Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્ટિબાયોટિકનો બેફામ ઉપયોગ સામાન્ય રોગને પણ જીવલેણ બનાવશે:ગાંધીનગરમાં CIDSCON-2026 કોન્ફરન્સમાં 950 તબીબોનું મંથન, અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપની હાર્ટની નકલી દવાઓ સીઝ

    10 hours ago

    ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત CIDSCON-2026ની 16મી વાર્ષિક કોન્ફરન્સમાં દેશ-વિદેશના આરોગ્ય નિષ્ણાતો અને 950થી વધુ તબીબોએ ચેપી રોગો અને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) જેવા ગંભીર પડકારો સામે લડવા મંથન કર્યું હતું. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં તબીબોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, સામાન્ય તાવ કે નાની બીમારીઓમાં પણ એન્ટિબાયોટિક દવાઓ લેવાની આદત ભવિષ્યમાં જીવલેણ સાબિત થઈ શકે છે. કોન્ફરન્સમાં જાગૃતિ ફેલાવવાની સાથે હવે નક્કર એક્શન પ્લાન અમલમાં મૂકવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એન્ટિબાયોટિક દવાઓ સામે રેઝિસ્ટન્સ અને સામાન્ય દર્દીઓ માટે જોખમ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય અને નાની સારવારમાં પણ એન્ટિબાયોટિક દવાઓ લેવાનું ચલણ વધતાં શરીરમાં બેક્ટેરિયા સામે દવાઓનું રેઝિસ્ટન્સ ઊભું થઈ રહ્યું છે. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અંગે વર્ષોથી અવેરનેસ ફેલાવાઈ રહી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેને કઈ રીતે એક્શનમાં મૂકવી તે દિશામાં કામ થાય. ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર કાદરી દ્વારા પણ આ મુદ્દે વિશેષ સેશન લેવામાં આવ્યું હતું, જ્યારે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય રોગમાં એન્ટિબાયોટિક લેવાની ટેવ ચિંતાજનક હોવાથી રાજ્ય સરકાર પણ માર્ગદર્શિકા મુજબ લોકજાગૃતિ અભિયાન તેજ કરશે. ટીબી, HIV, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને સારવારમાં AIનો ઉપયોગ પરિષદ દરમિયાન ટીબી, નોન-ટ્યુબરક્યુલોસિસ માઇકોબેક્ટેરિયા, HIV ઇન્ફેક્શન તેમજ કેન્સરની સારવાર લેતા દર્દીઓમાં ઘટતી રોગપ્રતિકારક શક્તિને કારણે થતા ચેપ અંગે ગહન ચર્ચા થઈ હતી. આ ઉપરાંત લીવર, કિડની અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં સર્જાતા ઇન્ફેક્શન અને તેની નવીનતમ ટ્રીટમેન્ટ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં મેડિકલ સાયન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે પણ વર્કશોપ યોજાયો હતો, જેમાં AI દ્વારા ચેપી રોગોની સચોટ ઓળખ, દર્દીઓનું ડેટા મેનેજમેન્ટ અને સારવારમાં થતા ફાયદાઓ વિશે વિદ્યાર્થીઓ તેમજ નવા કન્સલ્ટન્ટ્સને માર્ગદર્શન અપાયું હતું. ચાંદીપુરા અને નિપાહ વાયરસનું રિસર્જન્સ મોટો પડકાર ડૉ. અતુલ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, હાલમાં જે વાયરસ સામે આવી રહ્યા છે તે તમામ નવા નથી, પરંતુ જૂના વાયરસનું વારંવાર રિસર્જન્સ થઈ રહ્યું છે. વર્ષ 1960થી નોંધાતો ચાંદીપુરા વાયરસ ચોમાસાની ઋતુમાં ફરી સક્રિય થઈને કેસો વધારે છે, જેના વેરિઅન્ટ્સમાં થતા ફેરફારો ચિંતાનો વિષય છે. તેવી જ રીતે દક્ષિણ ભારતમાં બેટ્સ (ચામાચીડિયા)થી ફેલાતો નિપાહ વાયરસ પણ જાહેર આરોગ્ય માટે જોખમી બની રહ્યો છે, જેના પર સતત સર્વેલન્સ રાખવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. અમદાવાદમાં હાર્ટની ડુપ્લિકેટ દવાનો જથ્થો સીઝ આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વની માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ટોરન્ટ ગ્રુપની હાર્ટની નકલી દવાઓ વેચાતી હોવાની બાતમીના આધારે 30 મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 1.70 લાખ રૂપિયાની કિંમતનો દવાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા છે. પ્રાથમિક તપાસમાં આ નકલી દવાઓ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી લવાતી હોવાનું સામે આવ્યું છે, જેમાં સંસદના 7 કાયદાઓને ક્લબ કરીને બનેલા ફૂડ એન્ડ ડ્રગ કાયદા હેઠળ કડક કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે બદલી રાજકોટમાં મહિલા તબીબ સાથે થયેલા અભદ્ર વર્તન અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આરોપી તબીબની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે અને પીડિતા સાથે પણ વાતચીત કરવામાં આવી છે. વધુમાં તેમણે ફૂડ સેફ્ટી અંગે મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ફૂડ સેમ્પલિંગમાં પંચનામું કરવામાં આવતું ન હોવાની ક્ષતિ સામે આવી છે. હવેથી કોઈપણ સ્થળે ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી પકડાય ત્યારે સ્થળ પર જ ફરજિયાત પંચનામું કરવાની કડક સૂચના આપવામાં આવશે જેથી સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    રોંગ સાઈડથી આવતા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારી:પુત્રીને શાળાએ મુકવા જતા માતા સહિત બન્ને ઈજાગ્રસ્ત, અકસ્માત બાદ પીકઅપ ચાલક ફરાર
    Next Article
    દર પાંચ વર્ષે કરવાનો સર્વે મનપા 12 વર્ષ બાદ કરશે:વડોદરામાં જીપીએસ સિસ્ટમથી શ્વાનોની ગણતરી કરશે; 2014માં 44 હજારથી વધુ શ્વાન હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment