Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની જગ્યા નહીં:બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન રવાના, દર બે કલાકે સ્પેશ્યિલ ટ્રેન દોડાવાઈ; ડબલ ભીડ થતા 2025નો રેકોર્ડ તૂટ્યો

    11 hours ago

    આજે 8 નવેમ્બરે દિવાળી અને આગામી છઠ પૂજાના તહેવારને પગલે સુરતથી પોતાના વતન બિહાર, ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શનિવારથી જ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી, જેને પહોંચી વળવા માટે રેલવે પ્રશાસન દ્વારા દર 2 કલાકે સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સ્થિતિ નિયંત્રણમાં રાખવામાં આવી હતી. એક સાથે વધુ મુસાફરો આવતા હોવાથી હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી અને રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. ગત વર્ષે નોંધાયેલી ભીડની સરખામણીએ આ વખતે મુસાફરોનો આંકડો લગભગ બમણો થઈ ગયો હોવા છતાં લાઈનસર વ્યવસ્થાને કારણે સ્ટેશન પર કોઈ મોટી અવ્યવસ્થા કે નાસભાગની સ્થિતિ સર્જાઈ નહોતી. બે દિવસમાં 60 હજાર મુસાફરો ટ્રેનમાં વતન રવાના પશ્ચિમ રેલવેના ડીઆરએમ (DRM) પંકજસિંગે જણાવ્યું હતું કે, દિવાળીના કારણે શુક્રવારથી જ લોકો નીકળવા લાગ્યા હતા. શુક્રવારે પગાર અને શાળાઓમાં વેકેશન શરૂ થતાં લોકો એકસાથે સ્ટેશને પહોંચ્યા હતા. શુક્રવારે 6 થી 7 સ્પેશિયલ ટ્રેનો અને નિયમિત ટ્રેનો મળીને અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શનિવાર-રવિવાર મળીને અગાઉ 15 હજાર મુસાફરો નોંધાતા હતા, ત્યારબાદ 25 હજાર થયા અને ગયા વર્ષે આ આંકડો 35 હજાર હતો. પરંતુ આ વર્ષે પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને માત્ર શનિ-રવિમાં જ 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાનું સંચાલન કરવામાં આવ્યું છે. દર 2 કલાકે સ્પેશિયલ ટ્રેનનું સંચાલન મુસાફરોને ઉધના સ્ટેશન પર વધુ સમય સુધી અટવાવું ન પડે તે માટે રેલવે દ્વારા રાઉન્ડ ધ ક્લોક ટ્રેનોનું શિડ્યુલ ગોઠવવામાં આવ્યું હતું. શનિવારે સવારે 5:30, 8:30, 10:10 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ, 11:30 અને બપોરે 1:00 વાગ્યે ટ્રેનો દોડાવવામાં આવી હતી. સાંજ પડતાં ફરી ભીડ વધતાં રાત્રે 10:00, 11:30, મોડી રાત્રે 1:30, વહેલી સવારે 3, 5, 7, 8 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ અને ત્યારબાદ તાપ્તી ગંગા તેમજ જયનગર સ્પેશિયલ સહિતની ટ્રેનો સતત દોડતી રાખવામાં આવી હતી. 15 કલાકમાં 12 ટ્રેન ઉત્તર-પૂર્વ ભારતની દોડાવાઈ ઉધના રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ ભીડ વ્યવસ્થાપન દાખવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 7 અને 8 નવેમ્બર દરમિયાન માત્ર 15 કલાકના ટૂંકા ગાળામાં રેલવે પ્રશાસને 9 સ્પેશિયલ અને 3 રેગ્યુલર મળી કુલ 12 ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કરીને અંદાજે 43,500થી 43,800 મુસાફરોની અવરજવરનું વ્યવસ્થિત સંચાલન કર્યું હતું. જેમાં જયનગર, મધુબની, કાનપુર, બ્રહ્મપુર જેવા ઉત્તર અને પૂર્વ ભારતના મુખ્ય રૂટો પર દોડતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ છતાં પ્લેટફોર્મ નંબર 6 સહિત અન્ય પ્લેટફોર્મ પરથી યોગ્ય સંકલન અને સુચારુ આયોજન થકી તમામ કામગીરી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પાર પાડવામાં આવી હતી. 15 હજાર ચોરસ મીટરના 3 સુવિધા કેન્દ્રો બફર ઝોન બન્યા રાત્રિના સમયે અચાનક વધતી ભીડને કાબૂમાં રાખવા રેલવે દ્વારા ત્રણ વિશાળ 'યાત્રી સુવિધા કેન્દ્રો' કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર નંબર 1: સૌથી મોટું કેન્દ્ર, જે આશરે 6,500 ચોરસ મીટરનું છે. કેન્દ્ર નંબર 2 અને 3: અનુક્રમે 2,500 અને 3,500 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે. 14 થી 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ કેન્દ્રોમાં પીવાનું શુદ્ધ પાણી, વીજળી, પંખા, શૌચાલય, વધારાની ટિકિટ બારીઓ અને સીસીટીવી કેમેરા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાઈ છે. આ કેન્દ્રો 'બફર ઝોન' તરીકે કામ કરે છે, જ્યાં મુસાફરોને પહેલાં બેસાડવામાં આવે છે અને ટ્રેન આવ્યા બાદ ક્રમબદ્ધ રીતે લાઈન કરાવીને સીધા કોચ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી પ્લેટફોર્મ પર ધક્કામુક્કી થતી નથી. ‘લાઈનમાં ઊભા રહેવું પડ્યું પણ ધક્કામુક્કી વિના સીટ મળી’ બિહાર જઈ રહેલા મુસાફર મુન્ના કુમાર સિંહે જણાવ્યું હતું કે, "સરકારે જયનગર સ્પેશિયલ ચલાવીને ઘણો સારો નિર્ણય લીધો છે. લાખો મુસાફરો જઈ રહ્યા હોવા છતાં પ્રશાસનનું વર્તન સહયોગી રહ્યું છે અને કોઈપણ પ્રકારની ધક્કામુક્કી વગર અમને લાઈનસર બોગીમાં બેસાડવામાં આવ્યા છે. અંત્યોદય એક્સપ્રેસથી પરિવાર સાથે જઈ રહેલાં મહિલા મુસાફર નીલમ દેવીએ જણાવ્યું કે, થોડીવાર લાઈનમાં ઊભા રહેવું પડ્યું અને સમય આપવો પડ્યો, પરંતુ વેટિંગ એરિયામાં પંખા અને પાણીની વ્યવસ્થા ઘણી સારી હતી. પ્રશાસનની હાજરી હોવાથી નાસભાગ જેવો કોઈ માહોલ નહોતો અને અમને ટ્રેનમાં આરામથી બેસવાની જગ્યા મળી ગઈ.
    Click here to Read More
    Previous Article
    સુપ્રસિદ્ધ મહુડી ધામમાં ભક્તિનો ઉમંગ:ભગવાન ઘંટાકર્ણ મહાવીરના વાર્ષિક હોમ-યજ્ઞ અને પ્રક્ષાલ વિધિમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું
    Next Article
    Naxals Wiped Out In Forests But 'Dimagi Naxals Hide Among Us': PM Modi In Bastar On Diwali

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment