Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી Re-NEETની એક્ઝામ આપશે:વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ પરીક્ષા, એક્ઝામ સેન્ટરનું લાઈવ મોનિટરીંગ; રેલવે ખાસ ટ્રેન દોડાવશે

    14 hours ago

    NEET-UGની 3મેના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયા બાદ 21મી જૂને દેશભરમાં નીટની રી-એકઝામ લેવાઈ રહી છે. ગુજરાતના 79 હજાર વિદ્યાર્થીઓ સહિત દેશબરમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ફરીવાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર પહેલા જ સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં અગવડ ન પડે તે માટે રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા એસટી વિભાગના પણ જરુર મુજબ બસની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે. અમદાવાદના 23 સેન્ટર પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રવિવારે(21 જૂન)ના રોજ દેશભરમાં NEET-UG રી-એકઝામ યોજાવાની છે. એક વખત NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી બીજી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 23 જેટલા સેન્ટર પર 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેથી પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરેક સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે પોલીસ દ્વારા કન્ટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા આસપાસના સ્થળ પર પોલીસની ચાંપતી નજર રહેશે NEET-UG રી-એકઝામને લઈ અમદાવાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદના 23 કેન્દ્રો પર 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. NTAની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર પણ રાખવામાં આવશે. મૂવિંગ નિર્ભયાના CCTVનો કેન્દ્ર બહાર ઉપયોગ કરવામાં આવશે. 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડેપગે રહેશે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. કંટ્રોલ રૂમના DCP રીમા મુન્સીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ દેખરેખ રાખવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવશે. કોઈ અફવા પ્રસારિત ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી સેન્ટરની આસપાસના સીસીટીવીથી પર નજર રાખવામાં આવશે. 07925630100 અને 200 પર પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સંપર્ક કરી શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે NEET-UG રી-એકઝામમાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મણિનગર–બાંદ્રા ટર્મિનસ, ઓખા–ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ રૂટ પર એક-એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. વડોદરામાં 17 સેન્ટર પર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વડોદરામાં 17 કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ત્યારે ચોવીસ કલાક પહેલા જ તમામ સેન્ટરો હાઈ સિક્યુરીટી ઝોનમાં મુકવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. NEET-UG રી-એકઝામમાં વિદ્યાર્થીઓ માટે મહત્વનો ફેરફાર 21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UG રી-એકઝામ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે. રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓ માટે હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગે 21 જૂન, 2026 ના રોજ રવિવારના રોજ યોજાનારી NEET પરીક્ષામાં બેસતા ઉમેદવારો અને તેમના માતાપિતાને સુવિધા આપવા અને સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભાગના અધિકારક્ષેત્ર હેઠળના મુખ્ય સ્ટેશનો પર વ્યાપક વ્યવસ્થા કરી છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી રહી છે. આ હેલ્પ ડેસ્ક પર તૈનાત રેલ્વે કર્મચારીઓ ટ્રેન કનેક્ટિવિટી, ખાસ ટ્રેનો અને અન્ય જરૂરી માહિતી અંગે માહિતી અને સહાય પૂરી પાડશે. સ્ટેશનો પર વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, ઉમેદવારોની સુવિધા માટે વડોદરામાં ત્રણ વધારાના UTS કાઉન્ટર અને આણંદ, ગોધરા, ભરૂચ અને ખેડા/નડિયાદમાં એક-એક UTS કાઉન્ટર ખોલવામાં આવી રહ્યા છે. રાજકોટમાં 12 કેન્દ્રો પર 5000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજકોટમાં 12 પરીક્ષા કેન્દ્રો પરથી 5330 વિદ્યાર્થીઓ NEET-UG રી-એકઝામ આપવાના છે. 3 મે ના લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતા હવે ફરી વખત આ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિજિટલ લોકમાં એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે પેપર લાવવામાં આવશે. આ સાથે જ CISFના જવાનો અને સ્થાનિક પોલીસની મદદથી પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રો મોકલવામાં આવનાર છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ડીપી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજલન્સ ટીમ તૈનાત રહેશે. રાજકોટના એડિશનલ કલેક્ટર જે.એચ.બારોટે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટમાં NEETની પરીક્ષાને લઈને બે દિવસ પહેલા કલેકટર ડૉ.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં દરેક વિભાગો સાથે બેઠક થઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં 12 કેન્દ્રો પરથી ધોરણ 12 સાયન્સના 5330 વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET-UG રી-એકઝામ આપવાના છે. જેમાં પેપરોના પરિવહનની જવાબદારી પ્રથમ વખત CISFના જવાનોને સોંપવામાં આવી છે. તેમની સાથે સ્થાનિક પોલીસ પણ રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મૂકવામાં આવશે. આ સાથે જ એસટી વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની અવરજવર મુજબના રૂટની ગોઠવણી કરે. આ ઉપરાંત પીજીવીસીએલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે જેથી પરીક્ષા દરમિયાન વીજ કાપ ન મૂકાય. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે આજે 20 જૂને ઓખાથી ગાંધીનગર અને 21 જૂને ગાંધીનગરથી ઓખા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. બપોરે 2 થી 5.15 વાગ્યા દરમિયાનની પરીક્ષા માટે બપોરે 11 થી 1.30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે. મેટલ ડિટેક્ટરથી કડક ચેકિંગની સાથે બાયોમેટ્રિક બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવશે. સુરતના 22 કેન્દ્રો પર 10,301 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સુરત જિલ્લામાં યોજાનારી આ પરીક્ષામાં કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષાના આયોજન માટે શહેર અને જિલ્લામાં કુલ 22 પરીક્ષા કેન્દ્રો તથા 22 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષાનું આયોજન પારદર્શક, નિષ્પક્ષ અને સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા બપોરે 02:00 વાગ્યાથી સાંજે 05:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેનો સમય સવારે 11:00 વાગ્યાથી બપોરે 01:30 વાગ્યા સુધી રહેશે. બપોરે 01:30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી તમામ ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અનુરોધ કરવામાં આવે છે. NEET (UG)-2026 પરીક્ષા કુલ 180 પ્રશ્નો અને 720 ગુણની રહેશે. જેમાં ભૌતિકશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ), રસાયણશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ) તથા જીવવિજ્ઞાનના 90 પ્રશ્નો (360 ગુણ)નો સમાવેશ થાય છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને ખોટા જવાબ માટે 1 ગુણની નેગેટિવ માર્કિંગની જોગવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં જિ.પોલીસ સંકલનની બેઠક યોજાઈ:પોલીસવડા, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં
    Next Article
    રેગિંગ કેસમાં વધુ એક ડોક્ટર સસ્પેન્ડ:સરટી હોસ્પિટલ રેગિંગ કેસમાં વધુ એક મેડિકલ વિદ્યાર્થી "દિવ્ય મોદી" ને 6 મહિના માટે સસ્પેન્ડ, નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment