Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મુનીરના ખાત્માનો મોસાદનો પ્લાન:સ્વિત્ઝર્લેન્ડમાં આખું ડેલિગેશનને ટાર્ગેટ હતું, છેલ્લી ઘડીએ શું થયું? વિસ્ફોટક દાવાએ પાકિસ્તાન-ઇઝરાયલના વિવાદની આગમાં ફૂંક મારી

    1 day ago

    21 જૂન, 2026. જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડ. બપોરના 02:19નો સમય. ઝળહળતા ઝુમ્મરો નીચે VIP લોબી ખચોખચ ભરેલી હતી. સૂટ-ટાઈમાં સજ્જ રાજદ્વારીઓ, ચિંતિત સૈન્ય અધિકારીઓ, અને ઈરાન-અમેરિકા શાંતિ સોદાની ગણતરીઓ માંડતા નેતાઓ ઈરાન યુદ્ધ રોકવા મીટિંગ કરવાના હતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, ઈરાનનું આખેઆખું ડેલિગેશન, પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર અને પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સિવાય અનેક લોકો રૂમમાં હાજર હતા. ઘડિયાળના કાંટા ટિક-ટૉક કરતા હતા, પણ કોઈ જાણતું નહોતું કે એ અવાજ ટાઇમ-બોમ્બ જેવો છે. ટેબલ પર ચા ઠંડી પડતી હતી પણ રૂમની બહાર, અંધારામાં એક ખામોશ ચાલ ગોઠવાઈ ચૂકી હતી. દાવો છે કે નેતન્યાહુના ઓર્ડર અને મોસાદની ટ્રિગર પર આંગળી હતી પાકિસ્તાનના આર્મી ચીફ અને પ્રધાનમંત્રી સહિત મોટા નેતાઓ અને અધિકારીઓ પર. જો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIએ સેકન્ડો પહેલાં ભણક ન થઈ હોત, તો આ રાત ત્રીજા વિશ્વયુદ્ધની પ્રસ્તાવના બની જાત. આવે સમજીએ એક એવા મુદ્દા વિશે કે જ્યાં ઈઝરાયલે પાકિસ્તાનના મોટા નેતાઓને અમેરિકાની હાજરીમાં જ પતાવી દેવાનો કારસો રચી દીધો હતો. નમસ્કાર... હમણાં જ આંતરરાષ્ટ્રીય લેવલે એક એવો મોટો ધડાકો થયો છે જેણે દુનિયાભરની જાસૂસી એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. બ્રાઝિલના એક બહુ જ જાણીતા અને મોટા પત્રકાર છે પેપે એસ્કોબાર. તેમણે એક પોડકાસ્ટમાં એવો સનસનીખેજ દાવો કર્યો છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાની એજન્સી મોસાદને એક સીધો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર શું હતો? ઓર્ડર એ હતો કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને તેમની સાથેના લોકોને ખતમ કરી નાખો! તમે વિચાર કરો, આ બધું ક્યાં થવાનું હતું? સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા પાસે આવેલા એક અત્યંત આલીશાન બર્ગનસ્ટોક રિસોર્ટમાં. ત્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે અંદરખાને એક સિક્રેટ મીટિંગ થવાની હતી. આ મીટિંગમાં અમેરિકા તરફથી ઉપપ્રમુખ જે.ડી. વાન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર હાજર હતા. જ્યારે પાકિસ્તાન તરફથી વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર મધ્યસ્થી કરવા પહોંચ્યા હતા. પણ પત્રકાર કહે છે કે અમેરિકાના કારણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આ કાવતરાની ગંધ આવી ગઈ. તેમને પાક્કી અને અંદરની બાતમી મળી ગઈ કે મોસાદ કંઈક મોટું કરવા જઈ રહી છે. આ ખબર પડતા જ પાકિસ્તાન હચમચી ગયું અને તેમણે ઓમાન દેશની મદદથી ઇઝરાયલને એક સીધી અને ખુલ્લી ચેતવણી મોકલી આપી કે, "જો અમારા પ્રતિનિધિમંડળને તમે જરા પણ નુકસાન પહોંચાડ્યું, તો અમે તમને નકશા પરથી કાયમ માટે ભૂંસી નાખીશું." આખરે ઇઝરાયલ પાકિસ્તાન પર આટલું બધું ગુસ્સે કેમ છે? તમને એવો સવાલ થતો હશે કે અચાનક ઇઝરાયલને પાકિસ્તાન સાથે શું વાંધો પડી ગયો? જિયોપોલિટિક્સમાં કોઈપણ વાત એમ જ હવામાં નથી થતી. આની પાછળ બહુ મોટા કારણો છે: સમજવા જેવી વાત એ છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાન જે રીતે અચાનક વચ્ચે પડીને ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તૈયાર કરાવી રહ્યું હતું, તે ઇઝરાયલને જરાય ગમ્યું નહોતું. ઇઝરાયલ ઈરાનને પોતાનો સૌથી મોટો અને અસ્તિત્વનો દુશ્મન માને છે. વળી, પાકિસ્તાન તો ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા જ નથી આપતું. તો પછી પાકિસ્તાન આ શાંતિ પ્રક્રિયામાં શા માટે લીડર બને? બીજો મોટો ડખો ત્યારે થયો જ્યારે આ વાટાઘાટો ચાલવાની જ હતી, બરાબર ત્યારે જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નિવેદન આપ્યું. તેમણે ઇઝરાયલને દુષ્ટ અને માનવતા માટેનો શ્રાપ કહી દીધું. ઇઝરાયલના અધિકારીઓ ભડકી ઉઠ્યા કે જે દેશ આવું કટ્ટર વલણ ધરાવતો હોય, તે તટસ્થ મધ્યસ્થી કેવી રીતે હોઈ શકે! પાકિસ્તાન સૈનિકોના જીવના જોખમે ડોલર કમાવવા માંગતું હતું આ આખી ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાનના જ એક વરિષ્ઠ પત્રકાર અસ્મા શિરાઝીએ એક છૂપો દાવો બહાર પાડ્યો. તેમણે કહ્યું કે આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકાની CIA અને મોસાદ સાથે એક છૂપી ડીલ કરવાની કોશિશ કરી હતી. પાકિસ્તાન ગાઝામાં શાંતિ જાળવવા માટે પોતાના 20,000 સૈનિકો મોકલવા તૈયાર હતું, પણ મફતમાં નહીં! તેમણે એક સૈનિક દીઠ 10,000 ડોલર એટલે કે આશરે 8.86 લાખ રૂપિયાની તગડી રકમ માંગી હતી. વોશિંગ્ટન દ્વારા પાકિસ્તાન પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પણ પાકિસ્તાન અંદરથી ડરતું હતું, કારણ કે જો તેઓ પોતાના સૈનિકો મોકલે, તો ઇમરાન ખાનની પાર્ટી PTI અને દેશના કટ્ટરપંથીઓ રસ્તા પર ઉતરી આવે અને તેને ઇઝરાયલની ગુલામી ગણાવી દે. આ સોદાબાજી અને અવિશ્વાસને કારણે જ વાત વણસી ગઈ હતી. મોસાદના નામે પાકિસ્તાનનો પરસેવો કેમ છૂટી ગયો? જ્યારે આ કાવતરાની ખબર આખી દુનિયાના મીડિયામાં વાયરલ થઈ, ત્યારે અમેરિકા અને પાકિસ્તાન સરકારે તાત્કાલિક ધોરણે હાથ અધ્ધર કરી દીધા. તેમણે સત્તાવાર રીતે કહી દીધું કે આ બધી વાતો પાયાવિહોણી અને આખેઆખી બકવાસ છે. વરિષ્ઠ પત્રકાર સૈયદ તલત હુસૈને પણ આ અહેવાલને ગેરમાર્ગે દોરનાર પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો. પાકિસ્તાનની મોટી ન્યૂઝ ચેનલ ARYના ચેરમેન કામરાન ખાને તો ત્યાં સુધી કહી દીધું કે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પડદા પાછળ પાકિસ્તાની લશ્કર બહુ ડરેલું છે. તમે જુઓ, જો પાકિસ્તાન વૈશ્વિક મંચ પર એવું સ્વીકારી લે કે મોસાદ તેમના સર્વોચ્ચ સૈન્ય વડાને મારવાની આટલી નજીક પહોંચી ગઈ હતી, તો દેશમાં અને દુનિયામાં લશ્કરની અજેય છબીના ધજાગરા ઉડી જાય. તેમની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી જાય તે તેમને કોઈ કાળે પરવડે તેમ નથી. દુનિયાભરમાં માન્ય પણ ઇઝરાયલ માટે દરવાજા બંધ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પાકિસ્તાનનો પાસપોર્ટ દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા પાસપોર્ટમાંથી એક છે જેના પર આજે પણ ચોખ્ખા શબ્દોમાં છાપેલું હોય છે કે, "આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે". વિચાર કરો, બે દેશો વચ્ચે કોઈ જમીની સરહદ નથી, છતાં આટલી મોટી કટ્ટરતા! અગાઉ બાંગ્લાદેશના પાસપોર્ટ પર પણ આવું જ લખાણ આવતું હતું. પણ 2021માં બાંગ્લાદેશે સમય સાથે બદલાઈને પોતાના ઇ-પાસપોર્ટમાંથી આ લાઇન હંમેશા માટે હટાવી દીધી. જ્યારે પાકિસ્તાન હજુ પણ એ જ જૂની અને કટ્ટર માનસિકતાને પકડીને બેઠું છે, જે તેમને આજના સમયમાં ભારે પડી રહી છે. જો મોસાદ આ કાવતરામાં સફળ થઈ હોત તો શું થાત? તમે જરા કલ્પના કરો, જો પેલા પેપે એસ્કોબાર નામના પત્રકારના દાવા મુજબ નેતન્યાહુએ ખરેખર અસીમ મુનીરને મારવાનો ઓર્ડર આપ્યો હોત અને મોસાદ તેમાં સફળ થઈ હોત, તો શું થાત? સાદી ભાષામાં કહીએ તો તો, ઈસ્લામિક દેશો અને આપણા દક્ષિણ એશિયામાં જીઓપોલિટિકલ ભૂકંપ આવી ગયો હોત. કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ જ શરૂ થઈ ગયું હોત! આ કોઈ નાની કે સામાન્ય વાત નથી. જો આવું બન્યું હોત, તો તેના પરિણામો ભયંકર આવ્યા હોત... જુઓ, પાકિસ્તાન આખી દુનિયામાં એકમાત્ર એવો ઇસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ બોમ્બ છે. અને ઇઝરાયલ પણ છૂપી રીતે પરમાણુ શક્તિ ધરાવે જ છે. જો પાકિસ્તાનના આર્મી ચીફની વિદેશમાં હત્યા થાય, તો તે સીધો પાકિસ્તાનના ગૌરવ અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાય. આબરૂ બચાવવા લશ્કર પર એટલું બધું દબાણ આવત કે તેમણે સીધી ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો છોડવી જ પડત. સામે ઇઝરાયલે પણ પોતાના બ્રહ્માસ્ત્ર વાપરવા પડત. બીજું કે, નેતન્યાહુ અત્યારે જ હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન સામે અલગ અલગ મોરચે મોટું યુદ્ધ લડી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાન જેવા વિશાળ લશ્કરવાળા દુશ્મનને આમંત્રણ આપવું ઇઝરાયલ માટે ખુદ પોતાના પગ પર કુહાડી મારવા જેવું હોત. જો આવું થાય તો ઈરાન અને પાકિસ્તાન ભેગા મળીને ઇઝરાયલને ચારેબાજુથી ઘેરી લેત અને હોર્મુઝની સ્ટ્રેટની જેમ હંમેશા માટે બંધ થઈ જાત. અમેરિકાની આબરૂના ધજાગરા અને પાકિસ્તાનમાં લોહીયાળ જંગ સ્વિટ્ઝર્લેન્ડ જેવા શાંત અને તટસ્થ દેશમાં, જ્યાં અમેરિકા પોતે મધ્યસ્થી કરી રહ્યું હોય, ત્યાં જો આવી હત્યા થાય તો આખી દુનિયામાં અમેરિકાની આબરૂના ધજાગરા ઉડી જાત. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે ICC અને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN ઇઝરાયલ પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવી દેત અને અમેરિકા પણ તેમને બચાવી શકત નહીં. અને સૌથી મોટી ચિંતા તો પાકિસ્તાનની અંદર ઊભી થાત. આર્મી ચીફ અચાનક મરી જાય એટલે પાકિસ્તાનમાં ખુરશી કોણ પચાવી પાડે તેના માટે લોહીયાળ જંગ શરૂ થઈ જાત. આ તકનો લાભ લઈને TTP કે લશ્કર-એ-તૈયબા જેવા ખુંખાર આતંકવાદી સંગઠનો દેશના પરમાણુ હથિયારો પર કબજો કરી લેત. જો આતંકવાદીઓના હાથમાં ન્યુક્લિયર બોમ્બ આવી જાય, તો આ સાંભળીને જ ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય, કારણ કે તે આખી દુનિયા માટે વિનાશક સાબિત થાત. પાકિસ્તાનને ઈઝરાયલથી આટલની નફરત કેમ છે? હવે તમારા મનમાં ચોક્કસ સવાલ થતો હશે કે પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે કોઈ સીધી સરહદ તો જોડાયેલી છે નહીં. બંને વચ્ચે કોઈ પ્રદેશનો વિવાદ પણ નથી. તો પછી આટલી બધી કટ્ટર દુશ્મનાવટ કેમ? આનો જવાબ ઇતિહાસમાં છુપાયેલો છે. આ બંને દેશો એક જ સમયે ધર્મના આધારે અસ્તિત્વમાં આવ્યા છે અને તેમની લડાઈ જમીનની નહીં પણ વિચારધારાની છે. જ્યારે 1948માં ઇઝરાયલ બન્યું, ત્યારથી જ પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણાએ તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે પેલેસ્ટાઇનની ધરતી પર યહૂદી રાષ્ટ્રની સ્થાપના સ્વીકારી જ નહોતી. પાકિસ્તાન હંમેશા પોતાની જાતને દુનિયાભરના મુસ્લિમોના ચોકીદાર તરીકે રજૂ કરતું આવ્યું છે. બીજી બાજુ આપણે ત્યાં કહેવત છે ને કે 'પારકી આશ સદા નિરાશ', બસ પાકિસ્તાનની હાલત પણ એવી જ છે. દેશ ચલાવવા અને જૂના દેવા ચૂકવવા તેમને સાઉદી અરેબિયા અને અન્ય અખાતી દેશો પાસે હાથ લાંબો કરવો જ પડે છે. જ્યાં સુધી પેલેસ્ટાઇનનો પ્રશ્ન ઉકેલાય નહીં, ત્યાં સુધી આ દેશોના દબાણ હેઠળ પાકિસ્તાન ઇઝરાયલ સાથે સંબંધ બાંધી શકે તેમ જ નથી. અને જો પાકિસ્તાનની કોઈ સરકાર એવી હિંમત કરે પણ ખરી, તો દેશના કટ્ટરપંથી સંગઠનો દેશમાં મોટા પાયે હિંસા ફેલાવીને સરકારને જ ઉથલાવી નાખે. પાકિસ્તાન અને ઇઝરાયલના વચ્ચેની પડદા પાછળની રમત શું તમે જાણો છો? ઇઝરાયલ પાકિસ્તાનના કહુટા પરમાણુ પ્લાન્ટ પર ભયંકર હુમલો કરવાનું હતું? તમને કદાચ ખબર નહીં હોય, 1980ના દાયકામાં ઇઝરાયલ પાકિસ્તાનના ઇસ્લામિક બોમ્બથી એટલું બધું ડરી ગયું હતું કે તેમણે પાકિસ્તાનના કહુટા પરમાણુ મથકને જમીનદોસ્ત કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. યોજના એવી હતી કે ઇઝરાયલી F-16 અને F-15 ફાઇટર પ્લેન આપણા ભારતના જામનગર એરબેઝ પરથી ઉડાન ભરે. પણ છેલ્લી ઘડીએ અમેરિકાની જાસૂસી સંસ્થા CIAએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝિયા-ઉલ-હકને કાનમાં વાત નાખી દીધી. પાકિસ્તાને તરત જ ઈઝરાયલ અને ભારતને ખુલ્લી ધમકી આપી કે જો કહુટા પર એક પણ બોમ્બ પડ્યો, તો અમે મુંબઈ પાસે આવેલા તમારા ટ્રોમ્બે BARC પરમાણુ મથક પર વળતો ભયંકર હુમલો કરીશું. આ ધમકી અને પરમાણુ પ્રદૂષણના ખતરાને જોતાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ આખું સંયુક્ત મિશન અંતિમ સમયે કેન્સલ કરવું પડ્યું હતું. આમ, એક તરફ મોસાદનો ડર પાકિસ્તાનને પશ્ચિમથી કોરી રહ્યો છે. તો હવે ભારત પૂર્વ દિશામાંથી કેવી રીતે પાકિસ્તાન પર પાણીનો પ્રહાર કરી રહ્યું છે, તે પણ સમજો. પાકિસ્તાનની બેવડો ઘા: પશ્ચિમમાં મોસાદ, પૂર્વમાં ભારત મોસાદનો ખતરો તો કદાચ પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ પૂરતો સીમિત હતો, પણ હવે આપણે પાકિસ્તાનની બીજી સૌથી મોટી અને હકિકતની મુસીબતની વાત કરવાની છે, જેણે પાકિસ્તાનના સામાન્ય નાગરિકોના ગળે ટૂંપો આપ્યો છે. તેમની પૂર્વ સરહદેથી એટલે કે આપણા ભારત તરફથી તેમને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો મળ્યો છે. આ ઝટકો કોઈ એડવાન્સ બોમ્બ કે ભયાનક મિસાઇલનો નથી, પણ જીવાદોરી સમાન પાણીનો છે! જુઓ, પાકિસ્તાનનો આખો દેશ અને તેમની ખેતી સિંધુ જળ સંધિના પાણી પર નભે છે. પણ ભારતે હવે કાયમ માટે આ પાણી રોકવાનો નિર્ણય લીધો છે. આવું અચાનક કેમ થયું તે સમજવું જરૂરી છે. વાત એમ છે કે, એપ્રિલ 2025માં આપણા જમ્મુ-કાશ્મીરના ખૂબ જ સુંદર હિલસ્ટેશન પહેલગામમાં એક બહુ જ દુઃખદ અને આખા દેશને હચમચાવી દે તેવી ઘટના બની. પાકિસ્તાન દ્વારા પળાયેલા અને પોષાયેલા લશ્કર-એ-તૈયબાના બીજા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આપણા 26 બિલકુલ નિર્દોષ પ્રવાસીઓની અત્યંત ઘાતકી અને નિર્મમ હત્યા કરી નાખી. પહેલા તો ઈસ્લામના નારા લગાવડાવ્યા અને એના પછી માથા પર ધડાધડ ગોળીઓ વરસાવી હતી. આ ઘટના પછી ભારતની ધીરજ ખૂટી ગઈ અને સરકારે નક્કી કરી લીધું કે હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે. ભારતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધરખમ ફેરફાર કર્યો અને 1960થી સતત ચાલી આવતી સિંધુ જળ સંધિને અચોક્કસ મુદત માટે લટકાવી દીધી. ભારતે રોકડો, સ્પષ્ટ અને કડક જવાબ આપી દીધો કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ મોકલવાનું પૂરી રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ લાગુ રહેશે નહીં. આપણા દેશનો સીધો અને સ્પષ્ટ મંત્ર છે કે, "પાણી અને લોહી, બંને ક્યારેય એકસાથે ના વહી શકે." આ સિંધુ જળ સંધિ આખરે છે શું? આ સિંધુ જળ સંધિને સાવ સાદી સમજીએ તો, 1960માં વર્લ્ડ બેંકની વચેટિયાગીરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચવાનો આ એક મોટો કરાર થયો હતો. આ કરાર મુજબ સિંધુ નદી અને તેની અલગ-અલગ શાખાઓને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. રાવી, બિયાસ અને સતલજ જેવી પૂર્વીય નદીઓના પાણી પર ભારતનો 100 ટકા પૂરેપૂરો હક છે. જ્યારે સિંધુ, ચિનાબ અને ઝેલમ જેવી પશ્ચિમી નદીઓનું 80 ટકાથી પણ વધુ પાણી પાકિસ્તાનને વાપરવા માટે ભેટમાં આપવામાં આવ્યું હતું. આપણો દેશ નદીના ઉપરવાસમાં બેઠેલો છે. આપણે ધારીએ તો ગમે ત્યારે પાણી રોકી શકીએ તેમ હતા. છતાં, દાયકાઓથી એક સારા પાડોશી તરીકે સંબંધો સાચવવા માટે આપણે આપણા ભાગનું પાણી પણ પાકિસ્તાનને હસતા મોઢે જતું કરતા હતા. પણ હવે ભારતે વીએના કન્વેન્શનના આંતરરાષ્ટ્રીય કાયદાના આર્ટિકલ 60 અને 62નો કાનૂની હથિયાર તરીકે ઉપયોગ કરીને આ સંધિને બ્રેક લગાવી દીધી છે. ભારતે લીધેલા મોટા અને કડક એક્શન: પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર ભારતે જેવું પશ્ચિમી નદીઓના પાણી પર કંટ્રોલ કરવાનું શરૂ કર્યું અને ડેમની ક્ષમતા વધારી, એટલે પાકિસ્તાનમાં તો રીતસરનો હાહાકાર મચી ગયો છે. તમે જરા વિચાર કરો, પાકિસ્તાનની 80 ટકા ખેતી માત્ર ને માત્ર આ જ સિંધુ નદીના પાણી પર ચાલે છે. તેમના આખા દેશની કમાણીમાં આ ખેતીનો 23થી 25 ટકા જેટલો તોતિંગ હિસ્સો છે અને દેશના 37 ટકા લોકોને તે રોજગારી આપે છે. હવે અચાનક પાણી રોકાતા પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાં ભયંકર જળ સંકટ ઊભું થઈ ગયું છે. ખેતરો સુકાવા લાગ્યા છે. ત્યાંના આંકડા જુઓ તો મગજ કામ કરતું બંધ થઈ જાય. સિંધ પ્રાંતની સૌથી મોટી નોર્થ વેસ્ટ કેનાલમાં 64.1 ટકા પાણી ઘટી ગયું છે, રાઇસ કેનાલમાં 38 ટકા અને દાદુ કેનાલમાં તો 82 ટકા જેટલો કાપ મુકાઈ ગયો છે! એટલે કે નહેરો ખાલીખમ થઈ ગઈ છે. શું તમે આ વાત જાણો છો? એક બહુ જ મોટી, ગર્વ લેવા જેવી અને ચોંકાવનારી વાત જાણીએ. આ સિંધુ જળ સંધિ આખી દુનિયાનો એકમાત્ર એવો આંતરરાષ્ટ્રીય નદી કરાર છે જેમાં ઉપરવાસનો દેશ એટલે કે આપણું ભારત નીચાણવાળા દેશ એટલે કે પાકિસ્તાનને પોતાના ભાગનું 80 ટકા જેટલું જંગી પાણી સામે ચાલીને સ્વેચ્છાએ આપી દે છે. દુનિયામાં આવું ક્યાંય નથી બનતું. આપણું ભારતીયોનું હૃદય કેટલું મોટું છે તેનો સૌથી મોટો પુરાવો એ છે કે 1965નું યુદ્ધ હોય, 1971 નું બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ હોય કે પછી 1999ના કારગિલનું ભયંકર યુદ્ધ હોય... પાકિસ્તાને આપણી પીઠમાં ખંજર ભોંક્યું હોવા છતાં, તે સમયે પણ ભારતે ક્યારેય પાકિસ્તાનનું પાણી રોક્યું નહોતું! પણ હવે 2025માં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને આપણે પહેલીવાર આ પાણીનો પ્રવાહ રોકીને પાકિસ્તાનની નસ દબાવી દીધી છે. હવે જ્યારે પાણી રોકાયું છે ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ભારતને ટીવી પર બેસીને ખુલ્લી યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. પણ શું ખરેખર પાકિસ્તાનમાં યુદ્ધ કરવાની તાકાત બચી છે? આ ધમકીઓ પાછળનું સત્ય શું છે અને આપણા અજીત ડોવાલની સુપર માસ્ટરમાઇન્ડ રમત કેવી ચાલી રહી છે, પણ જાણીએ પાકિસ્તાનની યુદ્ધની પોકળ ધમકીઓ પાછળનું નગ્ન સત્ય હવે જ્યારે ભારતે સિંધુ નદીનું પાણી રોકી દીધું છે, ત્યારે બઘવાયેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ટીવી પર આવીને ભારતને ખુલ્લી ધમકી આપી દીધી. તેમણે કહ્યું કે, આ સિવાય પાકિસ્તાન UNમાં પણ રડવા પહોંચી ગયું છે. પણ શું ખરેખર પાકિસ્તાનમાં ભારત સામે એક પણ ગોળી ફોડવાની તાકાત બચી છે? આનો સીધો અને સાદો જવાબ છે... ના. પાકિસ્તાનની આ ધમકી માત્ર એક ગીદડભભકી એટલે કે ખાલી બૂમરાણ છે. આવું આપણે કહી શકીએ છીએ તેની પાછળ ત્રણ મોટા કારણો છે. ટૂંકમાં કહીએ તો, જે દેશ પાસે પોતાનું પેટ ભરવાના પૈસા નથી અને ભીખના કટોરા પર દેશ ચાલે છે, તે આપણી સામે શસ્ત્રો શું ઉઠાવશે? તેમની આ યુદ્ધની ધમકીઓ માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા અને આંતરરાષ્ટ્રીય લેવલે ધ્યાન ખેંચવા માટેનો એક ખેલ છે. જો કે ચીન અને અમેરિકા જેવી વિદેશી તાકાત તેમને ભારત સામે યુદ્ધ લડવા મદદ કરે તો વાત અલગ છે. અજીત ડોવાલની કૂટનીતિ અને ભારતની સુરક્ષા જ્યારે પાકિસ્તાન એકબાજુ ઇઝરાયલના મોસાદના ડરથી અને બીજીબાજુ પાણી વિના તરફડિયા મારી રહ્યું છે, ત્યારે ભારતે એકદમ આક્રમક રમત રમી છે. આ આખી ગેમના અસલી ચાણક્ય છે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોવાલ. સતત ત્રીજીવાર NSA બનેલા ડોવાલના ઈશારે આપણી સ્પાય એજન્સી RAW અને IBએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી છે. વિદેશી ગુપ્તચર એજન્સી RAW પાકિસ્તાન કે વિદેશમાં શું રંધાઈ રહ્યું છે તેની માહિતી લાવે છે, અને IB આપણા દેશમાં શું થઈ રહ્યું છે તેના પર બાજ નજર રાખે છે. તમે જુઓ, પાકિસ્તાન જ્યારે કાશ્મીર મોરચે હારે છે, ત્યારે તે આપણા ગુજરાતના દરિયાઈ અને દલદલી માર્ગે ઘૂસવાની કોશિશ કરે છે. પણ ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોવાલે ગુજરાતના કચ્છ બોર્ડર પર હરામી નાલા અને સર ક્રીક જેવા વિસ્તારોમાં એવી કિલ્લેબંધી કરી દીધી છે કે ત્યાંથી હવે એક મચ્છર પણ પ્રવેશી ના શકે. ત્યાં સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ હેઠળ હાઇ-ટેક સીસીટીવી, ડ્રોન સર્વેલન્સ અને ઊંચા વોચટાવર લાગી ગયા છે. હમણાં જ જાન્યુઆરી 2025માં આપણા BSFના જવાનોએ હરામી નાલામાંથી ડ્રોનની મદદથી બાબુ અલી અને અફઝલ નામના પાકિસ્તાની ઘૂસણખોરોને પકડી પાડ્યા અને 11 પાકિસ્તાની હોડીઓ જપ્ત કરી લીધી. આ આપણી સુરક્ષાની તાકાત છે! ડોવાલ 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં અંડરકવર જાસૂસ રહ્યા હતા! તમને જાણીને છાતી ગજગજ ફૂલશે કે આપણા અજીત ડોવાલે પોતાની યુવાનીમાં એક મુસ્લિમ નાગરિકનો વેશ ધારણ કરીને પૂરા 7 વર્ષ પાકિસ્તાનમાં એક ભારતીય જાસૂસ તરીકે વિતાવ્યા હતા. તેઓ ત્યાં દરગાહમાં જતા અને લોકો વચ્ચે એવી રીતે ભળી ગયા હતા કે કોઈને ગંધ પણ ના આવી! પાકિસ્તાનની માનસિકતાની તેમની આ અંદરની ઓળખ જ આજે ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ રહી છે. પોલીસ ખાતાના તેઓ પહેલા અધિકારી છે જેમને કીર્તિ ચક્ર એનાયત થયું હતું. ભારત અને ઇઝરાયલની દોસ્તી અને દુનિયામાં આપણો ડંકો પાકિસ્તાન અત્યારે પેલેસ્ટાઇનના નામે ઇઝરાયલ સાથે દુશ્મનાવટ કરીને એકલું પડી ગયું છે, જ્યારે ભારતે ઇઝરાયલ સાથેના સંબંધો ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચાડી દીધા છે. માર્ચ 2024માં અજીત ડોવાલ ઇઝરાયલ ગયા હતા અને નેતન્યાહુ સાથે સીધી અને સિક્રેટ મીટિંગ કરી હતી. બંને દેશો આતંકવાદનો સીધો શિકાર છે એટલે RAW અને મોસાદ વચ્ચે અત્યારે એડવાન્સ લેવલની રિયલ ટાઈમ ઈન્ફોર્મેશનની આપ-લે ચાલે છે. આપણે ઇઝરાયલ પાસેથી હેરોન ડ્રોન અને સ્માર્ટ ફેન્સિંગની ટેકનોલોજી ખરીદીને કાશ્મીરથી લઈને ગુજરાત સુધી બોર્ડર પર લગાવી દીધી છે. એક બાજુ આપણે આરબ દેશો સાથે પણ સારા વેપારી સંબંધો રાખ્યા છે અને બીજી તરફ ઇઝરાયલ સાથે પણ. આને જ સાચી સ્ટ્રેટેજિક ઓટોનોમી કહેવાય, જેમાં પાકિસ્તાન સાવ કચડાઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આસમાન-જમીનનો તફાવત પાકિસ્તાનની હાલત હાલ કંગાળ છે જ્યારે સામેની બાજુ ભારતની સ્થિતિ દુનિયામાં વધુ શક્તિશાળી થઈ રહી છે. પાકિસ્તાનનું આખું અર્થતંત્ર લશ્કરના હાથમાં અને વિદેશી દેવા પર ડિપેન્ડ છે જ્યારે સામેની બાજુ ભારતનું અર્થતંત્ર દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંથી એક છે અને મુદ્રા ભંડાર પણ સારો છે. પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાનમાં પાણીનો 80 ટકા કાપ છે જેના કારણે ખેતી સાવ બરબાદ થી ગઈ છે. સામેની બાજુ ભારતમાં નદીઓ અને પાણી બચાવવા મોટાપાયે કામગીરી થઈ રહી છે. પાકિસ્તાનની ઈઝરાયલ સાથે દુશ્મની છે અને ઈસ્લામિક દેશોમાં પાકિસ્તાનનો કોઈ મોટો પ્રભાવ નથી, ભારતની વાત કરીએ તો ઈઝરાયલ અને આરબ બંને દેશો સાથે બેલેન્સ રાખીને મજબૂત સંબંધો રાખ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદના કારણે મોસાદના હુમલાઓનો અને પોતાના જ આતંકીઓના હુમલાની બીક રહે છે સામેની બાજુ ભારત આતંકવાદને જડબાતોડ જવાબ આપે છે અને સરહદી સુરક્ષા સાથે દુશ્મનો પર પણ ઝીરો ટોલરન્સની નીતિ રાખે છે. અને છેલ્લે… પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાનના હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ મહરંગ બલોચને ઉંમર કેદની સજા સંભળાવી છે. યુવા પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થેનબર્ગ સહિત દુનિયાભરના એક્ટિવિસ્ટ ગ્રુપ્સમાં અત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને પાક.ની થૂં... થૂં... થઈ રહી છે. પોતાનો દેશ સરખો સંભાળી શકાતો નથી અને ભારતમાં ભાગ માગવાના સપના જુએ છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે, જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન ફીલ્ડર્સે 4 બોલ પર ત્રણ કેચ ડ્રોપ કર્યા:સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતનું જીતવું જરૂરી; બાંગ્લાદેશનો સ્કોર 75/2
    Next Article
    સુરેન્દ્રનગર સુપરવાઇઝર ₹2,000ની લાંચ લેતા ઝડપાયો:ACBએ જેલચોક પાસેથી ઝડપ્યો, સિક્યોરિટી ગાર્ડ પાસેથી નિયમિત હાજરી પૂરવા માટે લાંચ માંગી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment