Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લતીફ ગેંગનો શાર્પ શૂટર પરિવાર સાથે જીવવા ભાગ્યો:શરીફખાને ફ્રન્ટી ચાલુ કરી, બાજુમાં મહમ્મદ તસ્લીમ ગોઠવાયો ને રાધિકા જીમખાનામાં AK-47 ગર્જી

    13 hours ago

    તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ લતીફ ગેંગના શાર્પ શૂટર મહમ્મદ તસ્લીમને ઉદયપુરથી પકડીને લઇ આવી હતી. આજીવન કેદની સજાનો દોષી મહમ્મદ તસ્લીમ છેલ્લા 24 વર્ષથી જેલમાં હતો. બાદમાં પેરોલ મળતાં જ ભાગી ગયો. એને જે ગુનામાં સજા મળી હતી એ રાધિકા જીમખાના કેસ શું હતો અને પોલીસ 6 વર્ષ પછી તસ્લીમ સુધી કેવી રીતે પહોંચી એ અંગે દિવ્ય ભાસ્કરે માહિતી મેળવી હતી. દારૂના ધંધામાં મોનોપોલી જમાવવા માંગતા લતીફે અમદાવાદમાં બધા બુટલેગરોને કહેવડાવ્યું હતું કે માલ પોતાને ત્યાંથી જ લેવો. જે ના પાડતા અથવા કોઇ જવાબ ન આપતા એ લોકોને લતીફના માણસો ઉપાડી લેતા. ક્યારેક ધમકી આપતા. ક્યારેક મારતા તો ક્યારેક હાથપગ તોડી નાખતા. અન્ય લોકોની જેમ હંસરાજ ત્રિવેદી પણ અમદાવાદના ઓઢવમાં દારૂનો ધંધો કરતો હતો. લતીફે તેને પણ પોતાની પાસેથી દારૂ લેવા માટે કહેવડાવ્યું હતું, ટેલિફોન પણ કર્યો હતો. છતાં તે લતીફ પાસેથી દારૂ લેતો નહોતો. જેથી અબ્દુલ અને રસૂલ પાર્ટીએ તેને મારી નાખવાની ધમકીઓ આપી. તેમ છતાં હંસરાજ ટસનો મસ થયો નહોતો. ઉપરાંત તે દાઉદના દુશ્મનને સાથ આપતો હતો (ત્યાં સુધીમાં દાઉદ અને લતીફ મિત્ર બની ગયા હતા). લતીફને મારવા માટે મુંબઇથી ગેંગ આવી એ સમયે પણ હંસરાજે તેમને વ્યવસ્થા કરી આપી હતી ત્યારથી હંસરાજને મારવાનું નક્કી થઇ ગયું હતું. હંસરાજને રાયપુર-ગોમતીપુરમાં દારૂનો ધંધો કરતાં સબ્બુ હાજી સાથે પણ દુશ્મનાવટ હતી એટલે લતીફે સબ્બુને બાતમીદાર બનાવ્યો. એક દિવસ સબ્બુએ હંસરાજની ઓફિસ રખિયાલ રોડ પર અને તેની બેઠક સોનીની ચાલવાળા ચાર રસ્તા પર હોવાની માહિતી આપી. તેણે એ પણ કહ્યું કે હંસરાજ પત્તા રમવા ઓઢવમાં રાધિકા જીમખાનામાં જાય છે. આ બાતમી મળ્યાં પછી લતીફે માણસોને તેની રેકી કરવા માટે મોકલ્યા પણ હંસરાજ ત્યાં મળ્યો નહીં કારણ કે હંસરાજને કોઇ રીતે ખબર પડી ગઇ હતી કે લતીફના માણસો તેને મારવા ફરે છે. એ જાણીને તેણે પોતાના માટે બોડીગાર્ડ પણ રાખી લીધા હતા. આ તરફ હંસરાજને મારવા લતીફ દરિયપુરમાં મિટિંગો કરતો. ફૂલપ્રૂફ પ્લાનિંગ કરીને હથિયારો અને માણસો પણ તૈયાર રાખ્યા હતા. મમ્મુમિયાંએ 1991માં આપેલી એકે-47 લતીફે તૈયાર રાખી હતી. દિવસો વિતતા જતાં હતા. લતીફ હંસરાજને મારવા માટે તલપાપડ હતો પણ હંસરાજ હાથમાં આવતો નહોતો. હવે તારીખ આવી 3 ઓગસ્ટ, 1992. લતીફ એની કંપનીના માણસો સાથે માઢના મહોલ્લામાં બેઠો હતો. ત્યાં સબ્બુનો માણસ આવ્યો. એ હંસરાજની ક્લબમાં જુગાર રમવા જતો હતો. જેથી હંસરાજને સારી રીતે ઓળખતો હતો. હંસરાજ તેની રખિયાલવાળી ઓફિસે બેઠો છે. આટલું સાંભળતાં જ શરીફખાને ફ્રન્ટી કાઢી. જેમાં મહમ્મદ તસ્લીમ અને બીજા લોકો ગોઠવાઇ ગયા. બધા રખિયાલ ગયા પણ ત્યાં હંસરાજ ન મળ્યો. બધા પાછા આવ્યા. સાંજ પડવા આવી હતી ત્યાં જ સબ્બુનો માણસ પાછો આવ્યો. એની પાછળ પાછળ જ સફેદ મારુતિ ફ્રન્ટીમાં સબ્બુ પોતે આવ્યો. આવીને તે એટલું જ બોલ્યો-'હંસરાજ ઓઢવના રાધિકા જીમખાનામાં જુગાર રમવા બેઠો છે.' બધા પાછા એલર્ટ થયા. આ વખતે 2 માણસ સ્કૂટર પર રાધિકા જીમખાના ગયા. સાંજના સાતેક વાગ્યા હતા. તેની પાછળ જ શરીફખાનની ફ્રન્ટી નીકળી. જેમાં તે પોતે અને એનો ભાઇઉ જાવેદખાન તથા અન્ય બેઠા હતા. એ પહેલાં કારની નંબર પ્લેટ કાઢી નાખી હતી. એની પાછળ સબ્બુની ફ્રન્ટીમાં લતીફ, રસૂલ પાર્ટી અને મુશરફખાન સહિત અન્ય ત્રણ ગોઠવાયાં. બન્ને કારમાં પગમાં અને સીટની આજુબાજુ હથિયારો સંતાડી રાખેલા હતા. શરીફખાન અને તેના ભાઇ જાવેદ પાસે એકે-47 હતી. જ્યારે બીજી કારમાં લતીફ પાસે પણ એકે-47 હતી. બંને ફ્રન્ટી માઢના મહોલ્લાથી નીકળી પ્રેમ દરવાજા, સારંગપુર, ગોમતીપુર થઇને રખિયાલ પહોંચી. લતીફ અને તેના સાગરિતોનો પ્લાન હતો કે પહેલાં શરીફખાન અને તેની સાથેના માણસો એટેક કરશે. જરૂર પડે તો બીજી કારમાંથી પણ બધા મદદે જશે. બંને કાર ત્યાં પહોંચી પરંતુ રાધિકા જીમખાના આગળ ઘણી ભીડ હતી. શરીફખાને કાર આગળ લીધી. મુશરફખાને પણ તેની ગાડી પાછળ જવા દીધી. શરીફખાને રાધિકા જીમખાનાના દરવાજા પાસે ગાડી ઊભી રાખી. પાછળની ગાડી એનાથી થોડે દૂર ઊભી રહી. ક્લબની બહાર સબ્બુનો માણસ ઊભો હતો. તેને લઇને પહેલી ગાડીમાંથી શરીફખાન અને બીજા લોકો ક્લબમાં ગયા. મહમ્મદ તસ્લીમ અને સબ્બુ બહાર ઊભા રહ્યા. ક્લબમાં પત્તાંની મહેફિલ જામી હતી. ટેબલે ટેબલે રૂપિયાના ઢગલા અને હાથમાં બાજી હતી. શરીફખાન અને તેની સાથેના લોકો હંસરાજની હત્યા કરવા ક્લબમાં તો ગયા પણ તેમાંથી કોઇ હંસરાજને ઓળખતું નહોતું. અત્યાર સુધીમાં ક્યારેય તેનો ચહેરો જોયો નહોતો. હાથમાં એકે-47 રાખીને શરીફખાને બૂમ મારી.... હંસરાજ કૌન હૈ? બધા એકબીજાની સામે જોવા લાગ્યા. કોઇ કંઇ બોલ્યું નહીં. શરીફખાને બીજીવાર બૂમ મારી હંસરાજ.... આ વખતે પણ બધા મૌન હતા અને એકબીજા સામે જોતા હતા. હવે શરીફખાને પિત્તો ગુમાવ્યો. તેણે ગેંગમાં નવા સવા સામેલ થયેલા ગુલાલને પૂછ્યું- કભી રાયફલ ચલાઇ હૈ? ગુલાલે ના પાડી. બીજી જ ક્ષણે શરીફખાને પોતાના હાથમાં રહેલી એકે-47 ગુલાલને આપી દીધી અને કહ્યું ઠોક દો.... ગુલાલે રાયફલના ટ્રીગર પર આંગળી દબાવતાં જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઇ ગયો. તેનો હાથ ડાબી તરફથી જમણે અને પછી જમણી તરફથી ફરી ડાબી તરફ ફરવા લાગ્યો. થોડી જ મિનિટોમાં 9 લોકોની લાશ પડી હતી. જેમાં એક હંસરાજ પણ હતો. બહાર શરીફખાનની રાહ જોઇ રહેલા લતીફ અને એના સાથીઓને અંદરથી ફાયરિંગના અવાજો સંભળાયા. શરીફખાન સાથે બીજા બધા પણ ભાગતા ભાગતા બહાર આવ્યા. કાર દરિયાપુર તરફ ભગાવી. પાછળ લતીફની કાર પણ જોડાઇ. દરિયાપુર આવીને બન્ને ગાડીઓ અટકી. રસૂલ પાર્ટી અને બીજા એક માણસે બધા હથિયારો સગેવગે કરી નાખ્યા. આ ઘટના સામાન્ય નહોતી. ગુજરાતનાં ઇતિહાસમાં પહેલીવાર એકે-47 વપરાઇ હતી અને આટલો મોટો હત્યાકાંડ થયો હતો. રાધિકા જીમખાના કાંડ લોકો વર્ષો સુધી યાદ રાખવાના હતા. જેમાં હંસરાજ તો મર્યો જ પણ એની સાથે બીજા લોકો પણ મરી ગયા. હંસરાજના માણસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને બધે પોલીસના દરોડા પડવા લાગ્યા. જોકે લતીફ અમદાવાદમાં હોવા છતાં હાથમાં આવતો નહોતો. આ હત્યા કાંડના દસેક દિવસ બાદ લિયાકત માસ્ટર પકડાયો પછી પોલીસે ધીરે ધીરે શરીફખાન, જાવેદખાન, તસ્લીમ અને ખુદ લતીફના ભાઇ ઇસ્માઇલ સહિત ઘણા લોકોને પકડી લીધા હતા. 3 ઓગસ્ટે રાધિકા જીમખાના હત્યા કાંડ થયા બાદ 9 ઓક્ટોબર, 1992ના દિવસે પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહનું મર્ડર થયું. જેમાં પણ તસ્લીમની સંડોવણી સામે આવી. પોલીસે ત્યારે તેની ધરપકડ કરી હતી. પછી તેને આજીવન કેદની સજા થઇ ત્યારથી તે જેલમાં જ હતો. તે સમયે તસ્લીમ 24 વર્ષનો હતો. તસ્લીમ કેવી રીતે પકડાયો તે અંગે દિવ્ય ભાસ્કરે ક્રાઇમ બ્રાન્ચના PI આઇ.એન.ઘાસુરા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તસ્લીમે જેલવાસ દરમિયાન જ મોટી ઉંમરે લગ્ન કર્યા હતા. તેને બે દીકરા પણ હતા. હવે તેને પરિવાર સાથે જીવવું હતું. તેને ખબર હતી કે આજીવન કેદ સજા તો થઇ જ છે એટલે જેલમાં જ રહેવાનું છે. જેથી હવે પેરોલ મળે એટલે ભાગી જવું એમ નક્કી કર્યું. ભાગીને પરિવાર સાથે રહેવા લાગ્યો 2020માં તસ્લીમને ફરી વખત પેરોલ મળ્યા પણ આ વખતે સમયસર પાછા ફરવાને બદલે તે ભાગી ગયો. અલગ અલગ રાજ્યોમાં ફરીને તે છેવટે પોતાના વતન ઉદયપુર ખાતે આવતો રહ્યો. માતા-પિતા સાથે રહેવાને બદલે ખડકજી કા ચોક, ઉત્તર ખાનજી પીર, ગીરવા ખાતે નવું ઘર લઇને રહેવા લાગ્યો. જ્યાં તેની સાથે તેની પત્ની અને બાળકો રહેતા હતા. ભૂતકાળનો ખૂંખાર શાર્પ શૂટર હવે પોલીસથી થથરવા લાગ્યો એક સમયે લતીફના વિશ્વાસુ અને ગેંગના ખતરનાક શાર્પ શૂટર ગણાતા મોહમ્મદ તસ્લીમ ઉર્ફે કાળુ મોહમદ ઉંમર શેખને હવે બીક હતી કે પોલીસ આવીને તેને લઇ ન જાય. જેના પગલે તેણે કોઇને પોતાનું આખું નામ આપવાનું ટાળ્યું. તે પોતાના આખા નામને બદલે ફક્ત તસ્લીમ નામ જ વાપરતો. ઉપરાંત બે નંબરના ધંધાના બદલે જમીન મકાનના કામ કરવા લાગ્યો. તેને ડર હતો કે જો તેની સામે પોલીસમાં એકાદ નાની અરજી પણ થઇ તો તેનો ભૂતકાળ સામે આવી જશે. ક્રાઇમ બ્રાન્ચે ઉદયપુર જઇને ખાતરી કરી અમદાવાદ શહેર પોલીસની વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ સતત ચાલતી જ હોય છે. જેમાં તસ્લીમનું નામ પણ હતું. આ ખતરનાક ગેંગસ્ટરને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI ઘાસુરા અને તેમની ટીમના PSI કે.એસ.સિસોદીયા કામે લાગ્યા હતા. તસ્લીમ વિષેની માહિતી એકત્રિત કરતાં ગયા. તેનું લોકેશન મળ્યું તો ત્યાં ટીમ મોકલી. ટીમે ત્યાં રોકાઇને તેની રેકી કરી. જેમાં કન્ફર્મ થઇ ગયું કે આ જ વ્યક્તિ છે જેને પકડવાનો છે. આખી દિનચર્યા જાણી લીધી. શનિવારે તેને પકડવાનું નક્કી કર્યા બાદ ટીમે તેના ઘરની નજીકથી જ તેને દબોચી લીધો. અચાનક કોઇએ પકડી લેતાં પહેલા તો તે ડઘાઇ ગયો કે આ શું થયું? તેણે પૂછ્યું- કોન હો આપ? કહાં સે આયે હો? દરમિયાન PSI સિસોદીયા અને તેમની ટીમના લોકો તસ્લીમ કોઇ અવાજ કરે એ પહેલાં જ તેને લઇને અમદાવાદ આવવા રવાના થઇ ગયા. પોલીસને ભરમાવાની કોશિષ કરી રસ્તામાં તેની સાથે વાત થઇ. તેણે ફરી કહ્યું આપને ગલત ઇન્સાન કો પકડા હૈ. મે નહીં હું જીસે આપ પકડને આયે હૈ પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પહેલેથી ખબર જ હતી કે આ જ તસ્લીમ છે. ક્રાઇમ બ્રાન્ચે પુરાવા બતાવ્યા તો તસ્લીમ માની ગયો. આમ, 34 વર્ષ પહેલાની ઘટનાનો ખૂંખાર આરોપી આટલા વર્ષો પછી ફરી પાછો જેલ ભેગો થયો. 'લતીફ' સિરીઝ જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    લાખોનો ખર્ચ છતાં વોકળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય:પ્રિમોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા'ને વાસ્તવિકતામાં પોલમપોલ, ધોધમાર વરસાદમાં RMCની પોલ ખુલવાનું નક્કી
    Next Article
    હાબુક હાબુક કરીને નેતાઓએ પાણીપુરી ઝાપટી:મંત્રી બોલ્યા, ‘મને ઓળખો છો? હું મિનિસ્ટર છું’; પહેલી ટણી કરી પછી પોલીસે ચરબી ઉતારી, જુઓ BEFORE-AFTER

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment