Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદીગ્રામમાં BJP હાવી, રેજીનગરમાં હુસૈને પેચ ફસાવ્યો:6 બેઠકો પર પેટાચૂંટણી, તમિલનાડુની બે બેઠકો પર CM વિજયની પ્રથમ કસોટી

    9 hours ago

    6 ઑક્ટોબરે પશ્ચિમ બંગાળની બે, તમિલનાડુની બે, પુડુચેરીની એક વિધાનસભા બેઠક અને આસામની નગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પરિણામો 9 ઑક્ટોબરે આવશે. આ ચૂંટણીનાં પરિણામો કોઈ સરકારનું ભવિષ્ય નક્કી નહીં કરે, પરંતુ વિધાનસભા ચૂંટણીઓ પછી જમીની સ્તરે બદલાતા રાજકીય સમીકરણો અને પક્ષોની પકડની ઝાંખી જરૂર કરાવશે. સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પર છે. આ CM સુવેન્દુ અધિકારીની પરંપરાગત બેઠક છે. તેમણે 2021માં મુખ્યમંત્રી રહેલાં મમતા બેનર્જીને આ જ બેઠક પરથી હરાવ્યાં હતાં. રેજીનગર બેઠક પરથી બાબરી મસ્જિદ બનાવી રહેલા હુમાયૂં કબીરના પુત્ર ગુલામ નબી આઝાદ ચૂંટણી લડી રહ્યા છે. હુમાયૂં કબીર 2026માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રેજીનગર અને નૌદા બેઠક પરથી જીત્યા હતા. તેમણે રેજીનગર પરથી રાજીનામું આપી દીધું. પોતાના પુત્રને મેદાનમાં ઉતારીને તેમણે ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. પશ્ચિમ બંગાળ: નંદીગ્રામમાં સુવેન્દુનો પ્રભાવ, રેજીનગરમાં હુમાયૂંના પુત્રનો પડકાર નંદીગ્રામનો ચૂંટણી માહોલ મહેશપુર બજારની રેલીઓ પરથી સ્પષ્ટ સમજાઈ ગયો. કોંગ્રેસની સભામાં ભીડ ઓછી હતી, મોટે ભાગે પક્ષના કાર્યકરો જ હતા. ઉમેદવાર મિલન પ્રધાન લોકોને મળે છે અને 2007ના નંદીગ્રામ આંદોલનને યાદ કરે છે. તે સમયે જમીન સંપાદન સામે થયેલા આંદોલનમાં પોલીસ ફાયરિંગમાં 14 લોકોનાં મોત થયાં હતાં. અહીંથી જ ડાબેરીઓના 34 વર્ષ જૂના શાસનનો અંત આવવાનો અને મમતા બેનર્જીના સત્તામાં આવવાનો માર્ગ ખૂલ્યો હતો. આ આંદોલન બંગાળના રાજકારણમાં મોટા પરિવર્તનનું પ્રતીક બન્યું. કોંગ્રેસની રેલી દરમિયાન જ BJPની બાઈક રેલી નીકળી. પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યના નેતૃત્વમાં આશરે 100 બાઈક ચાલી રહી હતી. ગામડાંઓ અને બજારોમાં પણ BJPના ઝંડા અને પોસ્ટરો વધુ જોવા મળે છે. BJPએ અહીં હંસીરાની રથને ઉમેદવાર બનાવ્યાં છે. તેઓ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સહયોગી ચંદ્રનાથ રથનાં માતા છે. ચંદ્રનાથની 6 મેના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જાના બજાર પાસે પનીર (છેના) વેચતા સુકુમાર મંડલ કહે છે, ‘લોકો સુવેન્દુ અધિકારીના નામે મત આપશે. હંસીરાની રથને બહુ ઓછા લોકો ઓળખે છે.’ અહીં જ મળેલાં રીતા પાલ સરકારથી નારાજ છે. તેઓ કહે છે, ‘મને અન્નપૂર્ણા ભંડાર યોજનાના પૈસા નથી મળ્યા. SDM કચેરીમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો. અગાઉની સરકારમાં પૈસા ઓછા હતા, પણ સમયસર મળી જતા હતા.’ જોકે BJP અન્નપૂર્ણા ભંડારના નામે જ મત માંગી રહી છે. ભારતીય જનતા યુવા મોરચા સાથે જોડાયેલા સુકુમાર સાહુ કહે છે, ‘બે જ મુદ્દા છે, અન્નપૂર્ણા ભંડાર અને સુવેન્દુ અધિકારી.’ બીજી તરફ કોંગ્રેસના મિલન પ્રધાન માટે ચૂંટણી પ્રચાર આસાન રહ્યો નથી. એક જૂના કેસમાં ધરપકડ બાદ તેમને કલકત્તા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. જામીન 20 ઑક્ટોબર સુધી છે અને 21 ઑક્ટોબરે તેમણે નીચલી અદાલતમાં હાજર થવાનું છે. કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક રાણાજીત આરોપ લગાવે છે કે પક્ષના કાર્યકરોને ડરાવવામાં આવી રહ્યા છે. ઝંડા-બેનરો હટાવવામાં આવી રહ્યાં છે. BJP ઉમેદવાર હંસીરાની રથ આ આરોપોને ફગાવી દે છે. તેઓ કહે છે કે અમારા કાર્યકરો બીજા પક્ષોના ઝંડા શા માટે હટાવે? અહીં સુવેન્દુ અધિકારીએ ઘણું કામ કર્યું છે. અમારો પક્ષ દોઢ લાખથી વધુ મતોથી જીતશે. રેજીનગર: સૌથી કપરો મુકાબલો; BJP, કોંગ્રેસ, મમતા, હુમાયૂંએ ઉમેદવારો ઉતાર્યા રેજીનગરમાં BJP, કોંગ્રેસ, TMCના અલગ-અલગ જૂથો, CPI(M) અને હુમાયૂં કબીરનો પક્ષ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) મેદાનમાં છે. રેજીનગર મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે. BJPના શંખરાવ સરકાર સિવાયના મુખ્ય ઉમેદવારોમાં મોટા ભાગના મુસ્લિમ છે. કોંગ્રેસમાંથી મોહમ્મદ અબ્દુલ્લાહિલ કાફી અને TMCમાંથી રબીઉલ આલમ ચૌધરી ઉમેદવાર છે. AJUP તરફથી હુમાયૂં કબીરના પુત્ર ગુલામ નબી આઝાદ ચૂંટણી લડી રહ્યા છે. હુમાયૂં કબીરનો આરોપ છે કે પોલીસ તેમના કાર્યકરોની ધરપકડ કરી રહી છે અને ચૂંટણી પ્રચારમાં અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ પણ ફરિયાદ નોંધાવી છે. હુમાયૂંએ એમ કહીને પોતાને પ્રચારથી અલગ કરી લીધા કે પોલીસ ઉત્પીડન વચ્ચે પ્રચાર શક્ય નથી. AJUP ઉમેદવાર ગુલામ નબી આઝાદ કહે છે કે અમે કોઈ ગામમાં પ્રચાર માટે જઈએ છીએ, તો અમારા પાછા ફર્યા પછી લોકો પર દબાણ કરવામાં આવે છે. BJP ઉમેદવાર શંખરાવ સરકાર આ આરોપોને ફગાવી દે છે. સ્થાનિક પત્રકાર હસન બશીર શેખના જણાવ્યા અનુસાર, હુમાયૂં કબીરની સ્થાનિક ઓળખ અને તેમના કાર્યકરો સામેની કાર્યવાહીના આરોપો AJUPની તરફેણમાં સહાનુભૂતિ ઊભી કરી શકે છે. જોકે, જો મુસ્લિમ મતો અલગ-અલગ ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જશે તો BJPને ફાયદો થઈ શકે છે. તમિલનાડુ: બે બેઠકો પર પેટાચૂંટણી, બંને જગ્યાએ વિજયે NDAમાંથી આવેલા નેતાઓને ઉતાર્યા 25 સપ્ટેમ્બર 2026ના રોજ તમિલનાડુના CM વિજય પ્રચાર માટે મદુરાંતકમ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે 6 ઑક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી એક નેક શક્તિ (TVK) અને દુષ્ટ તાકાત (DMK) વચ્ચેની છે. પૂર્વ CM અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન પર આરોપ લગાવતા તેમણે કહ્યું- 'મારા વ્હાલા અંકલ... તમે તમિલનાડુની જનતા સાથે છેતરપિંડી ન કરી શકો. તમારી ભ્રષ્ટ ટોળકીને છોડવામાં નહીં આવે.' તમિલનાડુની મદુરાંતકમ અને ધારાપુરમ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. CM બન્યા પછી વિજયની આ પહેલી કસોટી છે. એપ્રિલ-મે મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ બંને બેઠકો AIADMK જીતી હતી. ચૂંટણી જીતનારાં મરગધમ કુમારવેલ અને પી. સત્યભામા રાજીનામું આપીને TVKમાં જોડાઈ ગયાં હતાં. વિજયે આ બંનેને જ મેદાનમાં ઉતાર્યાં છે. રસપ્રદ વાત એ છે કે સરકારમાં વિજયને ટેકો આપી રહેલા ડાબેરી પક્ષો CPI અને CPMએ બંને બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તેઓ વિજય વિરુદ્ધ બોલી પણ રહ્યા છે. પોલિટિકલ એનાલિસ્ટ ટી.એસ. સુધીર કહે છે, 'તમિલ રાજકારણમાં ટ્રેન્ડ રહ્યો છે કે ચૂંટણીઓમાં સરકાર ચલાવનાર પક્ષનો જ દબદબો રહે છે. વિજય જોરદાર પ્રચાર કરી રહ્યા છે. તેનાથી તેમના પક્ષને ફાયદો મળશે.' 16 વખત ચૂંટણી, 6 વખત AIADMK અને 5 વખત DMK જીતી 1952થી 2026 સુધીમાં આ બંને બેઠકો પર 16 વખત વિધાનસભા ચૂંટણીઓ થઈ છે. AIADMK 6 અને DMK 5 વખત જીતી છે. 2026માં પહેલીવાર ચૂંટણીમાં ઉતરેલી વિજયની TVK એકતરફી લહેર હોવા છતાં અહીં હારી ગઈ હતી. સિનિયર જર્નાલિસ્ટ કે.એ. શાજી કહે છે, ‘તમિલનાડુની સત્તા મેળવ્યા પછી પણ વિજયનો પ્રભાવ અકબંધ છે. જૂના પક્ષો ખાસ કરીને DMK મદુરાંતકમ અને ધારાપુરમમાં નબળા છે. આવી જ સ્થિતિ AIADMKની પણ છે. AIADMKમાં ખાસ્સી જૂથબંધી છે. તેથી વિજય ફાયદામાં છે.’ પુડુચેરી: એક બેઠક પર ચૂંટણી, આ CM રંગાસામીનો ગઢ પુડુચેરીની થટ્ટાનચાવડી બેઠક ઑલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસ, એટલે કે AINRCના સંસ્થાપક અને મુખ્યમંત્રી એન. રંગાસામીના રાજીનામા બાદ ખાલી થઈ છે. 9 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રંગાસામી થટ્ટાનચાવડી અને મંગલમ બેઠક પરથી જીત્યા હતા. તેમણે થટ્ટાનચાવડીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. થટ્ટાનચાવડીમાં રંગાસામી 1991થી સતત જીતતા આવ્યા છે. હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય અશોક આનંદ ચૂંટણી લડી રહ્યા છે. AINRC એ BJPના નેતૃત્વવાળા NDA ગઠબંધનનો હિસ્સો છે. પુડુચેરીના સિનિયર જર્નાલિસ્ટ રાજસંગીથન કહે છે, ‘પુડુચેરીનું ચિત્ર નેશનલ પોલિટિક્સ કે તમિલનાડુના રાજકારણ કરતાં તદ્દન અલગ છે. અહીં ન તો મોદી લહેર છે, ન તો રાહુલ ગાંધીનો પ્રભાવ છે કે ન તો વિજયનો ફેન બેઝ. અહીં રંગાસામીની મજબૂત પકડ છે. તેમના પક્ષને ફરીથી આ બેઠક જીતવામાં મુશ્કેલી ન પડવી જોઈએ. TVKએ આ વર્ષે પુડુચેરીમાં ચૂંટણી લડી અને 2 બેઠકો જીતી. વિજય માટે પેટાચૂંટણીમાં થોડીક શક્યતાઓ ચોક્કસ છે, પણ એટલી નહીં કે તેઓ જીતી શકે.’ આસામ: નગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણી, કોંગ્રેસની બેઠક પર BJP અને AIUDFનો પડકાર 2019 અને 2024માં આ બેઠક પરથી કોંગ્રેસના પ્રદ્યુત બોરદોલોઈ સાંસદ તરીકે ચૂંટાયા હતા. માર્ચ 2026માં તેઓ BJPમાં જોડાઈ ગયા અને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. ત્યારથી નગાંવ બેઠક ખાલી પડી હતી. પ્રદ્યુત હાલમાં દિસપુર બેઠક પરથી ધારાસભ્ય છે. આસામના સિનિયર જર્નાલિસ્ટ દિલબર હુસૈન જણાવે છે, ‘નગાંવમાં 18 લાખ મતદારો છે, જેમાં 11 લાખ લઘુમતી મતદારો છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. 1951થી 1998 સુધી પક્ષનું એકહથ્થુ શાસન રહ્યું. 1999થી 2014 સુધી BJP જીતી. 2019 અને 2024માં ફરી કોંગ્રેસ આવી. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા આ બેઠક પર આક્રમક પ્રચાર કરી રહ્યા છે. 28 સપ્ટેમ્બરે રાહા ખાતે યોજાયેલી રેલીમાં તેમણે કહ્યું હતું કે અમે આ બેઠક જીતી રહ્યા છીએ. મને નથી લાગતું કે કોઈ મુકાબલો છે.’ ‘આ વખતે BJPએ પૂર્વ IAS અધિકારી દેબાશીષ શર્માને ટિકિટ આપી છે. જો કોંગ્રેસ અને AIUDF વચ્ચે મતો વહેંચાશે, તો BJP જીતી શકે છે. ધુબરીના પૂર્વ સાંસદ અને AIUDF સુપ્રીમો બદરૂદ્દીન અજમલ નગાંવથી ચૂંટણી લડી રહ્યા છે. મુસ્લિમોમાં તેમનો સારો પ્રભાવ છે. તેમને મત મળશે તો કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.’ બાંગ્લાદેશીઓનો પુશબેક અને નકલી એન્કાઉન્ટરનો મુદ્દો દેવાશીષ શર્માને ઘેરવા માટે કોંગ્રેસ બાંગ્લાદેશી પુશબેકનો મુદ્દો બનાવી રહી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલાં દેવાશીષ નગાંવના જિલ્લા કલેક્ટર હતા. કોંગ્રેસનો આરોપ છે કે તેમના કાર્યકાળ દરમિયાન નગાંવની રહેવાસી મુમતાઝ બેગમ સહિત લઘુમતી મહિલાઓને શંકાસ્પદ ગણાવીને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવી હતી. તેમની આજ દિન સુધી કોઈ ભાળ મળી નથી. બીજી બાજુ, BJP કહી રહી છે કે દેવાશીષ જીતશે તો સંસદમાં નગાંવના વિકાસ, સુરક્ષા અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર પ્રસ્તાવ લાવશે. સાથે જ ગરીબ લઘુમતીઓને જમીનના પટ્ટા આપશે. AIUDF લઘુમતીઓના અધિકારો, સુરક્ષા અને ફેક એન્કાઉન્ટરનો મુદ્દો ઉઠાવી રહી છે. પક્ષનો આરોપ છે કે BJP લઘુમતીઓને બાંગ્લાદેશી ગણાવીને હેરાન-પરેશાન કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સવારે ઊઠતાં જ સૌથી પહેલાં મોબાઈલ હાથમાં લો છો?:આ કુટેવ મગજને નબળું પાડી દેશે! ડૉક્ટર પાસેથી જાણો વ્યસન કેમ છોડાવવું, હેલ્ધી રૂટિન કેવી રીતે ફૉલો કરવું
    Next Article
    ફાયર બ્રિગેડના પાણીથી નેતાનો બંગલો ધોવાયો:RMCના સાહેબ મેદાનમાં ઊતર્યા, હવે પાણીચોરોનો વારો પડશે; પંચાલનું સ્વાગત કરવા કાર્યકરો બુલડોઝર પર ચડી ગયા, જુઓ VIDEO

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment