Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પહેલીવાર 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ':66 દેશના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ એકઠા થયા, 125 સ્ટોલમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ના મોડલ

    7 hours ago

    મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’ની 10મી આવૃત્તિનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્ય મંત્રી પ્રવીણ માળી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા . ચાર દિવસ સુધી ચાલનારા આ વૈશ્વિક ફોરમમાં 66 દેશોના 2 હજારથી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. 18 સપ્ટેમ્બર સુધી ચાલનારા ફોરમમાં ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડલ અપનાવવા, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને ટકાઉ આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે જ 125થી વધુ પ્રદર્શનકર્તાઓ ધરાવતા ‘સર્ક્યુલરિટી એક્સ્પો’માં ગ્રીન ઇનોવેશન, વેસ્ટ-ટુ-વેલ્થ અને રિસાયક્લિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલઃ વિકાસ અને પર્યાવરણ વિરોધી નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર શરૂ થયેલી આ વૈશ્વિક ચિંતનયાત્રા માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે. WCEFનું પ્રથમવાર ભારતમાં આયોજન થવું અને 66 દેશોના પ્રતિનિધિઓ, 200થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તથા 55 આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી ભારતના વધતા વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે. તેમણે કહ્યું કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા વ્યવસ્થાપન, જળ વ્યવસ્થાપન અને સંસાધન કાર્યક્ષમતાના ક્ષેત્રમાં અનેક પહેલ કરી છે. WCEF-2026 ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની તેમજ વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક આપશે. CMએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી. ગ્રોથ સાથે ગ્રીનરી, ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી અને પ્રોસ્પેરિટી સાથે સસ્ટેનેબિલિટી જોઈએ.” સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીનું ઉદાહરણ ગણાવ્યું મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની વ્યવસ્થાને સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં સહિતની સામગ્રીને કચરો ગણીને ફેંકવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ઉપયોગમાં લેવાય છે. ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે, જ્યારે પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક બનાવવામાં આવે છે. સ્થાનિક સખી મંડળની મહિલાઓને પણ આ કામગીરી સાથે જોડવામાં આવી છે. સૌથી મોટી સફળતા એ કે કેટલો કચરો બનવા દીધો નહીં:ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાનો નિકાલ કે રિસાયક્લિંગ નથી. સંસાધનોના સમગ્ર જીવનચક્રમાં ડિઝાઇન, ઉત્પાદન, વપરાશ, પુનઃઉપયોગ, સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની આ વ્યાપક વિચારધારા છે. તેમણે કહ્યું કે “વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુનઃઉપયોગ” ભારતીય જીવનશૈલીનો લાંબા સમયથી હિસ્સો રહ્યો છે. ભારત સરકારે પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ, બેટરી, સ્ક્રેપ મેટલ અને બાંધકામ-ડિમોલિશન વેસ્ટ માટે Extended Producer Responsibility (EPR) જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. યાદવે કહ્યું કે સર્ક્યુલર ઇકોનોમીની સફળતા માત્ર કેટલો કચરો રિસાયકલ કર્યો તેના આધારે નક્કી થતી નથી. આવનારી પેઢીઓ માટે કેટલા સંસાધનો બચાવી શક્યા અને કેટલા સંસાધનોને ફરી ઉપયોગમાં લઈ શક્યા તે તેની સાચી સફળતા છે. 2050 સુધી ભારતની સર્ક્યુલર ઇકોનોમી $2 ટ્રિલિયનને પાર થવાની સંભાવના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારત સર્ક્યુલર ઇકોનોમી ક્ષેત્રે મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે. 2050 સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય 2 ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દેશની સૌથી મોટી હેઝાર્ડસ વેસ્ટ રિસોર્સ રિકવરી સિસ્ટમ અને સર્ક્યુલર ઇકોનોમીનું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું થયું છે. રાજ્યમાં 1,242 રિસાયક્લિંગ સુવિધાઓ અને 19 કોર પ્રોસેસિંગ યુનિટ્સ છે. ગત વર્ષે રાજ્યમાં આશરે 63 ટકા કચરાના રિસાયક્લિંગની કામગીરી થઈ હતી. ગુજરાતમાં 41 ઈ-વેસ્ટ રિસાયકલર્સ અને 12 રિફર્બિશર્સ પણ કાર્યરત છે. નેધરલેન્ડ્સનું 2050 સુધી સંપૂર્ણ સર્ક્યુલર બનવાનું લક્ષ્ય નેધરલેન્ડ્સના ઈકોનોમિક અફેર્સ અને ક્લાઈમેટ વિભાગનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મરિકી સ્પાઈકરબોરે જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ, હીટવેવ, ભૌગોલિક-રાજકીય તણાવ અને સપ્લાય ચેઇનની અનિશ્ચિતતા વચ્ચે સર્ક્યુલર ઇકોનોમી સમયની જરૂરિયાત છે. નેધરલેન્ડ્સે 2016થી રાષ્ટ્રીય સર્ક્યુલર ઇકોનોમી કાર્યક્રમ શરૂ કર્યો છે અને 2050 સુધીમાં સંપૂર્ણ સર્ક્યુલર અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2035 સુધીમાં સામગ્રીનો વપરાશ 15 ટકા ઘટાડવા, બાયોબેઝ્ડ અને સેકન્ડરી મટિરિયલનો હિસ્સો ઓછામાં ઓછો 55 ટકા કરવા તથા ઓછામાં ઓછા 82 ટકા કચરાના રિસાયક્લિંગનું લક્ષ્ય છે. ફિનલેન્ડઃ શ્રેષ્ઠ કચરો એ છે જે ઉત્પન્ન જ ન થાય ફિનલેન્ડના રાજદૂત મિકો કિવિકોસ્કીએ WCEF-2026ને ગ્લોબલ સાઉથ અને ઊભરતી અર્થવ્યવસ્થાઓ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સર્ક્યુલારિટીને માત્ર રિસાયક્લિંગ સુધી મર્યાદિત રાખવાને બદલે પ્રોડક્ટની ડિઝાઇન, સામગ્રીની પસંદગી અને શરૂઆતથી જ મૂલ્ય જાળવવા પર ધ્યાન આપવું જરૂરી છે. “સૌથી ઉત્તમ કચરો એ છે જે ક્યારેય ઉત્પન્ન જ ન થાય” એવો સંદેશ તેમણે આપ્યો હતો. કેન્દ્રીય મંત્રાલયના સચિવ તન્મય કુમારે જણાવ્યું કે ‘વિકસિત ભારત @2047’ના વિકાસના નવા પરિમાણ તરીકે ભારત સર્ક્યુલર ઇકોનોમીને મહત્વ આપી રહ્યું છે. નીતિ, ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી લિનિયર મોડલમાંથી સર્ક્યુલર અર્થવ્યવસ્થા તરફ આગળ વધવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. WCEF-2026નું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, CPCB, ગુજરાત સરકાર, GPCB, ફિનિશ ઇનોવેશન ફંડ ‘સિત્રા’ અને ફિનલેન્ડ સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે સર્ક્યુલર ઇકોનોમી અને Mission LiFE અંગેની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન તેમજ વિવિધ મહત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો:ટ્રેનમાં જામનગરથી યુપી જતા કોઈએ હેરાન કરતા અમદાવાદ ઉતર્યો, ફરિયાદ કરતા પો.સ્ટેશન લવાયો; ભાઈ સાથે પણ વાત કરાવી
    Next Article
    અફવાઓ વચ્ચે હસમુખ પટેલે ચોખવટ કરી:‘વાહ શંકરભાઈ વાહ’ ચૌધરી સાહેબ દુહો બોલ્યા ને ખેડૂતોને મજા પડી ગઈ; ફાર્મમાં મિટિંગ પછી કોંગ્રેસમાં કાપાકાપી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment