Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિદ્વાર યાત્રાના નામે 600થી વધુ લોકો સાથે છેતરપિંડી:ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લીધા; યાત્રાના દિવસે આયોજકો ગાયબ, ઓફિસો બંધ

    1 day ago

    મહિસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાના 600થી વધુ વરિષ્ઠ નાગરિકો સાથે હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લેવામાં આવ્યા હતા. જોકે, યાત્રાના દિવસે આયોજકો ગાયબ થઈ ગયા હતા અને ઓફિસો પણ બંધ જોવા મળી હતી. જેથી યાત્રીઓએ વિવિધ પોલીસ મથકે રજૂઆત કરી છે. દાહોદમાં અત્યાર સુધી 75 જેટલા નાગરિકો જ્યારે મહિસાગર જિલ્લામાં 126 લોકો તેમજ સુરેન્દ્રનગરમાં 450થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ છે. રાજ્યના અન્ય જિલ્લામાં પણ આ મુજબ છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે. હરિદ્વાર યાત્રા માટેની એક પત્રીકા પણ બહાર પાડી હતી આ પત્રીકામાં લખ્યું હતું કે, હરિદ્વાર મુકામે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના વક્તા તરીકે શાસ્ત્રી દેવવ્રતકુમાર ભટ્ટ (મહેસાણાવાળા) છે. આ 11 દિવસીય યાત્રાનો પ્રારંભ બુધવાર, તા. 11/11/2026ના રોજ થશે અને યાત્રા શનિવાર, તા. 21/11/2026ના રોજ પરત ફરશે. કથાનો પ્રારંભ શુક્રવાર, તા. 13/11/2026થી થશે અને તેની પૂર્ણાહુતિ ગુરુવાર, તા. 19/11/2026ના રોજ થશે. આ કથા હરિદ્વારના ભીમગોડા સ્થિત સન્ત મંડળ આશ્રમ, ધર્માર્થ ટ્રસ્ટ સમિતી ખાતે યોજાશે, જેમાં કથા દરમિયાન કપિલ જન્મ ઉત્સવ, નૃસિંહ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મ ઉત્સવ અને ગોવર્ધન લીલા જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ થશે. યાત્રામાં જોડાવા માટે વ્યક્તિ દીઠ ₹4200 નક્કી કરવામાં આવ્યા છે, જેની સામે કથા શ્રવણ કરનાર દરેક વ્યક્તિને દરરોજ રૂ.600 લેખે 7 દિવસના કુલ ₹4200 કવર મારફતે પરત આપવામાં આવશે. યાત્રાળુઓ માટે એ.સી. સ્લીપર વોલ્વો બસમાં મુસાફરી, 4 વ્યક્તિ દીઠ 1 એ.સી. રૂમ અને કથા માટે હોલની સુવિધા રાખવામાં આવી છે. રસ ધરાવતા ભક્તોએ આધારકાર્ડની ઝેરોક્ષ અને 1 ફોટો સાથે બુધવાર, તા. 6/11/2026 સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે અને જરૂરી દવાઓ સાથે લાવવાની રહેશે. શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા મહીસાગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા હતા. લુણાવાડા શહેરના વરધરી રોડ પર યાત્રાના આયોજન માટે ઓફિસ પણ શરૂ કરાઈ હતી. જાહેરાતના આધારે અનેક વરિષ્ઠ નાગરિકોએ નામ નોંધાવ્યાં હતાં. યાત્રીઓના જણાવ્યા પ્રમાણે, પ્રવાસ માટે દરેક પાસેથી ₹4,200 લેવાયા હતા. ભાગવત કથામાં એક દિવસ બેસવા બદલ ₹600 પરત આપવાની વાત પણ કરાઈ હતી. આ પછી ઘણા વરિષ્ઠ નાગરિકોએ યાત્રાની તૈયારી શરૂ કરી હતી. નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા હરિદ્વાર જવા માટે નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા. ઓફિસમાં પણ કોઈ ન મળતાં યાત્રીઓએ પોતે છેતરાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જાહેરાતનાં બોર્ડ પર ડાયાજી અને અનુપસિંહનાં નામ તથા મોબાઈલ નંબર લખેલા હતા. યાત્રામાં નામ નોંધાવવા માટે વરિષ્ઠ નાગરિકો પાસેથી ફોટોગ્રાફ અને આધારકાર્ડ સહિતના અંગત દસ્તાવેજો પણ લેવાયા હતા. દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે તેવી આશંકાથી યાત્રીઓ ચિંતિત છે. છેતરપિંડીનો ભોગ બન્યાનો આક્ષેપ કરતા વરિષ્ઠ નાગરિકો લુણાવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ અરજી આપી રજૂઆત કરી હતી. પોલીસે અરજી આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર સમગ્ર પ્રવાસના પૈસાનું કલેક્શન કરનાર એક વ્યક્તિ લુણાવાડાનો છે જ્યારે અન્ય બે મુખ્ય લોકો મહેસાણા બાજુના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ દાહોદમાં પણ 10 દિવસની યાત્રાનું પેકેજ આપવાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ છે. ગોધરા રોડ પર સંચાલકોએ ઓફિસ ભાડે રાખી હતી. ત્યાંથી હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા અને 10 દિવસની ધાર્મિક યાત્રાનું પેકેજ જાહેર કર્યું હતું. દાહોદ અને લીમડીના મહિલા મંડળો સહિતના શ્રદ્ધાળુઓએ પેકેજ માટે પૈસા જમા કરાવ્યા હતા. યાત્રાનો સમય નજીક આવતાં તેઓ ઓફિસે પહોંચ્યા, જોકે, આયોજકો ઓફિસ ખાલી કરીને ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. દાહોદ એ-ડિવિઝનના પીઆઈએ જણાવ્યું કે આજે એફઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    ટાઈગર પર ફાયરિંગ બાદ જેકીની પહેલી પ્રતિક્રિયા:કહ્યું- ઉપરવાળાને હાથ જોડીએ છીએ અને આગળ વધીએ છીએ, અકસ્માત પણ એક અનુભવ હતો
    Next Article
    2027માં બાવળિયા મંત્રી બનશે: પૂર્વ MP ફતેપરા:પ્રવીણ કોળીએ કહ્યું-'કુંવરજીનો નિવૃત્તિ સમય, તળાજાથી જીતી પરસોત્તમ સોલંકીનો પુત્ર મંત્રી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment