Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢીશું:કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું- આજે દેશના 80 ટકા ભૂભાગ પર ભાજપનું શાસન, 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામ આત્મનિર્ભર બનશે

    3 days ago

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની વણઝાર લગાવીને પાટનગરને હોલિસ્ટિક ગ્રોથની મોટી ભેટ ધરી છે. કલોલ તાલુકાના વડસર ગામે ₹18 કરોડના ભારેખમ ખર્ચે તૈયાર થયેલા પર્યાવરણપ્રેમી અદ્યતન તળાવ અને ઓક્સિજન હબ સમાન મિયાવાકી બગીચાનું કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. માત્ર 10 જ દિવસના ટૂંકા ગાળામાં ગાંધીનગર લોકસભા વિસ્તારની બે વિધાનસભાઓમાં કુલ ₹1200 કરોડના લોકાભિમુખ પ્રકલ્પો જનતાને સમર્પિત કરી, સોનીપુરની વિશાળ જાહેર સભાથી ગૃહમંત્રીએ વર્ષ 2029 સુધીમાં દરેક ગામને સ્માર્ટ સુવિધાઓ, તળાવ-બગીચા અને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ કરી સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાનો પ્રચંડ રોડમેપ જાહેર કર્યો છે. જાપાનીઝ 'મિયાવાકી પદ્ધતિ'થી બન્યું અદભુત ઓક્સિજન હબ વડસરના આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને સંપૂર્ણ પર્યાવરણપ્રેમી અને વેટલેન્ડ (આદ્રભૂમિ) તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેથી અહીં સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ આશ્રય લઈ શકે. તળાવની આસપાસ જાપાનીઝ 'મિયાવાકી પદ્ધતિ' નો ઉપયોગ કરીને ઘેઘૂર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં 31 હજાર જેટલા દેશી (નેટિવ) વૃક્ષો અને 1.25 લાખથી વધુ નાના-મોટા છોડનું વાવેતર કરીને માત્ર 4 વર્ષમાં જ ગીચ જંગલ જેવું વાતાવરણ ઉભું કરાયું છે. આ ગાર્ડનની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે સ્માર્ટ સુવિધા રાખવામાં આવી છે, જ્યાં ખાસ QR કોડ સ્કેન કરતા જ તળાવના ઈતિહાસ અને પ્રોજેક્ટની તમામ વિગતો મોબાઈલ પર ઉપલબ્ધ થઈ જશે. તળાવ ઉપરાંત વડસરના યુવાનો અને નાગરિકો માટે એક નવી આધુનિક લાયબ્રેરીનું પણ ગૃહ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. એક જ દિવસમાં 8 મોટા કાર્યક્રમોથી ગાંધીનગર ધમધમ્યું ગૃહ મંત્રીના પ્રવાસ દરમિયાન કલોલ પંથકમાં વિકાસ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વડસર બાદ તેઓએ ખાત્રજ ગામની મુલાકાત લીધી હતી, જ્યાં ખાત્રજ તળાવના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત અને ગ્રામ પંચાયતના અદ્યતન નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોનીપુર ગામે એક વિશાળ જાહેર સભાનું આયોજન થયું હતું, જેમાં અમિત શાહે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકાભિમુખ યોજનાઓનો ચિતાર આપ્યો હતો. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આજે કૂલ 8 જેટલા વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. માત્ર 10 દિવસમાં ₹1200 કરોડના વિકાસ કાર્યો સભાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, "હું 10 દિવસ પહેલાં પણ અહીં આવ્યો હતો ત્યારે કલોલ અને ગાંધીનગરમાં ₹900 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું હતું. આજે 10 દિવસ પછી ફરી બીજા ₹340 કરોડના કામો ખુલ્લા મુકાયા છે. આમ, માત્ર 10 જ દિવસમાં ગાંધીનગર જિલ્લાની બે વિધાનસભામાં ₹1200 કરોડના વિકાસ કાર્યો જનતાને સમર્પિત થયા છે. આ તમામ કાર્યો ગુજરાત સરકાર અને ઉદ્યોગગૃહોના સીએસઆર (CSR) ફંડના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂર્ણ થયા છે." 2029 પહેલાં દરેક ગામમાં બગીચો, તળાવ અને લાયબ્રેરી અમિત શાહે આગામી લક્ષ્યાંક આપતા મોટી જાહેરાત કરી કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો જે ચીલો ચાતર્યો છે તેનાથી આજે દરેક ગામ આત્મનિર્ભર બની રહ્યું છે. હું ખાતરી આપું છું કે 2029ની ચૂંટણી પહેલાં ગાંધીનગરના આ બંને મતક્ષેત્રોના દરેક ગામમાં અદ્યતન બગીચો અને તળાવ બનાવવાનું કામ પૂરું કરી દેવાશે. આ સાથે દરેક ગામની નાની લાયબ્રેરીને ગાંધીનગરની મેગા લાયબ્રેરી સાથે કમ્પ્યુટરથી જોડવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારનો યુવાન ગમે તે પુસ્તક મંગાવશે તો તે એક અઠવાડિયામાં તેના ગામ સુધી પહોંચી જશે." રાષ્ટ્રભક્ત વીર સાવરકરને જન્મજયંતિ પર નમન ગૃહમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને યાદ કરતા કહ્યું કે, "આજે વીર સાવરકરની જન્મતિથિ છે. તેઓ એવા પ્રખર રાષ્ટ્રભક્ત હતા જેમને કોઈ સરકારી સન્માનની જરૂર નહોતી, દેશનો બચ્ચો-બચ્ચો તેમને આદરથી વીર સાવરકર કહે છે. અંગ્રેજોએ જેમને એક જ જન્મમાં બે વખત આજીવન કેદ (કાળાપાણી)ની સજા ફટકારી હતી. જેલની દીવાલો પર પોતાના લોહીથી કાવ્યો લખનાર વીર સાવરકરે દેશની ભાષાઓ અને દલિત સમાજ માટે પતિત પાવન મંદિર બનાવી અસ્પૃશ્યતા વિરૂદ્ધ મોટું કામ કર્યું હતું." રાષ્ટ્રીય સુરક્ષા અને ઘૂસણખોરો સામે કડક વલણ પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા અમિત શાહે જણાવ્યું કે, "નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશના 80 ટકા ભૂભાગ પર ભાજપનું શાસન છે અને તાજેતરમાં જ બંગાળમાં પણ વિરોધીઓનું સૂપડું સાફ થઈ ગયું છે. અમે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે મુજબ બાંગ્લાદેશ સીમા પર ફેન્સિંગ અને સુરક્ષા મજબૂત કરી રહ્યા છીએ. બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ માત્ર સાત જ દિવસમાં 600 હેક્ટર જમીન BSF ને સોંપી દીધી છે. અમારી સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર 'ડેમોગ્રાફી ચેન્જ કમિશન' (જનસાંખ્યિકી બદલાવ સમિતિ)ની સ્થાપના કરી રહી છે, જે એક વર્ષમાં પોતાનો અહેવાલ આપશે અને ગેરકાયદેસર વસતિ સંતુલન રોકવા માટે નવો કાયદો બનાવવાની દિશામાં પણ કામ કરશે." અંતમાં, ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો સૌથી મોડેલ અને વિકસિત મતક્ષેત્ર બનાવવાની નેમ સાથે ગુજરાતના વહીવટી તંત્ર અને સ્થાનિક જનતાનો આભાર માન્યો હતો. 'કમલમ' ખાતે હાઈલેવલ બેઠક સોનીપુર ખાતેના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, અમિત શાહ ભાજપના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને જશે, જ્યાં તેઓ પરિવાર સાથે બપોરનું પરંપરાગત ભોજન લેશે. બપોર બાદ તેઓ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના મુખ્યાલય "શ્રી કમલમ" ખાતે પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની એક મહત્વની બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓ સાથે આગામી સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સાંજે અમદાવાદમાં સોલા ઉમિયાધામ અને ભારત માતા સ્કલ્પચરનું લોકાર્પણ સાંજના સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સાંજે 4.30 વાગ્યે સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે નિર્માણ પામેલા અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5.30 વાગ્યે નવા વાડજ સર્કલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દેશભક્તિના પ્રતીક સમું નવનિર્મિત "ભારત માતા" સ્કલ્પચર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા ગુરુવારે મોડી સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઓલમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન સંદર્ભે ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તથા રમતગમત સત્તામંડળ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે કચ્છ પ્રવાસ ગુરુવારના આ ભવ્ય રોડ-મેપ બાદ, મુલાકાતના બીજા દિવસે એટલે કે 29 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી સરહદીય જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પહોંચશે. તેઓ ભુજ અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં આયોજિત વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી નવીન પરિયોજનાઓની ભેટ ધરશે
    Click here to Read More
    Previous Article
    નવસારીના મેયર અશોક ધોરાજીયાએ સરકારી કાર, બંગલો નકાર્યા:VIP કલ્ચર ખતમ કરવા PM મોદીની અપીલને માન આપ્યું, મેયરનો પ્રજાલક્ષી અને પ્રશંસનીય નિર્ણય
    Next Article
    The Last Breath On Everest: What Happens At The Death Zone

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment