Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોતાના સ્વાર્થ માટે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું':આનંદીબેન પરના પુસ્તકમાં રાજકીય ધડાકાથી BJP ભીંસમાં, કહ્યું- જેણે લખ્યું તેને ખબર હશે

    5 days ago

    હમણાં થોડા દિવસો પહેલાં જ ઉત્તર પ્રદેશની હોસ્ટેલમાં જમવાના મુદ્દે રાજ્યપાલ આનંદીબેન પટેલે જાહેર મંચ પરથી યોગી આદિત્યનાથ સરકારનો કાન ખેંચ્યો હતો. હવે આનંદીબેન રક્ષાબંધન માટે એક સપ્તાહની રજા લઇને ગુજરાત આવ્યા છે. તેવામાં એવી અફવા ઊડી હતી કે તેઓ રાજ્યપાલની ખુરશી છોડશે. જો કે આજથી 10 વર્ષ પહેલાં પાટીદાર આંદોલનના કારણે આ પાટીદાર મુખ્યમંત્રીએ ખુરશી છોડવી પડી હતી. પાટીદારો જેને ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખે છે તે અમદાવાદના GMDC ગ્રાઉન્ડની ઐતિહાસિક સભાને આવતીકાલે 11 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. તેવામાં આનંદીબેનના જીવન પર લખાયેલા પુસ્તક 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈ'માં પાટીદાર અનામત આંદોલન અંગે નવો ઘટસ્ફોટ કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 7 ડિસેમ્બર, 2025ના દિવસે 249 પાનાના આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું અમદાવાદમાં વિમોચન કર્યું હતું. પુસ્તકમાં 14 પ્રકરણો છે. જેમાં આનંદીબેનના નાનપણથી માંડીને તેમના જીવનમાં આવેલાં અનેક પડકારોનો ઉલ્લેખ છે. ભાજપના એ 'વરિષ્ઠ' નેતાઓ કોણ? 11 નંબરનું પ્રકરણ પાના નંબર 150થી શરૂ થાય છે. જેનું શિર્ષક છે વધતું ગયું ગુજરાતનું ગૌરવ. આ પ્રકરણના 171 અને 172 નંબરના પાના પર પાટીદાર અનામત આંદોલનના શિર્ષક હેઠળ લખાયું છે કે, ‘એક બાજુ આનંદીબેન ગુજરાતને અગ્રગણ્ય રાજય બનાવવા માટે યથાસંભવ પ્રયાસો કરી રહ્યાં હતા તો બીજી બાજુ રાજનીતિના હાંડલામાં કંઇક એવું રાંધવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. જેને ગુજરાતની અસ્મિતા સાથે કોઇ લેવાદેવા નહોતી. અંગત સ્વાર્થોની પૂર્તિ માટે જાતજાતનાં છળકપટ રચાઇ રહ્યાં હતા. ગુજરાતના સૌથી વધુ સમૃદ્ધ અને રાજનીતિમાં વર્ચસ્વ ધરાવનાર પટેલ સમાજના કેટલાંક યુવાનોને આગળ કરીને જ્યારે અનામત આંદોલન શરૂ થયું ત્યારે સૌને આશ્ચર્ય થયું કે ગુજરાતનો સૌથી સમૃદ્ધ સમાજ અનામતની માગણી કેમ કરી રહ્યો છે? એ સ્પષ્ટ હતું કે બંધારણની મર્યાદામાં રહેતાં સરકાર અનામતની આ માંગણીને સ્વીકારી શકે નહીં.આનંદીબેને પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ અને સમાજના અગ્રણી લોકો સાથે ચર્ચા સતત ચાલુ રાખી અને જે સત્ય હતું તે સામે મૂક્યું કે આ માગણીને સ્વીકારવી શક્ય નથી. ’ 172 નંબરના પાના પર ભાજપ-કોંગ્રેસના નેતાઓ વિશે શું લખ્યું છે તે નીચેની ઇમેજમાં વાંચો ભાજપના નેતાઓ વિશે કરાયેલા આટલા મોટા દાવાની વિશ્વસનીયતા એટલા માટે વધે છે કેમ કે તેના લેખક અશોક દેસાઇ છે. જે વર્ષોથી આનંદીબેન સાથે કામ કરી રહ્યાં છે. પુસ્તકમાં ભાજપના વરિષ્ઠ નેતાઓનો ઉલ્લેખ છે તે નેતાઓ કોણ હતા? આ સવાલ સૌથી મોટો છે. આનો જવાબ ફક્ત ભાજપ જ આપી શકે એટલે જવાબ જાણવા માટે અમે ભાજપનો સંપર્ક કર્યો હતો. પ્રદેશ ભાજપે કહ્યું- લખનારને ખબર હોય! પ્રદેશ ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલને પૂછ્યું તો તેમણે કહ્યું, આમ તો આ પુસ્તક મેં વાચ્યું નથી અને એના સંદર્ભમાં ડિટેઇલ બહુ માહિતી નથી પરંતુ સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતી હોય ત્યારે તેની પાછળનો ઉદ્દેશ શું છે તે લખનાર અથવા તો બોલનારને ખબર હોય પરંતુ આ અંગે મારું કંઇ ધ્યાન ગયું નથી. મેં હજુ વાંચ્યુ નથી એટલે તેના આગળ-પાછળના રેફરન્સીસ શું છે તે પણ મને ધ્યાને નથી. પુસ્તકનું લોન્ચિંગ અમદાવાદમાં થયું હતું તે માહિતી મને મીડિયા મારફતે છે. અમિત શાહ પણ લોન્ચિંગમાં ગયા હતા. પાટીદાર આંદોલનની વાત હાર્દિક પટેલ વગર અધૂરી રહે. આંદોલનના એ સમયના પોસ્ટર બોય હાર્દિક પટેલ પોતાની આગવી ઓળખ ઊભી કર્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઇને ટિકિટ મેળવીને વીરમગામના ધારાસભ્ય બની ગયા છે. હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો હતા અને હવે તે ભાજપમાં છે એટલે પુસ્તકમાં જે નેતાઓ વિશેનો જે ઉલ્લેખ છે તે કોણ છે તે જાણવા અમે હાર્દિક પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. કોઇ નેતા જોડાયેલા નહોતાઃ હાર્દિક પટેલ તેમણે જણાવ્યું હતું કે, આનંદીબેનનું પુસ્તક મેં હજુ સુધી વાંચ્યું નથી એટલે વ્યક્તિગત કોઇ જવાબ ના આપી શકું પરંતુ આંદોલન વખતે એવી કોઇ ઘટના જ નહોતી કે ભાજપ કે કોંગ્રેસના કોઇપણ નેતા સીધી કે આડકતરી રીતે જોડાયેલા નહોતા. હા, કાર્યકર્તા જોડાયેલાં હોઇ શકે. આનંદીબેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામું આપ્યું હતું ઓગસ્ટ-2015માં શરૂ થયેલું આ આંદોલન જાન્યુઆરી-2016 આવતાં આવતાં તો લગભગ સમાપ્ત થઇ ગયું હતું. આંદોલનના અંદાજે 1 વર્ષ બાદ આનંદીબેન પટેલે 1 ઓગસ્ટ, 2016ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીપદની જવાબદારીમાંથી મુક્ત થવાની જાહેરાત કરી હતી. 3 ઓગસ્ટ, 2016ના રોજ તેમણે તત્કાલીન રાજ્યપાલ ઓ.પી.કોહલીને રૂબરૂ મળીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આનંદીબેને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો નિર્ણય શા માટે લીધી હતો તેનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ છે. પાના નંબર 172 પર આગળ લખાયેલું છે કે.... ‘આંદોલનની અરાજકતાથી બહાર નીકળ્યા પછી ગુજરાતનું વાતાવરણ સામાન્ય થવા લાગ્યું હતું. સરકાર પણ પોતાની ગતિએ કામ કરી રહી હતી પરંતુ આકાશ જેવું હ્દય ધરાવનાર આનંદીબેનનું ચિંતન કંઇક જુદું જ હતું. તેઓ જોઇ ચૂક્યા હતા કે ગુજરાતમાં લેવાઇ રહેલાં લોક હિતકારી નિર્ણયોથી ઘણા લોકો આશંકિત થઇ ગયા છે કે હવે તેમનું કંઇ જ ચાલવાનું જ નથી. આવા લોકો ગમે તેવી ભ્રમણાઓ ફેલાવી શકે છે. તેમણે વિચાર્યું કે, ડિસેમ્બર-2017માં થનાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને અપેક્ષિત સફળતા ન મળે તો તેમને હંમેશ માટે અફસોસ રહી જશે. પક્ષ પ્રત્યેની તેમની અપાર નિષ્ઠા તેમને ચિંતામાં નાંખી રહી હતી કે ક્યાંક એવું ન બને કે પદ પર મારા રહેવાને લીધે પક્ષને કોઇ નુકસાન થઇ જાય. આવા સમયે એક રાજનેતાનું જે ચિંતન હોવું જોઇએ તેવું જ ચિંતન આનંદીબેનના મન-મસ્તિષ્કમાં ચાલી રહ્યું હતું. જાન્યુઆરી-2017માં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ થવામાં પાંચ-છ મહિના હતા. ચૂંટણીઓ ડિસેમ્બર-2017માં થવાની હતી. જેમાં દોઢ વર્ષનો સમય બાકી હતો. તેઓએ વિચાર્યું કે નિર્ણય લેવાનો આ જ સાચો સમય છે. એક વિચાર તેમના મનમાં એ પણ ચાલી રહ્યો હતો કે 75 વર્ષની ઉંમર થતાં તેમણે સક્રિય રાજનીતિથી દૂર જતાં રહેવું જોઇએ.’ આના પછી આનંદીબેને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું પણ જ્યારે નરેન્દ્ર મોદીએ આનંદીબેનને ગુજરાતની ગાદી સોંપી હતી ત્યારે તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. 2014ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પછી ગાંધીનગર ટાઉન હોલમાં 21 મે, 2014ના દિવસે ગુજરાત ભાજપની વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્યોએ આનંદીબેન પટેલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા હતા. ત્યારે ધારાસભ્યોને કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેશુભાઇની સરકારમાં આનંદીબેન શિક્ષણ મંત્રી હતા ત્યારે કેશુભાઇ મુખ્યમંત્રી તરીકે જે ભાષણ આપતા તેમાં 70થી 80% ભાષણ શિક્ષણની સિદ્ધિઓ પર રહેતું કેમ કે ત્યારે શિક્ષણ વિભાગ ઉત્તમ રીતે ચાલતો હતો. ગુજરાતની સ્થાપના પછી મહેસૂલ ક્ષેત્રે એકપણ સરકાર કશું ઉકાળી શકી નહોતી. હું પણ મારા પહેલા કાર્યકાળમાં કંઇ કરી શક્યો નહોતો. આજે હું ગૌરવથી કહી શકું છું કે છેલ્લા 5-7 વર્ષોમાં મહેસૂલ ક્ષેત્રે પાયામાં જે રિફોર્મ થયા છે, આંટીઘૂંટીમાં ફસાયેલી વ્યવસ્થાને સરળ કરી દીધી હોય તો તે આનંદીબેન છે. દેશમાં 100 વર્ષોથી આવું કામ નથી થયું. આ કામનો શ્રેય સમગ્ર દેશમાં એક માત્ર આનંદીબેન પટેલને જાય છે. આનંદીબેન શિક્ષક મન, વહીવટનો પ્રગાઢ અનુભવ, મહિલા હોવાના નાતે ગુજરાતની સામાન્ય પ્રકૃતિને અનુકૂળ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પૂરવાર થશે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં બાદ નરેન્દ્ર મોદીની ગતિએ કામ કરવું એ આનંદીબેન માટે અગ્નિપરીક્ષા હતી. આ પુસ્તકમાં તેનો પણ ઉલ્લેખ છે. તેમાં લખાયું છે કે.... ‘એક મહાન વારસાને આગળ લઇ જવો સૌથી મુશ્કેલ હોય છે. આમાં લાખોમાં એક જ સફળ થઇ શકે છે. નરેન્દ્ર મોદી જેવી જ કુશળતા, તેવી જ ઊર્જા અને તેવી જ લોકસેવાની ભાવનાથી તેટલી જ ગતિએ આગળ વધારવાં એ સહેલું નહોતું. આનંદીબેન માટે આ સૌથી મોટી અગ્નિપરીક્ષા હતી. મુખ્યમંત્રી તરીકે તેમની ઉપલબ્ધિઓ બતાવે છે કે આ અગ્નિ પરીક્ષામાં પણ તેઓ સફળ રહ્યાં છે. આજે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે યશસ્વી રીતે તે જ ગતિથી લોકહિતના કામ કરી રહ્યાં છે. હવે પટેલ સમાજને આનંદીબેનને સાચવી ના શક્યા અને સમાજને મોટું નુકસાન કર્યું હોવાનો અફસોસ છે.’ પુસ્તક કોણે લખ્યું છે? આનંદીબેન સાથે વર્ષોથી કામ કરી રહેલા અશોક દેસાઇ, પંકજ જાની અને વિનય જોશીએ આ પુસ્તક હિન્દી ભાષામાં તૈયાર કર્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગરના ચેરમેન વલ્લભ પટેલને પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે આનંદીબેન અને ત્રણેય લેખકો સાથે આ અંગે વાત કરી હતી. મંજૂરી મળી જતાં પુસ્તકની બીજી આવૃત્તિનું પ્રકાશન સહિયર મહિલા ઉદ્યોગ વિકાસ ટ્રસ્ટ- અમદાવાદે કર્યું હતું. આનંદીબેનના રાજીનામા પાછળ પક્ષ પ્રેમ હતો કે પછી પોતાના જ નેતાઓનું છળકપટ? આ સવાલનો જવાબ તો નથી મળ્યો પરંતુ પાટીદાર આંદોલન અંગેના ખુલાસાએ શિસ્તબદ્ધ પાર્ટીમાં ચાલતી લડાઇ તરફ ફરી એકવાર આંગળી ચિંધી છે.
    Click here to Read More
    Previous Article
    રખિયાલમાં દેશી દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત:57 લીટર દારૂ સાથે લોકોએ પીધેલા રિક્ષાચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો
    Next Article
    વડોદરામાં મગરનો ભેંસ પર હુમલો:વરસાદી કાંસમાં મગરે હુમલો કરતા ભેંસનો પગ કપાયો, વાસણા ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ જીવના જોખમે રેસ્ક્યુ કરીને ભેંસને બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment