Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ; અમદાવાદમાં 5 બસ ભરીને જુગારીઓને કોર્ટમાં લવાયા

    11 hours ago

    અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરતી ગાંધીનગરની સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડી મુખ્ય સંચાલક સહિત 187 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચલાવવા માટે આરોપી ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા અલગ અલગ વ્યક્તિઓને ટેબલ ભાડે આપતા હોવાનો ખુલાસો થયો છે. જુગારધામ ચલાવવા માટે પ્રતિ ટેબલ દીઠ 15થી 30 હજાર રૂપિયા ભાડું લેવામાં આવતું હતું. ટેબલ ભાડે રાખીને જુગારધામ ચલાવનાર આરોપીઓ જુગારના પૈસાની લેવડદેવડના હવાલા અલગ અલગ આંગડિયા પેઢીઓ પાસે કરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે. જુગાર રમવા માટે રૂ. 2000ની ક્લબની મેમ્બરશીપ પણ આપવામાં આવતી હતી. આજે 187 આરોપીઓને પોલીસની 5 મોટી બસ ભરીને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ગામા પટેલ, બંદીશ ખત્રી અને ભરત પટેલ ભાગીદાર SMCની તપાસમાં ખુલાસો થયો છે કે, મનપસંદ જીમ ખાના ક્લબમાં ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ, બંદીશ અજયભાઈ ખત્રી અને ભરત રામભાઈ પટેલ ભાગીદાર છે. ભરત પટેલે પોતાનો હિસ્સો નિકુંજ ખત્રીને ગિરો ઉપર આપેલો છે. મનપસંદ જીમખાનાના ડાયરેક્ટર તરીકે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સંચાલન કરે છે અને દર મહિને ત્રણેય ભાગીદાર પોતાના બેંક એકાઉન્ટમાં મનપસંદમાંથી રૂ. 20 હજાર લેતા હોવાનું સામે આવ્યું છે. 2000ની મેમ્બરશીપ, ટેબલદીઠ એક બાજી પર 300 લેખે નાળ કાઢતાં મનપસંદ જીમખાનામાં મનોરંજનની આડમાં અંગત આર્થિક ફાયદા માટે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ, કિરીટસિંહ મફાજી ચાવડા સાથે મળીને જુગાર રમાડવાના હેતુથી ટેબલો અલગ અલગ વ્યક્તિઓને ભાડે આપતા હતા, કુલ 6 લોકોને ભાગીદારીમાં મનપસંદ જીમ ખાનામાં આવેલા ટેબલમાં હારજીતનો જુગાર રમાડવા માટે ભાડે આપ્યા હતા. જુગાર રમવા માટે મનપસંદ ક્લબની મેમ્બરશીપ 2000 ભરીને ત્રણ મહિના માટે મેળવતા હતા અને મનોરંજનના બહાના હેઠળ જુગાર રમવા માટે આવતા હતાં. એક રમતની બાજીના ટેબલો ઉપર 300 લેખે નાળ કાઢીને જુગાર રમાડતા હતા. રોકડ રકમ વિના જ જુગાર રમવા માટે ક્લબમાં મોકલતા જુગાર રમવા માટે જે ગ્રાહકો આવતા હતા તેમની પાસેથી ડિપોઝિટ અને તેમના રૂપિયા નારાયણ નાથ ઉર્ફે નારણ રાવલ અને વિપુલ જીમખાનાની બહાર કોઈ જગ્યાએ મુકાવી દેતા હતા અને ગ્રાહકોને પૈસાની ચિઠ્ઠી બનાવીને આપી દેતા હતાં. રોકડ રકમ વિના જ જુગાર રમવા માટે ક્લબમાં મોકલવામાં આવતા હતા. હાર જીતની રકમ માટે એક કોડવડ રખાયો હતો આંક લખી અને પૈસા પાના વડે જુગાર રમાડવામાં આવતો હતો. જે ચિઠ્ઠી આપવામાં આવતી હતી તેમાં કોડવડ રાખવામાં આવ્યો હતો. જેમાં 50,000 હોય તો 500 લખવામાં આવતા હતા અને જ્યારે ગ્રાહક ટેબલ ઉપર જાય ત્યારે ટેબલ પર મૂકવામાં આવેલા માણસ ચીઠ્ઠી જોઈને જુગાર પર ટેબલ રમવા માટે સીટ ફાળવતા હતા. ટેબલ પર એક માણસ પત્તા વેચવા બીજો માણસ જુગારની હાર જીતનો રકમ લખવા માટે રાખ્યો હતો. હારજીત થયા બાદ ટેબલ ઉપર ગોઠવેલો માણસ જે રકમ કોડવડમાં લખી આપે તેની ઉપર બે ઝીરો લગાવીને હાર જીતની રકમની લેવડદેવડ કરવામાં આવતી હતી. નારણ રાવલ પૈસા રાખવા માટે કેશિયર તરીકે નોકરી કરતો હતો, જે હારજીત થતી હતી તેની નોંધ રાખતો હતો. ક્લબમાં SMCનું 20 કલાકથી વધુ ઓપેરેશન ચાલ્યુ હતું એક ટેબલદીઠ 30 હજારમાં ભાડે આપીને જુગાર રમાડતાં ગોવિંદ ઉર્ફે ગામા પટેલે કિરીટસિંહ મફા સિંહ ચાવડા અને અન્ય વ્યક્તિઓ સાથે જીમખાનામાં મનોરંજનની આડમાં જુગારધામ ચલાવવા બીજા માણસોને દિવસ રાત્રીના એક ટેબલદીઠ 15થી 30 હજારમાં ભાડે આપી દીધા હતા. કુલ 22 જેટલા ટેબલો ભાડે આપવામાં આવ્યા હતા, જેમાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. જીમખાના ક્લબના સભ્ય બનાવી જુગાર રમાડવામાં આવતો હતો. માધુપુરા-કાલુપુરની આંગડિયા પેઢીમાં પૈસાની લેવડદેવડ થતી જે લોકો જુગાર રમવા આવતા, તેની પાસેથી UPI ટ્રાન્જેક્શનથી પણ લેવડદેવડ થતી હતી. તેમજ જે લોકો ટેબલ ભાડે રાખ્યા હતા તેમાં મુળુભા અને કિશોર મારવાડી માધુપુરા ખાતે આવેલી પી.એમ. આંગડિયા પેઢી અને આર.કે. આંગડિયા પેઢીમાં ચિરાગ પટેલ અને અજીત શાહના નામ ઉપર પૈસાની લેવડદેવડના હવાલા કરાવતા હતા. માધુપુરાની જ રમેશ કાંતિ આંગડિયા પેઢીમાં અજીત શાહના નામ ઉપર પૈસાની લેવડદેવડના હવાલા કરાવતા હતા. એચ આર આંગડિયા પેઢી અને પીએમ આંગડિયા પેઢીમાં આનંદ ઠાકોર અને અજીત શાહના નામ ઉપર પૈસાની લેવડદેવડ કરાવવામાં આવતી હતી. કાલુપુરની પીએમ આંગડિયા પેઢી ખાતે પણ પૈસાની લેવડ દેવડ કરવામાં આવતી હતી. દરિયાપુર પોલીસના આંખ આડા કાન! અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં અવારનવાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાની જાણકારી હોવા છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક ચેકિંગ કે કાર્યવાહી ન કરવામાં આવતાં આખરે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડીને જુગારધામ ઝડપી પાડ્યું છે, જેના કારણે સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 2021માં પણ ગામાને 180થી વધુ જુગારીઓ સાથે ઝડપ્યો હતો મનપસંદ જિમખાનામાં 6 જુલાઈ 2021ના રોજ એસએમસીની ટીમે રેડ પાડી ત્યારે પણ 183 લોકો પકડાયા હતા અને રૂ. 85 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. જ્યારે 41 લોકો ભાગી ગયા હતા. તે સમયે 95 પાનાંની ફરિયાદ નોંધવામાં પોલીસને 30 કલાક લાગ્યા હતા. આ દરોડા બાદ તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી, જેમાં દરિયાપુર પીઆઈ આર.આઈ. જાડેજા, પીએસઆઈ કે.સી. પટેલ અને ડીસ્ટાફના 12 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચના 65 કર્મીની ACB તપાસ હજુ કાગળ પર 2021ના દરોડામાં જપ્ત કરાયેલા સીસીટીવી ફૂટેજમાં તે સમયના ક્રાઈમ બ્રાન્ચના 65 પોલીસ કર્મચારીઓ ત્યાં પડ્યા પાથર્યા રહેતા હોવાનું ખૂલ્યું હતું. SMCએ તેમને પૂછપરછ માટે ત્રણ નોટિસ આપી હોવા છતાં કોઈ હાજર ન થતાં ડીજીપીએ ગૃહ વિભાગમાં રિપોર્ટ કર્યો હતો અને તપાસ એસીબીને સોંપાઈ હતી. જોકે હજુ સુધી આ તપાસમાં કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી. ક્રાઈમ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ પણ ભૂતકાળમાં આ જગ્યા પર આવેલા હોવાનું સીસીટીવી ફૂટેજમાં તપાસમાં આવ્યું હતું. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચથી લઈને સ્થાનિક પોલીસના લોકો સંડોવાયેલા છે કે, કેમ તેની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભરણપોષણ કેસનો વોરંટવાળો આરોપી ઝડપાયો:ગઢડા પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને જેલ હવાલે કર્યો
    Next Article
    ફોન્ટ, પેપર સાઇઝના નિયમો બદલવા માગ:હાઈકોર્ટના નવા સર્ક્યુલર સામે રાજ્યમાં બાર એસો.નો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment