Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન:CMએ શોક વ્યક્ત કર્યો, પૂર્વ મંત્રી સહિતના નેતાઓ હોસ્પિટલ દોડી ગયા, 4 જૂને અંતિમવિધિ

    12 hours ago

    વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. યોગેશ પટેલની અંતિમવિધિ પુત્ર અને પુત્રી અમેરિકાથી આવ્યા બાદ 4 જૂનના રોજ કરવામાં આવશે. તેમનો જન્મ 23 જુલાઈ 1946ના રોજ થયો હતો. જ્યારે અવસાન 2 જૂન, 2026ના રોજ થયું છે. આમ તેઓએ 80ની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમજ રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે 5 મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા 182 થઈ ગઈ હતી. પરંતુ 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી દોડી આવ્યા યોગેશ પટેલના નિધનના સમાચાર મળતા જ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના દંડક બાલુ શુક્લ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ સ્ટર્લિંગ હોસ્ટિલ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ એક્સ પર શોક વ્યક્ત કર્યો મને અને ભાજપને મોટો આઘાત લાગ્યો છે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, માત્ર વડોદરા શહેર માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર વાચા આપતા એક લોકપ્રતિનિધિ અને પ્રહરી..માત્ર વડોદરાએ જ નહીં પરંતુ રાજ્ય ભાજપે ગુમાવ્યા છે, આમ સમાજે ગુમાવ્યા છે. ભૂપેન્દ્રસિંહે આગળ કહ્યું-મેં એમની સાથે પાંચ-પાંચ વિધાનસભામાં કામ કર્યું છે અને એમનું હંમેશા…બહાર કોઈ એક્ટિવ હોય પરંતુ વિધાનસભામાં એક્ટિવ ના હોય, વિધાનસભામાં એક્ટિવ હોય તો બહાર એક્ટિવ ના હોય;વડોદરાના વિકાસમાં એમનું મોટું યોગદાન રહ્યું. એવા મારા પરમ મિત્ર, સાથી ગુમાવવાનો મને વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ એક મોટો આઘાત લાગ્યો છે, મોટી ખોટ પડી છે. હું ભારતીય જનતા પાર્ટી વતી, મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન યોગેશભાઈના આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો સિનિયર મોસ્ટ નેતાના નિધનથી તમામ લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ: બાલુ શુક્લ ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લએ જણાવ્યું હતું કે ખરેખર તો યોગેશભાઈ પટેલનું નિધન એ સમાજસેવા કરતા આખા ગુજરાતમાં તમામ નેતાઓમાં મોટી ખોટ પડી છે. 28 તારીખે તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાતના સિનિયર મોસ્ટ નેતાના નિધનથી તમામ લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. શિવજીની પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાનો સંક્લ્પ પૂર્ણ કર્યો: રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, એ આપણા સૌના સિનિયર અને માર્ગદર્શક હતા. વિધાનસભાના પણ એ સિનિયર ધારાસભ્ય હતા. તેઓ ભોલેનાથના ભક્ત હતા અને હંમેશા... શિવ પરિવાર હોય કે શિવજીની પ્રતિમા હોય, એને સોનાનો ઢોળ ચડાવવાનો એમનો સંકલ્પ હતો, એ સંકલ્પ એમણે પૂર્ણ કર્યો. ‘નગરજનોની પડખે ઊભા રહેતા, સ્પષ્ટ વક્તા હતા’ કાર્યકર્તા માટે ઊભા રહેવાનું હોય કે પછી વડોદરાના કોઈ પણ નગરજનોની પડખે ઊભા રહેવાનું હોય, તેઓ ત્યાં ઊભા રહેતા. તેઓ સ્પષ્ટવક્તા હતા. સામેવાળાની જ્યાં પણ ભૂલ હોય તો એમને એવું થતું નહોતું કે 'હું ન કહી શકું', તેઓ સ્પષ્ટ કહી દેતા હતા. ભોલેબાબાના ભક્ત હતા એટલે હું હંમેશા એવું કહેતી કે 'તમારો સંકલ્પ પૂર્ણ કરવા માટે ભોલેબાબા તમને નહીં બોલાવે, તમે ચિંતા ન કરતા.' અને સાચે જ આજે એમણે... જ્યારે હું એમને આ જ શબ્દો કહેતી હતી કે 'હજી વાર છે, સંકલ્પ પૂર્ણ કરવાનો છે' અને તમે જુઓ, શિવ પરિવારની પ્રતિમાને સોનાથી મઢિત કરીને યોગેશ કાકા વડોદરાવાસીઓને અર્પણ કરીને ગયા. પરિવાર પર ખૂબ મોટું દુઃખ આવી પડ્યું છે. અમારા વડોદરાવાસીઓ અને અમે સૌ પોલિટિકલ જે સાથે કામ કર્યું છે, અમને પણ ખૂબ દુઃખ થયું છે. પરિવારને જે દુઃખ આવ્યું છે, ભગવાન એમને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે હું શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું. 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ ધરાવે છે. તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ ગુજરાતના વરિષ્ઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા હતા. લોકો કાકાના હુલામણા નામે ઓળખતા તેઓને લોકો કાકાના હુલામણા નામે ઓળખતા હતા.રાજ્ય સરકારમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ સંભાળી છે. રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મંત્રી પદ દરમિયાન વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો. સામાન્ય નાગરિકો માટે તેઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેતા નેતા હતા. વડોદરાના સ્થાનિક પ્રશ્નો, રસ્તા, પાણી, અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં અચકાતા નહોતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કર્તવ્યનિષ્ઠ જનપ્રતિનિધિ ગણાવ્યા મુખ્યમંત્રી અને મંત્રીઓને પત્રો લખીને સચોટ રજૂઆતો કરતા વહીવટી શિથિલતા સામે તેઓ મુખ્યમંત્રી અને મંત્રીઓને પત્રો લખીને સચોટ રજૂઆતો કરતા રહેતા હતા. તેમની આ નિડર શૈલીને કારણે જનતામાં તેમનો ભારે આદર હતો. રાજકારણ ઉપરાંત વડોદરાની ઓળખ સમાન પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સવો, ખાસ કરીને નવરાત્રી અને ગણેશોત્સવના આયોજનોમાં યોગેશ પટેલ વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓએ વડોદરામાં શિવજી કી સવારીને આગવી ઓળખ આપી છે. તેમની 8 ટર્મની લાંબી સંસદીય સફર અને જનતા સાથેનું સીધું જોડાણ તેમને વડોદરાના રાજકીય ઇતિહાસના સૌથી કદાવર અને આદરણીય નેતા બનાવે છે. તેઓના નિધનના પગલે રાજકારણીઓમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. દૂધ આંદોલનથી ચર્ચામાં આવ્યા 3 જૂન-1978નો દિવસ હતો. સવારે મહિલાઓ દૂધ કેન્દ્રો પર દૂધ લેવા માટે પહોંચી હતી. દૂધ ડેરી દ્વારા મનસ્વી રીતે 10 પૈસાનો વધારો કરી દીધો હતો. દૂધ કેન્દ્રોના સંચાલકો દ્વારા દૂધના ભાવમાં 10 પૈસાનો વધારો થયો છે. દૂધના ભાવમાં થયેલા વધારા મુજબ પૈસા માગ્યા હતા. મહિલાઓએ હોબાળો પણ મચાવ્યો હતો, પરંતુ મહિલાઓના હોબાળાથી કોઈ પરિણામ મળ્યું નહીં, આ અંગેની જાણ થતાં આંદોલન શરૂ કર્યું. અમદાવાદી પોળ સહિત વડોદરા શહેરમાં આવેલાં તમામ 235 દૂધ કેન્દ્રોની તોડફોડ, આગચંપી શરૂ થઈ. અમદાવાદી પોળનું દૂધ કેન્દ્ર સળગાવતાં હું સખત રીતે દાઝી ગયો હતો. સ્વામીજીએ કોટી આપી ને રાજકારણમાં એન્ટ્રી થઈ તેમનો મૂળ વ્યવસાય ફરાસખાનાનો હતો. સાવલી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વામીજીની નિશ્રામાં દર સોમવારે અને દશેરાના દિવસે ભજન-કીર્તન થતું હતું. એમાં મારા ફરાસખાનાનો સામાન રહેતો હતો. 1990 પહેલાં દશેરાના દિવસે તેમનું ફરાસખાનાનું કામ ચાલતું હતું. એ સમયે સ્વામીજી કોટી અને ટોપી પહેરીને આવ્યા હતા અને પૂછ્યું કે નેતા જેવા લાગે છે ને ? થોડીવાર મજાક કરી ટોપી અને કોટી આપી દીધી હતી અને ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. ત્યારથી ચૂંટણી અથવા ચોક્કસ સમયે સ્વામીજીએ આપેલી કોટી પહેરતા હતા અને ખિસ્સામાં સ્વામીજીએ આપેલી ટોપી રાખતા હતા. સ્કૂલ ફી વધારા સામેના આંદોલનના દિલ્હીમાં પડઘા પડ્યા કોલેજકાળ દરમિયાન મોંઘવારી વિરુદ્ધ આંદોલનો કર્યા હતા, જેમાં દૂધના ભાવમાં થતો વધારો, તેલના ભાવમાં થતો ભાવવધારો જેવાં આંદોલન કર્યા હતા અને સ્થાનિક અને રાજ્યકક્ષાએ પોતાનું ધ્યાન ખેંચ્યું હતું. એ સમયે સ્કૂલોમાં ઉઘાડી લૂંટ ચલાવાતી હતી. આથી તેમણે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ બનાવી હતી અને ઉગ્ર આંદોલન કર્યું હતું, જેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. સરકારને ફી નિયમન અંગે કાયદો લાવવાની ફરજ પડી હતી. જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કર્યા બાદ યોગેશ પટેલે વડોદરા વિકાસ મંચ જેવા વિવિધ પક્ષોની રચના કરી હતી. આ પક્ષોના નેજા હેઠળ વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણે વખત તેમનો પરાજય થયો હતો. દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. ત્યારે વી.પી. સિંહ તેમનાથી છૂટા પડ્યા હતા અને જનતા પાર્ટી બનાવી હતી. એ પાર્ટીમાં જોડાયા હતા. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. મેનકા ગાંધી ભાઈ માનતા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે પારિવારિક ખટરાગ થયો હતો. એ સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી. જ્યારે મેનકા ગાંધી વડોદરા આવ્યા ત્યારે તેમનું યોગેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે એવું સ્વાગત આજદિન સુધી કોઈ નેતાનું થયું નથી. મેનકા ગાંધીનાં દુઃખના સમયે ઊભા રહેલા યોગેશ પટેલને મેનકા ગાંધી ભાઈ માનતા હતા. રક્ષાબંધનમાં રાખડી મોકલતા હતા. તો મેનકા ગાંધી પણ જરૂર પડે ત્યારે યોગેશ પટેલની પડખે ઊભાં રહ્યાં છે. 1995માં ભાજપામાં જોડાયા 1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આવ્યા બાદ યોગેશ પટેલની બે વખત ભાજપા નેતાગીરીએ તેમની ટિકિટ કાપવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ એ સમયે મેનકા ગાંધીએ ભાજપ મોવડીમાં રજૂઆત કરી ટિકિટ અપાવી હતી અને યોગેશ પટેલે દુઃખના સમયે કરેલી મદદનું ઋણ અદા કર્યું હતું. જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી તેઓ રાવપુરા બેઠક પરથી 5 વખત અને માંજલપુર બેઠક પર 2 ટર્મથી ચૂંટાઈ આવ્યા હતા. 2022માં તેઓ 8મી વખત ધારાસભ્ય બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    TMCમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો બોલ્યા- અમે અસલી તૃણમૂલ:અમારી સાથે 50 થી વધુ MLA, વિરોધ પક્ષના નેતાનું પદ અને ચૂંટણી ચિહ્ન મળે
    Next Article
    મહીસાગર: 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી:નાળ વીંટળાયેલી હોવા છતાં માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment