Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોર્ટકટથી રૂપિયા કમાવવા સોફ્ટવેર એન્જિનિયર બન્યો ઠગ:ટેલિગ્રામ પર જાળ બિછાવી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગના નામે 73 લાખની છેતરપિંડી, 2% કમિશન માટે બેંક ખાતું ભાડે આપ્યું

    22 hours ago

    સુરતમાં ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને રાતોરાત અમીર બનવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર હાઇટેક ફ્રોડનો મુખ્ય સૂત્રધાર બીજો કોઈ નહીં પરંતુ પંજાબની એક પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી B.Techની ઉચ્ચ ડિગ્રી મેળવનારો 29 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર દિવ્યેશ સૂર્યકાંતભાઈ પટેલ છે. આરોપી એક જાણીતી સોફ્ટવેર કંપનીમાં દર મહિને 30,000 રૂપિયાના ફિક્સ પગાર સાથે નોકરી કરતો હતો. ખૂબ જ ટૂંકા સમયમાં અને મહેનત વગર વધુ રૂપિયા કમાઈ લેવાની અંધાધૂંધ લાલચે તેને સાયબર ગુનાખોરીના રસ્તે ધકેલી દીધો હતો. પોતાની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને ટેકનિકલ જ્ઞાનનો સદુપયોગ કરવાને બદલે તેને નિર્દોષ લોકોને આર્થિક નુકસાન પહોંચાડવા માટે સાયબર પ્લોટ તૈયાર કરવામાં આ ડિગ્રીનો દુરુપયોગ કર્યો હતો. ટેલિગ્રામમાં જાળ બિછાવી 72.73 લાખની ઓનલાઇન લૂંટ સાયબર ક્રાઇમ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, આ આખી ઘટનાની શરૂઆત ટેલિગ્રામ એપ્લિકેશનથી થઈ હતી. સાયબર ઠગોની આ ટોળકીએ ભોગ બનનાર ફરિયાદીનો ટેલિગ્રામ દ્વારા સંપર્ક સાધ્યો હતો અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ખૂબ જ ટૂંકા ગાળામાં અધધ વળતર મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ઠગોએ ફરિયાદીને એક આબેહૂબ અસલી દેખાતી બનાવટી વેબસાઇટની લિંક મોકલી આપી હતી અને તેના પર ફરિયાદીનું એક પર્સનલ ટ્રેડિંગ આઈડી બનાવડાવ્યું હતું. શરૂઆતમાં નફો થતો હોવાનું ડિજિટલ સ્ક્રીન પર બોગસ રીતે દર્શાવીને, ફરિયાદી પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 72,73,600 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે ઠગોએ સંપર્ક તોડી નાખી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી, જેથી ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. નવા અલથાણ રોડ પરથી સાયબર સેલે આરોપીને દબોચ્યો ફરિયાદીની ઓનલાઇન અરજીના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શન ડિટેલ્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાયબર સેલની ટીમે સચોટ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને ટ્રેક કરીને આરોપી દિવ્યેશ સૂર્યકાંતભાઈ પટેલને સુરતના ન્યુ અલથાણ વિસ્તારમાં આવેલા વડોદ ગામ નજીક, તિરૂપતિ સર્કલ પાસેની શિવ રેસિડેન્સી (B-112) માંથી દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામનો વતની છે અને હાલ સુરતમાં રહીને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 2% કમિશન માટે બેંક ખાતું ઠગોને ભાડે આપ્યું પોલીસની આકરી પૂછપરછ દરમિયાન આરોપી સોફ્ટવેર એન્જિનિયર દિવ્યેશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને પોતાની IDBI બેંકનું ઓફિશિયલ એકાઉન્ટ અને તેની કીટ (ચેકબુક, એટીએમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટલ્સ) મુખ્ય સાયબર ફ્રોડ ચલાવતી નાસતી ભાગતી ગેંગને સોંપી દીધી હતી. આ બેંક ખાતામાં થનારા દરેક ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પર તેને માત્ર 2% કમિશન મળવાનું નક્કી થયું હતું. ફરિયાદી પાસેથી પડાવવામાં આવેલા કુલ 72.73 લાખ રૂપિયામાંથી સીધેસીધા 17,00,000 રૂપિયા આ એન્જિનિયર દિવ્યેશ પટેલના જ IDBI બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાના પાકા પુરાવા પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યા છે. એન્જિનિયરના ખાતામાંથી 1.60 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાયબર ક્રાઇમ સેલ દ્વારા જ્યારે પકડાયેલા આરોપી દિવ્યેશ પટેલના સંડોવાયેલા IDBI બેંક ખાતાની ઝીણવટભરી તપાસ અને બેંક સ્ટેટમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું, ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ એક જ બેંક ખાતાની અંદર ટૂંકા સમયગાળામાં કુલ 1,60,84,505 રૂપિયાના શંકાસ્પદ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનો થયા હોવાની હકીકત સામે આવી છે. આ નાણાં દેશના અલગ-અલગ ભાગોમાંથી છેતરાયેલા લોકો પાસેથી જમા કરાવવામાં આવ્યા હોવાની આશંકા છે. સાયબર પોલીસે આ ખાતામાં રહેલી બાકીની રકમ ફ્રીઝ કરાવીને આગળના સોર્સ લોકેટ કરવાની તજવીજ શરૂ કરી છે. દેશભરના 8 કેસમાં આરોપીની કાળી કરતૂતો ખુલ્લી પડી સુરત પોલીસે તપાસના વ્યાપને રાષ્ટ્રીય સ્તરે લંબાવતા, અટક કરેલા આરોપીના બેંક ખાતાની વિગતો કેન્દ્ર સરકારના સાયબર ગુના નિયંત્રણ પોર્ટલ 'સમન્વય' પર અપલોડ કરીને ચેક કરી હતી. આ ડિજિટલ ક્રોસ-વેરિફિકેશનમાં મોટો ધડાકો થયો હતો કે, આ એન્જિનિયરનું એકાઉન્ટ ભારતના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલી કુલ 8 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં સીધું સંડોવાયેલું છે. આ તમામ 8 ફરિયાદોની વિગતો એકત્રિત કરતા માલૂમ પડ્યું છે કે આ સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્ક દ્વારા દેશના નિર્દોષ ભોગ બનનારા નાગરિકો સાથે કુલ 24,72,31,464 રૂપિયાનું વિશાળ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. મુખ્ય સુત્રધાર અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન હાલમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે સોફ્ટવેર એન્જિનિયર દિવ્યેશ પટેલની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દિવ્યેશે જે નાસતા ફરતા મુખ્ય આરોપીઓને 2% કમિશનથી એકાઉન્ટ આપ્યું હતું, તેઓ ક્યાંથી આ આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે. સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓએ સુરતના નાગરિકોને અપીલ કરી છે કે, ટેલિગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ દ્વારા મળતી ઇન્વેસ્ટમેન્ટ લિંક્સ કે ક્રિપ્ટો ટ્રેડિંગની વાતોમાં આવીને ક્યારેય પોતાના કષ્ટોપાર્જિત નાણાં ટ્રાન્સફર ન કરવા. જો કોઈ સાયબર આફત આવે તો તુરંત જ 1930 હેલ્પલાઇન અથવા રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલનો સંપર્ક કરવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    9 વર્ષથી ફરાર લૂંટ-ચોરીનો આરોપી ઝડપાયો:વલસાડ LCBએ રાજસ્થાનથી આરોપીને ઝડપી પારડી પોલીસને સોંપ્યો
    Next Article
    POCSO case: Son of Union minister Bandi Sanjay Kumar gets bail on Rs 1-lakh bond

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment