Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારી જોડે સંબંધ બાંધ, 63 જન્મ સુધી રાણી બનીશ’:ગુરુ બળાત્કારનો આરોપી, શિષ્ય બોલ્યો- હું શિવ છું; દિલ્હીના આશ્રમમાં શું ચાલી રહ્યું છે?

    1 day ago

    દિલ્હીના વિજય વિહારમાં એક પાંચ માળની ઇમારત છે. તેના પર મોટા અક્ષરોમાં લખેલું છે— આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય. દીવાલ પર મનુસ્મૃતિનો શ્લોક કંડારેલો છે: ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા’ એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા અને સન્માન થાય છે, ત્યાં દેવતાઓ વાસ કરે છે. પરંતુ અંદરની કહાણી તદ્દન અલગ જ છે. આ આશ્રમ ચલાવતા વિરેન્દ્ર દેવ દીક્ષિત સામે દિલ્હીના 8 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં બળાત્કાર અને યુવતીઓને બળજબરીપૂર્વક ગોંધી રાખવાના કેસ નોંધાયા હતા. એવો આક્ષેપ થયો હતો કે તે મહિલા અનુયાયીઓને કહેતો, ‘હું જ રામ છું, કૃષ્ણ છું અને શિવ છું. તું મારી 16 હજાર રાણીઓમાંથી એક છે. જેમ શિવલિંગની પૂજા થાય છે, તેમ મારા લિંગની પૂજા કરો. તમને જગદંબા બનાવી દઈશ.’ 2017માં આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો. આશ્રમમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસમાં બહાર આવ્યું કે અંદર યુવતીઓને કેદ કરીને રખાતી હતી. આશ્રમમાંથી આશરે 200 યુવતીઓ મળી આવી, જેમાંથી 46 સગીરા હતી. 2023માં વિરેન્દ્ર દેવનું મોત થઈ ગયું. ત્યારબાદ કેસ બંધ થઈ ગયો. હવે ફરીથી આશ્રમમાં યુવતીઓને બળજબરીથી પૂરી રાખવાના આરોપો લાગી રહ્યા છે. આ વખતે આરોપ વિરેન્દ્ર દેવ દીક્ષિતના વકીલ રહી ચૂકેલા અમોલ કોંકણે પર છે. અમોલ પોતાને વિરેન્દ્ર દેવનો ઉત્તરાધિકારી ગણાવે છે. પીડિત પરિવારોનો દાવો છે કે અમોલે યુવતીઓનું બ્રેઈનવોશ કર્યું છે. તે કહે છે કે મારા શરીરમાં ઈશ્વર આવે છે. હું પોતે જ શિવ છું. 2017થી 2026 સુધી આશ્રમના ‘ભગવાન’ બદલાઈ ગયા, પરંતુ એક વાત ન બદલાઈ— આશ્રમ પર લાગતા આરોપો. ભાસ્કરે પીડિત પરિવારો, જૂના કેસ સાથે સંકળાયેલા લોકો, CBIની ચાર્જશીટ અને ઉપલબ્ધ વીડિયો-ચેટ્સની તપાસ કરી. વાંચો આ અહેવાલ… લોખંડની બારીઓ, બંધ દરવાજા, આશ્રમમાં અંદર જવાની પરવાનગી નહીં આ આશ્રમ રિઠાલા મેટ્રો સ્ટેશનથી બે કિલોમીટર દૂર આવેલો છે. અમે અંદર જવાની પરવાનગી માંગી, પણ કોઈ જવાબ ન મળ્યો. બહારથી બિલ્ડિંગને જોયું તો લગભગ દરેક બારી પર લોખંડની ગ્રીલ નજરે પડી. બારીઓની અંદર વધુ એક જાળી અને તેની પાછળ પતરા જેવો પડદો દેખાયો. દરવાજો સહેજ ખૂલ્યો તો સફેદ સાડીમાં બે મહિલાઓ જોવા મળી. નજર પડતાં જ દરવાજો બંધ થઈ ગયો. આશરે અડધા કલાકમાં ઘણી વખત દરવાજો ખૂલ્યો અને બંધ થયો. ગેટ અને છત પરથી પણ અમારા પર નજર રાખવામાં આવી રહી હતી. અંદર પ્રવેશ ન મળતાં અમે આસપાસના પડોશીઓ સાથે વાતચીત કરી. આશ્રમની બિલકુલ સામે રહેતી નેહા ગાબા જણાવે છે, ‘અહીં અંદર શું થાય છે, તે કોઈને ખબર નથી. ઘણીવાર ગાડીઓમાં યુવતીઓની અવરજવર જોઈ છે. તેઓ માસ્ક પહેરી રાખે છે. સ્થાનિક રહેવાસી હોવા છતાં અમને અંદર જવા દેતા નથી. આટલી બધી યુવતીઓ રહે છે, પણ તેમનો અવાજ બહાર નથી આવતો. કોઈ દેખાતી પણ નથી.’ ત્યારબાદ અમે પીડિત પરિવારો સુધી પહોંચ્યા. પહેલો પરિવાર: જગદંબા બનાવવાના નામે દીકરી માંગી; પછી બળાત્કારનો આક્ષેપ દિલ્હીના રહેવાસી નંદ કિશોરની બે દીકરીઓ આશ્રમ જઈ ચૂકી છે. તેઓ જણાવે છે, ‘હું વિરેન્દ્ર દેવ દીક્ષિતને ભગવાન માનતો હતો. પત્ની અને દીકરીઓ સાથે તેમની પાસે જતો હતો. એક દિવસ દીકરી બોલી- હું થોડા દિવસ આશ્રમમાં રહીશ. અમે વિચાર્યું કે ભગવાનના સાનિધ્યમાં રહેશે. 15 દિવસ પછી તે પાછી આવી ગઈ. પૂછ્યું કે કેમ આવી, તો કશું જણાવ્યું નહીં.’ ‘થોડા સમય પછી સવારે 5 વાગ્યે વિરેન્દ્ર દેવનો ફોન આવ્યો. તે બોલ્યો- મોટી દીકરી આવી ગઈ, હવે નાની દીકરી મને સમર્પિત કરી દો. તેને જગદંબા બનાવવી છે. મેં કહ્યું- પુખ્ત વયની થશે ત્યારે મોકલી આપીશ. તે બોલ્યો- બાળકો પર માતા-પિતાનો હક હંમેશાં રહે છે, ભલે તેઓ પુખ્ત ન હોય.’ ‘અમે નાની દીકરીને પણ મોકલી દીધી. ત્યારથી તે ત્યાં જ છે. મોટી દીકરી કહેતી હતી- આને આશ્રમ ન મોકલો, ત્યાંનું વાતાવરણ યોગ્ય નથી; પરંતુ હું તેની વાત સમજી ન શક્યો. પછી એક NGOએ મારો સંપર્ક કર્યો. તેમની પાસે એવી યુવતીઓ હતી, જેમણે વિરેન્દ્ર દેવ સામે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. NGOના લોકોએ મારી દીકરી સાથે વાત કરી. ત્યારે તેણે જણાવ્યું કે આશ્રમમાં તેનું યૌન શોષણ થયું હતું.’ બીજો પરિવાર: પૂછ્યું- દીકરી ક્યારે પુખ્ત વયની થાય છે, 18 વર્ષની થતાં જ બોલાવી લીધી કોયમ્બતૂરની રહેવાસી સરિતા શર્મા આજકાલ દિલ્હીમાં પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીના ધક્કા ખાઈ રહી છે. તે સરકારી શિક્ષિકા છે. તેની દીકરી 2022માં આશ્રમ સાથે જોડાઈ હતી. ત્યારપછી સરિતા દીકરીનું મોં જોવા પણ તરસી ગઈ છે. તે જણાવે છે, ‘દીકરીને ઈશ્વરમાં રુચિ હતી. મને લાગ્યું કે કંઈક સારું શીખી રહી છે, તેથી ક્યારેય રોકી નહીં. થોડા દિવસ પછી દીકરી આશ્રમના લોકો સાથે ફોન પર વાત કરવા લાગી. પહેલી જ વાતચીતમાં તેને પૂછવામાં આવ્યું- માતા હેરાન તો નથી કરતી ને? આજથી અમે તારા વાલી (ગાર્ડિયન) છીએ. બધી વાતો અમારી સાથે શેર કરજે. તેને કહેવામાં આવ્યું કે દુનિયા ખતમ થવાની છે. જે આધ્યાત્મિક વાત માનશે, તે જ સતયુગમાં જન્મ લેશે. બાકીના બધા બરફમાં દબાઈને મરી જશે.’ ‘દીકરીએ જણાવ્યું કે તેની વાતચીત અમોલ કોંકણે સાથે થાય છે. તે કહે છે કે ભગવાન શિવ તેની અંદર છે. અમોલે મારી દીકરીને ઉંમર પૂછી. તે સમયે તે સાડા 16 વર્ષની હતી. અમોલે કહ્યું- જલદી પુખ્ત વયની થઈ જા, પછી મળીએ.’ ‘17 નવેમ્બરે દીકરી 18 વર્ષની થઈ. બીજા દિવસે તેણે ફોન કર્યો- મમ્મી, હું દિલ્હી જાઉં છું. મેં જેમતેમ કરીને તેને રોકી લીધી. 1 ડિસેમ્બરે તે કોલેજ ગઈ. ત્યાંથી જણાવ્યું કે ટ્રિપ પર જાઉં છું. પછી તે એકલી જ દિલ્હી જતી રહી. જતાં પહેલાં આશ્રમવાળાએ તેની પાસે પોલીસ સ્ટેશનના નામે એક પત્ર લખાવ્યો હતો કે હું 18 વર્ષની થઈ ગઈ છું અને પોતાની મરજીથી જઈ રહી છું.’ સરિતાએ અમોલ કોંકણે વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં યુવતીને ફોસલાવીને ફસાવવા અને ઘરમાંથી ભગાડી જવા મામલે રિટ પિટિશન દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી 9 ડિસેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટના વકીલ મણિ મુંજાલ સરિતાનો કેસ લડી રહ્યા છે. તેઓ જણાવે છે, ‘2024માં અમે પિટિશન દાખલ કરી હતી. અમોલ પોતાને આશ્રમનો ઉત્તરાધિકારી ગણાવી રહ્યો છે. તેની સામે અમે કોર્ટમાં પુરાવા આપ્યા છે કે તે કેવી રીતે બાળકીઓનું બ્રેઈનવોશ કરી રહ્યો છે. નાની દીકરીઓને બોલાવતાં પહેલાં જ તે યુવતીઓ પાસે પોલીસ સ્ટેશનમાં પત્ર મોકલાવી દે છે કે તેઓ પોતાની મરજીથી ઘર છોડીને જઈ રહી છે અને તેમને રોકવામાં ન આવે. નાની દીકરીઓને આટલી સમજણ ક્યાંથી હોય? તે કાયદાની છટકબારીઓનો દુરુપયોગ કરી રહ્યો છે.’ યુવતીઓ સાથે અમોલની આપત્તિજનક ચેટ પીડિત પરિવારોએ કેટલીક ચેટ્સ બતાવી, જેમાં અમોલ યુવતીઓ સાથે આપત્તિજનક વાતો કરી રહ્યો છે. તેલંગાણાની રહેવાસી એક યુવતીને તેણે મેસેજ કરીને પૂછ્યું, ‘મારી પાસે ક્યારે આવીશ? તારી યાદ આવી રહી છે.’ આ યુવતી તેને ‘ભાઈજી’ કહે છે. અમોલે લખ્યું કે પરીક્ષા પછી મળજે. યુવતી સાથેની બીજી એક ચેટમાં તે કહે છે, ‘મેં કપડાં નથી પહેર્યા. મને ઠંડી લાગી રહી છે.’ આવા ઘણા વીડિયો છે, જેમાં અમોલ યુવતીઓ સામે બેસીને ગીતો ગાઈ રહ્યો છે. એવી કોલ રેકોર્ડિંગ્સ પણ છે, જેમાં તે યુવતીઓને અધ્યાત્મના નામે કાલ્પનિક વાર્તાઓ સંભળાવે છે. યુવતીઓને 3 વચન: આશ્રમમાં તમને સારા પાર્ટનર મળશે. બાબા સાથે સંબંધ બંધાઈ જશે તો 63 જન્મ સુધી અલગ-અલગ રાજપરિવારોમાં જન્મ લઈને રાણી બનશો. જે યુવતીઓ બાબા માટે સમર્પિત થઈ ગઈ, તેમનો બાબા સાથે જોડી કે પત્ની જેવો સંબંધ બની જાય છે. અમોલના ગુરુ વિરેન્દ્ર દેવ પર 8 FIR, એક NGOએ કર્યો પર્દાફાશ દિલ્હીમાં રહેતી સીમા શર્મા ‘ફાઉન્ડેશન ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ’ નામે NGO ચલાવે છે. 2017માં હરિયાણાનો એક પરિવાર તેમને મળ્યો. તેમની દીકરી ગુમ હતી. પરિવારને જાણ થઈ કે તે રોહિણીના આશ્રમમાં છે. સીમા આશ્રમ ગઈ તો તેમને દીકરીને મળવા ન દેવાઈ. સીમા કહે છે, ‘મને એવા ઘણા પરિવારો મળ્યા, જેમની દીકરીઓ આશ્રમમાં કેદ હતી. કેટલીકની સાથે બળાત્કાર થયો હતો. એક દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી. અમે પોલીસ પાસે ગયા. 8 FIR નોંધાવી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારબાદ અમે જનહિત યાચિકા (PIL) દાખલ કરી. અમે કેસ CBIને સોંપવાની માંગ કરી. પહેલી જ સુનાવણીમાં કોર્ટે કેસ CBIને સોંપી દીધો.’ ‘19થી 22 ડિસેમ્બર 2017 વચ્ચે હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી. આશ્રમની તપાસ માટે કમિટી બનાવવામાં આવી. 21 ડિસેમ્બરે કોર્ટે CBI તપાસના આદેશ આપ્યા. ત્યારબાદ એક ટીમ આશ્રમ પહોંચી. ટીમે યુવતીઓને પ્રાણીઓની જેમ ગોંધી રાખવામાં આવી હોવાની વાત કહી.’ ‘કોર્ટે ઇન્સ્પેક્શન ટીમ બનાવીને આશ્રમમાં દરોડા પડાવ્યા. ટીમમાં તે સમયે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ રહેલા સ્વાતિ માલીવાલ પણ હતાં. તેમણે જણાવ્યું કે અંદર લોખંડના દરવાજા અને તાળાં લાગેલાં હતાં. યુવતીઓનો કોઈ રેકોર્ડ નહોતો. ત્યાંથી આપત્તિજનક પત્રો, દવાઓ, ઇન્જેક્શન અને વપરાયેલી સોય (સીરીંજ) મળી આવી હતી. માલીવાલના જણાવ્યા અનુસાર, અંદર મળેલી ઘણી યુવતીઓ બોલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતી.’ પોલીસ અધિકારી બોલ્યા- કશું કહી ન શકીએ, કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીશું CBIએ વિરેન્દ્ર દેવ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. ત્યારબાદ તેનો કોઈ પત્તો ન લાગ્યો. CBIએ કોર્ટને જણાવ્યું કે તેનું મોત થઈ ચૂક્યું છે. સપ્ટેમ્બર 2025માં CBIએ કોર્ટમાં કાર્યવાહી સમાપ્ત કરવાની માંગ કરી. હવે દિલ્હી હાઈકોર્ટે વિજય વિહાર પોલીસને આશ્રમની કામગીરીની પુનઃ તપાસ કરીને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મનોહર લાલનું કહેવું છે કે સ્ટેટસ રિપોર્ટ સમયસર કોર્ટમાં રજૂ કરીશું; આ મામલે અત્યારે કોઈ વાત ન કરી શકીએ. આશ્રમ, વિરેન્દ્ર દેવ દીક્ષિત અને અમોલ કોંકણે પર લાગેલા આરોપો અંગે તેમનો પક્ષ જાણવા ભાસ્કરની ટીમ આશ્રમ પહોંચી હતી. અમોલ કોંકણેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ નંબર સ્વિચ ઑફ આવતો હતો. તેમનો પક્ષ મળશે ત્યારે અહેવાલમાં સામેલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    યુનિવર્સિટીનો કલ્પવૃક્ષ યુવા મહોત્સવ સંપન્ન:સંગીતમાં પાટણ અને ડાન્સ-સાહિત્યમાં વિસનગર કોલેજ છવાઈ
    Next Article
    Stock Market Today: All You Need To Know Going Into Trade On Oct 8

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment