Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસકોર્સ લાઇટિંગ પ્રોજેકટ પેન્ડિંગ:રાજકોટમાં 7 માળનું નવું ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવા સહિત રૂ. 85 કરોડનાં કામો મંજુર, જીમનું સંચાલન ખાનગી પેઢીને સોંપવાની દરખાસ્ત ફગાવાઈ

    2 weeks ago

    રાજકોટ મહાનગરપાલિકની નવનિયુક્ત શાસકોની પ્રથમ અને મહત્વની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ દરખાસ્તોમાંથી બહુમતી દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી છે, જ્યારે બિનજરૂરી ખર્ચ અટકાવવા અને તકનીકી અસ્પષ્ટતાના કારણે કેટલીક દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે તેમજ એક દરખાસ્તને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. જેમાં હાલ ખર્ચ પર કાપ મુકવાના હેતુથી રેસકોર્સ લાઇટિંગ પ્રોજેકટ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. તેમજ જીમનું સંચાલન ખાનગી પેઢીને સોંપવાની દરખાસ્ત ફગાવાઈ હતી. જોકે રાજકોટમાં 7 માળનું નવું ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવા સહિત રૂ. 85 કરોડનાં કામો મંજુર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે, કમિટી સમક્ષ રજૂ થયેલી કુલ 24 દરખાસ્તોમાંથી 21 દરખાસ્તોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 2 દરખાસ્તોને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને 1 દરખાસ્તને ના-મંજૂર કરવામાં આવી છે. આજે રૂ. 89.36 કરોડની વિવિધ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં આશરે રૂ. 85 કરોડના વિકાસકાર્યોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ મંજૂર થયેલા કામોમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત વોર્ડ નં. 14ના નાગરિકોને સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો ઉજવવા માટે સ્થાનિક સ્તરે ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પારડી રોડ પર શેઠ હાઈસ્કૂલની બિલકુલ સામે આવેલી ટી.પી. સ્કીમ નં. 5, એફ.પી. નં. 230 વાળી જમીન પર એક નવો ભવ્ય કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. 20.53 કરોડનું ટેન્ડર મંજૂર કરીને ચિત્રા કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપવાની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. પ્રસ્તાવિત કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાહનોના પાર્કિંગ માટે વિશાળ જગ્યા રાખવામાં આવશે. પ્રથમ માળે અંદાજીત 1900 ચોરસ મીટરના સ્લેબ એરિયામાં એક મોટો નોન-એસી હોલ અને બીજા માળ પર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટ્રલી એર કન્ડીશન્ડ હોલ તૈયાર કરાશે. તેમજ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખીને 550 ચોરસ મીટર એરિયામાં બોક્સ કલવર્ટ બનાવવાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને કટોકટીના સમયે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી થઈ શકે તે હેતુથી પારડી રોડ પર જ શેઠ હાઈસ્કૂલની સામે, ટી.પી. સ્કીમ નં. 5, એફ.પી. નં. 231 વાળી જગ્યા પર એક નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ માટેના રહેણાંક ક્વાર્ટર્સ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજીત 7480 ચોરસ મીટર જેટલા વિશાળ એરિયામાં ગ્રાઉન્ડ પ્લસ 7 માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ બિલ્ડિંગમાં ભોંયતળિયે ફાયર ફાઈટર વાહનોની અવરજવર અને કંટ્રોલ રૂમ સહિત ફાયર સ્ટેશનને લગતી તમામ અદ્યતન સગવડતાઓ ઊભી કરાશે. કટોકટીના સમયે ફાયરનો સ્ટાફ 24 કલાક ઘટનાસ્થળે પહોંચવા માટે તત્પર રહી શકે તે માટે આ જ બિલ્ડિંગમાં ઉપરના માળે 2 BHKના કુલ 50 સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. આ કામ માટે આશિષ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા નિયત એસ્ટીમેટ કરતા 8 ટકા ઓછા ભાવ રજૂ કરવામાં આવ્યા હોવાથી મહાનગરપાલિકાને મોટી બચત થવાની ગણતરી સાથે રૂ. 23.30 કરોડની દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત, સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડ નં. 14માં સ્થિત ઐતિહાસિક સોરઠીયાવાડી ગાર્ડનની કાયાપલટ કરવાનું આયોજન પણ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 5945 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા બગીચાને આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવા માટે ચિત્રા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રજૂ કરાયેલા સૌથી નીચા ભાવોને ધ્યાને રાખીને રૂ. 3.10 કરોડના ખર્ચે સોરઠીયાવાડી બગીચાના નવીનીકરણનું કામ સોંપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. પ્રોજેક્ટમાં ગાર્ડનની સુરક્ષા માટે આધુનિક ચોકીદાર રૂમ, અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, નવી લોન તેમજ આકર્ષક પ્લાન્ટસનું પ્લેન્ટેશન, સીસીટીવી કેમેરા નેટવર્ક, આહલાદક સાઉન્ડ સીસ્ટમ અને રાત્રિના સમયે આકર્ષણનું કેન્દ્ર બને તેવું વિશેષ ગ્લો ગાર્ડન બનાવવાની કામગીરી કરવામાં આવશે. બીજી તરફ, મહાનગરપાલિકાના બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને નાણાંનો યોગ્ય વ્યય રોકવા માટે કમિટી દ્વારા કેટલાક કડક વલણ અપનાવવામાં આવ્યા છે. રાજકોટના હૃદય સમાન રેસકોર્સ રીંગ રોડને આકર્ષક રોશનીથી ઝળહળતો કરવા માટેની રૂ. 2.30 કરોડની લાઈટિંગની દરખાસ્તને હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે કમિશનર દ્વારા સુરતની વોટર વર્લ્ડ પ્રા. લી.ની સૌથી નીચી બીડ મંજૂર કરવા દરખાસ્ત કરાઈ હતી, જેનાથી રેસકોર્સ પર કાયમ દિવાળી કાર્નિવલ જેવો માહોલ સર્જવાનું આયોજન હતું. જોકે, આ અંગે ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, ખર્ચ બચાવવાના હેતુથી અને આ એજન્સી કયા પ્રકારનો કોન્સેપ્ટ લાવશે તેમજ તેમાં શું કામગીરી કરાશે તેની વિગતવાર માહિતી અધિકારીઓ પાસે મગાવવામાં આવી છે. તમામ પદાધિકારીઓ અને પાર્ટીના આગેવાનો સાથે સલાહ-માર્ગદર્શન મેળવ્યા બાદ જ આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં રેસકોર્સ લાઈટિંગ ઉપરાંત અન્ય એક મહત્વની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. શહેરમાં ગ્રીન કવર વધારવા અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે મનપા દ્વારા ઇ-ટેન્ડર પ્રક્રિયા કરીને 'અર્બન ગ્રીનીંગ પોલિસી' (ગ્રીન અર્બન પોલિસી) તૈયાર કરવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ પોલીસી માટે પ્રવર્તમાન 18 ટકા જી.એસ.ટી. ની રકમ ઉમેરીને કુલ રૂ. 18.88 લાખનો કુલ ખર્ચ મંજૂર કરવા મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત મોકલી હતી, પરંતુ આ અંગે અધિકારીઓ પાસેથી પૂરતી અને સ્પષ્ટ માહિતી ન મળતા કમિટીએ આ દરખાસ્તને પણ વધુ અભ્યાસ અર્થે અનામત એટલે કે પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કાલાવડ રોડ અને પેડક રોડ પર આવેલા સ્વિમિંગ પુલ (જીમ)નું સંચાલન ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્તને સંપૂર્ણપણે ના-મંજૂર એટલે કે રદ્દ કરી દીધી છે. આ અંગે ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ જે એજન્સી સંચાલન કરતી હતી તેના વિશે સ્થાનિક કોર્પોરેટરો અને જનતા તરફથી નકારાત્મક રિવ્યુ મળ્યા હતા. ઉપરાંત, બે જીમના વાર્ષિક સંચાલન માટે કોર્પોરેશન દ્વારા જે રૂ. 6,30,000 ચૂકવવામાં આવતા હતા, તેમાં કમિટીને એવું જણાયું છે કે આ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ભવિષ્યમાં આ સંચાલનથી કોર્પોરેશનને વધુ આર્થિક ફાયદો થાય તે દિશામાં નવેસરથી વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત પણ જુદા-જુદા સ્થળે બોક્સ કલવર્ટ બનાવવા સહિતની દરખાસ્તો પર ચર્ચા કરીને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરના મહેમાન બન્યા વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ:80થી વધુ ગાડીના કાફલો એરપોર્ટથી રવાના, RTO કચેરી અને 'વનતારા' ખાતે વૃક્ષારોપણ
    Next Article
    મહીસાગર ન્યાયાલયમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:લુણાવાડા કોર્ટ સંકુલમાં ડિસ્ટ્રીક્ટ જજની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ; પર્યાવરણ જતનનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment