Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીને પર્સનલ CA એ જ દગો દીધો:રાજકોટમાં મહાવીર પેઢીના સંચાલક સાથે રૂ.57.10 લાખની છેતરપિંડી, પિસ્તોલ - કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

    8 hours ago

    તમે તમારા પર્સનલ CA રાખ્યા હોય તો ચેતી જજો કારણકે રાજકોટમાં વેપારીને મળેલી લોનના રૂ.57.10 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જ વાપરી નાખ્યાની ઘટના બની છે. મહાવીર ટ્રેડિંગ પેઢીના સંચાલકે પોતાના CA સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિતિનભાઈ સાવલીયા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જતીન જાજલનું નામ આપતા જણાવ્યુ હતુ કે, પોતાને મહાવિર ટ્રેડીંગ કંપની નામથી પ્રોપરાઇટર પેઢી છે. જતીનભાઈ વર્ષ 2014 થી CA છે અને આઇટી રિર્ટન ફાઇલ કરવાનું નિયમીત રીતે કામ કરતા હતા. ફરીયાદી પોતાની પેઢીનાં રબ્બર સ્ટેમ્પ તથા લેટર પેડ તથા ડીજીટલ સીગ્નેચર,પરીવારના સભ્યોનાં પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક ખાતાને લગતા જરૂરી દસ્તાવેજો આરોપી CA ની ઓફીસે વિશ્વાસથી રાખતા હતા. આ દરમિયાન વર્ષ 2020 માં નીતિનભાઈને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટ કરવાનો હોય જે બાબતે લોન કરવા માટે વાત કરી હતી. જે બાદ શહેરના રણછોડ નગરમાં આવેલી એક્સિસ બેન્ક ની બ્રાન્ચમાંથી રૂ.50 લાખ ટર્મ લોન તથા રૂ.20 લાખની સી.સી. લોન મંજુર થઈ હતી. જે બાદ ફરીયાદીનાં બેંક એકાઉન્ટમાંથી મશીનરીનાં રૂ.68 લાખ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાં જમા થયા હતા. આમ છતા આ ફરીયાદીને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટની મશીનરી હાર્દીક ઇન્ડસ્ટ્રીઝમાંથી મળેલ નહીં. જેથી મશીનરી અપાવો અથવા લોન કેન્સલ કરાવો તેવું કહેતા CA એ કહ્યું કે, તમારા પત્ની ગીતાબેન તથા તમારા સાળા નિલેશભાઇ ગજેરાની એકાઉન્ટની જુની ઇન્કમટેકસની રૂ.50 લાખની એન્ટ્રી સુલટાવો બાદ તમને મશીનરી અપાવીશ. જેથી આરોપી જતીનના કહેવાથી ફરીયાદીએ પત્ની તથા સાળાની ઇન્કમટ્રેકસની જુની એન્ટ્રી સુલટાવવા સારૂ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાંથી રૂ.57.50 લાખ જમા થયા હતા. જે બાદ તે રૂપીયામાંથી ફરીયાદીએ તેની પત્ની ગીતાબેનનાં એકાઉન્ટમાં રૂ.20 લાખ તથા સાળા નિલેશભાઈ ગજેરાનાં એકાઉન્ટમાં રૂ.16.60 લાખ જમા કરાવ્યા હતાં. જે રૂપીયા આરોપીનાં કહેવા મુજબ તેના અલગ અલગ પરીચીતો અને સબંધીઓનાં બેંક એકાઉન્ટમાં કટકે કટકે ટ્રાન્સફર કરેલ હતા. જે બાદ પણ વેપારીને મશીનરી અપાવી નહીં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે વેપારીની અગાઉથી લીધેલી સહી વાળા કોરા કાગળોમાં બોગસ લખાણ લખ્યું હતું અને વેપારીની પેઢીનો સ્ટેમ્પ મારી કેન્સલેશન ઓફ મશીન ઓર્ડરનો બોગસ લેટર બનાવ્યો હતો. જે બનાવટી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના લોનના રૂ. 57.10 લાખ ઓળવી ગયા. જે અંગે FIR નોંધાતા પોલીસે ભેજાબાજ CA ને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. દેશી બનાવટની 2 પિસ્તોલ, 5 જીવતા કારતૂસ સાથે શખ્સની ધરપકડ રાજકોટમાં દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતા અને ડ્રાઇવિંગ કરતા 45 વર્ષીય સંજય ભીખુ ભૂપ્તાને પોલીસે દેશી બનાવટની 2 પિસ્તોલ, 5 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ભક્તિનગર અને ઉપલેટા પોલીસ મથકમાં ગૂનો નોંધાઈ ચૂક્યો છે. આ શખ્સે કોની પાસેથી આ હથિયાર લીધું અને શા માટે પોતાની પાસે રાખ્યું હતું ? કોને આ હથિયાર આપવાનો હતો તથા તેનો શા માટે ઉપયોગ કરવાનો હતો જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ ભાગીદારે પ્રૌઢને ગેરેન્ટર તરીકે રાખી રૂ.25 લાખની લોન લીધી કેશોદમાં રહેતા પ્રૌઢે જસદણમાં રહેતા પૂર્વે ભાગીદાર વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢની જાણ બહાર તેમની સહિ કરી ટોપઅપ લોનમાં તેમને ગેરેન્ટર તરીકે રાખી રૂ. 25 લાખની લોન લઇ લીધી હતી. હપ્તા ચૂકાઇ ગયાનો મેસેજ મળ્યા બાદ આ કારસ્તાનનો ભાંડાફોડ થયો હતો. કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજી છાયાણી અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે આવેલ જે.એમ. ફાઇનાન્સિયલ લી.ના જવાબદાર કર્મચારી તથા એજન્ટનું નામ આપી જણાવ્યું હતું કે, તેની પુત્રી રાજવી વડોદરામાં ગેમ એન્ડ ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી જેથી તે વડોદરા અવરજવર કરતા હતા. વડોદરામાં અશ્વિનભાઈની રેસ્ટોરન્ટે જતા ત્યારે અક્ષરની મુલાકાત થઈ હતી. જે પછી તેની સાથે મળી ભાગીદારીમાં એક બંગલો લઈ પીજી શરૂ કર્યું હતું. 2025 માં ભાગીદારી છૂટી કરી નાખી હતી. ભાગીદારી છૂટી કર્યાના થોડા દિવસો બાદ રાજકોટની જે.એમ. ફાઇનાન્સમાંથી અક્ષર હપ્તો ચૂકી ગયાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે ફરિયાદી અક્ષરને પૂછતા તેણે કહ્યું હતું કે, ખાલી ઓળખાણમાં નામ આપ્યું છે. જોકે બાદમાં ફરિયાદીએ અમદાવાદ સ્થિત ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચમાં તપાસ કરતા અક્ષર ઉર્ફે અક્ષય લાલજી છાયાણી,લાલજીએ તથા હંસાબેન છાયાણીએ પોતે લીધેલ લોનમાં ટોપઅપ લોન કરાવવા ગેરેન્ટર તરીકે ફરિયાદીની ખોટી સહીઓ તા. 2/8/2025 ના ડોક્યુમેન્ટ ફરિયાદીની જાણ બહાર જે.એમ. ફાઇનાન્સિયલની ઓફીસ ખાતે રજુ કર્યાનું માલુમ પડ્યું હતું. ફરિયાદીએ બાદમાં અયોધ્યા સર્કલ પાસે વિરલ હાઇટ્સમાં આવેલી જે.એમ.ફાઇનાન્સની ઓફિસે જઈ તપાસ કરતા રૂ.12.90 લાખ અને રૂ.12.10 લાખ મળી 25 લાખની લોન અક્ષરે આ ડોક્યુમેન્ટના આધારે લઈ લીધી હોવાનું માલુમ પડ્યું હતું.જેથી પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડાળી ગામે બંધ મકાનમાંથી રૂ.4.07 લાખની ચોરી રાજકોટ-ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ રૂ. 4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂ.4.07 લાખની મત્તા ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે. ગોંડલ રોડ પર પુનિતનગર શેરી નંબર ત્રણ આશાપુરા નિવાસમાં રહેતા મૂળ વડાળી ગામના વતની વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને પિતાની માલિકીની જમીન વડાળી ગામે આવેલી છે. વાડીએ મકાન છે. ગત તા. 10/3 ના રોજ બપોરના તેઓ અહીં ગયા હતા ત્યારે તેમણે મકાનમા લોકરમાં ચાર લાખ રોકડ અને ગીફટમાં મળેલા ચાંદીના સિક્કા રાખ્યા હતા. બાદમાં 13 માર્ચે ફરિયાદી અહીં વડાળી ગામે આવેલા પોતાના ઘરે આવતા મકાનના તાળા તૂટેલા હતા. તપાસ કરતા લોકર તોડી તેની અંદર રાખેલ રોકડ રૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા, એક ચાંદીનો હાથમાં પહેરવાનો પંજો, એક બલોયુ સહિત 25 ગ્રામ ચાંદી કિં.રૂ.1000 મળી કુલ રૂપિયા 4.07 લાખની મત્તા ચોરી થઈ ગઈ હતી. જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે કાર ઠોકરે રિક્ષામાં લગ્ન પ્રસંગથી પરત આવતા 5 ને ઈજા હીરાસર એરપોર્ટ પાસે રાજકોટ અમદાવાદ હાઇવે પર કારે રીક્ષાને ઠોકર મારી હતી. જેમાં લગ્ન પ્રસંગેથી પરત આવતા ઉમરસોડ ગામના પરિવારનાં પાંચ લોકોને ઈજા થઈ હતી.બામણબોર નજીમ ઉમરસોડ ગામે રહેતા જેસિંગભાઈ ભગાભાઈ બાવરીયા (ઉંમર વર્ષ 35), તેમના પત્ની શારદાબેન (ઉં.વ. 32), પુત્રી પ્રિયા (ઉં.વ. 14) શિલ્પા (ઉં.વ. 14) અને પુત્ર રોનક (ઉં.વ.9)ને ઈજા થઈ હતી.તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારે જણાવ્યું કે, શારદાબેનના માસીના દીકરાના લગ્ન હતા. જેમાં માંડવાની વિધીમાં બધા ગયા હતા. જ્યાં હાજરી આપી પરત રિક્ષામાં બેસી ઉમરસોડ જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પતિએ તું મરી જા નહિંતર હું મારી નાખીશ તેવું કહેતા પત્નીએ ઝેરી દવા પીધી, સાસરિયા સામે ત્રાસની ફરિયાદ ઓમનગર સર્કલ નજીક ધરમનગરમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ ઘરખર્ચના પૈસા આપતો ન હોય અને પૈસા માંગતા મારકૂટ કરી મરી જવાનું કહેતો હોય પરિણીતાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જે અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક રહેતી 32 વર્ષીય પરિણીતા સંગીતાબેન રમેશભાઈ મેરીયાએ આરોપી તરીકે પતિ રમેશ મેરિયા, સસરા વિનોદભાઈ, સાસુ મંજુબેન, જેઠ નરેશભાઈ અને દિલીપભાઈનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી પતિ, સાસુ-સસરા, મોટા જેઠ નરેશભાઈ, જેઠાણી શિલ્પાબેન, તેનાથી નાના જેઠ દિલીપભાઈ તથા જેઠાણી શીતલબેન અને દીકરી માનસી (ઉં.વ.11) તથા દીકરો નિશાંત (ઉં.વ.09) સાથે રહે છે. તેણીના લગ્ન વર્ષ 2014 માં થયા હતા. સસરા વિનોદભાઈ ભૂગર્ભ ગટર પાઇપલાઇનનો કોન્ટ્રાકટ રાખે છે અને પતિ તેમાં મજૂરીકામ કરે છે. ઘરનો તમામ વહીવટ સાસુ-સસરા ચલાવે છે. જેથી ઘરમા પૈસાની જરૂરીયાત હોય ત્યારે તેમની પાસેથી માંગણી કરવાની રહે છે. લગ્નના આશરે 1 વર્ષ બાદથી જ પતિ વચ્ચે મનમેળ રહેતો ન હોય નાની નાની વાતમાં ઝઘડાઓ થતા રહે છે. પતિએ સસરા અને જેઠ સાથે કામ કરતા હોય તેમની પાસે કામના પૈસા માંગતા આપતા ન હતા. જેઠ દિલીપભાઈ માતાજીના ભુવા હોય જ્યારે તેની પત્ની માસિક સ્ત્રાવમા હોય ત્યારે તેના માટે રસોઈ બનાવવા માટે સાસુ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા જેથી રસોઈ બનાવવી પડતી હતી. છેલ્લા 5 વર્ષથી રસોઈ અલગ બનાવીએ છીએ. જે બાદથી મારા પતિએ તે અને તારા બાપે મને મારા મા-બાપથી અલગ કર્યો છે કહી અવારનવાર ઝઘડો કરીને માર મારે છે. માતા-પિતાને અપશબ્દો બોલે છે અને કહે છે કે, તારી છોકરીને લઈ જા મારે નથી જોઈતી. ગત તા.02 ના રોજ હોળીનો તહેવાર હોય પતિ પાસે સંતાનો માટે હોળીના રંગો અને પીચકારી લેવા માટે રૂપિયા માંગતા તેને કહેલ કે મારી પાસે અત્યારે પૈસા નથી. ત્યારબાદ બીજા દિવસે રૂપિયા માંગતા પતિએ ઢીકા પાટુનો માર માર્યો અને કહ્યું કે, તુ મરી જા નહીતર હુ તને મારી નાંખીશ. આ ઉપરાંત કહ્યુ કે, તુ દવા પી જા નહીતર હું તને દવા પીવડાવી દઈશ. જેથી પરિણીતાએ જિંદગીથી કંટાળી ગત તા. 04 ના સાંજના 5 વાગ્યે ઘઉંમા નાંખવાના ટીકડા પી લીધા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મુસાફરોની રોકડ સેરવી લેતો રિક્ષા ચાલક ઝડપાયો નાનામવા સર્કલ નજીકથી યુવાનને રિક્ષામાં બેસાડી રૂ.48 હજારની રોકડ સેરવી લેવાઈ હતી. બેંકમાં નાણાં જમાવી પરત ફરી રહેલા યુવકને રીક્ષામાં ડ્રાયવર સીટની બાજુમાં બેસાડી પાછળના ખિસ્સામાંથી રોકડ કાઢી લઇ યુવકને ઉતારી દઈ રીક્ષાચાલક નાસી ગયો હતો. જે મામલે તાલુકા પોલિસની ટીમે ગણતરીની કલાકોમાં જ રીક્ષાચાલકને દબોચી રોકડ રિકવર કરી હતી. બનાવ અંગે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ મવડી-કણકોટ રોડ પર દિવાળીબાગ પાર્ટી લોન્સમાં રહેતા 23 વર્ષીય શ્રમિક યુવાન સુધાન્યા બિમલભાઈ મંડલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 4 મહીનાથી સુરજ મંડપ સર્વિસ દિવાળીબાગ પાર્ટી લોન્સમા મજુર તરીકે કામ કરે છે. ગેટ તા. 09 ના તેમને વતન જવાનુ હોવાથી શેઠ જીતુભાઈ પટેલ પાસેથી મજુર પીન્ટુ તથા ઇંદ્રજીત, રાજેશ, સુમને મજૂરી પેટે કુલ 1 લાખ મળ્યા હતા. જે રૂપિયા બીજે દિવસે તા.10 ના મિત્ર પિન્ટુના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાં ગયો હતો. જ્યા એક લાખ એક સાથે જમા નહિ થતા માત્ર રૂ.29 હજાર પીન્ટુના ખાતામાં જમા કરાવ્યા હતા અને બાકીના રૂ.51 હજારમાથી રૂ.3 હજાર ખર્ચા માટે સાઈડમાં રાખી બાકીના રૂ.48 હજાર મે મારા પેન્ટના પાછળના ખીસ્સામા રાખ્યા હતા. જે બાદ રૂમે આવવું હોવાથી નાનામવા સર્કલથી ભીમનગર સર્કલ આવવા માટે રોડ ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકને હાથ ઉંચો કરી ઉભો રાખ્યો હતો. જે રિક્ષા ચાલકને ભીમનગર જવાનુ પુછતા તેણે મને હા પાડી રિક્ષામાં ડ્રાઈવરની બાજુની સીટમા આગળ બેસાડ્યો હતો. જ્યારે રિક્ષામા પાછળની સીટમાં અન્ય એક અજાણ્યો શખ્સ બેસેલ હતો. નાના મવા સર્કલથી થોડા આગળ જતા શ્રી રામ મસાલા માર્કેટ પાસે રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી મને જણાવેલ કે મારી રિક્ષા ભીમનગર નથી જતી કહી મને ઉતારી દીધો હતો. જે બાદ મેં મારા પેન્ટના પાછળના ખીસ્સામા જોતા રૂ. 48 હજાર મળ્યા ન હતા. જેથી રિક્ષા ચાલકને મારા પૈસા બાબતે પુછતા તેણે તેની રિક્ષા પુરઝડપે ત્યાથી ભગાડી મૂકી હતી. જે અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી ભરત મૂળજી ચંદ્રપાલ (ઉં.વ.20, રાજકોટ)ની ધરપકડ કરી રૂ. 29 હજારની રોકડ રીકવર કરી રીક્ષા કબ્જે કરી હતી. જૂની અદાવતમાં યુવાન પર છરીથી હૂમલો શહેરના લોધેશ્વરમાં જુની અદાવતમા શૈલેષ જરીયા પર અર્જુન ઉર્ફે મેરીયાએ છરીથી હુમલો કર્યો હતો. 30 વર્ષીય શૈલેષને છરીનો ઘા લાગી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો છે. જે અંગે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં શૈલેષભાઈ ધનસીંગભાઈ જરીયા (લોધા) (ઉં.વ. 30)એ જણાવ્યું કે, હું ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટી ખાતે મારા પરિવાર સાથે રહું છું. એક મહિના પહેલા મારા ઘરની સામે રહેતા અર્જુન ઉર્ફે મેરીયો સાથે માથાકૂટ થઈ હતી. જેથી ગત તા.13/03/2026ના રાત્રીના આશરે 10 વાગ્યેની આસપાસ હું તથા મારો મોટો ભાઈ શનિ ઘરની બહાર શેરીમાં ઊભા હતા ત્યારે અર્જુન ઉર્ફે મેરીયો અમારી પાસે આવ્યો અને જૂની બાબતનો ખાર રાખી મને ગાળો આપવા લાગ્યો. જેથી મેં તેને ગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી મને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જે બાદ મને કહ્યું કે, આજે તો તને જાનથી મારી નાખીશ. તે દરમિયાન આજુબાજુ માણસોનું ટોળુ ભેગું થઈ જતા આ અર્જુન ત્યાંથી નાસી ગયો હતો. યુવાનને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘I would say he is fast bowling’s Usman Tariq’: Aaqib Javed on Jasprit Bumrah
    Next Article
    બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શરબતનું વિતરણ કર્યું:ગરમીમાં રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડક આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment