Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામસીડામાં 77મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો:વન મંત્રીએ 'વન કવચ'નો શુભારંભ કરાવ્યો, નદીઓના બંને કાંઠે વૃક્ષારોપણ કરવાનો નિર્ણય

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના રામસીડા ખાતે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. મંત્રીએ સૌ પ્રથમ રામસીડા ખાતે 'વન કવચ'નો શુભારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ અને જિલ્લામાં હરિયાળી વિસ્તાર વધારવાના હેતુથી 2 હેક્ટર જમીનમાં આ વન કવચ વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં ઉચ્ચ સ્તરીય, મધ્યમ સ્તરીય, નાના સ્તરીય તેમજ ઔષધીય રોપાઓ સહિત કુલ 20,000 રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, મંત્રીના હસ્તે લોકજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ ઉત્તર ગુજરાતની સમૃદ્ધ વનસ્પતિ અને જૈવવિવિધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ખીજડો ઉત્તર ગુજરાતની આગવી ઓળખ છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. રોહિડો અને અન્ય સ્થાનિક વૃક્ષો તથા વનસ્પતિ પણ આ પ્રદેશની પ્રાકૃતિક ઓળખ છે. વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં જોવા મળતા વરખડી જેવા વૃક્ષોમાંથી મૂલ્યવાન તેલ મેળવવામાં આવે છે, જ્યારે બનાસકાંઠાની વિશિષ્ટ રાખોડી ચિલોતર જેવી વન્યજીવ પ્રજાતિઓ પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આવી સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવ સંપદાનું સંરક્ષણ અત્યંત જરૂરી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં નદી, પર્વત, વનસ્પતિ અને વિવિધ પ્રકારની પ્રાણી સૃષ્ટિ સહિતની વિશિષ્ટ જૈવવિવિધતા જોવા મળે છે. વર્ષો અગાઉ પર્યાવરણને થયેલી ક્ષતિને હવે સુધારવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે 'વવાશે તે ઉછેરાશે'ના સંકલ્પ સાથે વાવેલા દરેક રોપાનું જતન અને સંવર્ધન કરવા પર ભાર મૂક્યો હતો. વન વિભાગ દ્વારા ગામેગામ બગીચા અને 'ગ્રામ વન' વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રી પ્રવીણ માળીએ પ્રકૃતિ અને વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું કે, વૃક્ષોમાં ભગવાનનો વાસ છે અને આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને પૂજનીય માનવામાં આવે છે. આપણા વડીલો પણ વર્ષોથી વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે પ્રેરણા આપતા આવ્યા છે. ઉત્તર ગુજરાતની આગવી ઓળખ સમાન લીમડાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી આપણા સૌની છે. લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી માનવજીવનમાં તેનું વિશેષ મહત્વ છે. તેમણે પર્યાવરણ જાળવણી માટે બે સંકલ્પો લેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપણે પોતાના હાથે કચરો ફેંકવો નહીં અને પોતાના હાથે કુહાડી વડે વૃક્ષો કાપવા નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, નદીઓના બંને કાંઠે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની શરૂઆત બનાસકાંઠાથી કરાશે. આ વૃક્ષારોપણમાં માત્ર વાવેતર જ નહીં પરંતુ રોપાઓનો સર્વાઇવલ રેશિયો સારો રહે અને વાવેલા રોપાઓ વૃક્ષ બને ત્યાં સુધી તેનું જતન થાય તે બાબતને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. અંતમાં મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડાઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોનું જતન કરી પર્યાવરણ સંરક્ષણના આ જનઆંદોલનમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓ દ્વારા વન સંરક્ષણ, સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ અને 'વન કવચ' સહિતની વિવિધ કામગીરી તથા યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. 'એક પેડ મા કે નામ 3.0' અભિયાન અંતર્ગત મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણની સાથે વાવેલા રોપાઓના જતન અને સંવર્ધન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આનંદનગરમાં રક્ષાબંધનના પર્વે લોહિયાળ ઝઘડો:જૂની અદાવતમાં બે અલગ-અલગ જૂથના હુમલામાં મહિલાઓ સહિત સાતને ઈજા, જાનથી મારી નાખવાની ધમકી, 7 સામે પોલીસ ફરિયાદ
    Next Article
    લાલપુરમાં મામલતદારે ઘાસ વિતરણ ડેપોની મુલાકાત લીધી:પીપરટોડા ખાતે રાહત દરે ઘાસ વિતરણની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment