Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMના હત્યારા જેલમાંથી સુરંગ ખોદીને ભાગી ગયા:ચમચીથી 104 ફૂટની સુરંગ ખોદી, ચાર કેદી ભાગ્યા, એક થાઇલેન્ડથી પકડાયો, બીજો પાકિસ્તાનમાં સેટલ થઈ ગયો!

    8 घंटे पहले

    21-22 જાન્યુઆરી 2004 ચંદીગઢ રાતના લગભગ દોઢ વાગ્યા હતા. પંજાબ અને ચંદીગઢની સૌથી વધુ સિક્યોરિટી ધરાવતી બુડૈલની મોડેલ જેલની લોખંડી દીવાલ પર રોજની જેમ જ સર્ચ લાઇટો ફરી રહી હતી. ઊંચી દીવાલો, તેના પર કાંટાળા તાર, તેમાંથી પસાર થતો હાઈ વોલ્ટેજ કરંટ, ખૂણે ખૂણે તૈનાત હથિયારબંધ પહેરેદારો… આ બધું જોતાં આ જેલમાંથી કોઈ કેદી ભાગી શકે તે વાત અશક્ય હતી. વેલ, એટલિસ્ટ કાગળ પર. કેદીઓએ ભાગવા માટે લાંબી સુરંગ ખોદી કાઢી હતી કારણ કે તે જ રાત્રે એ જેલની બેરેક નંબર સાતની અંદર સૂવા માટે બનાવેલા પથ્થરના ઓટલા નીચે, ચાર કેદીઓ એક પછી એક જમીનમાં સમાઈ રહ્યા હતા. ના, એ લોકો સમાધિ નહોતા લઈ રહ્યા, બલકે તેમણે અઢી ફૂટ પહોળાઈ ધરાવતી અને એકસમયે માંડ એક માણસ માંડ સરકી શકે એવડી સુરંગમાં ઘૂસી રહ્યા હતા. આ સુરંગ જમીનની નીચેથી ત્રણ સુરક્ષા દીવાલો અને હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાડના પાયા નીચેથી પસાર થઈને જેલની બહાર સુધી પહોંચી ગઈ હતી. ખોદવા માટે કોઈ પાવડો નહીં, કોઈ ડ્રીલ મશીન નહીં, ફક્ત એક ચમચી, તૂટેલી ટ્રોફીના ટુકડા અને ખાલી હાથ. મહિનાઓની શાંત મહેનત, દર રાત્રે થોડું-થોડું ખોદકામ, અને માટીને ટોઇલેટમાં વહાવીને અથવા શાકભાજીના ઢગલા નીચે છુપાવીને ઠેકાણે પાડવાની ક્વાયત. છેક સવારે જેલ સત્તાધીશોને ખબર પડી! 22 જાન્યુઆરીની સવારે જ્યારે જેલના ગાર્ડ્સે બેરેક નંબર સાતનું ચક્કર માર્યું ત્યારે ત્યાં સન્નાટો હતો. એકસાથે ચાર કેદીઓ ગાયબ હતા. અને આ કોઈ સામાન્ય કેદીઓ નહોતા. તેમાંથી ત્રણ તો પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના દોષિત હતાઃ જગતાર સિંહ હવારા, પરમજીત સિંહ ભિવડા અને જગતાર સિંહ તારા. ચોથો હતો દેવી સિંહ, જે એક હત્યાના કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો હતો અને જે આ ત્રણેયનો ‘રસોઈયો’ બનીને તેમની સાથે બેરેકમાં રહેતો હતો. *** મુખ્યમંત્રીના હત્યારા જેલમાંથી સુરંગ ખોદીને ભાગી છૂટ્યા! આજના ‘ખાખી કવર’માં વાત કરીએ દેશની સૌથી સુરક્ષિતમાંની એક ગણાતી બુડૈલ જેલમાંથી ભાગી ગયેલા મુખ્યમંત્રીના ત્રણ હત્યારા સહિત ચાર કેદીઓની. કેવી રીતે આ ખૂંખાર કેદીઓએ પોલીસ અને જેલ પ્રશાસનના નાક નીચેથી એકદમ ફિલ્મી લાગે તેવું આ કારસ્તાન કરી બતાવ્યું. કલ્પનાતીત લાગે તેવી રિયલ સ્ટોરીમાં હાઈ પ્રોફાઈલ હત્યા, ખાલિસ્તાન આંદોલન, એક દાયકા સુધી ચાલેલી અદાલતી કાર્યવાહી અને આપણી સિસ્ટમ પર સવાલો ઉભા કરે તેવું પરિણામ સહિતના અનેક એન્ગલ છે, જેમાં નેટફ્લિક્સની એક વેબસિરીઝ બને તેવો પૂરતો મસાલો છે. *** પંજાબમાં આતંકવાદ વકર્યો, મુખ્યમંત્રી આતંકીઓના રડાર પર આવ્યા આ સમગ્ર ઘટનાને સમજવા માટે આપણે વર્ષ 1995માં જવું પડશે. 80ના દાયકા પછી પંજાબ લાંબા સમય સુધી ઉગ્રવાદ અને ખાલિસ્તાન આંદોલનની ઝપેટમાં રહ્યું હતું. આ જ સમયગાળામાં બેઅંત સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા. તેમના કાર્યકાળમાં તત્કાલીન DGP (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) કેપીએસ ગિલના નેતૃત્વમાં ઉગ્રવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ. ઘણા ઉગ્રવાદીઓ માર્યા ગયા અથવા પંજાબ છોડીને ભાગી ગયા, પરંતુ સાથે જ પોલીસ પર નકલી એન્કાઉન્ટર અને અત્યાચારના આરોપો પણ લાગ્યા. આ જ કાર્યવાહીઓને કારણે શીખ મિલિટન્ટ મુખ્યમંત્રી બેઅંત સિંહનો જીવ લેવા મરણિયા બન્યા. માનવ બોમ્બ બ્લાસ્ટ થયો અને મુખ્યમંત્રીના ફુરચા ઊડી ગયા પછી આવ્યો 31 ઓગસ્ટ 1995નો લોહિયાળ દિવસ. ચંદીગઢના સિવિલ સેક્રેટેરિએટની બહાર એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયો. આ કોઈ સામાન્ય બોમ્બ નહોતો, પરંતુ એક હ્યુમન બોમ્બ હતો. પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચૂકેલો દિલાવર સિંહ બબ્બર પોતાના શરીર પર RDXનો બનેલો હાડોહાડ વિસ્ફોટક બોમ્બ બાંધીને આવ્યો, અને જેવો તે બેઅંત સિંહની નજીક પહોંચ્યો કે તરત જ એણે બટન દબાવી દીધું. તે સાથે જ એવો પ્રચંડ ધડાકો થયો કે CM બેઅંત સિંહ સહિત આજુબાજુ રહેલા 17 લોકોનાં મોત થયાં. બેઅંત સિંહની એમ્બેસેડર કારના પણ ફુરચેફુરચા ઊડી ગયા હતા. ચંદીગઢ સેક્રેટેરિયેટની આસપાસના કેટલાય મીટરના વિસ્તારમાં ચારેકોર માનવ અંગો અને માંસના લોચા વિખેરાયેલા પડ્યા હતા. તે એવું વિકરાળ દૃશ્ય હતું કે નજરે જોનારાઓ આજે પણ ભૂલી શક્યા નથી. 1991માં થયેલી રાજીવ ગાંધીની હત્યા પછી આ બીજો પ્રસંગ હતો જ્યારે ભારતમાં કોઈ મોટા નેતાને આ રીતે બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હોય. બબ્બર ખાલસાએ જબ્બર કાંડ કર્યો આ હુમલાની જવાબદારી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) એ લીધી, જે ઇંગ્લેન્ડમાં બેઠેલા તેના પ્રમુખ વાધવા સિંહના ઇશારે કામ કરી રહ્યું હતું. આ કેસની તપાસમાં દિલ્હી અને પંજાબમાંથી લગભગ એક ડઝન લોકોની ધરપકડ કરવામાં આવી. આમાંથી ત્રણ નામ આગળ જતાં આ સ્ટોરીના કેન્દ્રમાં આવવાનાં હતાંઃ જગતાર સિંહ હવારા, જગતાર સિંહ તારા અને પરમજીત સિંહ ભિવડા. ત્રણેયને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને ચંદીગઢની બુડૈલ જેલમાં રાખવામાં આવ્યા. ભાગી છૂટવાની બબ્બે કોશિશો થઈ, છતાં જેલતંત્ર સુધર્યું નહીં બુડૈલ જેલની બેરક નંબર સાતમાં હવારા, તારા અને ભિવડાને સાથે રાખવામાં આવ્યા હતા. અહીં જ તેમની મુલાકાત હત્યાકેસમાં આજીવન કેદ કાપી રહેલા દેવી સિંહ સાથે થઈ. ધીમે ધીમે ચારેય વચ્ચે ગાઢ સાંઠગાંઠ બની ગઈ અને જેલમાંથી ભાગી જવાની યોજના બનવા લાગી. મીઠાઈના ડબ્બામાં આવ્યા વિસ્ફોટકો રેકોર્ડ દર્શાવે છે કે આ ચંડાળ ચોકડીએ બે વાર ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ પ્રયાસ 1998માં થયો હતો, જ્યારે કેદીઓએ વિસ્ફોટકો RDX અને PETN દ્વારા જેલની દીવાલ ઉડાવી દેવાની યોજના બનાવી હતી. BKIના એક સભ્ય સતનામ સિંહે મીઠાઈના ડબ્બામાં લગભગ એક કિલો વિસ્ફોટક જેલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન ટેપિંગ દ્વારા પોલીસને તેની જાણ થઈ ગઈ અને ષડdયંત્ર નિષ્ફળ ગયું. આનાથી એ પણ સ્પષ્ટ થયું કે કેદીઓ પાસે જેલની અંદરથી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાનાં માધ્યમો ઉપલબ્ધ હતાં. બીજો પ્રયાસ 2002માં થયો, જ્યારે કેદીઓએ જેલમાંથી ભાગવા માટે એક સુરંગ ખોદવાનું શરૂ કર્યું, પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો અને તેઓ પકડાઈ ગયા. આશ્ચર્યની વાત એ છે કે બબ્બે વાર પકડાયા હોવા છતાં ન તો આ કેદીઓને અલગ-અલગ બેરેકમાં ન રાખીને ફરીપાછા તેમને એક જ બેરેકમાં પૂર્યા. એટલું જ નહીં, બબ્બે વારના પ્રયાસો અને આ આરોપીઓના ડેન્જરસ ભૂતકાળમાંથી ધડો લઇને કોઈ નક્કર સાવચેતી પણ ન રાખી. તે જ સમયગાળામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારના પત્રકાર દીપક બાજપેયીએ પંજાબની જેલોની સુરક્ષા વ્યવસ્થા પરના એક અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરી હતી કે કેટલાક કેદીઓ ભાગવાની ફિરાકમાં છે, પરંતુ જેલ પ્રશાસને આ વાત માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. વોલિબોલના અવાજમાં ખોદકામ, પથ્થરના ઓટલાની આડશ જેલમાંથી ખૂંખાર ગુનેગારો દ્વારા ભાગી છૂટવાના બબ્બે પ્રયાસો પછી, જેલ પ્રશાસને તો કોઈ ધડો ન લીધો, પણ ગુનેગારોએ પોતાની ભૂલો પર બરાબરનું હોમવર્ક કરી લીધું. જેલમાં બેઠાં બેઠાં એમણે જેલની નીચેની માટીની બનાવટ, તેમાં ભેજનું લેવલ, દીવાલોના પાયાની ઊંડાઈ વગેરેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે નક્કી કર્યું કે જેલમાંથી સફળતાપૂર્વક ભાગવું હોય તો સુરંગ ખોદવી એ જ સૌથી ફુલપ્રૂફ રસ્તો છે. તેમણે જેલમાં દરરોજ રમાતી વોલિબોલ મેચના અવાજની આડમાં ખોદકામ શરૂ કર્યું. બેરેકની અંદર કેદીઓને સૂવા માટે એક પથ્થરનો ઓટલો બનાવવામાં આવ્યો હતો. આ કેદીઓએ તે ઓટલાનો પથ્થર ખસેડીને તેની નીચે ખોદકામ ચાલુ કર્યું. એક ચમચીથી 104 ફૂટ લાંબી સુરંગ ખોદી કાઢી! આ ખોદકામ માટે ઉપયોગમાં લેવાયેલાં ઓજારો પણ એટલાં જ ચોંકાવનારાં હતાં. તેમણે એક ચમચી, તૂટેલી ટ્રોફીના તીક્ષ્ણ ટુકડા અને તેમના પોતાના હાથ. સુરંગની પહોળાઈ માત્ર અઢી ફૂટ રાખવામાં આવી જેથી એક માણસ કોઈક રીતે સરકીને પસાર થઈ શકે. રોજ સાંજે તેઓ જેલમાં ચાલતી વોલિબોલની મેચ દરમિયાન બેરેકની અંદરના ઓટલાનો પથ્થર ખસેડીને ખોદકામ કરતા અને પછી પથ્થરને ફરીપાછો તેના સ્થાને ગોઠવીને મૂકી દેતા. માટીના નિકાલનો ‘બે નંબર’નો આઇડિયા ખાડો ખોદતાં નીકળેલી માટીને રાતોરારાત જેલના જાજરૂમાં વહાવી દેવામાં આવતી. કેટલીક માટીને ખુરશીઓ નીચે દબાવવામાં આવતી અથવા જેલમાં આવતા શાકભાજીના ઢગલામાં છુપાવવામાં આવતી, જેથી સવારની તપાસમાં કોઈ સુરાગ ન મળે. બહારથી મદદ મળતી રહી, પોલીસ અંધારામાં રહી બહારથી મદદ માટે કેદીઓ માટે થતી અઠવાડિક મુલાકાતોનો સહારો લેવામાં આવ્યો. પરિવાર અને પરિચિતોની મુલાકાતો દરમિયાન કથિત રીતે નાના મોબાઈલ ફોન કપડાં અને ખાવાના ડબ્બામાં છુપાવીને જેલની અંદર પહોંચાડવામાં આવ્યા, જેનાથી કેદીઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં રહ્યા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે હવારાએ જેલની અંદરથી જ અમેરિકામાં બેઠેલા BKIના એક ઓપરેટિવ સાથે વાત કરી હતી. મહિનાઓના ખોદકામ પછી આખરે સુરંગ તૈયાર થઈ. લગભગ 104 ફૂટ લાંબી, 14 ફૂટ ઊંડી અને અઢી ફૂટ પહોળી, જે ત્રણ સિક્યોરિટી વૉલ અને હાઈ-વોલ્ટેજ ઇલેક્ટ્રિકની વાડના પાયા નીચેથી પસાર થતી જેલના પરિસરની બહાર સુધી પહોંચી. જેલની વીજળી ગુલ થઈ, ને કેદીઓ પણ ગુલ થઈ ગયા 21-22 જાન્યુઆરી 2004ની મધ્યરાત્રિએ જેલની વીજળી અચાનક ગુલ થઈ ગઈ. આ જ અંધારાનો ફાયદો ઉઠાવીને ચારેય કેદીઓ સુરંગના રસ્તે જેલમાંથી બહાર નીકળી ગયા. અલબત્ત, પાછળથી થયેલી તપાસમાં આરોપ લાગ્યો કે કોઇએ જાણીજોઇને જેલની બત્તી ગુલ કરી નાખી હતી. CMના ભાગેડુ હત્યારાઓની શોધમાં આખો દેશ લાગ્યો સવારે સમાચાર ફેલાતાં જ સનસનાટી મચી ગઈ. પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને ભાગેડુઓને પકડવાના આદેશો છૂટ્યા. ચંદીગઢ, પંજાબ અને હરિયાણા પોલીસની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ કામે લાગી ગઈ. રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી, દરેક વાહનની તપાસ થવા લાગી. નેચરલી, અખબારો અને ટીવી ચેનલો પર આ સમાચાર છવાયેલા રહ્યા. મુખ્યમંત્રીના હત્યારા ભાગી ગયાથી બેકફૂટ પર આવી ગયેલી સરકાર પર ભારે દબાણ આવ્યું. પોલીસે ભાગેડુ ગુનેગારોની કોઇપણ માહિતી આપનારને મોટા ઇનામની જાહેરાત કરી. પાઘડીના કાપડમાં ભરી ભરીને માટી સગેવગે કરી પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સૌથી પહેલી શંકા નારાયણ સિંહ ચૌરા નામના માણસ પર ગઈ. કેદીઓ જેલ તોડીને ભાગ્યા તે પહેલાં નારાયણ સિંહ અવારનવાર તેમને મળવા આવતો હતો. પોલીસે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે નારાયણ સિંહે જ કેદીઓને ભાગવા માટેનાં સાધનો પૂરાં પાડ્યાં. સુરંગની માટીની હેરફેર કરવા માટે લગભગ 70 મીટર કાપડ એણે પાઘડીના કાપડ તરીકે કેદીઓને આપ્યું હતું. એટલું જ નહીં, ભાગવાની રાત્રે જેલનું ટ્રાન્સફોર્મર પણ એણે જ ઉડાવ્યું હતું. શેરડીનાં ખેતર ને પરાળીમાં છુપાઈને ભાગી છૂટ્યા આ બાજુ જેલમાંથી બહાર નીકળ્યા પછી ચારેય કેદીઓ અલગ-અલગ રસ્તાઓ પર નીકળી ગયા. પૂછપરછમાં પાછળથી જાણવા મળ્યું કે ભાગવાના શરૂઆતના દિવસોમાં આ લોકો પંજાબના રોપડ (રૂપનગર) વિસ્તારનાં શેરડીનાં ખેતરો અને પરાળીઓના ઢગલામાં છુપાયેલા રહ્યા. ભાગતાં પહેલાં તેમને પહોંચાડવામાં આવેલા સૂકા મેવાઓના સહારે પોતાનું ગાડું ગબડાવતા રહ્યા. માસ્ટરમાઇન્ડે બહાર નીકળીને થિયેટરોમાં બ્લાસ્ટ કર્યા આ સમગ્ર જેલબ્રેકનો માસ્ટરમાઇન્ડ જગતાર સિંહ હવારા દિલ્હીમાં છુપાઈ ગયો હતો અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સક્રિય રીતે કામ કરવા લાગ્યો હતો. લગભગ પાંચ મહિના પછી 8 જૂન 2005ના રોજ દિલ્હી પોલીસે તેને અન્ય બે સાથીઓ સાથે નોર્થ-વેસ્ટ દિલ્હીમાંથી પકડી પાડ્યો. આ ધરપકડ 22 મે 2005ના રોજ દિલ્હીના ‘સત્યમ’ અને રોહતકના ‘લિબર્ટી’ થિયેટરોમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની તપાસ દરમિયાન થઈ હતી. થયેલું એવું કે એ વખતે સની દેઓલની ફિલ્મ ‘જો બોલે સો નિહાલ’ રિલીઝ થઇ હતી. તેમાં સની દેઓલે એક શીખ પોલીસ અધિકારીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં આ પાત્રનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું હતું તેનાથી BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ) નારાજ હતું. આ નારાજગી વ્યક્ત કરવા માટે તેમણે તે ફિલ્મ ચલાવી રહેલાં બે થિયેટરમાં સીધા બોમ્બ બ્લાસ્ટ જ કરાવી દીધા! આ બ્લાસ્ટ્સમાં બે વ્યક્તિઓ મૃત્યુ પામી હતી અને અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે હવારા પાસેથી મોટી માત્રામાં RDX, પિસ્તોલ, કારતૂસ અને હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા. ચોરીની ગાડીમાં RDX સાથે પકડાયો બીજો આતંકી હાવરાની ધરપકડ પછી પરમજીત સિંહ ભિવડાએ ભારતમાં BKIની કમાન સંભાળી. લગભગ એક વર્ષ પછી, 23 માર્ચ 2006ના રોજ દિલ્હી પોલીસે તેને અને તેના સાથીઓને GT કરનાલ રોડ પર ઘેરી લીધો. પરમજીત સિંહ ભિવડા પોતાના સાથીઓ સાથે એક ચોરીની સેન્ટ્રો કારમાં જઈ રહ્યો હતો. બંને પક્ષો વચ્ચે સામસામા ગોળીબાર થયા, પરંતુ આખરે પોલીસે ભિવડાને પકડી પાડ્યો. તેની ગાડીમાંથી લગભગ 4 કિલો RDX, ડેટોનેટર, રિમોટ કંટ્રોલ, પિસ્તોલ અને સેંકડો કારતૂસ મળી આવ્યાં. થાઇલેન્ડથી પકડાયો ત્રીજો ભાગેડુ ત્યારપછી વારો હતો ત્રીજા ભાગેડુ અપરાધી જગતાર સિંહ તારાનો. તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, તે નેપાળના રસ્તે પાકિસ્તાન ગયો. ત્યાં તેણે થોડો સમય વિતાવ્યો અને આતંકી હુમલાઓની ટ્રેનિંગ પણ લીધી. એ પછી તે ત્યાંથી થાઈલેન્ડ ગયો. ત્યાં તે એક સામાન્ય નાગરિકની જેમ જીવન જીવતો રહ્યો. લગભગ 11 વર્ષ પછી ઓગસ્ટ 2014માં પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગને તેનો સુરાગ મળ્યો અને થાઈલેન્ડમાં તેનું લોકેશન ટ્રેસ થયું. 5 જાન્યુઆરી 2015ના રોજ તેને થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી. ત્યાંની અદાલતે 7 જાન્યુઆરીએ તેના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો અને 15-16 જાન્યુઆરી 2015ની રાત્રે તેને ભારત લાવવામાં આવ્યો. ચોથો આરોપી તો પાકિસ્તાનમાં ‘સેટલ’ થઈ ગયો! ચંદીગઢની જેલમાંથી ભાગેલો ચોથો આરોપી દેવી સિંહ, જે ચારેયમાં સૌથી ઓછો ‘હાઈ-પ્રોફાઈલ’ હતો, તેના સુધી પહોંચવામાં પોલીસના હાથ પાછા પડ્યા. જગતાર સિંહ તારા પકડાયો તે પછી તેના ઇન્ટરોગેશનમાં સામે આવ્યું કે તે બંને સાથે જ નેપાળના રસ્તે પાકિસ્તાન ગયા હતા. જગતારે સ્ફોટક ખુલાસો કરતાં કહ્યું કે દેવી સિંહે પાકિસ્તાનના કોઈ ગામડામાં ડેરી ફાર્મિંગનું કામ ચાલુ કર્યું છે અને ત્યાં જ સ્થાયી થઈ ગયો છે. તે આજે પણ ફરાર છે અને તેને ‘ઘોષિત અપરાધી’ (પ્રોક્લેમ્ડ ઑફેન્ડર) જાહેર કરવામાં આવ્યો છે. સુરંગકાંડનો કેસઃ 11 વર્ષ, 23 આરોપી અને ચુકાદાના નામે ફારસ ચંદીગઢ પોલીસે આ જેલબ્રેક કેસમાં કુલ 23 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાં ચાર ફરાર કેદીઓ, પાંચ જેલ અધિકારીઓ (જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડી. એસ. રાણા સહિત) અને બાકીના બાહ્ય મદદગારોનો સમાવેશ થતો હતો. નારાયણ સિંહ ચૌરા ઉપરાંત અન્ય એક આરોપી બલજીત કૌર પર હવારા સાથે ડઝનબંધ વખત ફોન પર વાત કરવાનો આરોપ હતો, જોકે ટ્રાયલ દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું. જેલ અધિકારીઓ પર આરોપ હતો કે તેમણે કેદીઓને ટીવી, વાયરિંગનો સામાન, પડદા અને વેઈટલિફ્ટિંગનાં સાધનો જેવી પ્રતિબંધિત વસ્તુઓ પૂરી પાડી હતી. આ કેસ ચંદીગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અનુભવ શર્માની કોર્ટમાં લગભગ 11 વર્ષ સુધી ચાલ્યો. 11 ઓગસ્ટ 2015ના રોજ અદાલતે પોતાનો 123 પાનાંનો ચુકાદો સંભળાવ્યો. આ ચુકાદાથી પોલીસની ભારોભાર ફજેતી થઈ. કોર્ટે કહ્યું કે પોલીસ કોલ રેકોર્ડ્સ અને અન્ય પુરાવાઓ દ્વારા એ સાબિત કરી શકી નથી કે જેલની ઇલેક્ટ્રિસિટી ખરેખર નારાયણ સિંહ ચૌરાએ જ કાપી હતી કે કેમ. એ પણ જાણી ન શકાયું કે ભાગી છૂટ્યા પછી કેદીઓને ગાડીઓ કોણે પૂરી પાડી હતી. જેલમાં કામ કરતા ઘણા સાક્ષીઓ ફરી ગયા, જેના કારણે ફરિયાદી પક્ષ નબળો પડતો ગયો. દોષી ખરા, પણ અલગથી સજાની કોઈ જરૂર નથી! અદાલતે હવારા અને ભિવડાને જેલ તોડવાના કાવતરા માટે દોષિત તો માન્યા, પરંતુ બંને પહેલેથી જ બેઅંત સિંહ હત્યાકાંડમાં આજીવન કેદ ભોગવી રહ્યા હોવાથી, કોર્ટે કહ્યું કે આ કેસમાં અલગથી સજા આપવાની કોઈ જરૂર નથી. એટલે કે જેલ તોડીને ભાગવાની સજાને પહેલેથી ચાલી રહેલી સજામાં જ ભેળવી દેવામાં આવી. પાંચ જેલ અધિકારીઓ સહિત બાકીના 14 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેવામાં આવ્યા. જગતાર સિંહ તારાના જેલ તોડવાના કેસમાં ટ્રાયલ અલગથી ચલાવવામાં આવી. કોર્ટે કહ્યું, પોલીસે વેઠ ઉતારી છે અદાલતે પોતાના ચુકાદામાં સોય ઝાટકીને જણાવ્યું હતું કે ચંદીગઢ પોલીસે આ ગંભીર કેસની તપાસમાં ભયંકર વેઠ ઉતારી હતી. પોલીસ એ પણ સ્પષ્ટ કરી શકી ન હતી કે સુરંગ એક્ઝેક્ટ્લી કેવી રીતે ખોદાઈ, ખોદકામમાંથી નીકળેલી આટલી મોટી માત્રામાં માટી આખરે ગઈ ક્યાં? જેલમાંથી ભાગવાનું પુસ્તક વાંચીને આરોપીઓ ભાગ્યા? આ જ સુનાવણી દરમિયાન એક રસપ્રદ પાસું પણ સામે આવ્યું. પોલીસે અદાલતમાં એક પુસ્તક પુરાવા તરીકે રજૂ કર્યું હતું. પુસ્તકનું નામ હતું ‘ટ્રુ સ્ટોરીઝ ઓફ ગ્રેટ એસ્કેપ્સ’, જેમાં જેલમાંથી ભાગી છૂટેલા વિશ્વભરના કેસની દિલધડક સ્ટોરીઝ આલેખવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તત્કાલીન ડેપ્યુટી જેલ સુપરિન્ટેન્ડેન્ટ વેદ મિત્તલે આ પુસ્તક કેદીઓને પૂરું પાડ્યું હતું અને આ વાંચીને તેમને સુરંગ ખોદવાનો વિચાર આવ્યો હતો. જોકે, અદાલતે આ દલીલને ફગાવી દેતાં કહ્યું કે કોઇપણ વ્યક્તિની પાસે હોય તેવું ફક્ત એક પુસ્તક મળવું એ કોઈને ષડ્યંત્ર સાથે જોડવાનો આધાર બની શકે નહીં. આજે ક્યાં છે સુરંગકાંડના ગુનેગારો? આ ઘટના આજે પણ અદાલતોમાં ચાલી રહેલા ઘણા મુકદ્દમાઓનાં મૂળમાં છે, અને તેનાં પાત્રો આજે પણ ચર્ચામાં છે. જગતાર સિંહ હવારા હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બેઅંત સિંહ હત્યાકાંડમાં તેને અને બલવંત સિંહ રાજોઆનાને 2007માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જેને બાદમાં સુપ્રીમ કોર્ટે હવારાના કેસમાં આજીવન કેદમાં બદલી દીધી. રસપ્રદ વાત એ છે કે હવારા પર સમય જતાં કુલ 36 ગુનાહિત કેસ નોંધાયા હતા, જેમાંથી તે 22માં નિર્દોષ છૂટી ગયો છે અને માત્ર બેઅંત સિંહ હત્યાકાંડ સંબંધિત કેસોમાં દોષિત ઠર્યો છે. આ જ ક્રમમાં મે 2025માં મોહાલીની એક અદાલતે તેને વિસ્ફોટક અને હથિયાર જપ્તીના કેસમાં પણ પુરાવાના અભાવે નિર્દોષ છોડી દીધો. CBIએ તેની આજીવન કેદની સજાને ફાંસીની સજામાં બદલવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેના પર સુનાવણી ચાલી રહી છે. હવારાએ પોતે પણ દિલ્હીથી પંજાબની જેલમાં સ્થાનાંતરણની માગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, એમ કહીને કે દિલ્હીમાં હવે તેની સામે કોઈ કેસ પેન્ડિંગ નથી. પરમજીત સિંહ ભિવડા અને જગતાર સિંહ તારા બંને હાલમાં પંજાબની કસ્ટડીમાં છે. તારાને બેઅંત સિંહ હત્યાકાંડમાં અલગથી ચાલેલા કેસમાં બુડૈલની મોડેલ જેલમાં જ બનાવાયેલી સ્પેશિયલ કોર્ટે માફી કે છૂટ વિના આજીવન કેદની સજા સંભળાવી. અલબત્ત, તેને કેટલાક પ્રસંગોએ પારિવારિક કાર્યક્રમો માટે થોડા કલાકોની ‘કસ્ટડી પેરોલ’ મળી ચૂકી છે. દેવી સિંહ આજે પણ ભારતીય કાયદાની પકડથી બહાર છે અને પાકિસ્તાનમાં જલસા કરી રહ્યો છે. CMના હત્યારાની ફાંસીની અરજી 13 વર્ષથી પેન્ડિંગ સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ બલવંત સિંહ રાજોઆનાનું છે, જે બેઅંત સિંહની હત્યાના ષડ્યંત્રમાં અને તેને અંજામ સુધી પહોંચાડવામાં સીધો સામેલ હતો અને જેને 2007માં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. છેલ્લાં લગભગ 13 વર્ષથી તેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં તેની સજાને આજીવન કેદમાં બદલવાની અરજી પર સતત સુનાવણી ચાલી રહી છે. એપ્રિલ 2026માં પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે બે અઠવાડિયાંનો છેલ્લો મોકો આપ્યો હતો, એમ કહીને કે હવે વધુ સમય આપવામાં આવશે નહીં. રાજોઆના અત્યાર સુધીમાં લગભગ 29 વર્ષ જેલમાં અને તેમાંથી 17 વર્ષથી વધુ મૃત્યુદંડની સજાની રાહ જોવામાં વિતાવી ચૂક્યો છે, પરંતુ મામલો હજુ પણ પેન્ડિંગ છે. કઈ રીતે સુરંગ ખોદાઈ તે આજે પણ સિક્રેટ જેલમાંથી ભાગી છૂટવામાં સામેલ જેલ અધિકારીઓ અને બહારના મદદગારોની વાત કરીએ તો, અદાલતે પુરાવાના અભાવે લગભગ તમામને નિર્દોષ છોડી દીધા હતા અને આ નિર્ણય સામે કોઈ મોટી અપીલની પુષ્ટિ થતી નથી. એટલે કે, જે સુરંગ ખોદવામાં મહિનાઓ લાગ્યા, તે ષડ્યંત્રમાં કોની શું ભૂમિકા હતી તે સવાલનો આજે પણ કોઈ જ સત્તાવાર જવાબ મળ્યો નથી. સવાલોની સુરંગ બુડૈલ જેલ બ્રેક આજે પણ ભારતની ક્રિમિનલ હિસ્ટ્રીની સૌથી ચર્ચિત ઘટનાઓમાં ગણાય છે. માત્ર એટલા માટે નહીં કે ચાર કેદીઓ એક ચમચી અને ખાલી હાથે 104 ફૂટની સુરંગ ખોદીને દેશની સૌથી સુરક્ષિત જેલોમાંથી એકમાંથી ફરાર થઈ ગયા, પરંતુ એટલા માટે પણ કે આટલા મોટા ષડ્યંત્ર પાછળ આખરે કોણ-કોણ હતું, તે સવાલ અગિયાર વર્ષની અદાલતી લડાઈ પછી પણ વણઉકલ્યો જ રહી ગયો. જેલ પ્રશાસનની બેદરકારી, સાક્ષીઓનું ફરી જવું, અધૂરી તપાસ આ બધાએ મળીને આ મામલાને એવો બનાવી દીધો જેમાં ષડ્યંત્રનો પાયો તો સ્પષ્ટ દેખાયો, પરંતુ તેને કાયદેસર રીતે સાબિત કરવામાં પણ સિસ્ટમ નિષ્ફળ રહી. જે રીતે તે સુરંગને પછીથી માટીથી પૂરી દેવામાં આવી, કંઈક તે જ રીતે આ કેસની ઘણી મહત્ત્વપૂર્ણ કડીઓ પણ હંમેશ માટે દબાઈને રહી ગઈ.
    Click here to Read More
    Previous Article
    જાપાનની જડીબુટ્ટીની કમાલ, પીરિયડ્સમાં દુખાવાથી રાહત મળશે:ગુજરાતની કંપનીએ એવી ટેબ્લેટ બનાવી કે દુનિયા દંગ રહી જશે, હેવી બ્લીડિંગ અને મૂડ સ્વિંગ નહીં થાય
    Next Article
    The Odyssey BO Day 16: Film Continues Steady Run In Third Weekend, Mints This Amount

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment