Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    76 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ રીલ પર ડેબ્યૂ:મોદીના વ્યક્તિત્વના એ 5 મહત્વના પાસાં, જે તેમને આટલા સફળ બનાવે છે

    9 hours ago

    ‘મોદીજી, શું તમારો એવો કોઈ ખાસ મિત્ર છે, જેની સાથે તમે તણાવના સમયમાં વાત કરતા હો કે સલાહ લેતા હો?’ બ્રિટિશ પત્રકાર એન્ડી મેરિનોએ 2014માં આ સવાલ પૂછ્યો હતો. મોદી બોલ્યા— ‘સંઘના દિવસોમાં મારા માર્ગદર્શક હતા- લક્ષ્મણરાવ ઈનામદાર. મુશ્કેલીના સમયે તેમની સાથે મોકળા મને વાત કરી લેતો હતો. હવે મારી વિચારપ્રક્રિયા ઓટો-પાયલટ મોડ પર ચાલી રહી છે.’ નરેન્દ્ર મોદીના આ જવાબ પરથી ખ્યાલ આવે છે કે તેઓ ભાવનાત્મક રીતે કેટલા આત્મનિર્ભર છે. તેમના 76મા જન્મદિવસે તેમના વ્યક્તિત્વના આવા જ 5 મનોવૈજ્ઞાનિક પાસાઓની રસપ્રદ કહાણી… વર્ષ 1995, ગુજરાત વિધાનસભા ચૂંટણી. મુખ્યમંત્રી બનવાને લઈને ભાજપના બે કદાવર નેતાઓ શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ વચ્ચે ટક્કર થઈ. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી હતા. તેમણે કેશુભાઈને સાથ આપ્યો અને આખરે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા. જોકે, થોડા જ મહિનાઓમાં નારાજ થયેલા શંકરસિંહ વાઘેલાએ 47 ધારાસભ્યો સાથે બગાવત કરી દીધી. મામલો એટલો વણસ્યો કે અટલ બિહારી વાજપેયીએ અમદાવાદમાં ધામા નાખવા પડ્યા. બે દિવસની મેરેથોન ચર્ચા બાદ વાઘેલાની શરતો સ્વીકારી લેવામાં આવી. આ શરતોમાંની એક શરત હતી— મોદીને ગુજરાતમાંથી હટાવવા. તેમને દિલ્હી મોકલી રાષ્ટ્રીય સચિવ બનાવી દેવાયા. મોદીએ આ સ્થિતિને મુશ્કેલી ગણવાને બદલે એક તક માની લીધી અને દિલ્હીમાં પક્ષના મોટા નેતાઓની નજીક પહોંચી ગયા. મોદીએ હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર જેવા ઉત્તર ભારતના રાજ્યોમાં સંગઠનનું કામ સંભાળ્યું, અનેક દેશોનો પ્રવાસ કર્યો, નવી ટેક્નોલોજી અને કમ્પ્યુટર શીખ્યા તેમજ પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. તેઓ અવારનવાર દિલ્હી સ્થિત સંઘ મુખ્યાલય ‘કેશવ કુંજ’ પણ જતા. 1998માં કેશુભાઈ અને વાઘેલા વચ્ચે ફરી ટકરાવ થયો. કેશુભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા. પરંતુ સ્થિતિ થાળે ન પડી અને 2001ના અંતમાં નવા મુખ્યમંત્રીની શોધ શરૂ થઈ. તેમાં નરેન્દ્ર મોદી સંઘ, અટલ અને અડવાણી— ત્રણેયના માપદંડો પર ખરા ઊતર્યા. અટલ બિહારી વાજપેયીએ મોદીને પીએમ આવાસ પર બોલાવીને કહ્યું, ‘દિલ્હીમાં પંજાબી ખાવાનું ખાઈને તું ઘણો જાડો થઈ ગયો છે. ફરી ગુજરાત પાછો જા.’ આખરે 6 વર્ષ પછી મોદીને ગુજરાત પરત મોકલવામાં આવ્યા અને સીધા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 7 ઓક્ટોબર 2001ના રોજ તેઓ ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા. પોતાની રાજકીય સફરમાં તેમણે આવા જોરદાર કમબેકથી ઘણી વાર સૌને ચોંકાવ્યા છે. પીએમ મોદી કહે છે, ‘હું હંમેશાં કપરી પરિસ્થિતિઓને તકમાં ફેરવી નાખું છું. અંગત જીવન હોય કે રાજકીય, હું હંમેશાં આવું જ કરતો આવ્યો છું. ‘હાર’ શબ્દ મારી ડિક્શનરીમાં નથી. હું ક્યારેય હાર વિશે વિચારતો નથી. હું ક્યારેય અટકતો નથી.’ કમબેક એબિલિટીથી શું ફાયદો થાય? કમબેક એબિલિટીનો અર્થ માત્ર જૂના સ્તર પર પાછા ફરવું નથી, પરંતુ નિષ્ફળતામાંથી શીખીને પોતાની જાતને એક નવા, મજબૂત અને વધુ પરિપક્વ સ્તરે લઈ જવી તે છે. તેના બે તબક્કા છે: રેઝિલિયન્સ: મનની એ ક્ષમતા, જેનાથી વ્યક્તિ તણાવ કે આઘાત પછી ફરી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. પોસ્ટ-ટ્રોમેટિક ગ્રોથ: સામાન્ય સ્થિતિમાં આવ્યા બાદ વ્યક્તિ પહેલા કરતાં વધુ પરિપક્વ અને માનસિક રીતે વધુ સક્ષમ બની જાય છે. કમબેક કરનારા લોકો માને છે કે ઘટનાઓ ભલે તેમના નિયંત્રણમાં ન હોય, પરંતુ તેના પર કેવી પ્રતિક્રિયા આપવી અને પ્રયાસ કરવો તે તેમના હાથમાં જ છે. આ ગુણો માણસને લાંબા સમય સુધી નિરાશા કે ડિપ્રેશનમાં સરી પડતા બચાવે છે. 8 નવેમ્બર 2016, રાતના 8:15 વાગ્યા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી, ‘આજે રાત્રે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટો લીગલ ટેન્ડર રહેશે નહીં.’ એક ઝાટકે દેશની 86% કરન્સી ચલણમાંથી બહાર થઈ ગઈ. પીએમ મોદીએ આ નિર્ણય અત્યંત ગુપ્ત રાખ્યો હતો. મંત્રીઓને પણ તે જ સાંજે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું, ‘મેં સંપૂર્ણ રિસર્ચ કર્યું છે. જો આ નિર્ણય નિષ્ફળ જશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.’ વાસ્તવમાં, મોદીએ આ કામ માટે તત્કાલીન મહેસૂલ સચિવ હસમુખ અઢિયા સહિત 6 ઉચ્ચ અધિકારીઓની પસંદગી કરી હતી. તેમને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ટીમમાં કેટલાક યુવા સંશોધકોને પણ સામેલ કરાયા હતા. આ તમામ લોકો પીએમ આવાસ પરથી કામ કરતા હતા. એક વર્ષના ઊંડા અભ્યાસ બાદ નોટબંધી લાગુ કરવામાં આવી હતી. મોદીએ નવેમ્બર 2016થી જાન્યુઆરી 2017 સુધીના પોતાના દરેક ભાષણમાં કાળા નાણાં અને નોટબંધીનો ઉલ્લેખ કર્યો, જેણે જનતાના મિજાજ અને ધીરજને સંભાળવામાં મોટી ભૂમિકા ભજવી. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ઝા તેમના પુસ્તક ‘હાઉ ધ બીજેપી વિન્સ: ઇનસાઇડ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ઇલેક્શન મશીન’માં એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી લખે છે: ‘જ્યારે તેઓ (મોદી) બોલતા હતા, ત્યારે અમને થોડા અઠવાડિયાની વધારાની રાહત મળી જતી હતી. જો તેમની વિશ્વસનીયતા ન હોત, તો લોકોના રોષ અને રમખાણોનો સામનો કર્યા વિના કોઈ સરકારી તંત્ર આટલો મોટો નિર્ણય અમલમાં મૂકી શક્યું ન હોત.’ પીએમ મોદીએ દરેક મોટા નિર્ણયનું નેતૃત્વ જાતે સંભાળ્યું છે. દાખલા તરીકે— માત્ર 4 કલાકની નોટિસ પર દેશવ્યાપી લોકડાઉન લાદવું કે પછી સર્જિકલ સ્ટ્રાઈક વખતે કંટ્રોલ રૂમમાંથી સીધી નજર રાખવી. જેન-ઝી પ્રોટેસ્ટ પછી પણ તેમણે જાતે જ ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી વીડિયો બનાવીને પોસ્ટ કર્યા હતા. ‘નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી’ પુસ્તક અનુસાર, મુખ્યમંત્રી બન્યા પછીની પ્રથમ બેઠકમાં મોદીએ અધિકારીઓને કહ્યું હતું, ‘સજાની ચિંતા છોડી દો, મારી ઑફિસમાં કોઈ સજા નહીં થાય. તમારે જોખમ ઉઠાવવું પડશે. કોઈ મુશ્કેલી ઊભી થશે, તો તેની જવાબદારી મારી છે.’ ઓલવેઝ ઇન-કમાન્ડથી શું ફાયદો થાય? ઓલવેઝ ઇન-કમાન્ડનો સીધો અર્થ છે— દરેક નિર્ણય જાતે લેવો અને તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી. અમેરિકન સાયકોલોજિસ્ટ જુલિયન રોટરની ‘લોકસ ઓફ કન્ટ્રોલ’ (Locus of Control) થિયરી મુજબ, જે લોકો સફળતા અને નિષ્ફળતાની જવાબદારી પોતે સ્વીકારે છે, તેઓ વધુ સફળ, માનસિક રીતે વધુ મજબૂત અને ઓછા તણાવગ્રસ્ત રહે છે. તેઓ કોઈ બાહ્ય ઉશ્કેરણી કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાના લક્ષ્યથી ભટકતા નથી, પરંતુ સમજી-વિચારીને આગળનું પગલું નક્કી કરે છે. આવા લોકોને મનોવિજ્ઞાનમાં ‘ઇમોશનલી માસ્ટર’ કહેવામાં આવે છે. 19 ફેબ્રુઆરી 2026ના રોજ આયોજિત AI સમિટ દરમિયાન પીએમ મોદીએ અચાનક ડાબે-જમણે ઊભેલા ગૂગલના CEO સુંદર પિચાઈ અને OpenAIના CEO સેમ ઓલ્ટમેનનો હાથ પકડી લીધો અને તમામને એકબીજાનો હાથ પકડીને ઉપર ઉઠાવવા ઇશારો કર્યો. મોટાભાગના લીડર્સ વાત સમજી ગયા અને એકબીજાનો હાથ પકડી ઉપર ઉઠાવ્યો, પરંતુ અડોઅડ ઊભેલા ઓલ્ટમેન અને Anthropicના CEO ડારિયો એમોડેઈ થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા. બંને AI ઉદ્યોગમાં કટ્ટર હરીફ હોવાથી તેમણે એકબીજાનો હાથ ન પકડ્યો, માત્ર મુઠ્ઠી વાળીને હાથ ઊંચો કર્યો. સોશિયલ મીડિયા પર આ ઘટનાને ‘AI કોલ્ડ વોર’ તરીકે ઓળખવામાં આવી. આવો જ એક નજારો દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટમાં પણ જોવા મળ્યો હતો. 12 સપ્ટેમ્બરની સાંજે તમામ 11 સભ્ય દેશોના નેતાઓ ગ્રૂપ ફોટો માટે એકત્ર થયા હતા. તેમની વચ્ચે થોડી જગ્યા (ગેપ) રહી ગઈ હતી. થોડા ફોટો પડ્યા પછી પીએમ મોદીએ ડાબે-જમણે ઊભેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીની રાષ્ટ્રપતિનો હાથ પકડીને તેમને એકબીજાની નજીક ખેંચ્યા. તરત જ બાકીના તમામ નેતાઓએ પણ એકબીજાનો હાથ પકડી લીધો અને વચ્ચેનું અંતર ઘટાડી દીધું. સોશિયલ બોલ્ડનેસથી શું ફાયદો થાય? જે વ્યક્તિમાં સોશિયલ બોલ્ડનેસ હોય છે, તે કોઈપણ સ્થળે કે મંચ પર આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત સરળતાથી રજૂ કરી શકે છે. બ્રિટિશ-અમેરિકન મનોવૈજ્ઞાનિક રેમન્ડ કેટલે ‘16 પર્સનાલિટી ફેક્ટર્સ’ નામનું મોડેલ આપ્યું છે. તેમાં વ્યક્તિત્વ સાથે જોડાયેલા 16 પરિમાણોમાંથી એક મહત્ત્વનું પરિમાણ છે— સોશિયલ બોલ્ડનેસ (સામાજિક નીડરતા). જે લોકોમાં આ ક્ષમતા વધુ હોય છે, તેઓ સામાજિક તણાવનો સામનો અત્યંત સહજતાથી કરી શકે છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પૂર્વ પ્રોફેસર આલ્બર્ટ બાંડુરાની થિયરી અનુસાર, જ્યારે તમે નવા વાતાવરણમાં તમારી જાતને પ્રભાવશાળી રીતે રજૂ કરો છો, ત્યારે તમારી ‘સેલ્ફ-એફિકસી’ (સ્વ-ક્ષમતા) વધે છે, એટલે કે પોતાની ક્ષમતાઓ પરનો ભરોસો મજબૂત બને છે. આ ગુણ તમને ‘લોકો શું વિચારશે’ તેવા ડરમાંથી પણ મુક્ત રાખે છે. પીએમ મોદી માત્ર સાડા ત્રણથી ચાર કલાક જ ઊંઘે છે. તેઓ સવારે 5 વાગ્યે ઊઠી જાય છે. ત્યારપછી યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરે છે. ગમે તેવી ઋતુ હોય, તેઓ ઠંડા પાણીથી જ સ્નાન કરે છે. આહારમાં સંપૂર્ણ શાકાહારી છે. એટલે કે, પર્સનલ લાઇફમાં મોદી નિયમો અને શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતા વ્યક્તિ છે અને આ જ બાબત તેમના પબ્લિક લાઇફમાં પણ પ્રતિબિંબિત થાય છે. જૂન 2014માં પીએમ બન્યાના 10 દિવસની અંદર તેમણે સાઉથ બ્લોકની ઓચિંતી મુલાકાત લીધી અને ઑફિસમાં ફેલાયેલી અવ્યવસ્થા તરફ માત્ર ધ્યાન દોર્યું. આટલા ઈશારાથી જ અધિકારીઓ સમજી ગયા કે તેઓ સ્વચ્છતા અને નિયમોના પાલનને લઈને કેટલા કડક છે. મોદીએ શરૂઆતની બેઠકોમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે લાંબી ચર્ચાઓ, ભારે-ભરખમ શબ્દો અને લાલિયાવાડી નહીં ચાલે. થિયરીને બદલે ‘ટૂ ધ પોઇન્ટ’ એક્શન પ્લાન આપો. પૂરી તૈયારી સાથે બેઠકમાં આવો અને આગળની ફોલો-અપ મીટિંગ માટે તૈયાર રહો. મંત્રીઓ સવારે 9 વાગ્યા સુધીમાં ઑફિસ પહોંચી જતા અને સાડા નવ વાગ્યાથી બેઠકો શરૂ થઈ જતી. દરેક અગત્યની બેઠકમાં વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહેતા અને ઘણીવાર સાંજ સુધી બેઠકોનો દોર ચાલતો. સેલ્ફ ડિસિપ્લિનથી શું ફાયદો થાય? સેલ્ફ ડિસિપ્લિન (સ્વયં-શિસ્ત)નો અર્થ સ્વતંત્રતા છીનવી લેવી નથી, પરંતુ પોતાની આદતો અને જીવન પર નિયંત્રણ મેળવવું છે. તે દરરોજ લક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે. પ્રોક્રેસ્ટિનેશન એટલે કે કામ પાછળ ઠેલવાની આદતથી બચાવે છે અને ઉત્પાદકતા (પ્રોડક્ટિવિટી) વધારે છે. મનોવિજ્ઞાનમાં બે જાણીતા સિદ્ધાંતો છે— માર્શમેલો એક્સપેરિમેન્ટ અને ડિલેડ ગ્રેટીફિકેશન. આ મુજબ, જે લોકો તાત્કાલિક મળતા સુખ કે આનંદને ટાળીને ભવિષ્યના મોટા લાભ માટે ધીરજ રાખે છે, તેઓ જીવનમાં વધુ સફળ અને સંતોષી રહે છે. ન્યુરોસાયકોલોજી અનુસાર, સેલ્ફ-ડિસિપ્લિન વ્યક્તિના મગજના ‘પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ’ ભાગને સક્રિય રાખે છે, જે તાર્કિક વિચારસરણી (લોજિકલ રીઝનિંગ), આવેગ નિયંત્રણ (ઇમ્પલ્સ કન્ટ્રોલ) અને આયોજન (પ્લાનિંગ) માટે જવાબદાર છે. પહેલગામ આતંકી હુમલાના બે દિવસ પછી, એટલે કે 24 એપ્રિલ 2025ના રોજ. પીએમ મોદી બિહારના મધુબનીમાં એક સરકારી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. લગભગ 27 મિનિટ સુધી હિન્દીમાં ભાષણ આપ્યા પછી તેઓ અચાનક અંગ્રેજીમાં બોલવા લાગ્યા અને સતત 82 સેકન્ડ સુધી અંગ્રેજીમાં બોલતા રહ્યા. તેમણે કહ્યું, ‘Today, from the soil of Bihar, I say to the whole world- India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth.’ (આજે, બિહારની આ ધરતી પરથી હું સમગ્ર વિશ્વને કહું છું— ભારત દરેક આતંકવાદી અને તેમના મદદગારોની ઓળખ કરશે, તેમને શોધી કાઢશે અને સજા આપશે. અમે પૃથ્વીના છેડા સુધી પણ તેમનો પીછો કરીશું.) બિહાર જેવા હિન્દીભાષી વિસ્તારમાંથી અંગ્રેજીમાં બોલીને પીએમ મોદીએ વિશ્વને, ખાસ કરીને પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત ચૂપ નહીં બેસે અને આકરી કાર્યવાહી કરશે. અસર્ટિવ કોમ્યુનિકેશનથી શું ફાયદો થાય? લાગણીઓમાં તણાઈને બોલવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. આવા સમયે અસર્ટિવ કોમ્યુનિકેશન (સ્પષ્ટ અને મક્કમ સંવાદ) અત્યંત અસરકારક સાબિત થાય છે. લાગણીઓમાં વહ્યા વિના, યોગ્ય શબ્દો દ્વારા ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી સીધો સંદેશ પહોંચાડી શકાય છે, પોતાની તાકાતનો અહેસાસ કરાવી શકાય છે અને કોઈ ટકરાવ વગર સ્પષ્ટ સરહદો નક્કી કરી શકાય છે. મનોવિજ્ઞાનમાં આને ‘ડોગ વ્હિસલ રેટરિક’ (Dog Whistle Rhetoric) કહેવામાં આવે છે. એટલે કે ચોક્કસ સમૂહ સુધી તેમની જ ભાષામાં સંદેશ પહોંચાડવો. આ પદ્ધતિથી ત્યાં હાજર ન હોય તેવા લોકો સુધી પણ પોતાનો સંદેશ સચોટ રીતે પહોંચાડી શકાય છે. સંદર્ભ અને વધુ વાચન (References further readings)… નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી— એન્ડી મેરિનો ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર: નરેન્દ્ર મોદી એન્ડ હિઝ ઇન્ડિયા— શશિ થરૂર હાઉ ધ બીજેપી વિન્સ: ઇનસાઇડ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ઇલેક્શન મશીન— પ્રશાંત ઝા પાવર વિથઇન: ધ લીડરશિપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી— આર. બાલાસુબ્રમણ્યમ મોદી ડીમિસ્ટિફાઇડ: ધ મેકિંગ ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર— રમેશ મેનન નરેન્દ્ર મોદી: ધ મેન, ધ ટાઇમ્સ— નીલાંજન મુખોપાધ્યાય મોદી ડીમિસ્ટિફાઇડ: ધ મેકિંગ ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર— રમેશ મેનન ધ મોદી ઇફેક્ટ: ઇનસાઇડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટુ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા— લાન્સ પ્રાઇસ મોદીઝ ઇન્ડિયા: હિન્દુ નેશનાલિઝમ એન્ડ ધ રાઇઝ ઓફ એથનિક ડેમોક્રેસી— ક્રિસ્ટોફ જેફ્રલોટ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની વાતચીત
    Click here to Read More
    Previous Article
    સોમનાથ બીચ પર 'સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર' અભિયાન:પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે સફાઈ;કોસ્ટ ગાર્ડ અને NCC કેડેટ્સે કચરો વીણી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
    Next Article
    પાકિસ્તાનની ન્યુટ્રલ વેન્યુની માંગ ફગાવી:હોકી ઇન્ડિયાએ કહ્યું-એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમવી હોય તો ભારત આવવું પડશે

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment