Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચાયતોમાં ભ્રષ્ટાચાર સામે સરકારનો મોટો નિર્ણય:ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાકીય ગેરરીતિઓ પર રહેશે સીધી નજર, DDOને અપાઈ વધુ સત્તા

    11 hours ago

    ગુજરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ પારદર્શક, જવાબદાર અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં વાર્ષિક ઓડિટ પૂર્ણ થયા બાદ હવે ફરજિયાત 'એગ્ઝિટ કૉન્ફરન્સ' યોજાશે. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે 28 જુલાઈ, 2026ના રોજ આ અંગે પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે. અત્યાર સુધી ઓડિટમાં સામે આવતી ગંભીર ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવામાં લાંબો સમય લાગતો હતો, પરંતુ નવી વ્યવસ્થાથી ઓડિટ પૂર્ણ થતાં જ જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાનો માર્ગ ખુલ્લો બનશે. એગ્ઝિટ કૉન્ફરન્સમાં વહીવટી ગેરરીતિ રજૂ કરાશે નવી વ્યવસ્થા મુજબ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની અધ્યક્ષતામાં યોજાનારી એગ્ઝિટ કૉન્ફરન્સમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના વરિષ્ઠ ઓડિટ અધિકારીઓ ઓડિટ દરમિયાન સામે ગંભીર નાણાકીય અને વહીવટી ગેરરીતિઓ રજૂ કરશે. તેમાં ઉચાપત, નિયમો વિરુદ્ધ થયેલી ખરીદી, ગેરકાયદે ભરતી, સરકારી નાણાનો દુરુપયોગ, નિયમભંગ અને અન્ય ગંભીર ક્ષતિઓ અંગે સીધી ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ગેરરીતિ ગંભીર જણાશે તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક ધોરણે શિસ્તભંગ, વિભાગીય તપાસ અથવા જરૂરી હોય ત્યાં કાનૂની કાર્યવાહી પણ તાત્કાલિક શરૂ કરી શકાશે. ઓડિટ પૂર્ણ થયા બાદ તરત જ સ્પષ્ટતા મેળવી શકાશે સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી ઓડિટ માત્ર કાગળ પરની ઔપચારિક પ્રક્રિયા નહીં રહે, પરંતુ જવાબદારી નક્કી કરવાની અસરકારક વ્યવસ્થા બનશે. અત્યાર સુધી અનેક વખત ઓડિટ રિપોર્ટ તૈયાર થયા બાદ પણ કાર્યવાહી મોડે થતી હતી, જેના કારણે ગેરરીતિ કરનારાઓ સામે સમયસર પગલાં લેવામાં મુશ્કેલી પડતી હતી. હવે ઓડિટ પૂર્ણ થયા બાદ તરત જ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી સ્પષ્ટતા મેળવી શકાશે અને જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરાશે. દરેક ખર્ચ માટે જવાબદારી નિશ્ચિત થશે રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ નવી વ્યવસ્થાથી પંચાયતોમાં પારદર્શકતા વધશે, જાહેર નાણાંના દુરુપયોગ પર નિયંત્રણ આવશે અને ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ જશે. વિકાસના કામોમાં ગુણવત્તા જળવાશે, નિયમોનું પાલન વધુ કડક બનશે અને દરેક ખર્ચ માટે જવાબદારી નિશ્ચિત થશે. અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ જવાબદારીની ભાવના વધશે, કારણ કે ઓડિટ પૂર્ણ થતાં જ તેમના કામની સીધી સમીક્ષા થશે. સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગની ખાતરી વધશે આ નિર્ણયનો સૌથી મોટો લાભ ગામડાંના સામાન્ય નાગરિકોને મળશે. રસ્તા, પીવાના પાણી, ગટર, સ્વચ્છતા, શાળા, આંગણવાડી અને અન્ય ગ્રામ વિકાસના કામો માટે ફાળવાયેલા સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તેની ખાતરી વધુ મજબૂત બનશે. ગેરરીતિ સામે વર્ષો સુધી રાહ જોવાને બદલે સમયસર કાર્યવાહી થવાથી વિકાસના કામોમાં પારદર્શકતા વધશે અને જાહેર નાણાંની સુરક્ષા વધુ સુનિશ્ચિત બનશે. રાજ્ય સરકારનું માનવું છે કે, પંચાયતોમાં એગ્ઝિટ કૉન્ફરન્સની આ નવી વ્યવસ્થા ગ્રામ્ય સુશાસનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ચાંદલોડિયા તળાવ કિનારે જુગાર રમતા 7 પાટીદાર ઝડપાયા:રોકડ- મોબાઈલ સહિત ₹73 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પૂર્ણા નદીએ વિરાવળ પાસે વહેણ બદલ્યું:નદીએ બીજો ફાંટો પાડતાં ટાઈડલ વિયર ડેમ નજીક જમીન ધોવાણ, ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment