Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસ પ્રમુખ ખડગેને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે CM-DYCMનો કટાક્ષ સાથે આક્રમક પ્રહાર, કહ્યું- 'ગુજરાતની જનતા આનો જવાબ આપશે'

    2 days ago

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની એક ચૂંટણી રેલીમાં ગુજરાતના લોકોને ‘અભણ’ કહીને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં તોફાન મચી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને “અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ” ગણાવીને કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોધતા CMએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખબર નથી.” બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે. ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન આ સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અંગેના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરીને પણ જણાવ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓ સમગ્ર ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન છે. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પવિત્ર ધરતી પર આવા શબ્દો અસ્વીકાર્ય છે. ગુજરાત હંમેશા દેશના વિકાસ અને એકતામાં અગ્રણીઓમાં રહ્યું છે અને નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળતું જનસમર્થન જોઈ કોંગ્રેસ ગભરાઈ ગઈ છે, પરંતુ ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે. 'ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને જુસ્સો અને સંયમ જાળવીને આગળ વધવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી. અમારો જુસ્સો અને વિચારધારા અમારો મૂળ આધાર છે. કાર્યકર્તાઓ સાથે મજાક કરતાં તેમણે કહ્યું કે, સામે બેઠેલા માત્ર કાર્યકર્તાઓ નથી, અમે પણ કાર્યકર્તાઓ જ છીએ અને આપણે કોઈને ઓર્ડર આપી દઈએ કે પોસ્ટર લગાવી દે જો અને પોસ્ટર લાગી પણ જાય છે. અહીંયા બેઠેલા બધા એટલા માટે હસે છે કે પહેલા તપેલું લઈને જતા અને પછી પોસ્ટર લગાડતા એટલે એ આનંદ જુદો હતો. પાછું નાસ્તાના પૈસા ના હોય એટલે કોઈના ઘરેથી મમરા વઘાર્યા હોય, સીંગ-દાળીયા લઈને રાત્રિના સમયે કામ કરતા અને ત્રણ-ચાર જણા સાથે ખાઈને રાત્રે 2-3 વાગે પોસ્ટરો લગાડતા. 'લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી' વિરોધ પક્ષ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે, જેમ-જેમ લોકોને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી ત્યારે જે લોકો બુમો પાડે છે, તે ખામીઓ શોધવામાં લાગી જાય છે. ખામીઓ શોધીને તેમાંથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામીઓ થવાની જ ને અને કામ ના કરીએ તો ખામીઓ કેવી રીતે થાય? એટલે તેમની ખામીઓ નથી કેમ કે તેઓ કામ જ નથી કરતા અને આપણી ખામીઓ લઈને દોડે છે. 'આપણે બધા ભણેલા-ગણેલા છીએ એ કોંગ્રેસ પ્રમુખને ખબર નથી' બહેનો કાર્યકર્તાઓની મોટી ભીડ જોઈને રમૂજ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 33 ટકા અનામત લાવ્યા છે તેનો લાભ બહેનો લઈ રહી છે અને તે અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વાજબી છે. અહીંયા આવો તો હા પાડવા થાય ને કે હા મેં જોયા છે, દરેક વખતે આવે છે એવું કહેવાનું થાય ને આપણે બધાને પ્રેક્ટિસ હોય છે. આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ને ખબર નથી. આપણે કેટલાય લોકોની હાજરી પુરાવી દીધી છે, કોલેજમાં મિત્રો માટે હાજરી આપી છે, એકબીજાનું સાચવીએ છીએ. ભલે પક્ષમાં પ્રમુખ તરીકે આપણું નામ ના આવે તો ઝઘડીએ એ વાત જુદી છે, એ તો આપણી વચ્ચેનો હક્ક છે જેમ ઘરમાં પણ થતો હોય છે. 'હાલ એવો સમય નથી કે રાજકારણ થાય' વધુમાં તેઓએ જણાવ્યું કે, અત્યારે વૈશ્વિક સંકટની પરિસ્થિતિ છે, છતાં આપણી પાસે સારું નેતૃત્વ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણી પરિસ્થિતિ પર પુરતું ધ્યાન રાખે છે અને તેના આધારે અમને પણ રાહત મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધે તે માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ધ્યાન આપવામાં આવ્યું છે. હવે ધીરજ રાખવાનો સમય છે અને કોઈપણ પરિસ્થિતિમાં આપણો સંયમ ગુમાવવો નહીં, કારણ કે અફવા ફેલાવીને પણ આપણને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થાય છે અને એ લોકો હજુ સમજ નથી કે, હાલ એવો સમય નથી કે રાજકારણ થાય છતાં પણ રાજકારણ કરે છે. વધુમાં જણાવ્યું કે, હમણાં વિપક્ષના ધારાસભ્યો મળવા આવ્યા હતા અને સરકાર તરફથી હેરાનગતિ થાય છે એવી રજુઆત કરી હતી. ત્યારે મેં તેમને કહ્યું કે અન્ય રાજ્યોમાં જ્યાં તમારું શાસન છે ત્યાં ભાજપ સાથે કેવી વર્તણૂક થાય છે તે જોયું છે ખરા? તમે થોડા લોકો ભેગા થઈને મંડ્યા છો અને તમને લાગે છે કે, અમે 162 લોકો એમને એમ બેસી રહીશું? સરકાર તો સરકાર જ રહે, ભૂપેન્દ્રભાઈ ખમવાની તાકાત વધારે હોય તો બે ઝટકા વધારે ખાધા પછી સરકાર થાય પરંતુ, સરકારમાં આઘું-પાછું કંઈ ચાલતું નથી, અંતે સરકાર પોતાનો દમ બતાવે જ છે. કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” ગણાવી અને કહ્યું કે, કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે. આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે અને રાજ્યની જનતાએ આવા નિવેદનોથી ડરવાની જરૂર નથી. તેમણે કોંગ્રેસને પડકાર આપ્યો કે, તેઓ ગુજરાતીઓ પ્રત્યેની નફરત વિશે સ્પષ્ટતા કરે અને માફી માગે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે ખડગેનું આ નિવેદન તેમના પોતાના વિચારો છે કે પછી રાહુલ ગાંધી અથવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તૈયાર કરાવ્યું છે. આ સાથે જ રાજ્યની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કોંગ્રેસને જાહેર માફી માંગવાની માંગ ઉઠી રહી છે. રાજકીય માહોલ ગરમ બનતા ભાજપે ચેતવણી આપી છે કે, આવનારી ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે.
    Click here to Read More
    Previous Article
    પેથાપુરના તળાવનો નવો અવતાર:જંગલી ઝાડીઓ દૂર કરાતા જળસંગ્રહ ક્ષમતામાં 150 ટકાનો વધારો થયો, 5 નેસ્ટીંગ આયલેન્ડથી પક્ષીઓ માટે બન્યું આશ્રયસ્થાન
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઢોંસાએ બે બાળકોનો જીવ લોધી, માતા-પિતા સારવાર હેઠળ; પિતાએ દીકરીની સામે જ માતાને બેટથી ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment