Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિડલ ઈસ્ટના યુદ્ધે સુરતના કાપડ ઉદ્યોગની કમર તોડી નાખી:60 દિવસમાં 3000 કરોડનું નુકસાન, અડધા એકમો ઠપ થતાં રાહત પેકેજની માંગ

    1 day ago

    સુરત સહિત દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ હાલ ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને આડકતરી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં એટલે કે 60 દિવસના ટૂંકા ગાળામાં દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરને અંદાજે 3000 કરોડનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને પગલે યાર્નના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે પણ સામે લેવાલી ન હોવાથી હાલમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માત્ર 50% ક્ષમતા પર ચાલી રહ્યો છે. ઉદ્યોગકારો હવે સરકાર પાસે તાકીદે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. સુરત સમગ્ર દેશમાં મેન-મેડ ફાઈબર (MMF) નું હબ ગણાય છે. યાર્નનું ઉત્પાદન સીધું ક્રૂડ ઓઈલ પર આધારિત છે. FOGWA(ફેડેરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન)ના પ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, જ્યારે રો મટીરિયલ મોંઘું થાય ત્યારે કાપડ બનાવવાનો ખર્ચ વધે છે, પરંતુ બજારમાં તૈયાર કાપડના ખરીદદારો નથી. આ વિરોધાભાસી સ્થિતિને કારણે ઉદ્યોગકારોને દરરોજ કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. પ્રતિદિન 6 કરોડનું નુકસાન, અર્થતંત્રમાં ગાબડું આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સુરતમાં દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન થાય છે. નિષ્ણાતોના મતે, ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિંમત વચ્ચેના તફાવતને કારણે રોજનું અંદાજે 50 થી 60 કરોડનું ટર્નઓવર પ્રભાવિત થઈ રહ્યું છે. જો માત્ર નુકસાનની વાત કરવામાં આવે તો, છેલ્લા 60 દિવસમાં આ આંકડો 3000 કરોડને આંબી ગયો છે. આ આર્થિક ફટકો માત્ર વેપારીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તેની અસર બેંકોના હપ્તા અને વ્યાજ ચક્ર પર પણ પડી રહી છે. 50% મશીનો બંધ: કારીગરોને સાચવવાનું મોટું સંકટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, હાલમાં સુરતના મોટાભાગના વીવિંગ યુનિટો પોતાની પૂર્ણ ક્ષમતાએ ચાલવાને બદલે માત્ર 50% કેપેસિટી પર કામ કરી રહ્યા છે. અનેક એકમોમાં એક પાળી (શિફ્ટ) બંધ કરી દેવામાં આવી છે. ઉદ્યોગકારો સામે સૌથી મોટો પડકાર કારીગરોને સાચવવાનો છે. જો કામ બંધ કરી દેવામાં આવે તો કુશળ શ્રમિકો વતન પલાયન કરી શકે છે, અને જો કામ ચાલુ રાખવામાં આવે તો વ્યાજ અને વીજળીના બિલના ખર્ચ પહોંચી વળાય તેમ નથી. ડોમેસ્ટિક માર્કેટ જ આશાનું છેલ્લું કિરણ વૈશ્વિક સ્તરે નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે, પરંતુ ભારતનું સ્થાનિક બજાર વિશાળ હોવાથી હજુ પણ થોડી ઘણી લેવાલી નીકળી રહી છે. જોકે, આ લેવાલી ઉદ્યોગને નફો કરાવવા માટે પૂરતી નથી, માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉપયોગી છે. સરકાર સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો અને રાહતની આશા ટેક્સટાઈલ ઉદ્યોગની કથળતી હાલતને જોઈને રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાતના ઓપન ફોરમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ટેક્સટાઈલના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ બોલાવવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ સરકારને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તાકીદે મદદ નહીં મળે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વણસશે. કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર જોખમમાં ટેક્સટાઈલ એ ખેતી પછી દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડતું બીજા નંબરનું ક્ષેત્ર છે. લાખો પરિવારોનું ગુજરાન સુરતના લુમ્સ અને યાર્ન ઉદ્યોગ પર નિર્ભર છે. અશોક જીરાવાલાએ સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે, "અમે અત્યારે કમાણી કરવાની વાત નથી કરતા, પણ ઉદ્યોગને ટકાવી રાખવાની વાત કરીએ છીએ." લાખો શ્રમિકોની રોજીરોટી છીનવાય નહીં તે માટે સરકાર દ્વારા કોઈ ચોક્કસ આર્થિક બૂસ્ટ કે પેકેજ આપવું અનિવાર્ય બન્યું છે. શું હોઈ શકે છે રાહત પેકેજની અપેક્ષાઓ? ઉદ્યોગ જગતની માંગ છે કે વીજળી બિલમાં સબસિડી, બેંક વ્યાજમાં રાહત અથવા અમુક સમય માટે લોનના હપ્તામાં મોરેટોરિયમ આપવામાં આવે. આ ઉપરાંત, યાર્ન પરની ડ્યુટી અને ટેક્સ માળખામાં ફેરફાર કરીને સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જો સરકાર દ્વારા વીજ દરમાં ઘટાડો કે વ્યાજ સહાય આપવામાં આવે, તો ઉદ્યોગકારો ખર્ચ ઘટાડીને સ્પર્ધાત્મક ભાવે કાપડ વેચી શકશે. જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો સુરત માટે ચિંતાજનક સ્થિતિ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો નહીં થાય અને ક્રૂડના ભાવમાં સ્થિરતા નહીં આવે, તો આગામી ક્વોર્ટરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ વધુ ઉંડી ગર્તામાં ધકેલાઈ શકે છે. સુરતનો વેપારી અત્યારે મક્કમ રહીને લડી રહ્યો છે, પણ આર્થિક બોજ હવે સહનશક્તિની બહાર જઈ રહ્યો છે. સરકારની હકારાત્મક ભૂમિકા જ હવે આ 'સિલ્ક સિટી' ને ફરીથી પાટા પર લાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    72 IASની બદલી, ચૂંટણી પૂર્ણ થતાં જ રી-શફલ:8 નવી મનપાના મ્યુનિ.કમિશનર બદલાયા, ચાર્જ લેશે પછી જ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત; જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    મુંબઈથી આવતી ટ્રાવેલ્સ બસમાંથી દારુ ઝડપાયો:8 પાર્સલમાંથી 432 દારૂની બોટલ મળી આવી, જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment