Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જામા મસ્જિદ વિવાદ:જૈન સંતે 700 વર્ષ જૂના ‘સમડી વિહાર’ મંદિર સહિત 3 ઐતિહાસિક જૈન તીર્થ હોવાનો દાવો કર્યો, ભોંયરાના પુરાતત્વીય સર્વેક્ષણની માંગ કરી

    1 week ago

    ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે એક નવા વળાંક પર આવી પહોંચ્યો છે. મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી હોવાના દાવા અને તેના વીડિયો-ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, હિન્દુ સંગઠનોની સાથે હવે જૈન સમાજ પણ મેદાનમાં આવ્યો છે. જૈન સંતો અને આગેવાનોએ દાવો કર્યો છે કે હાલ જ્યાં જામા મસ્જિદ આવેલી છે તે સ્થળ વાસ્તવમાં જૈન ઇતિહાસનું એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન તીર્થ ‘સમડી વિહાર’ (શકુનિકા વિહાર) હતું. જૈન સંતે આ જગ્યાએ સમડી વિહાર સહિત 3 જૈન તીર્થો હોવાની વાત કરી છે. આ વિવાદ વકરતા જૈન સમાજે હવે આ સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ પુરાતત્વીય સર્વેક્ષણ કરવાની માંગ ઉઠાવી છે. ભોંયરામાંથી મૂર્તિઓ મળવાના દાવા અને વાયરલ વીડિયો આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર ભરૂચની જામા મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થયા. આ વાયરલ સામગ્રીના આધારે એવો દાવો કરવામાં આવ્યો કે મસ્જિદના ભોંયરામાં જૈન ધર્મના 19મા તીર્થંકર મલ્લિનાથ અને અન્ય હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તથા સ્થાપત્યના અવશેષો મોજૂદ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનો સક્રિય થયા હતા અને સ્થળની ઐતિહાસિક સત્યતા સામે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જૈન સંતે આ જગ્યાએ 3 ઐતિહાસિક જૈન તીર્થો હોવાની વાત કહી આ વિવાદ અંગે પ્રસિદ્ધ જૈન સંત રાજસુંદરવિજયજી મહારાજ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે ભરૂચ અને આ વિવાદિત સ્થળ સાથે જોડાયેલા જૈન ધર્મના ત્રણ મુખ્ય ઇતિહાસ અને તીર્થો વિશે વિસ્તૃત માહિતી આપી હતી: 1.અશ્વાવબોધ તીર્થ જૈન ધર્મના 20મા તીર્થંકર ભગવાન મુનિસુવ્રતસ્વામી પોતે પોતાના પૂર્વ ભવના મિત્ર એવા એક અશ્વ (ઘોડા)ને પ્રતિબોધિત કરવા (જ્ઞાન આપવા) માટે લાંબો વિહાર કરીને ભરૂચ પધાર્યા હતા. આથી ભરૂચને 'અશ્વાવબોધ તીર્થ' તરીકે ઓળખવામાં આવે છે. 2.પ્રાયશ્ચિત તીર્થ પૂર્વકાળમાં મહાત્માઓ અને મુનિઓ પોતાના જીવનના નાના-મોટા અપરાધોના પ્રાયશ્ચિત માટે ભરૂચ આવીને ભગવાન મુનિસુવ્રતસ્વામીની સમક્ષ 'અઠ્ઠમ તપ'ની આરાધના કરતા હતા, જેથી આ ભૂમિનું મહત્વ પ્રાયશ્ચિત તીર્થ તરીકે પણ છે. 3.સમડી વિહાર (શકુનિકા વિહાર) સૌથી મહત્વનો દાવો આ સ્થળને લઈને છે. લોકવાયકા મુજબ, ભરૂચના જંગલમાં એક સમડી શિકારીના બાણથી ઘાયલ થઈ હતી. તે સમયે ત્યાંથી પસાર થતા જૈન સંતોએ તેને અંતિમ સમયે 'નવકાર મહામંત્ર' સંભળાવ્યો, જેના પ્રભાવથી તેને સમાધિ મરણ મળ્યું. આ પુણ્યના પ્રતાપે તે સમડી આગામી ભવમાં લંકાની રાજકુમારી તરીકે જન્મી. જાતિસ્મરણ જ્ઞાન થતાં જ તે પોતાની અઢળક સંપત્તિ લઈને ભરૂચ આવી અને અહીં એક ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું, જે ‘સમડી વિહાર’ કે ‘શકુનિકા વિહાર’ તરીકે ઇતિહાસમાં અમર થયું. જૈન સમાજે ભોંયરાના પુરાતત્વીય સર્વેક્ષણની માંગ કરી જૈન સમાજના પ્રતિનિધિઓએ આ ઐતિહાસિક તથ્યોની ચકાસણી કરવા માટે મસ્જિદના ભોંયરામાં પ્રવેશવાની અને તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ મુસ્લિમ સમાજ અને ટ્રસ્ટ દ્વારા તેમને ભોંયરામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જૈન આગેવાનોનો આક્ષેપ છે કે વર્ષો દરમિયાન આ સ્થળ પર અનેક નવા બાંધકામો થયા છે, જેના કારણે તેનું મૂળ પુરાતત્વીય અને ઐતિહાસિક સ્વરૂપ બદલાઈ ગયું છે. ભૂતકાળમાં પુરાતત્વ વિભાગ દ્વારા પણ કેટલાક બાંધકામો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. આથી હવે જૈન સમાજે આ સમગ્ર વિવાદિત સ્થળનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ પુરાતત્વીય સર્વેક્ષણ કરાવવાની માંગ કરી છે. મુસ્લિમ સમાજ અને મસ્જિદ ટ્રસ્ટની કલેક્ટરને રજૂઆત બીજી તરફ, જામા મસ્જિદ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આ વિવાદને ભ્રામક અને કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. ટ્રસ્ટના સભ્યોએ જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો અને ફોટા વાયરલ કરીને ધાર્મિક લાગણીઓ દુભાવવાનો વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. ટ્રસ્ટીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જામા મસ્જિદ એક સદીઓ જૂની ઐતિહાસિક મસ્જિદ છે અને ભવિષ્યમાં પણ તે મસ્જિદ તરીકે જ રહેશે. ઇતિહાસકારો અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ ભરૂચના સ્થાનિક ઇતિહાસકારો અને નાગરિકોમાં પણ આ વિષયે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે ભરૂચ એક અત્યંત પ્રાચીન બંદર અને ઐતિહાસિક નગર હોવાથી, સત્ય બહાર લાવવા માટે તથ્ય આધારિત અને વૈજ્ઞાનિક તપાસ થવી જરૂરી છે. જ્યારે બીજી તરફ, પ્રબુદ્ધ નાગરિકોનું કહેવું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી કોઈ પણ ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે શાંતિપૂર્ણ અને સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ. પુરાતત્વ વિભાગની કામગીરી પર સૌની નજર હાલમાં આ મુદ્દો ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ પ્રકારના અતિ સંવેદનશીલ અને ઐતિહાસિક દાવાઓ પર કોઈ પણ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલાં પુરાતત્વીય પુરાવા, પ્રાચીન હસ્તપ્રતો, દસ્તાવેજો અને નિષ્ણાતોના વૈજ્ઞાનિક અભ્યાસને જ મુખ્ય આધાર માનવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર, પુરાતત્વ વિભાગ અને સ્થાનિક પ્રશાસન આ મામલે આગામી સમયમાં કેવા પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:મૃતકોના પરિવારજનોનું હૈયાફાટ રૂદન, સાઇટ પર રૂપાણીની તસવીર મૂકાઈ; NRI પરિવારે કહ્યું-સાચો ન્યાય ક્યારે મળશે
    Next Article
    વઢવાણમાં 'પ્રગતિ પથ યાત્રા':પદાધિકારીઓએ ધરમ તળાવની મુલાકાત લીધી, દાજીરાજસિંહજી પાર્ક સહિત વિકાસ પ્રોજેક્ટ્સની સ્થળ પર સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment