Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    82 વર્ષના સિંગિંગ કરિયરમાં 20 ભાષાઓમાં 12000 ગીતો ગાયાં:આશા ભોસલેએ 9 ફિલ્મફેર સહિત 100+ એવોર્ડ જીત્યા, કિશોર કુમાર સાથે 600+ ગીતોમાં જુગલબંધી કરી

    10 hours ago

    ભારતીય સંગીત જગતનાં સૌથી વર્સેટાઈલ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે પોતાના અવાજથી સાત દાયકાઓ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું. 10 વર્ષની ઉંમરથી કારકિર્દી શરૂ કરનાર આશા તાઈને શરૂઆતના તબક્કામાં 'ખરાબ અવાજ' કહીને સ્ટુડિયોમાંથી રિજેક્ટ કરી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તેમણે હાર ન માની. પોતાની મોટી બહેન લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને તેમણે સંગીતની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી અને 12,000થી વધુ ગીતો સાથે પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં નોંધાવ્યું. આશા ભોસલેએ શાસ્ત્રીય સંગીતથી લઈને કેબરે, પૉપ અને ગઝલ સુધી દરેક શૈલીમાં પોતાની મહારત સાબિત કરી. મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મ, પિતા શાસ્ત્રીય ગાયક હતા આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. તેઓ પ્રખ્યાત શાસ્ત્રીય સિંગર અને થિયેટર કલાકાર પંડિત દીનાનાથ મંગેશકરના દીકરી હતા. ઘરમાં શરૂઆતથી જ સંગીતમય વાતાવરણ હતું. તેમના ભાઈ-બહેન લતા મંગેશકર, મીના ખડીકર, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકર પણ સંગીતની દુનિયા સાથે જ જોડાયેલા રહ્યા. જ્યારે આશા માત્ર 9 વર્ષના હતા, ત્યારે 1942માં તેમના પિતા દીનાનાથ મંગેશકરનું અવસાન થયું. પિતાના અવસાન પછી પરિવાર પર આર્થિક સંકટ આવ્યું. પરિવારને ટેકો આપવા માટે લતા અને આશાએ ખૂબ નાની ઉંમરે ગાવાનું અને ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કરી દીધું હતું. મરાઠી ફિલ્મથી બોલિવૂડ સુધીની સફર આશા ભોસલેએ પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત 1943માં એક મરાઠી ફિલ્મ 'માઝા બાળ'ના ગીત 'ચલા ચલા નવ બાળા'થી કરી હતી. હિન્દી સિનેમામાં તેમને પહેલી તક 1948માં ફિલ્મ 'ચુનરિયા'ના ગીત 'સાવન આયા'થી મળી હતી. શરૂઆતના તબક્કામાં આશાને એ ગીતો મળતાં હતાં, જેને મુખ્ય ગાયિકાઓ જેવા કે લતા મંગેશકર, શમશાદ બેગમ કે ગીતા દત્ત છોડી દેતાં હતાં. તે સમયે તેમને અવારનવાર ફિલ્મોમાં વિલન, ડાન્સર કે સાઇડ પાત્રો માટે ગાવા બોલાવવામાં આવતા હતા. અવાજને ખરાબ ગણાવ્યો, સ્ટુડિયોમાંથી રિજેક્શન મળ્યું આજે જે અવાજ દુનિયાભરમાં ઓળખાય છે, એક સમયે તેને પણ નકારવામાં આવ્યો હતો. 1947માં, જ્યારે આશા તેમના કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હતાં, ત્યારે ફિલ્મ ‘જાન પહેચાન' (સંગીતકાર: ખેમચંદ પ્રકાશ)ના એક ગીતના રેકોર્ડિંગ માટે તેઓ કિશોર કુમાર સાથે ફેમસ સ્ટુડિયો ગયાં હતાં. ત્યાંના રેકોર્ડિસ્ટ રોબિન ચેટર્જીએ તેમનો અવાજ સાંભળ્યા પછી કહ્યું હતું કે, 'આ અવાજ નહીં ચાલે, તેમનું ગળું ખરાબ છે, કોઈ બીજાને બોલાવો.' તે સમયે આશાને એવું કહીને સ્ટુડિયોમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા કે તેમનો અવાજ સારો નથી. આ ઘટનાથી કિશોર કુમાર ખૂબ દુઃખી થયા હતા. રાતના 2 વાગી ગયા હતા અને બંને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પર ઉદાસ બેઠા હતા. ત્યારે આશાએ જ કિશોર દાને હિંમત આપતા કહ્યું હતું કે, તેમના અવાજને કોઈ રોકી શકશે નહીં. આ અસ્વીકૃતિએ આશાને તોડ્યા નહીં, પરંતુ વધુ સારા બનવાની પ્રેરણા આપી. આરડી બર્મન બન્યા કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ 50 અને 60ના દાયકામાં બોલિવૂડમાં લતા મંગેશકર, શમશાદ બેગમ અને ગીતા દત્તનું પ્રભુત્વ હતું. શમશાદ બેગમ તેમના ખણખણતા અવાજ માટે અને ગીતા દત્ત તેમના દર્દભર્યા અને વેસ્ટર્ન અંદાજવાળા ગીતો માટે જાણીતા હતાં. જ્યારે ગીતા દત્ત તેમની અંગત જીવનની મુશ્કેલીઓના કારણે રેકોર્ડિંગથી દૂર થવા લાગ્યા, ત્યારે ઓ.પી. નૈયર અને એસ.ડી. બર્મન જેવા સંગીતકારોએ આશા ભોસલે તરફ ધ્યાન આપ્યું. 1950ના દાયકામાં નૈયરે આશાના અવાજની ખણખણાટને ઓળખી. 1954માં ફિલ્મ 'મંગુ'થી શરૂ થયેલો તેમનો સાથ 'સીઆઈડી' (1956) અને 'નયા દૌર' (1957) સુધી આવતા-આવતા બ્લોકબસ્ટર સાબિત થયો. નયા દૌરના ગીતો 'માંગ કે સાથ તુમ્હારા' અને 'ઉડે જબ જબ ઝુલ્ફેં તુમ્હારી'એ તેમને મુખ્ય પ્રવાહના ટોચના ગાયકોમાં સામેલ કરી દીધા. આ પછી 1960 અને 70 ના દાયકામાં સંગીતકાર આરડી બર્મન (પંચમ દા) સાથે તેમની જોડીએ સંગીતની વ્યાખ્યા બદલી નાખી. પંચમ દાએ આશા પાસે 'દમ મારો દમ' (હરે રામા હરે કૃષ્ણા) અને 'પિયા તુ અબ તો આજા' (કારવાં) જેવા વેસ્ટર્ન અને જાઝ સ્ટાઈલના ગીતો ગવડાવ્યા, જેમણે આશાને 'ક્વીન ઓફ ઇન્ડિપોપ' બનાવી દીધાં. જ્યારે લતાના પડછાયામાંથી બહાર આવ્યાં આશા આશા ભોસલે માટે સૌથી મોટો પડકાર પોતાની જ બહેન લતા મંગેશકર સાથે સ્પર્ધા કરવાનો હતો. તે સમયે લતાજીના અવાજને 'આદર્શ' માનવામાં આવતો હતો. આશાએ ચતુરાઈપૂર્વક પોતાના અવાજ સાથે પ્રયોગો કર્યાં. તેમણે અનુભવ્યું કે, જો તેઓ લતા જેવી જ શૈલી અપનાવશે, તો તે ક્યારેય પોતાની ઓળખ બનાવી શકશે નહીં. તેમણે વેસ્ટર્ન ટચ, મોડ્યુલેશનને પોતાના અવાજમાં વણી લીધું, જે તે સમયે અન્ય કોઈ ગાયક પાસે નહોતું. તેમણે ગીતા દત્ત અને શમશાદ બેગમ જેવા સિંગર્સને તેમના જ સમયમાં સખત ટક્કર આપી અને બાદમાં અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને સુનિધિ ચૌહાણ જેવી પેઢીઓ માટે પણ પ્રેરણા બન્યાં. જ્યારે લોકોને લાગ્યું કે તેઓ માત્ર કેબરે ગાઈ શકે છે, ત્યારે 1981માં ફિલ્મ 'ઉમરાવ જાન' આવી. સંગીતકાર ખય્યામના ડિરેક્શનમાં આશાએ 'દિલ ચીઝ ક્યા હૈ' અને 'ઇન આંખોં કી મસ્તી કે' જેવી શ્રેષ્ઠ ગઝલો ગાઈને ક્લાસિકલ ગાયકીમાં પણ લતા મંગેશકરની બરાબર પોતાની જગ્યા પાકી કરી લીધી. આશા ભોસલેનું પ્રથમ મોટું સન્માન અને વર્લ્ડ રેકોર્ડ આશા ભોસલેના કરિયરના સૌથી હિટ ગીતો સિંગિંગ ઉપરાંત રસોઈ અને સફળ રેસ્ટોરન્ટ બિઝનેસ આશા ભોંસલેનો અવાજ જેટલો મંત્રમુગ્ધ કરી દે તેવો હતો, એટલી જ તેમણે બનાવેલી રસોઈ મંત્રમુગ્ધ કરી દે તેવી હતી. આશા ભોંસલેને જમવાનું બનાવવાનો ખૂબ હતો. તેમણે બનાવેલું કઢાઈ ગોશ્ત અને બિરયાનીના અનેક સેલિબ્રિટીઝ ચાહક હતા. દિવંગત એક્ટર ઋષિ કપૂરને આશા ભોંસલેના હાથનું જમવાનું ખૂબ જ પસંદ હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આશા ભોંસલેએ કહ્યું હતું કે, ઋષિ કપૂરને તેમણે બનાવેલા શામી કબાબ, કઢાઈ ગોશ્ત અને કાળી દાળ ખૂબ પસંદ છે. પોતાના આ જ શોખને તેમણે બિઝનેસમાં બદલ્યો. તેમણે 'Asha's' નામથી રેસ્ટોરન્ટની એક ગ્લોબલ ચેઈન શરૂ કરી. તેમનું પહેલું રેસ્ટોરન્ટ દુબઈમાં ખુલ્યું, જેના પછી કુવૈત, બર્મિંગહામ, માન્ચેસ્ટર અને અબુ ધાબી જેવા શહેરોમાં પણ તેને વિસ્તરણ મળ્યું. તેઓ પોતાના રેસ્ટોરન્ટના શેફ્સને પોતે તાલીમ આપતા હતા. બ્રિટિશ બેન્ડ સાથે ગાયું છેલ્લું ગીત આશા ભોસલેનો અવાજ માત્ર બોલિવૂડ પૂરતો સીમિત નહોતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાં પણ તેમનું એટલું જ સન્માન હતું. માર્ચ 2026માં રિલીઝ થયેલા પ્રખ્યાત બ્રિટિશ વર્ચ્યુઅલ બેન્ડ ‘ગોરિલાઝ’ના નવમા આલ્બમ ‘ધ માઉન્ટેન’ (પર્વત)માં તેમનું ગીત સામેલ છે. 'ધ શેડોઈ લાઈટ' નામના આ ટ્રેકને હવે તેમની શાનદાર કારકિર્દીના છેલ્લા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. આમાં તેમણે બ્રિટિશ કલાકાર ગ્રફ રાઈસ અને સરોદ ઉસ્તાદ અમન-અયાન અલી બંગશ સાથે કામ કર્યું હતું. ગોરિલાઝ બેન્ડ બનાવનાર ડેમન અલ્બર્ન ખરેખર 70ના દાયકાના બોલિવૂડ સંગીત અને આરડી બર્મનના ખૂબ મોટા ચાહક છે. તેમણે ઘણા ઇન્ટરવ્યુમાં આશા ભોસલેના અવાજને 'સાયકેડેલિક' અને 'એક્સપેરિમેન્ટલ' ગણાવ્યો હતો. આ જ કારણ હતું કે તેમણે પોતાની આ નવી આલ્બમને ભારતમાં રેકોર્ડ કરી. આ આલ્બમમાં આશા તાઈ ઉપરાંત અનુષ્કા શંકરે પણ સાથે કામ કર્યું છે. આશા પોતાના અંતિમ વર્ષોમાં મ્યુઝિક રિયાલિટી શોમાં જજ તરીકે અને લાઇવ કોન્સર્ટમાં સક્રિય રહ્યા. 2023માં પણ તેમણે પોતાના 90મા જન્મદિવસ પર દુબઈમાં પરફોર્મ કર્યું હતું. તેમના અવાજમાં જે તાજગી 1950માં હતી, તે જ 92 વર્ષની ઉંમર સુધી જળવાઈ રહી.
    Click here to Read More
    Previous Article
    Poll debutant who sparred with Himanta summoned by Assam Police, her party slams ‘intimidation’
    Next Article
    ગઢડામાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા:15 યુગલોએ નિકાહ પઢી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment