Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂષિત પાણીથી જૂનાગઢની જનતા ત્રાહિમામ:​મહાનગરપાલિકાના પાપે જનતા ગટરયુક્ત પાણી પીવા મજબૂર,તંત્રની ઘોર બેદરકારી વચ્ચે ટેસ્ટિંગમાં 90 થી 100 સેમ્પલ અનફિટ હોવાનો અધિકારીનો ચોંકાવનારો ખુલાસો.

    3 days ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારની ગંધ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. મહાનગરપાલિકાના સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા છે, જ્યારે પ્રજા નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા અને પ્રદૂષિત પાણીને લઈ ત્રાહિમામ પોકારી ગઈ છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં દૂષિત અને ગટરયુક્ત દુર્ગંધ મારતું પાણી વાપરવા લોકો મજબૂર બન્યા છે. પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, તેમજ સ્થાનિક કોર્પોરેટરો માત્ર આશ્વાસનો આપીને જતા રહેતા હોવાથી આ ગંભીર સમસ્યા જૈસે-થે રહી છે. તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા કેમેરા નાખીને તપાસનું નાટક કરાયું, પરંતુ આજે પણ સ્થિતિ એટલી ખરાબ છે કે પાણી પીવા લાયક તો દૂર, વપરાશ કરવા લાયક પણ રહ્યું નથી. ​શહેરના પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અત્યંત દયનીય બની ચૂકી છે. આ વિસ્તારના વયોવૃદ્ધ સિનિયર સિટીઝનો આ ઉંમરે પણ પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે આસપાસની ડંકીઓ પર જઈને જાતે જ ભારેખમ ડોલો ભરી લાવવા માટે મજબૂર બન્યા છે, જે પાલિકાની ઘોર નિષ્ફળતા છતી કરે છે. ​મહાનગરપાલિકાની વહીવટી અણઆવડત પણ હવે જનતા સામે ખુલ્લી પડી ગઈ છે. સત્તાધીશો પાસે ક્યાં કયો વાલ્વ આવેલો છે કે કઈ લાઇન ક્યાં જઈ રહી છે તેની પ્રાથમિક માહિતી આપવા જેટલો પણ સક્ષમ કે જાણકાર સ્ટાફ ગ્રાઉન્ડ પર હાજર નથી. ઉચ્ચ અધિકારીઓ માત્ર એરકન્ડિશન્ડ કેબિનોમાં બેસીને કાગળ પર આંકડાબાજી રજૂ કરે છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર સામાન્ય જનતા ભયંકર રોગચાળાના મુખમાં ધકેલાઈ રહી છે. પીવાના પાણીના નામે પ્રજાને ગટરનું પ્રદૂષિત પાણી પિવડાવતી આ નઘરોળ મહાનગરપાલિકા સામે ક્યારે કડક પગલાં લેવાશે તે જૂનાગઢની જનતા માટે મોટો સવાલ છે. ​દૂષિત પાણી અંગે સ્થાનિક રહીશ બ્રિજેશ બગાડાયે જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી સ્થાનિકોના ઘરોમાં આવતા પાણીમાં અતિશય દુર્ગંધ આવી રહી છે અને આખું પાણી કાળું મેશ જેવું આવે છે. આ પાણી રોજિંદા વપરાશ માટે પણ કોઈ કાળે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, તો તેને પીવાની વાત તો એક બાજુએ રહી જાય છે. આ ગંદા પાણીના લીધે ઘરના ભૂગર્ભ ટાંકામાંથી એટલી બધી અસહ્ય વાસ આવે છે કે ઘરમાં સામાન્ય રીતે રહેવું પણ અઘરું પડી ગયું છે. આ ગંદા પાણીના કારણે જો સમગ્ર વિસ્તારમાં કોઈ પણ મોટી મહામારી ફાટી નીકળે તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે. આ બાબતે અગાઉ અમે સ્થાનિક કોર્પોરેટરને પણ રૂબરૂમાં જાણ કરેલી છે, પરંતુ હજી સુધી એનો કોઈ પણ જાતનો કાયમી નીચોડ આવ્યો નથી. તંત્ર આના માટે યોગ્ય અને વહેલાસર કંઈક ઉકેલ લાવે જેથી કરીને આગળ કોઈ ગંભીર બીમારી ન ફેલાય, નહીં તો મુશ્કેલીમાં તંત્ર અને અમે બંને મુકાઈશું. અમે અગાઉ કોર્પોરેટરને એક વખત લેખિત-મૌખિક રજૂઆત કરી ચૂક્યા છીએ પણ એનો કોઈ નિકાલ નથી આવ્યો. જો હવે આગળ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો અમારે નગરપાલિકા કચેરી સામે ધરણાં પર બેસવું પડશે, એના સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. ​આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાની જે અદ્યતન લેબ છે, તેમાં સતત ફૂડ અને પાણીના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીની ગુણવત્તા તપાસવાની પ્રક્રિયા અંતર્ગત શહેરમાંથી લેવાયેલા પાણીના સેમ્પલોમાં અત્યાર સુધીમાં 650 જેટલા અલગ-અલગ પાણીના ટેસ્ટના રિપોર્ટ સત્તાવાર રીતે કરવામાં આવેલા છે. નાગરિકો તરફથી જે ફરિયાદો આવે છે, ત્યાં તાત્કાલિક અમારી આરોગ્ય ટીમ દ્વારા અને વોટર વર્ક્સની ટીમ દ્વારા સંયુક્ત રીતે એ પ્રદૂષિત પાણીના સેમ્પલ લેવામાં આવે છે. આરોગ્ય અધિકારીએ વધુમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા સ્વીકાર્યું હતું કે ટેસ્ટ કરાયેલા કુલ સેમ્પલોમાંથી અંદાજે 90 થી 100 જેટલા પાણીના સેમ્પલ માનવ વપરાશ માટે સર્વથા અયોગ્ય એટલે કે અનફિટ આપવામાં આવેલા હતા. ​તેમણે આગળ ઉમેર્યું હતું કે જે 90 થી 100 જેટલા સેમ્પલો લેબ રિપોર્ટમાં અનફિટ જાહેર થયા હતા, તેવા પ્રભાવિત વિસ્તારોમાં અમારી ટીમ અને વોટર વર્ક્સની ટીમે તાકીદે રૂબરૂ જઈને પાણી શુદ્ધ કરવા માટે ક્લોરિનેશનની સઘન કામગીરી હાથ ધરેલ છે. આ ઉપરાંત જે તે વિસ્તારોમાં જરૂરિયાત જણાયે આરોગ્ય વિષયક ખાસ મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા અને તેના દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા તેમજ જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા પ્રભાવિત સોસાયટીઓમાં ઘરે ઘરે જઈને ક્લોરિનની ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે અને મુખ્ય સપ્લાયમાં પણ ક્લોરિનેશનનું પ્રમાણ વધારી, યોગ્ય રીતે ચેક કરીને જ આગળ પાણી વિતરણ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા જરૂરિયાત મુજબની તમામ સાવચેતી અને આરોગ્ય વિષયક જરૂરી પગલાઓ ગ્રાઉન્ડ લેવલ પર હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં:રાજકોટ મનપાના ફૂડ વિભાગએ પનીરમાં ભેળસેળનો પર્દાફાશ કર્યો, 636 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ પેઢીઓને સીલ કરાઈ
    Next Article
    બનાસકાંઠા પોલીસે ડ્રગ નિષેધ દિને સાયકલોથોનનું આયોજન કર્યું:નશા મુક્ત સમાજ માટે પોલીસ અને નાગરિકોએ સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment