Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો શું ખબર પડે?':અમેરિકાના નાગરિક વડોદરામાં કડવા અનુભવથી ત્રાસી ગયા, BOBના મેનેજરના ઉદ્ધત જવાબ; સરકારી ઓફિસના ધક્કા

    22 hours ago

    એક તરફ સરકાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક લાવવાની અને ભારતને ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવાની વાત કરે છે. બીજી તરફ વિદેશ રહીને ભારતની ઇકોનોમીને બૂસ્ટ આપતાં મૂળ ગુજરાતી કે ભારતીયને પોતાના વતનમાં આવીને ખરાબ અનુભવ થવાના કિસ્સા વારંવાર સામે આવે છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. અમેરિકામાં રહીને ત્યાં લોકોની મદદ કરતા અને ભારતીય સંસ્કૃતિને સાચવતા મૂળ ગુજરાતી વ્યક્તિને સરકારી સિસ્ટમ, બેન્ક, ઇન્શ્યોરન્સ કંપની વગેરેનો ખરાબ અનુભવ થયો છે. NRG અંકુર વૈદ્ય 28 વર્ષોથી અમેરિકા રહે છે. તેઓ 17 વર્ષથી USમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન સાથે સંકળાયેલા છે અને 2020થી તેના ચેરમેન છે. આ સંસ્થા અમેરિકામાં રહેતા ભારતીયને કોઇ સમસ્યા હોય તો તેમાં મદદરૂપ થાય છે અને ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રમોટ કરે છે. અંકુર વૈદ્ય રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ સાથે પણ જોડાયેલા છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાતચીત કરીને તેમનો કડવો અનુભવ જાણ્યો હતો. ફ્લાઇટ, બેંક, ઇન્શ્યોરન્સ કંપની અને મામલતદાર ઓફિસ.... એમ દરેક જગ્યાએ તેઓ નિરાશ થયા. અંકુર વૈદ્યના માતા-પિતાએ અમેરિકાથી ગુજરાત આવવા ઇન્ડિગો ફ્લાઇટની ટિકિટ લીધી હતી. જ્યારે ફ્લાઇટ મુંબઇ આવી ત્યારે ઇન્ડિગો તરફથી કહેવામાં આવ્યું કે તમારો સામાન વધારે છે. આ અંગે અંકુર વૈદ્યે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ઇન્ડિગોએ પહેલાંથી અમને કહ્યું નહીં કે 25 કિલોથી વધારે વજન મુંબઇથી આગળ નહીં લઇ જવા દે. શું વડોદરા જતાં પહેલાં લગેજ મુંબઇમાં લગેજ ફેંકી દેવાનો? આ રીતે મુંબઇમાં અટકાવે તો 20 હજાર રૂપિયા ભરવા સિવાય કોઇ છૂટકો જ નથી. એ જ એરલાઇનમાં પાછા આવતા મારા પેરેન્ટ્સની ફ્લાઇટ ડિલે થઇ. એમને ડોમેસ્ટિક એરપોર્ટ પર એવું કહ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઇ જવા માટે કોઇ બસ નથી, તમારે ટેક્સી કરીને જવું પડશે. 80 વર્ષે ફ્લાઇટના કારણે જ મોડા પડેલા વ્હીલ ચેરમાં બેઠેલા 80 વર્ષના 2 વૃદ્ધને આવું કહે છે. અંકુરના માતા-પિતા જ્યારે ટેક્સી શોધીને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં વ્હીલ ચેર જ નહોતી. તેમને એવું કહેવાયું કે તમે ચાલીને જતાં રહો. અંકુર વૈદ્યે વડોદરામાં સરકારી સિસ્ટમના થયેલા ચલક ચલાણા વિશે પણ વાત કરી. સસરાના અવસાન બાદ સરકારી સિસ્ટમનો અનુભવ અમેરિકાથી વડોદરા આવ્યા બાદ અંકુર વૈદ્યના સસરા અઘોરા મોલ સામે સ્કૂટર પરથી પડી ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા ત્યારે 4 કલાક બાદ સારવાર શરૂ થઇ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. સારવારના ચારેક દિવસ બાદ તેઓ અવસાન પામ્યા હતા. તેઓ કહે છે કે, આના પછીનો અનુભવ તો સાચી ગ્રાઉન્ડ રિયાલિટી બતાવે છે. આ એ ભારત નથી જેના તમે પ્રમોશનલ વીડિયો અને પ્રોપેગેન્ડા જુઓ છો. મારા સસરા ગુજરી ગયા ત્યારે તેમના ખિસ્સામાં જે ડોક્યુમેન્ટ હતા તે પ્રમાણેની ડિટેલ લખાવી હતી. અમે તેમાં કોઇ ઇનપુટ આપ્યું નહોતું. આ સમયે તેમને પોલીસ તરફથી સારી મદદ મળી હતી. તેમણે જણાવ્યું કે, અમને પહેલો સારો અનુભવ એક પોલીસકર્મીનો હતો. સમા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇએ આઉટ ઓફ ધ વે અમને મદદ કરી હતી. બેંકના લોકરનું શું થયું? તેમના સસરાના અવસાન બાદ જ્યારે બેન્ક ઓફ બરોડાની સયાજીગંજ બ્રાંચમાં ગયા ત્યારે તેમને ચીફ મેનેજર વિમલકુમારસિંહ મળ્યા હતા. આ બેંકમાં 1983થી તેમનું લોકર હતું પણ હવે તેનું શું થયું તેની કોઇને ખબર નથી. આ અંગે તેઓ કહે છે કે, અમે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરાવડાવ્યું હતું. મારા સસરાનું ડેથ અને બર્થ સર્ટિફિકેટ સહિતના પુરાવા આપ્યા હતા. વિમલકુમારસિંહે અમારી સાથે સારી રીતે વાત કરી, ચા પીવડાવી પણ લોકરનું શું થયું તેનો જવાબ કોઇ પાસે નહોતો. ‘વિમલકુમારસિંહે એવું કહ્યું કે જે ભાઇ લોકર સાચવે છે તે રજા પર છે. તમે કાલે આવો એટલે અમે બીજા દિવસે ગયા ત્યારે અમને કહેવાયું કે ડોક્યુમેન્ટમાં તમારૂં નામ નથી એટલે લોકર અને બેન્ક એકાઉન્ટ એક્સેસ કરવા માટે તમારે પેઢીનામું લાવવું પડે. મેં તેમને કહ્યું કે અમે સોગંદનામું લાવ્યા છીએ. જેમાં મારા સસરાનું ડેથ સર્ટિફિકેટ છે. મારી વાઇફ અને મારું મેરેજ સર્ટિફિકેટ છે. મારી સાળીનું બર્થ સર્ટિફિકેટ છે. એમના પાસપોર્ટ છે. જેમાં પ્રુવ થાય છે કે આ બે જ એમના માતા-પિતા છે. જેના જવાબમાં વિમલકુમારસિંહે મને કહ્યું કે, તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો અમને શું ખબર પડે?’ ત્રીજા દિવસે જ્યારે તેઓ પેઢીનામું લેવા માટે નિઝામપુરામાં એક વકીલ પાસે ગયા તો તેમને કહેવાયું કે આ જ બેંકમાં આવા જ સોગંદનામાથી બેન્ક એકાઉન્ટ એક્સેસ થઇ શકે છે. જેથી અકુંર વૈદ્ય પેઢીનામું લીધા વગર પાછા ગયા. એ સમયે વિમલકુમારસિંહે તેમને એવું કહ્યું કે પેઢીનામું તો જોઇશે. પેઢીનામા માટે 12 હજાર રૂપિયા માગ્યા આના પછી તે જૂના પાદરા રોડ પર આવેલી સરકારી ઓફિસમાં પેઢીનામું લેવા ગયા હતા. ત્યાં કોઇએ તેમને કહ્યું કે પેઢીનામું મળતાં 8 દિવસ થશે. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે એક વ્યક્તિએ એવું કહ્યું કે 12 હજાર રૂપિયા આપો તો હું પેઢીનામું કઢાવી આપું. તેમની સાથે એક મહિલા હતી. જેણે અંકુર વૈદ્યને ઓફિસમાં લગાવેલો લેટર વંચાવ્યો. જેમાં લખ્યું હતું કે બેન્ક એકાઉન્ટ કે બેન્કના કોઇપણ કામ માટે પેઢીનામાની જરૂર નથી. જ્યારે આ લેટરની કોપી લઇને અંકુર વૈદ્ય બેન્ક મેનેજરને મળવા ગયા ત્યારે તેમને કહ્યું કે તમે આટલી બધી માથાકૂટ કરો છો પણ એક બેન્ક એકાઉન્ટમાં 4 હજાર અને બીજામાં 335 રૂપિયા પડ્યાં છે. બેંકે કહ્યું આ ફોર્મ તો નકલી છે! અંકુર કહે છે કે, મારા પત્નીને મારા સસરાના ફોટા સાથેનું બેંકનું ફોર્મ મળ્યું હતું, તેમની સહીવાળો લેટર પણ મળ્યો હતો. પહેલા દિવસે બેંક તરફથી અમને એવું કહેવાયું કે આ ફોર્મ નકલી છે, તમે ક્યાંથી લાવ્યા તે અમને ખબર નથી. મેં પૂછ્યું કે બેન્ક ઓફ બરોડાનું નકલી ફોર્મ મારા સસરા કેમ બનાવે? તો તેમણે કહ્યું કે આના પર તો સહી સિક્કા નથી. 'બેન્કમાં શુક્ર, શનિ, રવિ રજા હતી. શુક્રવારે છેલ્લો દિવસ હતો. એમને કોઇપણ રીતે 3 દિવસની રજા પહેલાં અમારો પ્રોબ્લેમ સોલ્વ નહોતો કરવો. જેથી આ દરમિયાન અમે પાછા આવી જઇએ અને એમનું આખું ડિસ્કશન મટી જાય. જ્યારે અંકુર વૈદ્ય બેંકમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. તેમણે કારેલીબાગમાં જલારામ મંદિર સામે આવેલી ભારતી અક્સા નામની લાઇફ ઇન્શ્યોરન્સ કંપની સામે પણ આરોપ લગાવ્યા. ઇન્શ્યોરન્સ કંપની પર આરોપ લગાવ્યા તેઓ કહે છે કે, દિશા ભટ્ટ તેના મેનેજર છે. જ્યારે ઝીંકલ તારાણી એજન્ટ છે. મારા સસરા પાસેથી આ કંપનીની 10 પોલિસી મળી હતી. જે કુલ 10 લાખથી વધુ રકમની છે. જેમાં કેવાયસી થવા જોઇએ. જે નથી થયા. મારા સસરાને એજન્ટ બનાવીને એવોર્ડ પણ આપેલા હતા. અમેરિકામાં રહેતા મારા બાળકોના નામે પોલિસી હતી. અમેરિકા રહેતા હોય તેમને કેવી રીતે ખબર પડે કે ઇન્ડિયામાં આવી પોલિસીઓ લીધી છે. કદાચ સારા ઇન્ટેનશનથી પોલિસી લીધી હોય તો એક કન્સેન્ટનું પાનું જોઇએ. 'તમારી પાસેથી ઇન્શ્યોરન્સના પૈસા લે પછી પાછા આપી દે એટલે પોલિસી ફોક જાય. ઘણી પોલિસીમાં ફ્રોડ મળશે. આમાં એજન્સીને ખબર ન હોય એવું ન બને પણ બધા સિનિયર સિટીઝનને વિક્ટિમ બનાવે છે. એ બંધ થવું જોઇએ. અંકુર વૈદ્ય જ્યારે LICની ઓફિસમાં ક્લેમ સબમિટ કરવા ગયા ત્યારે પણ તેમને 'સરકારી' સિસ્ટમનો અનુભવ થયો. તેમણે ક્લેમ ફોર્મ જમા કરાવવા માટે 3 દિવસ ધક્કા ખાધા હોવાનો દાવો કર્યો. ફોર્મ સબમિટ કરવા માટે ધક્કા ખાધા હોવાનો દાવો તેઓ કહે છે કે, મારા સસરાની ફાઇલમાંથી LICની પોલિસી મળી હતી. જેથી અમે પ્રતાપનગરમાં આવેલી LICની બ્રાન્ચમાં ગયા. ત્રીજા માળે મેનેજર પનધારીનાથ શ્રીસાઠ બેઠા હતા. તેમણે અમને કેટલાક જરૂરી ફોર્મ ભરીને નોટરાઇઝ કરાવીને બીજા માળે ક્લેમ ઓફિસમાં સબમિટ કરવાનું કહ્યું હતું. વકીલને મળીને નોટરી કરાવીને બધા ફોર્મ ભરાવ્યા બાદ જ્યારે તેઓ ક્લેમ સબમિટ કરવા ગયા ત્યારે LIC ઓફિસના એક મહિલા કર્મચારીએ ફોર્મ ચેક કર્યા હતા. એકમાં નોટરી નહોતી એટલે તે મહિલા કર્મચારીએ કહ્યું કે ફોર્મમાં નોટરી નથી એટલે હું નહીં લઇ શકું. જેના પછી અંકુર વૈદ્ય નોટરી કરાવવા ગયા. જ્યારે તેઓ નોટરી કરાવીને પાછા આવ્યા ત્યારે એ મહિલા કર્મચારી નહોતા મળ્યાં. તેઓ કહે છે કે, એ મહિલા કર્મચારી તો નહોતા પણ મેં બાજુવાળા બેનને પૂછ્યું તો કહે કે હું લંચ પર છું, અઢી વાગ્યા પછી કામ થશે. મેં કહ્યું કે અમે 3 દિવસથી ધક્કા ખાઇએ છીએ, ફોર્મ લેવા માટે બીજું કોઇ નથી? જેથી તે મહિલા કર્મચારીએ કહ્યું કે કોઇ નથી, તમારે રાહ જોવી પડશે. મેં કહ્યું કે આ કઇ રીતની સિસ્ટમ છે? મારે ફક્ત સન્માનપૂર્વક આ ફોર્મ સબમિટ કરવું છે. આના પછી તેઓ મેનેજર પાસે ગયા તો મેનેજર પણ નહોતા મળ્યાં. મેનેજરને ફોન કર્યો તેણે એવું કહ્યું કે અત્યારે લંચ અવર્સ છે. આ ઘટના વિશે તેમણે જણાવ્યું કે, મેનેજરે મને કહ્યું કે એ મહિલા કર્મચારીની રજા મેં જ એપ્રુવ કરી છે. તમને કહીને રજા પર જવાની જરૂર નથી. મેં મેનેજરને કહ્યું કે જો મહિલા કર્મચારીએ મને કહ્યું હોત કે હું રજા પર જવાની છું, તમે ફોર્મ બીજાને આપી દેજો તો હું અન્ય કોઇને આપી દેત. આ સમયે ત્યાં બેઠેલા અન્ય એક એજન્ટે તેમને મદદ કરી હતી. LIC એજન્ટે મદદ કરી અંકુર વૈદ્યે ઉમેર્યું કે, ઓફિસમાં LIC એજન્ટ અને તેમનો દીકરો બેઠા હતા. તેમણે મને કહ્યું કે, હું તમારૂં ફોર્મ ચેક કરી લઉં છું. તેમણે ફોર્મમાં કંઇ ખૂટતું ન હોવાનું કહ્યું હતું. તેમણે જ ફોર્મ સબમિટ કરાવીને રિસીપ્ટ લીધી હતી. 'મારા સસરાનું ડેથ સર્ટિફિકેટ આપ્યું તો એવું કહે કે હવે મારા સાસુનું ડેથ સર્ટિફિકેટ પણ આપો. જો તેમણે ડોક્યુમેન્ટ સ્વીકાર્યા હોય તો તેનો અર્થ એ છે કે આખું પેકેજ કમ્પ્લિટ છે. અમારા વકીલે પણ અમને કહ્યું કે આ હેરાનગતિ કરવા સિવાય બીજું કંઇ નથી. હજુ બધું પ્રોસેસમાં જ છે. બેન્કનું એક એકાઉન્ટ ક્લોઝ નથી કર્યું, લોકરનું કોઇ ઠેકાણું નથી. લાઇફ ઇન્શ્યોરન્સની કંઇ ખબર નથી.' અમેરિકામાં ભારતીય રાજદૂત સમક્ષ મુદ્દો ઉઠાવશે અંકુર વૈદ્ય આ બધા મુદ્દા અમેરિકામાં ભારતીય રાજદૂત સમક્ષ ઉઠાવવાના છે. તેમણે કહ્યું કે, મેં અહીં એમ્બેસેડર સાથે મિટિંગ માટે રિક્વેસ્ટ કરી છે. તેમને કહીને તેમના થકી ભારત સરકારને એક લેટર મોકલું કે તમે ગ્રાઉન્ડ રિયાલિટી તો જુઓ. ગ્રાઉન્ડ રિયાલિટીમાં ઇન્ડિયામાં NRIને કોઇ જ પ્રોટેક્શન નથી. કોઇ માણસ જાય તો તેને હેરાનગતિ ન થાય તે માટે શું નિયમો છે? બધાને સિસ્ટમ ખબર છે પણ ટલ્લે ચડાવવા હોય એટલે આમ કરે. 'અકોટા પાસે આવેલી મામલતદારની ઓફિસમાં બાથરૂમ કરતાં ખરાબ વાસ આવે છે. ભારતના સૌથી વધુ પ્રગતિ કરનારા રાજ્યમાં જે ગુજરાતની ગણતરી થાય છે તેની આ હાલત છે તો પાછળ રહેલા રાજ્યોમાં શું હાલત હશે? NRI કોમ્યુનિટી ઇન્ડિયામાં ઉતરે એટલે એમને ડોલર સાઇન તરીકે જોવામાં આવે છે કે કઇ રીતે આંટીમાં લઇ પૈસા કઢાવવા? વડાપ્રધાન મોદી અમેરિકા આવે એટલે અપીલ કરે છે કે તમે આવો તો તમારી સાથે 4 મિત્રોને લઈને આવો. અમે મિત્રને ત્યાં લૂંટાવા લઇને આવીએ? અમે તો લૂંટાઇએ છીએ તમે પણ લૂંટાઓ.'
    Click here to Read More
    Previous Article
    RCom ફ્રોડ કેસમાં અનિલ અંબાણીની CBI દ્વારા પૂછપરછ:SBI માંથી ₹2,929 કરોડની છેતરપિંડીનો કેસ, ફંડની ઉચાપત અને ગેરવહીવટનો આરોપ
    Next Article
    બોડેલી-કવાંટ રોડ ખખડધજ, લોકોએ કર્યો ચક્કાજામ:રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ, અધિકારીઓ ન પહોંચતા રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment