Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરથી ડિરેક્ટકર સુધીના 86 અધિકારીનો સફાયો:સરકારે 'ઓપરેશન ગંગાજળ' કેમ કરવું પડ્યું; ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી’ના મોદી મોડલથી ફફડાટ

    1 day ago

    ગુજરાત સરકારનું ઓપરેશન ગંગાજળ વધારે સ્ટ્રોંગ બન્યું છે. ક્લાસ-1 અને ક્લાસ-2 મળીને 86 ભ્રષ્ટ ઓફિસરોને ભૂપેન્દ્ર પટેલની સરકારે 'ઘર ભેગા' કરી દીધા છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી ભ્રષ્ટાચારના કારણે ગુજરાત બદનામ થયું. સરકારને ઓપરેશન ગંગાજળ ચલાવવાની જરૂર કેમ પડી, 2027ની ચૂંટણીમાં તેની શું અસર થશે, જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : સરકારનું ઓપરેશન ગંગાજળ શું છે? જવાબ : ગુજરાત સરકારે સપ્ટેમ્બર 2024માં 'ઓપરેશન ગંગાજળ' શરૂ કર્યું હતું. જે હજી પણ ચાલી રહ્યું છે. 'ઓપરેશન ગંગાજળ'નો હેતુ ગંભીર આરોપો ધરાવતા અથવા જેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી ચાલી રહી છે તેવા સરકારી અધિકારીઓના સર્વિસ રેકોર્ડ અને વર્તનની સમીક્ષા કરવાનો છે. આ પહેલ એવા અધિકારીઓ પર કેન્દ્રિત છે જેઓ ભ્રષ્ટાચારના કેસો, ગેરવર્તણૂકના આરોપો અને અન્ય શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હોય.આરોપો સાબિત થાય તો સરકાર ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓને 'ઘરભેગા' પણ કરે છે. IAS, IPS કે GAS કેડરના અધિકારીઓએ ગુજરાત સરકારના વિજીલન્સ વિભાગમાં પોતાની સંપત્તિનું લિસ્ટ દર વર્ષે આપવાનું હોય છે. સ્થાવર અને જંગમ મિલકત બંને બતાવવાની. આ કવાયતના કારણે સરકારની નજર અધિકારીઓની સંપત્તિ પર રહે છે. પણ અત્યાર સુધી જે અધિકારીઓને રવાના કરી દેવાયા તે તમામની ફરિયાદ સરકાર સુધી પહોંચી હતી. 2026માં IAS-IPS અધિકારીઓએ સરકારમાં જે એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ સબમીટ કર્યો હતો તેના કેટલાક ફેક્ટ ફિગર પણ જાણી લો. અધિકારીઓએ સરકાર સમક્ષ સત્તાવાર રીતે જમા કરાવેલા એન્યુઅલ પ્રોપર્ટી રિટર્નમાં જાહેર કરેલી માહિતીના આધારે આ ડેટા અપાયો છે. સંપત્તિ હોવી કે તેની કિંમતમાં વધારો થવો એ ભ્રષ્ટાચારનો પુરાવો નથી. પણ સરકારની વોચ ચોક્કસ રહે છે. સરકારે આ વોચ રાખવાનું કામ પણ એટલે કર્યું છે કે સરકારી બાબુઓ કંટ્રોલમાં રહે. અલબત્ત, એ જૂદી વાત છે કે કંટ્રોલમાં રહેતા નથી અને એટલે જ સરકારે ચલાવ્યું ઓપરેશન ગંગાજળ. આ ઓપરેશન હેઠળ સરકારે 86 જેટલા ક્લાસ-1 અને ક્લાસ-2 ઓફિસરોને સેવા નિવૃત્ત કરી દીધા છે. સવાલ-2 : અત્યાર સુધીમાં કેટલા ઓફિસરોને સેવા નિવૃત્ત કરાયા? જવાબ : ગુજરાત સરકારે 2024ના મધ્યભાગથી ઓપરેશન ગંગાજળ ચલાવ્યું ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 ઓફિસરો મળીને 86 અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત્ત કરી દીધા છે. બોલચાલમાં કહીએ તો 'ઘર ભેગા' કરી દીધા છે. આમાં IAS પણ છે, IPS પણ છે ને GAS પણ છે. કેટલાક ઓફિસરોનો કાર્યકાળ 15-20 વર્ષ બાકી હતો, કોઈ એકાદ વર્ષમાં જ નિવૃત્ત થવાના હતા પણ ગુજરાત સરકારે 'ઝાડુ' ફેરવી આ અધિકારીઓને રવાના કરી દીધા. મોટાભાગના ઓફિસરો એવા હતા જેની સામે લાંચ માંગવી, મનમાની કરવી, બારોબાર ઓર્ડરો કરી દેવા, આવક કરતાં મિલકતનું પ્રમાણ વધારે હોવું, તેવા આરોપો હતા. આ આરોપો જેમના પર સાચા સાબિત થયા તેના પર તવાઈ બોલી. સરકારે જે 86 લોકોને ઘરભેગા કર્યા તેમાંથી કેટલાક નામ ચર્ચિત રહ્યા ને જાણીતા ચહેરા પણ રહ્યા. જેમ કે, સવાલ-3 : ભૂપેન્દ્ર પટેલ સરકારે ઓપરેશન ગંગાજળ કરવાની જરૂર કેમ પડી? જવાબ : આ અંગે નિવૃત્ત IAS ઓફિસર નામ જાહેર ન કરવાની શરતે કહે છે કે, હું કોંગ્રેસના સમયમાં હતો. ભ્રષ્ટાચાર ત્યારે પણ હતો. ખાસ કરીને ચૂંટણી વખતે ફંડ વધારે મગાતું. હવે નાનામાં નાના કેસમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચાર થઈ ગયો છે. લોકો આ વાત જાણતા હતા પણ હવે ભ્રષ્ટાચારની જાહેરમાં, સોશિયલ મીડિયામાં ચર્ચા કરવા લાગ્યા છે. સરકાર ઓપરેશન ગંગાજળ કરીને એ મેસેજ આપવા માગે છે કે અમે ભ્રષ્ટ અધિકારીઓને કાઢી રહ્યા છીએ. સરકારે પગલું લીધું છે સારું, પણ મોડું લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે પહેલું કામ ભ્રષ્ટ અધિકારીઓને ડામ આપવાનું જ કર્યું હતું. તેમણે આપેલું સૂત્ર દોઢ દાયકા પછી પણ લોકોને યાદ છે - હું ખાતો નથી, ખાવા દેતો નથી. નરેન્દ્ર મોદીએ પહેલી ટર્મમાં એવું કડક શાસન કર્યું કે અધિકારીઓ તો ઠીક, નાનામાં નાનો કર્મચારી પૈસા માગતાં અચકાતો. ત્યારે ભ્રષ્ટાચાર એકદમ કાબૂમાં હતો. મોદીની મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ આવી ત્યારે તેમનું ફોકસ નેશનલ પોલિટિક્સમાં વધી ગયું. પછી 2007માં ત્રીજી ટર્મમાં ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી નેશનલ લેવલે વધારે એક્ટિવ થયા. પણ મોદીનું નેશનલ ફોકસ વધી ગયું એટલે ગુજરાતમાં મોદીના સાથી મંત્રીઓ નિર્ણયો લેવા લાગ્યા એટલે અધિકારીઓના મનમાંથી મોદીનો ડર ઓછો થયો ને થોડો થોડો ભ્રષ્ટાચાર થવા લાગ્યો. 2014માં મોદીએ ગુજરાતની બહાર પગ મૂક્યો એટલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો. હવે તો ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો છે. આ અંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પોલિટિકલ એનાલિસ્ટ ડૉ. જયનારાણ વ્યાસ કહે છે, આમાં નવી ઘોડી નવો દાવ જેવું છે. બધા ઓફિસરોને રવાના નથી કરતા, બધાના પુરાવા સરકાર પાસે હોય તો પણ કશું નથી કરતા. APMCમાં સરકારના જ માણસો ભ્રષ્ટાચાર કરે છે, સરકાર જાણે છે છતાં તેની સામે એક્શન નથી લેતા. APMCમાં 10 રૂપિયાની વસ્તુના 300- 300 રૂપિયાના વાઉચર નખાય છે, તેની સામે કેમ એક્શન નથી લેવાતા? એટલે ઓપરેશન ગંગાજળ સિલેક્ટિવલી છે. ડૉ. વ્યાસે કહ્યું કે, હું તો માનું છું કે ગંગાજળ નામ જ ખોટું છે. યમુનાનું પાન, ગંગાનું સ્નાન અને નર્મદાના દર્શન માત્રથી મુક્તિ મળે છે. ગંગાજળ ક્યારે અપાય? વિદાયની છેલ્લી ઘડીઓમાં. મતલબ, અત્યારે ડચકાં ખાતી સરકાર ગંગાજળના સહારે છે. ઓપરેશન ગંગાજળ કરીને સરકાર સ્વીકારે છે કે ભ્રષ્ટાચાર તો થાય છે. ટૂંકમાં, 2027ની ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો મોટો બની શકે તેમ છે એટલે આ ઓપરેશન સ્ટ્રોંગ બનાવ્યું છે. સવાલ-4 : 2027ની ચૂંટણીમાં ઓપરેશન ગંગાજળની ઈફેક્ટ દેખાશે? જવાબ : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તે વાતથી આંખ આડા કાન થઈ શકે તેમ નથી. આધારકાર્ડમાં સુધારો કરાવવો હોય, પોલીસમાં પાસપોર્ટ વેરિફાઈ કરાવવો હોય તો કશું મફતમાં થતું નથી. ખેતીની જમીન બિનખેતી કરવી, કોઈ મંજૂરી લેવી, પરમિટ લાયસન્સ લેવું એ તમામ મોટી બાબતોમાં પણ પૈસા હી પૈસા... જોઈએ. સરકાર જાણે છે કે બાબુઓ પૈસા વગર કામ કરતા નથી. લોકો પણ જાણે છે કે ક્યાંય પૈસા વગર કામ થતું નથી. અતિની ગતિ ન હોય. હવે એક હદ આવી ગઈ છે. સરકારને અંડર કરંટ દેખાઈ રહ્યો છે કે 2027માં સીટો ઘટવા ન દેવી હોય, સત્તા જાળવી રાખવી હોય તો ગુજરાતની જનતામાં ભરોસો જાળવી રાખવો પડશે. અને એટલે જ ભાજપ સરકાર 2027ની ચૂંટણીમાં ઓપરેશન ગંગાજળનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની છબી ઊભી કરવા માગે છે. ભાજપ આ ઓપરેશનનો ઉપયોગ જનતા વચ્ચે પોતાની છબી વધુ મજબૂત કરવા માટે કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની "સૌમ્ય પણ મક્કમ" નેતા તરીકેની છબી વધારે મજબૂત બનાવાશે. એવા CM જે IAS કે GAS કક્ષાના ભ્રષ્ટ અધિકારીઓને પણ છોડતા નથી. અલબત્ત, ગુજરાતના મુખ્યમંત્રીઓનો ઈતિહાસ જોઈ લો. મોટાભાગના મુખ્યમંત્રીઓ વિવાદમાં રહ્યા, ચર્ચામાં રહ્યા. ગુજરાતની જ જનતાએ ટીકા કરી. પણ ભૂપેન્દ્ર પટેલ અપવાદ છે. તે વિવાદમાં રહેતા નથી, ચર્ચામાં રહેતા નથી, ગુજરાતની જનતા તેના વખાણ જરૂર કરે છે પણ ભૂપેન્દ્રભાઈની ટીકા કરતા નથી. એટલે ભૂપેન્દ્રભાઈ ન્યૂટ્રલ મુખ્યમંત્રી સાબિત થયા છે. તેનો ફાયદો તો ભાજપને મળશે જ, સાથે ઓપરેશન ગંગાજળ પણ મોટો મુદ્દો બની શકે. વિપક્ષના એન્ટીઇન્કમ્બન્સી મુદ્દામાં આ મુદ્દો નબળો પડી શકે. ચૂંટણી વખતે વિપક્ષ ભ્રષ્ટાચાર અને બાબુશાહીને મુદ્દો બનાવતો હોય છે. પણ સરકારે પોતે જ ક્લાસ-1 અને ક્લાસ-2ના અનેક અધિકારીઓ સામે કડક પગલાં ભરીને વિપક્ષના આ આક્ષેપોની ધાર કુંઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. આનાથી સામાન્ય મતદારોમાં મેસેજ જાય છે કે સરકાર ભ્રષ્ટાચાર માટે જાગૃત બની છે. સરકારી કચેરીઓમાં રેવન્યુ (મહેસૂલ), જમીન સંપાદન કે અન્ય કામોમાં થતી હેરાનગતિથી સામાન્ય પ્રજા પીડાતી હોય છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ક્લાર્કથી લઈને ક્લાસ-1 અધિકારીઓ સુધી જે રીતે ACBની રેડ અને સસ્પેન્શન અને સેવા નિવૃત્તિનાં પગલાં લેવાયા છે, તેનાથી સામાન્ય મતદારોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધી શકે છે. એટલે વિપક્ષ માટે પણ 2027માં પડકાર એ રહેશે કે તે ક્યા મુદ્દાને કેવી રીતે ઉપાડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    80,000 રૂપિયાનું ઇન્જેક્શન હવે 7 હજારમાં મળશે:કેન્સરની 543 દવાઓના ભાવ ઘટ્યા, કેટલીક દવાઓ 90% સસ્તી થઈ, નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ થશે
    Next Article
    CVM યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ 'યુગાંતર 5.0'માં સર્જનાત્મકતાનો જબરદસ્ત રંગ જામ્યો:સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મોઢેરા સૂર્યમંદિર અને ખજુરાહોની પૌરાણિક શિલ્પકળાને રેમ્પ વૉક પર સાકાર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment