Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘રાજદીપસિંહ નકુમે સોપારી લીધી હતી?’:સાયકલવાલાએ કહ્યું- જનરલ ડાયરની ભૂમિકા ભજવી; ડિમોલિશનના ‘ભૂત’થી પીછો છોડાવવા DCPના હવાતિયા, ભાસ્કરના 10 સવાલ

    1 day ago

    સુરતમાં ગત 29 અને 30 મે દરમિયાન ભારે પોલીસ પ્રોટેક્શન વચ્ચે નાસીરનગર ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હતી. આ ઘટના બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર નિવેદન આપી દીધું હતું કે, પાલિકા દ્વારા આવો કોઈ ડિમોલિશન ઓર્ડર આપવામાં આવ્યો નથી. મનપાની ટીમ માત્ર લાઈન દોરી અને માપણી માટે ગઈ હતી. સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે જો મનપાએ ઓર્ડર નથી આપ્યો, તો આ ભૂતિયા ડિમોલિશન કોણે કર્યું? શું કોઈ ખાનગી બિલ્ડરે તંત્ર અને પોલીસ સાથે મળીને 'સોપારી' આપીને ગરીબોના ઘર તોડી પાડ્યા? આ સવાલો વચ્ચે સેંકડો પરિવારો માસૂમ બાળકો સાથે ખુલ્લા આકાશ નીચે તંબુ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનો દ્વારા મનપા કચેરી અને કમિશનર બંગલે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા છે, જેના કારણે મામલો હાઈકોર્ટ અને ગાંધીનગર સુધી પહોંચ્યો છે. વેડ દરવાજા પાસે આવેલી નાસીરનગર ઝૂંપડપટ્ટીના ભૂતિયા ડિમોલિશન મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. ડિમોલિશનની આ વિવાદાસ્પદ ઘટનાના બરાબર 13 દિવસ બાદ, જ્યારે વહીવટી તંત્ર અને પોલીસ બેકફૂટ પર છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોરચો સંભાળીને આ આખી વસાહતમાં સક્રિય ગુનેગારોનો કાળો ચિઠ્ઠો બહાર પાડ્યો છે. એક તરફ આ ગેરકાયદેસર ડિમોલિશન મુદ્દે ગુપ્ત તપાસના આદેશ છૂટ્યા છે અને પાલિકા કમિશનરના બંગલે પીડિતોના ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ એસઓજી પોલીસ નાસીરનગર એ સામાન્ય નાગરિકોની નહીં, પરંતુ રીઢા અસામાજિક તત્વોની વસાહત હોવાનું સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસ સાબિત કરવા માંગે છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બુલડોઝરની જે આકરી કાર્યવાહી થઈ છે, તે હકીકતમાં આ ગંભીર ગુનેગારોના સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા માટેનો એક ભાગ છે. આ બધા વચ્ચે હવે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલા આકરા પાણીએ છે. તેમણે કહ્યું કે રાજદીપસિંહ નકુમ જનરલ ડાયર છે, તેમણે ગરીબોને ઘરવિહોણા કર્યા છે. શું રાજદીપસિંહ નકુમે એની સોપારી લીધી હતી? કોન્ટ્રાક્ટ લીધો હતો? માફિયાગીરી કરવાનું કામ લીધું હતું હાથમાં?. મેં આવીને તપાસ કરી તો SOGએ જાહેર કરેલા 7માંથી 4 આરોપી તો અહીંયા ક્યારેય રહેતા જ નહોતા. ભૂતિયા ડિમોલિશનને લઇને SOG અને SMC બરાબરની ભરાઈ છે. SOGના DCP રાજદીપસિંહ નકુમની ડિમોલિશન સાઇટ પર રહસ્યમય હાજરીથી અનેક સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે આ ડિમોલિશનના ‘ભૂત’થી પીછો છોડાવવા પોલીસ હવાતિયા મારી રહ્યું છે, આ બધા વચ્ચે ભાસ્કર પણ DCP રાજદીપસિંહ નકુમને 10 સવાલ પૂછી રહ્યું છે. SOGએ 7 ગુનેગારોની યાદી ગુનાહિત ઈતિહાસ સાથે બહાર પાડી એસઓજી પોલીસે સત્તાવાર રીતે નાસીરનગરમાં વસવાટ કરતા 7 ગુનેગારોની યાદી ગુનાહિત ઈતિહાસ સાથે બહાર પાડી છે. આ આરોપીઓ વિરુદ્ધ ચોકબજાર, લાલગેટ, સલાબતપુરા અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, ખંડણી, પાસા અને તડીપાર ભંગ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સમીરખાન સામે કુલ 8 ગુના નોંધાયેલા આ યાદીમાં સૌથી મોખરે બે રીઢા અને માથાભારે ગુનેગારોના નામ છે, જેમાં સમીરખાન ઉર્ફે સમીર માંડવા સલીમ પઠાણ સામે કુલ 8 ગુના નોંધાયેલા છે. તેના પર વર્ષ 2016 અને 2017માં ચોકબજાર પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવા અત્યંત ગંભીર ગુના દાખલ થયેલા છે. આ ઉપરાંત શહેરની શાંતિ ડહોળવા બદલ તેને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં, તેણે વર્ષ 2019, 2022 અને 2023માં ત્રણ વાર તડીપાર ભંગ કરીને શહેરમાં કાયદો-વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો અને વર્ષ 2025માં તેની સામે પ્રોહિબિશનનો નવો ગુનો પણ દાખલ થયો છે. મોહસીનખાન પર 9 કેસ બીજો મુખ્ય આરોપી 31 વર્ષીય મોહસીનખાન ઉર્ફે કાલીયો શબ્બીરખાન પઠાણ છે, જેના પર કુલ 9 કેસ છે. આ શખસ આ વિસ્તારમાં રાયોટિંગ અને હુલ્લડ મચાવવા માટે કુખ્યાત છે. વર્ષ 2015માં સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઉભી કરી હુમલો કરવાનો ગુનો તેના પર નોંધાયો હતો અને તેની સતત અસામાજિક પ્રવૃત્તિઓને કારણે લાલગેટ અને ચોકબજાર પોલીસના આધારે પી.સી.બી. દ્વારા વર્ષ 2020, 2021 અને છેલ્લે 2024/2025માં પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પાસા) હેઠળ તેને જેલભેગો કરવામાં આવ્યો હતો. ઝુબેરખાન પઠાણ સામે 6 કેસ આ યાદીમાં ત્રીજો આરોપી ઝુબેરખાન હારૂનખાન પઠાણ છે, જેની સામે જુગાર, હથિયારબંધી ભંગ (GP Act 135), મારામારી અને પ્રોહિબિશન સહિત કુલ 6 કેસ નોંધાયા છે, જેમાં લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે. મહિલાઓની પણ ગંભીર ગુનાઓમાં સંડોવણી ચોંકાવનારી વાત એ છે કે નાસીરનગરમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ચોથું નામ બાનુબેન લાકડાવાલાનું છે. આ મહિલા આરોપી સામે ચોકબજારમાં મારામારી ઉપરાંત વર્ષ 2025માં લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ખંડણી જેવો ગંભીર ગુનો નવી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ નોંધાયો છે. આ ઉપરાંત, યાદીમાં પાંચમા ક્રમે સદ્દામ કલન શાહ છે, જેની સામે વર્ષ 2022માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મારામારી અને જી.પી. એક્ટ 135 ભંગનો ગુનો નોંધાયેલો છે. આરોપીઓ સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુના આ ક્રમમાં છઠ્ઠા ક્રમે તૈયબ અજીઝ શેખ છે, જેની સામે કોરોના મહામારી દરમિયાન વર્ષ 2021માં જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ કેસ થયો હતો. જ્યારે સાતમા ક્રમે આસીફ અબ્દુલરઝાક શેખ છે, જેની સામે વર્ષ 2023માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાયેલ છે. સત્તાવાર ઓર્ડર વગર બુલડોઝર ફેરવવાની સત્તા ખાનગી એજન્સી કે પોલીસને કોણે આપી? જ્યારે તંત્ર આ ડિમોલિશનને લઈને ચારેબાજુથી ઘેરાયું છે, ત્યારે એસઓજી દ્વારા આ 7 મોટા ગુનેગારોની યાદી જાહેર કરવાનો મુખ્ય હેતુ એસ્ટાબ્લિશ કરવાનો છે કે નાસીરનગર કોઈ સામાન્ય વસાહત નથી, પરંતુ તે ગુનેગારોનો અડ્ડો છે. સુરત પોલીસના આંતરિક વર્તુળો મુજબ, આ ડેટા સાર્વજનિક કરીને પોલીસ એ સંદેશ આપવા માંગે છે કે આ કોઈ ગરીબો પર અત્યાચાર નથી, પરંતુ વિસ્તારને ક્રાઇમમુક્ત કરવા માટે લેવાયેલું મોટું પગલું છે. જોકે, એસઓજીના આ ખુલાસા બાદ એક વાત સ્પષ્ટ છે કે નાસીરનગરમાં ગુનાહિત તત્વોનો ભારે જમાવડો હતો, પરંતુ કાયદાના નિષ્ણાતો અને સ્થાનિકો હજુ પણ સવાલ પૂછી રહ્યા છે કે ભલે આ વિસ્તારમાં ગુનેગારો રહેતા હોય, પરંતુ કાયદેસરની નોટિસ કે મેજિસ્ટ્રેટના સત્તાવાર ઓર્ડર વગર રાતોરાત બુલડોઝર ફેરવી દેવાની સત્તા ખાનગી એજન્સી કે પોલીસને કોણે આપી? આ પણ વાંચો: સુરતનું ભૂતિયા ડિમોલિશન કોઈ નેતાનો ભોગ લેશે..! SOGની ગુનેગારોની યાદી સામે ગંભીર સવાલો સુરતમાં નાસીરનગર ભૂતિયા ડિમોલિશન બાદ SOGએ ગુનેગારોની યાદી જાહેર કરી તેની સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સુરત SOG દ્વારા રજૂ કરાયેલી હિસ્ટ્રીશીટર્સની વિગતોમાં પક્ષપાત અને મોટી બેદરકારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માત્ર કોરોના કાળ દરમિયાન જાહેરનામા ભંગની એક સામાન્ય ફરિયાદ સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે SOG દ્વારા જે નાસીરનગરના આરોપીઓના નામ જાહેર કરાયા છે, તેમાં તૈયબ નામના આરોપીનો પણ સમાવેશ થાય છે. આ તૈયબ નામના આરોપીના ભૂતકાળ પર નજર કરીએ તો તેની સામે માત્ર કોરોનાકાળ દરમિયાન જાહેરનામા ભંગની એક સામાન્ય ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય તેનો કોઈ મોટો ગુનાહિત ઈતિહાસ નથી. બીજી તરફ, સુરત શહેરમાં અનેક કુખ્યાત અને માથાભારે ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પરંતુ SOG સુરતનું પૂરું ફોકસ અત્યારે માત્ર નાસીરનગરના ગણતરીના જ લોકો પર જોવા મળી રહ્યું છે, જેને પગલે પોલીસની કામગીરી સામે શંકાની સોય ચિંધાઈ રહી છે. મોટા અધિકારીઓની ગેરહાજરી, બંદોબસ્તમાં કેમ રમાઈ રમત? સામાન્ય રીતે જ્યારે કોઈ મોટા પોલીસ બંદોબસ્તનું આયોજન થતું હોય છે, ત્યારે લોકલ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પૂરો પાડવામાં આવતો હોય છે અને જરૂર જણાયે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહેતા હોય છે. પરંતુ નાસીરનગરમાં જ્યારે આ કામગીરી માટે સ્થાનિક પોલીસ ગઈ હતી, ત્યારે અગમ્ય કારણોસર રાજદીપસિંહ નકુમ સિવાય અન્ય કોઈ પણ ડીસીપી (DCP) ત્યાં હાજર નહોતા. માત્ર જે-તે પોલીસ સ્ટેશન વિસ્તારના ACP આહીર જ સ્થળ પર ઉપસ્થિત હતા. આટલી મોટી કાર્યવાહીમાં DCP નકુમ રહસ્યમય હાજરી અનેક સવાલો ઊભા કરે છે. કમિશનરેટના CCTV ફૂટેજ કાઢો તો ખુલે વિવાદિત બિલ્ડરના રહસ્યો આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પોલીસ અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જો આ લોકો ગુનાહિત છબી ધરાવતા હતા તો તેમને અગાઉથી કેમ ડિટેઈન કરવામાં ન આવ્યા? કાયદો-વ્યવસ્થા ખોરવાઈ ગયા બાદ જ કેમ આ નામો જાહેર કરાયા? કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ તે પહેલાં વિવાદિત બિલ્ડરની અવરજવર પોલીસ મુખ્યાલય (હેડક્વાર્ટર) ખાતે સતત જોવા મળી હતી. જો પોલીસ મુખ્યાલયના CCTV ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો થઈ શકે છે કે આ બિલ્ડર કોને મળવા જતો હતો અને કોની સાથે સાંઠગાંઠ ચાલી રહી હતી. પોલીસ બંદોબસ્ત અંગે અનપેક્ષિત ઘટનાક્રમ ચોક બજાર પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની પાસે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. જો કે, સ્થાનિક પોલીસની ટીમ નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આ મામલે SOGની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત પૂરો પાડવાની તાકીદની માગ કરવામાં આવી હતી, જેના કારણે ઘટનાસ્થળે પોલીસ વિભાગની આંતરિક કામગીરીમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો હતો. બાર વર્ષે બાવો બોલ્યો: અસ્લમ સાયકલવાલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની લોક કહેવત છે કે ‘બાર વર્ષે બાવો બોલ્યો’, એમ સુરત શહેર SOGએ નાસીરનગર ડિમોલિશનના 12મા દિવસે મીડિયા મિત્રોને એક લિસ્ટ મોકલી કે આ નાસીરનગરમાં બહુ રીઢા ગુનેગારો વસવાટ કરતા હતા. જેમાં 6 નંબરના આરોપીનું જે નામ છે એ તમે જુઓ તો સાવ સામાન્ય કોરોનાના જાહેરનામા ભંગનો ગુનો દાખલ છે અને બીજા એવા આરોપી પણ છે કે એમાં કોઈ મોટા ગંભીર ગુનાઓ નથી. છતાં પોલીસ ચોપડે ગુનેગાર તરીકે નોંધાયા. પોલીસ કાયદેસરની જે કાર્યવાહી કરવાની થાય એ કરે, કોર્ટ એને જે તે સજા આપવાની થાય સજા આપે, એમાં અમને કોઈ વાંધો નથી. ‘84 પરિવારને ઘરવિહોણા કર્યા, 7 ગુનેગારોને નહીં’ નાસીરનગરમાં કુલ 84 પરિવારોને ઘરવિહોણા કર્યા છે, માત્ર 7 જે રીઢા ગુનેગારો પોલીસ દર્શાવી રહી છે એમને ઘરવિહોણા નથી કર્યા. દાદાનું બુલડોઝર ભલે ચલાવે, પરંતુ અહીં 74 પરિવારોને બુલડોઝર ચલાવતા પહેલા નોટિસ આપવાની થાય છે, એ નોટિસ આપવાનું ચૂકી ગયા. ‘પ્રેસ કોન્ફરન્સ કરીને નાસીરનગરની વાસ્તવિક્તા રજૂ કરવી જોઇએ’ આ જ SOGએ શિવાજી ઝાલાની ભાટેનામાંથી ખૂબ મોટા મુદ્દામાલ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી, પરંતુ એનું ઘર ડિમોલિશન ના કરી શકી. કેમ ના કરી શકી? એ પણ સરકારી જગ્યા પર છે. હું તો એવું કહું છું કે પ્રેસ નોટ રિલીઝ કરીને નહીં પણ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી નાસીરનગરની વાસ્તવિકતા રજૂ કરવી જોઇએ. ‘રાજદીપસિંહ નકુમે જનરલ ડાયરની ભૂમિકા ભજવી ગરીબ લોકોને ઘરવિહોણા કર્યા’ અમારી જે લડાઈ છે એ કોંગ્રેસ પાર્ટીની શરૂઆતથી એક જ છે કે આ લોકોએ જે અમાનવીય અત્યાચાર કરીને, હિટલરશાહી પદ્ધતિથી અને રાજદીપસિંહ નકુમ જે SOGના DCP છે, પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને આ ગરીબ લોકોને ઘરવિહોણા કર્યા નોટિસ આપ્યા વગર એ કાયદાનું હનન થયું છે, એ ના કરી શકાય. ‘રાજદીપસિંહ નકુમે શું એની સોપારી લીધી હતી’ રાજદીપસિંહ નકુમે શું એની સોપારી લીધી હતી? કોન્ટ્રાક્ટ લીધો હતો? માફિયાગીરી કરવાનું કામ લીધું હતું હાથમાં? કે જે પ્રમાણે ગરીબોને તમે, એ 84 પરિવારોને ઘરવિહોણા કરી દીધા અને બીજા 30 પરિવારોના 50% કરતાં પણ વધારે મકાન-મિલકતને નુકસાન કર્યું, તો એની જવાબદારી પણ સ્વીકારવાની નૈતિક હિંમત રાખવી પડતી હોય છે. ‘તમારું કામ સરકારની ચાપલુસી કરવાનું અને સારા દેખાડવાનું છે’ હું કહું છું કે જેમ સુરત મહાનગરપાલિકાના છ સભ્યોની કમિટી નિમાણી, તો પોલીસ કમિશનર પણ સાવ ન્યાયિક અને તટસ્થ તપાસ સોંપે અને તમારી SOG પોલીસ એટલી સંનિષ્ઠાથી કાર્ય કરતી હોય તો પ્રેસ કોન્ફરન્સ કરે અને બતાવે. જો તમારા DCP રાજદીપસિંહ નકુમ સરકારની આટલી ચાપલુસી કરતા હોય, સરકારના આટલા બધા નજીકના હોય તો એ DCP આવનારા દિવસોમાં સુરત પોલીસના પોલીસ કમિશનર બને, PIના DySP બને, સીધા DCP બને અને જે PSI છે એ PSIના બદલે સીધા ACP બને એમાંય અમને કોઈ વાંધો નથી, પરંતુ તમારું કામ છે સરકારની ચાપલુસી કરવાનું કે એમાં સારો દેખાડવાનું? આ કામ તમે સાવ ખોટું કર્યું છે, નિંદનીય કર્યું છે, અમાનવીય રીતે કર્યું છે એ સ્પષ્ટ થાય છે. એટલે બાર દિવસ પછી જે તમારી આ બોખલાહટ છે એ સામે આવી છે, તમે તમારા બચાવમાં આવ્યા છો, પરંતુ આ બચાવ પણ તમારો લૂલો બચાવ છે. ‘પોલીસ ન્યાયધીશની ભૂમિકામાં આવશે તો કોર્ટને તાળા મારવા પડશે’ મેં આવીને તપાસ કરી સાતમાંથી ચાર આરોપી તો અહીંયા ક્યારેય રહેતા જ નહોતા. એટલે SOG જે માહિતી આપે છે કે એમને જે કઈ લોકલ પોલીસ સ્ટેશનને પણ માહિતી આપી છે, હું માનું છું કે અધકચરી માહિતી આપી છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ એકબીજામાં મતભેદો હોઈ શકે. ગુનેગારને ગુનેગારની રીતે ટ્રીટ કરો એનામાં કંઈ વાંધો નથી પણ કાયદા છે, કોર્ટ છે. SOGના DCP રાજદીપસિંહ નકુમ પહેલાં પણ અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ SOG અધિકારીઓની વિવાદાસ્પદ ભૂમિકા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ દરમિયાન સુરત પોલીસની SOG શાખાના DCP રાજદીપસિંહ નકુમ અને PI અતુલ સોનારા ભારે વિવાદમાં આવી ચૂક્યા હતા. તે સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા આ બંને ઉચ્ચ અધિકારીઓ સામે સત્તાના દુરુપયોગ અને પક્ષપાતી વલણના અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુખ્ય વિવાદ તે સમયે સર્જાયો જ્યારે 15મી એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દિવસે કોંગ્રેસના એક ઉમેદવારને પૂરા પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી વિભાગની કચેરીમાં લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કચેરીની બહાર હાજર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કઈંક શંકાસ્પદ જણાતાં ઉમેદવારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આક્ષેપ છે કે આ સમયે ત્યાં હાજર SOGના PI સોનારા અને અન્ય સ્ટાફ કોઈ પણ સત્તાવાર ઓથોરિટી વગર ત્યાં કોંગ્રેસના ઉમેદવાર સાથે હાજર હતા. સત્તાધારી પક્ષને કચેરી બહાર ગેરકાયદે સંરક્ષણ આપવાનો આક્ષેપ કોંગ્રેસનો મુખ્ય આક્ષેપ એ હતો કે ચૂંટણી વિભાગની કચેરીની બહાર ઊભા રહીને DCP નકુમ અને PI સોનારાની આગેવાની હેઠળ SOGની ટીમ સત્તાધારી પક્ષ (ભાજપ)ના ઈશારે કામ કરી રહી હતી. જે તે સમયે આ વિસ્તાર સ્થાનિક 'ઉમરા પોલીસ સ્ટેશન'ના કાર્યક્ષેત્રમાં આવતો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમની હતી. તેમ છતાં, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) જેવી ખાસ શાખાના ઉચ્ચ અધિકારીઓ ત્યાં સિવિલ ડ્રેસમાં તહેનાત થઈ ગયા હતા. કોંગ્રેસના મતે, આ અધિકારીઓ ત્યાં કાયદો જાળવવા નહીં, પરંતુ સત્તાધારી પક્ષના રાજકીય એજન્ટ બનીને વિપક્ષને દબાવવા અને શાસક પક્ષને ગેરકાયદેસર સંરક્ષણ પૂરું પાડવા માટે ઊભા હતા. સિવિલ ડ્રેસમાં ખોફ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો વિવાદ આ ઘટના ઉપરાંત, ચૂંટણીના માહોલ વચ્ચે આ બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ SOGનો સ્ટાફ આચારસંહિતાનો ભંગ કરીને વિપક્ષી નેતાઓ અને ઉમેદવારોના રહેણાંક તેમજ વ્યાપારિક સંકૂલોની આસપાસ સિવિલ ડ્રેસમાં બિનજરૂરી રીતે આંટાફેરા મારતા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પોલીસ યુનિફોર્મ વગર આ રીતે ફરવા પાછળનો હેતુ વિપક્ષ પર 'સાઇકોલોજિકલ પ્રેશર' લાવવાનો અને સામાન્ય જનતા તેમજ કાર્યકરોમાં લાકડીઓ/ડંડાના જોરે ભયનો માહોલ ઊભો કરવાનો હતો. તે સમયે કોંગ્રેસે બને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. રાજદીપસિંહ નકુમ 4 વર્ષથી SOGના DCP 4 એપ્રિલ 2022ના રોજ રાજદીપસિંહ નકુમની બઢતી સાથે સુરત ખાતે બદલી કરવામાં આવી હતી, જ્યાં તેમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના વડા તરીકે નિયુક્ત કરાયા હતા. લગભગ ચાર વર્ષથી વધુ સમયથી તેઓ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP તરીકે ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2022માં તેમની સાથે જેટલા પણ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, તેમાંથી મોટાભાગના અધિકારીઓની અન્ય જગ્યાએ બદલીઓ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી DCP નકુમની બદલી થઈ નથી. અગાઉ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ તેમની બદલી કરવામાં આવે તેવી માગ ઊઠાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રાય સિરીઝ: IND-A vs AFG-A મેચ:અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી, દામ્બુલામાં આજે 50% વરસાદની શક્યતા
    Next Article
    શાળા પ્રવેશ સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગની બેઠક:ધોરણ-1 માં 100% પ્રવેશ, ડ્રોપઆઉટ ઘટાડવા પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment