે વાત કરીએ. તમને પેટ્રોલ પંપ પર કદાચ E10 કે E20 જેવા નવા નામ સાંભળવા મળ્યા હશે. આનો અસલી મતલબ શું થાય છે? E10 એટલે એવું પેટ્રોલ જેમાં 10 ટકા ઈથેનોલ છે અને બાકીનું 90 ટકા પેટ્રોલ છે. સરકારે એપ્રિલ 2022 સુધીમાં તો આખા દેશમાં આ E10 પેટ્રોલ પહોંચાડી દીધું હતું. પછી સરકારને લાગ્યું કે આપણે આનાથી પણ વધુ આગળ વધવું જોઈએ. એટલે તેમણે નવો ટાર્ગેટ નક્કી કર્યો કે હવે 2025-26 સુધીમાં આખા દેશમાં E20 પેટ્રોલ મળશે. એટલે કે તેમાં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલ હશે. આ ટારગેટ પહેલા પાંચ વર્ષ મોડો હતો, પણ હવે દેશના ફાયદા માટે તેને વહેલો કરી દેવાયો છે. વાત માત્ર E20 પર અટકવાની નથી, હજુ પિક્ચર બાકી છે. આવનારા સમયમાં બજારમાં E25, E40, E60 અને E80 જેવું નવું ભેળસેળવાળું પેટ્રોલ પણ જોવા મળશે. અને સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પણ ભવિષ્યમાં એવી જોરદાર ગાડીઓ આવશે જેને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો કહેવાય છે. આ ગાડીઓ E85 કે E100 પર પણ આરામથી ચાલશે. E100 એટલે કે પૂરેપૂરું 100 ટકા ઈથેનોલ, તેમાં પેટ્રોલ હશે જ નહીં! હમણાં જ દેશની રાજધાની દિલ્હીમાં E85 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સિવાય, ARAI નામની સરકારી સંસ્થા 100 ટકા ઈથેનોલ પર ચાલતા એન્જિનનું જોરદાર ટેસ્ટિંગ કરી રહી છે. અનાજમાંથી ઈથેનોલ બને છે કેવી રીતે? તમને કદાચ સવાલ થતો હશે કે આ અનાજ કે શેરડીમાંથી ઈથેનોલ અથવા આલ્કોહોલ બને છે કઈ રીતે? આખી પ્રોસેસ સાંભળવામાં થોડી વૈજ્ઞાનિક લાગે, પણ આપણે સાવ દેશી રીતે સમજીએ. આ આખી પ્રોસેસ 30થી 32 ડિગ્રી તાપમાને થાય છે. આ પ્રોસેસ પૂરી થાય એટલે જે પ્રવાહી મળે તેને વોશ કહેવાય છે, જેમાં માંડ 10 કે 12 ટકા જેટલો જ આલ્કોહોલ હોય છે. હવે આલ્કોહોલને છૂટો પાડવા તેને એક બહુ મોટા અને ઊંચા ટાવર જેવા મશીનમાં ઉકાળવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ તેમ પાણી 100 ડિગ્રી પર ઉકળે, પણ આલ્કોહોલ તો 78 ડિગ્રી પર જ ઉકળીને વરાળ બની જાય. એટલે પાણી નીચે રહી જાય અને આલ્કોહોલ વરાળ બનીને ઉપર જાય. એ વરાળને ઠંડી પાડો એટલે 95 ટકા શુદ્ધ આલ્કોહોલ મળે. પણ, આપણી ગાડીઓને તો 100 ટકા શુદ્ધ ઈથેનોલ જોઈએ, તેમાં પાણીનું એક ટીપું પણ ના ચાલે. એટલે છેલ્લે એક ખાસ પ્રકારના મોલેક્યુલર મશીનમાંથી તેને પસાર કરીને તેમાંથી બધું જ પાણી ચૂસી લેવામાં આવે છે. અને છેલ્લે આપણને 99.8 ટકા શુદ્ધ એબ્સોલ્યુટ ઈથેનોલ મળે, જે સીધું પેટ્રોલ પંપ પર જઈને તમારા વાહનની ટાંકીમાં જવા માટે તૈયાર છે. ઈથેનોલ ફેક્ટરી હવાને બગાડી નાખે છે? આજકાલ તમારા મોબાઈલમાં પણ એવા ઘણા વીડિયો આવતા હશે જેમાં એવું દેખાડવામાં આવે છે કે ઈથેનોલ બનાવતી ફેક્ટરીઓમાંથી કાળું ડામર જેવું ભયંકર ગંદુ પાણી નીકળે છે અને નદીઓ બગાડે છે. બીજી બાજુ આપણા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી વારંવાર કહે છે કે ઈથેનોલ તો પર્યાવરણ માટે વરદાન છે. તો સાચું શું? આ બંને વાતો પોતાની જગ્યાએ સો ટકા સાચી છે, પણ બંનેનો મતલબ સાવ અલગ છે. વીડિયોમાં જે કાળું પાણી દેખાય છે તેને સ્પેન્ટ વોશ કહેવાય છે. હકીકત એ છે કે ફેક્ટરીમાં 1 લીટર ઈથેનોલ બને, તો સામે 10 થી 15 લીટર આવું ભયંકર ગંદુ અને દુર્ગંધ મારતું પાણી નીકળે છે. આ પાણીમાં એટલા બધા કેમિકલ હોય છે કે જો તેને સીધું નદી કે જમીનમાં છોડાય તો બધી માછલીઓ મરી જાય અને પાણીનો બધો ઓક્સિજન ખતમ થઈ જાય. આ સિવાય નોર્થ ઈસ્ટના વીડિયો પણ તમે જોયા હશે જેમાં ફેક્ટરીમાં ઈથેનોલ બને છે ત્યાં આસપાસના ઝાડ-ફૂલ પર ધૂળની એક લેયર કે પરત બની જાય છે જેમાં એવું કહેવાય છે કે આ પ્રદૂષણ છે જે ઈથેનોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે જે કોઈ તમને નહીં દેખાડે, દેખાડશે તો બસ ઈથેનોલના ફાયદા. પણ આપણે ફાયદો નુકસાન બંનેની વાત કરવાના છીએ. આપણે આ બધી વાત કરી તેના જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નીતિન ગડકરીની વાતમાં કેટલો દમ છે? હવે ગડકરી સાહેબની વાત કરીએ. તેઓ જે કહે છે તે વાહનમાંથી નીકળતા ધુમાડા એટલે કે ટેઇલપાઇપ એમિશન માટે છે. જ્યારે તમે ગાડીમાં E20 પેટ્રોલ ભરાવો છો, ત્યારે તેમાંથી નીકળતો ઝેરી ગેસ 30 ટકા જેટલો સીધો ઘટી જાય છે. ઈથેનોલમાં અંદરથી જ ઓક્સિજન ભરેલો હોય છે, એટલે પેટ્રોલ આખેઆખું બળી જાય છે. આનાથી શહેરોની હવા એકદમ ચોખ્ખી રહે છે. એટલે ધુમાડા બાબતે તો ઈથેનોલ ખરેખર વરદાન જ છે. તો પછી પેલા ગંદા પાણીનું શું? સરકારે હવે એક નવો કડક કાયદો બનાવ્યો છે જેને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) કહે છે. આ નિયમ મુજબ ફેક્ટરીમાંથી એક પણ ટીપું ગંદુ પાણી બહાર નથી કાઢવાનું. પણ આ બધી જ ફેક્ટરીમાં લાગુ પડે છે કે નહીં તે એક રિસર્ચનો અને ગ્રાઉન્ડ રિપોર્ટનો મામલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જે છેલ્લે જાડો કચરો વધે છે, તેને મોટા હીટરમાં સૂકવી નાખવામાં આવે છે. આ કચરાની અંદર ખેતી માટે ઉપયોગી પોટેશિયમ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં ભરેલા હોય છે. તેને શેરડીના કૂચા સાથે ભેળવીને તેમાંથી એકદમ ફર્સ્ટ ક્લાસ બાયો-કમ્પોસ્ટ ખાતર બનાવી દેવાય છે. આપણા દેશની સંસ્થાઓએ તો આમાંથી એવું પોટાશ ખાતર બનાવવાની ટેકનોલોજી શોધી કાઢી છે, જે આપણે વિદેશથી અબજો રૂપિયા આપીને મંગાવવું પડતું હતું. એટલે સાદી ભાષામાં કહીએ તો જો કાયદાનું કડક પાલન થાય, તો કચરામાંથી કંચન બની જાય છે. ગુજરાત હવે ઈથેનોલનું નવું હબ બનશે? તમને થશે કે આ બધી ઈથેનોલ બનાવતી મસમોટી ફેક્ટરીઓ આખરે છે ક્યાં? અત્યાર સુધી દેશમાં જ્યારે પણ ઈથેનોલની વાત નીકળતી, ત્યારે માત્ર નોર્થ ઈસ્ટ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોના જ નામ લેવાતા. તેનું સૌથી મોટું કારણ એ હતું કે ત્યાં શેરડીનો પાક બહુ મોટા પાયે થાય છે અને શેરડીમાંથી ઈથેનોલ બને છે. પણ, હવે જમાનો સાવ બદલાઈ ગયો છે. કેન્દ્ર સરકારે જ્યારે મકાઈ અને ખરાબ અનાજમાંથી ઈથેનોલ બનાવવાની નવી પોલિસી જાહેર કરી, ત્યારે આખી બાજી પલટાઈ ગઈ. સસ્તી લોન અને સહાય મળતા આપણું ગુજરાત આખી ગેમમાં સૌથી આગળ નીકળી ગયું છે. તમને મનમાં એમ થશે કે ગુજરાતમાં ક્યાં શેરડીનો એટલો મોટો પાક થાય છે, તો આપણે આટલા આગળ કઈ રીતે? આનો એકદમ સીધો અને સાદો જવાબ છે આપણા મોટા અને આંતરરાષ્ટ્રીય બંદરો. મુન્દ્રા અને કંડલા જેવા વિશાળ બંદરોના કારણે આપણે વિદેશથી કે દેશના બીજા રાજ્યોમાંથી મકાઈ અને ખરાબ ચોખા બહુ આસાનીથી જહાજોમાં મંગાવી શકીએ છીએ. આ સહેલાઈથી મળતો કાચો માલ ગુજરાતની ફેક્ટરીઓને સતત ધમધમતી રાખે છે. હવે વાત કરીએ ગુજરાતમાં લાગેલી કેટલીક મોટી ફેક્ટરીઓ વિશે. આ કોઈ નાનોસૂનો બિઝનેસ નથી રહ્યો, અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આવી રહ્યા છે. સૌથી પહેલું નામ આવે છે ગ્રેનસ્પાન ન્યુટ્રિયન્ટ્સ કંપનીનું. આ કંપનીએ અમદાવાદના બાવળા પાસે આવેલા ભામસરામાં રોજનું સાડા ત્રણ લાખ લીટર ઈથેનોલ બનાવતો મસમોટો પ્રોજેક્ટ નાખ્યો છે. 520 કરોડના ખર્ચે બનેલો આ ગુજરાતનો પહેલો મોટો અનાજ આધારિત પ્લાન્ટ છે. તે જ રીતે જાણીતા ચિરીપાલ ગ્રુપે અમદાવાદ નજીક 350 કરોડના ખર્ચે રોજની 3 લાખ લીટર ક્ષમતા વાળો નવો ધમાકેદાર પ્લાન્ટ શરૂ કર્યો છે. અમાન્યા ઓર્ગેનિક્સ કંપનીએ તો બાવળાના ગાંગડમાં અઢી લાખ લીટરના નવા પ્રોજેક્ટ સાથે પોતાની વીજળી જાતે બનાવવા 12 મેગાવોટનો પાવર પ્લાન્ટ પણ નાખ્યો છે. કીનીવા ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં 120 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ નાખી રહી છે. આ બધામાં સૌથી અનોખો પ્રયાસ આપણી અમૂલ ડેરીનો છે. અમૂલ ડેરી પનીર અને ચીઝ બનાવ્યા પછી જે વધારાની ખાટી છાશ નીકળે છે, તેમાંથી બાયોઈથેનોલ બનાવવાનો 70 કરોડનો દેશનો પહેલો પ્રોજેક્ટ લાવી રહી છે. આ સિવાય આવનાર સમયમાં ઓઈલ કંપનીઓએ ગુજરાતમાં બીજી 14 જેટલી કંપનીઓને લીલી ઝંડી આપી દીધી છે, જેનાથી ટૂંક સમયમાં જ 3300 કરોડ રૂપિયાનું નવું રોકાણ આવશે. શું ઈથેનોલથી તમારી ગાડીનું એન્જિન બગડી જશે? હવે સૌથી મોટો સવાલ એ છે જે દરેકના મનમાં રમી રહ્યો છે. શું આ નવું પેટ્રોલ નાખવાથી આપણી ગાડીનું એન્જિન જલ્દી ખરાબ થઈ જશે? લોકોમાં અત્યારે એવી બહુ મોટી ગેરસમજ ફેલાયેલી છે કે આ નવું ઈથેનોલવાળું પેટ્રોલ ગાડીઓનો કચ્ચરઘાણ વાળી નાખશે. પણ હકીકત કંઈક અલગ જ છે. સરકાર છાતી ઠોકીને કહે છે કે આનાથી કોઈ જ મોટું નુકસાન નથી થતું. આ કોઈ હવામાં કરેલો દાવો નથી. ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ રિસર્ચ સંસ્થા એટલે કે ARAI એ આના પર બહુ લાંબુ રિસર્ચ કરેલું છે. વર્ષ 2021માં ARAIના બે મોટા વૈજ્ઞાનિકોએ એક ઓફિશિયલ રિપોર્ટ છાપ્યો હતો. તેમણે અલગ અલગ 8 પ્રકારના લોખંડ, 6 પ્રકારના રબર અને 4 જાતના પ્લાસ્ટિકના પાર્ટ્સ પર પેલા 20 ટકા ઈથેનોલ વાળા E20 પેટ્રોલનો અખરતો કર્યો. જેના પરથી સાબિત થયું કે ગાડીના લોખંડ કે ધાતુના કોઈ પણ પાર્ટ્સને કાટ લાગવા બાબતે જરાય નુકસાન થતું નથી. જોકે, રબર અને પ્લાસ્ટિકના કિસ્સામાં પરિણામો મિશ્ર હતા. ઈથેનોલનો મૂળ સ્વભાવ વાતાવરણમાંથી ભેજ ખેંચવાનો છે. આથી જો તમારી ગાડી બહુ જૂની હોય, તો તેમાં રહેલી રબરની પાઇપો શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં થોડી ફૂલી જવાની કે નબળી પડવાની શક્યતા રહે છે. પણ નવી ગાડીઓમાં વપરાતા નવા મટીરીયલ E20 સાથે એકદમ લાંબી કામગીરી આપે છે. એટલે જ બધી ઓટો કંપનીઓ હવે નવા વાહનોમાં ઈથેનોલ સહન કરી શકે તેવા પાર્ટ્સ વાપરે છે. ઈથેનોલથી જૂની ગાડીઓમાં પિક-અપ ને માઈલેજ ઘટે? જો તમારી પાસે જૂની ગાડી છે અને તમે આ નવું પેટ્રોલ ભરાવો છો, તો તમને એક મોટો ફાયદો તરત દેખાશે. E10 કે E20 પેટ્રોલ નાખશો તો સરકારના દાવા મુજબ તમારી ગાડીનું પિક-અપ જોરદાર સુધરી જશે. જો કે લોકો અને ગાડી રિપેર કરવાવાળાઓના દાવા છે કે પિકઅપ ઘટે છે. સરકારના દાવા પાછળ કારણ છે ઈથેનોલનું ઓક્ટેન મૂલ્ય સાદા પેટ્રોલ કરતા બહુ ઊંચું હોય છે. આનાથી એન્જિનમાં આવતો અવાજ ઘટે છે અને ટ્રાફિકમાં ગાડી મસ્ત પાવર આપે છે. પણ સામે પક્ષે મોટું નુકસાન માઈલેજનું છે. સાદા પેટ્રોલ કરતા ઈથેનોલમાં તાકાત એટલે કે ઊર્જા આશરે 30 ટકા જેટલી ઓછી હોય છે. જ્યારે પેટ્રોલમાં ઈથેનોલ ભળે છે, ત્યારે ઈંધણની કુલ તાકાત ઘટી જાય છે. આ કારણે જૂની ગાડીઓમાં સરકારી દાવા મુજબ 1-3 ટકા અને લોકોના દાવા મુજબ સરેરાશ 3થી 6 ટકા જેટલું માઈલેજ ઘટી શકે છે. આ નુકસાન અટકાવવા સરકારી પ્લાન મુજબ એપ્રિલ 2023થી બનેલા બધા નવા વાહનોના પાર્ટ્સ ઈથેનોલ પ્રુફ જ બનાવાયા છે. અને 2025થી તો બધી ગાડીઓના એન્જિન અંદરથી જ એવા સેટ થઈને આવ્યા છે જેથી માઈલેજમાં જરાય નુકસાન ન થાય. દુનિયામાં પહેલીવાર ડીઝલમાં ભેળસેળનો અખતરો! પેટ્રોલમાં ઈથેનોલનો અખતરો આટલો બધો સક્સેસફુલ રહ્યો એટલે આપણા મનમાં સહજ વિચાર આવે કે તો પછી ડીઝલમાં પણ સીધું ઈથેનોલ જ કેમ નથી નાખી દેતા? પણ, આવું કરવું સાયન્ટીફીક રીતે અશક્ય અને બહુ જ જોખમી છે. આના મુખ્ય ત્રણ મોટા કારણો છે જેને તમારે સમજવા પડશે. પહેલું અને સૌથી મોટું કારણ છે ફ્લેશ પોઇન્ટ, એટલે કે ઈંધણ કેટલી જલ્દીથી આગ પકડી લે છે. આપણું સાદું ડીઝલ બહુ શાંત છે, તે 35થી 55 ડિગ્રી તાપમાન થાય ત્યારે વરાળ બનીને આગ પકડે છે. જ્યારે ઈથેનોલ તો માંડ 12 ડિગ્રી પર ભડકો કરી શકે છે. જો તમે ડીઝલમાં ઈથેનોલ નાખો તો ઉનાળાની ગરમીમાં હાઈવે પર દોડતા ટ્રાન્સપોર્ટ ટ્રક કે પેટ્રોલ પંપની અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં ભયંકર આગ લાગી શકે! બીજું કારણ એ છે કે ઈથેનોલ અને ડીઝલ એકબીજાના દુશ્મન છે, તે પાણી અને તેલની જેમ થોડી જ વારમાં છૂટા પડી જાય છે. અને ત્રીજું, ઈથેનોલ હવામાંથી ભેજ ખેંચી લે છે. તો ડીઝલમાં ભેળવવા સરકારને સાથી મળી ગયો? હવે ડીઝલનો વપરાશ તો આપણે ઘટાડવો જ છે, એટલે વૈજ્ઞાનિકો એક નવું ફ્યૂઅલ શોધી લાવ્યા છે, જેનું નામ છે - આઈસોબ્યુટેનોલ. આ વસ્તુ ડીઝલ માટે જાણે બનેલી હોય તેવો એકદમ પરફેક્ટ મેચ છે. તે ડીઝલ સાથે દૂધમાં સાકર ભળે એમ એકદમ આસાનીથી ભળી જાય છે. તેનો ફ્લેશ પોઇન્ટ પણ 27 થી 30 ડિગ્રી જેટલો ઊંચો છે એટલે કોઈ મોટો ભડકો થવાનું કે આગ લાગવાનું જોખમ રહેતું નથી. વળી તેની તાકાત પણ ઈથેનોલ કરતા વધુ છે. સરકાર હવે આ બાબતે બહુ મોટો અને સાહસિક ખેલ કરવા જઈ રહી છે. ટાટા મોટર્સ, ભારત પેટ્રોલિયમ અને પ્રજ ઇન્ડસ્ટ્રીઝ ભેગા મળીને નાણાકીય વર્ષ 2026-27માં કોમર્શિયલ ટ્રક અને બસમાં 2 ટકા આઈસોબ્યુટેનોલ ભેળવવાનો નવો પાયલોટ પ્રોજેક્ટ લાવશે. ભવિષ્યમાં મંત્રી ગડકરીના વિઝન મુજબ તેને 15 ટકા સુધી લઈ જવાની પૂરી તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે. ઓક્ટેન અને સીટેનની મજેદાર સાયન્ટિફિક ગેમ આપણને એવું થાય કે આ બે શબ્દો વળી કઈ નવી બલા છે? તો તેને સાવ સાદી રીતે સમજીએ. પેટ્રોલ માટે ઓક્ટેન જોવાય છે. ઓક્ટેન એટલે ઈંધણની ધીરજ કે સહનશક્તિ. પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય છે. જે પેટ્રોલની ઓક્ટેન વેલ્યૂ ઊંચી હોય, તે સ્પાર્કની રાહ જુએ, દબાણના કારણે જાતે સળગી ન જાય. આલ્કોહોલનું ઓક્ટેન 108થી વધુ હોય એટલે પેટ્રોલ એન્જિન માટે તે બેસ્ટ છે. પણ, ડીઝલની રમત સાવ ઊંધી છે! ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ જેવું કંઈ હોતું જ નથી. તેમાં હવાને દબાવીને એટલી બધી ગરમ કરાય કે અંદર ડીઝલનો છંટકાવ થાય કે તરત સળગી ઉઠે. ડીઝલ તરત જ સળગવું જોઈએ. તેને સીટેન વેલ્યૂ કહેવાય. સાદી ભાષામાં સીટેન એટલે ઈંધણની ઉતાવળ. હવે લોચો એ થાય છે કે આલ્કોહોલમાં ઓક્ટેન એટલે કે ધીરજ બહુ હોય છે, એટલે તેમાં સીટેન એટલે કે ઉતાવળ સાવ ઓછી હોય છે. આ બંને ગુણો એકબીજાના કટ્ટર દુશ્મન છે! ડીઝલમાં ભેળસેળથી ગાડીને શું ફેર પડશે? જ્યારે ડીઝલમાં આઈસોબ્યુટેનોલ ભેળવવામાં આવે છે, ત્યારે સૌથી મોટી પ્રોબ્લમ એ પડે છે કે આખી ભેળસેળની ઉતાવળ એટલે કે સીટેન વેલ્યૂ ઘણી બધી ઘટી જાય છે. ડીઝલ એન્જિનમાં છંટકાવ થયા પછી જો ઈંધણ મિલીસેકન્ડ માટે પણ તરત ન સળગે તો સિલિન્ડરમાં બહુ બધું ડીઝલ ભેગું થઈ જાય. પછી જ્યારે સળગે ત્યારે મોટો ધડાકો થાય. આને ડીઝલ નોકિંગ કહેવાય. આનાથી એન્જિનમાં ભયંકર અવાજ આવે અને વાઇબ્રેશન વધે. વળી, આઈસોબ્યુટેનોલમાં પ્યોર ડીઝલ કરતા 20 ટકા જેટલી તાકાત ઓછી હોય છે. જો ટાટા મોટર્સના પ્લાન મુજબ ખાલી 2 ટકા જ આઈસોબ્યૂટેનોલ ડીઝલમાં ભેળવાય તો કોઈ ફરક ન પડે, પણ જો 10 ટકા ભેળવવામાં આવે, તો ગાડીના પર્ફોર્મન્સ અને માઈલેજમાં સીધો 5 થી 7 ટકાનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. આનું સોલ્યશન લાવવા માટે મિશ્રણમાં સીટેન ઈમ્પ્રૂવર્સ નામના ખાસ કેમિકલ નાખવા પડે છે, જેનાથી ઈંધણનો ખર્ચ વધી જાય છે. શું ભેળસેળિયું તેલ પર્યાવરણ બચાવશે? જેવી રીતે પેટ્રોલ માટે નવા એન્જિન બની રહ્યા છે, તેવી જ રીતે ડીઝલના આ નવા ઈંધણ માટે પણ ઓટોમોબાઈલ કંપનીઓ પૂરી તૈયારી કરશે. ભવિષ્યની ગાડીઓના ફ્યુઅલ પંપ અને એન્જિન કંટ્રોલ યુનિટ એટલે કે ECU આ નવા ઈંધણ મુજબ સેટ થઈને જ આવશે. આ સિવાય તમને જાણીને મજા આવશે કે કિર્લોસ્કર નામની કંપનીએ તો હમણાં જ 100 ટકા આઈસોબ્યુટેનોલથી જ ચાલતું મોટું જનરેટર સક્સેસફુલી લોન્ચ કરી દીધું છે. પેટ્રોલ ડીઝલમાં ભેળસેળની ક્રાંતિ દેશની તીજોરી બચાવવા અને સમય મુજબની માગ છે, જે પર્યાવરણના કે લોકોના વાહનોના ખિસ્સાના ભોગે ન જ હોવી જોઈએ. સરકારે પોતાને અને લોકોને બંનેને ફાયદો થાય તે રીતે પ્લાનિંગ કરવું પડશે. પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી દેશે વિદેશમાં જતા અબજો રૂપિયા બચાવ્યા છે, ગામડાના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો કરાવ્યો છે અને ટેઇલપાઇપ એમિશન ઘટાડીને શહેરોની હવા ચોખ્ખી કરી છે. હા, ઈથેનોલ બનાવતી વખતે થતું ફેક્ટરીઓનું પ્રદૂષણ રોકવા માટે સરકારી કાયદાઓનું કડક પાલન ફરજિયાત કરાવવું પડશે. જ્યાં સુધી ડીઝલનો સવાલ છે, આઈસોબ્યુટેનોલ ભેળવવાનો આ પ્રયોગ આખી દુનિયામાં ભારતમાં સૌથી પહેલીવાર થશે. થોડીક ટેકનિકલ સમસ્યાઓ છે, માઈલેજ ઘટી શકે છે, પણ ધીમે ધીમે નવા એન્જિન આવતા આ પણ સુધરી જાય તે આશા છે. અને છેલ્લે… હમણા સોશિયલ મીડિયામાં ઈથેનોલ બનાવતી નોર્થ ઈસ્ટની ઈન્ડસ્ટ્રીના વીડિયો ફરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈથેનોલ બનાવતી વખતે ભારે પાણીનો પણ વેળફાટ થાય છે અને તેનાથી ભવિષ્યમાં ભારતમાં પાણીની કિલ્લત પણ થઈ શકે છે. અધૂરામાં પૂરું આસપાસના જંગલને પણ નુકસાન થતું હોવાના દાવા થયા છે. જોઈએ ઈથેનોલનું પ્રમોશન કરતી સરકાર આ મામલે શું જવાબ આપે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    External shock risks rise as geopolitics, AI reshape global economy; near-term outlook uncertain: RBI governor
    Next Article
    રાજ્ય વેરા વિભાગમાં 7 અધિકારીઓને બઢતી સાથે નવી જવાબદારીઓ:નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે હંગામી ધોરણે નિમણૂક, અમદાવાદ-વડોદરા-ગાંધીધામ સહિત વિવિધ ઝોનમાં પોસ્ટિંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment